Atulna Sansmarano - 7 - 8 books and stories free download online pdf in Gujarati

અતુલના સંસ્મરણૉ ભાગ ૧ - પ્રકરણ ૭ - ૮

પ્રકરણ ૭ - ૮ મારા રૂમ પાર્ટનરો એમ. સેબાસ્ટિયન, ચંપક ચોક્સી

પ્રકરણ ૭ એમ. સેબાસ્ટિયન.

મારા રૂમ પાર્ટનર, શ્રી એમ. સેબાસ્ટિયન. એનામલાઈ યુનિવર્સિટી કેરાલાથી લેક્ચરરશીપ છોડી ગુજરાત ૧૯૫૬માં આવ્યા. કોઈ પણ જાતના ડોળ કે આડંબર વગરના તદ્દન સીધા અને સાદા.સ્વભાવમાં બધાની સાથે હળીમળીને વાત કરે અને બધાની સાથે મિક્સ્ડ થઈ જાય. સિધ્ધાંત પ્રિય અને કઈંક અંશે જક્કી કઈ શકાય. તેમની મલયાલમ ભાષા આપ્ણી ગુજરાતી જેવી મૃદુ નહિ પણ આપણને સાધારણ તોછડી લાગે. દલીલ બાજીમાં તેમને પહોંચી વળાય નહિં. લિધી વાત હાથમાંથી છોડે નહિ. સામાનમાં ફક્ત એક શેતરંજી એક નાનું સરખુ ઓશીકું. પોર્ટફોલીઓ જેવા ચામડાના પાકીટમાં ફક્ત બે પેન્ટ, શર્ટ અને લુંગી. આપણા ગુજ્જુભાઈ જેવા બેગ બિસ્તરા નહિ. તદ્દન સીધા સાદા સજ્જન. શરૂઆતમાં તો ભાષાનો પ્રોબ્લેમ. તેમને ગુજરાતી તો બીલકુલ આવડે નહિ, હિન્દી પણ ભાંગ્યું તુટ્યું આવડે. બંદા પણ ગુજરાત યુનિવર્સિટિના ગ્રેજ્યુએટ, અને ગુજરાત બહાર પગ મુકેલો નહિ એટલે અંગ્રેજીનાં ફાંફા. આમ અમે બન્ને જણા એક બીજાની નબળાઈ (વીકનેસ) જાણીએ. પણ અમારું અન્ડરસ્ટેન્ડીંગ સારું તેથી ગાડું ગબડાવે રાખીએ.

એક શનિવાર ની વાત. ફોન દ્વારા વલસાડ લક્ષ્મી ટોકીઝમાં પીક્ચરની ટીકીટ બુક કરાવેલી તેથી ફેક્ટરીમાંથી છૂટી બસમાં સીધા જ વલસાડ. ૬ થી ૯ શોમાં પીક્ચર જોવા. પીક્ચર જોઈને પાછા ફરતાં છેલ્લી બસ ૧૦ વાગ્યાની મળે. પાછા ફરીએ ત્યારે તો મેસ બંધ થઈ ગઈ હોય. આજુ બાજુ વાળાને કહી ગયા હોઈએ તો મેસમાં આપણી થાળી ઢાંકી રાખે, પણ રાત્રે થાકીને આવીએ એટલે ઠંડુ ખાવાનું ભાવે નહિ. એટલે વલસાડ થી જ નાસ્તા પાણી કરી આવીએ. લક્ષ્મી ટોકીઝની પાસે આવેલી 'સુપ્રીમ'માં ગયા. 'સુપ્રીમ' એ અતુલિયનો માટે નોનવેજની જાણીતી અને માનીતી રેસ્ટોરન્ટ. સેબાસ્ટિયન મારો સ્વભાવ જાણે,હું ચુસ્ત સનાતની નાગર.નોન વેજ કે ઈંડાતો ન ખાઉં પણ લસણ, કાંદાની વાસ પણ મારાથી સહન ન થાય.સેબાસ્ટિયને મને પૂછ્યું કે મને નોન વેજ હોટેલનો વાંધો છે? મેં કહ્યું ના, હું નાસ્તો નહિ કરૂં તું તારે નાસ્તો કરજે હું ફક્ત તારી બાજુમાં બેસી રહીશ. અમે હૉટલમાં ગયા અને તેણે તેની પસંદગીનો નાસ્તો ઓર્ડર કર્યો. આજુબાજુ બધાજ નાસ્તો કરતા હતા.

હૉટલમાંં ચારેબાજુથી કાંદા લસણની તીવ્ર વાસ આવે જે હું સહન કરી શક્યો નહિ. તેણે અડધો પડધો નાસ્તો કર્યો હશે ને મને મને એકદમ જોરથી 'ઓ કરીને ઉબકો આવ્યો, સેબાસ્ટિયને તેનો નાસ્તો પડતો મુક્યો અને મને હાથ પકડી બહાર ખેંચી ગયો, અને સીધા બસ સ્ટેન્ડે અને બેક ટુ અતુલ. રાત્રે ૧૦ વાગે મેસ તો બંધ થઈ ગઈ હતી. વાંઢા વિલાસમાં ઘરમાં ખાવાનું શું હોય? તેથી બે ગ્લાસ પાણી પી ભૂખ્યા જ સૂઈ ગયા. આમ મારે લીધે તેને ભૂખ્યા રહેવું પડ્યું. આમ છતાં તેણે મારી કે અન્ય સમક્ષ કોઇ પણ દાદ કે ફરિયાદ કરી નથી.

તેમની સજ્જનતાનો બીજો દાખલો. રવીવાર રજાનો દિવસ. અમે બધા બેચલર્સ મોડા ઉઠીએ. તે રવીવારે વહેલો ઉઠે.નાહી ધોઈ તે તેના ચ્હા પાણી કરી સવારે ૦૮ ની બસ પકડી નિયમીત ચર્ચમાં જાય. હું સુતો હોઉં તો સહેજ પણ અવાજ ન થાય તેમ તેની કાળજી રાખે.હું રોજ સવારે નાહીને હું મારા પૂજા,પાઠ પ્રાર્થના કરૂંં. અમારા બેચલર્સ ક્વર્ટરમાં બે રૂમ, અંદરના રૂમમાં હું પ્રાર્થના કરતો હોઉં ત્યારે તે રૂમમાં આવી મને ખલેલ ન પહોંચાડે. ગમે તેવુ તેનું અરજન્ટ કામ હોય મારી પ્રાર્થના પુરી થાય ત્યાં સુધી તે રોકાઈ રહે.

???????

પ્રકરણ ૮. ચંપક ચોક્સી (ચસકી)

કંપની 'ડેવલપમેન્ટ સ્ટેજ'માં હોવાથી દરેકને સ્વતંત્ર ક્વાટર આપી શકવાની સ્થિતિમાં ન હતી. નવા ક્વાટર્સ બંધાતા હતા. તેથી નવા નોકરીયાત 'રીક્રુટ'ને E Type ક્વાટરમાં રહેવા માટે રૂમ આપતા. આવા ૧૨ રૂમ હતા. દરેક રૂમમાં બે બે અને કોઈ રૂમમાં ત્રણ જણા રહેતા હતા. જમવા માટે કંપની તરફથી પાસે જ શ્રી બાલુભાઈ દેસાઈની 'મેસ' ચાલતી હતી કૉલેજમાંથી સીધા જ ભણીને આવેલા, બધાજ કાચા કુંવારા હતા, તેથી આ કોલોનીને 'વાંઢા વિલાસ, બેચલર્સ ક્વાટર' કહેતા.

રૂમ નંબર ૭ માં શ્રી નીરંજન પરીખને આર.સી. મહેતા, ૮ મા શ્રી ભલ્લાને જયંત મહેતા અને ૯ મા હું તથા સેબાસ્ટિયન રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા. રૂમ પાર્ટનર રૂમમાં ચ્હા બનાવે હેર ઑઈલ,સાબુ વગેરે, વાપરે અને કામવાળી બાઈ આવે તે કપડાં વાસણ કરી જાય, તેનો માસિક પગાર વગેરે કોમન ખર્ચમાં ગણી મહિનાની આખરે ટોટલ કરી બે કે ત્રણ પાર્ટનર હોય તે પ્રમાણે સરખે ભાગે વહેંચી લેતા.અમદાવાદના મારા કૉલેજના એક મિત્ર શ્રી સી. પી. ચોક્સી. અતુલમાં નોકરીએ જોડાયા. તેમને 'ડાય ટેસ્ટીંગ લેબ'માં કેમીસ્ટ તરીકે એપોઅઈન્ટમેન્ટ મળી નોકરીએ દાખલ થયા. તેમને અમારી રૂમમાં થર્ડ પાર્ટનર તરીકે મુક્યા. ચ્હા, ખાંડ, દુધ, સાબુ, તેલ વગેરેનો જે ખર્ચ થાય તે હું અને સેબાસ્ટીયન મહિનાની આખરે સરખે ભાગે વહેંચી લેતા. થર્ડ પાર્ટનર મી ચોક્સી, તેમનું બધું જુદું રાખે અને અમને તેનો વાંધો નહોતો.

મારે અને સેબાસ્ટિયનને જનરલ શીફ્ટ એટલે કે સવારે ૦૮ થી સાંજે ૦૫ ની ડ્યુટી હતી જ્યારે શ્રી ચોક્સીને તેમની લેબમાં પહેલી અને બીજી પાળી હોય. ચ્હા,ખાંડ દુધના પૈસા જે અમે સરખે ભાગે વહેંચી લેતા હતા, તે ના આપે કારણ કે તેઓ પોતાની વસ્તુઓ જુદી રાકે, અને કહે કે હું ચ્હા પીતો નથી. તેમની વાત તો વ્યાજબી હતી કારણ કે સવારે તેઓ જાય ત્યારે ચ્હા પીતા નહોતા તે અમે જાણતા હતા; પરન્તુ બપોરે અમે બંન્ને ડ્યુટી ઉપર હોઈએ ત્યારે બીજી પાળીમાં તે બપોરે ૩-૩૦ વાગે જાય ત્યારે છાના માના ચ્હા પીને જાય, ચ્હાના વાસણો ધોઈ વ્યવસ્થિત મુકીને જાય. તેથી અમને ખબર ના પડે. ચ્હા ખાંડ એક બે ચમચી જેટલી થોડી વપરાય તેથી અમારી નજરે ના આવે. "ચોર ચોરી તો કરે પણ તેની છાપ છોડી જાય દુધની તપેલીમાં દુધ ઓછું થાય તે તપેલીના અંદર દુધના માર્ક - નીશાનીથી ખબર પડે.

સેબાસ્ટીયને મને કહ્યું કે ખાંડ ચ્હાનો વપરાશ વધી ગયો છે. મને મી ચસકી ઉપર ડાઉટ છે. (ચોક્સીનો ઉચ્ચાર તે ચસકી કરતા.) કારણ કે આપણે બે સાથે જ ડ્યુટી ઉપર જઈએ છીએ સાંજે સાથે જ પાછા આવીએ છીએ, કામવાળી બાઈ પણ આપણી હાજરીમાં જ કામ કરીને જાય છે. તેણે તપેલી મને બતાવી ને કહ્યું કે તો પછી આ દૂધ ઓછું કેમ થાય? મી ચસકી જ રૂમ ઉપર હોય છે, તેમણે મને દુધની તપેલી બતાવી સાબીત કર્યું. કે આ દુધ ઓછું કેમ થાય ? આમ તેઓની પોલ ખુલ્લી પડી ગઈ અને લોકોએ તેમને ચોક્સીને બદલે સેબાસ્ટીયનની માફક ચંપક ચસકી કહી ચીડવવા લાગ્યા. તારૂં મારૂં સહિયારૂં; મારૂં મારા બાપનું !!! ટુંકમાં તારી વસ્તુમાં મારો ભાગ પણ મારી વસ્તુ મારી પોતાની, એકલાની તેમાં તારો ભાગ નહિં. અમે તેમને સમજાવતાં કહ્યું કે દરેક રૂમમાં દરેક પાર્ટનર આ મુજબ ખર્ચ સમાન ભાગે વહેંચી લે છે તો તમે પણ અમારીસાથે તમારા ભાગનો ખર્ચ સમાન ભાગે વહેંચી લો. તેમણે તો તેમનો સ્પ્ષ્ટ જવાબ આપ્યો કે હું મારી વસ્તુઓ સ્વતંત્ર રાખું છું પછી તમને શા માટે આપું ? આમ અ તેઓ નામક્કર ગયા. આખરે બધા ભેગા થઈ મીટીંગ બોલાવી જણાવ્યું, અને તેમનો હુરિયો બોલાવ્યો. પછી તો તેઓ વરસ એક સર્વિસ કરી અમદાવાદ ભેગા થઈ ગયા.

???????