Madhyahe ast books and stories free download online pdf in Gujarati

મધ્યાહ્ને અસ્ત

મધ્યાહ્ને અસ્ત : હૃદય વલોવી નાખતી કથા

પિતાનો આહલાદક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ, આ બે ભેગું થાય અને આકાશમાં ચઢે ને એની વાદળી બંધાય અને ધોધમાર વરસે...એનું નામ દીકરી.

‘દિકરી વહાલનો દરિયો’ અને એ જ વહાલી દીકરી-મેઘાની કરુણાંત કથા એક અભાગી બાપ આલેખે ત્યારે કઠણ કાળજુ ધરાવનારની યે આંખો ભીની થઇ જાય. 

હમણાં જ શ્રી રમણ મેકવાનના ‘મધ્યાહ્ને અસ્ત’ પુસ્તકના વાંચનમાંથી પસાર થયો. મન સૂન્ન થઇ ગયું. હૃદય હચમચી ગયું. એક બાપ વહાલસોયી દીકરીની વાત પોતાનું હેયું નીચોવીને આલેખે છે. હૃદય સોંસરવા નીકળી જાય તેવાં સાચકલાં સંવેદનો નિરૂપી, પ્રસંગોને કલ્પનાના વાઘા પહેરાવ્યા સિવાય કે અલંકારોના ગાભા વીંટાળ્યાં વિના તદ્દન સાદા વાક્યોની ગૂંથણી થકી વાસ્તવદર્શી ચિત્રણ લેખક આલેખે છે, જેથી ભાવકને લાગ્યા વિના નથી રહેતું કે આ ખાલી એક કથા નથી, એક ઘટના નથી, પણ એક દીકરી ઘેલા બાપે વાગોળેલ સંસ્મરણો છે. 

મેઘા- લેખકની સૌથી નાની દિકરી, ચંચળ, ચપળ, જીદ્દી, નિજાનંદમાં મસ્ત રહેનારી, હસમુખી ને સૌને વહાલી એવી મેઘા ભરયુવાનીમાં કેન્સરગ્રસ્ત થઇ મોતને ભેટે છે. તેની કથા વાંચતા જ કવિ ઉમાશંકર જોષીએ રચેલ હાઈકુ યાદ આવી જાય છે, 

ઝાકળ જેવું
જીવી ગઈ તું, હવે
સ્મરણો ભીનાં.

અને આ ભીનાં સ્મરણો થકી કથા કહેવાઈ છે. નાનપણમાં જ મોતનાં મુખમાં ધકેલાઈ ગયેલ મેઘાને નિહાળી પડોશી વૃદ્ધા શબ્દ ઉચ્ચારે છે, ‘છોકરી આવરદા લઈને આવી હશે તો ચોક્કસ બચી જશે.’ અને ડોક્ટરોએ પણ હાથ ખંખેરી નાખેલ હતાં તે મેઘા બચી જાય છે. લેખકના શબ્દોમાં જ ‘આ બીમારી બાદ એને નખમાંયે રોગ ન’તો.’ અને આ જ મેઘા યુવાનીમાં કેન્સરનો કોળિયો બની જાય છે ત્યારે એ માજીના શબ્દો યાદ આવી સમજાવી જાય છે કે, ‘મેઘાની આવરદા બસ આટલી જ હશે.’  

શિક્ષક બનાવવા માંગતો બાપ ઓછા ટકા આવવાથી મેઘાને પીટીસી કરાવી શકતો નથી અને બેનપણીઓને વાદે મેઘા કોમર્સ કોલેજમાં એડમિશન લઇ સી.એ. થવાની મહેચ્છા સેવે છે. ત્યાં ના ફાવતા અધવચ્ચે કોલેજ છોડી દઈ નર્સિંગની તાલીમ લેવાની વાત કરે તો પણ પિતા સ્વીકારી લે છે. બે વર્ષની તાલીમ બાદ યોજાતી પરીક્ષામાં બબ્બેવાર નાપાસ થાય છે ત્યારે ‘પૈસા પાણીમાં ગયાં’ એવો ઉદગાર કાઢી બાપ ઠપકો આપે છે તો બિન્દાસ્ત બોલી ઊઠે છે, ‘પપ્પા, ટેન્સન નહિ લેવાનું.’ અને આખરે પરીક્ષા પસાર કરી ખંભાતમાં જનરલ હોસ્પિટલમાં નોકરી પણ મેળવે છે. અપડાઉન ના ફાવતા ત્યાં જ ભાડે ઘર રાખી રહે છે. પૈસા બચાવવાની શિખામણ આપતી માતાને એ ફિલસૂફીના બે વેણ સંભળાવે છે, ‘મમ્મી, જિંદગી એક જ વખત આવે છે. આથી ભોગવાય એટલી ભોગવી લેવાની. કાલે મરી જઇએ તો!!!’

અને ખરેખર તેનું અકાળે અવસાન થાય છે ત્યારે વાચકના મનમાં આ શબ્દો પડઘાયા કરે છે, અને અનાયાસે જ ફિલ્મ ‘આનંદ’ નો રાજેશખન્ના યાદ આવી જાય છે.

આવી મેઘા વિશે લેખક લખે છે, ‘જીદ્દી, કોઈનું માને નહિ, ધાર્યું કરવાની ટેવવાળી, બિલકુલ નફકરી,બિન્દાસ્ત. એથી તો એણે અમારી લાગણીને ઠેસ મારી, કશી પરવા કર્યા વિના, મનપસંદ છોકરા સાથે સંસાર માંડી બેસી ગઈ.’ અને મેઘાના આ કૃત્યથી નારાજ થઇ લેખક તેની સાથેનો બધો વ્યવહાર કાપી નાખે છે ત્યારે લેખકના મોટાભાઈ-જાણીતાં સાહિત્યકાર જોસેફ મેકવાન સમજાવે છે, ‘જો ભાઈ, આપણે લખીએ છીએ, લખીને સમાજ સુધારાની ધૂણી ધખાવી છે. આથી માત્ર લખીને જ નહિ, પણ આપણા વર્તનમાં ઉતારી સમાજને દાખલારૂપ બનીએ તો જ આપણું લખેલું સાર્થક ગણાય.’ અને લેખક મેઘાને અપનાવી લે છે.

મેઘા સાસરીમાં પણ બધાનાં દિલ જીતી લે છે. લેખક આલેખે છે, ‘સાસરીપક્ષે મેઘાને સર આંખો પર રાખી. એ લોકો માયાળું-વ્યવહારું હતાં. મેઘાને જે મોજશોખ અમે કરાવી શક્યાં ન હતાં, એ બધાં શોખ મેઘાએ સાસરીમાં પૂરાં કર્યાં.’ એમાંયે મેઘાના સસરા-પ્રવીણભાઈનું જે ચિત્ર લેખકે ઉપસાવ્યું છે, તે જ સાબિત કરે છે કે, સાસરીમાં મેઘા વહુ નહિ પણ દીકરી જ હતી. તેમણે મેઘાની બીમારી વખતે લીધેલ કાળજી સૌ કોઈ માટે નમૂનારૂપ બની જાય છે. 

  કેન્સરગ્રસ્ત દશાના મેઘાના દિવસોનું હૃદયદ્રાવક વર્ણન લેખકે કરેલ છે. ઓપરેશન માટે જતી મેઘાના માથે હાથ મૂકતાં લેખક કંપી ઊઠે છે, ‘મેઘાએ મારી સામે જોયું. આંખોમાં એ જ રમતિયાળ હાસ્ય ને ખુમારી હતી.’ અને આખરે મેઘા આ સંસારમાંથી વિદાય લે છે. મેઘાએ પ્રેમલગ્ન કર્યાં હોય કન્યાવિદાયનો પ્રસંગ બન્યો ના હતો, પણ આ આખરી વિદાયનું વર્ણન કાળજું કંપાવી દે છે. લેખક વર્ણવે છે, ‘ઘરમાં જ્યાં મેઘા સૂતી હતી, ત્યાં એની પથારી પાસે જઈ ઊભો રહ્યો. એની આખરી ઈચ્છા પ્રમાણે એની નણંદે એનાં માટે તાત્કાલિક લગ્નને અનુરૂપ સુંદર મેક્ષી તૈયાર કરાવી હતી. એમાં સજ્જ મેઘા નવીનવેલી દુલ્હન શી દીસતી હતી. જાણે હમણાં જ ચર્ચમાં પ્રભુતામાં પગલાં માંડવા ના જઈ રહી હોય!!! અને એનો આનંદ એનાં સૌમ્ય મુખારવિંદ પર હળવા સ્મિતથી અંકિત થયો હતો. એને જોઈ મારાં ગળામાંથી ડૂસકું નીકળી ગયુ અને લાંબા સમયથી રોકી રાખેલ અશ્રુબંધ એકદમ તૂટી ગયો. ભાન ભૂલીને મેં જોરથી પોક મૂકી.’

શરૂઆતમાં જ લેખક નોંધે છે, ‘મેઘા મારી પુત્રી નહિ, પણ મારી સખી હતી. મેઘા મરી નથી, અહીં તહીં બધે જીવે છે.’ અને ખરેખર લેખકે પોતાની વહાલી દીકરીની આ કથા આલેખી તેને અમર કરી દીધી છે.  

દીકરીના આંખમાંથી આંસુ લઇ
ખરેખર, આજે હું ખૂબ રડ્યો છું...
ભાંગતા હૃદયે, તૂટતા શ્વાસે તને વિદાય આપીને,
ખરેખર, આજે હું ખૂબ રડ્યો છું.
ભરબપોરે ડૂબાડી સૂરજને તેં અંધારું કરી નાખ્યું,
યાદ કરી તને, ખરેખર, આજે હું ખૂબ રડ્યો છું.

-----રાજેશ ચૌહાણ