Kurbani books and stories free download online pdf in Gujarati

કુરબાની

:- કુરબાની :-

તમે મારું નહીં સાંભળશો.તમે પોતે દુ:ખી થાવ છો અને મને દુ:ખી કરો છો.કંઈ કશું કહું તો મારી સામે ધૂરક્યા કરો છો.જે ગયો તે ગયો ,થોડો પાછો આવવાનો? ખરેખર લોકો સાચું કહે છે કે તમે જિદ્દી છો. બસ તમારું ધાર્યું તમે કરવાનાં.

સવાર પડે એટલે બંધ બારી બારણાં ખોલી નાખો.એકીટશે જોયા કરો એ આશાએ કે હમણાં આવશે.આ આશા તરતી રહે છે કારણ તેને જતાં જતાં કહ્યું હતું કે તે જરૂર આવશે.વરસ નહીં વરસો વીત્યાં પણ ન કાગળપત્ર કે સંદેશો. ક્યાં છે, શું કરે છે.રાત પડે , કમને બારીઓ બંધ કરો. દરવાજો ખૂલ્લો રાખો કારણ આશા જીવંત છે.કદાચ આવશે.રાતની શાંતિ જ્યાં હ્રદયનાં ધબકારા સંભળાય ,ત્યારે હળવેથી બારણું હું બંધ કરું છું. પણ તમારી પાંપણો ઉપર નીચે થઈ સ્થિર થઈ જાય.હું તમને જોયા કરું અને મારી આંખો મારી જાણ બહાર બીડાઈ જાય.

માણસનો સ્વભાવ ના બદલાય,મરે ત્યાં સુધી.સ્વભાવ બદલવા પ્રયત્ન થાય,જાણે ઠરેલો જ્વાળામુખી.ગમે ત્યારે ફાટી નીકળે. તમે પણ પ્રયત્ન કરતા રહ્યાં પણ ન ફાવ્યા! એમાં તમારો પણ દોષ નથી.પ્રકૃતિ નિયમ કામ કરી જાય છે.ધીમે ધીમે તમે સૌથી થતાં ગયાં અગળા.તમે તમારું સત્ય સ્વીકારી લીધું, જેવા છીએ તેવા ખરાં! પરિણામે તમે દુ:ખની વ્યાધિથી વિમુખ થતાં ગયાં અને નિજાનંદની મસ્તીમાં ટહેલવા લાગ્યાં! કહેવાયું છે કે કુદરત હંમેશા કોઈ ને કોઈ બારી કે ખડકી ખૂલ્લી રાખે છે.જ્યાંથી કિરણની નાની રજ પ્રવેશી શકે છે અને આ કિરણ જીવન જીવવાની એક ચિનગારી છે. મા વિનાની હું ગુલાબની જેમ સદા ખીલતી રહું એ માટે તમે ફરીવાર લગ્ન ન કર્યા તે હું જાણતી હતી.અને મેં તમને મારી માની ખોટ જણાવા દીધી નથી.તમારી ખુશીમાં મારી ખુશી મારો જીવનમંત્ર હતો.અને તમે પણ મારી માની મમતા મહેંકતી રાખી હતી તમારા લાડપ્યાર પાથરીને.નદીની જેમ વહેતી જિંદગી એક ઉંમરે ડગમગવા લાગી.એ હતી મારી યુવાની.તમે મને જોઈ રહેતાં એક અજનબી નજરથી.હું પૂછતી ,તમે શું જોઈ રહ્યાં છો મારામાં. તમે કહેતા કે તમારી ઈચ્છા છે મને મારું ગમતું પાનેતર પહેરાવવાની. મને તમારી વાત ના ગમતી પણ મારાં નસીબમાં રિસાવવું ન હતું.તમારી લાગણીને ઠેસ પહોંચાડવાની મારામાં હિંમત ન હતી.તમે દેખાવ છો તેવા નથી.તમારું હૈયું લાગણીનાં ફૂલો જેવું નાજુક, કોમળ, માખણ જેવું છે.મને ડર લાગે છે રજ જેવી મારી ઉદાસીથી ક્યાંક તમને ઉઝરડો ન પડે. તમે કાચ જેવાં છો.ફૂટતાં વાર ના લાગે. ભલે તમે ખુશીનો નકાબ પહેરી ફરો.

તમારા મિત્રે એક નવ જુવાન બતાવ્યો તમને.તેને જોતાં જ હું તેનાં પ્રેમમાં પડી.આ અઢી અક્ષરે મને ગાંડીધેલી કરી નાખી. તે લશ્કરી મેનેજર હતો. શરીરનો બાંધો ભલભલાને શરમાવે તેવો. હું તેની વાતોમાં ઓગળતી ગઈ.સરહદ પર સૈન્યના રૂંવાડા ઊભા કરી નાખે એવી પ્રભાવશાળી કામગીરીની વાતો સાંભળી મને તે હીમેન લાગવા માંડ્યો. વાતવાતમાં મેં કહ્યું કે મારે પણ તેની સાથે સરહદે જવાની ઈચ્છા છે. તે ખડખડાટ હસ્યો.મારાં ગાલે ટપલી મારી. મને જોઈ રહ્યો.મેં એની ભરાવદાર મૂછો ખેંચી પૂછયું

“ મને લઈ જઈશ?”

“ ના.ત્યાં ફક્ત આર્મીમેન જઈ શકે.ત્યાં જિંદગી સ્વપ્ન છે અને મોત હકીકત.એકાદ ક્ષણમા બાજી પલટાઈ જાય”.

“ ત્યાં તને ડર ના લાગે?”

“ ના.દુશ્મનની તલાશ એ લક્ષ હોય છે.એ વખતે બીજું કશું યાદ નથી આવતું.જેમકે..”

“ જેમકે.. પછી શું?”

તે હસ્યો.તેને સાથ આપવા હું પણ એક ઝરણાંની જેમ હસી પડી.

“ જેમકે તું પરીક્ષા આપવા જાય ત્યારે...”

“ હા.તે વખતે બીજું કશું યાદ ન આવે.વાહ તારી સમજાવાની રીતે ને ધન્યવાદ!”

મારાં નયનરૂપી છાબડીમાં મારાં શમણાંનાં ફૂલો મહેંકી રહ્યાં હતાં.મારાં અંગેઅંગમાં મસ્તીથી છલકાતી શરારત હતી.એવું લાગી રહ્યું હતું કે પ્રીતની ઢગલી પરથી પથરાયેલી અણસમજની ધૂળ ઊડી રહી હતી!

દરવાજે તમને ઊભેલા જોયા.તમારા ચહેરા પર હું ક્યાં હતી નાં પ્રશ્નો છવાયેલાં હતાં.તમે કદાચ પહેલી વાર મને સૂરજ આથમ્યા પછી ઘરમાં પ્રવેશતી જોઈ રહ્યાં હતાં.પહેલી વાર આપણાં વચ્ચે ન સમજાય તેવી આડાશ રચાઈ ગઈ હતી.તમે હીંચકે આંખો બંધ કરી ઝૂલી રહ્યાં હતાં.હું વારંવાર તમને જોયાં કરતી હતી.કદાચ મને, કદાચ તમને મારી માની જરૂર સમજાઈ હશે.તમે મને કશું પૂછવા માંગો છો.હું તમને કશું ક પૂછવાં માંગું છું.સમય વિસ્મય થી આપણને જોઈ રહ્યો છે.તમારી પાસે ઊભી રહી.પૂછવું છે પણ પૂછી શકતી નથી કે તમે ચૂપ કેમ છો.તમારા માથામાં તેલ હળવેથી રેડ્યું.હીંચકો ઝૂલતો બંધ થઈ ગયો. તમે પાંપણો ખોલી .મને જોતાં રહ્યાં.વળી પાછી આંખો બંધ કરી અંધારાં માં ખોવાઈ ગયાં.હું તમારું માથું ઘસતી રહી બે હાથે. “ બસ બેટા, સૂઈ જા. થાકી ગઈ હશે.બપોરે પણ તે તારો સૂવાનો ક્રમ તોડ્યો છે.” હું તેમની સામે ઊભી રહી.ધીમેથી પૂછયું, “ તમે ક્યાં ખોવાયા છો? તમારું વર્તન આજે ન સમજાય તેવું છે?”

“ હા. કારણ હું મારી ચાલમાં ફસાઈ ગયો છું. ઊંટ કાઢતાં બકરું પેઠું!”

“ કંઈક સમજાય એમ બોલો..”

“ મેં તને છોકરો કેવો છે તે જોવાનું કહ્યું હતું, પણ તું તેનાં પ્રેમમાં પડી ગઈ.”

“ છોકરામા કોઈ ખામી?”

“ હા.એ ખામી તે નજર અંદાજ કરી નાખી?”

“મને કશું અજુગતું ન લાગ્યું.તમને શું નજરે ચડ્યું?”

“ તને કંઈ ન દેખાયું”?

“ના.”

“ એ સૈન્યમાં છે.”

“ હા. મને ખબર છે.”

“ છતાં, તું આગમાં કૂદવા તૈયાર છે.”

“ એટલે?”

“ તારું મગજ ઠેકાણે છે કે બેટા..” સંતુલિત સ્વરે મને પૂછ્યું.

“ હા.પ્રેમમાં પડી છું.પણ ગાંડી નથી થઈ.તમે શું કહેવા માંગો છો તે સમજી રહી છું.”

“ સમજે છે છતાં આગ સાથે રમી રહી છે?”

“ કઈ આગ? તે સૈન્યમાં છે માટે તમને વાંધો છે, કેમ ખરું ને?”

“હા”

“ પણ કેમ? તમે તો મને દેશભક્તિનાં પાઠ ભણાવ્યા હતાં.ભૂલી ગયા? ઝંડા ઊંચા રહે હમારા,..”

“ મહેરબાની કરીને ચૂપ થઈ જા...”

“ઓહ, એક બાપ તરીકે તમારા મનમાં ડર છે કે હું ક્યાંક વિધવા બનું તો..”

“ હા. એ જ ડર છે બેટા..”

“ અને એમ થાય તો તમારા માથે બોજો..”

“ આગળ ના બોલીશ બેટા.બીજાનો ડર નથી પણ હું ન હોઈશ ત્યારે તારું શું?”

“ મારી મા વગર હું પણ જીવી, પત્ની વગર તમે પણ જિંદગી ખેંચી કાઢી.અને..”

“ મને ઉપદેશ ના આપ.જાણી જોઇને આગમાં ના કૂદાય..”

“ પપ્પા, લાગણી માણસને નબળો બનાવે છે અને આશા અમરત્વ તરફ લઈ જાય છે.બાકી ક્ષણભંગુ જિંદગીને મમત્વથી ના બાંધો.”

“ ઠીક છે.તારો નિર્ણય તું લઈ શકે છે. ઈશ્વરેચ્છા બલીયસી.બીજું શું કહું.”

“ ખરેખરને .તમને દુ:ખ થતું હોય તો મારી ઈચ્છા નથી.”

“ ના બેટા.. સંતોષ છે મને. જે કાંઈ થાય છે તે સારા માટે થાય છે.હવે હું મુક્ત થઈશ.તને પાનેતર ઓઢાડી ને સૂઈ જઈશ શાંતિથી.”

“ કેમ, બહુ ઉતાવળ થઈ છે મને છોડીને જવાની? તમારા પોતાપોતીને આર્શીવાદ કોણ આપશે?”

“ હા રે એતો ભૂલી જ ગયો.”

પણ.. એ જ વાત તમે ન ભૂલ્યાં, જે ભૂલવા જેવી હતી. તમારો વાંક નથી.ક્યારે ક કુદરતનાં પ્યાદા બની જવાય છે .કોણ સાચું, કોણ ખોટું સમજી શકાતું નથી. તમારાં આર્શીવાદો થી સમયનાં અભાવે અમારા લગ્ન સાદાઈથી થઈ ગયાં.આલોકને માત્ર દસ દિવસની વધારાની રજા મળી.તમે સામે ચાલીને અમારા નવા જીવનમાં પ્રાણ રેડ્યો.અંબાજી દર્શન કરી માઉન્ટ આબુમાં હનીમૂન ઉજવી એક નવા જીવનનું ભાથું બાંધ્યું.કુદરતનાં સૌંદર્યનો આહ્ લાદક આનંદ માણ્યો.આલોકે મને તમારી સાથે રહેવાની છૂટ આપી એ સાંભળી તમને મારી પસંદગી પર આનંદ થયો.જોતજોતામાં એ પળ આવી પહોંચી જે આપણે જાણતા હતા.આઈ લવ યુ,મીસ યુ સાથેની વિરહની ક્ષણો તમે ભીની આંખે જોતાં રહ્યાં.

મારી માની ઓરડી જે વર્ષોથી બંધ હતી તેને તમે નવી દુલ્હનની જેમ સજાવીને મને આપી.જ્યારે તમને ખબર આપ્યાં કે તમે નાનાં બનવાનાં છો ત્યારે તમારી આંખોમાંથી અમી ઝરણાં વહેવા લાગ્યાં એ વિચારે કે આપણાં ઘરમાં વર્ષો પછી ઘોડિયું બંધાશે.ઘરમાંથી બહાર જવાની મનાઇ કરી અને પાડોશમાં રહેતાં કાશી બેનને રસોઈપાણી માટે રાખી લીધાં.મને સંપૂર્ણ આરામ કરવાનીતાકીદ કરી.જેમ જેમ દિવસો નજીક આવતાં ગયાં તેમ મારી બેચેની થી તમે ચિંતાતુર થઈ કોઈ અકલ્પનીય ભયમાં જીવવા લાગ્યાં.આ બાજુ આલોક પણ ફોન દ્રારા પૂછપરછ કરી આવનાર બાળકનો નકશો દોરવા લાગ્યો.છોકરો આવે તો તેનાં જેવો ફોજી બનાવવાનો અને બેબી આવે તો ડોક્ટર જેથી ધાયલ ફોજીઓની સેવા થઈ શકે.તેની હામાં હા મેળવી અમે ખુશ થતાં હતાં.આ વાત એક દિવસ તમને જણાવી તો તમારો મૌન ગુસ્સો મને દઝાડી ગયો.

અને એ દિવસ આવી પહોંચ્યો.બાળક જન્મ્યો તે સમાચાર થી ઘરમાં આનંદનો ઉત્સવ ફરી વળ્યો.આલોકને આ ખુશીના સમાચાર પહોંચાડવા તમે કોશિશ કરી પણ સંપર્ક ન કરી શક્યા.અને બીજે દિવસે સમાચાર મળ્યા કે આલોક દુશ્મન સામે લડતાં શહીદ થયો છે.

સરકારી શિષ્ટાચાર મુજબ આલોકનાં અગ્નિસંસ્કારનાં તમે સાક્ષી બન્યાં અને હું જોતી રહી જિંદગીનો ખેલ ચોળાયેલી આંખોથી. ગામ આખું દેશભક્તિનાં રંગે રંગાયું હતું.ગામમાં ઉત્સવ,ઘરમાં માતમ અને મારાં હોઠો પર ગૂંજતું હોય હાલરડું અને આંખોમાંથી વહેતાં હોય વિરહનાં અશ્રુઓ.તમારી ઉદાસી જોઈ ન જાય.મારાં રૂમમાં આવતાં તમે ધ્રૂજતા હતાં.આખરે હું કાશીમાનો હાથ પકડી તમને મળવા આવી.મને જોતાં જ તમારાથી એક પોક મૂકાઈ ગઈ.કાશીમા એ ઘાંટો પાડીને તમને ચેતવ્યા.ક્યાંય સુધી રડતાં રહ્યાં.મારાં હાથમાંથી મારું બાળક લઈ તેને જોઈ રહ્યાં. તેને થપેડ્યો.હૈયે વળગાળ્યો.પછી ધીમેથી બોલ્યાં, “ બેટા, હું હજી જીવતો છું.તારી રક્ષા કરીશ.તે માટે મૃત્યુને લલકારીશ.” મારો હાથ પકડી મને તમારી બાજુમાં બેસાડી હૈયે ચાંપી.મારાં માથે હાથ ફેરવી એટલું જ બોલ્યાં, “ બેટા, તારો બાપ છું.તારી આંગળી પકડીને તારો સંસાર સાગર તને પાર કરાવીશ.....”

એક તોફાની વાવાઝોડું ત્રાટક્યું, પસાર થઈ ગયું.અને માની લીધેલાં દુખનો બરફીલો પહાડ પીગળતો ગયો.અને વસંતનો નજારો પથરાતો ગયો.તમારો ચહેરો દાદા,દાદાના ગૂંજનથી ગુલાબી થતો ગયો અને ઘર કલરવથી રમતું થયું.એક વાત સમજાણી જીવનમાં સુખ દુ:ખ આવે છે, જાય છે અને લાગણીઓ પળ બે પળ ડૂબકી મારી સ્વસ્થતા પ્રાપ્ત કરી રોજિંદો લય પ્રાપ્ત કરી લે છે કે જાણે કશું બન્યું નથી. તમે અને હું વર્તમાન કેડી પર ચાલતાં રહ્યાં. ધવલ,મારો પુત્ર.શાળામાં પોગ્રામ હતો વેશભૂષા હરિફાઈનો. એની ઈચ્છા અનુસાર એ ફોજી બન્યો. એને જોતાં જ મારાં બંધ પટારામાં દાટી દીધેલાં સંભારણાં મને શૂળની જેમ ડંખવા લાગ્યાં.પણ આ વેદના ક્ષણભંગુ નીકળી. આ પણ કુદરતની અનોખી લીલાં.મને ધવલમાં આલોકના દર્શન થયાં. આ દર્શન મારા જીવનમાં ઝંઝાવાત લાવ્યો.

એ રાતે તમે ધવલની શાળાનો કાર્યક્રમ જોઈ પાછા વળ્યાં ત્યારે નાખુશ હતાં.એક ફોજીની એક્ટિંગ કરી પ્રથમ નંબરે આવ્યો છતાં તમે નાખુશ હતાં કારણ તમને ફોજી નામથી નફરત હતી.આ બાજુ ધવલ બાપની જગા લેવા થનગની રહ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે તમે મનોમન એક અજ્ઞાત ભયનાં શિકાર બન્યાં.

એક સાંજે તમે મને કહ્યું કે ધવલના લક્ષણ સારાં નથી જણાતાં.હું આ સાંભળીને ગભરાઈ ગઈ.

“ કેમ? શું કર્યું?”

“ બસ, જ્યારે ને ત્યારે એક જ વાત કરે છે.”

“ કઈ વાત?”

“ મોટો થશે તો આર્મી જોઈન્ટ કરશે”.

“ ઓહ.. એમ વાત છે..તમે તો મને ડરાવી દીધી.” કહી હું હસી પડી.

“ આમાં તને હસવું આવે છે?”

“ હસવું ન આવે તો શું આવે? હું રડું?”

“ મને સમજાતું નથી કે તું કઈ માટીની બનેલી છે.આટઆટલા દુખ વેઠ્યા છતાં સમજતી નથી..”

“ આ તો છોકર રમત છે.એની વાતોને ગંભીર લેવી ન જોઈએ.”

“ આ તને ચેતવી રહ્યો છું.કાલ ઊઠીને એવું ના બને કે પાછા ફરવું મુશ્કેલ બને.”

“ જેવાં મારા નશીબ.બીજું શું કહું? અને આયુષ્યની રેખા માનવી જન્મે ત્યારે લખાવીને જ લાવે છે ને! પપ્પા એક વાત સમજો.આપણાં હાથમાં કશું નથી.જન્મ મરણ નાં વિચારોને બાજુ પર મૂકી સમયને અનુરૂપ થઈને જીવી લઈએ. શા માટે તમે નાહકની ચિંતા વીણ્યા કરો છો.” “ઠીક છે.તારી વાત સાચી છે પણ હું સમજી શકતો નથી તેનું શું? રાતદિવસ કોઈ અજ્ઞાત શક્તિ મને અમંગળ દ્શ્યો બતાવ્યાં કરે છે.” “ ના પપ્પા.તમે તમારા ભૂતકાળને છોડતાં નથી.તમે તમારા અતીતને પકડી રાખ્યો છે.એનું આ પરિણામ છે.”

“ કદાચ,તું ખરી ઠરે.પણ ધવલને સમજાવતી રે’જે..”

તમારા મનની વાત ધવલને કરી.તે હસવા લાગ્યો.લાગણી,મમતા, માયાથી મુક્ત યૌવન આ બધું ક્યાંથી સમજે.પણ એક વાત સમજાવી શકી કે તમારી સમક્ષ આર્મીમેનની વાત ના કરે.આનું પરિણામ એ આવ્યું કે તમે એમ સમજ્યાં કે ધવલના માથા પરથી આર્મીમેનનુ ભૂત ઊતરી ગયું છે.

ધવલ દરવાજો બંધ કરી સતત જોયા કરે આલોકની તસ્વીરને.ટી.વી.પર આવતાં આતંકવાદીઓનાં કૃત્યો,પાકિસ્તાની સૈનિકોનાં નરાધમ કૃત્યો જોઈ એનાં ચહેરો લાલચોળ થઈ જતો હતો.ક્યારેક ક્યારેક હવામાં મુઠ્ઠીઓ ઉછાળતો હતો.એટલું જ નહીં મોડી રાત સુધી જાગી આવા કૃત્યોને કેમ નાથી શકાય તેનો ગેમ પ્લાન કોરા કાગળ પર બનાવતો.મને બતાવતો અને એક દિવસ આવી એની ખુશીના સમાચાર આપી મને વળગી પડ્યો.અઠવાડિયા પછી એની બેગ તૈયાર કરી મારાં આર્શીવાદ લઈ એનાં દાદા ને ભેટ્યો.તમે પૂછયું કે તે ક્યાં જાય છે? તેને જવાબ ન આપ્યો પણ એટલું જ કહ્યું કે તે મુંબઈ જાય છે.એને એની મનગમતી જોબ મળી છે.તમે અને હું જોઈ રહ્યાં એને જતો.....

પાંચ વરસમાં પાંચ વાર આવ્યો.તમે ખુશ હતાં તે સરકારી નોકરી કરે છે એ જાણીને.હુ ખુશ હતી તમે ખુશ છો એ જાણી.મારો ધણોખરો સમય ટી.વી.સમાચાર જોવામાં જતો હતો.દેશની સરહદ પર થતી લશ્કરી હિલચાલ મારાં મનને ક્યારે ધ્રૂજાવી દેતી હતી.આ સંયોગ કહો કે ચમત્કાર, જ્યારે જ્યારે ધવલને યાદ કરતી ત્યારે અચૂક તેનો ફોન આવતો અને તમને ઊંઘમાંથી ઊઠાડી તેની જોડે વાત કરાવતી.તમે પૂછતાં કે તે શું કરે છે.મારો જવાબ આ હોય છે કે તે સરકારી ઓફિસમાં કામ કરે છે.ઓફિસર છે.આ સાંભળી તમને સંતોષ ના થતો અને ચૂપચાપ જોયા કરતાં આકાશમાં ટમટમ થતાં તારલાઓ...

સતત તમે મને પુછ્યા કરો છો કે ધવલનો ફોન કેમ નથી આવતો? આવશે, કામમાં હશે, એવા ઉડાઉ જવાબો તમને આપતી.મારાં ચહેરાનો રંગ જોઈ તમે ચૂપચાપ તમારા ઓરડામાં જતાં રહેતાં. દિવસો વીત્યાં,મહિના વીત્યાં અને વર્ષો વીત્યાં.ધવલના ના સમાચાર કે ધવલ ક્યાં છે તેનાં ના કોઈ ખબર.તમે ધીમે ધીમે એવી અવસ્થાએ પહોંચી ગયાં કે હું તમારી શું થાઉં તે પણ ભૂલી ગયાં.અને મેં પણ જાણી લીધું કે ધવલ એનાં પપ્પાને પગલે દૂર નીકળી ગયો છે....

એક સાંજે બહારથી ઘરે આવી.જ્યાં સુધી ઘરે ન આવું ત્યાં સુધી તમે ઓસરીમાં મારી રાહ જોતાં બેસી રહેતાં.તે દિવસે દૂર થી તમને ન જોયાં.મારા પેટમાં ફાળ પડી.દોડી ને ઘરમાં પ્રવેશી.જોઈને હું આશ્ચર્ય પામી.જ્યારે પણ બહાર જાઉં મારો ઓરડાને તાળું મારીને જતી.તે દિવસે ભૂલી ગઈ.તમે ધવલનો ફોટો દિવાલ પર ટીંગાળી સુખડનો હાર પહેરાવી બે હાથ જોડી વંદન કર્યા.અને ટટ્ટાર ઊભા રહી સલામી આપી ધીમેથી શબ્દો વેરાયા ભારત માતાકી જય... મારી પાસે આવી મક્કમતાથી તમે કહ્યું કે બેટા તારા પર ગર્વ છે મને....તારી કુરબાની જોઈ મને થાય છે કે તારા જેવી દીકરી મને જન્મોજન્મ મળે”.

“ અને તમારા જેવા પપ્પા પણ...”

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.