Mrugjal - 4 books and stories free download online pdf in Gujarati

મૃગજળ - પ્રકરણ - 4

ઓફિસથી નીકળતા પહેલા વૈભવીએ હાથ મો ધોઈ લીધા હતા પણ ફરી એકવાર મનમાં ચાલતા વિચાર એના ચહેરા ઉપર દેખાવા લાગ્યા.

નોકરી છોડી દઉં? કરણને ગિરીશનું કેરેકટર જ્યારે ખબર પડશે ત્યારે શું થશે વૈભવી? તારો સંસાર એક જ પળમાં ભાગી પડશે! પ્રેમ તો વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો એ ધનુષની પણછ કરતા પણ વધારે નુકશાન કરી શકે છે. એ નાજુક દોરો એક ધગધગતા તિરને રોકીને બેઠો છે. વિશ્વાસ રૂપી દોરો તૂટતાની સાથે જ નફરતનું એક સળગતું તિર આવીને જીવનમાં આગ લગાવી દે! કરણના મનમાં જે તારા માટે માન, સમ્માન અને પ્રેમ છે એ માત્ર એક વિશ્વાસ ઉપર જ ટકેલો છે, જો વિશ્વાસ તૂટી ગયો તો એ પ્રેમનો ભાર સહન નઈ કરી શકે! વિશ્વાસ તૂટતાની સાથે જ પ્રેમ નફરતમાં બદલી જાય છે!

પણ..પણ... હું શું કરું? હું ક્યાં ખોટી છું? મારે પૈસાની સખત જરૂર છે. પૈસા વગર તો હું એ બધું કઈ રીતે કરી શકું? શુ એ બધું કરણને કહીને જાતે જ કરણના મનમાં નફરત ભરું? શુ એક પતિ પત્નીના જીવનની એવી વાતો સાંભળ્યા પછી કરણ મારા ઉપર શકની નજર નહિ રાખે?

સતત વાગતા હોર્ન એના મનના ઊંડાણમાં ગુંજી ઉઠતા હતા. અવરજવર કરતા લોકોના અવાજ જાણે પડઘા પાડતા હતા! સડસડાટ વહી જતી ગાડીઓ ઉપર, પોતાની તરફ નજર કરી ચાલતા અજાણ્યા લોકો ઉપર, રસ્તાની બીજી તરફ ઝવેરાતની દુકાનમાં ઝળહળતી લાઈટનો એના ભવ્ય કાચમાં થતો ઝબકારો કે પછી પાસેના બાંકડા ઉપર બેઠા કોલેજના છોકરા છોકરીઓની મસ્તીભરી વાતોમાં કયાંય એની નજર ટકતી જ નહોતી. સતત ચારે તરફ એ જોતી હતી, બળ કરીને મનના વિચાર આઘા ખસેડતી હતી..... પણ..... પણ એ ફરી ફરીને મનમાં એક જ સવાલ થતો હતો હોસ્પિટલનું બિલ? એ બધો ખર્ચ ક્યાંથી લાવું?

વૈભવી ખાલી બાંકડા ઉપર બેસી ગઈ. શક્તિ જાણે શરીરમાંથી વિચાર બનીને ઉડી ગઈ હોય એમ એ થાકીને બાંકડા ઉપર બેસી ગઈ. આ ઈશ્વરે મને જ કેમ એ ઘરમાં જન્મ આપ્યો? મારી મા ખોટી નથી પણ હું કોઈને કેમ કહું? મારી વાત કોણ સમજે? ખેર મને એ જીવન આપ્યું એનું કોઈ દુઃખ નથી પણ તો પછી મને કરણ કેમ મળ્યો? કરણનો એટલે પ્રેમ કેમ મળ્યો? જન્મથી જવાની સુધી જે પ્રેમ જરૂરી હતો એ તો મને ન જ મળ્યો! શુ હવે કરણને પણ ખોઈ દઉં?

મગજમાં સખત આંચકા આવવા લાગ્યા! પર્સમાંથી એક ટેબ્લેટ અને પાણીની બોટલ નીકાળી! પણ બોટલ ખાલી હતી.

વૈભવી તને આ થયું શુ છે? તું રોજ જે બોટલ ઓફિસથી નીકળતા ભરીને નીકળતી એ કામ પણ તું ભૂલી ગઈ? એ મનોમન વિચારતી ઉભી થઇ ગઇ. સામે જ એક પાર્લર હતું ત્યાં જઈને પાણીની બોટલ લઈ આવી. ફરી બાંકડા પર ગોઠવાઈ. બોટલ ખોલી એક ઘૂંટમાં ગોળી ઉતારી દીધી. મહિનાના વાસી પાણીનો બીજો ઘૂંટ એ ન ઉતારી શકી! બોટલ બાંકડા નીચે સરકાવી દીધી.

આ કરણને કેટલી વાર થશે? લાવ ફોન કરું.... વૈભવીએ ફોન નીકાળ્યો, નંબર ડાયલ કર્યો ત્યાં થયું ના, ના, ફોન તો નથી કરવો એ બાઈક પર હશે. ફરી મોબાઈલ પર્સમાં સરકાવી એ રાહ જોવા લાગી.

*

આ આશુ મારી કેટલી કેર કરે છે? ભલે ભગવાને મારા મા બાપ છીનવી લીધા પણ દિપક જેવા ઘણા ભાઈ મને આપ્યા છે. વૈભવી જેવી સુંદર પત્ની! ખેર હવે મને તારા ઉપર કોઈ ખાસ ઈર્ષા નથી ઈશ્વર, બસ આમ જ અમારું જીવન ચાલ્યા કરે એવી દયા દ્રષ્ટિ કરજે.

પોતાનું બાઈક રોકયું ત્યાં સામે પિક અપ સ્ટેન્ડના બાંકડા ઉપર વૈભવી વિચાર મગ્ન બેઠી હતી.

"જવું છે કે બેસવું છે?" શહેરની ભીડના ગાડીઓના અવાજ વચ્ચે મીઠો અવાજ કાને પડતા વૈભવીએ નજર ઊંચી કરી.

"કરણ, આવી ગયો તું! કેટલી વાર લગાવી."

"અરે જરા આશુતોષ જોડે વાતોમાં હતો, છ વાગ્યે છુટ્ટી લેવાની વાત તો કરવી પડે ને?"

"હમમમમ.... આશુતોષ નારાજ તો નથી થયો ને? એને એમ તો નથી લાગ્યું ને કે તું દોસ્તીનો ગેરફાયદો....."

"ના, ના...." વૈભવીને અટકાવી કરણ બોલ્યો, "ઉલટા એ તો ખુશ છે કે મેં ઘર સંસાર શરૂ કર્યો આ જો..." કરણે વૈભવી ચેક આપ્યો.

"વીસ હજાર રૂપિયા?" વૈભવીને પણ કરણ જેમ જ નવાઈ થઈ.

"હા વૈભવી, આશુ, ધવલ અને નયન બધા મને દિપક જેટલો વ્હાલ કરે છે. હું ખુશનસીબ છું."

"હા એ તો આ ચેક જ કહી દે છે." ચેક પર્સમાં મૂકી વૈભવી બાઇકની પાછળની શીટ પર ગોઠવાઈ ગઈ.

"પણ એક વાત કહે, હું આવ્યો ત્યારે કેમ ઉદાસ હતી? નીચી નજર કરીને બેઠી હતી." બાઈક ધીમે ધીમે ગતિ પકડવા લાગ્યું.

"એ તો માથું દુઃખતું હતું કરણ... આ જો ને આજે પણ ગોળી લેવી પડી."

"આ તારું માથું રોજ દુઃખવા આવી જ જાય. હું તો કહું છું જેમ ચાલે એમ ચાલવા દેવાનું. વધારે વિચારે છે એટલે જ દુઃખે છે."

"એમ?"

"નહિ તો શું? મારી જેમ મગજ ખાલી હોય તો ક્યારેય ન દુઃખે!! મને ક્યારેય ગોળીની જરૂર પડી?"

"હમમ..." વૈભવીએ ટૂંકમાં જ કહ્યું. બાઈક ચાલતું રહ્યું. મનમાં એક ભય હતો કે આ ચહેરો જોઈ કરણને અજુગતું લાગશે પણ કરણ કેટલો ભોળો છે? ને એ વિચાર સાથે જ ભોળા કરણના ખભા પર વૈભવીએ માથું ઢાળી દીધું.

*

સવારના ચારેક વાગ્યાનો સુમાર હશે. વાતાવરણ શાંત હતું. અજવાળી રાતમાં કરણનું ઘર ચન્દ્રના કિરણોમાં દેખાઈ રહ્યું હતું. શાંત વાતાવરણમાં કરણના ઘરની ભીંત ઘડિયાળમાં પડતા ટકોરા ખુલ્લી બારીમાંથી બહાર સુધી સ્પષ્ટ સંભળાતા હતા.

"તું મારી વૈભવીથી દુર જ રહેજે શરાબી..." નર્મદાબહેને નાનકડી વૈભવીને પતિના હાથમાંથી ઝુંટવી લીધી.

"નર્મદા... એ મારી પણ દીકરી છે. મને આમ એનાથી અલગ ન કર..." વૈભવિના માસૂમ ચહેરા સામે જોતા નંદશંકર ગળગળા અવાજે બોલ્યા.

"તું બધા હક ગુમાવી બેઠો છે! તે તારી જવાબદારી નથી નિભાવી!" નર્મદાબેન વધુ જોરથી બોલ્યા.

"પણ હવે... હવે હું સુધરી જઈશ નર્મદા, મને વૈભવી આપી દે... એને રમાડવા દે મને!" નંદશંકરની આંખોમાં પાણી હતું.

"હવે શું? મારો દીક્ષિત મરી ગયા પછી ભાન આવ્યું? નંદશંકર તારા આ ચહેરાથી જ મને નફરત છે. તારા.... તારા આ આંસુ હવે મારા માટે કઈ જ નથી. આ..... આ આંસુ હવે મારો દીક્ષિત પાછો ન લાવી શકે...." વૈભવીને લઈને એ રૂમમાં જવા લાગ્યા.

"નર્મદા.... નર્મદા....." કહેતા નંદશંકર પણ એની પાછળ ગયા.

"ખબરદાર જો વૈભવિને હાથ પણ અડાવ્યો છે તો..." ખાટલા પર વૈભવીને સુવાડતા નર્મદાબેન લાલચોળ થઈને બોલ્યા.

"કેમ? એ મારી દીકરી છે. હું એને રમાડીશ, હું એને તેડીને ફરીશ..." નંદશંકર હવે અધિકાર જમાવવા લાગ્યા.

"તારી દીકરી? એને જન્મ આપવામાં કે એને ઉછેરવામાં તારો ફાળો જ શુ છે નંદ? માત્ર બીજ રોપી લેવાથી છોડ નથી ઉગતો. બીજ રોપીને જે ખેડૂત ફરી ક્યારેય ખેતર તરફ ન દેખે, વરસાદના આધારે જ ઊગી નીકળે એ છોડ ઉપર ખેડૂતનો કોઈ અધિકાર નથી...."

"એટલે તું કહેવા શુ માંગે છે?" નંદશંકરે મુઠ્ઠીઓ વાળી.

"બધું સ્પષ્ટ છે નંદ, તે મને બાળક પેદા કરવા સિવાય ક્યારે સાથ આપ્યો જ ક્યાં છે?"

"પણ નર્મદા એની એટલી મોટી સજા ન હોય." ફરી એકવાર નંદશંકર ઢીલા પડી ગયા.

"મારી સજા કરતા આ સજા મોટી છે એમ? એક એક પળ મને દીક્ષિત નજર સામે દેખાય છે જેને તારી શરાબની લત ખાઈ ગઈ..." નર્મદાબેન રડી પડ્યા. મૃત દીકરાને ફરી યાદ કરતા જ એ પતિ સામે લડતી નર્મદા સાવ ભાંગી પડી...

"હવે અમને જીવવા દો... અમને જીવવા દો નંદ..." આંખો લૂછી વૈભવીને ચાદર ઓઢાડતા નર્મદાબેન બોલ્યા.

"હું આજ ઘરમાં રહીને મારી દિકરીથી અલગ કેમ રહી શકું નર્મદા?"

હાથ ફેલાવી દયાની ભીખ માંગતા નંદશંકર સામે જોઈ નર્મદાબેન ઘડી ભર જોઈ રહ્યા. પોતે આવી જ રીતે સાડીનો પાલવ પાથરી ભીખ માંગી હતી એ જ એના કહેવાતા પતિ સામે. પણ શું એ શરાબીએ દયા કરી? જો દયા કરી હોત તો મારો દીક્ષિત પણ આ ઘરમાં હસતો ખેલતો હોત..

"નંદ, બેશરમીની મિશાલ છો તું નંદ...." હસીને નર્મદાબેન બોલ્યા.

"જે કહેવું હોય એ કહી લે, મને માર, જેટલી વાર મેં તને મારી છે ઢોર જેમ એમ મને મારી લે પણ..... પણ.... મને આ સજા ન આપ...."

"સજા તો તને ઉપરવાળો આપશે નંદ.... અને રહી વાત એક ઘરમાં રહેવાની તો તારું આ ઘર અને તારું આ નામ હું કાલે જ છોડીને જવાની છું."

"નર્મદા..." નંદશંકર ચીસ પાડી ઉઠ્યા.

ખાટલામાં પડી દસ વર્ષની વૈભવી જે બધું સાંભળી રહી હતી એ ઝબકીને ઉભી થઇ ગઈ. નર્મદા તરફ ધસતા પિતાને રોકવા એ દોડીને બન્નેની વચ્ચે ઉભી રહી ગઈ!

પોતાના ચહેરા ઉપર હાથ ફેરવ્યો, ના આ તો... આ તો આજની વૈભવી છે... આમ તેમ જોયું એ ખાટલાંની જગ્યાએ બેડ હતો... આખા દિવસનો થાકેલો કરણ ઘસઘસાટ ઊંઘયો હતો.

તો હું સપનામાં... તિજોરીના કાચ આગળ જઇ વૈભવી ઉભી રહી. મમ્મી.. પપ્પા.. એક સિસકારો એના ગળામાંથી નીકળી આયના સાથે અથડાયો.. દીક્ષિત હોત તો આજે હું આ બધું.. જેમ દીપકભાઈ કરણનો ખયાલ રાખે છે એમ દીક્ષિત મને આ નોકરી ન કરવા દેત.. ખેર કિસ્મતમાં જે હતું એ થયું..

ઘડિયાળમાં નજર કરી કાંટો ચાર ઉપરથી ખસીને ક્યાંય આગળ નીકળી ગયો હતો...

'હવે ઊંઘ ન આવે....' મનમાં બબડતી વૈભવી બાથરૂમ જઈ મોં ધોઈ આવી. ટુવાલથી મોં લૂછતી વૈભવી ફરી આયના આગળ ઉભી રહી. કેવડી હતી પોતે? મમ્મી ઊંચકીને ફરતી, નાનકડા ફ્રોકમાંથી આજે આ સાડીમાં હું... એ પોતાની જાતને જોતી જ રહી.... કાશ! કે હું સુંદર ન હોત તો ગિરીશ... ખેર જવાદે.. કરણનું સંભાળ તું દુનિયા તો આમ પણ મતલબથી ભરેલી જ છે. જો તું સુંદર ન હોત તો તને સેક્રેટરીની નોકરી જ કોણ આપોત? તો એ બધો હોસ્પિટલનો ખર્ચ ક્યાંથી લાવોત? ના આ રૂપ અભિશાપ નથી... આ તો આશીર્વાદ છે નહિતર તું પણ મમ્મી જેમ માણસોના કામ કરતી હોત, એલ.આઇ.સી.ના વીમા લેવા ઘરે ઘરે ફરતી હોત! એમાં કેટલાય બારણે તને રોજ એક ગિરીશ મળોત!

ફરી એક વાર પોતાના રૂપ ઉપર ગર્વ લઈ વૈભવી આયનામાં જોઈ મલકી. પાછળ ફરી બેડ તરફ નજર કરી, કરણ હજુ એ જ નિર્દોષ ચહેરો તકિયા ઉપર ઢાળીને સૂતો હતો!

વૈભવી જઈને બેડની કિનારીએ બેઠી. કરણના ચહેરાને જોઈ રહી.. એના લાંબા રેશમી વાળ કપાળેથી હટાવી એક ચુંબન કરી ફરી ઉભી થઇ ગઇ. બાથરૂમ જઇ નાહી લીધું. રોબ શરીર પર લપેટી બહાર આવી. તિજોરી ખોલી.. આજે કઈ સાડી પહેરું? કરણને પિંક બહુ ગમે છે ને એટલે આજે પિંક.... એ જાગશે ત્યારે પિંક સાડીમાં હાથમાં કપ લઈ ગુડ મોર્નિંગ કહીશ.. મને ભેંટી પડશે.. મનોમન સવારે કરણને રાજી કરવાનું સપનું જોઈ લીધું. એક પિંક સાડી ખેંચી કાઢી. સાડી સાથે એક તસ્વીર નીકળી અને જમીન ઉપર પડી.. વૈભવી એ તસ્વીર જોતી જ રહી..

માથામાં આછા વાળ, ભરપૂર દાઢી અને નાની સરખી મૂછો, સખત આંખો, કપાળ ઉપર એક ઘા.. વૈભવીએ તરત એ તસ્વીર ઉઠાવી લીધી. છાતીએ લગાવી લીધી..!! પછી કરણ તરફ એક નજર કરી એ તસ્વીર બીજી સાડીના ફોલ્ડમાં સરકાવી દીધી..

સાડી પહેરી ઘડિયાળમાં નજર કરી. કાંટો બે ચક્કર લગાવીને છ ઉપર વીસ મિનિટ બતાવી રહ્યો હતો. હવે ચા નાસ્તો બનાવી લઉં પછી કરણને જગાડી દઉં એમ નક્કી કરી એ રસોડા તરફ ગઈ...

આજે વૈભવી વિચારો ઉપર નિયંત્રણ મેળવવા માંગતી હતી. એટલે જ પોતે પિંક સાડી પહેરીને તૈયાર થઈ હતી. હિન્દી ફિલ્મનું ગીત ગણગણતી એ ચા નાસ્તો બનાવતી ગઈ.

નાસ્તો તૈયાર થઈ ગયો એટલે કરણને જગાડવા ગઈ. પણ કરણ બેડમાં સૂતો ન દેખાયો.

"ક...ર...ણ....." આમ તેમ નજર કરી. આ કરણ એની મેળે જ કોઈ અવાજ વગર જાગે ખરો?!

"આ રહ્યો...." બાથરૂમમાંથી બહાર આવતો કરણ ટુવાલથી માથું લૂછતાં બોલ્યો.

"તું...."

"હા તું નાસ્તો બનાવતી હતી ત્યારે હું જાગી ગયો અને નાહી પણ લીધું!" કરણે કહ્યું.

તાજો નાહીને આવેલ કરણ થોડો વધારે જ દેખાવડો લાગતો હતો પણ વૈભવીનું મન બીજી વાત વિચારી રહ્યું હતું. જો કરણ થોડીવાર પહેલા જાગી ગયો હોત તો? એ ‘તો’નું ભાર વૈભવિના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવ્યું.

"અરે યાર હવે હું સાંજે વહેલો નીકળું છું ને ઓફિસથી તને લેવા માટે."

"હ.... હા....." ઝબકીને વૈભવી બોલી.

"એટલે હવે મારે ઓફીસ વહેલા જવું પડશે, રોજની જેમ લેટ જાઉં અને વહેલા આવું તો અશુતોષને કેવું લાગે?"

"હા એ વાત બરાબર છે...."

"હમમમમ ધેટ્સ વ્હાય કે હું જાગી ગયો..." કરણે હસીને કહ્યું, "મને એમ હતું કે તારાથી વહેલો જાગીને સરપ્રાઈઝ આપું પણ તું તો અલરેડી પિંક પિંક થઈને ઉભી છે!"

વૈભવી હસી પડી. રસોડા તરફ ચા નાસ્તો લેવા ગઈ. એ ચા નાસ્તો લઈ આવી ત્યાં સુધી કરણ કપડાં પહેરી તૈયાર થઈ ગયો હતો. આયનામાં જોઈ વાળ સરખા કરતો.. કરણ ભાગ્યે જ વાળ વ્યવસ્થિત ઓળાવતો, પોતાના રેશમી સીધા વાળને એ છુટ્ટા જ ફ્રી સ્ટાઈલમાં રફ રાખતો.

રોજની જેમ વાળમાં આમ તેમ હાથ ફેરવતો કરણ કૈક વિચારી રહ્યો હતો.. આ વૈભવી તૈયાર થઈને ચા નાસ્તો પણ બનાવી ચુકી છે તો એ ક્યારે જાગી હશે? એને ઊંઘ કેમ નઈ આવી હોય? એ દિવસે પણ એ પિક અપ સ્ટેન્ડ ઉપર કેવી ઉદાસ હતી? એને તકલીફ શુ છે આખરે? શુ એ આ નાના ઘર અને કરકસરવાળા જીવનમાં ખુશ નહિ હોય?

"કરણ..." વૈભવીનો અવાજ એને વૈભવિના વિચારથી છૂટો કરવા લાગ્યો... "ચા ઠંડી થઈ જશે, ને હા વાળ તો બરાબર જ છે."

"હમમમમ..." ચહેરા પર સ્મિત લાવી કરણ વૈભવી સામે ચેરમાં ગોઠવાયો.

"વાઉ....!! બ્લેક એન્ડ બ્લેક.... ગોરે ગોરે મુખડે પે કાલા કાલા કપડાં....!!"

"યસ, પણ પિંક જેવા ન લાગે." કરણે ચા નો મગ ઉઠાવ્યો.

"હું એક માત્ર એવી સ્ત્રી છું જે પોતાના ચહેરા કે રૂપના વખાણ સાંભળવા જ નથી માંગતી." વૈભવીએ હસીને કહ્યું.

"ઓહ! ગ્રેટ..... કદાચ મને તું એટલે જ ગમી હતી કેમ કે તારી અંદર પોતાના વખાણ સાંભળવાની, બીજાની ઇર્ષા કરવાની કે આજની છોકરીઓ જેમ નખરા કરવાની આદત જ નહોતી." કરણ મગ ટેબલ ઉપર મૂકી ઉભો થઇ ગયો.

વૈભવી કરણને ઘડીભર જોતી જ રહી. કેટલો સ્પષ્ટ છે કરણ? છતાંય ક્યારેય ક્યાંય કડવો નથી!

"ચલ હવે જઈએ. આશુતોષ આવે એ પહેલાં જ આજે તો મારે પહોંચવું છે." કરણ બાઇકની ચાવી લઈને બહાર નીકળી ગયો. ચાવી ભરાવી રિયર વ્યુ મીરરમાં પોતાની આદત મુજબ વાળ જોતા સરખા કરવા લાગ્યો.

"લેટ્સ ગો.." વૈભવિ પાછળ બેસતા બોલી અને તે સાથે જ કરણે બાઇકને રેસ આપ્યો. બ્રોડ રસ્તા ઉપર ગાડીઓ વચ્ચે જગ્યા બનાવતું કરણનું બાઈક સડસડાટ કરતું ગિરીશની ઓફીસ આગળ આવી ઉભું રહ્યું.

"સી યુ કરણ.... ટેક કેર..."

"સી યુ....." કરણના અવાજ સાથે બાઈકનો અવાજ ભળ્યો અને જોતજોતામાં બાઈકે સ્પીડ પકડી લીધી. એ સાથે જ કરણના મનમાં એક વિચાર ફરી આવ્યો. વૈભવીને આ રોજ રોજ માથાનો દુઃખાવો, અનિંદ્રા આ બધું કેમ? એ એકલી હોય ત્યારે કેમ ઉદાસ હોય છે? શું ચાલે છે એના મનમાં? એ મને કહેતી કેમ નથી?

વિચારો સાથે કરણનું બાઈક ઓફીસ તરફ જઈ રહ્યું.

(ક્રમશ:)

***