Pratiksha - 13 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા ૧૩

“હાથ લંબાવો તો મળી જાય તેટલી નજીક હતી રેવા તેની બધી જ ખુશીઓથી... હેં ને?? પણ તેને તે કંઇજ મળ્યું જેના માટે તે તરસતી રહી. હવે તમે પણ હંમેશા હાથ લંબાવો તો મળી જાય એટલા જ નજીક રહેશો તમારી કોઇપણ તમન્નાથી... પણ મળશે નહિ તમને. હું તમને મારીશ નહિ ઉર્વીલ પણ જીવવા પણ નહિ દઉં.” ઉર્વા શૂન્યમાં જોતા બોલી અને ઉર્વિલના ચેહરા પર ભય વ્યાપી ગયો.
તેણે વિચાર્યું હતું કે ઉર્વાનું વર્તન ક્રૂર હશે પણ સાવ શુષ્ક લાગણીવિહોણું પથ્થર જેવું બિહેવિયર તેને ધ્રુજાવી ગયું. તે કલ્પી પણ નહોતો કે આટલી નિષ્ઠુરતા જે કારણોથી જન્મી હશે તે કારણો કેવા હશે!! રેવા ખરેખર ઉર્વિલ વિના કઈ હદે તરફડી હશે!! જેના પરિણામ સ્વરૂપ ઉર્વાની અંદર નફરતે જન્મ લીધો હશે...

ઉર્વિલ હજી વિચારના વમળોમાં જ વીંટાયેલો હતો કે ડોરબેલ રણકી ને તેની નજર દરવાજા તરફ સ્થિર થઇ. ઉર્વાએ તરત જ બારણું ઉધાડ્યું ને લાઈટ બ્લ્યુ ટીશર્ટ ને બ્લેક જીન્સ પહેરી કહાન અંદર આવ્યો.
તેને જોતા જ ઉર્વાએ કંઇક બોલવાની કોશિશ કરી પણ તે જ સામેથી બોલી પડ્યો
“ડેડી પાર્ક કરે છે. હમણાં આવી જશે...” દરવાજો બંધ કરી અંદર આવતા કહાન બોલ્યો
કહાનનું વાક્ય સાંભળીને જ ઉર્વા હસી પડી ને પછી ધીમેથી ઉમેર્યું
“સારું તું બેસ હું ચા બનાવું ફુદીના વાળી.” અને તે કિચન તરફ વળી ગઈ.

ઉર્વાના જતા જ કહાનની નજર ઉર્વિલ તરફ ગઈ. તેને જોતા જ તેની નસો તંગ થવા લાગી પણ અત્યારે કંઇજ રીએક્ટ કરવું વ્યાજબી ના લાગતા તે ચુપચાપ ઉર્વિલની સામે પડેલા સોફા પર બેસી ગયો.
“હાઈ કહાન” ઉર્વિલે નીચે નજર રાખીને જ કહાન સાથે વાત કરવાની શરુ કરી
“આટલા વર્ષો તમારું નામ સાંભળીને જ દિવસ શરુ કર્યો છે. આજે ફાઈનલી ચેહરો જોઈ રહ્યો છું.” કહાને શક્ય તેટલો સંયમ જાળવતા કહ્યું.
“હું માનું છું કે હું રેવાનો ગુનેગાર છું કહાન...” ઉર્વિલની આંખોમાં રહેલો બાંધ હવે તૂટી રહ્યો અને તેમાંથી આંસુ વહેવા લાગ્યા
“કહાન, હું રેવાનો જ નહિ ઉર્વાનો અને તારો પણ ગુનેગાર છું મને ખબર છે આ વાત... હું પોતાને ક્યારેય માફ કરી શકીશ કે નહિ એ નથી ખબર મને... હું નથી સમજાવી શકતો અત્યારે કઈ હદે ઘૂંટાઈ રહ્યો છું હું એ...”
કહાન જોઈ રહ્યો એક ક્ષણ અને પછી કટાક્ષમાં સ્મિત કરતા બોલ્યો
“ઉર્વિલ ખરેખર તો શાની ઘુટન થાય છે તમને?? ખરેખર નથી સમજી શકતો કે શું કામ આમ રડી રહ્યા છો તમે?? રૂપ અને બુદ્ધિની સ્વામીની હતી રેવા... અને તો પણ કોઈની ઝીંદગીમાં રહીને તેનો પ્રેમ, પ્રાર્થના કે ભગવાન બનવાને બદલે તેણે તમારી ઝીંદગીમાં વિકલ્પ બનવાનું પસંદ કર્યું હતું... હક હતો તમને ગમે ત્યારે તેની સાથે અબોલા લેવાનો, હક હતો તમને તેની લાગણીઓને કચડી નાખવાનો, હક હતો તમને તેને ગમે ત્યારે તરછોડવાનો અને હક હતો તમને વાદળ બની તેને નખશિખ ભીંજવી દેવાનો. ઉર્વિલ બની તે રેવાને પોતાનામાં સમાવી લેવાનો... એ તો ફક્ત વિકલ્પ હતી જ્યાં તમે તમારી પસંદગીથી કંટાળીને આવી શકો. ક્ષણો પુરતી જ ફક્ત તેને પસંદગી બનાવાનો દેખાવ કરી શકો. પોતાનો બધો જ અફસોસ વ્યક્ત કરી શકો... પણ જેના પ્રત્યે કોઈ જવાબદારી ના નિભાવવાની હોય તમારે.. તો અફસોસ શેનો?? અને શું કામ? આ ઝીંદગી તેણે જ જાતે પોતાની મરજીથી પસંદ કરી હતી અને તમે આ પસંદગીનો બહુ સરસ બદલો આપ્યો છે તેને... તો હવે શું કામ રડો છો??!!” કહાન એકશ્વાસે બોલી રહ્યો. અનાયાસ જ તેનો અવાજ ઉંચો થઇ આખા ઘરમાં સંભળાવા લાગ્યો. ઉર્વા પણ કહાનનો અવાજ સાંભળી કિચનમાંથી બહાર આવી ગઈ.
“કહાન, અંકલ ક્યાં રહી ગયા?” વાત બદલવા માટે ઉર્વાએ કહાન સામે જોઈ પૂછ્યું
“આવતા જ હશે...” કહાનના અવાજમાં હજી વ્યાકુળતા હતી. તે હજી ધૂંધવાઈ રહ્યો હતો. ઉર્વિલ પાસે કોઈ શબ્દો જ નહોતા કહાનને કહેવા માટે... ઉર્વા સમજતી હતી કે કહાનના દિલનો ઉભરો બહાર નહિ આવે ત્યાં સુધી એને શાંતિ નહિ થાય. તેણે ધીમેથી આંખો નમાવી કહાનને આગળ બોલવાની સહમતિ આપી
“ઉર્વિલ, હું એક વરસનો હતો જયારે મારી મમ્મી મને અને પપ્પાને મૂકી ચાલી ગઈ હતી પોતાના સપના પુરા કરવા... પોતાની ઝીંદગી પોતાની શરતો પર જીવવા... મારા પપ્પાએ આજ સુધી એને માફ નથી કરી... એની ડેથ પછી પણ મારા પપ્પા એના ફોટો સામે પણ ફરીને નથી જોતા. રેવાના પ્રેમમાં શું કમી રહી ગઈ હતી ઉર્વીલ?? શું કામ આખી ઝીંદગીની પ્રતિક્ષા આપી તમે એને?? રેવાએ કોઈ જ ભૂલ નહોતી કરી ઉર્વિલ... એક તમને પ્રેમ કરવા સિવાય.” કહાનનો આક્રોશ છલકાઈ રહ્યો હતો. તે બેઠા બેઠા પણ કંપી રહ્યો હતો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા ને આંખમાં લાલાશ છવાઈ ગઈ હતી.
ઉર્વા જરાપણ સમય ગુમાવ્યા વિના કહાન પાસે દોડી ગઈ અને કહાને એકદમ મજબુતીથી ઉર્વાનો હાથ પકડી લીધો અને ઉર્વિલ હજી હતપ્રભ હતો
“કહાન રીલેક્સ... રીલેક્સ જાન” ઉર્વા કહાનના ખભા પર હાથ રાખી ધીમેથી બોલી અને ત્યાજ ફરીથી ડોરબેલ વાગી. એક નજર ઉર્વાએ કહાન સામે કરી અને તેની મુક સંમતિ સમજી તે દરવાજા તરફ ચાલી ગઈ

“દેવ અંકલ આટલી બધી વાર હોય?” દરવાજો ખોલતા જ દેવને સામે ઉભેલો જોઈ ઉર્વા ફરિયાદના સ્વરમાં બોલી પડી.
“સોરી...” પોતાના ચેહરા પર આવેલી વ્યગ્રતાને બનાવટી સ્મિતથી છુપાવતા દેવ બોલ્યો.
“કંઈ થયું છે?” દેવના ચેહરા પરના ભાવ વાંચતા ઉર્વાએ દરવાજો બંધ કરતા પૂછ્યું ને દેવે ફક્ત ધીમેથી હકારમાં માથું હલાવ્યું.
પછી કહાન સામે જોઈ ફક્ત ઉર્વા જ સાંભળી શકે તેટલા ધીમા અવાજે બોલ્યો,
“બટ ઈટ કેન વેઇટ...”
ઉર્વાં પણ કંઇક સમજી ગઈ હોય તેમ ફરી કિચનમાં ચાલી ગઈ અને દેવ કહાનની બાજુમાં ઉર્વિલની સામે જઈ બેસી ગયો.
દેવ સાથે નજર મળતા જ ઉર્વિલની આંખો સામે તે છેલ્લી વખતનો મુંબઈનો નજારો તરવરી રહ્યો... દેવે સાચું જ કહ્યું હતું કે ઉર્વિલમાં ભળ્યા પછી રેવાનું પોતાનું અસ્તિત્વ ના હોય... કાશ! તેણે દેવની વાત સમજવાની કોશિશ કરી હોત... આ કાશની લાગણીમાં જ ઉર્વિલની આંખો મીંચાઈ ગઈ
“હાઈ ઉર્વિલ” એકદમ ઠંડા કલેજે દેવે ઉર્વિલ સામે સ્મિત કરતા વાત શરુ કરી
“તું સાચો હતો દેવ...” આંખો ખોલતા જ ઉર્વિલ બોલી પડ્યો
“જે થઇ ગયું તેના પર વાત કરીને કંઇજ નહિ વળે હવે ઉર્વિલ... રેવા આ દુનિયામાં જ નથી રહી હવે” દેવ શાંતિથી કહી રહ્યો
“દેવ, તું તો જાણે છે ને કે મેં જે કંઈ પણ કર્યું તે મારે કરવું નહોતું... મેં વિચાર્યું હતું કે રેવાથી દુર રહીશ તો કદાચ રેવા એક સારી લાઈફ જીવી તો શકશે.” ઉર્વિલ ગળગળા અવાજે બોલ્યો
“ઉર્વિલ, તું મારાથી ખોટું બોલે તે વ્યાજબી છે. કહાન અને ઉર્વાથી પણ તું જુઠું બોલી શકે છે... પણ પોતાની જાતને તો સાચું કહે. ખરેખર તું રેવાને જ બચાવતો હતો??” દેવ ધારદાર નજર ઉર્વિલ પર નાખતા બોલ્યો
“દેવ...” ઉર્વિલે બોલવાની કોશિશ કરી પણ દેવે વાત વચ્ચેથી જ કાપી નાખી
“ઉર્વિલ, તું તારી જાતને બચાવતો હતો. તારી પોતાની નજરમાં પડવાથી તું પોતાને બચાવતો હતો... આદર્શ પતિની છાપ બગાડવાથી બચાવતો હતો... આજ્ઞાંકિત દીકરાના લેબલને બચાવતો હતો તું... અને રઘુભાઈ થી પોતાનો જીવ બચાવતો હતો તું...”

*

(ક્રમશઃ)