‘જય ખોડલ રાજુ ભાઈ! આજે પેલ્લી ભાદરવી અમાસ તમે મુંબઈમાં જોઈ હશે કાં?’ ભાદરવાને ભરબપોરે દૂરથી સાદ પાડતાં ચંદ્રિકાબેન આવ્યા. ‘હા, આ વખતે મને ખોડિયારનો હુકમ નહીં હોય! કે કોણ જાણે આ વખતે મારું મન જ નો ઉપડ્યું! નકર ઘટસ્થાપનને દિ’ તો હું રાજપરે પહોંચી જ જાઉં. એય ને આઠ દહાડા માતાજીની સેવા કરી નોમના નિવેદ ધરી ને પાછા ફરવાનું થાય. જાણે નોરતાંના નવે નવ દિ’ લોબળિયાળી મારી હારે જ નો હોય?’ ‘હશે ભાઈ આ વર્ષે પદયાત્રા નહીં તો કોઈ બીજીયાત્રા નસીબમાં લખાઈ હોય, કેમ મૂડીભાભી ગરબો લઈ લીધો કે નંઈ?’ ‘ના રે બાઈ, હજી હટાણે ક્યાં ગઈ છું. જૂઓને તમારા ભાઈ હારે હમણાં ઈજ વાત કરતી’તી કે આ વખતે તમે રાજપરે માતાજીને ચુંદડી ઓઢાડી શકવાના છો નંઈ તે મને જ એક સારી ચુંદડી લઈ આપોને! એયને નોરતાંમાં ઈ પેરીને રમવા જાઈશ તો વટ પડશે તમારો.’ ભલભલી સ્ત્રીઓને રૂપના દરબારમાં પાછી પાડે તેવી મૂડીભાભીએ હસતાં હસતાં વાત કરી. જોકે મૂડીભાભીનું તો નામ તેવો જ સ્વભાવ જોઈ લો. શ્રાવણના પંદર-પંદર દિ’ રમવા જાય તો સાંજે મન હોય તો રાંધે નહીંતર વરને બહાર જમવા કઈ રીતે લઈ જવો એ સારી રીતે જાણે. એટલુંજ નહીં ભરબજારે શાક લેવા નીકળ્યા હોય પણ જો એકાદ શાક લેવામાં તેમનું મન નો લાગે તો ગમે તેવું લીલું ભાજી હશે તોય લીધા વિના પાછા આવશે. પછી કહેશે મન નહોતું! પણ રાજુભાઈ કોઈ કરતાં કોઈ દહાડો ભાભીને ખીજાણા હોવાનું મુંબઈની તેમની શેરીના પાડોશીઓએ સાંભળ્યું નહીં હોય. જાણે સાવ મૂંગા મંતર. પણ હા, તેઓ બોલે એટલે ભલભલાને રમૂજ કરાવે તેવા ખરાં.
‘હાલી મોટી, વટ પડશે, કઉં છું પેલું લગનમાં લઈ દીધું છે ઈ ઘરચોળું તો કોઈ દિ’ પે’રતી નથી?’ ‘પણ મારું મન જ નથી થાતું તો?’ ‘તો એક કામ કર મને પેરાવી દે એટલે બિચારા ઘરચોળાને દરરોજ થતો પ્રશ્ન તો બંધ થાય કે પેલા મણિયારાએ મને શા માટે ઘડી હશે?’ ‘હા, તો મારું મન માનશે તો તમનેય પે’રાવીશ પણ હું તો નહીં જ પહેરું.’ ‘હાલ ઠીક છે હવે લઈ દઈશ તને હું ચુંદડી આજે બસ, હારોહાર પેલી ચાદર પણ ફાટી ગઈ છે તો એ પણ લેતાં આવીએ દિવાળી આવે છે મેમાન આવે તો કેવું લાગે?’ ‘ભલે, હાલો ઝટ જઈએ, સાંજે બધી બાયું ભેગી મળી માતાજીનું સ્થાપન કરવાની છે. કેમ ચંદ્રિકાબેન સાચું ને? જોજો આજે હું નવી ચુંદડી ઓઢીને જ આવીશ.’ આટલો સંવાદ ચાલી રહ્યો ત્યાં સુધી તો ચંદ્રિકાબેન એજ વિચારતાં હતાં કે આ સતીશંકરની જોડી કેવી મોજથી જીવે છે ઈશ્વર કરેને કોઈની નજર નો લાગે.
‘તે ચંદ્રિકાબેન તમેય બજારે આવો છો?’ ‘ના, અમારે કાલ માતાને મઢની ટિકીટ છે, તે દરજીને કપડાં આપેલાં તે લેવા જાઉં છું. ત્યારે ભાઈ તમારે કોઈ સંદેશ ખરો માતાજીને?’ ચંદ્રિકાબેને મૂડી ભાભીના પ્રશ્નનો પ્રશ્નાર્થ સહિત ઉત્તર વાળ્યો. ‘આપડે કાંઈ સંદેશ આપવો પડે નહીં. સંદેશ આપનારી તો ઈ જ છે. હા બાકી એટલી અરજ જરૂર કરજો કે હવે ઝટ દર્શને બોલાવે!’ ‘જેવી ઈચ્છા ત્યારે, હાલો જય ખોડલ તમને બેયને!’
ત્રણેય છૂટ્ટાં પડ્યાં. અમાસનો સૂર્ય ઢળવા લાગ્યો. ઘોર અંધારી સાંજ પડવા લાગી. ચંદ્રિકાબેન દરજીડાંને ત્યાંથી કપડાં લઈને બહેનપણીને મળવા ગયા હતાં તે આવતાં વાર લાગી. પણ આવીને જૂએ ત્યાંતો આંખો ફાટી ગઈ. મૂડીભાભી નવી ચુંદડી ઓઢીને સોળે શણગાર કરી બેઠા હતાં પણ આજે ઓઢવાનું મન હોય તેવો માહોલ ન લાગ્યો. ઘરમાં સરખી નજર કરી તો પેલું ઘરચોળું પણ ઓઢ્યું હતું પરંતુ તે મૂડી ભાભીએ નહીં, તો? તો... રાજુભાઈએ.... ‘તો એક કામ કર મને પેરાવી દે’ એમ બોલતો રાજુભાઈનો ચહેરો યાદ આવી ગયો પણ અત્યારે મન નહોતું તોય ઓઢાડવું પડ્યું હતું. બજારમાંથી નવીનક્કોર લાવેલી ચાદર પાથરી હતી પણ ત્યાં મહેમાન નહીં રાજુભાઈનો પોતાનો ઢળી પડેલો દેહ... ચંદ્રિકાબેન ને જોતાંજ ભાભીનું હૈયું ફાટ્યું, ને જાણે ભાદરવાના નવસોનવ્વાણને પોતાની આંખેથી છૂટ્ટાં મેલતાં હોય તેમ રોણું મૂક્યું,
‘બે.....ન, જૂઓ તમારા ભાઈએ મારું મન નહોતું તોય ખરીદી કરી પણ બધું પોતે જ લઈને જાય છે, બેન મારાં છોકરાંને નોંધારા મૂકીને એની માતાજીએ એને મોટી જાત્રાએ બોલાવી લીધા બેન. પગપાળા જનાર વ્યક્તિ આજે વૈમાનમાં બૈસીને હાલી નિકળ્યાં બેન, આપણું કોઈનું મન નથી તોયે, બેન મન નથી તોયે.’
આજે આકાશનો ચંદ્રમા મૂડીના કપાળનો ચાંલ્લો લઈને આથમ્યો હતો. રસોડા પર સ્થાન પામેલ ગરબા પર કોઈ જ્યોત ન પ્રગટી ઊલટું અમાસના અંધારાએ જાણે ગરબાની ભીતર સ્થાન ન જમાવ્યું હોય? એવું ભેંકાર અંધારું, ગરબાનું ગર્ભ જાણે મૂડીભાભીના આગામી જીવન અને ઓરતાનું પ્રતિક બની બેઠું. પણ ચંદ્રિકાબેનના મનમાં તો સતત એકજ વાત ઘૂંટાઈ રહી કે શું આજે બપોરે થયેલી વાત, મૂડીભાભીનું મન ન લાગવું તે એક અનાયાસ જ હતું કે પછી ભાવિમાં ઘટનારી ઘટનાઓનો પૂર્વસંકેત? ખરેખર મોત આવવા પહેલાં કોઈને જાણ કરતું હશે? અને ભાભી પણ હૈયાંફાટ....
- સાગર જ્યોત્સનાબેન મનસુખભાઈ ચોટલિયા