Happy Birthday Dear 1 books and stories free download online pdf in Gujarati

Happy Birthday Dear 1

                      Happy birthday Dear-1

વાત છે ઈસ.2006-2007 ની જ્યારે હું નવમાં ધોરણમાં ભણતો હતો..મારી ક્લાસનો સૌથી વધુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ.ભણવાની સાથે હું મસ્તીમાં પણ બેહદ અવ્વલ સ્થાને રહેતો.છતાં પણ મોટાભાગના શિક્ષકો માટે હું એમનો સૌથી વધુ લાડકવાયો વિદ્યાર્થી હતો.નવમું ધોરણ અને ચૌદ વર્ષની ઉંમર આ એ સમય હતો જ્યારે દરેક ટીનએજ યુવક-યુવતી ની માફક વિજાતીય પાત્ર તરફ આકર્ષણ થવું લાજમી હતું.
મને બે વર્ષથી એક છોકરી તરફ આકર્ષણ જરૂર હતું પણ હું 9-A માં અભ્યાસ કરતો જ્યારે એ 9-B માં..પણ મને ખબર હતી કે ત્યાંથી આપણને કોઈ જાતનો રિસ્પોન્સ નહોતો મળવાનો એટલે એ તરફ વધુ વિચારવાનાં બદલે હું મારાં અભ્યાસ અને મારાં મિત્રોની મોજમાં મશગુલ હતો.તમને જાણીને નવાઈ લાગશે કે અમે નવમાં ધોરણ સુધી યુનિફોર્મમાં શર્ટ અને ચડ્ડી પહેરતાં.
પણ કહ્યું છે ને કુદરત જ્યારે તમારી નિયતીમાં કંઈક લખીને બેસી હોય ત્યારે એ વસ્તુ આજે નહીં તો કાલે થઈને જ રહે છે..આવું જ કંઈક મારી સાથે પણ થયું..સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી અને દસેક દિવસ પણ પસાર થઈ ગયાં હતાં ત્યાં અમારાં ક્લાસમાં એક દિવસ એક નવી છોકરીને મેં જોઈ.વધુ સુંદર તો નહોતી પણ એને રંગીન કપડાં પહેર્યાં હતાં એટલે ગણવેશમાં મોજુદ બીજી છોકરીઓ વચ્ચે બેસેલી એ છોકરી પર ધ્યાન જવું સામાન્ય બાબત જ હતી.
પ્રથમ લેક્ચરમાં જ્યારે કલાસ ટીચર દ્વારા એનું નામ પૂછવામાં આવ્યું ત્યારે એને પોતાનું નામ કહ્યું..એ નામ શું બોલી એ જો જણાવીશ તો એનાં નામ ને બદનામ કરવાનો ગુનો કરી બેસીશ..માટે તમારી રીતે એને જે નામ આપવું હોય એ તમે આપી શકો છો..ચલો એનું નામ રિયા રાખી લઉં.નામ ની સાથે એને એ પણ જણાવ્યું કે એનાં પિતાજી ની નોકરી અમારી ગામનાં બાજુનાં શહેરમાં લાગી એટલે એ પોતાનાં વતન પાછાં આવી ગયાં હતાં.
એની વાત નો અર્થ એ નીકળતો કે એ યુવતી અમારાં ગામની જ હતી..હવે વધુ તપાસ કરવી પડશે એવું વિચારી મેં બીજાં દિવસે રિયાની જોડે ક્લાસમાં બેસેલી છોકરી ફોરમ જોડેથી એ ગામમાં ક્યાં રહે છે અને એનાં ફેમિલીમાં કોણ-કોણ છે એની માહિતી મેળવી લીધી.આ બધું દરેક છોકરાં છોકરી એમની સ્કૂલ કે કોલેજનાં ટાઈમમાં જરૂર કરતાં હશે..કે જ્યારે કોઈ નવું દેખાય એટલે જેમ્સ બોન્ડ બની એની બધી માહિતી ગમે ત્યાંથી એકઠી કરી જ લેવાની.
એ નવી આવનારી છોકરી રિયા દેખાવે વધુ સુંદર નહોતી કે મારું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે..પણ એનાં ક્લાસમાં આવ્યાં નાં એક મહિના બાદ મિત્રો દ્વારા કહેવામાં આવેલી એક વાતે મારું ધ્યાન એની તરફ ખેંચ્યું..આ એક એવું વાક્ય હતું જે દરેક યુવક-યુવતી એ એમનાં મિત્ર વર્તુળ નાં મોંઢે ક્યારેક અને ક્યારેક તો જરૂર સાંભળ્યું જ હશે..અને આજ વાક્ય હતું જે સાંભળ્યાં બાદ પ્રેમમાં પડવાની શરૂવાત થઈ જતી હોય છે..એ વાક્ય હતું.
"શિવ..પેલી રિયા આખો દિવસ તારી સામે જોઈ રહે છે.."
એમની એ વાત નો પહેલાં તો મેં વધુ કોઈ ભાવ ના આપ્યો પણ જ્યારે ચાલુ લેક્ચરે હું રિયાની તરફ નજર કરતો ત્યારે રિયાની નજર મારી તરફ મંડાયેલી જોતો ત્યારે મને થોડું વિચિત્ર લાગતું..રિયા વધુ હોંશિયાર પણ નહોતી જે પ્રથમ પરીક્ષામાં એનાં ગણિતમાં નપાસ થયાં બાદ સાબિત પણ થઈ ગયું હતું.ક્લાસનો સૌથી વધુ ટોપ વિદ્યાર્થી હું આવી ઓછી દેખાવડી અને અભ્યાસમાં પણ નબળી છોકરી તરફ આકર્ષિત થઈ જઈશ એવું તો મેં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.
ધીરે-ધીરે મેં પણ એની તરફ જોવાનું શરૂ કરી દીધું..કોઈપણ લેક્ચર ચાલુ ભલે ને હોય મારી નજર ના ઈચ્છવા છતાં રિયાની તરફ જતી રહેતી..એ પણ એકીટશે મને જોઈ જ રહેતી.અમારી નજરો નો આ ટકરાવ હૃદયનાં દ્વાર પર જાણે ડોરબેલ વગાડી રહ્યો હતો..એની એ નજરમાંથી જાણે વિષ માં ડૂબાડેલાં પણ મધ નાં સ્વાદ ધરાવતાં બાણ મારાં હૃદયને રક્તરંજતીત કરી રહયાં હતાં.. રિયા ને મેં મારાં હૃદયમાં સ્થાન આપવાનું મન બનાવી લીધું હતું..મારાં દિલની જમીન નો 7/12 એનાં નામે કરવાની તૈયારી હું મનોમન કરી બેઠો હતો..એની નજર જ્યારે મારાં હૃદયને દ્વારે દસ્તક આપતી ત્યારે રાહત ઇન્દોરી સાહેબની જગ પ્રસિદ્ધ શાયરીની બે લાઈન સ્ફુરી ઉઠતી.
"किसने दस्तक दी ये दिल पर कौन है
आप तो अंदर है फिर बाहर कौन है.."

આમ ને આમ નવમાં ધોરણનું પ્રથમ છત્ર વીતી ગયું અને દિવાળીનું વેકેશન પણ પડી ગયું.આમ તો વેકેશન હોય એટલે જલસા પડી જાય પણ આ વેકેશનમાં મને દર વખતે આવતી હતી એવી મજા ના આવી..મને આ દરમિયાન રિયા નું મારી સામે આખો દિવસ પ્રેમથી જોઈ રહેવું યાદ આવતું તો ક્યારેક એનું મારી સામે જોઈને મંદ હસવું..આમ ને આમ દિવાળીનાં તહેવારનાં મુખ્ય દિવસો વીતી ગયાં અને પછી બે અઠવાડિયા જેટલું વધારાનું વેકેશન પસાર કરવાની કોશિશમાં હું લાગી ગયો.
આખરે દસ દિવસ સુધી મેં રિયા ને જોઈ નહીં એટલે મારાંથી રહેવાયું નહીં અને હું રિયા જ્યાં રહેતી હતી એ મોહલ્લામાં મારી સાઈકલ લઈને પહોંચી ગયો..એનાં ઘરની જોડે જ મારો એક મિત્ર નિમેષ રહેતો જેને નોટ્સ આપવાનાં બહાને હું એનાં ઘરે ગયો હતો..આ બધું અત્યારે વિચારું તો બહુ સામાન્ય અને સરળ લાગે પણ એ સમયે સાચેમાં હું ત્યાં જતાં ડરી રહ્યો હતો..આ ડર કઈ બાબતનો હતો એની તો આજ સુધી મને ખબર નથી પડી.
મેં નિમેષનાં ઘરે જતાં રિયાનાં ઘર તરફ જોયું પણ એ મને નજરે ના પડી..હવે એને કઈ રીતે બહાર લાવવી એની મને કંઈપણ સૂઝ નહોતી પડી રહી..નિમેષ ને નોટ્સ આપી હું હતાશ વદને ઘરે જવા નીકળ્યો.રિયા નાં દર્શન થઈ જશે એવી આશાએ ત્યાં પહોંચેલા મને નિરાશા સાંપડી હતી એનાં લીધે મારો ચહેરો ઉતરેલી કઢી પીધાં જેવો કરમાઈ ગયો હતો..પણ દોસ્તો એ સમય એવો હતો જ્યારે મિત્રો ની સાથે તમારી અંગત નિર્જીવ વસ્તુઓ પણ વફાદારી નિભાવતી હતી..મારી સાઈકલ પણ એ સમયે એવી જ વફાદાર મિત્ર સાબિત થઈ.
બિલકુલ રિયાનાં ઘર જોડે ની ગલીમાં મારી સાઈકલની ચેન ઉતરી ગઈ..એક તો રિયા નાં દર્શનની તક ના મળવી અને ઉપરથી આ સાઈકલની ચેનનું ઉતરી જવું મને અકળાઈ મુકવા કાફી હતી..હું ધૂંવા-પુંવા થઈને સાઈકલને સ્ટેન્ડ કરી એની સ્ટેન્ડ ચડાવવા ત્યાં ઉભો રહ્યો..એ સમયે મને નહોતી ખબર કે "જે થાય છે એ સારાં માટે થાય છે.." એ કહેવત હકીકતમાં સાચી પણ પડતી હશે.
કપાળે પરસેવો વળી ગયો હતો..હાથ ઓઈલ વાળાં હતાં અને મનમાં રિયાને ના જોવાની અકળામણ હતી..અચાનક કોઈકનાં હસવાનો ધીમો અવાજ મારાં કાને પડ્યો..અવાજની દિશામાં મેં નજર કરી તો પોતાનાં મકાનની બાલ્કનીમાં ઉભી-ઉભી રિયા મને જોઈ રહી હતી.જાણે મારે ચાર ધામ ની યાત્રા થઈ ગઈ હોય એવી ખુશી ત્યારે મને થઈ રહી હતી.એને જોતાં જ હું છોકરીની માફક શરમાઈ ગયો અને એમાં ને એમાં મેં ઓઈલવાળાં હાથને નાકે સ્પર્શ કરાવી દીધો..રિયા મારી આ સ્થિતિ જોઈ ખળખળાટ હસવા લાગી.. એને ઈશારાથી મને નાક ને સાફ કરવા કહ્યું.
મેં મારાં બંને હાથ એને બતાવી ઈશારાથી જ કહ્યું કે મારાં બંને હાથ ગંદા છે તો હું કઈ રીતે મારાં નાક ને સાફ કરી શકું..એને મારી તરફ જોયું અને મને બે મિનિટ ત્યાં ઉભાં રહેવાં કહ્યું..એને મેં ઈશારો કરી હું ત્યાં જ ઉભો છું એવું જણાવ્યું.
"શું રિયા નીચે આવશે..?..પણ કોઈ જોઈ જશે તો..?..કોઈ ને ખબર પડશે તો કોઈ ઊલટું સમજી બેસશે..?"આવાં અનેક સવાલો નું ઘોડાપુર એક સાથે મનમાં ઉમટી પડ્યું.
ધડકતાં હૈયે હું ત્યાં જ ઉભો રહ્યો..કોઈ ગુનેગાર ને કોર્ટરૂમમાં લાવવામાં આવે અને એની જે સ્થિતિ હોય એવી જ સ્થિતિ અત્યારે કંઈક મારી હતી..વિતતી દરેક પળ મારી હાર્ટબીટ ને બમણી કરતી જતી હતી.
અચાનક રિયા એનાં ઘરની જોડે પડતાં એક સાંકડા રસ્તામાંથી હાથમાં પાણી નો ટબલર ભરીને આવતી દેખાઈ..એ ત્યારે મને જ્યાં સુધી આછું પાતળું યાદ છે ત્યાં સુધી એક નારંગી ટીશર્ટ અને બ્લેક પેન્ટમાં હતી..એ મારી જોડે આવી અને બોલી.
"લાવ હાથ આમ કર..હું પાણી નાંખું એટલે તું તારાં ઓઇલવાળાં હાથ ધોઈ લે.."
આ મારાં અને રિયા વચ્ચેની વાતચીતમાં પ્રથમ અંશ હતાં.. અમે કરેલી આ પહેલી વાતચીત..એ મારી માલિક હોય અને હું એનો કોઈ ગુલામ હોઉં એ રીતે અનાયાસે જ મારાં હાથ એને કહ્યાં મુજબ એનાં હાથમાં રહેલ ટબલરની નજીક પહોંચી ગયાં.એ પાણી ધીરે-ધીરે નાંખતી ગઈ અને હું એની તરફ જોતાં-જોતાં મારાં હાથ ને ધોતો રહ્યો..આખરે મારાં હાથ તો સાફ થઈ ગયાં પણ મારું હૃદય આજે રિયાનાં સંપૂર્ણ રંગમાં રંગાઈ ગયું હતું.
"શિવ,હવે નાક સાફ કરી લે.."રિયા એ થોડું વધેલું પાણી મારાં હાથમાં નાંખી મને ઉદ્દેશીને કહ્યું.
મેં એ પાણી વડે નાક ને સાફ તો કર્યું પણ હું જાણતો હતો કે નાક સરખું સાફ નહીં થયું હોય..એ ઉંમર એવી હતી જ્યારે ખિસ્સામાં હાથરૂમાલ રાખવાની તો અક્કલ હતી જ નહીં..એટલે જે ટીશર્ટ પહેરી હતી એને જ હાથરૂમાલ બનાવી એની બાંય વડે નાક લૂછી લીધું.
મારી આ બાલિશ હરકત પર હસતાં-હસતાં રિયા પોતાનાં ઘરમાં દોડીને ચાલી ગઈ..હું એનાં આ હસવાનો અવાજ આજે પણ મારાં કાને મહેસુસ કરું ત્યારે અવશ્ય હસી પડું છું.એ તો પોતાનાં ઘરમાં જતી રહી હતી પણ હું તો ત્યાં જ જડવત બનીને બે મિનિટ સુધી ઉભો જ રહ્યો..આખરે કોઈ મોટી સફળતા હાથ લાગી હોય એવાં વિજયસુચક સ્મિત સાથે હું સાઈકલ પર બેઠો.
આજે મારી એ સાઈકલ મને મર્શિડીઝ કે ઓડી કરતાં પણ મોંઘી લાગે છે..જેનાં માં કયાં સમયે ખોટકાઈ જવું એની પણ સમજ હતી..આખરે હું ઘરે તો પહોંચી ગયો પણ હકીકતમાં શિવનું શરીર ઘરે આવ્યું હતું પણ એનું દિલ તો રિયાનાં ઘરની એ ગલીમાંથી ક્યાંક ગુમ થઈ ગયું હતું.મને પણ એ રાતે ઊંઘ નહોતી આવવાની એ નક્કી હતું..હું એટલો બધો ખુશ હતો કે એને શબ્દોમાં વર્ણવવાની ક્ષમતા આજે પણ મારામાં નથી..દુઃખની હોય કે સુખ ની હોય રાત પસાર કરવી અઘરી તો પડી જ જાય છે..કેમકે દુઃખની રાત ઊંઘ નથી આવતી અને સુખની રાત સુવાની ઈચ્છા જ નથી થતી.
શું હતું રિયા માં જે મને એનો દિવાનો બનાવી ગયું હતું?..મારી પ્રથમ પ્રેમિકા બનવાનું સૌભાગ્ય એને જ પ્રાપ્ત થવાનું હતું એ હું મનોમન નક્કી કરી ચુક્યો હતો.મારું આવું વિચારવું શું સાચેમાં શક્ય બનવાનું હતું કે પછી અમારો એકબીજા તરફનો આ આકર્ષણ ભર્યો વ્યવહાર ફુગ્ગાની માફક ફૂટી જવાનો હતો.?આ બધી વાતની ખબર તો હવે દિવાળી નું વેકેશન પૂર્ણ થાય પછી જ ખબર પડશે એમ વિચારતાં વિચારતાં એ રાતે તો મને મહાપરાણે ઊંઘ આવી.
બીજાં સાતેક દિવસ જ્યાં સુધી સ્કૂલ નહીં ખુલે ત્યાં સુધીનો ક્વોટા મને રિયા સાથે થયેલી એ મુલાકાતનાં લીધે મળી ગયો હતો.બસ હવે આ 7 દિવસ..168 કલાક..10,080 મિનિટ..6,04,800 સેકંડ કઈ રીતે પસાર કરવાની હતી એ સમયે તો મારી જોડે એટલું જ વિચારવાનું હતું..!!
"નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું."
                     ******************
દોસ્તો આ એક લઘુ નોવેલ છે..જે ફક્ત ત્રણ જ ભાગ ની છે.શિવ અને રિયા નો પ્રેમ આગળ વધે છે કે પછી એ બંને નું એકબીજા તરફનું આકર્ષણ કોઈ નવો વળાંક લે છે એ તમે નવાં ભાગમાં વાંચી શકશો..આ નોવેલનું ટાઈટલ Happy Birthday Dear રાખવાનું કારણ પણ તમને ત્રીજા ભાગમાં સમજાઈ જશે.
મારી અન્ય નોવેલો હવસ અને એક હતી પાગલ પણ તમે આ સાથે માતૃભારતી પર વાંચી શકો છો..હવસ નાં ભાગ આવે છે મંગળવારે અને શુક્રવારે જ્યારે હતી એક પાગલ આવે છે ગુરુવારે અને રવિવારે..આ ઉપરાંત મારી સિસ્ટર દિશા પટેલની નોવેલ સેલ્ફી પણ તમે સોમ,બુધ,શુક્ર વાંચી શકો છો..ફક્ત માતૃભારતી એપ્લિકેશન પર.
-જતીન.આર.પટેલ (શિવાય:).
કોન્ટેકટ નંબર-8733097096