Happy Birthday Dear 2 books and stories free download online pdf in Gujarati

Happy Birthday Dear 2

                    Happy birthday Dear-2

"તુજે ના દેખું તો ચૈન મુજે આતા નહીં હૈં
એક તેરે સિવા કોઈ ઔર મુજે ભાતા નહીં હૈં.
કહીં મુજે પ્યાર હુઆ તો નહીં હૈં..?"

રંગ ફિલ્મનું આ ગીત એ સમયની મારી પરિસ્થિતિ ઉપર જ લખવામાં આવ્યું હોય એવું મને લાગી રહ્યું હતું.દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું અને બીજા છત્ર નો એ પ્રથમ દિવસ..આજે પણ એ દિવસ મારી જિંદગીનાં સૌથી વધુ શ્રેષ્ઠ દિવસોમાં એક છે.એનું કારણ તમને હવે જણાવું.
પ્રથમ દિવસ હોવાથી યુનિફોર્મ ની છુટ્ટી હતી માટે હું મારાં ફેવરિટ કલર કોમ્બિનેશનમાં સ્કૂલમાં આવ્યો હતો..બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ એ સમયે પણ મારો સૌથી વધુ પ્રિય ડ્રેસ કોડ હતો અને આજે પણ છે.આજે તો હું સ્કુલમાં પગ મુકતાની સાથે જ રોમાંચિત થઈ ઉઠ્યો હતો..એવું નહોતું કે સ્કૂલ બદલાઈ ગઈ હતી પણ હું બદલાઈ ગયો હતો..આમ પણ માણસ પ્રેમમાં પડે ને ત્યારે બદલાઈ જરૂર જતો હોય છે.
સ્કુલમાં આવતાં ની સાથે જ મેં પહેલાં એ ચેક કર્યું કે રિયા આવી છે કે નહીં..મારી સ્કુલ 10:45 એ થતી હતી અને હું તો 9:30 નો ત્યાં પહોંચી ગયો હતો..હવે રિયા તો મારી જેમ આટલી વહેલી નહોતી આવવાની એ વાત નક્કી હતી..એ તો એની રોજની આદત પ્રમાણે સ્કૂલ ચાલુ થવાનાં પંદર મિનિટ વહેલી જ આવશે એવું હું મનોમન વિચારતો હતો.
સ્કૂલનો ગેટ જે તરફ પડતો હતો એ દિશામાં આંખો બિછાવી હું રિયાનાં આગમન ની આતુરતાથી રાહ જોઈને બેઠો હતો..બધાં મિત્રો ભેગાં થઈ જ્યારે ક્રિકેટ રમી રહ્યાં હતાં..આ ક્રિકેટ માં બેટ ની જગ્યાએ એક જાડું લાકડું વાપરતાં અને દેશી ભાષામાં એને અમે બુધુ કહેતાં.દસ મિત્રો ભેગાં મળી પૈસા ઉઘરાવી દડાની વ્યવસ્થા કરતાં જ્યારે આજે સેંકડો ટેનિસ બોલ લાવવાની ક્ષમતા છે પણ મિત્રો નથી જેમની સાથે રમી શકાય.
બુધુ એ સમયની મારી સૌથી વધુ પસંદગીની ગેમ હતી.પણ એક છોકરી મારાં દિલની ગેમ બજાવી ગઈ હતી એટલે હવે મિત્રોને મેં સાફ રમવા માટેની ના કહી દીધી.એ લોકોને આશ્ચર્ય થયું હશે પણ કોઈએ વધુ સવાલ પૂછયાં નહીં.
હું નજરો ને એનાં આગમનની રાહમાં બિછાવીને બેઠો હતો..હજુ તો દસ વાગતાં હતાં ત્યાં મારી નજરે રિયા પડી..હા એ રિયા જ હતી..બ્લેક અને રેડ કલરનાં ડ્રેસમાં એ મને દુનિયાની સૌથી સુંદર યુવતી એ સમયે તો લાગી રહી હતી.હૃદયની ગતિ વધી ગઈ હતી અને અનાયાસે જ મારો હાથ દિલ પર જતો રહ્યો..હૃદયની દરેક ધબકાર પણ હવે તો રિયાનું નામ દઈએ ધબકી રહી હતી.
આજે એ આટલી વહેલી કેમ આવી ગઈ..?એ સવાલ મને જરૂર થયો હતો..પણ જે સવાલનો જવાબ ગમે તે મળે છતાં એ સવાલ જ તમારી પસંદગીનો હોય તો પછી તમારે શું કામ જવાબની રાહ પણ જોવી પડે.હું પણ એ સમયે રિયાને જોવાનું એકમાત્ર કામ કરવામાં મશગુલ બની ગયો હતો..સ્કૂલનાં ગેટ જોડે એ જ્યારે પહોંચી ત્યારે એની બીજી બે સહેલીઓ સાથે આરતી અને પૂજા જોડે વાતો કરતાં કરતાં એની નજર મારી ઉપર પડી.
કોઈ રીંછ જે રીતે મધ ને જોઈને લાળ ટપકાવે એવી મારી હાસ્યાસ્પદ સ્થિતિની નોંધ શાયદ રિયા એ લઈ લીધી હશે..એટલે જ મને જોતાં એનાં હોઠ થોડાં પહોળાં થઈ ગયાં અને એક ફૂલ વેરતું સ્મિત એનાં સુંદર ચહેરાને વધુ શોભા આપવા ફરકી પડ્યું.
હું એકધારું રિયાની તરફ જોઈ રહ્યો હતો..પણ જેવી એની નજર મારી તરફ પર આવીને અટકી હું થોડો શરમાઈ જરૂર ગયો.મેં જોયું કે એને આરતી અને પૂજા ને આગળ જવાનું કહ્યું અને પોતે મારી તરફ આગળ વધી..એ કેમ આવી રહી હતી એ વાતથી બેખબર હું દિલ ને કાબુમાં રાખી,થોડો સમય શ્વાસ રોકીને તરફ તરફની કલ્પનાઓ કરી રહ્યો હતો.
એનું દરેક વધતું પગલું મારી બેચેની અને બેતાબી ને વધારી રહ્યું હતું..કોઈ અમને જોડે વાતો કરતાં જોઈ ગયું તો એ અમારાં બંનેનાં રિલેશનની વાતો જગજાહેર કરશે એ વાત ની બીક શાયદ ગામની સ્કૂલમાં ભણતાં આજથી 12 વર્ષ પહેલાંનાં શિવને થવી લાજમી હતી..પણ મારાં થી વિપરીત રિયા મારી તરફ એ રીતે આવી રહી હતી જાણે એને કોઈનો ડર કે કોઈની ફિકર જ નહોતી..એ પહેલાં શહેરમાં ભણતી હતી એટલે ત્યાંનાં વાતાવરણ મુજબ એ થોડી વધુ બેબાક હતી એ શક્યવત હતું.
"Happy new year, શિવ.."મારી જોડે આવી મારી તરફ પોતાનો હાથ લંબાવી એ બોલી.
"Happy new year.."મેં પણ થોડાં ડર અને થોડાં રોમાંચ સાથે એનાં લંબાવેલાં હાથમાં મારો હાથ મૂકી દીધો.
"એ દિવસે તું મારાં મહોલ્લામાં આવ્યો ત્યારે તને happy new year વિશ કરવાનું ભૂલી ગઈ હતી..એટલે આજે કરી દીધું.."રિયા એ મારી તરફ જોઈને કહ્યું.
મારે પણ કંઈક બોલવું હતું પણ શાયદ બધાં શબ્દો એ જન્મતાં જ આત્મહત્યા કરી લીધી હોય એમ શબ્દોનો દુકાળ પડ્યો હતો..હું કંઈપણ બોલવાનાં બદલે ફક્ત ચહેરા પર સ્મિત ફરકાવી એને જોતો જ રહ્યો..રિયા એ પાછળ ફરીને આરતી અને પૂજાની તરફ જોયું અને બોલી.
"By.. શિવ..આરતી અને પૂજા મારી રાહ જોવે છે.."
"By.."હું આટલું બોલું એ પહેલાં તો એ ત્યાંથી નીકળી ગઈ.
એનાં જતાં જ મેં મારી જિંદગીમાં આવેલાં આ સ્પેશિયલ મોમેન્ટ ને મારાં હૃદયનાં લોકરમાં save કરીને રાખી દીધું..તમારાં બધાં ની જીંદગી માં પણ ઘણી એવી સ્પેશિયલ મોમેન્ટ આવી હશે જે ફક્ત ત્યારે યાદ આવે જ્યારે તમે એકલા પડો.. આ સ્પેશિય મોમેન્ટ ની ખાસિયત એવી હોય છે કે પહેલાં એ યાદ આવે ત્યારે  હસાવે છે અને જતાં જતાં આંખોનાં ખૂણા ભીનાં કરી મૂકે છે.
કંઈક તો કમાલ હતો એનાં સ્પર્શમાં જેની અનુભૂતિ હું આજે પણ મારાં જમણાં હાથ પર મહેસુસ કરી શકું છું..એનાં સ્પર્શમાં એક મિડાસ ટચ હતો જે મને સોના નો તો ના બનાવી ગયો પણ મારાં હૃદયને એની એક સોનેરી યાદ આપી ગયો.આખરે પ્રથમ લેક્ચર શરૂ થવાનો બેલ વાગી ગયો અને હું કલાસરૂમમાં પહોંચ્યો..ક્લાસરૂમની એ પ્રથમ બેંચ પરથી ગરદન છોકરીઓની બેંચ તરફ ફેરવી મેં એક નજર રિયાને જોઈ લીધી..રિયાએ પણ આંખો નીચી ઢાળી મારી એ નજર ને સહર્ષ વધાવી લીધી.
હવે તો અમારું એકબીજાને આખો દિવસ નિરખતું રહેવું જાણે સામાન્ય બની ગયું હતું..અમે એકબીજાને જોતાં અને બાકીનાં બધાં ક્લાસમેટ અમને.અમારી આ ટીનએજ લવસ્ટોરી કોઈપણ જાતનાં કરાર કે બોલી વગર ચુપચાપ મંદ ગતિએ આગળ વધી રહી હતી.ભણવાનું તો મને પસંદ હતું પણ હવે સ્કૂલમાં આવવાનું એક બીજું કારણ પણ હતું 'રિયા'.
બધું એની રીતે યોગ્ય રીતે ચાલી રહ્યું હતું..મારાં અભ્યાસ ની સાથે મારો રિયા તરફનો પ્રેમ પણ તરક્કી કરી રહ્યો હતો.હા એ વાત જરૂર હતી કે મારાં કે રિયામાંથી કોઈએ એકબીજા સમક્ષ મનમાં રહેલી વાત રાખી નહોતી..તેમ છતાં અમે બંને જાણતાં હતાં કે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ.
આમ ને આમ ડિસેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો હતો અને ઉત્તરાયણ પછી દ્વિતીય વાર્ષિક પરીક્ષા નો કાર્યક્રમ પણ આવી ગયો હતો.હું પુરી લગનથી મારી પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો હતો.પ્રથમ પરીક્ષાની માફક આ વખતે પણ પ્રથમ નંબર મેળવવાનું મારું ધ્યેય હતું જે પૂર્ણ થાય એવી કોશિશમાં હું દિવસ રાત લાગી રહેતો.
એક દિવસ રાતે જ્યારે હું મારાં ઘરે સુઈ રહ્યો હતો..ત્યાં બહારથી કોઈએ બુમો પાડી..મારી આખી ફેમિલી એ બુમો સાંભળી જાગી ગઈ..બહાર નિરંજન ભાઈ ઉભાં હતાં..નિરંજન ભાઈ અમારી દુકાનની બાજુનાં મોહલ્લામાં રહેતાં હતાં.એમને કહ્યું કે તમારી દુકાનમાં આગ લાગી છે..અમારે એક પાર્લર છે..જ્યારે હું અને સિસ્ટર જોબ નહોતાં કરતાં ત્યાં સુધી એની ઉપર અમારું કુટુંબ નભતું હતું..
એમાં આગ લાગી જવાની વાત સાંભળી હું પપ્પા ની પાછળ હાંફતો હાંફતો દુકાને પહોંચ્યો.દુકાન નાં પાછળનાં રૂમમાં આગ લાગી હતી.આ રૂમમાં એક ફ્રીઝ,આઈસ્ક્રીમ નું મશીન અને કોલ્ડડ્રિંક્સ ની બોટલો પડી હતી.બાજુનાં મોહલ્લામાં રહેતાં લોકો માનવતા ખાતર અમારી પુરી મદદમાં લાગેલાં હતાં. એ લોકોની મદદ અને ભગવાનની થોડીઘણી કૃપા નાં લીધે આગ વચ્ચેનાં રૂમ સુધી પ્રસરી નહીં.. છતાં એક લાખથી વધુ ની વસ્તુઓ એ આગમાં ખાખ થઈ ગઈ હતી.
જ્યારે તમારો પરિવાર આર્થિક રીતે મધ્યમ વર્ગનો હોય ત્યારે આ નુકશાન ખરેખર મોટું કહેવાય એવું હતું.આઈસ્ક્રીમ બનાવવાનું મશીન અને એક ફ્રીઝ સળગી ગયું હતું જે લાવવામાં પપ્પા ની બચાવેલી થોડી મૂડી ખર્ચાઈ ગઈ.આર્થિક સંકળામણ ધીરે-ધીરે વધી રહી હતી.છતાં પપ્પા પોતાનાં આંસુ છુપાવી અને પોતાની ઉપર આવતી તકલીફો ને હસીને અવગણી જીવી રહ્યાં હતાં.
આજ સુધી શાસ્ત્રોમાં માં વિશે ઘણું બધું લખાયું છે પણ ક્યારે એક બાપ વિશે વધુ લખાયું નથી..મારાં જીવન ઘડતરમાં અને મારી દરેક જરૂરિયાત પૂરી કરવામાં મારાં પપ્પા એ પોતાની દરેક જરૂરિયાત અવગણી છે..આપણાં નવાં કપડાં લાવવામાં ક્યારે પાછી પાની ના કરનારાં પિતા જ્યારે કોલર ફાટી ગયો હોય એવો ઘસાઈ ગયેલો શર્ટ પહેરીને ચલાવે એ વાત યાદ આવે ત્યારે હંમેશા મુક ભાવે પરિવાર માટે પોતાની જાત ખર્ચી નાંખતાં એક બાપ ને દંડવત પ્રણામ કરવાનું મન થઇ જાય છે.
મારાં પપ્પા ને મેં એ સમયે ઘણી તકલીફમાં જોયાં અને એમની એ તકલીફ મારાં દિલ અને દિમાગ પર અસર કરી રહી હતી..એવામાં પરીક્ષા પણ આવી ગઈ.એ વખતે ઉંમર એવી હતી જ્યારે વધુ પડતું વિચારવાનાં લીધે મારી એક્ઝામ તો સારી ગઈ પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે હું બે માર્ક્સ માટે પ્રથમ ક્રમે આવતાં રહી ગયો અને બીજાં ક્રમથી જ મારે સંતોષ માનવો પડ્યો.
એક તો ઘરે થોડાં દિવસો દરમિયાન જે પ્રકારનું ગંભીર વાતાવરણ હતું અને એમાં મારુ બીજાં નંબરે પાસ થવું..આ બંને વસ્તુઓની અસર મારાં ઉપર વધુ ખરાબ થઈ.હું સતત મારી જાત ને વધુ ને વધુ સારો અભ્યાસ કરવા માટે પ્રેરી રહ્યો હતો..પણ એમાં હવે રિયા અડચણ બની રહી હોય એવું મને લાગી રહી હતી.મારી નજર રહીરહીને બ્લેકબોર્ડ પરથી રિયા તરફ ચાલી જતી રહેતી..મારી આ આદત ને હું કોઈપણ ભોગે અહીં જ અટકાવી દેવાં માંગતો હતો.
રિઝલ્ટ આવ્યાં નાં બીજાં દિવસે જ મારું રિયા તરફનું વર્તન બદલાઈ ગયું..મેં એકવાર પણ એની તરફ નજર ઉઠાવીને જોયું પણ નહીં.એ દિવસે પાંચમું લેક્ચર ફ્રી હતું કેમકે એ લેક્ચર લેવાં માટે આવનારાં મેડમ રજા પર હતાં. હું કલાસ મોનીટર હતો એટલે મારી જવાબદારી હતી કે આવું કોઈ લેક્ચર હોય ત્યારે કોઈ સ્ટુડન્ટ વાતો કરે તો મારે કલાસ ટીચર ને એમનું નામ આપી દેવું.
રિયા એની સહેલી સાથે એ લેક્ચર દરમિયાન વાતો કરી રહી હતી એવું મારી નજરે પડ્યું..મેં એનું નામ લખી દીધું.બીજાં દિવસે જ્યારે મેં ક્લાસટીચર ને જે સ્ટુડન્ટસ ગઈકાલ નાં ફ્રી લેક્ચરમાં વાતો કરતાં હતાં એમનું લિસ્ટ આપ્યું ત્યારે એમાં રિયાનું પણ નામ હતું.અમારાં કલાસ ટીચર જ્યારે રિયા ને સજા કરી રહ્યાં હતાં ત્યારે એની નજર મારી તરફ કેન્દ્રિત હતી..એનાં હાથમાં વાગતી સોટી નું દર્દ એને નહોતું પણ મેં એનું નામ આપ્યું હતું એ કારણે એ વધુ દુઃખી હતી..એનું આ દુઃખ એની આંખોમાં જોઈને હું એની આંખોની તપિશ સહન ના કરી શક્યો અને મેં મારી નજર ઝુકાવી લીધી.
બપોરે રિસેસમાં રિયા રૂમમાં બેસીને જ રડતી રહી એવું મને મારાં મિત્રો તરફથી જાણવા મળ્યું..હું એની જોડે એવું કેમ કરી રહ્યો હતો એ ફક્ત હું જ જાણતો હતો પણ મારી એ બેરુખી રિયા માટે સહનશક્તિ કરતાં વધુ સાબિત થઈ રહી હતી.મને એવું થયું કે હું રિયાની માફી માંગી લઉં.. પણ એક રીતે જો રિયા મને નફરત કરવા લાગે તો એની તરફનો મારો પ્રેમ અને આકર્ષણ ઓછું થઈ જશે એમ વિચારી મેં એની માફી માંગાવાનો વિચાર પણ પડતો મુક્યો.
બે દિવસ પછી ની તારીખ હતી ૨જી ફેબ્રુઆરી..એટલે કે મારો જન્મદિવસ.હું નાનપણથી જ એ વાત માનતો કે જન્મદિવસ ની ઉજવણી કરવાની જરૂર નથી કેમકે દર વખતે જીંદગીનું એક કિંમતી વર્ષ ઓછું થઈ જાય છે.એ વર્ષે હું સોળમાં વર્ષમાં પ્રવેશી રહ્યો હતો.
મને હતું કે આ જન્મદિવસ પણ દરેક વખતની જેમ ચુપકેથી આવશે અને ચુપકેથી જતો રહેશે..આ ઉપરાંત આ વખતે તો દુકાનમાં લાગેલી આગ,એક્ઝામમાં બીજાં નંબરે આવવું અને રિયા જોડેનાં સંબંધમાં આવી ગયેલી ખટાશ બાદ તો મને આ જન્મદિવસ ઉજવવાનો કોઈ જાતનો મોહ નહોતો..પણ મને ખબર નહોતી કે મારો આ બર્થડે મારી જીંદગી નો સૌથી વધુ યાદગાર બર્થડે બની જવાનો હતો..જેની યાદ મારાં મનમાં આજ સુધી ઘર કરીને બેસી છે..!
                        ★★★★★★★★
દોસ્તો આ એક લઘુ નોવેલ છે..જે ફક્ત ત્રણ જ ભાગ ની છે.શિવનાં બર્થડે પર એને કઈ નવી સોગાત મળવાની હતી..એ આ નોવેલનાં છેલ્લાં ભાગમાં તમે વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો હવસ અને એક હતી પાગલ પણ તમે આ સાથે માતૃભારતી પર વાંચી શકો છો..હવસ નાં ભાગ આવે છે મંગળવારે અને શુક્રવારે જ્યારે હતી એક પાગલ આવે છે ગુરુવારે અને રવિવારે..આ ઉપરાંત મારી સિસ્ટર દિશા પટેલની નોવેલ સેલ્ફી પણ તમે સોમ,બુધ,શુક્ર વાંચી શકો છો..ફક્ત માતૃભારતી એપ્લિકેશન પર.
-જતીન.આર.પટેલ (શિવાય:).
કોન્ટેકટ નંબર-8733097096