Sukhi Kon? books and stories free download online pdf in Gujarati

સુખી કોણ?

આવતીકાલે દિવાળીનો પર્વ હોવાના કારણે શહેરની મુખ્ય બજાર માનવભીડથી ઉભરાઈ રહી હતી. સૌ કોઈ દિવાળીની ખરીદીમાં વ્યસ્ત હતા.
ફટાકડાની દુકાનો પર બાળકોથી માંડી મોટેરાઓ પણ ફટાકડા લેવા પડાપડી કરી રહ્યા હતા. બીજી તરફ મહિલાઓ મીઠાઈ, કપડાં અને ઘર સુશોભનની વસ્તુઓ ખરીદી રહી હતી. સૌ કોઈના ચહેરા પર દિવાળીની ઉજવણીનો થનગનાટ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. પ્રથમ નજરે સૌ કોઈ સુખી અને આનંદી જણાઈ રહ્યા હતા.
આ માનવ મેદનીમાં એક બાર વર્ષનો છોટુ બધાથી અલગ તરી આવતો હતો. સડકની બાજુમાં પોતાના વિકલાંગ માતા પિતા સાથે બેસી આવતા જતા લોકો સામે લોલુપ નજરે નીરખી રહ્યો હતો. તે માતા પિતા સાથે માટીના કોડીયા વેંચી રહ્યો હતો. રંગબેરંગી કોડીયા વેંચી રહેલા છોટુના જીવનમાં જ કોઈ રંગ રહ્યો ના હતો. માતાપિતાની વિકલાંગતાના કારણે રમવાની ઉંમરમાં તેને પેટિયું રળવા કામ કરવું પડતું હતું.
તે આસપાસ તેની જ વયના બાળકોને જોઈ રહ્યો હતો તે બધા કેટલા સુખી હતા. સૌ બાળકોના ચહેરા પર પોતાની ઈચ્છીત ચીજ મેળવવાની જીદ અને મેળવ્યાની જીત લહેરાતી હતી.
સામેની ફટાકડાની દુકાનમાં પોતાનીજ વયના એક બાળકને જોઈ રહ્યો. તેને કેવા સુંદર કપડાં પહેર્યા હતા. તેના માતાપિતા તેને કેટલા સ્નેહથી ચૂંટી-ચૂંટી ફટાકડા લઇ આપી રહ્યા હતા. પણ આ શું? તે બાળક રડે છે, વધુ ફડકડા લેવાની જીદ કરે છે. છોટુ મનોમન બોલ્યો કે મને તો એના કરતા જો અડધું પણ મળે તો હું કદી રડું નહિ.
તે મનોમન ઈશ્વર ને પ્રાર્થના કરવા લાગ્યો "હે ભગવાન મને પણ ફટાકડા આપ, સારા સારા કપડાં આપ'. આજે તે છોકરો દુનિયામાં સૌથી સુખી છે.

આજે દિવાળીની પૂર્વ સંધ્યા હતી છતાં પણ મયંકનું નાનકડું મન વ્યગ્રતા અનુભવી રહ્યું હતું. તે વિચારતો કે ક્યાર સુધી મમ્મી કહે તેજ કપડાં પહેરવા, પપ્પા કહે તેજ ફટાકડા લેવા. શું મારી ઈચ્છાનું કોઈ મૂલ્ય જ નથી?
હવે તો મમ્મી પપ્પાની જોહુકમીથી કંટાળી ગયો છું. ફટાકડા ખરીદ્યા બાદ તેના માતાપિતા કપડાં માટે પાસેની દુકાનમાં મયંક ને લઇ આવ્યા ત્યારેજ તેની નજર કપડાં ખરીદી રહેલા ત્રણ મિત્રો પર ગઈ.
તેઓ હસી મજાક કરતા પોતાની પસંદના કપડાં ખરીદી રહ્યા હતા. તે મિત્રોમાં પણ બ્લુ જીન્સ પહેરેલો યુવાન કેટલો ખુશ જણાઈ રહ્યો હતો. મયંક મનોમન બબડ્યો હું ક્યારે મોટો થઇશ ? ક્યારે સ્વતંત્ર જીવી શકીશ? "હે ભગવાન મને પણ પેલા યુવાન જેવું જીવન આપ. સાચેજ એ યુવાન દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે."

રાહુલ તેના બે મિત્રો સાથે કપડાં ખરીદી રહ્યો હતો. તે સ્વતંત્ર હતો, સારી નોકરી હતી, મિત્રો હતા, ખિસ્સામાં ઠાંસોઠાંસ પૈસા હતા છતાં પણ તેના જીવનમાં કંઈક ઘટતું હતું. બહારથી તો તે મિત્રો સાથે આનંદી જણાતો પણ અંદરથી તે ખુબજ પીડાતો હતો. તેના જીવનમાં તૃષ્ણા હતી તો બસ સ્ત્રી પ્રેમની. કેટકેટલી યુવતીઓ તેના જીવનમાં આવી ચાલી ગઈ પણ સાચો પ્રેમ તે કોઇનો પણ પામી શક્યો નહિ.
તેની નજર દૂર નાળીયેરવાળાની રેંકડી પર ગઈ જ્યાં એક પરિણીત યુગલ લીલા નાળિયેર પી રહ્યું હતું. તે બંનેનો પ્રેમ ઉડીને આંખે વળગે તેવો હતો. એક નાળિયેરમાં બે સળી રાખી તેઓ બંને પી રહ્યાં હતા. એ પુરુષ કેટલો નસીબદાર છે કે તેને આટલો પ્રેમ કરવાવાળી પત્ની મળી.
રાહુલ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા મંડ્યો " હે ભગવાન મને પણ સાચો પ્રેમ કરવાવાળી એક સમજદાર જીવન સંગીની આપ જે મારો જીવનભર સાથ નિભાવે."
રાહુલ ફરી એ યુગલ સામે જોવા મંડ્યો મનોમન બોલ્યો સાચેજ આજે એ પુરુષ દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે.

મોહન પરાણે પોતાની પત્ની સામે હસી રહ્યો હતો પરંતુ મનમાંને મનમાં ખુબજ દુઃખ અનુભવી રહ્યો હતો. તે ખુદને ધિક્કારતો. ગરીબાઈ તેનો પીછો છોડવાનું નામ નહોતી લઇ રહી. માત્ર પાંચ હજાર રૂપિયાની નોકરીમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પડતું હતું. પત્નીને કોઈ જ ભૌતિક સુખ આપી શકતો નહોતો. વધુમાં પોતાની પત્નીને પણ પારકા ઘરોમાં કામ કરવા જવું પડતું હતું. આવક વધારવાના લાખ પ્રયત્નો કર્યાં. નોકરીઓ પણ બદલી છતાં તે પોતાનું નસીબ બદલી શક્યો નહિ.
આજે દિવાળીની પૂર્વસંધ્યાએ સૌ કોઈ પોતાની પત્નીને સોનાના ઘરેણાં, મોંઘાદાટ કપડાં ખરીદી આપી રહ્યા હતા પણ પોતે કશું આપી શકતો નહોતો. આજે માંડ કરી શેઠ પાસેથી રજા લઈ સાંજનો સમય પોતાની પત્નીને બજારમાં ફરવા લઇ આવ્યો હતો. કોઈ મોટી હોટેલમાં જવાની પોતાની ત્રેવડ નોહતી તેથી સડક કિનારે ઊભી લીલા નાળિયેર પી રહ્યો હતો.
ત્યારેજ તેની પાસેથી એક ઈમ્પોર્ટેડ લાલ રંગની કાર ધસમસતી પસાર થઇ અને એક મોટા જ્વેલરી શોપ પાસે ઉભી રહી.
તે કારમાંથી સુટબૂટ પહેરેલો એક શ્રીમંત તેની પત્ની સાથે ઊતર્યો.
મોહન તો એ કારને જોઈ જ રહ્યો અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો " હે ભગવાન મને પણ પૈસા આપ, ગાડી આપ. હું પણ મારી પત્નીને સોનાના ઘરેણાં લઇ આપું એટલી શક્તિ આપ."
મોહન તે શ્રીમંત વ્યક્તિ સામે જોઈ જ રહ્યો અને બબડ્યો સાચેજ આજે તે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે.

વિમલ મીરાણી તેની પત્ની સાથે જ્વેલરી શોપમાંથી ઘરેણાં ખરીદી બહાર નીકળ્યો અને થોડીવાર તેના પગ થંભી ગયા . આ એજ શહેરની મોટી બજાર છે જ્યાં તે તેના માતાપિતાની આંગળી પકડી ફર્યો છે.
એજ સડક અને એજ દુકાનો છે બધું એજ છે કશું બદલાયું નથી બદલાયું છે તો તેનું જીવન. મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલા વિમલે વીસજ વર્ષની કાચી વયમાં પૈસા કમાવવાની દૌડમાં એવી તે ગતી પકડી કે આજે તે ખુબજ આગળ નીકળી ગયો અને તેનો પરિવાર, માતાપિતા બધું જ ક્યારે છૂટતું ગયું એનું ભાન જ ના રહ્યું. આજે તેની પાસે બંગલો છે, ગાડી છે, ચિક્કાર પૈસા છે પણ માતાપિતા નથી.
ત્યારેજ તેની નજર સડકના કિનારે માટીના કોડીયા વેંચી રહેલા છોટુ પર પડી. કોઈ દયાળુ સ્વજન છોટુને થોડા ફટાકડા અને મીઠાઈનું બોક્સ આપી ગયું. છોટુ મીઠાઈ મળતાજ ખુશી ખુશી ચહેરે તેને માતાપિતા પાસે જઈ ચડ્યો. તેના પિતાએ મીઠાઈનો એક ટુકડો છોટુના મોમાં ખવડાવ્યો તો છોટુનો ચહેરો ખીલી ઉઠ્યો. વિમલ મીરાણી આ દ્રશ્ય જોઈ રહ્યો અને તેની આંખોમાં આંસુ ઘસી આવ્યા.
શું થયું ડાર્લિંગ? વિમલની પત્ની બોલી.
કશુંજ નહિ.- વિમલ તેના દુઃખને છુપાવતો પોતાની કાર તરફ ચાલવા લાગ્યો અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો "હે ભગવાન મારે કશુંજ નથી જોઈતું. મારુ સર્વસ્વ લઇ લે પણ મારા માતાપિતા મને આપી દે."
ફરી એક નજર છોટુ પર ગઈ અને વિમલ વિચારતો રહ્યો સાચેજ આજે એ બાળક દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે.
-સમાપ્ત