Hawas-It Cause Death - 14 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-14

હવસ :-IT CAUSE DEATH-ભાગ 14

પ્રભાતની હત્યાનો સૌથી પહેલો સંદિગ્ધ આરોપી સલીમ સુપારી ને અર્જુને જીવ નાં જોખમે પકડી લીધો હતો..સલીમે પોલીસની પુછતાજ માં પોતે પ્રભાત પર સ્નાયપર ગનનો ઉપયોગ કરી ગોળી ચલાવવાની વાત કબુલી લીધી હતી..હવે અર્જુન ને એ જાણવું હતું કે આખરે પ્રભાત પંચાલની હત્યા માટેનો કોન્ટ્રાકટ સલીમ ને આપનાર વ્યક્તિ કોણ હતો..?

"પણ,સાહેબ મને એ વ્યક્તિનું નામ ખબર નથી જેને પ્રભાતની હત્યા કરવાનો કોન્ટ્રાકટ મને આપ્યો છે.."ઘીમા અવાજે ખચકાતાં-ખચકાતાં સલીમે કહ્યું.

"અમારાં કપાળ પર તને કંઈ લખેલું દેખાય છે..?તને એ વ્યક્તિનું નામ ખબર નથી જેને તને પ્રભાતની હત્યા માટેનો કોન્ટ્રાકટ આપ્યો.."અર્જુને પોતાનાં હાથનું વજન સલીમનાં તુટેલા પગ પર આપતાં કહ્યું.

"સાહેબ દુઃખે છે.."દર્દથી કરાહતાં સલીમ બોલ્યો.

"તો પછી જલ્દી એ વ્યક્તિનું નામ બકી દે જેનાં જોડેથી તને પ્રભાતની હત્યા માટેની સુપારી મળી હતી..?"અર્જુને આક્રોશમાં કહ્યું.

"સાહેબ સાચું કહું છું..કે પ્રભાતની હત્યા કરવા માટે મને કોન્ટ્રાકટ આપવાવળું કોણ હતું..ઉપરથી હવે તો એવું થાય છે કે મેં એ વ્યક્તિનું નામ શું છે અને એ કેવો દેખાય છે એ જાણી લીધું હોત તો સારું હતું..કેમકે અત્યારે તો હું એકલો જ પ્રભાતની હત્યાનો એકલોતો ગુનેગાર છું."હાથ જોડી કરગરતાં સલીમ બોલ્યો.

"સાહેબ..લાગે છે આ સાચું કહી રહ્યો છે.કેમકે પોતે પ્રભાત પર ગોળી ચલાવી લીધાંની કબુલાત પછી તો પ્રભાતની હત્યા માટે કોને સલીમ ને કોન્ટ્રાકટ કિલીંગ માટે ની સુપારી આપી હતી એ જણાવવામાં જ એની ભલાઈ હોવાની વાત એને ખબર છે છતાં એ નથી કહેતો મતલબ કંઈક તો કારણ હશે.."સલીમની વાત સાંભળી નાયકે અર્જુનને ઉદ્દેશીને કહ્યું.

નાયક ની વાત સાંભળી અર્જુને એ વિશે થોડું વિચારી જોયું..અર્જુનને પણ સલીમની વાત એકરીતે સાચી લાગી રહી હતી કેમકે પોતાને પ્રભાતની હત્યા માટે આદેશ આપનારી વ્યક્તિ નું નામ છુપાવી છેલ્લે નુકશાન તો એને જ હતું.

"તો તું કઈ રીતે એ વ્યક્તિ જોડે વાત કરતો હતો અને કઈ રીતે એ વ્યક્તિએ તને તારી નક્કી કરેલી રકમ પહોંચાડી..?"અર્જુને જાણકારી મેળવવા પુછ્યું.

અર્જુનનો સવાલ સાંભળી પોતાને કઈ રીતે પ્રભાત પંચાલની હત્યા માટેનું કામ પડ્યું એ વિશે જણાવતાં સલીમ બોલ્યો.

"સાહેબ એક દિવસ મને એક અજાણ્યાં નંબર પરથી કોલ આવ્યો..એમાં મને એક હત્યા કરવાનું કહેવામાં આવ્યું.હવે પૈસા લઈને કોઈનું પણ મર્ડર કરવું એ મારું કામ હતું એટલે મેં એની વાત સ્વીકારી લીધી..એ વખતે તો એ વ્યક્તિએ કોની હત્યા કરવાની છે એ વિશે કંઈપણ ના જણાવ્યું અને બે દિવસ પછી પોતે સામેથી કોલ કરશે એવું કહી કોલ કટ કરી દીધો."

"બે દિવસ પછી એ વ્યક્તિનો પુનઃ કોલ આવ્યો,એનો અવાજ હું ઓળખી ગયો હતો એટલે મેં એને કોની હત્યા કરવાની છે એવો પ્રશ્ન કર્યો તો એને મને પ્રભાત પંચાલનું નામ જણાવ્યું..એ માટે એ ત્રીસ લાખ આપવા તૈયાર થઈ ગયો અને એ પૈકીનાં દસ લાખ એને મેં કહેલી જગ્યાએ પહોંચાડી દીધાં.એ પછી એ વ્યક્તિનો ફરીવાર કોલ આવ્યો અને પ્રભાતની હત્યા ક્યારે કરવાની છે એ મને જણાવ્યું.મેં એ વ્યક્તિનાં કહ્યાં મુજબ પ્રભાતને ઠેકાણે પાડી દીધો અને એ માટેની બાકી રકમ પણ મને નિયત સમયે મળી ગઈ."

સલીમની વાત સાંભળી અર્જુને કહ્યું.

"સલીમ,તારાં જોડે એ વ્યક્તિનો નંબર હશે જેની ઉપરથી એ તારી સાથે સંપર્ક સાધતો હતો..?"

"હા સાહેબ..મને યાદ છે એ નંબર.."આટલું કહી સલીમે એ અજાણ્યાં વ્યક્તિનો નંબર અર્જુનને આપી દીધો.અર્જુને સલીમે કહેલો નંબર ડાયલ કર્યો તો એ out of reach આવતો હતો.

બે ત્રણ વખત પ્રયાસ કર્યાં પછી પણ સલીમે આપેલો નંબર out of reach આવતાં અર્જુન થોડો રઘવાઈને બોલ્યો.

"લાગે છે આ નંબર ફક્ત પ્રભાતની હત્યા માટે જ ખરીદાયો હશે..નાયક તું જલ્દીથી આ નંબર કોનાં નામે છે અને આ નંબરથી સલીમ સિવાય બીજાં કોની જોડે વાત થઈ છે એની કોલ ડિટેઈલ કઢાવ."સલીમે આપેલો નંબર એક કાગળ પર લખી નાયક ને આપતાં કહ્યું.

અર્જુન જોડેથી કાગળ લઈને નાયક ફટાફટ જેલની એ કોટડીમાંથી નીકળી ગયો..નાયકનાં જતાં જ અર્જુને સલીમ ભણી જોયું અને કહ્યું.

"સલીમ તું હજુપણ કંઈ છુપાવતો હોય તો જણાવી દે બાકી તને બલીનો બકરો બનાવતાં મને આવડે છે.."આટલું કહી અર્જુન પણ જેલની કોટડીમાંથી બહાર નીકળી પડ્યો.

****************

સલીમની પૂછતાછ પછી પણ કંઈ હાથમાં ના આવતાં હતાશ થઈને અર્જુન પોતાની કેબિનમાં આવીને બેઠો..આવતાં ની સાથે એને મારબલો સિગરેટ નું પેકેટ કાઢી એમાંથી એક સિગરેટ સળગાવી..સિગરેટ નાં ધૂમડાની સાથે અર્જુન પ્રભાતની હત્યાનાં ખરાં માસ્ટર માઈન્ડ વિશે વિચારી રહ્યો હતો.

એક કલાક વીત્યો ત્યાં નાયક પોતાનાં હાથમાં પ્રિન્ટ આઉટ સાથે હાજર હતો..અર્જુનનાં ટેબલ પર એ પ્રિન્ટ આઉટ મુકતાં નાયક બોલ્યો.

"સર આ રહી પ્રભાતની કોલ ડિટેઈલ..આમાં મને તો એવો કોઈ નંબર નથી મળ્યો જેની ઉપર કોઈપણ પ્રકારનો સંદેહ ઉપજે..છતાં તમે પણ આ પ્રિન્ટ આઉટ ચેક કરી લો."

નાયકે આપેલાં પ્રિન્ટ આઉટ પોતાનાં હાથમાં લેતાં અર્જુને હાથનાં ઈશારાથી નાયક ને બેસવા કહ્યું..પ્રભાત દ્વારા વારંવાર કરવામાં આવેલાં કોલ કાં તો એનાં કોઈ મિત્ર ને હતાં કાં એ કોલ બિઝનેસ રિલેટેડ હતાં..જેનો મતલબ સાફ હતો કે પ્રભાતની કોલ ડિટેઈલ પણ અર્જુન માટે કંઈપણ ઉપયોગમાં આવે એવી નહોતી.

"નાયક પ્રભાતની કોલ ડિટેઈલ સાચેમાં કંઈપણ કામની નથી.મેં તને સલીમે આપેલાં નંબરની પણ ડિટેઈલ મેળવવાનું કહ્યું હતું એનું શું થયું..?"નાયક તરફ જોતાં અર્જુને પુછ્યું.

"સાહેબ આ રહી એ નંબર ની ડિટેઈલ..આ સિમ કોઈ સુભાષ મિશ્રા નામનાં કાનપુર નિવાસી વ્યક્તિનાં નામે લેવાયેલું છે..અને તપાસ કરતાં માલુમ પડ્યું કે સુભાષ મિશ્રા નામનો એ વ્યક્તિ છ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો છે.."અર્જુનનાં સવાલનાં જવાબ આપતાં નાયક એક કાગળ અર્જુનને આપતાં બોલ્યો.

"મતલબ કે બધું પ્લાનિંગથી કરવામાં આવ્યું છે..ડમી સિમકાર્ડ નો ઉપયોગ કરી કોલ કરવો અને ક્યારેય સામે ના આવવું આ બધું એ વાતની સાબિતી પુરે છે કે પ્રભાતની હત્યા કરાવનાર નક્કી શાતિર હોવો જોઈએ."અર્જુન પોતાનાં હાથમાં રહેલ કાગળને જોતાં બોલ્યો.

"હવે સાહેબ આગળ..?"નાયકે પુછ્યું.

"હવે આ નંબરની કોલ ડિટેઈલ અને પ્રભાતનાં મોબાઈલનો ડેટા જ ખરાં કાતિલ સુધી લઈ જશે..જેને પ્રભાતને ઝેર આપી મારી નાંખ્યો અને પછી એનાં બચવાની થોડી ઘણી શકયતા ના રહી જાય એ હેતુથી સ્નાયપર ગન વડે પણ એને ટાર્ગેટ કરાયો."અર્જુન નાયકનાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"સાહેબ પ્રભાતનો મોબાઈલ બંધ થઈ ગયો છે એટલે એમાંથી ડેટા મેળવતાં કાલ સવાર થઈ જશે..પણ સલીમે આપેલાં આ ડમી સિમકાર્ડ વાળાં નંબરની ડિટેઈલ સાંજ સુધી આવી જશે."નાયકે કહ્યું.

"સારું નાયક તો પછી હવે ત્યાં સુધી રાહ જોવી જ રહી..તું મારુ ટિફિન ઘરેથી મંગાવ એટલે ભોજન કરી લઈએ..બાકી ભૂખ્યાં પેટે મગજ દોડતું નથી."અર્જુને હસીને કહ્યું.

અર્જુનની વાત સાંભળી નાયક ફટાફટ અર્જુનની કેબિનની બહાર નીકળ્યો..કલાક બાદ નાયક હાથમાં ટિફિન લઈને હાજર હતો.અર્જુને કોલ કરી પીનલ ને નાયક પોતાની સાથે જ જમવાનો છે એવું જણાવ્યું હતું એટલે પીનલે પોતાનાં માનેલાં ભાઈ માટે પણ વધારાનું જમવાનું મોકલાવ્યું હતું.

સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી અર્જુને થોડો સમય આરામ કરવાનાં ઉદ્દેશથી ટેબલ પર પગ રાખી ખુરશીમાં જ લંબાવી દીધું.

***********

"સાહેબ અંદર આવું.."ચાર વાગવા આવ્યાં હતાં ત્યાં નાયકનો અવાજ અર્જુનનાં કાને પડ્યો.

નાયકનો અવાજ સાંભળી અર્જુને આંખ ખોલી અને ઘડિયાળ સામે જોયું તો ચાર વાગી ગયાં હતાં એટલે એ આંખો ચોળતો ઉભો થયો અને નાયકને અંદર આવવાની અનુમતિ આપતાં બોલ્યો.

"આવ આવ.."

અર્જુનની સહમતી મળતાં નાયક અર્જુનની કેબિનમાં આવ્યો..અત્યારે પણ નાયકનાં હાથમાં અમુક કાગળો હતાં.. એ કાગળો ને અર્જુનનાં ટેબલ પર રાખી નાયક બોલ્યો.

"સાહેબ આ રહી સલીમે આપેલ નંબરની કોલ ડિટેઈલ..આ નંબરથી ફક્ત એક જ વ્યક્તિને કોલ થયો છે અને એ છે સલીમ.."

"મને ખબર જ હતી કે કોલ ડિટેઈલ માં આવું જ કંઈક આવશે..આ નકલી સિમકાર્ડ ફક્ત સલીમ જોડે વાત કરવા જ વપરાયું હોવાનો અંદેશો મને હતો જ."અર્જુને એ કાગળ ને જોવાની પણ તસ્દી ના લીધી.

"હવે તો સલીમ જોડે હત્યા કોને કરાવી અને કોને પ્રભાતને ઝેર આપ્યું આ સવાલોનાં જવાબ શોધવા માટેનાં બધાં દ્વાર બંધ થઈ ગયાં હોય એવું લાગે છે.."નંખાયેલાં અવાજે નાયક બોલ્યો.

નાયકની વાત સાંભળી કંઈક યાદ આવ્યું હોય એમ અર્જુને ઝબકારા સાથે ચપટી વગાડતાં કહ્યું.

"કાલે પ્રભાતનાં અગ્નિસંસ્કાર ની વિધિમાં જે બે પોલીસ કોન્સ્ટેબલ ગયાં હતાં એમને ત્યાંથી કોઈ નવી વાત જાણવા મળી..?"

"હા સાહેબ એ તો તમને કહેવાનું રહી જ ગયું..એ બંને કાલે ત્યાં છેલ્લે સુધી હાજર હતાં પણ એમને ત્યાં કોઈ એવી વસ્તુ નજરે ના ચડી કે કોઈ એવી વાત સાંભળવા ના મળી જે વિચિત્ર હોય."નાયકે અર્જુનની વાત નો જવાબ આપતાં કહ્યું.

નાયકની વાત સાંભળી અર્જુન કંઈક વિચારમાં ડૂબી ગયો..અને વિચારવા માટે એને જરૂર પડતી સિગરેટ ની એટલે એને એક સિગરેટ સળગાવી અને એનાં કશ મારવાનું શરૂ કર્યું.

"સાહેબ.. એ બંને કોન્સ્ટેબલો એ ત્યાં ચોરીછુપીથી થોડાં ફોટો લીધાં હતાં..જે મને whatsup કર્યાં હતાં..મને તો એમાં કંઈ નવીનતા ના લાગી પણ તમે જાતે ચેક કરી લો ક્યાંક કોઈ હિન્ટ મળી જાય."નાયકને અચાનક યાદ આવતાં પોતાનો મોબાઈલ અર્જુન તરફ લંબાવતાં બોલ્યો.

અર્જુને સિગરેટનાં કશ મારતાં મારતાં નાયકનો મોબાઈલ હાથમાં લઈ એમાંથી કોન્સ્ટેબલે મોકલેલાં ફોટોને નીરખીને જોવાનું શરૂ કર્યું..દસેક ફોટા જોયાં બાદ એક ફોટા પર અર્જુનની નજર અટકી ગઈ..એનાં હોઠનાં ખૂણા કંઈક વિચારતાં જ સહેજ પહોળાં થઈ ગયાં.

અર્જુનનાં ચહેરા પરનાં બદલાયેલાં હાવભાવ જોઈ નાયક એક વસ્તુ તો સમજી ગયો હતો કે પોતાને જે ફોટો નકામા લાગ્યાં એમાંથી અર્જુને કાતીલ સુધી પહોંચવાનો કોઈ કલુ શોધી લીધો હતો.

"નાયક એક કામ કરવાનું છે ધ્યાનથી સાંભળ.."નાયકનાં મોબાઈલમાંથી કોન્સ્ટેબલો દ્વારા મોકલાયેલાં ફોટોને પોતાનાં whatsup પર send કરતાં અર્જુન બોલ્યો.

"આદેશ આપો ખાલી તમે.."નાયક અદબભેર બોલ્યો.

"સલીમે આપેલાં નંબર ની કોલ ડિટેઈલ ખાલી આવી અને એ સિમકાર્ડ પણ ડમી હતું બરાબરને..?"અર્જુને નાયક તરફ જોઈને કહ્યું.

"હમ્મ.."નાયકે ડોકું ધુણાવતાં કહ્યું.

"તું સાયબર ટીમ ને કહી આ નંબર જે મોબાઈલમાં યુઝ થયો હોય એનો IMEI નંબર ટ્રેસ કરાવ..જો અત્યારે એ ફોનમાં બીજું સિમ ભરાવેલું હશે તો એ સિમ નો નંબર અને એ સિમ કોનાં નામે રજીસ્ટર છે એ IMEI નંબર પરથી ખબર પડી જશે.અને એનો ઉપયોગ કરી સલીમને પ્રભાતની હત્યાનો કોન્ટ્રાકટ આપનાર અને પ્રભાતને ઝેર આપનાર વ્યક્તિ સુધી આસાનીથી પહોંચી શકાશે."નાયકનો મોબાઈલ પાછો આપતાં અર્જુન બોલ્યો.

"હા સાહેબ જોરદાર દિમાગ છે તમારું.આ વસ્તુ મને કેમ ના સૂઝી..?"નાયક અર્જુનની વાત સાંભળી બોલ્યો.

"કેમકે તું એસીપી અર્જુન નથી..હવે નિકળ અને ફટાફટ કામે લાગી જા.અને એક બીજી ખાસ વાત કે સલીમ પકડાઈ ગયો છે એ વાત બહાર લોકો સુધી પહોંચવી ના જોઈએ."નાયકની વાત સાંભળી હસીને અર્જુન બોલ્યો.

અર્જુનનો આદેશ મળતાં જ એક ડાહ્યા ડમરા છોકરાની માફક નાયક અર્જુનને સલામ કરી કેબિનની બહાર નીકળી ગયો.

નાયક નાં બહાર જતાં જ અર્જુને પોતાનાં હાથમાં રહેલી સિગરેટ ને એશટ્રેમાં મસળી ને પોતાનું કોમ્પ્યુટર ઓન કર્યું.અર્જુને ફેસબુકમાં પોતાનું એકાઉન્ટ ઓપન કરી એમાં એક પ્રોફાઈલ સર્ચ કરી એની ડિટેઈલ ખોલી અને about માં જઈ એમાં રહેલી માહિતી વાંચી..અર્જુન જેમ-જેમ એ પ્રોફાઈલ જેની હતી એનાં વિશેની માહિતી વાંચતો ગયો એમ-એમ એનાં ચહેરા પરની ચમક ઘણી વધી ગઈ.પોતે પ્રભાતનાં કાતિલ સુધી પહોંચી ગયો છે એવાં ભાવ સાથે અર્જુન બોલ્યો.

"બસ કાલનો દિવસ..અને પ્રભાતનો અસલી હત્યારો મારી ગિરફ્તમાં હશે..!!"

★★★★★★★

વધુ આવતાં અંકે.

પ્રભાતની હત્યાની સુપારી આખરે કોને આપી હતી..??અર્જુને ફોટોમાં શું જોયું હતું અને ફેસબુક પર એ કોની પ્રોફાઈલ ચેક કરતો હતો..??મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ને ઝેર કોને અને કઈ રીતે આપ્યું હતું.??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)