Sandhya Suraj - 5 books and stories free download online pdf in Gujarati

સંધ્યા સૂરજ - પ્રકરણ - 5

મારી કોલેજનો સમય દસ ત્રીસનો હતો. કોલેજના પહેલા દિવસના વિચારો સાથે જ હું સવારે બેડમાંથી ઉઠી બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ હતી. જ્યારે હું બાથરૂમમાંથી બહાર આવી અને મારો ચહેરો અરીસામાં જોયો મને મારા ચહેરા પર ખુશી અને ડર બંને ભાવ જોવા મળ્યા. આનંદ એટલા માટે કે એ કોલેજનો પહેલો દિવસ હતો અને ભય પણ એટલા માટે કે એ કોલેજનો પહેલો દિવસ હતો.

મેં જીવનમાં કઈક બનવા માટે કોલેજ જોઈન કરી જ ન હતી. આમ તો પહેલા મારા સપના ઘણા બધા હતા પણ એમાના કોઈ સપના પુરા કરવા હું કોલેજમાં ગઈ ન હતી. હું કોઈ ખાસ કારણથી કોલેજ જઈ રહી હતી અને મારે દુનિયાને એ માનવા મજબુર કરવાની હતી કે હું માત્ર એન્જોય કરવા માટે કોલેજ જઈ રહી છું.

હું ઘરથી લગભગ સાડા નવ વાગે જીનલે મને મારા જન્મ દિવસે મોકલાવેલી બ્લુ જીન્સ અને રેડ ટી-શર્ટ પહેરી નીકળી હતી. વરસાદ પડી રહ્યો હતો પણ એ ઉનાળુ વરસાદ મને કોલેજ જતા અટકાવી શકે એટલો જોરમાં ન હતો. કોલેજનો એ પહેલો દિવસ હતો. મારા દાદાજીને પણ મારો ફેસલો ગમ્યો હતો. તેઓ પણ હું મુંબઈમાં રહી ભણું એવુ જ ઇચ્છતા હતા. પપ્પાએ મને ક્યારેય દીલ્હી છોડવા નહોતું કહ્યું પણ હું જાણતી હતી કે અંદરથી તેઓ પણ હું મુંબઈમાં જ કોલેજ કરું તેવું ઇચ્છતા હતા. અને તે દિવસ હતો જ્યારે એક જ દિવસે મારું, પપ્પાનું અને દાદાજીનું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું. કદાચ નસીબ સાથ આપે તો મેં જીનલને આપેલું વચન પણ!!!

અગિયાર વાગે પહેલું લેકચર હતું. હું સવા દશે ત્યાં પહોચી ગઈ હતી. કોલેજના પહેલા દિવસે સમયસર જવું મને વાજબી લાગ્યું કેમકે મોડા ગયા પછી પોતાને અલોટ થયેલો નંબર અને સ્પોર્ટ્સ કોચનું નામ જેવી અનેક નાની નાની વિગતો જાણવા મોટી માથાકૂટ કરવી પડે છે. હું ત્યાં બિલકુલ અજાણ હતી પણ મને કોઈ અજાણી જગ્યાએ ડર લાગે કે હું ગભરાતી હોઉં એવો મારો સ્વભાવ હતો જ નહી. હું છેક જ બોલ્ડ છોકરી હતી. બધા જ મારા માટે અજાણ હતા. સાચું કહું તો હુ મુબઈની હતી પણ મુંબઈ મારે માટે અજાણ્યું હતું. હું દિલ્હીના રસ્તાઓને જેટલી સારી રીતે જાણતી હતી એટલી સારી રીતે મુંબઈના રસ્તાઓથી ક્યારેય પરિચિત નહોતી થઇ શકી. મને મુંબઈથી પરિચય કેળવવા મોકો કે સમય બેમાંથી એકે ક્યા મળ્યા હતા?

મેં જીનલે આપેલા કપડા પહેરવાનું પસંદ કર્યું હતું જેથી મારા મન ઉપર સતત જીનલ છવાયેલી રહે અને હું શું મકસદથી કોલેજમાં આવી છું એ ક્યારેય ભૂલું નહિ!

હું મનમાં બધું બરાબર ગોઠવીને કેમ્પસમાં દાખલ થઇ. કેમ્પસ કાઈ ખાસ સારું કહી શકાય તેમાનું ન હતું. જોકે મેં પહેલા ક્યારેય આટલું મોટું કેમ્પસ જોયું નહોતું. હું દિલ્હીની હાઈસ્કુલમાં ભણી હતી અને ત્યાં મોઘી ફી વસુલતી સ્કૂલો પાસે પણ કેમ્પસને નામે માત્ર વાયદા જ હોય છે - આવતા વર્ષે સુહાસ નગરમાં આપણી શાળા એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખરીદવાની છે કે પછી આવતા વર્ષથી આપણી શાળા હાઈવેની પેલી તરફ નવી બિલ્ડીંગમાં સિફટ થવાની છે જ્યાં બહુ મોટું ગ્રાઉન્ડ છે જેવા લોલીપોપ આપી દેવામાં આવે છે. જોકે હકીકતમાં હાઈવેની પેલી તરફ શાળાનું કોઈ બિલ્ડીંગ જ નથી હોતું તો સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો તો સવાલ જ ક્યાંથી આવે?

કોલેજની ઈમારત પણ એકદમ ટ્રીકી હતી. બાંધકામ કરનાર ઈજનેરે ઊંધમાં પ્લાન બનાવ્યો હોય તેવું લાગતું હતું. ઘણા બધા એન્ટરેન્સ હતા. ક્યાંથી પ્રવેશવું એ જ નહોતું સમજાઈ રહ્યું. ક્યાંથી બહાર નીકળવું એ પણ નહોતું સમજાઈ રહ્યું છતાં એની ચિંતા મેં એ વખતે ન કરી. એ ચાર કલાક પછી વિચારવાનું હતું. માંરો સ્વભાવ જ એવો હતો હું દૂરની ચિંતા ક્યારેય ન કરતી.

જ્યારે હું કોલેજમાં પ્રવેશી મારી પહેલી લાગણી હતી ડર અને બીજી લાગણી હતી એક્સાઈટમેન્ટ. મને પહેલે દિવસે કોલેજ સમયસર પહોચવાની ઉતાવળ હતી. ભલે મને વિશ્વાસ થાય કે નહિ હું ઓફિશિયલી કોલેજ સ્ટુડેન્ટ બની ગઈ હતી. હવે કોઈ યુનિફોર્મ ન હતો. ન કોઈ સ્ટ્રીકટ નિયમો પાળવાના હતા.

મોટા ભાગના સ્ટુડેન્ટ એક્સાઈટેડ હતા કારણ મોટા ભાગના મારી જેમ જ નવા હતા. બધા અઢારના થઇ ગયા હતા અને પોતાની જાતને એડલ્ટ માનવા લાગ્યા હતા. જોકે આજકાલ તો બધા વહેલી ઉમરે એડલ્ટ બની જાય છે! કેટલાક તો પંદરના હોય ત્યારથી જ એડલ્ટ કોન્ટેન્ટમાં રસ લેતા થઇ જાય છે. બધા ખુબ જ ઉત્સાહિત હતા કેમકે એ વરસ બધાને બે ત્રણ નવા અધિકારો અપાવનાર હતું. મત આપવાનો અધિકાર અને મેરેજ કરવાનો અધિકાર આપનાર વર્ષ બધાને ખુબ જ પસંદ આવ્યું હોય એમ લાગતું હતું. એ બંને અધિકાર કરતા પણ બધાને બંધારણમાં ન લખ્યો હોય એવો એક અધિકાર અપાવનાર હતું - રાઈટ ઓફ લવ એન્ડ સેક્સ. આ પણ વાહિયાત લાગતી વાત છે છતાં આજના જમાનામાં આ જ વિચારો અઢારની ઉમરે મનમાં ઘર કરે છે! જો કે મારે આ બધા વિચારોથી દુર રહેવાનું હતું કારણ હું હવે માત્ર બહારથી જ ઉછળતી કુદતી સંધ્યા હતી બાકી હ્રદયમાં તો સંધ્યાની જેમ રંગો ઢળી ચુક્યા હતા.

અંદર જતા મને ખ્યાલ આવ્યો હતો કે મને બહારથી ટ્રીકી લાગતી એ બિલ્ડીંગ અંદરથી સ્માર્ટ અને મોડર્ન હતી. તે સાથે સાથે એ એકદમ સ્વચ્છ પણ હતી. કદાચ સ્વચ્છ ભારત અભિયાનની અસર હોઈ શકે!

કોર્ટયાર્ડમાં ઘણા બધા વ્રુક્ષો હતા. કેટલાય નવા વિધાર્થીઓ એ વ્રુક્ષોની નીચે ટોળે વળી અવનવી ચર્ચાઓ કરી રહ્યા હતા. કદાચ તેમના વચ્ચે કોલેજ કેમ્પસ, પહેલા દિવસને લઈને અથવા તો નવી આવનાર છોકરીઓમાં કોણ સૌથી વધુ સુંદર છે એની ચર્ચા ચાલતી હશે.

કેમ્પસ એરિયા મીનીમમ મને ત્રણ એકરમાં ફેલાયેલ હોય એવો લાગ્યો. ત્રણ ચાર અલગ અલગ વિભાગો દેખાઈ રહ્યા હતા. એક નવી બિલ્ડીંગ એક જૂની બિલ્ડીંગ અને કદાચ ત્રીજું દુર દેખાતું બિલ્ડીંગ હોસ્ટેલ માટેનું હશે એમ તેની બહાર સુકાતા કપડા જોઈ મને લાગ્યું. મેં પહેલા જ ક્હ્યું, હું અહી બીજા ઈરાદાથી આવી હતી એટલે કોલેજમાં બીજી છોકરીઓના કપડા, છોકરાઓના ચહેરા કે કોલેજના લવ બર્ડ્સ ઉપર નજર કરવાને બદલે હું ઝીણી ઝીણી વાતોનો તાગ મેળવી રહી હતી.

મને એમ લાગી રહ્યું હતું જાણે આ ઝાડ નીચે વાતો કરતા ટોળામાં જીનલ લીડર બનીને બધાને કઈક કહી રહી હશે. તો ઘડીક એમ થતું હતું કે ના, આ નહિ પેલા ટોળામાં જીનલ વાતો કરી રહી હશે અને મને જોતા જ એ દોડીને મારી પાસે આવશે અને કહેશે કે વેલકમ ઇન ટુ માય કોલેજ. પણ એ માત્ર મારી કલ્પના હતી. જીનલ મારાથી બહુ દુર ચાલી ગઈ હતી. તે એ કોલેજ કેમ્પસથી પણ વિશાળ કેમ્પસ ધરાવતા હેવન તરફ ચાલી નીકળી હતી અને હવે તે મને વેલકમ કરવા ક્યારેય પાછી આવવાની ન હતી.

મેં એ લાગણીઓને ફંગોળી અને એક સીનીયરોના ટોળા ઉપર ધ્યાન આપ્યું. હું તેમની નજીક ગઈ.

“હેલો, બધાએ ક્યાં બેસવાનું છે?” એક સીનીયરને મેં પૂછ્યું.

“ક્વોડરેન્ગલ આગળ ભેગા થવાનું છે.” તેણે હાથ કરીને ઈશારો કર્યો.

થેન્ક્સ કહી હું એ તરફ ચાલવા લાગી. હું ત્યાં પહોચી ત્યાં સુધીમાં મોટા ભાગના નવું એડમીશન લેનાર બધા જ સ્ટુડેન્ટ ત્યાં ભેગા થઇ ગયા હતા. હું ત્યાં પહોચી ત્યારે બધા લીસ્ટમાં પોતાનો કલાસ શોધી રહ્યા હતા. મને ખબર હતી નામનું લીસ્ટ સાંજ સુધી ત્યાજ ડિસ્પ્લે પર લાગેલું રહેશે એટલે હું આરામથી ઉભી રહી. મને એકદમ ભીડમાં રહેવું ન ગમતું.

બધાએ પોતાનું નામ લીસ્ટમાં ચકાસી લીધું ત્યારબાદ બધાને ડીવીઝન એલોટ કરવામાં આવ્યા. ક્વોડરેન્ગલ આગળ થોડીકવારમાં મોટી ભીડ જમા થઇ ગઈ હતી. મેં એ ભીડથી દુર રહેવાનું જ પસંદ કર્યું. હું બધાને જોઈ રહી હતી. અલગ અલગ સેપ અને સાઈઝના છોકરા છોકરીઓ એકબીજા તરફ આંખના ખૂણેથી જોઈ લેતા આમતેમ ફરી રહ્યા હતા. મોટા ભાગના એકલા જ ફરી રહ્યા હતા કેમકે મોટા ભાગનાનો એ પહેલો દિવસ હતો. એમની પાસે વાતો કરવા માટે કોઈ ફ્રેન્ડ ન હતું. એમાંથી ઘણા દુરથી આવેલા હશે તેવું મને લાગ્યું કારણ ઘણાના ચહેરા ઉપર સ્ટ્રેસ હતો. કેટલીક ટાઈટ જીન્સ અને ક્યુટ સ્માઈલવાળી છોકરીઓએ આટલા ટૂંકા સમયમાં પણ મિત્રો બનાવી લીધા હતા. હું એ બધાથી દુર જ રહી. મને મિત્રો બનાવવાની કોઈ ઉતાવળ ન હતી કેમકે મને ફેન બનાવવાની આદત હતી!

મને ખબર હતી કે એ મારો ભ્રમ હતો પણ છતાં મને એવી લાગણી થઇ રહી હતી કે મારી જીનલ મારી આસપાસ જ ક્યાંક છે. તે મને ફોલો કરી રહી છે. તેની સુંદર મોટી આંખો મને જોઈ રહી છે. તેના સુવાળા હાથ મને સ્પર્શ કરવા ઈચ્છી રહ્યા છે પણ કદાચ તે મજબુરહશે. કદાચ એકવાર આ દુનિયા છોડી દીધા પછી એ દુનિયામાં કોઈનાથી પણ સંબંધ રાખવાની છૂટ નહિ મળતી હોય - ભલેને એ તમને ગમે તેટલું ગમતું વ્યક્તિ કેમ ન હોય? કેમ કે જો એવું ન હોય તો જીનલ મારી પાસે આવ્યા વિના રહે જ નહિ. તેને જોવાની મને એકદમ તીવ્ર લાગણી થઇ રહી હતી. મને ખબર હતી કે તે નથી છતાં હું કલ્પના કરી રહી હતી કે કદાચ જો તે મારી સામે આવશે તો કયા ડ્રેસમાં આવશે? મને એમ પણ લાગી રહ્યું હતું કે જો તે મને છેલ્લીવાર મળવા આવશે તો જરૂર તેના ગમતા યલો ટોપ અને બ્લેક લોવરમાં આવશે. મારા મનમાંથી જીનલ અને તેનું મર્માળ સ્મિત કેમેય ખસતું નહોતું. પણ હું કમજોર બની શકું તેમ ન હતી. મેં ફરી મારી જાતને કહ્યું, “કમોન સંધ્યા યુ આર નોટ હિયર ટુ ક્રાય અહી તું રડવા નથી આવી.....”

બીજા પણ કેટલાક હતા જે મારી જેમ જ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા. હું એકલી ઉભી હતી અને વિચારોને ફંગોળતી કેમ્પસ ઉપર ધ્યાન આપતી હતી ત્યાં જ એક સીનીયરોનું ગ્રુપ આવ્યું.

તેમણે આવી એ ટોળામાંથી કેટલાકને ઓડીટોરીયમ પર તેમને જોઈન કરવા કહ્યું. ટોળામાંથી નવા આવેલા દસેક છોકરાઓ અને ત્રણ ચાર છોકરીઓ એમની સાથે જવા લાગ્યા. એ બધા કોઈ સામાન્ય શાળામાં ભણીને આવેલા હોય એમ મને લાગ્યું કેમકે એ સમજ્યા હતા કે સીનીયર તેમને કોઈ માહિતી આપવા લઈ જઈ રહ્યા છે. કદાચ તેઓ કોઈ નાનકડા શહેરોથી આવેલા હતા અને રેગીગ નામના શબ્દથી એકદમ અજાણ હતા.

સીનીયરોએ મારા તરફ ધ્યાન નહોતું આપ્યું. તેમણે મને ન’તી બોલાવી છતાં હું એ ટોળામાં પાછળ જઈ ભળી ગઈ. સીનીયરો પાછળ એ છોકરા છોકરીઓ જવા લાગ્યા કે તરત હું ઝડપથી એમાં પાછળથી ઘુસી હતી. કદાચ હું જે મુહિમ પર હતી તેનું એ પહેલું પગથીયું હતું. હું ત્યાં મિસિંગ ગર્લ્સની મિસ્ટ્રી જાણવા માટે ગઈ હતી તેમ તો ન કહી શકું પણ તેમાં મને વધુ રસ હતો એમ કહું તો ચાલે. કદાચ એ સીનીયરો મને કોઈ રહસ્ય તરફ દોરી જશે તેવી મને આશા હતી કારણ કોલેજમાં ચાલતા ગોરખ ધંધાઓ વિષે કોલેજના રેગીંગ કરતા છોકરા છોકરીઓ જાણતા હોય તેવું હું માનતી હતી જોકે તે મારી ભૂલ હતી.

અમે ઓડીટોરીયમ પાસે આવ્યા. ઓડીટોરીયમ બહુ વિશાળ હતું. એટલી મોટી કોલેજમાં પણ આવડું મોટું ઓડીટોરીયમ જોઈ નવાઈ લાગે એવું હતું. અંદરના ભાગમાં એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવેલ હતું.

હજુ નવા આવનાર વિધાર્થીઓ કેમ્પસમાં જ ફરી રહ્યા હતા એટલે ઓડીટોરીયમ હોલ એકદમ ખાલી હતો. સીનીયરો અમને એ તરફ દોરી ગયા.

“તો સૌથી પહેલા રેગીગની મજા કોણ લેશે?” એ ત્રણ સીનીયરોમાંના એકે પોતાનો પ્રભાવ પાડવા કહ્યું.

આખા ટોળામાં ફફડાટ થઇ ગયો. મોટાભાગના નવા હતા તેથી ગભરાઈ ગયા. હું સમજી શકતી હતી એ લોકો ડરી કેમ રહ્યા છે. હું દિલ્હીમાં રહી હતી એટલે જાણતી હતી કે રેગીગ કોને કહેવાય. મને થયું આ લોકો પહેલા દિવસે જ પોતાની છાપ પાડી દેશે તો આખી કોલેજમાં નવા એડમીશન ઉપર આખું વર્ષ ત્રાસ ગુજારશે. મારે કઈક કરવું જોઈએ તો અંદરથી એક અવાજ એવો પણ આવતો હતો, “નહિ સંધ્યા નહિ કદાચ પહેલે જ દિવસે તું ઉલટા રસ્તે ચડી જઈશ.....” પણ મારું મન મારા કાબુમાં ન રહ્યું અને મેં ફેસલો કરી લીધો. એ દિવસ મારા ફેમશ થવાની શરુઆતનો દિવસ હતો.

“હું જાણવા માંગું છું રેગીગ એટલે શું.?” મેં આગળ વધતા કહ્યું.

ટોળામાંના છોકરા છોકરીઓ મને જોઈ રહ્યા. મારે આગળ જવાની કોઈ જરૂર ન હતી પણ કોઈ ભલી ભોળી છોકરીને તેઓ રેગીગથી તંગ કરે અને એ કોલેજ છોડી દે એના કરતા મેં આગળ જવાનું વધુ પસંદ કર્યું.

એક સીનીયર નવાઈ પામી મારી તરફ આગળ આવ્યો. એની ઊંચાઈ છ ફૂટ જેટલી હતી અને તેના વાળ ખભા સુધીની લંબાઈના હતા. તેનો બાંધો કાઈ ખાસ મજબુત તો લાગતો ન હતો. તે કદાચ મજબુત ન હતો કે કદાચ એની હાઈટને લીધે એવું લાગી રહ્યું હતું. મને સમજાયું નહી.

“પેલી તરફ ઉભી રહી જા.” તેણે મારી નજીક આવતા બાજુની દીવાલ તરફ ઈશારો કર્યો.

હું એનાથી ડરી રહી હોઉં એવો ડોળ કરતા એણે આંગળી કરી એ તરફ જઈ ઉભી રહી. મેં બાકીના વિદ્યાર્થીઓ તરફ એક નજર કરી અને મેં કોઈ ભૂલ કરી લીધી હોય એમ ગભરાતી હોવ એવો ડોળ કરવા પ્રયત્ન કર્યો. મારા ગળામાં લટકતી બેગને હાથમાં પકડી હું ભયભીત હોઉં તેવો અભિનય કર્યો. ડર મારા જીવનમાં તો હતો જ નહિ પણ છોકરીઓ ડરે ત્યારે બેગના પટ્ટા, વાળની લટ, કે શર્ટના બટન પકડે છે તે મને ખબર હતી. મને પહેલી જ વાર થયું આ સુંદર ચહેરો અભિનય પણ કરી શકે ખરા?

“બીજું કોઈ?” એણે ટોળા પર નજર ફેરવતા કહ્યું અને લાંબા વાળમાં આગળથી પાછળ સુધી હાથ ફેરવી તેના ફેલો સામે જોઈ આંખ મારી.

કોઈ જ કશું બોલ્યું નહી.

“તું આગળ આવ?” તેણે એક છોકરી તરફ હાથથી ઈશારો કરતા કહ્યું.

એ છોકરી ગભરાતી હતી. તેનો ડર તેના ચહેરા ઉપર સ્પસ્ટ દેખાઈ રહ્યો હતો. મને થયું હું એની વ્હારે જાઉં પણ મને જીનલ યાદ આવી ગઈ. ના હજુ રાહ જો સંધ્યા! તમાશો થોડો ચાલવા દે જેથી અંદાજ આવે કે એ લોકો કેટલા પાણીમાં છે. જો એ છોકરી પ્રતિકાર કરે તો એ લોકો શું કરે છે એ તારે પહેલા જાણવું જોઈએ તો જ તને એમની શક્તિ અને કોલેજમાં એમની લાગવગનો અંદાજ આવી શકશે. મારે પરાણે મારી જાતને રોકવી પડી. મને એ છોકરી ઉપર દયા આવતી હતી પણ એની હાલત જીનલ જેવી તો ન’તી જ!

તે બે એક કદમ આગળ આવી ઉભી રહી ગઈ. તેના પગમાં આછી કંપારી થતી હતી જે ફક્ત મારા ધ્યાનમાં આવ્યું કારણ સીનીયરોનું ધ્યાન તેની ઉભરાતી છાતી ઉપર હતું અને બાકીનાઓ હવે શું થશે તેવા વિચારમાં ખોવાયેલા હતા. મને એની આંખોમાં ડર દેખાઈ રહ્યો હતો. હું સમજી ગઈ હતી કે રેગીંગ ચાલુ થતા જ એ રડવા લાગશે અને સિનિયરોને ખબર પડી ગઈ કે એ કમજોર છે તો તેને ટાર્ગેટ બનાવી નાખશે અને વધુ હેરાન કરશે.

“પહેલા મારા રેગીગનું શું કર્યું એ કહે?” મેં સીનીયર તરફ જોઈ કહ્યું. મેં એને એ છોકરી સાથે વધુ વાત કરવાનો મોકો જ ન આપ્યો.

તેને નવાઈ લાગી. એની આંખોમાં નવાઈના ભાવ હતા કે નહિ એ મેં નોધ્યું નથી કેમકે મેં પેલી છોકરીની આંખો તરફ ધ્યાન આપ્યું હતું. મારું વાક્ય સાંભળતા જ એની આંખોમાં રહેલ ડરની જગ્યા નવાઈ અને સરપ્રાઈઝે લઈ લીધી હતી. માત્ર એને જ નહી ત્યાં ઉભેલ દરેક વ્યાક્તિને નવાઈ લાગી હતી. ટોળામાંના દરેકની આંખમાં નવાઈના ભાવ હતા. એમાંના કેટલાક મને બેવકૂફ સમજ્યા હોય તો નવાઈ ન કહેવાય!

મારા શબ્દો સાંભળી પહેલા તો એણે માત્ર ગરદન જ ઘુમાવી અને પછી એ આખો મારા તરફ ફર્યો અને પોતાની ભોઠપ છુપાવવા હસીને બોલ્યો, “તને રેગીંગ કરાવવાની બહુ ઉતાવળ લાગે છે છોકરી?”

“હાસ્તો, તે ઓફર આપી હતી કે કોને રેગીગ કરાવવું છે. મેં પહેલા બઝર વગાડી એટલે પહેલો વારો મારો... હવે તું બીજાને વચ્ચે કઈ રીતે લાવી શકે...??” મેં હસીને કહ્યું.

“રાજુ, ભાઈ આનું રેગીંગ તો કઈક જુદી જ રીતે કરવું પડશે!” એણે બીજા સીનીયર તરફ જોતા કહ્યું.

“એય તું બહાર આવ.” એ બીજા સીનીયરે જેનું નામ રાજુ હતું એણે ટોળામાંના એક છોકરા તરફ જોઈ કહ્યું. ટોળામાંથી એક ક્રીમ શર્ટ અને જીન્સ પહેરેલ છોકરો આગળ આવ્યો. એ જે રીતે બેધડક આગળ આવ્યો એ જોતા મને એ મારા જેમ જ બહાદુર લાગ્યો.

“આ છોકરીને એક ડીપ પેસનેટ કિસ આપ.” સીનીયરે તે ક્રીમ શર્ટવાળા છોકરા તરફ જોઈ કહ્યું.

એ મારી તરફ આવવા લાગ્યો. હું સમજી ગઈ કેમ એ કોઈ પણ ડર વિના બહાર આવ્યો હતો. મેં દિલ્હીમાં રેગીગના ઘણા કિસ્સા સાંભળેલા હતા. મને ખબર પડી ગઈ કે એ છોકરો નવો ન હતો. એ સીનીયર હતો પણ નવા સ્ટુડેન્ટના ટોળામાં ભળીને આવ્યો હતો. જ્યારે સીનીયરે તેને બહાર બોલાવ્યો તે કોઈ પણ ખચકાટ વગર બહાર આવ્યો કેમકે તેને ખબર હતી તેનું રેગીગ થવાનું નથી તેને રેર્ગીગ કરવાનું છે. કોલેજીસમાં સીનીયરો આવા પ્લાન કરે છે તે બધું મારા માટે નવું ન હતું.

સીનીયર આ ટ્રીક અજમાવી નવી આવેલી છોકરીઓનો ફાયદો ઉઠાવતા. એમની એ ખાસ રીત હતી. જો છોકરી પણ ચાલુ હોય તો એમનું કામ થઇ જતું. એ કિસ પછી તેમના વચ્ચે સંબંધ બંધાઈ જતો. કોઈ લાગણીનો નહી માત્ર શારીરિક. કેમકે કિસ કરતી વખતે બંનેને અંદાજ આવી જતો કે એ તેમની પહેલી કિસ ન હતી અને બંને એકબીજાનું કેરેક્ટર જાણી જતા.

એ છોકરો નજીક આવ્યો, તે મારી નજીક આવી મારા તરફ જોઈ રહ્યો, મેં પણ એની આંખોમાં જોયું અને મારી આંખોમાં કિસ પહેલા જેવી માદકતા હોય એ લાવવાનો પ્રયાસ કર્યો. લગભગ હું સફળ થઇ હોઈશ એટલે જ જ્યારે મેં એના મેન પાર્ટ પર લાત મારી ત્યારે એ રોકી શક્યો નહી. એને એ ખ્યાલ મોડો આવ્યો હતો એનો અર્થ એ હતો કે એ સમયે મારી આંખોમાં પૂરી માદકતા હતી. એ બેવડો થઈ ત્યાજ બેસી ગયો. તેનો સાથી તેની મદદે આવ્યો પણ મેં દિલ્હીમાં લીધેલ જુડોની ટ્રેનીગ એ સમયે કામ આવી. મેં તેને એક હાથથી જાટકો આપી ચિત કરી દીધો ત્રીજા એ કદાચ આ બધાનો અંદાજ ન હતો રાખેલો. એ ભાગીને નીચે જવાની કોશિશ કરવા ગયો પણ તમને તો ખબર છે ને એકવાર આપણા દેશમાં જે ડરી જાય એની શું હાલત થાય? અત્યાર સુધી ડરીને સત્બ્ધ બની ઉભેલું ટોળું એના પર તૂટી પડ્યું. જ્યારે ટોળું હટ્યુ એનો ચહેરો દેખવા લાયક ન હતો. મને ખાતરી થઈ ગઈ હતી કે એ એકાદ મહિના સુધી તો પોતાનો ચહેરો આરીસામાં નહી જ જુવે!

મને પ્રિન્સીપાલ ઓફિસમાં બોલાવવામાં આવી હતી. પહેલે જ દિવસે મારામારી કરવા બદલ માફી પત્રક લખાવવામાં આવ્યું. તમને નવાઈ લાગી રહી હશે પણ આજ સત્ય છે. રેગીગ કરનારા સીનીયરોને ક્યારેય માફી પત્રક નથી લખવા પડતા. તેઓ કોઈ સાથે ગમે તેટલું કરે ક્યારેક ક્યારેક તો રેગીગના નામ પર શારીરિક ઈજા પહોચાડી દે છે છતાં પણ તેમના પર કોઈ જ કેસ નથી થતો કેમકે એનાથી કોલેજની રેપ્યુટેશન ખરાબ થાય છે. કોલેજની વાત કોલેજ કેમ્પસમાં જ દફન કરી દેવામાં આવે છે.

જે હોય તે પણ હું કદાચ પહેલી સ્ટુડેન્ટ હતી જેને રેગીગથી ફાયદો થયો હતો. હું પહેલે જ દિવસે લાઈમ લાઈટમાં આવી ગઈ હતી. કોલેજ આખી મને પહેલે જ દિવસે મારા નામથી ઓળખવા માંડી હતી. એ જ તો હું ઇચ્છતી હતી કે હું બધાથી અલગ દેખાઉં. બધા મારા ઉપર ધ્યાન આપે અને બધા મારા ફેન બને કેમ કે એ જ એક રસ્તો હતો જેની મદદથી જીનલના કાતીલોનું ધ્યાન મારા ઉપર પડે! એ લોકો મને પણ જીનલની જેમ જ.....

***

(ક્રમશ:)