Sandhya Suraj - 9 books and stories free download online pdf in Gujarati

સંધ્યા સૂરજ - પ્રકરણ - 9

દરવાજો ખુલ્યો. એ જ યુવક અંદર દાખલ થયો. તેના ચહેરા પર એ જ ભાવ અકબંધ હતા. એ પહેલા આવ્યો હતો ત્યાંથી અત્યાર સુધી સમય એમનો એમ થંભી ગયો હોય એમ લાગતું હતું. એનો ચહેરો પહેલા જેવો જ હતો. એક કોરી કિતાબ જેવો!

“કેમ હજુ ખાધું નથી તે?” એણે મારા તરફ જોઈ કહ્યું. એના મોમાંથી શબ્દો નીકળ્યા પણ એના ચહેરાના ભાવ જરાય ન બદલાયા.

“એમાં ઝેર હશે એટલે.” મારા પાસે કહ્યા વિના કોઈ છૂટકો ન હતો.

એ સ્થિર ઉભો રહ્યો. મને જરાક નવાઈ લાગી. મારા એ વાક્ય પર એ ખડખડાટ હસવો જોઈતો હતો. દરેક વિલનની એ આદત છે. ગુનેગારો સામેવાળા વ્યક્તિની નાનકડી કમજોરી પર પણ હસતા હોય છે. પણ એ ચુપચાપ મને જોઈ રહ્યો. હું પણ એની તરફ જોઈ રહી.

“તને લાગે છે કે તને મારવા માટે મારે કોઈ ઝેરની જરૂર છે?” એણે બેડ પર બેસતા કહ્યું.

“હોઈ પણ શકે?” મેં કહ્યું. કોણ જાણે કેમ પણ મને એ વ્યક્તિથી એટલો ડર લાગતો ન હતો જેટલો એક કિડનેપ થયેલી છોકરીને કિડનેપરથી લાગે છે. કદાચ હું ટ્રેન્ડ હતી એટલે!

“ખાઈ લે.. તને હું મારવા નથી માંગતો. એમાં કોઈ ઝેર નથી.” તેણે કહ્યું. બોલતી વખતે એની આંખો અનિમેશ પણે મને જોઈ રહી હતી પણ તેની આંખોમાં રાઘવની જેમ પ્રેમ કે કિરણ સરની જેમ લાલસા ન હતી. એ મને કોઈ અલગ જ નજરથી દેખી રહ્યો હતો. કદાચ શિકારી પોતાના શિકારને એ રીતે જ જોતા હશે. એક અલગ જ નજરથી.

“તો મને અહી કેમ ગોંધી રાખી છે?” મેં સવાલ કર્યો. હું જાણતી હતી કે મારો સવાલ નરી મૂર્ખાઈ હતો. એ મને ક્યારેય એ સવાલનો જવાબ આપવાનો નથી. પણ હું અહી કેદ હતી એટલે એ હવે મને જવાબ આપીદે તો પણ એને કોઈ ફરક પડે તેમ ન હતો એટલે એ જવાબ આપશે એવું મને લાગ્યું. હું ગુનેગારો વિશે ઘણું બધું જાણતી હતી. જ્યારે બાજી તેમના હાથમાં હોય ત્યારે મોટા ભાગના ગુનેગારો ફિલ્મી વિલનની જેમ બધું બકી નાખતા હોય છે. ક્રિમીનલ સાઈકોલોજીના રૂલ્સ મેં ઘણી નવલકથાઓમાં વાંચ્યા હતા અને અખિલેશ સર પાસેથી એવા ઘણા કિસ્સા મેં સાંભળ્યા હતા.

“એ જાણવાથી તને કોઈ ફાયદો નહી થાય. ઉલટાનું નુકશાન થશે. એ ન જાણવામાં જ તારી ભલાઈ છે.” તેણે સપાટ ચહેરે એક એક શબ્દ છૂટો પાડીને કહ્યું કહ્યું, “અન્ડરસ્ટેન્ડ?”

“અને હું કઈ રીતે માની લઉં કે મારી ભલાઈમાં તમને રસ છે?” મેં કહ્યું.

“તારા આગળ પડી આ ડીશ.. આ ડીશ એનો પુરાવો છે કે હું તારી ભલાઈ ઈચ્છું છું.” એનો જવાબ મને કઈક અંશે વાજબી લાગ્યો. કમ-સે-કમ એ મને અત્યારે તો મારવા માંગતો નથી અને એ એક ભલાઈ ન હતી તો બીજું શું હતું?

મેં ડીશ હાથમાં લીધી અને ખાવાનું શરુ કર્યું. એ મને જોઈ રહ્યો હતો. એની આંખના ભાવમાં કોઈ જ ફેરફાર નોધાયો નહિ.

“તમેં મને મારી નાખશો?” મેં એક બે કોળીયા બાદ એના તરફ જોઈ કહ્યું.

“તું મારા માટે તમે શબ્દ કેમ વાપરે છે? તું મને તું કહી શકે છે મને એ સાંભળવાની આદત છે.”

“હું તારા માટે તમે શબ્દ નથી વાપરતી. હું એ શબ્દ બહુવચન તરીકે વાપરી રહી છું. હું જાણું છું કે ઉપર કોઈ છે જે તને આદેશ આપી રહ્યું છે અને તું એના માટે કામ કરી રહ્યો છે. કોણ છે એ?” મેં કહ્યું. હું એનાથી બને તેટલી વધુ વાત કરવા માંગતી હતી જેથી એ કઈક તો ભૂલ કરે જ અને મારે વધુ રાહ જોવી ન પડી.

“તને શું લાગે છે છોકરી આ ખાવાનું આપ્યું એટલે હું તને બધું કહી દઈશ? આ તારા કોલેજના કોઈ મિત્રોએ કરેલી પ્રેંક નથી જે તું કોઈ ચાલાકીથી પકડી પાડે...” મારા સવાલનો જવાબ એણે સવાલથી જ આપ્યો. પણ મને મારો જવાબ મળી ગયો. એ મને ઓળખતો હતો. એ મારી કોલેજ વિશે જાણતો હતો. તેના એક જ વાક્યમાંથી મારા મગજમાં એક વાક્ય ઝડપાઈ ગયું કે તે જાણે છે કે હું કઈ કોલેજમાં ભણું છું.

આઈ વોઝ બ્લડી ટ્રેપડ ઇન ગેમ ઓફ માઉસ એન્ડ કેટ!

“ટેલ મી વું? પ્લીઝ..... ટેલ મી વું એન્ડ વ્હાય?” મેં એની તરફ જોઈ કહ્યું.

“યુ આર રિસ્પોન્સીબલ ફોર યોંર કન્ડીસન.” તેણે કહ્યું. મને તેના ચહેરા પર ગુસ્સાના ભાવ દેખાયા. એનો અર્થ એ હતો કે મેં કઈક એવું કર્યું હતું જે એમને પસંદ ન હતું. કઈક એવું કર્યું હતું જેનાથી એમને કોઈ નુકશાન થયું હતું અથવા કઈક એવું કર્યું હતું જેનાથી એમને નુકશાન થવાનો ડર હતો. પણ શુ? એ મારે જાણવું જ રહ્યું.

“હાઉ?” મેં કહ્યું.

“બસ... એનાથી વધુ હું તને કાઈ નહી કહી શકું અને હવે જો તે નકામા સવાલો કર્યા તો તને ફરી એજ રૂમમાં પૂરી દઈશ જે કેબીનમાં તને રાખવાનો મને ઓર્ડર મળ્યો છે.” એણે પેલી નાની કેબીન તરફ આંગળી કરી. તેના હાથ મજબુત હતા એ મને ત્યારે જ ધ્યાનમાં આવ્યું હતું.

“મતલબ તે મને જાણી જોઇને કોરીડોરમાં લાવી છે?” મને એની વાત સાંભળી નવાઈ લાગી કારણ મને પહેલા એમ લાગ્યું હતું કે તે કદાચ મને કેબીનમાં પુરવાનું ભૂલી ગયો હશે.

“હા, અને આ બલ્બ પણ હું ચાલુ રાખું છું. હું એ બંધ કરવાનું ભૂલી ગયો હતો એમ ન સમજીશ.” એણે માથું હલાવ્યા વગર જ આંખો ફેરવી બલ્બ તરફ જોઈ ફરી એની આંખો મારા ઉપર સ્થિર કરી. હું એ બધું ધ્યાનથી જોઈ રહી હતી.

શું એ ખરેખર સાચું બોલી રહ્યો હશે? શું એને સાચે જ મારા તરફ સહાનુભુતિ હશે? કે પછી એ પણ મારી જેમ ટ્રેઈન્ડ હશે? એ જાણતો હતો કે એ મારા તરફ બનાવટી સહાનુભુતી બતાવશે તો હું ભાંગી પડેલી હાલતમાં એને તાબે થઇ જઈશ. અને એ મને એના તાબે કરવા માંગતો હોય એના બે જ અર્થ નીકળે. એક તો એ મારા તરફથી સેક્સ્યુઅલ ફેવરની આશા રાખતો હોય અથવા કઈક એવી માહિતી જે તેમને ડર હોય કે મને ડરાવી ધમકાવીને નહી મેળવી શકાય.

એ મારા તરફથી કોઈ સેક્સ્યુઅલ ફેવરની આશા રાખતો હશે એવું વિચારવાને કોઈ અવકાશ ન હતો કેમકે એને એ સ્થળે મારા પાસેથી એવા કોઈ ફેવરની જરૂર ન હતી. હું સંપૂર્ણ પણે તેના કબજામાં હતી અને તે જે ધારે તે મારી સાથે કરી શકે તેમ હતો. બીજું એ કે તેની આંખોમાં કોઈ જ એવો ભાવ દેખાતો ન હતો. હું હરામીઓની હવસભરી નજર બહુ સહેલાયથી ઓળખી જતી. હું શું કોઈ પણ છોકરી સામેવાળા વ્યક્તિની નજરમાં કયા ભાવ છે તે સહેલાઇથી ઓળખી જાય છે. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હોય છે જેના નિયતમાં રહેલ ખોટ તેના ચહેરા પર અવ્યક્ત હોય છે. તેના નીચ ઈરાદા અવ્યાપ્ત હોય છે.

હવે માત્ર બીજો વિકલ્પ જ રહેતો હતો કે એ મારા પાસેથી કોઈ માહિતી નીકાળવા માંગતા હોય જે તેમને ખાતરી હોય કે મને ડરાવી ધમકાવી નહી મેળવી શકાય. અને એ લોકો જો એમ માનતા હોય કે મને ડરાવી ધમકાવી કોઈ ચોક્કસ માહિતી નહી મેળવી શકાય તો તેનો અર્થ એ હતો કે તેઓ મારા વિશે બધું જાણતા હોય. શું તેઓ જાણતા હશે કે હું કોણ છું?

જો તેઓ જાણતા હતા કે હું કોણ છું તો એનો અર્થ એ હતો કે હું એ સ્થળેથી કોઈ પણ રીતે જીવતી બહાર નીકળી શકવાની નથી. પણ કદાચ એને મારા તરફ સહાનુભુતી ઉપજી હોય તો? મેં એ બાબતને અત્યાર પુરતી મહત્વની ગણવાનું નક્કી કર્યું.

“તો એક ઉપકાર વધુ કરી શકે મારા પર?” મેં એના તરફ જોઈ કહ્યું. મારા ચહેરા પર જેટલી માસુમિયત લાવી શકાય તેટલી માસુમિયત લાવવાનો મેં પ્રયાસ કર્યો.

“એ તું કઈ ચીઝ માંગે છે એના પર આધાર રાખે છે.” એણે શરતી વિધાન ઉચ્ચારીને જવાબમાં હા અને ના બંને મુક્યા.

“હું સ્ટ્રેસથી પીડાઉં છું અને એ માટે મારે રોજ એક ગોળી લેવી પડે છે. મેં અહી આવ્યા પછી એ ગોળી નથી લીધી એટલે મારા મગજની નશો ફાટી રહી છે. શું તું મને એ ગોળી લાવી આપી શકે?” મેં કહ્યું. મેં એક મોટું જોખમ ઉઠાવ્યું હતું. જો એ મને એ ટેબલેટ લાવી આપે તો પણ હું તેનો ઈરાદો ક્લીયર તો જાણી શકું તેમ ન હતી પણ જો તેઓ મારી પાસેથી કોઈ માહિતી કઢાવવા માંગતા હોય તો મેં એમને મારી જ જાતને બ્લેકમેઈલ કરવાનું એક સરસ સાધન આપ્યું હતું. જો તેઓ મારી પાસેથી કોઈ માહિતી કઢાવવા માંગતા હશે તો મેં તેમને એવું કરવા માટેનું સરળ હથિયાર સોપ્યું હતું. કેટલું અજીબ હતું!

હું મારા દુશ્મનને બ્રહ્માસ્ત્ર આપી રહી હતી! મારી જે કમજોરી મેં પરિવાર, ઘર અને મિત્રોથી છુપાવી હતી એ કમજોરી હું એક દુશ્મનને કહી રહી હતી. મારી પાસે કોઈ બીજો રસ્તો પણ ન હતો.

“હું કાલે લઈ આવીશ. મને એ ટેબલેટનું નામ કહીદે.” એ તરત તૈયાર થઇ ગયો.

મેં એને ટેબલેટનું નામ આપ્યું અને એના ઇન્ગ્રેડીયન્ટ જણાવ્યા જેથી કદાચ એ જ કંપનીની ટેબલેટ ન મળે તો પણ એ મારા માટે એ જ ઇન્ગ્રેડીયન્ટવાળી કોઈ બીજી કંપનીની ગોળી લાવી આપે.

મને જરાક રાહત થઇ. મેં ડીશ પતાવી પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગઈ. એણે મારા તરફ એક નજર કરી. આ વખતે મને એની આંખોમાં જરાક સહાનુભૂતિના ભાવ દેખાયા. હું એના ચહેરા પરના વધુ ભાવોને કળી શકું એ પહેલા એ ડીશ અને ગ્લાસ લઈ બહાર નીકળી ગયો. એના પાછળ દરવાજો મને એકલતાની દુનિયામાં ધકેલી બંધ થઇ ગયો.

મને ઘણા સમયે ખાવાનું મળ્યું હતું એટલે ગજબની રાહત મળી હતી. પાણીથી તો મારા જીવમાં જીવ આવ્યો હતો! રણમાં રખડતા હરણની જેમ મારી હાલત પાણી વગર કફોડી થઇ ગઈ હતી એટલે એ એક ગ્લાસ પાણી મારા માટે અમૃત જેવું હતું! હું ફરી વિચારવા લાગી મારી શું ભૂલ હોઈ શકે જેનાથી તેમણે મને કિડનેપ કરી હશે?

એ કિડનેપર કોણ હશે? મને કેમ કિડનેપ કરવામાં આવી હશે?

(એ) તેઓ મને મારી નાંખવા ઇચ્છતા હશે.

(બી) તેઓ જાણી ચુક્યા હશે કે હું કોણ છું.

(સી) કદાચ હું આરાધનાના કિસ્સામાં વધુ રસ લઈ રાઈ હતી એ માટે.

(ડી) આપેલ તમામ.

મારી પાસે માત્ર ચાર જ વિકલ્પો ન હતા ઘણા વિકલ્પો હતા પણ મને એ ચાર વિકલ્પો વધુ મહત્વના દેખાયા. મેં મારા પ્રશ્નનો જવાબ એ ચાર વિકલ્પોમાંથી મેળવવાનું નક્કી કર્યું. પહેલા તો મને ઓપ્સન ડી યોગ્ય લાગ્યો. આપેલ તમામ પણ અચાનક મારા મનમાં એક ઝબકારો થયો. મને મારી ભૂલ સમજાઈ ગઈ. મને ઓપ્સન સી વધુ યોગ્ય લાગ્યો. હું આરાધનાના કેસમાં વધુ પડતો રસ લઈ રહી હતી એટલે. કદાચ આરાધનાને પણ...? અને જો એમ હોય તો સૌથી ગંભીર વાત એ હતી કે હું કોઈ અન્ય ગેંગ દ્વારા નહી પણ જે મિસિંગ ગર્લ્સની તપાસ કરી રહી હતી એ ગર્લ્સને કિડનેપ કરનાર ટીમ દ્વારા જ કિડનેપ થઇ હતી. એ મિસિંગ ગર્લ્સમાંથી કોઈ છોકરી જીવતી પાછી નહોતી ફરી. જો મને એ જ ગેંગના માણસોએ ઉઠાવી હોય તો મારો અંત પણ અહી જ હતો.

મારા હ્રદયના ધબકારા ફરી વધવા લાગ્યા. મને ગભરાહટ થવા લાગી. મને ફરી એમ લાગવા માંડ્યું મારા ફેફસા છીછરા શ્વાસ લઇ રહ્યા છે. માય ડેમન લંગ્સ વેર ટેકીંગ ધ હોલો બ્રિધ!!!

એ બધું સ્ટ્રેસને લીધે થઇ રહ્યું હતું. હું જાણતી હતી મારે શું કરવું જોઈએ. મેં ઊંડા શ્વાસ લેવાનું શરુ કર્યું. શ્વાસ... એક.. બે... ત્રણ.. ઉછ્સ્વાસ... એ ક્રિયા પુનરાવર્તિત કરતી જ રહી.

***

(ક્રમશ:)