salary - 2 books and stories free download online pdf in Gujarati

સેલેરી - 2

સેલેરી - 2

પેલા બાઇકસવાર ને હોસ્પિટલ પહોચાડવામાં અનિતાને શાળાએ પહોચતા મોડું થઇ જાય છે, એથી શાળાના પ્રિન્સિપાલ એક અઠવાડીયા માટે શાળામાંથી રજા આપી દે છે. સવારમાં અનિતા જ્યારે ઘરનું કામ કરી રહી હતી ત્યારે ડોરબેલ વાગે છે, દરવાજો ખોલતા જ અનિતા ચૌંકી જાય છે,

“સર......તતમેએએએ......” અનિતાના મોં માંથી ઉદગાર સરી પડે છે.

“હા....અમે.......”

એ બીજુ કોઇ જ નઇ પણ અનિતા ની શાળાના પ્રિન્સિપાલ એમના દીકરા સાથે અનિતાને મળવા આવ્યા હતા.

અનિતાએ જે બાઇકસવારની મદદ કરી હતી એ બીજુ કોઇ નહિ પણ પ્રિન્સિપાલ નો દિકરો આકાશ હતો.

બીજા દિવસે સવારે આકાશ, બસસ્ટોપ પર મદદ કરનાર યુવતિને શોધવા ગયો હતો પણ એ યુવતિ મળી નહી એટલે ઉદાસ મને ઘરે પાછો ફર્યો. ઘરે આવીને એના પપ્પાને બધી વાત જણાવી, અને કહ્યુ કે મદદ કરનાર કોઇ એક યુવતિ છે અને શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આટલુ બોલતા જ એના પિતા એટલે કે પ્રિન્સિપાલ દવે સર ને અનિતાની યાદ આવી, એ સમજી ગયા કે આકાશ ને મદદ કરનાર અનિતા જ હોઇ શકે. અને એટલે જ અનિતાનું ઘર શોધતા શોધતા એને મળવા આવે છે.

***

અનિતા બંને ને ઘર માં અંદર લાવે છે, અને મમ્મી સાથે ઓળખાણ કરાવે છે.

દવે સર, અનિતા અને તેની માતાની માફી માગે છે. અને અનિતાની સજા માફ કરી શાળાએ આવવા કહે છે.

અનિતા બીજા દિવસથી શાળાએ જવાનું શરૂ કરી દે છે. આકાશ અનિતાને મળવા માટે એની શાળાએ અવાર નવાર આવતો રહે છે. બંને વચ્ચે મિત્રતાનો સબંધ બંધાય છે. હવે અનિતા ને શાળાએ આવવા માટે બસની રાહ જોવી ન પડતી, કેમ કે આકાશ દરરોજ અનિતાને બસસ્ટોપ થી શાળાએ બાઈક પર છોડી જતો. આમ ને આમ બંનેની મિત્રતા પ્રેમમાં પરીણમે છે. બંને જણા સાત જન્મોના બંધનમાં બંધાઇ જવાનું નક્કિ કરે છે.

આકાશ અનિતાનો હાથ માગવા એના પિતાને અનિતાના ઘરે જવા કહે છે.

***

“તમે આ શું બોલી રહ્યા છો, દવે સાહેબ.”

“ક્યાં તમે અને ક્યાં અમ ગરીબ...!!!!” દવે સર જ્યારે અનિતાના ઘરે એનો હાથ માંગવા ગયા ત્યારે અનિતાની માતાએ કહ્યું.

“સંસ્કારની સામે સંપતિ ની તુલના ન હોય”, પ્રિન્સિપાલ દવે બોલ્યાં.

અનિતા ઘણા સમય થી એ જ શાળા માં નોકરી કરતી હતી એટલે દવે સર અનિતાને સારી રીતે ઓળખતા હતા, એના સ્વભાવથી પૂરતી રીતે પરીચિત હતાં.

છેવટે આકાશ અને અનિતાના લગ્ન નક્કી થયા. આકાશ સાથે લગ્ન કરી ને અનિતાના અંધકાર ભરેલા જીવનમાં જાણે સુખનો સુરજ ઉગ્યો. અનિતા ને લગ્ન પછી પણ મા અને નાની બહેનની જવાબદારી એના પર જ હતી, એટલે અનિતાએ નોકરી કરવાનું ચાલુ જ રાખ્યું. જોકે આકાશના ઘરે કશી ખોટ ન હતી, પણ અનિતા ઇચ્છતી હતી કે એની જ મહેનતના પૈસાથી માતાની મદદ કરે.

થોડા વરસો પછી,...

એક દિવસ આકાશે અનિતાને નોકરી કરવાની ના પાડી. આ વાત અનિતાને જરાપણ ગમી નઈ. આ વાત ને લઇ ને અનિતાને આકાશ પ્રત્યે અણગમો થવા લાગ્યો. બંને વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થવા લાગ્યા.

આકાશ ના મત પ્રમાણે, અનિતા નોકરી કરતા, બાળકો પર વધારે ધ્યાન આપે એવું એ ઇચ્છતો હતો. અને આમ પણ હવે અનિતા પર વધારાની કોઇ જવાબદારી ન હતી, કારણ કે,, અનિતાની નાની બેન ને યોગ્ય છોકરો શોધી લગ્ન કરાવી દીધા હતા અને અનિતા ની માતાનું હાર્ટએટેક ના લીધે અવસાન થયું હતું. આકાશ અને અનિતા ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી જુડવા જનમ્યા હતાં. બાળકોનું ભવિષ્ય સારુ બને એ કારણથી જ આકાશ નોકરી છોડવા માટે અનિતા ને કહેતો હતો, પણ અનિતા સમજતી જ ન હતી, એતો એની જીદ પર અડગ જ હતી.

આકાશ પણ હવે અનિતાને સમજાવી સમજાવી થાકી ગયો હતો. હવે તો બંને વચ્ચે અબોલા પણ શરૂ થઈ ગયા હતાં. આકાશ અનિતા ને જેટલો પ્રેમ કરતો એટલી જ નફરત થવા લાગી હતી. એક દિવસ સવારમાં અનિતા નોકરી પર જવા માટે તૈયાર થતી હતી, ત્યારે આકાશ ગુસ્સા માં આવી બોલ્યો, “આજ છેલ્લી વખત તને નોકરી છોડવા માટે કહુ છું, આજ સાંજ સુધી માં નિર્ણય લઇ લેજે.” આટલુ બોલી આકાશ બાઈક લઇ ને જતો રહ્યો, અને અનિતા પણ નોકરીએ જવા માટે તૈયાર થવા લાગી.

સાંજે આકાશ જ્યારે ઘરે આવ્યો ત્યારે બેડરૂમના ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી, અનિતા ઘરમાં દેખાતી ન હતી. જ્યારે આકાશે ચિઠ્ઠી વાંચી ત્યારે એના પગ નીચેની જમીન સરકી ગઇ, પોતાની જાત ને ગુનેગાર સમજી રડવા લાગ્યો.

ચિઠ્ઠી માં લખ્યું હતું કે,

“આકાશ, મને માફ કરી દેજો, તમે દર વખતે મને નોકરી છોડવા માટે કહ્યું પણ ક્યારેય, મારા નોકરી ન છોડવાનું કારણ જાણવાની કોશિષ સુધા ન કરી. તમને જેમ બાળકોના ભવિષ્યની ચિંતા છે, એમ મને પણ એની ચિંતા છે. પણ હું ઇચ્છું છું કે આપણાં બાળકો મારાથી દુર રહે, એ લોકો ને મારી આદત ન પડે, કારણ કે હું કેન્સર જેવી ભયંકર બિમારી થી પિડાવ છું અને એ છેલ્લા સ્ટેજ માં છે, મેં આ વાત તમારાથી છુપાવી છે માટે હું માફી માંગુ છું. આ કેન્સર ની બિમારી મને મારા પિતાના વારસા માં મળી છે. હવે, હું આ ઘર છોડી ને જાવ છું મને શોધવાની કોશિષ કરતા નહી. ”

સમાપ્ત