Hawas-It Cause Death - 20 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-20

હવસ :-IT CAUSE DEATH-ભાગ 20

પ્રભાતની હત્યા બાદ અર્જુન દ્વારા એનાં હત્યારા ને પકડવાની કોશિશમાં અત્યાર સુધી સલીમ સુપારી નામનાં પ્રોફેશનલ કિલર,પ્રભાતની પત્ની અનિતા,એક મશહુર લેખક મેહુલ ગજેરા અને પ્રભાતનાં ડ્રાઈવર મંગાજી દરબારની અલગ અલગ સબુતો નાં આધારે ધરપકડ કરે છે છતાં હજુ પ્રભાતને ઝેર કોને આપ્યું હતું એ મુદ્દે કંઈપણ વાત આગળ નહોતી વધી રહી.આ બધી વસ્તુઓનાં લીધે મૂંઝાતો અર્જુન કંઈક નવો વિચાર સૂઝતાં નાયકને કોલ કરી સાયબર ટીમ જોડેથી પ્રભાતનું સિમ કાર્ડ લઈને પોલીસ સ્ટેશન આવવા કહે છે.

અર્જુન નાયકની રાહ જોતાં પોતાની કેબિનમાં બેઠો હોય છે ત્યાં અનિકેત અર્જુનની કેબિનમાં પ્રવેશ કરે છે.

"નમસ્કાર,ઈન્સ્પેકટર સાહેબ..મને ખબર મળી છે કે તમે પ્રભાતની હત્યાનાં ગુનામાં અનિતા ભાભી ની ધરપકડ કરી છે.?"કેબિનમાં આવતાં ની સાથે જ અનિકેત અર્જુન ને સવાલ કરે છે.

"પહેલાં તમે શાંતિથી બેસો પછી તમને હું બધું વિગતે જણાવું."શાલીનતાથી અર્જુન બોલ્યો.

અર્જુનની વાત સાંભળી અનિકેતે ખુરશીમાં સ્થાન લીધું અને બેસતાં જ અર્જુન શું કહેશે એ સાંભળવા પ્રશ્નસુચક નજરે અર્જુનની તરફ જોયું.

ત્યારબાદ અર્જુને પોતે કઈ રીતે સલીમ સુપારી સુધી પહોંચ્યો એ વિષયમાં વાત કરી..સલીમ સુપારી દ્વારા અપાયેલાં નંબરની મદદથી કઈ રીતે ટેક્નોલોજી નો ઉપયોગ કરી અનિતા અને મેહુલને પણ પકડી લીધાં એની પણ વાત કરી..સાથે-સાથે એ પણ કહ્યું કે મંગાજીને પણ પ્રભાતનાં ઘરે થયેલી લૂંટનાં આભુષણો સાથે પકડી પાડ્યો છે.

અર્જુને આ બધું તો જણાવ્યું પણ અનિકેત ને ઝેર કોને આપ્યું છે એ વિશે પોતે તપાસ કરી રહ્યો છે એવું ના જણાવ્યું..કેમકે અર્જુન જ્યાં સુધી કેસ સોલ્વ ના થઈ જાય ત્યાં સુધી ભૂલથી પણ એવી બાબત કોઈને પણ નહોતો જણાવતો જેથી કાતીલ સાવધ થઈ જાય.

અર્જુનની વાત સાંભળ્યાં બાદ અનિકેત ચમકીને બોલ્યો.

"શું અનિતા ભાભી એ સાચેમાં પ્રભાત ને મારવા માટે કોન્ટ્રાકટ કિલર હાયર કર્યો હતો..મને તો વિશ્વાસ જ નથી આવતો કે અનિતા ભાભી જેવી સતી સાવિત્રી સ્ત્રી આવું પણ કરી શકે.?"

"હા અનિકેત ભાઈ ઘણી વાર ના વિચાર્યું હોય એવું પણ થતું હોય છે..એ સિવાય મંગાજી જેવો વફાદાર માણસ પણ અમારાં શક નાં ઘેરામાં છે..બસ ત્રણ-ચાર દિવસમાં અમે આ લોકો જોડેથી કબુલાવી લઈશું કે આખરે પ્રભાતનો હત્યારો કોણ છે.તમે ચિંતા ના કરશો તમારાં દોસ્ત ને ન્યાય જરૂર મળી જશે."અર્જુન એક ઈન્સ્પેકટર ને છાજે એવી અદાથી બોલ્યો.

"ખૂબ ખૂબ આભાર આપનો..જો સાહેબ મારાં લાયક કોઈ કામ હોય તો મને ગમે ત્યારે યાદ કરજો..હું તમારી મદદે આવી પહોંચીશ..બસ આતો ઓફિસે જતો હતો તો વાત મળી કે અનિતા ભાભી પણ પ્રભાતની હત્યામાં સામેલ હોવાનાં પોલીસ જોડે સબુત છે માટે અહીં આવ્યો.બાકી તમારી તપાસ અને વાત પરથી તો એવું લાગે છે કે મારાં દિવંગત દોસ્ત ને જરૂર જરૂરથી ન્યાય મળશે."પોતાનાં સ્થાનેથી ઉભાં થતાં અનિકેત બોલ્યો.

"અરે અનિકેત ભાઈ એક વાત પુછવી હતી કે પ્રભાતે તમને એની હત્યાની રાતે કેમ કોલ કર્યો હતો.?"અનિકેતનાં ઉભાં થતાં ની સાથે કંઈક યાદ આવતાં અર્જુને સવાલ કર્યો.

અર્જુનનો અચાનક પુછાયેલો સવાલ સાંભળી અનિકેત થોડોક ચિંતામગ્ન અવસ્થામાં આવી ગયો અને પછી બોલ્યો.

"અરે હા..એ તો મને એ દિવસે રાતે 9 વાગ્યાં પછી પ્રભાતનો કોલ આવ્યો હતો જેમાં એ પોતાનાં ઘરે પાર્ટીમાં આવવા કહેતો હતો કેમકે અનિતા ભાભી ઘરમાં ના હોવાથી એ એકલો હતો..તમે એતો સમજી જ ગયાં હશો કે શેની પાર્ટી.?"

"હા એતો ખબર પડી કે શેની પાર્ટી.. પણ તમે ત્યાં ગયાં હતાં.?"અર્જુને પુછ્યું.

"અરે સાહેબ સારું થયું હોત જો હું ત્યાં ગયો હોત..પણ હું એક ફ્રેન્ડ નાં ઘરે મેરેજ હોવાથી એ વખતે સુરત ગયો હતો માટે મેં પ્રભાતને મારાં ત્યાં જવાની ના કહી હતી.."નંખાયેલાં અવાજે અનિકેત બોલ્યો.

"Its.. ok"અર્જુને ટૂંકમાં આટલું કહી વાતચીત પૂર્ણ કરી.

અનિકેત ને કેબીન નાં દરવાજા સુધી મુકીને પાછો પોતાની રોલિંગ ચેરમાં બેઠો.અનિકેત ની આમ ઓચિંતી મુલાકાત બાદ અર્જુનનું મગજ બુલેટ ટ્રેનની ગતિએ ચાલવા લાગ્યું..એને કંઈક એવું નોંધ્યું હતું જેને કંઈક તો એવો વિચાર અર્જુનનાં મગજમાં ઉત્તપન્ન થયો જેની અસર અમુક સમય બાદ થવાની હતી.

**********

અનિકેત નાં ગયાં બાદ અર્જુન હવે નાયકનાં આવવાની રાહ જોઈને બેઠો હતો..એટલામાં નાયક ત્યાં આવી પહોંચ્યો.

"સાહેબ,અનિકેત ઠક્કરની કાર રસ્તામાં મળી..તો શું એ અહીં આવ્યાં હતાં..?'આવતાં ની સાથે નાયકે સવાલ કરી લીધો.

"હા હમણાં જ mr. ઠક્કર અહીં આવીને ગયાં. એમને જરૂરી સવાલો નાં સંતોષકારક જવાબ મેળવીને એમને અહીંથી વિદાય લીધી પણ મારાં અમુક સવાલોનાં સંતોષ આપે એવાં જવાબ મને મળ્યાં નથી.."નાયકનો જવાબ આપતાં મોં બગાડતાં અર્જુન બોલ્યો.

"લો સાહેબ આ તમે મંગાવેલું સિમ કાર્ડ.."પોતાનાં ખિસ્સામાંથી એક પ્લાસ્ટિક ની નાની ઝીપર બેગમાં રાખેલું સિમ કાર્ડ અર્જુનને આપતાં નાયક બોલ્યો.

"હા..લાવ..લાવ.."નાયક જોડેથી એ સિમ કાર્ડ લેતાં અર્જુન બોલ્યો.

"પણ સાહેબ આ સિમ કાર્ડ નું તમે કરવાનાં શું છો..?"સવાલસૂચક નજરે અર્જુન તરફ જોઈને નાયકે કહ્યું.

"તારે જાણવું છે કે આ સિમ કાર્ડનું હું શું કરવાનો છું તો આવી જા ખુરશીને લઈને આ તરફ.."નાયકનાં સવાલનાં જવાબમાં અર્જુને કહ્યું.

અર્જુનની વાત સાંભળી એ આ સિમકાર્ડ નું શું કરવાનો હતો એની જિજ્ઞાસા ખાતર પોતાની ખુરશી ઉઠાવી અર્જુનની જોડે મુકીને એની ઉપર બેસી ગયો.

અર્જુને પોતાનાં ડ્રોવરમાંથી એક નોકિયા નો જુનો મોબાઈલ કાઢ્યો અને એમાં નાયકે આપેલું સિમકાર્ડ ભરાવી દીધું..સિમકાર્ડ ભરાવીને અર્જુને એ ફોન ને ઓન કર્યો.ફોન ને ચાલુ કર્યા બાદ અર્જુને પોતાનું કોમ્પ્યુટર ઓન કર્યું.

"સાહેબ આખરે તમે કરી શું રહ્યાં છો..?"અર્જુનની ક્રિયાઓ પર અચરજ થતાં અધીરાઈપૂર્વક નાયક બોલી પડ્યો.

નાયકની વાત સાંભળી અર્જુને ગુસ્સામાં એની તરફ જોયું અને મોં પર આંગળી રાખી એને થોડો સમય ચૂપ રહેવાનો ઈશારો કર્યો..અર્જુનને પોતાનાં સવાલથી ક્રોધ આવ્યો છે એ સમજતાં નાયકને વાર ના થઈ અને એ ચુપચાપ નાના બાળકની જેમ મોં પર આંગળી રાખી બેસી ગયો.

એની આ હરકત પર અર્જુનને હસવું આવી ગયું..અર્જુને ત્યારબાદ કોમ્પ્યુટરમાં ગુગલ ક્રોમ ખોલી ગૂગલમાં જઈ પંચાલ મેટલ ઇન્ડસ્ટ્રી રાધાનગર એવું લખ્યું એટલે સેકંડ નાં છઠ્ઠા ભાગમાં તો એની પંચાલ મેટલ ઇન્ડસ્ટ્રીનો બધો ડેટા કોમ્પ્યુટર સ્ક્રીન પર આવી ગયો.અર્જુને માઉસનું જમણું બટન ડેટા ઉપર નીચે કરી જોયો.એમાંથી કંઈક માહિતી અર્જુને એક કાગળ પર ટપકાવી અને ગૂગલ પેજમાં એ સર્ચ પેજ બંધ કરી દીધું.

આટલું કર્યાં બાદ અર્જુને gmail સર્વિસ ઓપન કરી અને એમાં પોતે કાગળ પર ટપકાવેલ ઈમેઈલ આઈડી નાંખી દીધો.આ પ્રભાત પંચાલનો પર્સનલ ઈમેઈલ આઈડી હતો.અર્જુને ઈમેઈલ આઈડી નાંખી નીચે લખેલ I FORGOT PAASWORD નું બટન ક્લિક કર્યું એટલે ગૂગલ બ્રાઉઝરમાં એક નવું પેજ ઓપન થયું જેમાં નવો પાસવર્ડ બનાવવા માટે ની પ્રોસેસ હતી..જેમાં પ્રથમ પ્રોસેસ એ હતી કે એક લિંક અંદર બતાવતાં કંપનીનાં મેઈલ આઈડી પર આવે જે ખોલતાં જ પ્રભાતનાં ઈમેઈલ આઈડી ને પુનઃ શરૂ કરવા નવો પાસવર્ડ બનાવવાનો વિકલ્પ મળે.

આ સિવાય બીજો વિકલ્પ હતો કે અંદર બતાવેલાં એક નંબર પર એક OTP (ONE TIME PASSWORD) આવે..જે કોમ્પ્યુટર માં દર્શાવેલ બોક્સમાં નાંખતા નવો પાસવર્ડ બનાવી ઈમેઈલ એકાઉન્ટ ખોલી શકાય..અર્જુને બીજો વિકલ્પ પસંદ કર્યો એવો જ પ્રભાતનું સિમ ભરાવેલાં નોકિયા નાં એ જુનાં મોબાઈલમાં મેસેજ ટોન વાગી.

આ ટોન સાંભળતા જ અર્જુને એ ફોન હાથમાં લીધો અને એમાંથી એક OTP કોમ્પ્યુટરમાં બતાવેલ બોક્સમાં નાંખ્યો..આમ કરતાં જ નવો પાસવર્ડ બનાવવાનાં બોક્સ ખુલી ગયાં.. અર્જુને પોતાને યાદ રહે એવો પાસવર્ડ એક વખત નાંખ્યો એટલે ફરીવાર એ પાસવર્ડ નાંખવા કહેવાયું..અર્જુને પુનઃ એ જ પાસવર્ડ એન્ટર કરતાં ની સાથે પ્રભાતનું પર્સનલ gmail એકાઉન્ટ ખુલી ગયું.

"Yes.."પ્રભાતનું gmail એકાઉન્ટ ખુલતાં ની સાથે ખુશ થઈ અર્જુન બોલી ઉઠ્યો..અર્જુન શું કરી રહ્યો હતો એ નાયક ને હવે થોડું થોડું સમજાઈ રહ્યું હતું.જે કામ સાયબર ટીમ ને કરવું જોઈતું હતું એ કામ અર્જુને સરળતાથી કરી બતાવ્યું એ જોઈ નાયકે મનોમન અર્જુનને સલામ કરી લીધી.

"નાયક આ પ્રભાતનું પર્સનલ ઈમેઈલ એકાઉન્ટ છે એટલે આ જ એકાઉન્ટ એનાં ફોન જોડે પણ સંલગ્ન હશે..તને ખબર ના હોય તો જણાવી દઉં કે ગૂગલ એકાઉન્ટ જોડે જ્યારે સ્માર્ટ ફોન કનેક્ટ થાય ત્યારે તમારો ઘણો ડેટા તમારી એપ્રુવલ મળતાં ગૂગલ નાં વિવિધ એકાઉન્ટમાં જમા થાય છે..જે ગમે ત્યારે gmail એકાઉન્ટ ખોલી પાછો મેળવી શકાય છે."પોતે શું કરી રહ્યો હતો એ વિષયમાં વાત કરતાં અર્જુન બોલ્યો.

"હમ્મ..બરાબર.."અર્જુનની વાત આછી પાતળી સમજાતાં નાયક બોલ્યો.

ત્યારબાદ અર્જુને ગૂગલ ફોટોસ ઓપન કર્યું..ગુગલ ફોટોસ એક એવી એપ્લિકેશન છે જેમાં તમારી ફોનમાં આવતી ઈમેજ ઓટોમેટિક સેવ થતી રહે છે જો તમે એ માટે એપ્રુવ કરેલું હોય તો..અર્જુનને અંદેશો હતો કે પ્રભાતનાં ફોનમાં સેવ અમુક ફોટો અવશ્ય આ ગુગલ ફોટોમાં મળી જશે.

અર્જુન આ બધું કરવામાં વ્યસ્ત હતો ત્યાં કેબિનનો દરવાજો ખટખટાવતાં એક કોન્સ્ટેબલ અંદર આવવાની રજા માંગતા બોલ્યો.

"સાહેબ હું જશવંત, તમારાં ઘરેથી ટિફિન લઈને આવ્યો છું."

"અરે હા જશવંત આવ અંદર અને ટિફિન અહીં ટેબલ પર મારી સામે મૂકી જા."અર્જુને કહ્યું.

અર્જુનની સહમતી મળતાં જસવંત નામનો એ કોન્સ્ટેબલ અંદર પ્રવેશ્યો અને ચૂપચાપ એક હરફ પણ ઉચ્ચાર્યા વગર ટિફિન મૂકીને પાછો કેબિનની બહાર નીકળી ગયો.એનાં જતાં જ અર્જુને પોતાનું કામ આગળ ધપાવ્યું.

અર્જુનની ગણતરી ત્યારે સાચી પડતી માલુમ પડી જ્યારે અર્જુને ગૂગલ ફોટોસ માં એક,બે નહીં પણ કુલ 518 ફોટો જોયાં..આ ફોટો જોતાં જ અર્જુન બોલ્યો.

"નાયક આ ગૂગલ ફોટો કરીને એપ્લિકેશન છે અને આ પ્રભાતનાં gmail એકાઉન્ટ જોડે કનેક્ટ છે એટલે આમાં જે ફોટો છે એ જ્યારે ત્યારે પ્રભાતનાં મોબાઈલમાંથી જ અહીં આવ્યાં હશે.."એકપછી એક ફોટો જોતાં અર્જુન કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જોતાં નાયક ને ઉદ્દેશીને બોલ્યો.

અર્જુનની ગજબની બુદ્ધિક્ષમતા પર નાયક આફરીન પોકારી ગયો અને એની નજરો પણ અત્યારે અર્જુનની માફક કોમ્પ્યુટર સ્ક્રીન પર ગડાયેલી હતી.અર્જુન એક પછી એક ફોટો ને વારાફરથી નીરખી નીરખીને જોઈ રહ્યો હતો.

અર્જુનને ખાતરી હતી કે આ ફોટોસ માં નક્કી પ્રભાતની હત્યા થવાનું કોઈ કારણ તો મળી જ જશે..એ ફોટોમાં પહેલાં તો પ્રભાતની ઓફિસનાં અમુક ફોટો હતાં અને પછી લોકોએ કરેલાં whatsup મેસેજ ની ઈમેજોનો ઢગલો..આમ કરતાં કરતાં 500 જેટલાં ફોટો તો અર્જુન જોઈ ચુક્યો હતો પણ એને કોઈપણ એવો ફોટો ના મળ્યો જે જોઈ કંઈપણ હાથ લાગવાની શકયતા હતી.

આ બધાં ફોટોની અંતે એક ફોલ્ડર હતું..જેનું નામ હતું ઓફિસ ડોક્યુમેન્ટ.બીજું કોઈ હોત તો આવું નામ વાંચી એ ફોલ્ડર ઓપન પણ ના કરત..પણ આ એસીપી અર્જુન હતો જેની આંખો કોઈ દૂરબીનથી કમ નહોતી.એ હંમેશા માનતો કે અમુક વસ્તુઓ જેવી દેખાય એટલી સરળ ક્યારેય હોતી નથી..અર્જુને એ ફોલ્ડર ખોલ્યું તો એમાં પહેલાં તો સાચે જ ઓફિસનાં જ ડોક્યુમેન્ટ હતાં.

પણ છેલ્લે નાં અમુક ફોટો જોઈને અર્જુનનો ચહેરો આશ્ચર્યથી પહોળો થઈ ગયો..અર્જુનની ગણતરીથી સાવ અલગ વસ્તુજ એની નજરે ચડી હતી એ એનાં ચહેરાનાં ભાવ પરથી સમજી શકાય એમ હતું..અર્જુનની સાથે નાયકની દશા પણ એવી જ હતી..એતો વિસ્મય સાથે કોમ્પ્યુટર તરફ એકીટશે જોઈ રહ્યો હતો.

"શું નાયક લાગ્યો ને ઝાટકો..આતો કોથળામાંથી બિલાડી નીકળી હોય એવો ઘાટ બન્યો.."ચહેરા પર એક વિચિત્ર મુસ્કાન સાથે અર્જુન નાયકનાં ખભે હાથ મુકીને બોલ્યો.

"હા,સાહેબ.એની માં ને આતો હાહરુ જોરદાર નીકળ્યું.."નાયક પણ ઉત્સાહમાં બોલી ઉઠ્યો.

"તો ચાલો ત્યારે આગળનાં કાર્યક્રમ ને અંજામ આપવાનું કરીએ."વિજય સૂચકસ્મિત સાથે અર્જુન બોલી પડ્યો.!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

અર્જુને જોયેલાં ફોટોમાં શું હતું..??શું એ ફોટો પ્રભાતનાં મોત નું રહસ્ય ઉકેલી શકશે..??જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??પ્રભાતની હત્યા અનિકેત અને જાનકી સાથે સંબંધ તો નહોતી ધરાવતી ને..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)