VISHAD YOG- CHAPTER-15 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ-15

નિશીથની કારમાં ચાર પાંચ કલાકની મુસાફરી પછી તે લોકો સિહોર પહોંચ્યાં એટલે કશિશે કહ્યું “નિશીથ કાર ઊભી રાખ ચા પીવી છે.”

“હા આમ પણ પપ્પાએ જે એડ્રેસ આપ્યું હતું તેમાં પણ સિહોર-ભાવનગર વચ્ચેથીજ ક્યાંક વળવાનું હતું, એટલે હવે અહીં કોઇને પૂછવું પડશે.” એમ કહી નિશીથે કારને સાઇડમાં લીધી અને એક ચાની લારી પાસે ઊભી રાખી. કશિશ સમીર અને નિશીથ ત્રણેય નીચે ઊતર્યા અને ચાની લારીવાળાને ત્રણ સ્પેશિયલ ચાનો ઓર્ડર આપ્યો. લારીવાળો પણ ઓર્ડર મળતા કામમાં લાગી ગયો. નિશીથે આજુબાજુ જોયું તો હાઇવે ગામની બહારથી પસાર થતો હોવાથી બહું લોકો નહોતા. ચાની લારી પાછળ બે ત્રણ વૃધ્ધ બેસી ગપ્પા મારી રહ્યા હતા અને થોડા લોકો ચા-નાસ્તાની લારી પર ઊભા હતા. હાઇવે પર સામાન્ય રીતે જેવો જોવા મળે તેવો ધમધમાટ નહોતો. નિશીથે ચા વાળાને પુછ્યું “ ભૈયા, અહીં નજીકમાં કોઇ અનાથાશ્રમ છે?” પ્રશ્ન સાંભળી ચા વાળો વિચારવા લાગ્યો. તેને અનાથાશ્રમની કંઇ ખબર નહોતી પણ તરતજ ના પાડી દેશે તો આવેલા ગ્રાહકને ખોટું લાગશે એમ વિચારી તેણે થોડીવાર વિચારવાનો ડોળ કર્યો અને પછી કહ્યું “ ના, અહીં આટલામાં તો કોઇ અનાથાશ્રમ હોઇ એવું મારા જાણવામાં નથી.” એટલુ કહી તે ચા બનાવવા લાગ્યો. નિશીથે વિચાર્યુ જો અનાથાશ્રમ હોય તો કોઇ લોકલ માણસને ખબર જ હોવી જોઇએ. તેણે પાછળ બેઠેલા વૃધ્ધને પુછ્યું તો તેણે પણ ચા વાળા જેવો જ જવાબ આપ્યો. આ જવાબથી નિશીથ થોડો ઉદાસ થઇ ગયો. જો અનાથાશ્રમ હોય તો આટલા નજીકના માણસો તેના વિશે જાણતા ન હોય તેવું તો ના બને. ત્યારબાદ તેણે ઘણા લોકોને પુછ્યું પણ કોઇને પણ અનાથાશ્રમની ખબર નહોતી. છેલ્લે કંટાળીને તે લોકો કારમાં ગોઠવાયા ત્યાં એક વૃધ્ધ તેની કાર પાસે આવ્યા. આ વૃધ્ધ ક્યારના નિશીથ અને તેના મિત્રોને દૂરથી જોયા કરતા હતા. તેણે પાસે આવી નિશીથની બારી પર ટકોરા માર્યા. નિશીથ એકતો કોઇ અનાથાશ્રમ વિશે જાણતું નહોતુ એટલે અકળાયેલો હતો ત્યાં આ વૃધ્ધને જોઇને તેને ચીડ ચડી. તેણે કારનો ગ્લાસ ખોલ્યો અને કંઇ બોલવા જાય તે પહેલાજ તે વૃધ્ધે કહ્યું “આ ગામમાં મારા સિવાય કોઇ તારે જ્યાં જવું છે ત્યાં તને પહોંચાડી શકશે નહીં.” આ સાંભળી ત્રણેય ચોંકી ગયા.પહેલા તો તે લોકોને લાગ્યુ કે આ કોઇ ગાંડો છે પણ તેણે જે ગંભીરતાથી વાત કરી હતી તેના પરથી લાગ્યું કે જરૂર આ કંઇક જાણે છે. નિશીથનો મૂડ જોઇ કશિશે જ કહ્યું “દાદા, અમે એક અનાથાશ્રમ જે આટલામાંજ ક્યાંક છે તેને શોધી રહ્યા છીએ.”

“હા, એ મને ખબર છે પણ ત્યાં તમને અહીંથી મારા સિવાય કોઇ લઇ જઇ શકશે નહીં. તેના વિશે અહી કોઇને ખબર નથી. આ વાત વર્ષો જુની છે.”

“દાદા, તમારે અમને લઇ જવાની જરૂર નથી, તમે માત્ર અમને રસ્તો બતાવી દો.” નિશીથે થોડી ચીડથી કહ્યું.

આ સાંભળી દાદાના ચહેરા પર ખંધુ સ્મિત આવી ગયું અને તે બોલ્યા “દીકરા, રસ્તો બતાવવાથી કંઇ નહી થાય. તમે જેના માટે આવ્યા છો તે તમને ત્યાં મળવાનું નથી.”

આ દાદાની વાતથી હવે નિશીથ અકળાઇ રહ્યો હતો પણ આ એક દાદાજ રસ્તો જાણતા હતા એટલે નાછૂટકે તેણે આ દાદાનો બકવાસ સાંભળવો પડતો હતો.

“દાદા, તમે અમને રસ્તો તો બતાવો આગળ અમે જોઇ લઇશું.” કશિશ પણ હવે થોડી અકળાઇ ગઇ હતી એટલે તેણે ચીડથી કહ્યું.

“ભલે ત્યારે જેવી તમારી ઇચ્છા. અહીથી થોડા આગળ જતા રાજપરા આવશે તેનાથી આગળ થોડા ચાલશો એટલે જમણી બાજુ પર એક રસ્તો પડશે તેના પર જજો. થોડા આગળ જશો એટલે ખોડિયાર ડેમ અને ખોડિયાર માતાનુ મંદિર આવશે તેની પહેલા જમણી બાજુ પર એક નાનકડો રસ્તો જશે તેના પર એડધો કિલોમીટર આગળ જતાં એક જુનું પુરાણુ મકાન દેખાશે તેજ અનાથાશ્રમ છે.” આટલું બોલી પછી દાદાએ કહ્યું “જાવ જઇ આવો ત્યાં જઇ તમને મારી વાત સમજાશે. પછી મારી જરૂર પડે તો લારીવાળાને કહેજો ભીમસિંહબાપાને મળવું છે.” નિશીથને હવે આ દાદો સાચેજ પાગલ લાગતો હતો. અનાથાશ્રમ જવાનો રસ્તો મળી જાય પછી તેનું શું કામ પડવાનું હતું. આ ગામના ડોસાને આજે પહેલીવાર કોઇએ આટલું પુછ્યું હશે, એટલે પોતાની જાતને જાણે કોઇ મોટો ઇતિહાસકાર માનવા લાગ્યો છે. દાદાને પરાણે થેંક્યુ કહી નિશીથે કાર ભાવનગર તરફ આગળ વધારી.

“ આ ડોશો પણ ખરો નંગ છે. કોઇ દિવસ કારમાં બેઠો નહી હોય એટલે આ બહાને કારમાં બેસવા મળશે એમ માની આ ડંફાસો હાંકતો હશે.” અત્યાર સુધી શાંતિથી બેઠેલા સમીરે મજાક કરતા કહ્યું.

“જિદગીમાં આજે પહેલીવાર તેને પોતાનું મહત્વ સાબિત કરવાનો મોકો મળ્યો હશે. ગામમાં તો કોઇ ભાવ પુછતું નહીં હોય.” આ સાંભળી બધા હસી પડ્યાં.

ત્યારબાદ દસેક મિનિટ કાર ચલાવી અને રાજપરા ગામ ક્રોસ કર્યુ એટલે જમણીબાજુ પર એક રસ્તો પડ્યો. આ રસ્તા પર થોડું ચાલ્યા ત્યાં ખોડિયારમાતાનું મંદિર દેખાયું. મંદિર નજીક આવ્યું ત્યાં જમણીબાજુમાં એક ગાડા રસ્તો દેખાયો. આ રસ્તો કોઇ ઉપયોગ કરતુ ન હોય તેમ તેના પર ઘાસ ઉગી નીકળ્યું હતું. આ રસ્તા પર આગળ વધતા સામેજ એક જર્જરિત મકાન દેખાયું ત્યાં નજીક પહોંચી નિશીથે કાર ઊભી રાખી અને બધા નીચે ઉતર્યા. અનાથાશ્રમનો ગેટ એમજ વાસેલો હતો, તે ખોલી અંદર દાખલ થયાં પણ અહીંતો કોઇ માણસ દેખાતું નહોતુ. જાણે વર્ષોથી એમજ બંધ હોય તેમ બિલ્ડિંગ ખંડેર થઇ ગયું હતું. બધાએ આજુબાજુ અને બિલ્ડિંગની પાછળ પણ આટો મારી લીધો પણ કોઇ માણસ ત્યાં નજરે ન પડ્યું. આતો પહેલાજ પગથિયે સીધોજ ડેડએન્ડ આવી ગયો હોય તેવું લાગ્યું. બધાએ આજુબાજુ ઘણા આટાફેરા કર્યા પણ કોઇજ જગ્યાએ કંઇ જ દેખાયું નહી. છેલ્લે બધા નિરાશ થઇને કારમાં બેઠા. હવે તે બધાને પેલા દાદાની વાત સમજાતી હતી. કાર ચાલી એ સાથેજ કશિશે કહ્યું “ નિશીથ એક કામ કર આ સામે દેખાય છે તે ખોડિયાર મંદિરે લઇ લે. ત્યાંથી આ અનાથાશ્રમ વિશે કંઇક માહિતી જરૂર મળશે.” નિશીથે અનાથાશ્રમની કેડી પુરી થતા કારને જમણીબાજુ પર વાળી ત્યાં થોડાક આગળ જતા એક રસ્તો ડાબી બાજુ જતો હતો તે રસ્તા પરથી એક મોટરસાઇકલ સવાર આ તરફ આવી રહ્યો હતો. નિશીથે તેને જોયો પણ કાર રોકી નહીં અને સીધા રસ્તા પરજ ખોડિયાર મંદિર તરફ જવા દીધી. ખોડિયાર મંદિર પર પહોંચી તે લોકોએ જોયું તો મંદિર પણ અનાથાશ્રમની જેમ સુમસામ હતું. અહીં કોઇ બહું માણસો આવતા હોઇ તેવુ તેને લાગ્યું નહીં. ત્યાં મંદિરની પાછળથી એક યુવાન નીકળ્યો. આ યુવાને નીચે ધોતિયું પહેર્યુ હતું અને ઉપર કેસરી કલરનો ઝભ્ભો પહેર્યો હતો. કારને જોઇ તે આગળ આવ્યો અને નિશીથ પાસે આવીને બોલ્યો “ જય માતાજી” નિશીથે પણ સામે “જય માતાજી” કહ્યું અને સિધુજ પુછ્યું “ આ અનાથાશ્રમ બંધ થઇ ગયુ છે?” આ સાંભળી પેલો યુવાન હસ્યો અને બોલ્યો “અરે, એ તો લગભગ દસેક વર્ષથી બંધ છે. તમારે તેનું શુ કામ હતું?”

“અમારે તેના વિષે થોડું જાણવું હતું. તમે કંઇ જાણતા હોય તો કહો.” આ સાંભળી પેલો યુવાન નિશીથને એવી રીતે જોઇ રહ્યો જાણે નિશીથના મગજનો એકાદ સ્ક્રુ ઢીલો હોય. તેમાં યુવાનનો કોઇ વાંક નહોતો. દસ વર્ષ પહેલા બંધ થઇ ગયેલા આશ્રમ વિશે અત્યારે કોઇને શું કામ જાણવું પડે. તે થોડીવાર જોઇ રહ્યો “અમારો એક મિત્ર બાળપણમાં આ અનાથાશ્રમમાં રહેતો હતો એટલે અમારે તેના વિશે થોડી જાણકારી જોઇતી હતી.” કશિશે અર્ધસ્ત્ય કહ્યું. આ સાંભળી પેલો યુવાન બોલ્યો “હું તો અહીં આવ્યો તે પહેલા આ આશ્રમ બંધ થઇ ગયો હતો એટલે હું તેના વિશે કંઇ જાણતો નથી.” આ સાંભળી બધાજ થોડા ઉદાસ થઇ ગયા. કશિશે છેલ્લો પ્રયત્ન કરતા પુછ્યું “તેના વિશે બીજા કોઇ જાણતા હોય તેવું તમને ખબર છે?” આ સાંભળી પેલો વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “ હા, એક દાદા છે અહીં સિહોરમાં રહે છે. તેનું ખેતર આ અનાથાશ્રમની પાછળ આવેલુ છે. તે ઘણીવાર અહીં આવે છે અને અનાથાશ્રમ વિશે વાત કરતા હોય છે. તે કદાચ તમને મદદ કરી શકશે.” આ સાંભળી નિશીથ ઉત્સાહમાં આવી ગયો અને પુછ્યું “તે દાદાના નામ અને સરનામુ કહો અમે તેમને મળીશું” આ સાંભળી તે યુવાન બોલ્યો “તે દાદાનું સરનામું તો મને ખબર નથી પણ તેનું નામ ભીમસિંહબાપા છે.” આ સાંભળતાજ બધા એકબીજા સામે જોવા લાગ્યા. નિશીથે તે યુવાનનો આભાર માન્યો અને ત્યાંથી નિકળ્યા. ફરીથી કારને પાછા આવ્યા હતા તે રસ્તા પર જવા દિધી. રસ્તામાં ફરીથી કાર અનાથાશ્રમની કેડી પાસેથી પસાર થઇ. નિશીથે અનાથાશ્રમ સામે જોયું અને કારને આગળ જવા દીધી. જો નિશીથે આ વખતે ધ્યાનથી જોયું હોત તો તેને દેખાયુ હોત કે તે લોકો અનાથાશ્રમના દરવાજાને બંધ કરીને આવ્યા હતા પણ તે દરવાજો અત્યારે અર્ધો ખુલ્લો હતો. જો આ તેને દેખાયું હોત તો તેણે બીજે કોઇ જગ્યાએ જવાની જરૂર ન પડી હોત. જો આ ખબર પડી ગઇ હોત તો ઘણી બધી ઘટના બનતી અટકી ગઇ હોત. નિશીથે ગાડી આગળ જવા દીધી અને હવે બધાજ જાણતા હતા કે ક્યા જવાનું છે અને ક્યાંથી માહિતી મળશે.

---------------------**********--------------------------********-----------------------

સુરસિંહને પૈસા આપી જ્યારે વિરમસિંહે અનાથાઆશ્રમની ચોકી માટે મોકલ્યો ત્યારે સુરસિંહને સમજાઇ ગયું હતું કે આ લોકો તેને તેના ગામ સુર્યગઢથી દૂર રાખવા માગે છે. આ સુર્યગઢ એ એક જમાનામાં નાનું એવુ રાજ્ય હતું. જેમા સિહોર અને પાલીતાણાની વચ્ચેનો ખારી નદીથી ઘેરાયેલો ઘણો પ્રદેશ આવતો હતો. ભાવનગર બહું મોટું રાજ્ય હતું પણ ભાવનગર રાજ્યની બોર્ડરને અડીનેજ આ સુર્યગઢ જેવું નાનું રાજ્ય હતું. આઝાદી પછી જ્યારે બધા રજવાળાને એક કરી દેવામાં આવ્યા ત્યારે સુર્યગઢ પણ ભારતમાં ભળી ગયું હતું. તેમ છતા અહીંના રાજા મહિપાલસિંહના દમામ અને રૂઆબ યથાવત હતા. તેના દીકરા દશરથસિંહ આઝાદી વખતે 5 વર્ષના હતા. તે પણ પ્રજા વત્સલ અને ન્યાયપ્રેમી રાજા હતા. તેના લીધે અહીંના લોકોમાં આઝાદી પછી પણ તેના માટે માન હતું. તેના બે દીકરા હતા. જેમા મોટા શક્તિસિંહ અંને નાના કૃપાલસિંહ બંને જોડીયા ભાઇઓ ચહેરે મહોરે સરખા પણ સ્વભાવ એકદમ જ અલગ. શક્તિસિંહ તેના પિતાની જેમ માયાળું, બહાદુર અને પ્રજા વત્સલ હતા. જ્યારે કૃપાલસિંહની પ્રકૃતિ તદન ઉલટી હતી. તે એકદમ બગડી ગયેલો વંશજ હતો. દારૂ પીને આખો દિવસ ઐયાસી કરવી તે તેનું રોજનુ કામ હતું. કૃપાલસિંહનું નામ યાદ આવતાજ સુરસિંહનું મોઢું કડવું થઇ ગયું અને ફરી પાછી જુની યાદો ધસી આવી. આ યોદોને દૂર હડસેલી સુરસિંહે વિરમને ફોન લગાવ્યો અને ગંભીરસિંહે આપેલા પૈસા અને સોંપેલા કામની બધી વાત કરી. સામેથી વિરમે તેને સમજાવતા કહ્યું “ હમણાં તે જે કહે છે તે માની લે અને આમપણ હમણાં તે અવાવરું સ્થળ આપણા આ કામ માટે ખૂબ ઉપયોગી થશે. પણ તું થોડો ચેતતો રહેજે. તે કાબા માણસે તને ત્યાં મોકલી કોઇ ચાલ રમી હોય તેવું પણ બની શકે.” આ સાંભળી સુરસિંહે કહ્યું “એ તો જેવા પડશે, તેવા દેવાશે. આમપણ આપણે જે કામ હાથમાં લીધુ છે તેમા જોખમ તો ઉઠાવવુંજ પડશે.” ત્યારબાદ સુરસિંહે ફોન કટ કરી નાખ્યો અને આશ્રમ જવા માટે બાઇક સ્ટાર્ટ કર્યુ. આ બાઇક તેણે આગલે દિવસે રીપેર કરાવ્યું હતુ. વિસ વર્ષ પછી આ બાઇક રસ્તા પર દોડવાનું હતુ. સુરસિંહે આશ્રમની ચાવી એક બેટરી અને બીજો જરૂરી સામાન બાઇકની પાછળ બાંધ્યો અને સુરક્ષા માટે એક જૂની બંદુક અને છરો પણ સાથે લીધા. સુર્યગઢથી બહાર નીકળી મેઇનરોડ પર પાંચેક કિલોમીટર આગળ જતા એક રસ્તો ડાબી બાજુ પડે છે જે પહેલા ગાડા રસ્તો હતો પણ હવે પાકી સડક વાળો રસ્તો બની ગયો હતો. આ રસ્તા પર પાચેક કિલોમીટર જતા ફરીથી ડાબી બાજુ વળાંક લઇ અડધો કિલોમીટર આગળ વધો એટલે તે રસ્તો ખોડિયાર મંદિર પાસે આવે ત્યાંથી ભાવનગર તરફ જતા રસ્તા પર તરતજ ડાબી તરફ આશ્રમ તરફ રસ્તો પડે ત્યાં સુરસિંહ પહોંચ્યો ત્યારે તેણે રોડ પરથી એક સફારી કારને ખોડીયાર મંદિર તરફ જતી જોઇ. આ કાર નિશીથનીજ હતી અને નીશિથે ખોડીયાર મંદિર તરફ જતી વખતે જે બાઇક જોયું હતું તે સુરસિંહનું જ હતું.

સુરસિંહે બાઇકને આશ્રમમાં લીધુ અને પાર્ક કર્યુ અને પછી આશ્રમના ગેટ પાસે આવેલ એક ઓરડી જ્યાં તેણે રહેવાનું હતું તેનું તાળું ખોલી સાફ સફાઇ કરવા લાગ્યો.

---------------------------********-------------------*************---------------------

નિશીથને એ લોકો ફરીથી સિહોર પહોંચ્યા ત્યારે લગભગ 3 વાગી ગયા હતા અને બધાને ભુખ પણ લાગી હતી એટલે બધાએ પહેલા નાસ્તો કર્યો અને પછી ફરીથી પેલી ચાની લારી પાસે જઇને પુછ્યું અમારે ભીમસિંહબાપાને મળવું છે. તે ક્યાં મળશે?” આ સાંભળતાજ પેલો ચા વાળો આ લોકોને એ રીતે જોઇ રહ્યો હતો કે જાણે તે લોકો કોઇ જુદીજ ભાષામાં વાત કરતા હોય. નિશીથે તેને આ રીતે તાકતો જોઇને ફરીથી એજ સવાલ પુછ્યો. પેલાને થોડીવાર તો વિશ્વાસ જ ન આવ્યો કે ગામમાં જેને બધાજ નકામો માણસ ગણે છે. જેને તેના છોકરા પણ સાથે નથી રાખતા તેવા માણસનું આ લોકોને શું કામ હોઇ શકે પણ હમણા થોડીવાર પહેલાજ આ લોકો અહીં ચા પીવા આવ્યા હતા અને કોઇ અનાથાશ્રમની શોધમાં હતા તે લારીવાળો જાણતો હતો એટલે તેણે કહ્યું “ આ સામે જે રસ્તો જાય છે તેમા છેલ્લું જે ઘર દેખાય તેજ તેનું છે.” આટલુ કહી તે ફરીથી ચા બનાવવામાં વ્યસ્ત થઇ ગયો. નિશીથે કારને તે રસ્તા પર જવા દીધી અને છેલ્લા મકાન પાસે ઊભી રાખી. બધા ગાડીમાંથી નીચે ઉતર્યા અને મોટો ડેલો હતો તે ખખડાવ્યો. ડેલા પાછળથી એક અવાજ આવ્યો “અંદર આવી જાવ ડેલો ખુલ્લોજ છે.” આ સાંભળી બધા અંદર દાખલ થયા તો સામેજ પેલા દાદા બેઠા હતા. આ બધાને જોઇને તેને સહેજ પણ નવાઇ ન લાગી તેણે કોઇ પણ જાતની ઔપચારીકતા વિના બધાને બાજુનાં ખાટલા પર બેસવા કહ્યું. ત્રણેયને દાદા સાથે કરેલા વર્તન પછી થોડો સંકોચ થતો હતો પણ દાદાતો એકદમ સ્વાભાવિકતાથી બેઠા હતા. તે લોકો બેઠા એટલે એક છોકરી આવી પાણી આપી ગઇ. ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યુ નહી. દાદાતો તેનાં હાથમાં રહેલ બીડી પીતા હતા. થોડીવાર એમનેએમ પસાર થઇ એટલે નિશીથ વાતની શરૂઆત કરી “દાદા, તમે કહ્યું હતું તે સાચું હતું ત્યાં તો અમને કંઇ ના મળ્યું.” નિશીથને એમ હતુ કે દાદા આ સાંભળી ખુશ થશે. દાદાના ચહેરા પર તો કોઇ ભાવ બદલાયા નહી ઉલટા તેણે તો વાત બદલતા કહ્યું “સવારના ભુખ્યાજ છો કે પછી રોટલા ખાધા?”

“ના, હમણા વચ્ચે હોટલ પર નાસ્તો કર્યો.” કશિશે જવાબ આપ્યો.

“સારુ, તો લો ચા પીવો.” છોકરી ચા લઇને આવી તેના તરફ ઇસારો કરતા દાદાએ કહ્યું.

બધા ચા પીવા લાગ્યા. વાતાવરણમાં અચાનક ભાર આવી ગયો. કોઇ કંઇ બોલતુ નહોતુ. આ જોઇ સમીરે કહ્યું “દાદા હવે તમે જ કહો અમે શું કરીએ? તમે કહ્યું હતુ એમજ અમે ફરીથી તમારી પાસે આવ્યા છીએ.”

“તમારે જો મારી પાસેથી કંઇ જાણવુ હશે તો પહેલા તમારે શું કામ છે? એ જણાવવું પડશે.” દાદાએ કહ્યું.

આ સાંભળી કશિશ અને સમીરે નિશીથ સામે જોયું કે આ દાદાને આપણી વાત જણાવવી કે નહીં. આ બંનેની મુશ્કેલી સમજી જતા નિશીથેજ વાતનો દોર હાથમાં લેતા કહ્યું “દાદા, મને મારા માતા પિતાએ આ આશ્રમમાંથી દતક લીધો હતો. હવે મારે તે જાણવું જરૂરી છે કે આ આશ્રમમાં મને કોણ મુકી ગયું હતુ.”

“દીકરા, કોઇ પોતાના દીકરાને એમજ છોડી નથી જતુ. છોડી જનારની પણ કોઇ મજબુરી હોય છે. અને હવે તું એ જાણીને પણ શું કરીશ? આમા તને દુઃખ સિવાય કંઇ નહી મળે.” દાદાએ કહ્યું.

નિશીથને હવે આ દાદો વધુ પડતો દોઢડાહ્યો થતો હોય તેવુ લાગ્યું. નિશીથને થોડીવારતો થયુ કે આ દાદાને ઉંચકીને ફેંકીદે પણ પછી તેને એ વાત યાદ આવી કે તેના આગળના બધાજ સ્ટેપ આ દાદાથીજ ચાલુ થાય છે એટલે તેણે મનને શાંત કર્યુ અને કહ્યું “દાદા, મને એક સ્વપ્ન રોજ આવે છે તેના નિરાકરણ માટે મારે આ જાણવું જરૂરી છે. તમે અમને જે જાણતા હોય તે કહો મારા માટે આ જીવન મરણનો પ્રશ્ન છે.” નિશીથની વાત સાંભળી તે દાદાના ચહેરા પરના હાવભાવ બદલાયા અને તેણે હાથમાં રહેલી બીડીનો ઘા કર્યો અને વાતની શરૂઆત કરતા કહ્યું “હું તમને બધીજ વાત કરીશ પણ તમારે તેની કિંમત ચુકવવી પડશે.” આ બોલતી વખતે તેના ચહેરા પર એક પીડાનો ભાવ ધસી આવ્યો અને તે આગળ બોલ્યા “તમને લાગશે કે આ ડોસો એક નંબરનો હરામી છે. કોઇને થોડી વાત કરવાના પણ પૈસા માગે છે. પણ જ્યારે તમને મારી હકીકત ખબર પડશે ત્યારે તમારો આ અભિપ્રાય બદલાઇ જશે. ખેર અત્યારે એ બધી વાતમાં તમને બોર નથી કરતો. જો તમને શરત કબુલ હોય તો હું આગળ વાત કરીશ.” એમ કહી દાદા નિશીથનો જવાબ સાંભળવા રોકાયા. નિશીથે સહેજ પણ સમય બગાડ્યા વિના કહી દીધુ “મને મંજુર છે પણ તમે જે પણ વાત કરો તે સાચી હોવી જોઇએ.” આ સાંભળી દાદાના ચહેરા પર એક ક્રુર સ્મિત આવી ગયું અને તે બોલ્યા “અરે દીકરા, હું શું કામ ખોટૂ બોલુ. મારે હવે કેટલા દિવસો અહીં કાઢવાના છે. ભગવાનને પણ જવાબ આપવો પડશે ને. પણ તમારો આમા કોઇ વાંક નથી. મારી માંગણી પછી તમારા મનમાં આ પ્રશ્ન થાય જ. પણ ચિંતા નહીં કરો હું જે પણ કહીશ તે સત્યજ હશે.” એમ કહી દાદાએ આખો બંધ કરી અને વાત કરવાની શરૂઆત કરી.

-------------------*********------------------*****************------------------

આ દાદા અનાથાઆશ્રમ વિશે શું જાણતા હશે? શું નિશીથને જોઇતી માહિતી દાદા પાસેથી મળશે? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે અને શું કામ કરી રહ્યું છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિંહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------------********************----------------------*****************---------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM