Blind Game - 13 Swaang ni Paribhasha books and stories free download online pdf in Gujarati

બ્લાઇન્ડ ગેમ - ૧૩ સ્વાંગની પરિભાષા

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૩ : સ્વાંગની પરિભાષા)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૧૨માં આપણે જોયું કે...

હઝરત કુરેશી ધડાકો કરે છે. લેખક અરમાનને પોતાનું જીવનચરિત્ર લખવા માટે મજબૂર કરે છે. કુરેશી પાસે હથિયારરૂપે અર્પિતાનું ઉપસેલું પેટ હતું. બીજી તરફ સી..એમ. સાહેબનો પી.એ. જયકાંત મુસ્કાનની ડિમાંડ પૂરી કરવાની તૈયારી બતાવે છે. અલખ-નિરંજન બંને માથુરને કેદમાં રાખીને એના મોબાઇલ ઉપર નજર રાખે છે કે કોના-કોના ફોન કોલ્સ અને મેસેજીસ આવે છે. ત્યાં જ, મધરાતના સન્નાટાને ચીરતો માથુરનો મોબાઇલ રણકી ઊઠે છે અને સ્ક્રિન ઉપર ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘનું નામ ચમકે છે...

હવે આગળ...)


‘માથુરને હમણાં આપણી કેદમાં જ રહેવા દો. તમે બંને જણ એના આ મોબાઇલ ઉપર સતત વોચ રાખો.’ કુરેશીએ અલખ-નિરંજનને આદેશ આપ્યો.

ત્યાં જ...

ફરી એકવાર મધરાતના સન્નાટાને ચીરતો માથુરનો મોબાઇલ કારમી ચીસ પાડી ઊઠ્યો. સ્ક્રિન ઉપર નામ ચમક્યું, ‘ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘ’.

-ને હઝરત કુરેશીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આંખમાં લોહી તરી આવ્યું.

મોબાઇલ થોડી સેકંડો સુધી રણકીને ખામોશ થઈ ગયો. થોડી ક્ષણો શાંતિ છવાયેલી રહી. પછી એક મેસેજ-ટોન વાગ્યો. કુરેશીએ સ્વસ્થતા મેળવી ને કૂતુહલથી મોબાઇલ સામું જોયા કર્યું – કોનો મેસેજ હશે? શું ઇન્ફોર્મેશન હશે? એમણે ચીલઝડપે માથુરનો એ મોબાઇલ ઊઠાવ્યો. પરંતુ... લેટેસ્ટ સ્માર્ટફોન ‘લોક’ હતો, થંબપ્રિન્ટ લોક, સાથે પેટર્ન લોક... કુરેશીએ મૂંઝવણ અનુભવી અને અલખ-નિરંજન સામું જોયું. નિરંજન જાણે કુરેશીની મનોદશાનો તાગ મેળવી ચૂક્યો હોય એમ હોઠ ત્રાંસા કરીને જરા મલકાયો. પછી પોતાની ચમકતી ટાલને પ્રેમથી પસવારતા બોલ્યો, ‘કોઈપણ લોક ખોલવું એ મારા ડાબા હાથનું કામ... પછી એ મોબાઇલ હોય, તિજોરી હોય, કે...’

‘બસ... બસ...’ કુરેશીએ કંટાળો વ્યક્ત કર્યો.

નિરંજને પોતાના નાઇટડ્રેસના પાયજામાના ડાબી તરફના પોકેટમાંથી એક નાનકડી ડબ્બી કાઢી. ડબ્બી ઉઘાડીને એમાંથી એક ઝીપલોકવાળી પ્લાસ્ટિકની નાની અમથી બેગ હાથમાં લીધી. અલખ તથા હઝરત કુરેશી બંનેએ નિરંજનને તાક્યા કર્યું. બંનેમાંથી કોઈને પણ એ નહિ સમજાયું કે આખરે નિરંજન કરવા શું માગે છે! શું એણે કોઈ એવી માસ્ટર-કી તો નથી શોધી કાઢીને કે જે સ્માર્ટફોનનું સ્ક્રિનલોક પણ ખોલી નાખે! બંનેના અચરજ વચ્ચે નિરંજને પ્લાસ્ટીકની એ બેગમાંથી એક અંગૂઠો બહાર કાઢ્યો. કોઈક જીવિત વ્યક્તિનો કપાયેલો અંગૂઠો! એના છેડેથી નીકળતું લોહી ક્યારનું થીજી ચૂક્યું હતું. નિરંજને એ કપાયેલો જમણા હાથનો અંગૂઠો પોતાના ડાબા હાથમાં લઈને મોબાઇલના થંબપ્રિન્ટના સેન્સર ઉપર દબાવ્યો, ને બીજી જ ક્ષણે સ્ક્રિનલોક ખૂલી ગયું. એ સાથે જ એ ઝૂમી ઊઠ્યો, ‘જોયું? મારા ડાબા હાથનો ખેલ!’

કુરેશીની ભ્રમરો ખેંચાવા માંડી. તેઓ કશું પૂછે એ પહેલાં જ નિરંજને કેફિયત આપવા માંડી, ‘માથુર... આ માથુરનો અંગૂઠો છે. અરે, કેટલીવાર હું ફોનનું લોક ખોલાવવા માટે એને બંદી બનાવીને રાખેલા ભોંયરા સુધી લાંબો થયા કરું?’

‘અરે પણ ઇડીયટ...’ કુરેશી તાડૂક્યા, ‘એકવાર લોક ખોલીને સેટિંગ્સમાંથી બધાં લોક્સને ડિસેબલ કરી નાખને!’

‘ઓત્તેરી...’ નિરંજને મોબાઇલથી જ પોતાની ટાલ ઉપર બે ટકોરા મારીને પોતાની ભૂલ સ્વીકારી. પછી આસપાસ નજર ફેરવી ને માથુરના કપાયેલા અંગૂઠાવાળી ડબ્બી નજીકના ડસ્ટબીનમાં પધરાવી દીધી. કુરેશી મનમાં કશુંક અપશબ્દ જેવું બબડ્યા, પણ નિરંજન ઉપર એની કોઈ અસર જણાઈ નહિ.

મોબાઇલ ખોલીને જોયું તો ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘનો મેસેજ હતો. નિરંજને વાંચી સંભળાવ્યો-

‘સર પે આફતાબ ઔર ઘડી મેં સૂઈ એક, આબુરોડ દરગાહ પે દુઆમેં યાદ!

એક પરદાનશીન કહે – ‘આપ કી દુઆ હૈ, બાબા...’ ઔર ફકીર હાથ ઉઠાયે - ‘સબ કા માલિક એક’...’

નિરંજને પોતાનું વાળ વગરનું માથું ખંજવાળ્યું, અને મોટેથી એક બગાસું ખાધું. અલખ પોતાના નાઇટડ્રેસના પેન્ટના પાછલા ખિસ્સામાંથી એક નાનકડી કાંસકી કાઢીને પોતાના લાંબા વાળની ગૂંચ ઉકેલવા માટે મથામણ કરવા લાગ્યો.

હઝરત કુરેશી પોતાની આંખોને ઝીણી તથા દિમાગને ધારદાર કરીને રૂમમાં આંટા મારવા માંડ્યા. લગભગ દોઢસો મીટર જેટલું આડુંઅવળું અંતર કાપ્યા બાદ એમનાં હોઠ ઉપરથી આસ્તે આસ્તે સાંકેતિક ભાષામાં લખાયેલા એ મેસેજનું સરળીકરણ થવા માંડ્યું -

‘સર પે આફતાબ ઔર ઘડી મેં સૂઈ એક... મતલબ – ખરા બપોર ને બાર વાગ્યે...

આબુરોડ દરગાહ પે દુઆમેં યાદ... મતલબ - આબુરોડ નજીકની એક દરગાહમાં મળવું...

એક પરદાનશીન કહે, ઔર ફકીર હાથ ઉઠાયે... મતલબ – તારે એક સ્ત્રીના સ્વાંગમાં બુરખામાં આવવું અને હું ફકીરબાબાના ગેટઅપમાં હોઈશ...

અને કોડવર્ડ - ‘આપ કી દુઆ હૈ, બાબા...’, ‘સબ કા માલિક એક’...’

નિરંજન સહજતાથી બોલી ઊઠયો, ‘તો સીધું લખતા હોય તો બાપુ, આમ કવ્વાલી શું કામ ગાઓ છો!’

અલખે એના માથામાંથી કંઈક નીકળ્યાનો ઉલ્લાસ વ્યક્ત કર્યો, અને સાથેસાથે એ ઉપજને પોતાના બંને અંગૂઠાના લાંબા નખ વચ્ચે દબાવીને એક હરખની સિટી મારી.

‘બહોત અચ્છે, ઇન્સ્પેક્ટર સિંઘ!’ કુરેશીએ અલખ-નિરંજનની ઈતર પ્રવૃતિઓને અવગણતા મનોમન ગણતરીઓ માંડી. ‘માઉન્ટ આબુથી આબુરોડ, લગભગ પાંત્રીસ કિલોમીટરનું અંતર, અને એક કલાકનું ડ્રાઇવિંગ...’

એમણે પોતાના ચશ્માંની ગોલ્ડન ફ્રેમ ઠીક કરી અને પછી બાકી રહેલી રાત ઠંડા પવનના સૂસવાટામાં વીતવા દીધી.

***

બીજી સવારે જ્યારે બેડરૂમની દીવાલ ઉપર ટાંગેલી એન્ટીક વોલક્લોક સાડા દસનો સમય બતાવી રહી હતી ત્યારે અરમાને પોતાના બેડરૂમની વિન્ડોમાંથી જોયું તો કોટેજના પાર્કિંગમાંથી બે કાર એકસાથે નીકળી. એક તો એ એસ.યુ.વી. કે જે કુરેશીના આદેશ મુજબ એમની લિમોઝીનના બદલામાં આબુરોડથી ‘એક્ષચેન્જ’ થઈ હતી, જેમાં પોતાને નવ્યા, બે બોડીગાર્ડ્સ તેમજ શોફર સાથે અહીં લાવવામાં આવ્યો હતો. અને બીજી ભવ્ય કાર હઝરત કુરેશીની, કે જેમાં બેસીને કુરેશી પોતે અલખ-નિરંજન સાથે મળીને અર્પિતાને અહીં આબુના આ કોટેજમાં લઈ આવ્યા હતા.

અરમાન નીચે ઉતરીને કોટેજની બહાર નીકળ્યો. જાણે કે આબુની ઠંડી મોસમની નજાકત માણી રહ્યો હોય એમ લોન ઉપર આંટા મારવા લાગ્યો. પગ છૂટા કરતી વખતે એણે પોતાની બંને આંખોનેય થોડી છૂટી મૂકી દીધી. અને એ તાગ મેળવવામાં એને સફળતા પણ મળી ગઈ કે બોડીગાર્ડ જેક કોટેજની બહાર સ્થિર મુદ્રામાં કડક પહેરેદારી કરી રહ્યો હતો. લિમોઝીનનો ખાસ શોફર કોટેજની બાજુમાં આવેલી હોટેલમાં એને અપાયેલા રૂમમાં મોજૂદ હતો. નિરંજન પણ બીજા નંબરના બોડીગાર્ડ તરીકે મેકને બદલે ફરજ બજાવી રહ્યો હતો. નવ્યા તથા અર્પિતા, નવ્યાના બેડરૂમમાં થોડી થોડી વારે કિલકારીઓ કરવામાં મશગૂલ હતાં. મતલબ એ જ નીકળતો હતો કે પેલી ભવ્ય કારને હઝરત કુરેશી પોતે ડ્રાઇવ કરતા નીકળ્યા હશે અને એસ.યુ.વી.નું સુકાન અલખે સંભાળ્યું હોવું જોઈએ.

અરમાને ધીમા પરંતુ મક્કમ ડગલાં નવ્યાના બેડરૂમ તરફ માંડ્યાં. બેડરૂમની નજીક જઈને જોયું તો ડોર બંધ હતું. કી-હોલમાંથી અંદર તરફ તાકવાની લાલચ એ રોકી નહિ શક્યો. એના કાનમાં ધીમું સંગીત સંભળાયું. એની આંખોમાં ઉત્તેજિત ચમક ઊભરી આવી. જાણે કે જન્નતની કોઈ હૂર સિતારાઓમાં સજીધજીને કયામત વિખેરવાના એંધાણ આપી રહી હતી. એટલામાં એક મીઠો રણકાર જાણે કે બ્રહ્માંડમાં ગૂંજી ઊઠયો. અરમાને નજર ફેલાવી તો એ પાયલની રૂમઝૂમ હતી. અને પાયલ જેના ગોરા પગમાં શોભી રહી હતી એ એની અર્ધાંગના અર્પિતા હતી. એના મનમાં હલચલ મચી જવા પામી. આખું આકાશ એને ઝૂમતું હોવાનું મહેસૂસ થયું. નજર સમક્ષના અલૌકિક દ્રશ્યને તાદ્રશ કરતી હોય એમ એક જૂના પરંતુ કર્ણપ્રિય ગીતની કડીઓ અરમાનના કાને પડી –

‘તારોં મેં સજ કે, અપને સૂરજ સે, દેખો ધરતી ચલી મિલને...

ઝનકી પાયલ મચ ગઈ હલચલ, અંબર સારા લગા હિલને...’

ઓચિંતો જ બેડરૂમનો દરવાજો ખૂલ્યો ને અરમાનની મદહોશી તૂટી. સામે નવ્યા ઊભી હતી. પાછળ અર્પિતાનું છૂપાયેલું સૌંદર્ય! એકીટશે તાકી રહેલા અરમાનના હાથમાં અર્પિતાનો હાથ મૂકતાં નવ્યા એક હળવું સ્મિત વેરતાં બોલી, ‘આ તમારી જ અમાનત છે. સાચવો એને... હું મારી બેસ્ટ ફ્રેન્ડને સારી રીતે ઓળખું છું, સીતા જેવી પાક છે એ! તમારા મનના ગુમરાહ થયેલા ખ્યાલોને દફનાવી દો હવે!’

અરમાને અર્પિતાનો ચહેરો પોતાના હાથમાં સમાવી લીધો. જાણે કે મેઘ વરસાવતા વાદળાનું કાજળ બે આંખોમાં અંજાયું હતું. ચહેરા ઉપર સોનેરી ઝાંય છવાયેલી હતી. જેવી અર્પિતાએ એક આળસ મરડી કે ગીતના મધુરા શબ્દો લહેરાઈ ઊઠ્યા-

‘હૈ ઘટાઓ કા દો નૈન મેં કાજલ, ધૂપ કા મુખ પે ડાલે સુનહરા સા આંચલ...

યૂં લહેરાઈ, લી અંગડાઈ...’

અરમાને અર્પિતાને પોતાની બાહોમાં ઊઠાવી લીધી. એજ રીતે, જેમ ક્યારેક માઉન્ટ આબુના જ રમણીય સૌંદર્યમાં એમની મધુરજની વખતે...

અરમાન-અર્પિતા એક ઝગારા મારતી રોશનીના પુંજ તરફ આગળ વધી રહ્યાં!

***

ભરબપોરે દોઢ વાગ્યે પ્રસન્ન મુદ્રામાં રોકિંગચેરમાં ઝૂલતા અરમાનની ઘેરાયેલી આંખો ત્યારે અચાનક ઉઘડી ગઈ કે જ્યારે કારના ટાયરોની ચિચિયારી અચાનક એને કાને અથડાઈ. એણે ઊંઘરેટી આંખો ઉઘાડીને જોયું તો કારમાંથી ઉતરેલું, સફારી સૂટની અંદર શોભતું શરીર એ કુરેશીનું નહિ, બલકે અલખનું હતું. અરમાનની થાકેલી અને અર્ધબિડાયેલી આંખો ઓચિંતી જ પહોળી થવા માંડી. અલખની આંખો ઉપર પણ ગોલ્ડન ફ્રેમના કુરેશીના જ ચશ્માં ગોઠવાયેલા હતા. ઉપરાંત, એના હાથમાં કુરેશીની વોકિંગસ્ટિક ઝૂલતી હતી. જયારે હઝરત કુરેશી પોતે એક સામાન્ય પહેરવેશમાં હતા.

અરમાનની વધી રહેલી મૂંઝવણે એની કાચી ઊંઘ હવામાં ઓગાળી નાખી હતી. એ બંનેના ગેટઅપની અદલાબદલીનું રહસ્ય અરમાનના દિમાગમાં કોઈપણ પ્રકારના તાંતણા જોડે એ પહેલાં કુરેશી અને અલખ, બંને જણ કોટેજની અંદર ગૂમ થઈ ગયા.

પંદર-વીસ મિનિટ અસમંજસમાં વીતી ને ફરી એકવાર કોઈક કારનો હોર્ન વાગ્યો. અરમાને પાછળ ફરીને જોયું તો એની બિલકુલ સામે જ રાજસ્થાન પોલીસની જીપ ઊભી હતી.

જીપમાંથી ઉતરતા જ પોલીસ ઓફિસરે પોતાની પાસે રાખેલા અમુક ફોટોગ્રાફ્સ ઉથલાવવા માંડ્યા. એમણે ધારીધારીને એક ફોટાને જોયો પછી કુરેશીની ભવ્ય કારને જોઈ. વારાફરતી એ ફોટો તથા કાર પ્રત્યે નજર મારતા જાણે કે એમને કશાકનો પુરાવો મળી ગયો હોય એમ ફોટોગ્રાફ્સની થપ્પી બે વખત પોતાના જ બીજા હાથની હથેળી ઉપર હળવે રહીને ફટકારતા એક ભેદી સ્મિત આપ્યું.

કોટેજમાં પ્રવેશતા જ એમણે અરમાનને એક ફોટોગ્રાફ બતાવીને સવાલ પૂછ્યો, ‘ઓળખો છો આ વ્યક્તિને? અને તમે કોણ?’

અરમાનની થોથવાઈ ઊઠેલી જીભ કશો પણ જવાબ આપે એ પહેલાં સીડી ઉતરીને ડ્રોઈંગરૂમમાં પધારતા કુરેશી તરફ પોલીસ ઓફિસર કરડાકી નજરે જોઈ રહ્યા. ને ફરી એક વખત એમની પાસે રહેલા અન્ય ફોટોગ્રાફ સાથે કુરેશીના કદ-કાઠી, ચહેરો તથા પહેરવેશ સરખાવવા માંડ્યા. કુરેશી સફારીસૂટમાં સજ્જ થઈને આંખો ઉપર ગોલ્ડન ફ્રેમના ચશ્માં ચઢાવીને પોતાની વોકિંગસ્ટિક ઝૂલાવતાં ઝૂલાવતા નીચે તરફ જ આવી રહ્યા હતા. અરમાન ફરી એકવાર મૂંઝવણમાં મૂકાઈ ગયો. ફરી અસલી ગેટઅપ? ત્યાં જ એકદમ ઉત્સાહથી જાણે કે ઉછળી પડતા હોય એમ પોલીસ ઓફિસરે કુરેશીને જણાવ્યું, ‘યેસ્સ, સેઇમ... તમારા વિરુદ્ધ એફ.આઇ.આર. નોંધવામાં આવી છે, મિસ્ટર..!’

‘કુરેશી... હઝરત કુરેશી!’ કુરેશીએ પોતાનું નામ પોલીસ ઓફિસરને એક આગવી ખુમારીથી જણાવ્યું.

‘મિ. કુરેશી, ‘બઝુકા-બાર’માં ધમાલ તથા તોડફોડ કરીને નુકસાન પહોંચાડવાનો તમારી ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે. તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે, હમણાં જ...’ ઓફિસર સપાટ અવાજમાં આદેશાત્મક લયથી બોલી ગયા.

હઝરત કુરેશીએ પોતાની સિગારનો એક ઊંડો કશ લઈને તીવ્ર ધૂમાડો છોડ્યો. એ ધૂમાડાના ગોળ ચકરડાઓ જાણે કે અનેક રહસ્યોને પોતાનામાં સમાવી લેવા માટે આંધળુકિયા કરવા માંડ્યાં...

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ-૧૪ વાંચવાનું ચૂકશો નહિ.)