Hawas-It Cause Death - 25 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-25

હવસ :-IT CAUSE DEATH-ભાગ 25

સલીમ સુપારી,અનિતા પંચાલ,મેહુલ ગજેરા અને મંગાજી ની ધરપકડ પછી પણ અર્જુન પ્રભાતને કોને ઝેર આપ્યું છે એ સવાલનો જવાબ નથી શોધી શકતો..આખરે એને પ્રભાતનાં ગૂગલ એકાઉન્ટ પરથી મળેલાં ફોટો જાનકી સુધી દોરી જાય છે..જાનકી પોતાનાં પ્રભાત સાથેનાં સંબંધોની તો કબુલાત કરે છે પણ એની વિરુદ્ધ કોઈ એવી વાત નથી મળતી જે એને સંદિગ્ધ ની શ્રેણીમાં મુકે..અર્જુન બુખારીને એક વ્યક્તિની પર્સનલ માહિતી મેળવવાનું કહે છે.ત્યારબાદ અર્જુન જોડે પ્રભાતનાં ઘરેથી મળેલી વસ્તુઓને લઈને આવવાનો હુકમ કરે છે.

અર્જુનનાં કહ્યાં મુજબ નાયક પ્રભાત પંચાલની હત્યા વખતે એની લાશ જોડેથી મળેલી વસ્તુઓ લઈને હાજર થઈ જાય છે.

"લો સાહેબ આ બેગમાં એ બધી વસ્તુઓ છે જેની તપાસ આપણે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જોડે કરાવવી જરૂરી સમજી નથી અને એને આપણાં જોડે જ રાખી છે.."એક પોલીથીનની ઝીપર બેગ અર્જુનનાં ટેબલ પર રાખતાં નાયક બોલ્યો.

અર્જુને પહેલાં તો પોતાનાં હાથમાં ગ્લોવ્ઝ પહેરી લીધાં અને એ બેગની ઝીપ ખોલી એની અંદર રહેલી વસ્તુઓ પોતાનાં ટેબલ પર એક કાગળ રાખી એની ઉપર પાથરી દીધી.

એ બધી વસ્તુઓમાં એક બિયરની બોટલનો બુચ,એક બોલપેનનું ઢાંકણ,એક હેયરપિન,એક સિગરેટ નું ઠુંઠુ, હાથરૂમાલ મોજુદ હતાં.અર્જુને એક પછી એક વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવી અને નાયક તરફ જોઈને પુછ્યું.

"નાયક આ સિવાય અન્ય જે વસ્તુઓ મળી હતી એનો રિપોર્ટ શું હતું..?"

"એમાં બિયરની બોટલ અને ગ્લાસ પર ફિંગરપ્રિન્ટ મળી પણ એ પ્રભાતની જ હતી,જે માથાનાં વાળ મળ્યાં એ પણ પ્રભાતનાં DNA સાથે મેચ થતાં હતાં.બોટલ કે ગ્લાસમાં મોજુદ બિયરમાં કોઈપણ નવું તત્વ મળ્યું નથી..બાકી તો તૂટેલો ફોન હતો એ આપણાં કોઈ કામ ના આવ્યો.."નાયકે અર્જુનનાં સવાલનો જવાબ આપતાં જણાવ્યું.

અર્જુનને આ બધી વાતમાંથી અમુક વાત પહેલાં પણ નાયક કહી ચુક્યો હતો અને એને અમુક ફોરેન્સિક ટીમનાં રિપોર્ટમાં એ પોતે પણ વાંચી ચુક્યો હતો એટલે એને નાયકનાં જવાબનાં પ્રતિભાવમાં ફક્ત ને ફક્ત પોતાનું ડોકું ધુણાવ્યું.

અર્જુને સૌપ્રથમ તો દરેક વસ્તુને એકપછી એક પોતાનાં હાથમાં લઈને બારીકાઈથી જોઈ..અચાનક બિયરની બોટલનો પ્લાસ્ટિક બુચ અર્જુનનાં મનમાં કંઈક વિચારો પેદા કરી રહ્યું હતું.

"નાયક એક કામ કર..આ બિયર બોટલ નું ઢાંકણું પણ ફોરેન્સિક તપાસ માટે મોકલાવ.."નાયકને ઉદ્દેશીને અર્જુન બોલ્યો.

અર્જુને આવું કેમ કહ્યું એ નાયકને સમજ નહોતું આવી રહ્યું પણ અર્જુન જો આવું કરવા માટે કહેતો હોય તો એની જોડે નક્કી કોઈ ખાસ કારણ હોવું જોઈએ એની નાયકને ખાતરી હતી.

"સારું..બીજું કંઈ.બાકીની વસ્તુઓ અહીં રહેવા દઉં કે પછી પાછી લોકરમાં મુકી દઉં.?"અર્જુનની વાત સાંભળી નાયકે પ્રશ્ન કર્યો.

"ના ખાલી તું આ બિયર બોટલનું ઢાંકણું એક્ઝેમાઈન માટે મોકલાવ.. બાકીની વસ્તુઓ અહીં રહેવા દે."નાયકનાં સવાલનાં જવાબમાં અર્જુન બોલ્યો.

અર્જુનનાં કહ્યાં મુજબ બિયર બોટલનું એ ઢાંકણું પોતાનાં ખિસ્સામાં રહેલી એક પ્લાસ્ટિક ની ઝીપર બેગમાં સાવધાની પૂર્વક હાથરૂમાલ થી ઉઠાવીને મુકી નાયક ત્યાંથી નીકળી ગયો.

***********

નાયકનાં ગયાં બાદ અર્જુન પુનઃ પોતાની કેબિનમાં એકલો પડી ગયો..પણ આ વખતે અર્જુન જોડે સમય પસાર કરવા પ્રભાતનાં ઘરેથી લાવેલી વસ્તુઓ પડી હતી.જેમાંથી પોતે કોઈ કલુ શોધીને જ રહેશે એવું મનોમન નક્કી કરી ચુકેલો અર્જુન પોતાનું સંપૂર્ણ ધ્યાન અને મગજ લગાવી ટેબલ પર પડેલી દરેક વસ્તુઓને એક ચિત્તે જોઈ રહ્યો હતો.

અચાનક પ્રભાતની લાશ જોડેથી મળેલું બોલપેન નું ઢાંકણું અર્જુનને કોઈ વાત તરફ ઈશારો કરી રહ્યું હતું..આ ઢાંકણા વાળી બોલપેન અર્જુને ક્યાંક તો હમણાં હમણાં જ જોયેલી હતી એવું એને લાગી રહ્યું હતું.

મગજ ઉપર જોર આપતાં અર્જુનને યાદ આવી ગયું કે એની આવાં ઢાંકણ વાલી બોલપેન ક્યાં જોઈ હતી.અર્જુને પોતાનાં ડ્રોવરમાંથી પ્રભાતની હત્યાનાં શકમંદ લોકોનાં ફોટો પાછા કાઢ્યાં અને એને ધારીધારીને જોવાં લાગ્યો.એક પછી એક ફોટોને જોતાં અર્જુનની નજર એક ફોટો ઉપર આવીને અટકી ગઈ અને એ સાથે જ એનાં ચહેરા પર એક ભેદી મુસ્કાન ફરી વળી.

અર્જુનનાં હાથમાં રહેલ એ તસવીર બીજાં કોઈની નહીં પણ પ્રભાતનાં ખાસ દોસ્ત અને ઠક્કર ઇન્સ્ટ્રી નાં માલિક અનિકેત ઠક્કરની હતી.અર્જુન ધારે તો આ સબુત નાં આધારે અનિકેત નાં કોલર સુધી પહોંચી શકે એમ હતો પણ અનિકેત ઠક્કર રાધાનગર શહેરનો સૌથી મોટો શ્રીમંત હતો અને એની ખાલી પુછપરછ કરવી હોય તો પણ પોતાની જોડે હજુપણ વધુ મજબુત પુરાવાની જરૂર હતી એ અર્જુન સારી પેઠે જાણતો હતો.

પોતે બુખારીને અનિકેત ની બધી પર્સનલ લાઈફ સાથે સંલગ્ન માહિતી એકઠી કરવાનું પહેલાં જ કહી દીધું હોવાની અર્જુન એ બાબતે નિશ્ચિન્ત હતો કે પોતાને કઈ રીતે અનિકેત સાથે જોડાયેલી નાનામાં નાની માહિતી વિશે કઈ રીતે જાણકારી મળશે.બુખારી પોતાનું કામ સારી પેઠે કરી શકવાનો હતો એ બાબતે અર્જુનને લેશમાત્ર પણ સંદેહ નહોતો.હવે જ્યાં સુધી બુખારીનો કોલ ના આવે ત્યાં સુધી અર્જુનની જોડે એની રાહ જોવાં સિવાય છુટકારો પણ નહોતો.

અનિતા અને મેહુલની ધરપકડ પછી એમનાં સગાં-વહાલાં પણ પોલીસ સ્ટેશનની ઘણી વખત મુલાકાતે પણ આવી ચડતાં એટલે એ બધાં ને યોગ્ય જવાબ સાથે પાછાં મોકલવાની જવાબદારી પર અર્જુનને નિભાવવી પડતી.આજે પણ મેહુલ ગજેરાનાં ચાહકોનું એક ટોળું પોલીસ સ્ટેશન આવી ગયું હતું અને મેહુલને છોડી મુકવાની ઉગ્ર માંગ કરી રહ્યું હતું.એમને પણ અર્જુને કુનેહપૂર્વક સમજાવીને પાછાં મોકલવામાં ભારે જહેમત ઉઠાવવી પડી.

"અનિકેત ઠક્કર નાં કહ્યાં મુજબ એ એ રાતે પ્રભાતનાં ઘરે ગયો જ નહોતો તો પછી એ જેવી બોલપેન વાપરે છે એવી જ બોલપેનનું ઢાંકણ કઈ રીતે પ્રભાતની લાશ જોડેથી મળી આવ્યું..?..કેમકે આ જે બોલપેન નું ઢાંકણ છે એ પાર્કર ઇમ્યુનિટી પેન તો ભાગ્યેજ કોઈ વાપરતું હશે.."પોતાની જાત સાથે વાત કરતાં અર્જુન બબડી રહ્યો હતો.

ત્યારબાદ અર્જુને પોતાનાં ટેબલ પર પડેલ હાથ રૂમાલ અને સિગરેટ નું ઠુંઠું પણ ઉઠાવીને ચેક કરી જોયું..એ સિગરેટ ગુડ એન્ડ ગરમ કંપનીની હતી એ અર્જુનને પોતાની સિગરેટ પીવાની ટેવ હોવાંને લીધે અર્જુનને ખબર હતી.અર્જુન તાત્કાલિક કંઈ વિચાર આવતાં પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો અને સીધો જ અનિતા પંચાલને જે બેરેકમાં રાખવામાં આવી હતી ત્યાં જઈ પહોંચ્યો.

અર્જુનને પોતાની બેરેકમાં આવતો જોઈ અનિતા પંચાલને લાગ્યું કે નક્કી અર્જુન પોતાનાં પતિ પ્રભાત પંચાલને ઝેર આપનારાં વ્યક્તિ વિશે કંઈક ખબર લઈને આવ્યો હશે.

એક કોન્સ્ટેબલે અનિતા જે બેરેકમાં હતી એનું લોક ખોલ્યું એટલે અર્જુન બેરેકની અંદર પ્રવેશ્યો.

"હેલ્લો.. mrs. પંચાલ..કેમ છો..?"અર્જુન નો સવાલ પૂછવાનો અંદાજ એક પોલીસ ઓફિસર ને છાજે એવો હતો.

"જેલની બેરેકમાં કોઈ કેમ હોય..?"અર્જુનનાં પુછાયેલા સવાલની સામે સવાલ કરતાં અનિતા બોલી.

"એતો મહોતરમા જેવાં જેનાં કર્મ.."અર્જુન કટાક્ષમાં બોલ્યો.

અર્જુનનો જવાબ સાંભળી અનિતાને ખીજ ચડી પણ એ કંઈપણ કરી શકે એમ નહોતી એટલે ગુસ્સામાં બોલી.

"હા હવે તમે અહીં આવ્યાં છો તો કોઈ કારણ વગર તો નહીં આવ્યાં હોય..મહેરબાની કરી એ કારણ જણાવો.."

"હા તો એ જણાવશો કે મરહુમ પ્રભાત સિગરેટ પીતાં હતાં..?અર્જુને અનિતા બેરેકમાં જે ઓટલા પર બેસી હતી એની સામેની ખુરશીમાં બેસતાં બોલ્યો.

અર્જુનની વાત સાંભળી અનિતા ક્ષણભર તો થોડું વિચારતી રહી કેમકે અચાનક અર્જુને આવું કેમ પુછ્યું એનું થોડું આશ્ચર્ય થવું લાજમી જ હતું.

"મને ખબર છે ત્યાં સુધી પ્રભાત સિગરેટ પીતાં હતાં.. પણ ક્યારેક ક્યારેક.."વિચારતાં વિચારતાં અનિતા બોલી.

"ક્યાંક એ સિગરેટ નું નામ ગુડ એન્ડ ગરમ તો નહોતું..?"અર્જુને બીજો સવાલ કર્યો.

"નામ તો મને ખબર નથી પણ એ જ્યારે એ સિગરેટ પીતો ત્યારે એની સ્મેલ તજ કે લવિંગ જેવી આવતી.."અનિતા એ જવાબ આપ્યો.

"તજ અને લવિંગ ની સ્મેલ મતલબ ગુડ એન્ડ ગરમ જ હોવી જોઈએ..આ સિગરેટ પણ કંઈ કામ આવે એવું લાગતું નથી.."મનોમન અર્જુન બોલ્યો.

"બીજું કંઈ ઈન્સ્પેકટર સાહેબ પુછવું હોય તો પૂછી શકો છો..?"અનિતા એ કહ્યું.

"બીજું તો પ્રભાતની હત્યા થઈ એનાં છેલ્લાં અઠવાડિયામાં કોઈ એવું વ્યક્તિ તમારાં ઘરે આવ્યું હોય જે ક્યારેય આવતું ના હોય એવું બન્યું હતું..?"અર્જુનને અચાનક વિચાર સૂઝતા બોલ્યો.

અર્જુનનાં સવાલનાં જવાબમાં અનિતા એ પોતાને જે કંઈપણ લોકોનાં નામ યાદ આવ્યાં એ અર્જુનને જણાવી દીધું.

"બસ તમારી આટલી મદદ મળી એ ઘણું થઈ ગયું..બીજી કોઈ જરૂર પડશે તો તકલીફ આપવા પાછો આવીશ.."અનિતા જોડેથી જરૂરી માહિતી મળી ગયાં બાદ ખુરશીમાંથી ઉભાં થતાં અર્જુન બોલ્યો.

અર્જુનની વાત સાંભળી ના સાંભળી કરી અનિતા પાછી પોતે જ્યાં બેઠી હતી ત્યાં દીવાલને ટેકો રાખી આંખો બંધ કરી પોતાનાં નસીબ ને કોસતી સુઈ ગઈ.

બહાર નીકળી અર્જુને કોન્સ્ટેબલ ને એ બેરેક લોક કરવાનું કહી દીધું..અને સાથે-સાથે એ હિદાયત પણ આપી કે જ્યાં સુધી અનિતા પંચાલ અહીં છે ત્યાં સુધી એમનાં ખાવા પીવામાં ધ્યાન રાખવામાં આવે..કેમકે ભલે એ અપરાધી હતી પણ એનાં ગર્ભમાં એક બાળક હતું જેને આ દુનિયાનાં સારાં-નરસા ની કોઈ સૂઝ નહોતી..એટલે એને કોઈ નુકશાન થાય એવું અર્જુન નહોતો ઈચ્છતો.

અર્જુન જઈને પાછો પોતાની કેબિનમાં બેઠો..હવે સમય પસાર કરવા કંઈક તો કરવું જરૂરી હતું.. એટલે એને પોતાનાં મોબાઈલમાં ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ ebook એપ્લિકેશન માતૃભારતી ખોલી અને જતીન પટેલ ની સસ્પેન્સ થી ભરેલી નોવેલ ચેક એન્ડ મેટ ખોલીને વાંચવા લાગ્યો.આમ નવરાશમાં ebook વાંચવી એ માતૃભારતી નાં લાખો વાંચકોની જેમ અર્જુનનો પણ સૌથી વધુ પસંદગીનો ટાઈમપાસ હતો અને એમાં પણ શિવાય નામે પ્રખ્યાત જતીન પટેલ તો અર્જુનનાં ફેવરિટ ઓથર હતાં.

સાંજે નાયક બિયરની કેપ ફોરેન્સિક ટીમ ને આપીને પાછો આવી ગયો..નાયકનાં આવતાં જ અર્જુન પોતાનાં બુલેટ પર બેસી ઘર તરફ નીકળી પડ્યો..હવે આવતી કાલનો સૂરજ એક નવી સવાર લઈને આવવાનો હતો અને ત્યાં સુધી એની રાહ જોયાં સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ અર્જુનની જોડે નહોતો.

હવે બુખારી શું માહિતી આપે છે એની ઉપર તથા બિયર બોટલ ની કેપ નાં ફોરેન્સિક એક્ઝામીનેશન પર આખી તપાસ કાયમ હતી..અનિકેત સુધી પહોંચવું હોય તો એની વિરુદ્ધ કોઈ એવું પ્રુફ જોઈતું હતું જે એક તીર ની માફક સટીક નિશાને જ લાગે...!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

બુખારી અર્જુનને ઉપયોગમાં આવે એવી કોઈ નક્કર માહિતી આપી શકશે કે કેમ..??અર્જુને બિયરનું ઢાંકણ ફોરેન્સિક એક્ઝેમાઈન માટે કેમ મોકલાવ્યું હતું..??શું અનિકેતે જ પ્રભાતની હત્યા કરી હતી અને હા તો એનું કારણ શું હતું..??જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)