Pyar to hona hi tha .. books and stories free download online pdf in Gujarati

પ્યાર તો હોના હી થા...

 વડોદરા શહેરની એમ.એસ.યુનીવર્સીટી જે વિશ્વભરમાં પ્રખ્યાત છે.ખુબ મોટું કેમ્પસ.ત્યાં જાવ એટલે તમને અલગ જ વાતાવરણનો અહેસાસ થાય.જ્યા જુઓ ત્યાં છોકરા છોકરીઓના ગ્રુપ જ દેખાય. કેટલીક જગ્યાએ તો પ્રેમીપંખીડા હાથમાં હાથ પરોવીને બેઠા હોય. એમાં જ પ્રથમ વર્ષ બી.કોમ. ના વિદ્યાર્થીઓનું એક ગ્રુપ.ગ્રુપમાં આઠ મિત્રો જેમાં ચાર છોકરા અને ચાર છોકરીઓ. બધા જ્યાં જાય ત્યાં સાથે જ જાય પછી એ કોલેજની કેન્ટીન હોય કે કોઈ બાગ.પિક્ચર જોવામાં પણ બધા સાથે જ હોય. એમાં જ એક શિવાંગ નામનો છોકરો અને શર્વરી નામની છોકરી બંનેને ક્યારેય બને જ નહિ.          
                                         શર્વરી...નાક નકશે તો સારી પણ રંગે ઘઉંવર્ણી , શરીરે જાડી અને કદમાં નીચી પણ સ્વભાવે ખુબ સરસ , સમજુ અને સાચું બોલવાવાળી સૌને ગમી જાય એવી જયારે શિવાંગ... એનાથી એકદમ ભિન્ન.દેખાવે ખુબ સરસ , ઊંચો પ્રમાણસર શરીર પણ સ્વભાવે એકદમ ઘમંડી અને ગુસ્સાવાળો. શર્વરીના જાડાપણાને કારણે એને શર્વરી ક્યારેય ગમતી નહિ અને શિવાંગના રૂક્ષ સ્વભાવના લીધે શર્વરીને પણ એ બિલકુલ ગમતો નહિ. બંનેને વાતે વાતે વાંકુ પડતું અને પછી તો ધમાસાણ યુદ્ધ ચાલતું. બંનેના આ ઝઘડાથી ગ્રુપમાં સૌ કોઈ કંટાળી ગયા હતા અને એક દિવસ બધાએ ભેગા મળી બંને વચ્ચે ફ્રેન્ડશીપ કરાવી કાયમના ઝઘડાનો અંત લાવી દીધો.ધીરે ધીરે બંને પણ બધાની જેમ સારા મિત્રો બની ગયા.જોતજોતામાં બી.કોમ. પૂરું થયું અને બધા અલગ અલગ જગ્યાએ લાગી ગયા.કોઈએ આગળ ભણવાનું ચાલુ રાખ્યું તો કોઈએ નોકરી ચાલુ કરી દીધી. શિવાંગે આગળ એલ.એલ.બી.નો અભ્યાસ કરી વકીલની પ્રેક્ટિસમાં લાગી ગયો તો શર્વરીએ એમ.કોમ. , બી.એડ. કરી શિક્ષકના વ્યવસાયમાં જોડાઈ ગઈ.બધા અલગ અલગ જગ્યાએ હોવાથી પહેલા જેવો સમય મળતો નહિ પણ જેવી રજા આવતી કે બધા ભેગા થતા અને કોલેજના દિવસોની જેમ જ મસ્તી કરતા.એમાંથી કેટલાકે લગ્ન કરી લીધા. શર્વરીના ઘરમાં પણ માંગા આવવાના ચાલુ થઇ ગયા હતા પણ મેડ પડતો નહતો. 

                                              શર્વરી અને શિવાંગ બંને એકબીજાને મનોમન ચાહતા હતા પણ એ લાગણીને એ ફ્રેન્ડશીપ જ સમજતા હતા. એમના ગ્રુપમાં સૌ કોઈ એમના આ વણમાન્યા પ્રેમને સમજી ગયા હતા. આથી સૌએ નક્કી કરી લીધું હતું કે કૈંક તો કરવું જ પડશે જેથી કરીને હૃદયના ઊંડાણમાં પાંગરતો પ્રેમ બહાર આવે. એવામાં એકવાર એક દિવસ બધા ભેગા થવાના હતા અને બન્યું એવું કે શર્વરી ગ્રુપની જ એક મિત્ર સાથે એક્ટિવા  પર નક્કી કરેલા સ્થળે જઈ રહી હતી અને ગાડી સહેજ સ્લીપ ખાઈ જતા શર્વરીને થોડીક ઇજા થઇ. તેની મિત્ર તેને હોસ્પિટલ ડ્રેસિંગ માટે લઇ ગઈ અને સાથે જ ગ્રુપમાં એક મિત્રને ફોન કરીને જણાવ્યું.

                           આ મિત્રે તો હાથમાં આવેલો આવો સરસ અવસર જોઈને જાતે જ વાર્તા ઘડી નાંખી કે રોડ અકસ્માત થયો અને શર્વરીને ખુબ ઇજા થઇ છે અને શાંતાબેન હોસ્પિટલમાં એડમિટ કરી છે એવો ફોન હતો. પછી તો જોવુ જ શું...?? હૃદયમાં ઊંડે જન્મ લઇ ચુકેલી લાગણીનો ઉભરો આવ્યો અને શિવાંગ કંઈ જ વિચાર્યા વગર તરત જ બાઈક સ્ટાર્ટ કરીને શાંતાબેન હોસ્પિટલ જવા રવાના થઇ ગયો.આ બાજુ ગ્રુપમાં બધાને આખી વાતની જાણ થઇ અને સૌ કોઈ પણ હોસ્પિટલ જવા રવાના થઇ ગયા.અનેક ડરામણા વિચારો સાથે શિવાંગ હોસ્પિટલ પહોંચ્યો. બાઈક પાર્કિંગમાં મૂકી હાંફળો ફાંફળો અંદર ભાગ્યો.જેવો અંદર ગયો કે સામે જ એક ખુરશીમાં શર્વરીને પાટો બાંધેલી હાલતમાં જોઈ આંખમાં આંસુ સાથે સીધો જ એને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો શર્વરી તને સારું છે ને...??? તને કાંઈ નહિ થાય...તું મારી છે...હું તને કાંઈ નહિ થવા દઉં... શર્વરીને તો કઈ સમજાયું જ નહિ કે આ બધું શું છે...??

                                  બધા મિત્રો અને હોસ્પિટલમાં ઉભા તમામ આ બધું જોઈ રહ્યા હતા.બધા મિત્રો એક સાથે ગાવા લાગ્યા" પ્યાર તો હોના હી થા... "અને શર્વરી શરમાઈ ગઈ.બધાએ એકસાથે કહ્યું કે આ નવો સંબંધ મુબારક. શિવાંગે શાહરૂખખાન ની જેમ સ્ટાઇલ મારીને હાથ ખુલ્લા કર્યાઅને શર્વરી એને ભેટી પડી.બધાએ તાળીઓથી એમને વધાવી લીધા.શિવાંગે બાઈક સ્ટાર્ટ કરી શર્વરી પાછળ બેસી ગઈ અને બંનેના નવા સંબંધની સફર ચાલુ થઇ ગઈ... 

            *-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

                                                                       -Pallavi Gohil(Pal Rakesh)