Footpath books and stories free download online pdf in Gujarati

ફૂટપાથ

રામુ અને સવલી કડકડતી ટાઢમાં એક બીજા સાથે વીંટાળવાની કોશિશ કરી રહ્યા હતાં. ફાટેલી સો થીગડા વાળી ચાદર માથા તરફ ખેંચો તો પગ ઉઘાડા કરતી હતી, અને પગ તરફ ખેંચો તો માથું ઉઘાડું કરતી હતી!!સવલી સાત વરસની અને રામુ નવ વરસનો!! દાદર ના ફૂટપાથ પર મુંબઈ સમાચારનું છાપું બિછાવી એના પર સૂઈ રહેલા હતાં. સવલી ફાટેલું,મેલું ફ્રોક અને રામુ અડધી ફાટેલી ચડ્ડી માં થરથરી રહ્યાં હતાં. બાજુમાં એક કૂતરો જીભ બહાર કાઢી લાળ પાડી રહ્યો હતો.બન્ને ને એટલી ખબર હતી કે બન્ને ભાઈ બહેન છે!!ક્યાંથી ખબર પડી એ એમને પણ ખબર નથી!! પણ રામુ સવલીનું ખૂબ ધ્યાન રાખે!! રામુ સવલીને પોતાની જવાબદારી સમજતો!! કચરા માંથી કાંઈ પણ ખાવા મળે એ સવલીને પહેલો આપતો!! અને ભીખ માગતા જો સારા પૈસા મળી જાય તો ફેન્ટા જેવું ડ્રિન્ક પણ !! એને રસ્તામાં થી મળેલાં કાસકાથી વાળ પણ ઓળી આપતો!! હમેશા એનો હાથ પકડેલો રાખતો કે મુંબઈની ભીડમાં ક્યાંક મારી બહેન ખોવાઈ ના જાય!! એની એક ની એક બહેન!! બીજું કોઈ સગુ વહાલું તો હતું નહી!! આખી આ મોટી દુનિયામાં બસ એક જ તો વ્યકિત હતી જે એના પર હેત રાખતી હતી!!બન્ને ભાઈ બહેન આ દુનિયામાં ભૂલાં પડેલા બે ફરિશ્તા જેવા હતાં!!

રામુ પોતાના તરફની ચાદર સવલીને ઓઢાડતો હતો!! એટલામાં એક મોટી કાર આવી!! ભાઈ બહેનનાં ઉપર હેડ લાઈટ માર જતી રહી.એક દારૂડિયો " મૈં નશેમે હું " નું ગીત ગાતો ગાતો લથડતો ભાઈ બહેન પર પડ્યો!! નવ વરસનો રામુ ઊભો થયો અને પરાણે એ ભારે માણસને સવલી પરથી ખસેડી આઘો કર્યો!! સવલી ઝીણી ચીસ પાડી પાછી સૂઈ ગઈ જાણે કે આ રોજની ઘટના હોય!!રામુ પણ હિન્દી માં ગાળ દેતા દેતા ફરી ફાટેલી ચાદર માં આવી ગયો!!

કડકડતી ટાઢમાં તારા ગણવા જેટલું મોઢું પણ બહાર રાખવાની હિંમત રામુમાં ના હતી!!ક્યારેક એ મંદિર જોઈને વિચારતો!! આ મંદિરમાં ભગવાન છે એ તો પથ્થરનો છે!! એને ઘરની શી જરૂર એને થોડી ટાઢ વાય છે કે તડકો લાગે છે કે વરસાદ માં એ પલળે છે!!ે તો પથ્થર છે તો અમારા જેવા બેઘર લોકો માટે એ ઘર છોડી ના શકે!! ક્યારેક મંદિરની બહાર ઊભો ઊભો ભગવાનને તાક્યા કરતો!! કેટલાં ઘરેણા પહેરેલા છે જ્યારે અહીં તો એક વસ્ત્ર પણ શરીર પર ઢંગનું નથી!! જો ભગવાન દયાળુ હોય તો ભગવાન અમારી હાલત શી રીતે જોઈ શકે!! પોતે ઘરેણા પહેરે અને અમે નગ્ન!!ક્યારેક ખાવા મળે ક્યારેક ભૂખ્યા સૂઈએ ઓધવજી!!! રામુને પોતાના ઓધવજી માટે ઘણાં સવાલો હતાં!! મા બાપનું મોઢું જોયું નહીં!! કદી મારૂં ઘર હશે એવી આશા નથી!!કદી બેંક બેલેન્સ થવાનું નથી!! કદી મારૂં કહી શકાય એવું કોઈ સગુ મળવાનું નથી!! સિવાય સવલી!! એણે જોરથી સવલી ને બાથ ભરી!! સવલી પણ ભાઈની બાથમાં શાંતિ અનુભવતી!! તારા ગણ્યાં વગર રામુની આંખ મળી ગઈ!!

ધડામ.. અવાજ આવ્યો!! રામુ સફાળો બેઠો થઈ ગયો!! સવલી સવલી!! સવલી બાજું માં ના હતી!! રામુ એ આસપાસ નજર દોડાવી..સામે સવલી જેવું કોઈ રસ્તા પર પડેલું દેખાયું!! એ ભાગતો ભાગતો ત્યાં ગયો!! સવલીનું ફ્રોક ઓળખી ગયો બાકી સવલી આખી લોહીમાં તરબતર હતી!! સવલી!!! સવલી! એના ગળામાં ચીસ અટકી ગઈ!! શું કરું? નાનું બાળક ગભરાઈ ગયું!! નવ વરસના એ બાળને ક્યાં ખબર હતી કે આ બહેરાઓની દુનિયા છે!! અહીં એની ચીસ સાંભળવાવાળું કોઈ ન હતું!! એ આમ તેમ દોડતો રહ્યો બધાંને હાથ જોડી વિનંતી કરતો રહ્યો સાહેબ મારી બહેનને દવાખાને લઈ જાઓ સાહેબ મારી બહેન મરી રહી છે!! સાહેબ મહેરબાની કરો!! પણ કોઈ એની મદદે આવ્યું નહી!!

એ નાની બહેનને માંડ માંડ ઊંચકીને ચાલવા લાગ્યો!! સવલીના પગ જમીન સાથે ઘસડાતા હતાં એટલો નાનો હતો રામુ!!થોડે દૂર એક દવાખાનું હતું! ત્યા પહોંચી ગયો!! દવાખાનુ બંધ હતું!! એ ત્યાં જ ઓટલા પર ફસકાઈ ગયો!! હવે તો સવાર પડવાની રાહ જ જોવાની હતી!! રામુ માટે આ લાંબા માં લાંબી રાત હતી!! સવલીના માથામાંથી લોહી ની નદી વહી રહી હતી!! રામુએ પોતાનું ફાટેલું શર્ટ કાઢી સવલીના માથાં પર દબાવી દીધું!! કાતિલ ઠંડી માં રામુ ધ્રુજતો રહ્યો. સવલી લગભગ અચેત અવસ્થામાં રામુના ખૉળામાં પડી હતી! સવાર થવામાં ઝાઝી વાર ના હતી!! પણ એક એક પળ જાણે એક એક સદી જેમ વીતી રહી હતી!

રામુ વિચારતો રહ્યો કોણ મારી બહેનને કાર મારી જતું રહ્યું હશે!! કદાચ એમને ફૂટપાથ પર રહેતા લોકોની જિંદગીની કિમત નહીં હોય પણ મારે મન સવલી શું છે એ હું જ જાણું છું મારી એક ની એક બહેન !! આ દુનિયામાં એનાં સિવાય કોઈ મારું નથી!!કદાચ એ ગાડીમાં જે વ્યકિત હશે તેને તો કેટલા સગા વહાલા હશે!! મારે તો...!! રામુએ લોહી વાળા શર્ટથી આંસું લૂછ્યાં!! ધીરે ધીરે સવાર પડવા લાગી!! આકાશમાં અજવાસ ફેલાયો!! પણ રામુના જીવનમાં અંધકાર થવાનો હતો!! દસ વાગવા આવ્યાં અને પટાવાળાએ આવીને દવાખાનુ ખોલ્યું!! રામુ પટાવાળાની સામે દયામણી નજરે જોઈ રહ્યો!! "સાહેબ,કાલે રાતે કોઈએ મારી બહેનને કારથી મારી દીધી!!" સાહેબ દાકતર સાહેબને ક્યો ને કે મારી બેનને તપાસે!! મારી પાસે પૈસા નથી પણ હું એક એક પાઈ આપી દઈશ!!સાહેબ મહેરબાની કરો!!" પટાવાળો દયાળુ હતો!! લેડી ડોકટર પાસે જઈ પટાવાળાએ વિનંતી કરી કે રામુની મદદ કરે!!

ડોકટરે સવલીને અંદર લાવવા કહ્યું!! રામુ આંસું લૂછતો લૂછતો સવલીને ઉંચકીને અંદર લઈ આવ્યો!! સવલીને ડોકટરે તપાસી સવલીના પ્રાણ પંખેરુ કલાકો પહેલા ઊડી ગયેલા!! રામુ આખી રાત એક લાશ ને ખોળામાં લઈ બેસી રહ્યો! એ બીચારાને તો એમ કે સવારે ડોકટર આવશે અને બધું બરાબર થઈ જશે!! એને ક્યાં ખબર હતી કે સવારે એની દુનિયા લૂંટાઈ જવાની હતી!! રામુ સ્તબ્ધ થઈ સવલીની લાશ ને તાકી રહ્યો!! એક ની એક સગી હતી સવલી!! અને એકની એક સગી નું પહેલું મૃત્યુ!! નવ વર્ષમાં પહેલી લાશ અને એ પણ સવલીની!!રામુ સવલી ની અર્ધ નગ્ન લાશને લઈને રસ્તા પર આવ્યો!! સ્મશાન તરફ ચાલવા લાગ્યો!! ગરીબની અર્થી માં કોઈ શામિલ થતું નથી!! એની પાસે સવલીને બાળવા માટે પૈસા પણ ન હતાં!! સવલીને ઢસડતો ઢસડતો એ સ્માશાન લઈ ગયો!! ત્યાં પુજારી પાસે કુહાડી માગી એક નાની કબર બનાવી!! આખો દિવસ નીકળી ગયો!! સવલીને દફન કરવામાં!!

થાકેલો રામુ પોતાની જગ્યા પર સુવા માટે આવ્યો!! હવે સવલી નથી આખી ચાદર એની હતી!! હવે સવલી નથી કચરા માથી મળેલો રોટલો પણ એનાં એકલાનો હતો!! હવે સવલી નથી કોઈ એની વસ્તુમાં ભાગ પડાવવા વાળુ નથી!! પણ તો ય રામુએ થોડી ચાદરમાં જગ્યા રાખી!! અડધો રોટલો મૂકી રાખ્યો!! અને રાત પડી એટલે સવલીની રાહ જોવા લાગ્યો!!

દરેક આવતી લાંબી લાંબી ગાડી સામે પથ્થર ફેંકી ગાળો ભાંડતો રહ્યો!! કોઈ એની ફરિયાદ સાંભળવા વાળું ન હતું!! કોઈ એનાં આંસું ને સમજવાવાળું ના હતુ!! શું ફૂટપાથ પર રહેવા વાળાની જિંદગીની કોઈ કિમત નથી!! કોઈ કૂતરાને મારી નીકળી જાઓ અને એ કૂતરું રડતું રડતું જાન દઈ દે!! બસ શું ઈન્સાનની પણ કિમંત કૂતરા કરતાં પણ ઓછી છે!? એ ગાડી વાળાને એકવાર એમ પણ ના થયું કે ચાલ ઉતરીને જોઉં તો ખરો કે એ બાળક જીવે છે કે મરી ગયું!! રામુ કોર્ટમાં નથી જવાનો!! કારણકે એની પાસે કેસ લડવાના પૈસા નથી!! પણ શું મોટી અદાલત માં આ કેસ નહીં ચાલે? શું ઇશ્વરની અદાલતમાં રામુને ન્યાય મળશે?

સપના વિજાપુરા