Blind Game - 15 Kashta-Kaal books and stories free download online pdf in Gujarati

બ્લાઇન્ડ ગેમ - ૧૫ કષ્ટકાળ

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

(પ્રકરણ-૧૫ : કષ્ટકાળ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૧૪માં આપણે જોયું કે...

કુરેશીની એસ.યુ.વી. આબુરોડ તરફના ઢોળાવો ઉતરવા માંડી. જયારે અલખની કાર ‘બઝુકા-બાર’ તરફ તોફાની ગતિ કરે છે. કુરેશી પોતાના દિવસનો થોડો હિસ્સો એમના પોતાના નામે જીવવાની અલખને સાંકેતિક પરવાનગી આપે છે. લિકવર-બારમાં અલખ બાખડી પડીને તોડફોડ કરે છે, અને રફૂચક્કર થઈ જાય છે. બીજી તરફ, બુરખામાં છુપાવી રાખેલું માનવરક્તથી લથપથ એવું એક કાચનું ખંજર ગાડીમાંથી બહાર ફંગોળાઈ છે, અને આબુના મજબૂત ખડકો સાથે અફળાઈને એના ચૂરેચૂરા થઈ જાય છે...

હવે આગળ...)
કુરેશીની વિદાય થતાં જ અરમાને સોફા ઉપર પડતું મૂક્યું. બંને પગ લાંબા કરીને ફેલાવી દીધાં. એક અનેરી ચમક લઈને આંખો મીંચી દીધી. પછી એક ઊંડો શ્વાસ લીધો. અને ‘હા...શ...’ના એક લાંબા ઉદ્ગાર સાથે જાણે કે રાહતનો દમ લીધો.

‘એટલા પણ ખુશ થવાની જરૂર નથી!’ નવ્યા અરમાન ભણી તાકતા બોલી, ‘બસ, થોડો સમય જલસા કરી લો, પછી કામ કરવાનું જ છે.’

‘પણ, જહાંપનાહને તો બંદી બનાવી લેવામાં આવ્યા છે, અનારકલી!’ અરમાને વ્યંગથી ભરપૂર સ્મિત રેલાવ્યું.

‘બહુ લાંબો સમય એમને કોઈ હિરાસતમાં નહિ રોકી શકે. સમજ્યા, મિ. રાઇટર?’

અરમાન બંધ આંખોએ અને ખુલ્લા દિમાગે વિચારી રહ્યો – ધારે તો એ પોતે અર્પિતાને લઈને અહીંથી રફૂચક્કર થઈ શકે એમ છે. પરંતુ, નહિ... થોડા દિવસ પછી ફરી પાછી એ જ દોડાદોડી... એ જ કિડનેપિંગ... એ જ ધાકધમકી... અને એ જ ષડ્યંત્ર! આ વખતે એણે નક્કી જ કર્યું હતું કે હવે આ ‘બ્લાઇન્ડ ગેમ’નો ઉકેલ લાવીને જ જંપશે. ચાહે આ પાર યા પેલે પાર... પણ ટેન્શનભરી જિંદગી એને મંજૂર નહોતી. જોકે અંદરથી તો એને એવી આહ્લાદક અનુભૂતિ થઈ રહી હતી કે એના અને અર્પિતાના લગ્નજીવનમાં પડેલું આંશિક ભંગાણ નવ્યાની સૂઝબૂઝને કારણે ખાસ્સું એવું સુધરી ચૂક્યું હતું, ભલે આડકતરી રીતે... પોતાના દિમાગમાં ઉદ્ભવેલા પ્રદૂષણનો પણ લગભગ વિનાશ થઈ ચૂક્યો હતો.

આવી જ ગડમથલ અને વિચિત્ર પ્રકારની લાગણીઓ ત્યાં હાજર લગભગ દરેક પાત્રોમાં પ્રવર્તી રહી હતી. એમ ને એમ જ આખો દિવસ પસાર થઈ ગયો અને ઢળી પણ ગયો. બીજા દિવસની સવારે- ‘અલખ-નિરંજન...’ નવ્યાએ ચિંતિત સ્વરે આદેશ છોડ્યો, ‘બોસના શા હાલચાલ છે, તપાસ કરો, જાઓ... ક્વિક!’ કુરેશીનું આગમન હજીયે થયું નહોતું. નવ્યાએ તાબડતોબ અલખ-નિરંજનને પોલીસ-સ્ટેશને દોડાવ્યા.

એક કલાક પછી...

‘મે’મ, બોસ તો...’ અલખ પોલીસ-સ્ટેશનેથી પાછો ફર્યો હતો. એ હાંફતા સ્વરે બોલી રહ્યો હતો.

‘વ્હોટ હેપન્ડ?’ નવ્યા અકળાયેલા સ્વરે બોલી.

‘ગઈકાલે સાંજે જ...’ નિરંજને વાત આગળ વધારી, ‘બઝુકા-બારમાં તોડફોડ કરવા બદલ બારના માલિક તથા મેનેજરને માફીનામું લખી આપીને તેમજ દંડની રકમ ભરપાઈ કરી દઈને, બોસ તો...’

‘બોસ તો..? આગળ તો બોલ, સ્ટુપીડ...’ નવ્યા ચીડ ખાતી તાડૂકી ઊઠી.

‘એમને તો કાલે સાંજે જ પોલીસ-સ્ટેશનમાંથી રિહાઈ મળી ગઈ હતી.’ અલખે વાતની ચોખવટ કરી.

નવ્યાએ પોતાનો ડાબો હાથ કમરે ટેકવ્યો અને માથું એક તરફ સહેજ નમાવ્યું. જમણા હાથની મધ્યમા તથા અનામિકાને પોતાના કપાળે પસવારવા લાગી. થોડી ક્ષણો ખામોશીમાં ઝોલાં ખાતી રહી. કપાળની કરચલીઓ અને ચહેરાની સફેદીને થોડી વારમાં કળ વળતા જ એ બોલી, ‘નિરંજન, ગાડી કાઢ, હરી અપ...’

પછી અરમાન તરફ ત્રાટક કરતા બોલી, ‘યુ હેવ ટુ કમ વિથ મી, રાઇટ નાવ...’

‘કમ વિથ યુ? વ્હેર?’ અરમાન પોતાના ખભા ઉલાળીને બોલ્યો.

‘જ્યાં બોસ ગયા છે!’

‘ક્યાં? આઇ મીન, હુ કેર્સ..? હું કોઈ પેલી બોધકથાનો સંત નથી કે પાણીમાં ડૂબતા ઝેરીલા વીંછીને પાંદડું નાખીને બચાવવા દોડું, કે જેથી એ વીંછી પછી મને જ ડંખ મારે!’

નવ્યાએ એક ત્રાંસી નજર અરમાન તરફ ફેંકી અને એની જર્મન-મેઇડ લાડલીને સ્ફૂર્તિથી પોતાની ઉઘાડી કમરમાંથી ખેંચી કાઢી. અને બીજી જ પળે એમાંથી અરમાનને ડાબે-જમણે એમ બે બુલેટ છોડી દીધી. સાયલેંસરયુક્ત રિવોલ્વર ‘ધાંય... ધાંય...’ને બદલે માત્ર હળવો ‘પીટ.... પીટ...’નો અવાજ કરતી ખામોશ થઈ ગઈ.

અરમાન અચાનક ડઘાઈ ગયો. અર્પિતા એની નજીક દોડી આવીને એને વળગી પડી. ‘પ્લીઝ, નવ્યા... નો, નો... અમે આવીએ છીએ તારી સાથે!’ અર્પિતાએ નવ્યાને કાકલૂદી કરી.

‘ગુડ, સ્વિટહાર્ટ!’ નવ્યાએ પોતાના લિપસ્ટિક રંગેલા ભરાવદાર હોઠ ગોળ કરીને ‘પાઉટ’નો પોઝ આપી અર્પિતા ભણી એક ‘ફ્લાઇંગ કિસ’ છોડી, અને અરમાન તરફ પોતાની બદામ આકારની મારકણી આંખ મીચકારી.

‘બાય ધ વે, મિ. રાઇટર...’ નવ્યાને જાણે કે અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ ખાસ નોંધ મૂકતાં કહ્યું, ‘...કુરેશીસાહેબનું જીવનચરિત્ર ચિતરવામાં તમને હવે પછીનું ચેપ્ટર પૂરતો મસાલો પૂરો પાડશે, ખાતરી રાખજો!’ અને પોતાના ચહેરા ઉપર છવાયેલી ગ્લાનિ છૂપાવવાની એક કોશિશ કરી જોઈ.

અરમાને અર્પિતાને ઈશારાથી કંઈક સૂચવ્યું, અને બીજી જ મિનિટે એ પણ ગાડીમાં ગોઠવાઈ ગઈ.

નવ્યાએ અલખ-નિરંજનને ફટાફટ વિવિધ આદેશો આપ્યા – ‘અહીં વ્યવસ્થા સંભાળી લેજો... અને બીજી ગાડીમાં પાછા વળવાની તૈયારી કરી લો.’

અરમાન-અર્પિતાને સાથે લઈને એણે ગાડી પૂરપાટ ઝડપે હંકારી મૂકી. અરમાને આ જોખમી જંજાળમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે હવે આ આખા ષડ્યંત્રના તળિયા સુધી પહોંચવું આવશ્યક હતું. હકીકતનો તાગ લગાવ્યે જ હવે એનો છૂટકો હતો. એ ‘વન-વે’માં ઘૂસી ચૂક્યો હતો, ભલે પરાણે... પરંતુ હવે આગળ વધવા સિવાય અને મુકામ હાંસલ કર્યા સિવાય એની સમક્ષ કોઈ ઓપ્શન પણ ખૂલ્લા નહોતા રહ્યા.. એને ઊંડેઊંડે એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે કે હવે જલ્દી જ દરેક રહસ્યોનો પર્દાફાશ થઈ જવાનો હોય!

કાર માઉન્ટ આબુના ઢોળાવવાળા વાંકાચૂંકા રસ્તાઓ ઉતરવા માંડી. અરમાન, અર્પિતા તથા નવ્યા – ત્રણેય જણ માઉન્ટ આબુના એ રમણીય પહાડો ઉપરથી વહીને આવતી શીતળ પવનની આહ્લાદક લહેરખીઓને અલવિદા કરી રહ્યાં. કાર તેજ રફતારથી આગળ વધતી રહી અને આબુનું ઐશ્વર્ય દૂર-દૂર પાછળ છૂટતું રહ્યું!

***

દિવસ સંપૂર્ણપણે ઢળી ચૂક્યો હતો. જ્યાં હઝરત કુરેશીના હોવાની નવ્યાએ ઠોસ ધારણા કરી હતી એ મુકામ ઉપર પહોંચતા સુધીમાં અંધારી રાત એક મેઘ-ગર્જના ભરેલી મધરાત તરફ સરકી રહી હતી. લગભગ બાર કલાક સુધી ગાડીની ડ્રાઇવિંગ-સીટ વારાફરતી અલગ-અલગ દેહાકૃતિઓને પોતાની આગોશમાં આવકારતી રહી. પોતાના પડાવની તદ્દન નજીક પહોંચી જઈને નવ્યાની થાકેલી આંખો એક આશાનું કિરણ લઈને આળસ મરડી ઊઠી. પણ એનો ચહેરો ધીમેધીમે ઉદાસીનતાની ગર્તામાં જાણે કે ડૂબકી લગાવી રહ્યો હતો. એણે આસપાસના વિસ્તારમાં પોતાની વિહ્વળ નજર ફેરવવા માંડી. અરમાન અને અર્પિતાએ પણ અનુભવ્યું કે તેઓ દાંડીના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યાં છે.

સાંકડા રસ્તા ઉપર નિર્જન અંધારાને ચીરતી કાર આજુબાજુમાં લહેરાતા ખેતરો તેમજ મીઠું પકવવા માટે ખેતરની જમીન ઉપર બનાવેલી પાળીઓ તરફ હેડલાઇટનો પ્રકાશ પાથરતી આગળ વધી રહી હતી. અને અચાનક એક મકાન આગળ નવ્યાએ કાર થોભાવી. ઠંડીથી બચવા આસપાસના ખેતરોમાં ભરાઈ રહેલા શિયાળવા એક કારમું રુદન રેલાવી રહ્યા હતા. કૂતરાં ક્યારેક ઉંચી ડોક કરીને વિચિત્ર રીતે ભસી લેતા હતા. ખેતરની લગભગ વચ્ચોવચ ઊભેલું એ મકાન એક નજરે જોતાં જ અવાવરું તથા બિહામણું લાગતું હતું. એકદમ ભેંકાર લાગતું મકાન જાણે કે કોઈકની છાતીમાં ધરબાયેલી કારમી ચીસોના પડઘા પાડતું ઊભું હોય એવું ભાસતું હતું!

કારમાંથી ઉતરીને નવ્યા ઘરની ઓટલી પાસે આવીને થંભી ગઈ. ધાર ઉપરથી ખવાઈ ગયેલાં ત્રણેક પગથિયાં ચઢીને એ ઘરમાં પ્રવેશી. પાછળ અરમાન અને અર્પિતા પણ મૂંઝાતા ચહેરે અંદર પ્રવેશ્યાં. ચારે તરફના અંધકાર વચ્ચે આગળના કમરામાં એક ઝાંખો બલ્બ પીળો પ્રકાશ પાથરવાની ભરપૂર કોશિશ કરી રહ્યો હતો. બલ્બની ઉપર જામેલી લાંબા અરસાની ઘૂળ અને આસપાસ રચાયેલાં કરોળિયાના જાળાં એ વાતની ચાડી ખાતાં હતાં કે હવે અહીં કોઈ જીવન રહ્યું નથી. અચાનક ત્રણેયની નજર એકસાથે જ અંદરના એક નાનકડા કમરાના ખૂણા તરફ જઈને ઠરી ગઈ. સિમેન્ટ-ચૂનાના પોપડા ઉખડી ગયેલી ભીંતને અઢેલીને હઝરત કુરેશી ઘૂંટણેથી પગ વાળીને શૂન્યમનસ્ક બનીને બેઠા હતા. વિસ્ફારિત આંખોએ તેઓ સામેની દીવાલને તાકી રહ્યા હતા, જ્યાં ક્યાંક ક્યાંક લોહીના ઘટ્ટ ડાઘ સૂકાઈને કાળાશ પકડી ચૂક્યા હતા. એમની અપલક નજર સમક્ષ એમનો કષ્ટકાળ પુનર્જીવિત થઈ ઊઠ્યો; એમનો યાતનાભર્યો અતીત વલખાં મારી રહ્યો...

***

‘બોલ, કુત્તા... ક્યાં છે નરગીસ?’ એક પહાડી મુક્કો કુરેશીના પેટમાં ઘૂસી ગયો. આંતરડા ચીસ પાડી ઊઠ્યા અને કુરેશી બેવડ વળી ગયા.

‘મરી જવાનું પસંદ કરીશ પણ મારી નરગીસનું નામોનિશાન તમને ભેડીયાઓને નહિ બતાવું.’ કુરેશીએ પોતાના લોહી નીગળતા ચહેરા પર હાથ ફેરવતા કહ્યું.

‘હરામખોર, જાણે છે તું એ સા... નરગીસે કોના દરમાં હાથ નાખ્યો છે?’

‘જાણું છું! તને પણ, ને તારા એ સાત ફેણવાળા સત્તાધારી બાપને પણ...’ કુરેશીએ વાંકા વળીને બે હાથે પોતાનું પેટ પકડી રાખીને તૂટક-તૂટક શબ્દો કાઢ્યા, ‘...કુમળી કળી જેવી બાળકીઓને ચૂંથી નાખનારા તમારા જેવા હવસખોરોના ‘સેક્સ-રેકેટ’નો મારી નરગીસ પર્દાફાશ કરી નાખશે, જોતા રહેજો દેશના ગદ્દારો... પછી સડજો આખી જિંદગી જેલમાં!’

‘એ પહેલાં તારી નરગીસ તારા અલ્લાહને પ્યારી નહિ થઈ જાય તો મારું નામ ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘ નહિ, સમજ્યો, સા... કુત્તા?’ અને એ સાથે જ ખાખી વર્દીનો રોફ વજનદાર જૂતાઓમાંથી લાતોનો વરસાદ બનીને વરસી પડ્યો.

મરણતોલ માર સહેવાની આખરી હદ પૂરી થઈ જતા કુરેશીનું શરીર એક વિશાળ વૃક્ષની જેમ ધરાશાયી થઈ ગયું. મોમાંથી લોહીની ધાર વછૂટી પડી. શરીરના અંગોએ મૂઢ માર વાગવાથી કાળાં-લીલાં ચકામા ઉપસાવી દીધાં. આંખે આવેલા અંધારાએ એમની આખી દુનિયા ગોળ-ગોળ ફેરવી નાખી!

***

‘યુ આર અંડર અરેસ્ટ, મિ. હઝરત કુરેશી!’ એક ઘોઘરો અવાજ અંધારા કમરામાં ગૂંજી ઊઠ્યો.

અચાનક હઝરત કુરેશીની તંદ્રા તૂટી. વીતી ચૂકેલા કષ્ટકાળમાંથી ખેંચાઈને તેઓ જીવતાજાગતા વર્તમાનમાં ફંગોળાયા. નવ્યા તેમજ અરમાન અને અર્પિતા પણ એ તરફ તાકી રહ્યાં.

‘તમને ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘના કતલના ઈલ્ઝામમાં ગિરફ્તાર કરવામાં આવે છે.’ ખાખી વર્દીમાં સજ્જ એક ઇન્સ્પેક્ટર એના બંદ્દૂક્ધારી હવાલદારો સાથે કુરેશીનો તથા આખા ઘરનો ઘેરો ઘાલી ચૂક્યો હતો.

‘કતલ..? ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘ...? કોણે? ક્યારે? અને હું તો...’ કુરેશીએ કેફિયત આપવાની કોશિશ કરી.

‘તમારે જે કંઈ કહેવું હોય એ અદાલતમાં કહેજો. અમારી પાસે તમારા નામનો અરેસ્ટ-વોરંટ છે!’ ઇન્સ્પેકટરે એમને અધવચ્ચે જ અટકાવી દીધાં અને કોન્સ્ટેબલને ઈશારો કર્યો. કોન્સ્ટેબલે ઈશારો પામી જઈને કુરેશીને હાથકડી પહેરાવી દીધી. એ સાથે પોલીસનો રસાલો કુરેશીને ગિરફ્તાર કરીને સરકારી વાહન ભણી આગળ વધી ગયો...

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : પ્રકરણ-૧૬ વાંચવાનું ચૂકશો નહિ.)