Niyati na Lekh books and stories free download online pdf in Gujarati

નિયતિના લેખ

આમ તો હું એક સામાન્ય યુવતી છું પણ આજે પ્રથમ વાર કંઈક લખવાનો પ્રયત્ન કરી રહી છું. આશા છે કે આપ સૌને તે ગમશે.

ગાંધીનગરની સરકારી વસાહતમાં રહેતો ભટ્ટ પરિવાર તેમાં પતિ - પત્ની ને તેમનાં બે સંતાનો એક દીકરો ને એક દીકરી , દીકરી મોટી ને નામ ધારાવી , આમ તો સરળ,સમજુ અને મહત્વાકાંક્ષી , ઘરમાં સૌથી મોટી દીકરી , પાપાની લાડકી ને મમ્મીની વહાલી. હંમેશા જીવનમાં કંઈક કરી બતાવાની ખેવના તેને બીજા લોકોથી અલગ કરતી. જ્યારે દીકરો સમય તે હંમેશાં સમયથી પાછળ જ ચાલતો. ધોરણ - ૧૨ ની પરીક્ષા નજીક આવી રહી હતી એટલે બસ સારા માર્ક્સ લાવવા છે તે વિચારીને બધા વિદ્યાર્થીઓ મેહનત કરવા લાગી પડેલા.

" બેટા ધારાવી, હવે તારી પરિક્ષા ને અઠવાડિયું જ રહ્યું છે" મમ્મીએ યાદ અપાવતા કહ્યું. હા, મમ્મી મને ખબર જ છે અને મારે ખાલી એક વાર પુનરાવર્તન કરવાનુ બાકી છે. ધારાવી ને ધોરણ -૧૨ માં બોર્ડમાં નંબર લાવવો તે તેનું સપનું હતું તે જ વિચારમાં તે બસ દિવસ-રાત વાંચનમાં જ રચી પચી રહેતી. જોતજોતામાં બોર્ડની પરીક્ષા આવી ગઈ અને હંમેશાની જેમ ધારાવીના બધા પેપર્સ બહુ સારા ગયા. વેકેશન પડી ગયું, મમ્મીએ ધારાવીને રસોઈની તાલીમ આપવાનું શરુ કર્યું. રોજ વાનગીની પુસ્તકમાંથી નવી નવી વાનગીઓ બનવા લાગી. ધારાવી હવે રસોઈ કળામાં નિપુણ થઇ ગઈ. બોર્ડનું પરિણામ આવ્યું ને ધારાવી બોર્ડમાં આઠમા ક્રમાંક પર અને સ્કૂલમાં પ્રથમ આવી. સ્કૂલના સંચાલક દ્વારા ધારાવીનું સન્માન કરવામાં આવ્યું.

હવે સમય આવ્યો કે વિચારવું કે આગળ શું ભણવું છે પણ ધારાવી તો હું શું પહેરીશ, કૉલેજનું વાતાવરણ કેવું હશે. કેવા જલસા કરીશ આ બધા વિચારોમાં ખોવાઈ ગઈ. આખરે થોડા સગા- સંબંધી જોડે ચર્ચા વિચારણા કરીને કમ્પ્યુટર ટેક્નોલોજીમાં એડમિશન લેવાનું નક્કી કરાયું. ધારાવીને આ બધી બાબતથી જાણે કોઈ ફરક જ ના પડતો હોઈ તેને તો બસ ઉડવું હતું. કૉલેજમાં આવવાથી સ્વતંત્ર પાંખો આવી જાય છે તેવું માનવાવાળામાંની ધારાવી એક હતી. કૉલેજમાં જવા માટેની ખરીદી પણ થઇ ગઈ. કૉલેજ અમદાવાદમાં હતી એટલે રોજ ગાંધીનગરથી અમદાવાદ બસમાં અપ-ડાઉન કરવાનું. આ પણ એક નવો અનુભવ થવાનો હતો ધારાવી માટે. આવી ગયો કૉલેજ જવાનો પ્રથમ દિવસ, બ્લુ રંગનું જિન્સનું પેન્ટ ને લાલ રંગની સ્લીવલેસ ટી-શર્ટ , છુટ્ટા વાળ ને મેચિંગ બુટ્ટી, ધારાવી ને જોઈ ને કોઈ પણ યુવાન મોહી જાય તેવું તેનું રૂપ હતું. "બેટા, નાસ્તો કરીને જા અને આ ટિફિન પણ લઇ જજે", મમ્મીની વાતો સાંભળી ધારાવી ગુસ્સામાં બોલી, " મમ્મી કૉલેજમાં કોઈ ટિફિન થોડું લઇ જાય અને હું કઈ નાની કીકલી નથી, હું હવે મોટી થઇ ગઈ છું." એક સમયે એકદમ કહ્યાગરી દીકરી ની આવી વાતો સાંભળી મમ્મી સુનિતાબેન જરા વિચારમાં પડી ગયા. ચલો હું જાવ છું મમ્મી, આવજે બેટા , સંભાળીને જજે, મમ્મીએ ચિંતામાં કહ્યું. પોતાની દીકરી પ્રથમવાર આવી રીતે એકલી જાય છે તે વાતે સુનીતાબેનને ચિંતામાં મૂક્યા. "સુનિતા, તું ચિંતા ખોટી કરે છે આપણી દીકરી હોશિયાર છે", સુનિતાબેનની ચિંતા ઓછી કરવા રમેશભાઈએ તેમને હિંમત આપતા કહ્યું.

અરે વાહ, કેટલું સુંદર બિલ્ડીંગ છે અને કૉલેજનું ગાર્ડન પણ કેટલું સુંદર છે. આ બધું વિચારતા વિચારતા ધારાવીએ કૉલેજમાં પ્રવેશ કર્યો. આજે પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ હોવાથી બધા વિદ્યાર્થીઓ ને સભા ગૃહમાં ભેગા કરવામાં આવ્યા. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રથમ હરોળમાં બેસાડ્યા. કૉલેજના ફેકલ્ટી નીમાબહેને બધા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને મંચ પર આવીને પોતાનો ટૂંકો પરિચય આપવાનું કહેવામાં આવ્યું. વારાફરતી બધા પોતાનો પરિચય આપવા લાગ્યા, હવે ધારાવીનો વારો આવ્યો, ધારાવી પોતાનો પરિચય આપવા ઉભી થઈ, મંચ પર જતા કેમ જાણે આજે તેને ડર લાગી રહ્યો હતો પણ કેમ જાણે કોઈ અજાણી વ્યક્તિના બેસ્ટ ઓફ લકના અવાજે તેનામાં હિંમત ભરી અને એકદમ નિર્ભય બનીને પોતાનો પરિચય આપ્યો. સભા ગૃહ વિખરાય ગયો અને બધા વિદ્યાર્થીઓને તેમના વર્ગમાં જવાનું કહેવામાં આવ્યું. ધારાવી બસ પેલી વ્યક્તિને શોધવા આમ તેમ નજર દોડાવી પણ તેમાં તેને સફળતા મળી નહિ. વર્ગમાં પ્રવેશી પ્રથમ બેન્ચ પર જગ્યા ખાલી મળતા ધારાવી ત્યાં બેઠી. થોડીવારમાં એક છોકરી બાજુમાં આવી બેઠી તેને પોતાનો પરિચય પિયા તરીકે આપ્યો. થોડી વાતચીતમાં ધારાવીને પિયા ની મિત્રતા થઈ ગઈ. ધારાવીને પણ હવે એકલું ના લાગ્યું.

બધા વિદ્યાર્થીઓ વર્ગમાં ગોઠવાયા. નીમાબેનનો પ્રથમ તાસ હતો તે C Language શીખવાડવાના હતા.ધારાવી ભણવામાં મન પરોવાનો પ્રયત્ન કરવા લાગી. પાછળથી ધારાવી પોતાનું નામ સાંભળી આશ્ચર્યમાં મુકાઈ ગઈ. કોણ હતું તેનું નામ લેનારું?