Pranaysankat books and stories free download online pdf in Gujarati

પ્રણયસંકટ

'મે આઈ કમ ઈન સર?'એક સુમધુર કર્ણપ્રિય અવાજ સૂરજના કાને પડ્યો.એમણે બોર્ડ પર લખવાનુ માંડી વાળીને એ અવાજની દિશા ભણી આંખો ફેરવી.જે સુરસામગ્રી બંસરીમાંથી આવો મધુર અવાજ આવ્યો હતો એ દરવાજા વચ્ચોવચ્ચ સૂરજના 'યસ'નો ઈંતજાર કરીને ઊભી હતી.યસ'ના ઇંતજારથી અકળાયેલી એણે ફરીવાર મધુર રણકાર કર્યો:મે આઇ કમ ઇન સર?

આવો કર્ણપ્રિય અવાજ સાંભળવાની ઘેલછામાં સૂરજે જાણી જોઇને યસ ના કહ્યુ.જે બંસરીમાથી દિવ્યતાનુ અલોકિક સંગીત ઉત્પન્ન થઇને દિલને આહલાદક્તાના આનંદમા ગરકાવ કરી દે એવી બંસરીને રોકવાની ચેસ્ટા કોણ કરી શકે ભલા?ખીલુ ખીલુ થતી પેલી બંસરીમાથી પૂરા પાંચ વખત 'મે આઇ કમ ઇન સર...'એવુ કહ્યુ ત્યારે માંડ સૂરજે એટલા જ મીઠાશથી યસ કહ્યુ જેટલી મીઠાશ પેલા વાક્યમાં ભરેલી હતી.

અને એ સાંભળીને વાળની લટમાંથી મસ્ત મખમલી ખુશ્બુની મહેંક રેલાવતી તીતલીની માફક એ સૂરસમ્રાટની જ્યાં સૂરજ સર ઊભા હતાં ત્યાં આવે ઊભી રહી ગઈ.ને ઘડીકવાર સૂરજની આંખોમાં આંખ ભેરવીને એમના ચરણે પડી.પછી થોડીવારે હાસ્યના ફુવારા ઉડાડતા મધુર અધરોને છૂટા મેલ્યા:'સર,મારુ નામ સોનપરી સોનાવરણીયા! અત્યારે હું નવમાં ધોરણમાં ભણુ છું.આજે તારીખ 26 નવેમ્બર.મારો પ્રિય જન્મદિવસ!' નમણી નાજુક વેલ સમી એ કંચનવર્ણી કાયાઓની મોહક અદાઓને રમાડતી એ બોલી ગઈ.પછી ધીમે રહીને એ સૂરજની જોડાજોડ આવીને ઊભી રહી ગઈ.સૂરજસરની વિસ્ફારિત આંખોમાં આંખ ભેરવીને એણે પોતાના ફેશનેબલ જીન્સના પાછળના ખીસ્સામાંથી ચોકલેટ કાઢી.કિસમી નામની દશેદશ ચોકલેટ એણે ઝડપભેર સૂરજના હાથોમાં મૂકી દીધી.

ચોકલેટ ટેબલ પર રાખીને સૂરજસર તેમની લાક્ષણિક અદાઓથી બોલ્યા: અચ્છા તો આજે તારો જન્મદિવસ છે, એમાં આટલી ઘેલી બની ગઈ છે કેમ! જવાબમાં સોનપરીએ માથું હલાવી હકારમાં ઉત્તર વાળ્યો.

'હેપ્પી બર્થ ડે ટુ યુ...'બોલાવીને સૂરજસરે તેમના વર્ગના બાળકો જોડે વિશ કરાવ્યું. જે સાંભળીને સોનપરી હરખપદુડી થઈને ઝુમી ઉઠી.ખુશીઓના અપાર તરંગોમાં એ નાચવા લાગી.તે એટલી આનંદવિભોર બની ગઈ હતી કે જાણે આ એનો પ્રથમ જન્મદિવસ ન હોય!

એણે ફિલ્મી સ્ટાઈલમાં મલકતા વદને સરને કહેવા માંડ્યુ: 'સર, તમે મને બર્થ ડે વિશ કર્યું એનો મારે તમારો આભાર માનવો છે.પરંતું મારા એ આભારના શબ્દો તમે સાંભળ્યા એના કરતા સાવ વિપરીત અને વૈભવશાળી છે.જો તમને વાંધો ન હોય તો તમારા વર્ગને સંભળાય તેમ કહું અને વાંધો હોય તો તમને કાનમાં કહું!'

સૂરજ વિચારમાં પડી ગયો.એને થયું કે એવા તો કેવા શબ્દો હશે જેથી એ આટલી ખુશમિજાજી બની ગઈ છે.છતાંય એમણે ગંભીરતાથી કહ્યું,'બકા મને કશો વાંધો નથી.તું મારો અન મારા વર્ગનો જાહેરમાં આભાર માની શકે છે.અને શાયદ નહી માને તો પણ અમને કોઈ ફિકર નથી.'

ના સર,આજે તો મને બહું બહું દિવસોના ઈંતજારે આપનો અનુપમ આભાર માનવાનો અવસર પ્રાપ્ત થયો છે એને હું આજ એમ થોડી કંઈ વ્યર્થ જવા દઈશ.

સૂરજસરને આ લાંબી લપઝપમાં હવે કંટાળો આવવા લાગ્યો.એમના ગુસ્સાનો પારો ગરમી પકડવા તરફ જઈ રહ્યો હતો.છતાંય શાંતચિત્તે કહ્યું,તારે જેમ આભાર માનવો હોય એમ મર્યાદામાં રહીને બોલી નાખ.અમારે આગળ અભ્યાસ ચલાવવો છે.

સૂરજની ધાક આખી શાળામાં ગુંજતી હતી.પ્રાથમિક તો ઠીક પણ માધ્યમિક વિભાગના બાળકોથી લઈ છેક શિક્ષકો સુધી સૌ કોઈ એની મર્યાદા ઓળંગવાનું નામ નહોતું લેતું ને આજે આ છોકરી એમની સાથે જીભાજોડી કરતી હતી એ એમને બહું જ ખૂચતું હતું. પણ તેનો જન્મદિવસ હોઈ એ શાંત રહ્યા.

સૂરજસરની છૂટ મળતાં જ એ બે ડગલા આગળ આવીને એમના કાનમાં મીઠાશભર્યા માદક સ્વરે બોલી ગઈ-આઈ લવ યું,સર!!

જે શબ્દ કે વાક્ય સાંભળવાની કલ્પનાય નહોતી કરી એ સાંભળીને સૂરજસરના પગ છેક ત્રીજે માળેથી ભોયતળિયે આવી ગયા.એ એક જ વાક્યથી સૂરજસર એવા તો ડગાઈ ગયા જાણે પોતાની સગી આંખો સામે મુંબઈનો આતંકવાદી હુમલો જોઈ રહ્યા ન હોય! જે કાન મે આઈ કમ ઈન સર સાંભળીને ચેતનવંતા બની ગયા હતા એ જ કાન આઈ લવ યુ સાંભળીને નિષ્પ્રાણસમાં બની ગયા હતા જાણે.એટલીવારમાં તો ફરી એમના કાનમા 'આઈ લવ યુ વેરી મચ સર' નો ધડાકો અથડાયો.સૂરજસર ક્રોધાવેશમાં હાથ ઉગામે એ પહેલા તો એ તીતલીની માફક પલાયન કરી ગઈ.

એ દિવસની ગોઝારી રાતે આખી રાત સૂરજ ઊંઘી ન શક્યો. નીંદર એનાથી દૂર ભાગતી રહી.સામે સોનપરી પણ પોતાના પ્રેમના એકરારની ખુશીમાં શમણાઓ સજાવતી રહી.સારી રાત શમણાઓની સજાવટમાં વીતાવી.

સૂરજ ખાનગી શાળામાં હતો.શિક્ષકની મૂલ્યવાન ડિગ્રી મેળવ્યા બાદ બે વર્ષના અંતે બે મહિના પહેલા જ માંડ આ નોકરી મળી હતી.ને એટલામાં એના માટે એણે માનેલી આ મુસીબત આવી ઊભી રહી હતી.

આગલા દિવસની અપાર ખુશીમાં સોનપરી બીજા દિવસે વહેલી વહેલી શાળામાં આવી પહોચી!પ્રાર્થનાસભા બાદ સૂરજસરે માધ્યમિક વિભાગના આચાર્યને મળીને સોનપરીને તેની ઓફિસમાં બોલાવી.

સૂરજસરનું તેડું આવતા જ હરખઘેલી બનીને હરણીની જેમ દોડતી આવી ગઈ.

કાલની વાતનો ભારેખમ ભાર લઈને બેઠેલા સૂરજે એને જોઈને ઘડીવાર તો કંઈ ન કહેવાનું ઉચિત માન્યું. પણ પછી અચાનક જ કહેવા માંડ્યું: 'બકા સોનપરી,તું જે મારગેથી અને જે સંબંધથી મારા તરફ ઢળી છે એ રસ્તો,એ સંબંધ ઘોર અનૈતિકતાના પાપથી ભરેલો છે.આપણી વચ્ચેનો આ સંબંધ હળાહળ પાપ સમાન છે.કદાચ ગઈ કાલે તે આ મજાકમાં કહ્યું હશે કે તારા જન્મદિવસની ખુશીમાં કહ્યું હશે પણ મને તે જરાય યોગ્ય ન લાગ્યું.

'મજાકમાં નહી સર, મે તો હકીકતમાં આપને આઈ લવ યુ કહ્યું હતું.સૂરજના ચહેરા સામે ઊભેલી એ જરાય શરમ સંકોચ વિના બોલી ગઈ! ને સુરજસરનો પિત્તો ગયો!એમણે આંખ લાલ કરી.મોટા અવાજે ઉધડો લેતા કહેવા માંડ્યું: 'તે ગમે તે કારણે કીધુ હોય પણ મને એ બિલકૂલ પસંદ નથી.જો તારે આવુ જ કરવું હોય તો કાલથી શાળાએ ન આવતી.ને આવે તો મારી આંખે ન આવતી નહી તો....!'સૂરજ આગળ બોલે એ પહેલા તો એ રડતી આંખે ભાગી નીકળી.સૂરજ એને જતી જોઈ રહ્યો.જાણે બલા છુટી હોય એમ.નિર્દોષ નાદાન છોકરીના પ્રેમભર્યા આત્માની લાગણીને દુભાયાનું દુખ એમને આખો દિવસ સંતાપ્યું.

બીજા દિવસે સોનપરી શાળામાં ન આવી પણ સૂરજસરને નામે એની એક ચિઠ્ઠી જરૂર આવી.જેમાં લખ્યું હતું:

'કુછ સિતારે ઐસે ભી હોતે હૈ

જિન્હે ચમકના નહી આતા,

કુછ દિવાને ઐસે ભી હોતે હૈ

જિન્હે પ્યાર કરના નહી આતા..

સોરી સર..

તમને આઈ લવ કહ્યું એમાં મારો જરાય દોષ નહોતો. પણ તમારા પ્રત્યેની મારા હ્રદયની ચાહતભરી લાગણીથી પ્રેરાઈને મે કહ્યું હતું.

સર,તમે આ શાળામાં આવ્યા એના બીજા જ દિવસે હું શાળા છોડીને અભ્યાસ છોડી દેવાની હતી.કિન્તું તમે આવ્યા બાદ તમને જોઈને મારી આંખો,મારુ હૈયું તમારા પર પ્રેમ બનીને વરસી ગયું ને હું તમને ઉરના અનંત ઊંડાણથી ચાહવા લાગી.અને એ ચાહતમાં આંધળી કે ઘેલી જે કહો તે બનીને મે નિશાળ ન છોડવાનું નક્કી કર્યું.તમારાથી પ્રેમભરી લાગણી બંધાયા બાદ મે વિચાર્યુ કે હું શાળા નહી છોડું,કારણ કે હું શાળામાં આવીશ તો મારા બે કાર્ય સરળતાથી પૂર્ણ થશે.એક તો મારો અભ્યાસ આગળ વધશે અને બીજું તમારા પ્રત્યેનો મિરો પ્રેમ.આ વિચારથી મેં શાળા અને અભ્યાસ ચાલુ રાખ્યો.કિન્તું મારા પ્રત્યેનો તમારો પ્રેમ ગઈકાલે મે જોઈ લીધો.હવે આજથી હું મારા શાળ છોડવાના નિર્ણયને અમલી બનાવું છું.આમેય તમે મને નિશાળે નહી આવવાનું જ કહ્યું છે ને!

અને છેલ્લે સર,મને ખબર હોત કે તમે મારા પ્રેમના એકરારનો આવો જ જવાબ આપશો તો હું તમને કહ્યા વિના જ મનોમન તમને ચાહીને ખુશ રહેત.જેથી કદાચ મારું દશમું પૂરુ થઈ જાત.હવે જે થયું તે બરાબર....! અલવિદા સર....!

પત્ર વાંચ્યા બાદ સૂરજનો માહ્યલો બરાબરનો હલબલી ઊઠ્યો.એમણે વિચાર કર્યો કે અરરરર....ભલા એક મારા ખાતર એનું ભવિષ્ય બગડી રહ્યું છે!અરે રામ રામ..મારાથી અજાણે ભૂલ થઈ ગઈ.જો મે એને હા પાડી હોત તો કમસેકમ એ દશમું ધોરણ તો પૂરુ ભણી લેત!પછી એ સ્વગત જ જોરથી બબડ્યા:અરે સૂરજ્યા....આપણે ક્યાં એને પ્રેમ કરવાની જરૂર હતી!એ તો આપણા હાથની જ વાત હતી.આપણે તો ફક્ત 'હા'પાડવાની જ જરૂર હતી.બાકી પ્રેમ કરવો ન કરવો એ તો આપણી મરજીની વાત હતી..પણ હાય રે ભૂંડા...!આપણને ક્યા ખબર હતી કે એની લાગણીનો અસ્વિકાર કરવાથી એ ભણતર છોડી દેવાની હતી.

પોતે ઘેર જ રહેવાની વાત કરીને જાણે મોટો ગુનો કર્યો હોય એમ અપરાધીની માફક એ ક્યાંય લગી ચિઠ્ઠીને તાકી રહ્યા.

સાંજે શાળા છોડ્યા બાદ ક્યાંય જવાના બદલે એ સોનપરીને આંગણે ઉપડ્યા.ત્યા જઈ જોયું તો સોનપરી આખા જગતની ઉદાસી એના વદને લપેટીને વિખરાયેલ વાદળની જેમ પલંગમાં પડી હતી.સોસાયટીના નાકે જ એનું ઘર હતું.અત્યારે એકલી જ ઘેર હતી.આવી દયનીય દશામાં જોઈને સરને સોનપરી પર અનુકંપા છુટી.એ આઈ લવ યું બોલવા જતા હતા પણ ખચકાયા.આવી ગેરવર્તણુંક અનુચિત લાગી.માહ્યલા શિક્ષકપણાને આ હરકત છીછરી લાગી.કિન્તું ફરી વિચાર ઉદભ્યો કે સૂરજ...આપણા ખાતર-આપણા લીધે જો એનું ભણતર સુધરતું હોય,આગળ વધતુ હોય તો આપણે એને સહયોગ કેમ ના આપવો? આવો વિચાર આવતાં જ ધીમા સ્વરે બોલ્યા:'આઈ લવ યું સોનપરી..'આ અવાજ કાને અથડાતા જ આળસ મરડીને એ ઊભી થતાભેર સરને ભેટી પડી.ને ખુશિયોના ઉપવનમાં ઝુમવા લાગી.

આમ કરતા વખત વીતતો ગયો.સૂરજસર માત્ર પ્રેમનો દેખાડો કરતા હતા જ્યારે સોનપરી ખરેખરનો પ્રેમ કરતી હતી.એ સૂરજ તરફ એટલી તો ઢળી ચૂકી હતી કે ન પૂછો વાત!અને એ વાત સૂરજ માટે મોટુ ધર્મસંકટ બનીને ઊભી હતી.

સમય આવ્યો ને સૂરજસરે સોનપરીને આ મારગેથી હટી જવા બહું જ સમજાવી.એ જેમ એમાંથી બહાર નીકળવા મથામણ કરતા જતા હતા એમ એ વધારે ને વધારે ઊંડી ઊતરતી જતી હતી.પણ એ એકની બે ન જ થઈ.સૂરજમાં હવે આ પ્રણયસંકટ સહન કરવાની હામ રહી નહી.ને એમણે એક નવો વિચાર અપનાવ્યો.

બોર્ડની પરીક્ષાને માત્ર બે જ દિવસ બાકી હતા ને સૂરજસર અલોપ થઈ ગયા.ગુરૂ-શિષ્યના પવિત્ર બંધનને કલંક લાગવાના ભયથી એ શાળા અને એ શહેરને સર કાયમ માટે અલવિદા કરી ગયા.

સૂરજ વિનાની ઘોર અકળામણમાં સોનપરીએ પરીક્ષા હેમખેમ પૂરી કરી.પરીક્ષા પૂર્ણ થતા જ એણે એક માર્ગ પકડ્યો-સૂરજસરની ભાળ મેળવવાનો!એ આખા શહેરની ગલી-ગલી,ઘર-ઘર ખુંદી વળી પણ ક્યાંય સરજનો કોઈ પત્તો ન લાગ્યો.એ ઊંડા આઘાતમાં ઊતરી.એ આઘાતમાંથી પાર ઊતરવા એણે બબ્બેવાર યમદ્રાર ખખડાવ્યા.કિન્તું કુદરતે એને આબાદ રાખી.હવે એક જ વિચારે એ અટકી જતી હતી કે જેમ કોઈને કહ્યા વિના જતા રહ્યા છે એમ અચાનક એ ક્યાંકથી પ્રગટશે! આખરે એની એ અમર આશા ઠગારી નીવડી.

દશમા ધોરણના બોર્ડના પરિણામના બીજા દિવસે છાપાને મથાળું મળ્યું કે દશમાના બોર્ડની પરીક્ષામાં અનુતીર્ણ થતા સોનપરી નામની યુવતી સ્વ. થઈ! એ દિવસે શાળામાં તપાસ થઈ તો જાણ મળી કે જે સોનપરી સ્વર્ગવાસ કરી ગઈ છે એ તો પ્રથમ ક્રમાંકે હતી.ને નાપાસ થનાર સોનપરી તો બીજી જ હતી.પણ શરતચૂકથી એને સોનપરી નામની બીજી છોકરીનું પરિણામ પકડાવી દેવાયુ હતું.

ખેર, ગમે તે કારણ હોય પણ પેલી સોનપરીના રહસ્યમય સ્વર્ગસ્થ થયાના સાચા કારણની કોઈને ખબર નહોતી.મોડે-મોડે જાણ થતા જ બીજા દિવસના છાપામાં ચિતરાયું કે ગઈકાલે સ્વયં સ્વર્ગારોહણ કરી જનારી સોનપરીનું સાચું કારણ એનો ખોવાયેલ પ્રેમ હતો!

વળી,ત્રીજા દિવસે છાપામાં છપાયું:'સુરત પોલીસ સ્ટેશને એક શિક્ષકનું આત્મસમર્પણ! ને એ સાથે જ પાના ભરીને સોનપરીની કહાની આલેખાઈ.