Bewafa - 12 books and stories free download online pdf in Gujarati

બેવફા - 12

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 12

સાધનાની ધરપકડ

ધારણા મુજબ નાગપાલની ચાલ સફળ થઈ હતી.

એણે જાણી જોઈને જ સાધનાને, બહાદુરની ધરપકડ થયાની વાત જણાવી હતી.સાધના સાથે વાત કરતી વખતે એના ચહેરા પર છવાયેલા હાવભાવ જોઈને જ એણે બહાદુરના પકડાઈ ગયાને ગપગોળો ગબડાવ્યો હતો.

એણે અંધકારમાં જ છોડેલું. તીર બરાબર રીતે નિશાન પર ચોંટી ગયું હતુ.

બહાદુરની ધરપકડની વાત સાંભળ્યા પછી સાધનાએ તરત જ ફોન પર તેનો સંપર્ક સાધીને જે વાતચીત કરી હતી, એ ટેપ થઈ ગઈ હતી.

નાગપાલ, વામનરાવ અને અમરજી નાગપાલના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારબાદ દસેક મિનિટ પછી ટેલિફોન ઓફિસે ગયેલો દિલીપ પણ કેસેટ સાથે આવી પહોંચ્યો.

નાગપાલે પોતે પણ આટલી જલ્દીથી સફળતા મળશે એવી આશા નહોતી રાખી. સાધના કદાચ કલાક-બે કલાક પછી ફોન પર સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે એમ તે માનતો હતો પરંતુ પોતે બહાર નીકળશે કે તરત જ સાધના આવો પ્રયાસ કરશે એવી આશા એણે નહોતી રાખી.

અત્યારે સૌ દિલીપે લાવેલી કેસેટ સાંભળતા હતા.

ફોન પર સાધના અને બહાદુર વચ્ચે થયેલી વાતચીતનો એક એક શબ્દ તેઓ ધ્યાનથી સાંભળતા હતા.

વાત પૂરી થયા પછી નાગપાલની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

એણે વિજયસૂચક સ્મિત ફરકાવતાં વામનરાવ સામે જોયું. વામનરાવના ચહેરા પર પણ સફળતાની ચમક પથરાયેલી હતી.

‘તેઓ...’નાગપાલ બોલ્યો, ‘ફોન પર જે “ તેઓ ” નો ઉલ્લેખ થયો છે, એ કોણ છે તેની આપણને સાધનાની ધરપકડ કર્યા પછી જ ખબર પડશે. આપણને આ “ તેઓ ” ની જ જરૂર છે. બહાદુર પોતાની મરજીથી સાધનાને “ તેઓ ” ને સાથ આપે છે એ તો સ્પષ્ટ જ છે !’

‘નાગપાલ સાહેબ...!’અમરજીએ ઉત્સાહભર્યા અવાજે કહ્યું, ‘આપ રિર્વોલ્વર વિશે પૂછપરછ કરવા માટે સાધનાની ધરપકડ કરત તો આપણને આટલી સફળતા ન મળત ! રિર્વોલ્વર સાધના પાસે છે કે આ “ તેઓ ” પાસે એ પણ આપણે નથી જાણતા. આ સંજોગોમાં રિર્વોલ્વર વિશે પૂછપરછ કરવા માટે સાધનાની ધરપકડ વ્યર્થ જાત !’

‘તારી વાત સાચી છે. ખૂન સાધનાની રિર્વોલ્વરથી જ થયાં હોય એ કંઈ જરૂરી નથી. હા, આપણે જો રિર્વોલ્વર સાથે સાધનાની ધરપકડ કરત તો જુદી વાત હતી. જે ગોળીથી ખૂન થયાં છે, એ ગોળી સાધનાની રિર્વોલ્વરમાંથી છોડવામાં નથી આવી તે વાત બેલેસ્ટીક એકસ્પર્ટના રિપોર્ટમાં પુરવાર થઈ જાત તો પછી એ સંજોગોમાં સાધના વિરુદ્ધ કોઈ જ પુરાવો બાકી ન રહેત ! એ વખતે આપણે કોઈપણ પુરાવાના આધારે સાધનાને કોર્ટમાં ઊભી ન રાખી શકત ! જો કે હું તેને રિર્વોલ્વર વિશે જ પૂછવા માટે ગયો હતો. પરંતુ તે મારા પર ક્રોધે ભરાશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. મારા સવાલોના જવાબ આપવાને બદલે તે ક્રોધે ભરાઈને મને જ ડરાવવા લાગી ! પોતાની ધરપકડ થશે એમ તે ખાતરીપૂર્વક માને છે. એ યાતનાઓ કે ફાંસીથી નથી ગભરાતી ! પરંતુ એ આ “ તેઓ ” વિશે કોઈ જ સવાલ સહન નથી કરી શકતી આ “ તેઓ ” માટે તો તે પોતાને જીવ આપવા માટે પણ તૈયાર છે. આપણે બહાદુરન પૂછપરછ ન કરી શકીએ એટલે એણે તેના આ “ તેઓ ” ની સુરક્ષા માટે ગોઠવી દીધો છે.’કહીને નાગપાલ અટકયો.

નાગપાલે પાઈપ પેટાવીને એમાંથી બે-ત્રણ કસ ખેંચ્યા બાદ પોતાની વાત આગળ લંબાવી :

‘બહાદુરના ગુમ થયા પાછળ પોતાનો હાથ છે, એ વાતની પણ તે ના નહોતી પાડતી. મારી એકે ય ધમકીની તેના પર કંઈ અસર નહોતી થઈ. એ જરા પણ નહોતી ગભરાઈ. હવે જો ખૂની સાધના સાથે સંકળાયેલો હોય તો એ બીજું કોઈ નહીં પણ આ “ તેઓ ” જ છે. અને આ ” તેઓ ” ના પકડાયા પછી જ એ કોણ છે તેની આપણને ખબર પડશે.’

‘અંકલ...!’સહસા દિલીપ બોલ્યો, ‘અંધારું થવાને હજુ એકાદ કલાકની વાર છે. આપણે અડદો કલાક પછી નીકળીએ તો ? આ “ તેઓ ” બહાદુર સાથે સ્થાયી રીતે ત્યાં રહે છે. આપણે આરામથી બહાદુર અને આ “ તેઓ “ ને પકડી શકીશું.’

‘તું ફરીથી તેમનું સરનામું બોલ તો !’નાગપાલે કહ્યું.

‘સાગર એપાર્ટમેન્ટ, બીજે માળે, ફલેટ નં 13, આંબેડકર રોડ !’દિલીપ બોલ્યો, ‘ટેલિફોન ઓફિસમાંથી તો આ જ સરનામું મળ્યું છે.

‘આપણે અત્યારે જ નીકળી જવું જોઈએ. આંબેડકર રોડ પહોંચતા પહોંચતા જ એક કલાક નીકળી જશે.’

‘અંકલ, એક સવાલ મને અકળાવે છે. અને આ સવાલ આપણી આશાથી વિપરીત જ છે.’

‘મિસ્ટર દિલીપ...’વામનરાવ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘અત્યારે ચારે તરફ આશાનાં વાદળો જ છવાયેલાં છે એમાં વળી આ વિપરીત સવાલ ક્યાંથી ટપકી પડ્યો ?’

‘સવાલ વિપરીત છે એટલે જ તો કહું છું.’

‘ખેર, જે હોય તે કહી નાંખ !’નાગપાલે કહ્યું.

‘જો ખૂની આ “ તેઓ ” જ છે અને તેનું રહેઠાણ આંબેડકર રોડ પર હોય તો...’

‘હા...હા...બોલ...તું અટકી શા માટે ગયો ?’

‘અંકલ, સબ ઈન્સ્પેક્ટર અરમજીએ જે રાતે આનંદ તથા આશાંના ખૂન થયાં, એ રાતે સાધનાનો પીછો કરીને તેને રેલ્વેસ્ટેશન પાસેના એક પબ્લિક બૂથમાંથી કોઈકને ફોન કરતી જોઈ હતી. ફોન કર્યા પછી સાધના બંગલામાં પાછી ફરી અને તેના પાછા ફર્યા પછી દસેક મિનિટ બાદ આનંદ તથા આશાંના ખૂન થયાં. મારી વાત સાચી છે.ને ?’

‘હા...એમ જ થયું હતું.’

‘તો પછી આ “ તેઓ ” ખૂની ન હોઈ શકે’

‘કેમ ?’વામનરાવે પૂછ્યું.

‘માત્ર દસ મિનિટના ગાળામાં આ “ તેઓ ” ખૂન કરવા માટે ત્યાં પહોંચી શકે તેમ નહોતો.’

‘ઓહ...’દિલીપની વાત સાંભળીને નાગપાલના ચહેરા પર નિરાશાના હાવભાવ છવાઈ ગયા, ‘આ વાતપર તો મારું ધ્યાન જ નહોતું ગયું. રેલ્વેસ્ટેશનથી સાધનાને ઘેર પહોંચતા પંદર મિનિટ લાગી હતી અને તેના ઘેર પહોંચ્યા પછી દસેક મિનિટ બાદ આનંદ તથા આશાંના ખૂન થયાં હતા. અર્થાત્ એણે ફોન કર્યા પછી પચીસ મિનિટ બાદ !’

‘જી, હા અંકલ...! પચીસ મિનિટ બાદ ! અંકલ, આ “ તેઓ ” નું રહેઠાણ આંબેડકર રોડ પર છે. ફોન રિસીવ કર્યા પછી બંદરરોડ પર જવાની તૈયારી કરવામાં તેને પાંચેક મિનિટ લાગી હશે. ત્યારબાદ એ બંદર રોડ તરફ જવા માટે રવાના થયા. અંકલ, એ ગમે તેટલી સ્પીડમાં કાર ચલાવે તો પણ પચાસ મિનિટ પહેલાં તે કોઈ સંજોગોમાં બંદર રોડ પહોંચી શકે તેમ નહોતો. આનો અર્થ એ થયો કે આનંદ તથા આશાનાં ખૂન આ “ તેઓ ” એ નથી કર્યાં.’

‘તારી વાત સાચી છે. પચીસ મિનિટમાં આંબેડકર રોડ પરથી બંદર રોડ પર લખપતિદાસના બંગલા સુધી પહોંચી શકાય તેમ નથી. પરંતુ આ “ તેઓ ” ટૂંક સમય પહેલાં જ એટલે કે આનંદ તથા આશાંના ખૂન થયા પછી જ પોતાનો મુકામ બદલીને આંબેડકર રોડ પર કહેવા માટે ગયો હોય એવું પણ બની શકે તેમ છે. પહેલાં તે નજીકમાં જ ક્યાંક રહેતો હોય અને એ વખતે સાધનાએ જાણી જોઈને આપણને મૂરખ બનાવ્યા હોય તે બનવાજોગ છે.’

‘એટલે...? હું સમજ્યો નહીં અંકલ ?’દિલીપે મુંઝવણભરી નજરે નાગપાલ સામે જોતાં પૂછ્યું.

‘સમજાવું છું. સાંભળ...!’નાગપાલે બૂઝાઈ ગયેલી પાઈપને ફરીથી પેટાવીને કહ્યું, ‘જો કે આ માત્ર મારું અનુમાન જ છે. મારું અનુમાન ખોટું પણ હોઈ શકે છે. પોલીસ પોતાના બંગલા પર નજર રાખે છે, એ વાત સાધના અગાઉથી જ જાણતી હતી. પરિણામે બંગલા પરથી પોલીસની નજર ખસેડવા માટે તે રેલ્વેસ્ટેશન સુધી જઈ, ત્યાંથી ફોન કરીને પાછી ફરી. તે માત્ર ફોન કરવા માટે જ રેલ્વેસ્ટેશન સુધી નહોતી ગઈ એ તો ચોક્કસ જ છે ! ફોન તો તે પોતાના બંગલામાંથી પણ કરી શકે તેમ હતી. એ અમરજીએ પોતાનો પીછો કરાવીને રેલ્વેસ્ટેશન સુધી લઈ ગઈ. આ દરમિયાન ખૂની એટલે કે “ તેઓ ” લખપતિદાસના બંગલાના પાછળના ભાગમાં દરિયાકિનારે પહોંચી ગયો. એના પહોંચી જવાનું સચોટ અનુમાન સાધનાએ કરી લીધું. પરિણામે તે બંગલામાં પાછી ફરી. એના પાછા ફરવાથી કથિત “ તેઓ ” ને ગ્રીન લાઈટ મળી ગઈ. એણે દસેક મિનિટ રાહ જોયા પછી આનંદ તથા આશાનાં ખૂન કરી નાંખ્યાં.’

‘આવું બની શકે છે અંકલ !’

‘શું હતું ને શું નહીં, એ આપણને આ “ તેઓ ” ના પકડાયા પછી જાણવા મળી જશે. અત્યારે તો આપણે આંબેડકર રોડ પર જવા માટેની તૈયારી કરવાની છે’કહીને એણે વામનરાવ સામે જોયું, ‘જીપ તૈયાર જ છે ને ?’

વામનરાવે હકારાત્મક ઢબે માથું હલાવ્યુ.

‘ આ કથિત “ તેઓ ” પાસે બત્રીસ કેલીબરની રિર્વોલ્વર પણ છે. આ આપણા પર પણ ગોળી છોડી શકે તેમ છે અને જવાબમાં આપણે પણ આપણી સર્વિસ રિર્વોલ્વરનો ઉપયોગ કરવો પડશે. પણ શકાય હોય ત્યાં સુધી આપણે ગોળી નથી છોડવાની. આપણે તેને જીવતો જ પકડવાનો છે.’

‘તમારી વાત સાચી છે અંકલ ! એ ચાર-ચાર માણસોનો ખૂની છે. પોલીસથી બચાવ માટે તે ગોળી છોડતાં જરા પણ નહીં અચકાય. ઉપરાંત આપણા તરફથી છોડવામાં આવેલી ગોળી તેને સ્વધામ પહોંચાડી શકે તેમ છે. એ સંજોગોમાં આ બધાં ખૂનનો ભેદ અણઉકેલ્યો જ રહી જશે.’દિલીપ કહ્યું.

‘અને નાગપાલ સાહેબે ચોવીસ કલાકમાં જ ખૂનીને શોધીને, કેસ ઉકેલી નાખવાનો દાવો કર્યો છે.’વામનરાવ સ્મિત ફરકાવતાં બોલ્યો.

ત્યારબાદ તેઓ જીપમાં બેસીને આંબેડકર રોડ તરફ જવા માટે રવાના થઈ ગયા.

એકાદ કલાકમાં જ તેઓ ત્યાં પહોંચી ગયા.

આંબેડકર રોડ પરની તમામ ઈમારતો એકદમ નવી હતી.

સાગર એપાર્ટમેન્ટ શોધતાં તેમને વાર ન લાગી, તે એક સાત માળની ઈમારત હતી.

ઈમારતના પાર્કીંગમાં જીપ ઊભી રાખીને તેઓ લીટર મારફત બીજા માળે આવેલા તેર નંબરના ફલેટ પાસે પહોંચી ગયા.

બીજા માળ પર તેર નંબર સિવાય બાકીના બધા ફલેટ પર તાળાં લટકતાં હતાં.

નાગપાલે ફલેટના બારણા પર ટકોરા કર્યાં.

વામનરાવનો હાથ કમ્મરમાં લટકતી રિર્વોલ્વર પર હતો.

ફલેટમાં લાઈટ સળગતી હતી.

નાગપાલના ટકોરા પછી પણ અંદરના ભાગમાં કોઈ હિલચાલ ન થઈ. ડોરબેલની સ્વીચ બગડી ગઈ હોવાને કારણે જ નાગપાલે ટકોરા માર્યા હતા.

એણે ફરીથી ટકોરા માર્યા.

અંદરથી કોઈ જ જવાબ ન મળ્યો.

આ વખતે નાગપાલે જોરથી બારણું ખટખટાવ્યું.

પરંતુ આ વખતે પણ અંદરથીન તો કોઈ જવાબ મળ્યો કે ન તો બારણું ઉઘડ્યું.

‘બારણું ઉઘાડ...!’નાગપાલે ફરીથી એક વાર જોરથી બૂમ પાડતાં બારણું ખટખટાવ્યું.

પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું.

નાગપાલનો અવાજ લોબીમાં ગુંજીને રહી ગયો.

ત્યારબાદ નાગપાલના સંકેતથી વામનરાવ તથા અમરજીએ બારણું તોડી નાંખ્યું.

પછી સૌ અંદર પ્રવેશ્યાં.

ફલેટમાં બે બેડરૂમ, એક ડ્રોંઈગરૂમમાં, કીચન, બાથરૂમ તથા લેટ્રીન હતા.

તેઓ આખા ફ્લેટમાં ફરી વળ્યા.

ફ્લેટમાં કોઈ જ નહોતું.

નાગપાલ દાંત કચકચાવીને રહી ગયો. પોતાને અહીંથી નિરાશા મળશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી.

બેડરૂમમાં, પલંગની બાજુમાં એક સ્ટૂલ પર લાલ રંગનો ટેલિફોન પડ્યો હતો.

નાગપાલે ક્રોધમાં આવી જઈને પલંગની ચાદર સાથે તકીયાને પણ જોરથી એક તરફ ઉછાળ્યો.

એ જ વખતે ખટાક અવાજ સાથે તકીયામાંથી કોઈક ચીજ નીકળીને દીવાલ સાથે અથડાઈ.

નાગપાલની નજર દીવાલ સાથે ટકરાઈને જમીન પર પડેલી વસ્તુ પર સ્થિર થઈ ગઈ.

એ વસ્તુ બત્રીસ કેલીબરની એક રિર્વોલ્વર હતી.

નાગપાલે રૂમાલની મદદથી રિર્વોલ્વરને ઊંચકીને ગજવામાં મૂકી દીધીં.

ત્યારબાદ અમરજીએ ફલેટનું ધ્યાન રાખવા માટે કહીને તે દિલીપ તથા વામનરાવ સાથે બહાર નીકળી ગયો.

ટેલિફોનની ઘંટડીનો અવાજ સાંભળીને સાધના ડ્રોંઈગરૂમમાં પહોંચી

અત્યારે રાતના નવ વાગ્યા હતા.

તે કદાચ આ ફોનની જ રાહ જોતી હતી. એના ચહેરા પર વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા.

‘હલ્લો...હું સાધના બોલું છું.’એણે રિસિવર ઊંચકીને કહ્યું.

‘દિકરી...!’સામે છેડેથી બહાદુરનો અવાજ તેને સંભળાયો, ‘

‘હું...હું...’

‘શું થયું કાકા...? તમારો અવાજ આટલો ગભરાયેલો શા માટે છે ?’

‘પોલીસે...પોલીસ...’

‘કેમ...? શું થયું ?’કોઈક અજાણી આશંકાથી સાધનાના ધબકારા વધી ગયા. એનો દેહ ધ્રુજવા લાગ્યો, ‘પોલીસનું શું છે ?’

‘પોલીસ આપણા આંબેડકર રોડવાળા ફલેટ પર પહોંચી ગઈ છે.’

‘શું...?’સાધનાએ આશ્ચર્યથી પૂછ્યુ.

‘હા...પણ અમે બચી ગયા છીએ.’બહાદુરનો અવાજ કંપતો હતો, ‘પોલીસ આવી, તેની થોડી વાર પહેલાં જ અમે ફલેટમાંથી બહાર નીકળ્યા હતા.’

‘ઓહ...’

‘જો અમને થોડું મોડું થાત તો અત્યારે અમે પોલીસના કબજામાં હોત !’

‘પણ પોલીસ ત્યાં કેવી રીતે પહોંચી ગઈ ?’

‘“ તેઓ ” કહેતા હતા કે પોલીસે ટેલિફોન ઓફિસમાં ફોન ટેપ કરીને તેના નંબર પરથી ત્યાંનું સરનામું મેળવી લીધું હશે.’

‘ઓહ...તો આ કારણસર જ હું તમને ફોન કરું એટલા માટે નાગપાલ સાહેબે તમારી ધરપકડ વિશે મને ખોટું કહ્યું હતું.’

‘હા...તેમની આ ચાલ સફળ થઈ. તેઓ આંબેડકર રોડ પર પહોંચી ગયા.’

‘પોલીસ ત્યાં આવવાની છે એની તમને કેવી રીતે ખબર પડી ?’

‘તારો ફોન આવ્યા પછી, પોલીસની કંઈક ચાલ હોય એમ “ તેઓ ” ને લાગ્યું હતું. પરિણામે અમે તરત જ ફલેટમાંથી બહાર નીકળી ગયા. અમે ફલેટમાં જ હાજર છીએ એમ પોલીસ માને એટલા માટે ફલેટની લાઈટ ચાલુ જ રાખી દીધી હતી. અમારા નીકળ્યા પછી તરત જ પોલીસ ત્યાં આવી પહોંચી.’

‘અત્યારે તમે ક્યાંથી બોલો છો ?’

‘એ હું તને નહીં જણાવું. જો કે હું પબ્લિક બૂથમાંથી બોલું છું. દિકરી, એ ફલેટમાં રિર્વોલ્વર પડી છે. ઉતાવળને કારણે રિર્વોલ્વરને લેવાનું અમને યાદ ન આવ્યું. જો એ રિર્વોલ્વર પોલીસના હાથમાં આવી જશે તો’

‘તમારે કશી યે ચિંતા કરવાની જરૂર નથી કાકા !’

‘દિકરી... એ રિર્વોલ્વર તારી છે. એ રિર્વોલ્વરના રૂપમાં પોલીસને તારી વિરુદ્ધ નક્કર પુરાવો મળી જશે.’

‘મેં કહ્યું. ને કે તમારે મારી કશીયે ચિંતા કરવાની જરૂર નથી.’

‘પણ તેઓ...’

‘પ્લીઝ, કાકા...! તેમને સમજાવો. તેમને કહો કે હું બધું સંભાળી લઈશ. તેમને મારી કશીયે ફિકર કરવાની જરૂર નથી. પોલીસને રિર્વોલ્વર મળી જાય તો પણ શું છે. બહુ બહુ તો મને આજીવન કેદની સજા થશે અથવા તો પછી ફાંસીના માંચડે લટકવું પડશે. એથી વિશેષ તો પોલીસ કંઈ જ કરી શકે તેમ નથી મને કોઈ...’સાધનાની વાત અધૂરી રહી ગઈ.

‘દિકરી...દિકરી...’

પરંતુ સાધનાની જીભ જાણે કે તાળવે ચોંટી ગઈ હતી.

તે ફાટી આંખે ડ્રોંઈગરૂમમાં બારણાં સામે તાકી રહી હતી.

બારણા પાસે એક લેડી ઈન્સ્પેક્ટર સાથે નાગપાલ ઊભો હતો.

લેડી ઈન્સ્પેક્ટરના હાથમાં હાથકડી જકડાયેલી હતી.

સાધનાએ ધ્રુજતા હાથે રિસિવરને કેડલ પર મૂકી દીધું.

‘સાધના...!’નાગપાલ ડ્રોંઈગરૂમમાં દાખલ થઈને બોલ્યો, ‘મેં તને કહ્યું હતું ને કે તું હજુ નાની છે. તારી જાણ માટે...પોલીસને તારી રિર્વોલ્વરના રૂપમાં જડબેસલાક પૂરાવો મળી ગયો છે.’

‘તો પછી આપ કોની રાહ જુઓ છો ?’સાધનાના અવાજમાં હવે જરા પણ ભય કે ગભરાટ નહોતી., ‘મારી ધરપકડ કરવા માટે શું આપ ગોર મહારાજને બોલાવીને ચોઘડીયું. જોવડાવવા માગો છો ? લો...’એણે પોતાના બંને હાથ આગળ લંબાવ્યા, ‘પહેરાવી દો હાથકડી !’

નાગપાલના સંકેતથી લેડી ઈન્સ્પેક્ટર મક્કમ ડગલે આગળ વધી.

પણ એણે સાધનાના હાથમાં હાથકડી પહેરાવી દીધી.

ત્યારબાદ સાધનાને જીપમાં બેસાડીને પોલીસ હેડક્વાર્ટરે લઈ જવામાં આવી.

સી.આઈ.ડી. વિભાગે આપેલા રિપોર્ટ પરથી ઈન્સ્પેક્ટર વામનરાવે ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દીધું.

કોર્ટે બે દિવસ પછીની તારીખ આપી.

આ બે દિવસ દરમિયાન સાધનાને લોકઅપમાં જ રાખવામાં આવી.

સેવકરામ તથા સવિતાદેવી સાધનાને જામીન પર છોડાવવાના પુષ્કળ પ્રયાસો કર્યા અને તેઓ સાધનાને જામીન પર છોડવી પણ લેત !

એટલું જ નહીં, એણે કોઈની સાથે વાત કરવાની પણ ના પાડી દીધી.

છેવટે નિરાશ થઈને સેવકરામે સાધનાનો કેસ લડવા માટે એડવોકટ સુબોધ જોશીને રોકી લીધો.

વકીલાતના કરારપત્રમાં પણ સાધનાએ માંડમાંડ સહી કરી હતી. બાકી એ વકીલ રોકવાની પણ ના પાડતી હતી.

પરંતુ સવિતાદેવીની હઠ પાસે તેને નમતું જોખવું પડ્યું હતું.

***