VISHAD YOG- CHAPTER-20 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ-20

નિશીથે દરવાજો ખોલ્યો તો સામે નૈના હસતી ઊભી હતી. નિશીથતો તેને જોઇને આશ્ચર્યથી બોલ્યો “નૈના તું અહીં ક્યાંથી આવી?” આ સાંભળી નૈના હસતા હસતા બોલી “પહેલા અંદરતો આવવા દે કે પછી મારે અંદર અવાય એવુ નથી?” આ સાંભળી નિશીથ બાજુમાં ખસ્યો એટલે નૈના અંદર દાખલ થઇ અને કશિશ પાસે જઇને તેને ભેટી પડી. નૈનાએ ધીમેથી કશિશને કાનમાં કહ્યું “મને લાગે છે હું ખોટા સમયે આવી છું. તમને બંનેને ડિસ્ટર્બ કર્યા લાગે છે. શું રામાંશ ચાલતો હતો?” આ સાંભળી કશિશ હસી પડી અને નૈનાથી છુટા પડતા બોલી “આવતા સાથેજ મજાક ચાલુ કરી દીધી. કેવી રહી તારી મુસાફરી?”

“સારી રહી પણ તારા જેટલી રોમેંટીક નહીં.” નૈનાએ આંખ મારતા કહ્યું.

આ સાંભળી નિશીથે કહ્યું “તમે બંને પહેલા મને એ કહેશો કે આ બધુ શું છે?” પછી નિશીથે કશિશ તરફ જોઇને કહ્યું “ શું તને ખબર હતી કે નૈના અત્યારે આવવાની છે?”

“હા, કાલે મમ્મીનો ફોન હતો ત્યારે તેણે કહેલું કે તેને અને સુનંદા આન્ટીને મારી બહું ચિંતા થાય છે એટલે તે બંનેએ નૈનાના મમ્મી પપ્પાને મળીને નૈનાને મારી સાથે મોકલવા માટે કન્વીન્સ કરી લીધા છે. નૈના કાલે સુરત આવી જશે.”

આ સાંભળી નિશીથે કહ્યું “તો તે મને કેમ કહ્યું નહીં.” આ સાંભળી નૈનાએ હસતા હસતા કહ્યું. “કારણકે મેજ તેને ના પાડી હતી. હું તને સરપ્રાઇઝ આપવા માંગતી હતી.” આ સાંભળી નિશીથ હસી પડ્યો અને બોલ્યો “તમે બંને પણ જબરી છો બાકી. ચાલ હવે એ કહે કે જમવાનું શું કર્યું?”

“કશું ખાધું નથી યાર, જોરદાર ભુખ લાગી છે. કંઇક ખાવું તો પડશેજ.” નૈનાએ કહ્યું.

“હા, હવે સરપ્રાઇઝ આપ્યું છે તો રહે ભુખી. અત્યારે શું મળવાનું હવે?” એમ કહી નિશીથે રિસેપ્શનમાં ફોન કરી સેન્ડવિચ અને કૉફી મંગાવી. નાસ્તો આવ્યો એટલે નૈના નાસ્તો કરતી રહી અને ત્રણેય વાતો કરતા રહ્યાં. નાસ્તો પત્યો એટલે નિશીથ ઊંઘવા માટે જવા લાગ્યો એ જોઇ નૈનાએ કહ્યું “સોરી નિશીથ, તારો અહીં રોકાવાનો પ્લાન મારા લીધે બગડી ગયો.” આ સાંભળી નિશીથે કહ્યું “તને શું લાગે છે? તું ના આવી હોત તો પણ તારી આ મિત્રએ મને અહીં રહેવા માટે પરમિશન આપી હોત? તું ના આવી હોત તો પણ મારે તો મારા રૂમમાંજ સુવાનું હતું. તું આવી એતો સારું થયું, હવે મને કશિશની બહું ચીંતા નહી રહે.” એમ કહી નિશીથે નૈનાની મજાક કરતા કહ્યું “જો તારે કોઇને તારી સાથે રહેવાની ઇચ્છા હોય તો કહે હજુ એક રૂમ બુક કરાવી આપુ.”

“ ના ભાઇ મારા નસીબ આ કશિશ જેવા કયાં છે? જેની સાથે કોઇ રહેવા તૈયાર છે તેને કદર નથી અને અહીં કોઇ તૈયાર જ નથી.” આ સાંભળી કશીશે નૈનાને જોરદાર મુક્કો માર્યો. આ જોઇ નિશીથ હસતો-હસતો તેના રૂમમાં સુવા માટે જતો રહ્યો.

બીજા દિવસે નિશીથ અને સમીર તેની કારમાં ઘોઘાથી ભાવનગર તરફ જતા રસ્તા પર કારમાં જઇ રહ્યા હતા. સવારે ચારેય નાસ્તો કરતા હતા ત્યારેજ નક્કી કરી લીધુ હતું કે સમીર અને નિશીથ અનાથાશ્રમ જશે જ્યારે કશિશ અને નૈના સુરતજ રોકાશે એટલે જો કંઇ જરૂર પડે તો તે લોકો રઘુવિરભાઇનો કોન્ટેક્ટ કરી શકે. પહેલાતો કશિશે, નિશીથ અને સમીરને એકલા જવા દેવાની ના પાડી પણ પછી તેને નિશીથની વાત સાચી લાગી એટલે તેણે બહું વિરોઘ કર્યો નહીં. સમીર અને નિશીથ આવ્યા તે રીતેજ ફરી પાછા રૉ-રૉ ફેરીમાં ઘોઘા ઉતર્યા અને ત્યાંથી કાર લઇને ભાવનગર તરફ આગળ વધ્યા. તે લોકો જ્યારે ભાવનગર પહોંચ્યાં તારે સાંજનાં 6 વાગવા આવ્યા હતા તે લોકો એ નક્કી કરેલું કે આપણે સુર્ય આથમે પછીજ અનાથાશ્રમમાં જવું જેથી કોઇનુ ધ્યાન ન જાય. તે લોકોએ ભાવનગરમાંથી જોઇતી વસ્તુઓ ખરીદી અને પછી ધીમે ધીમે અનાથાશ્રમ તરફ આગળ વધ્યા. ગઇકાળે રાત્રે નિશીથે કહેલુ કે ભિમસિંહ બાપાને સાથે લઇ જઇશું. પણ રસ્તામાં બંને એ વિચાર્યુ કે તે લોકો એકલાજ જશે. જો કંઇ જરૂર પડશે તો ભિમસિંહ બાપાનો કોંટેક્ટ કરશે. આમ પણ રઘુવિરભાઇએ એમ કહ્યું કે ‘તમે અહીં આવ્યા છો તે કોઇને કહેતા નહીં’ ત્યારથીજ નિશીથને સમજાઇ ગયું હતું કે આ વાતમાં ભિમસિંહબાપા કે રઘુવિરભાઇને સાથે લેવામાં ખોટું ફસાઇ જવાઇ એમ છે. એટલે તે બંનેએ એકલાજ જવાનુ નક્કી કર્યુ.

----------------*****************----------------*********-----------****------------

વિરમની ઊંઘ ઉડી ત્યારે બપોર થઇ ગઇ હતી. સુરસિંહ જમવાનું બનાવતો હતો. વિરમે ઉઠી મો ધોયુ અને પછી જવા માટે નિકળતો હતો ત્યાં સુરસિંહે કહ્યું “આજે અહીંજ જમીને જજે. મારે તારી સાથે થોડી વાત કરવી છે.” વિરમે સુરસિંહના ચહેરા પરથી લાગ્યુ કે ચોક્કસ કોઇ સિરિયસ વાત છે એટલે તે ફરીથી ઓરડીમાં આવીને બેઠો. થોડીવારમાં સુરસિંહે જમવાનું કાઢ્યુ અને બને જમ્યા. જમ્યાબાદ સુરસિંહે તેના ખીસ્સામાંથી બંને કાગળ કાઢી વિરમને બતાવ્યા અને કહ્યું “આ શું છે?” આ કાગળ જોઇ વિરમતો સુરસિંહ સામે જોઇજ રહ્યો. હવે તેને સમજાઇ ગયું હતું કે કેમ તેને આજે અત્યાર સુધી ઊંઘ આવી હતી. તેને એ વાત પણ સમજાઇ ગઇ હતી કે સુરસિંહે તેને ઊંઘની ગોળી પીવડાવીને તેના રૂમની તલાસી લીધી હતી. વિરમને કંઇ જવાબ ન સુજતા તેણે પુછ્યું “આ તમને ક્યાંથી મળ્યા?” આ સાંભળી સુરસિંહના મોં પર તુચ્છકાર ભર્યુ સ્મિત આવી ગયું અને તે બોલ્યો “એ તને ખબર જ છે કે મને આ ક્યાંથી મળ્યા છે. પહેલા મને તું એ જણાવ કે આ બધું શું છે? અને હવે એકવાત સમજી લે કે, જો તારે મારી સાથે રહેવું હોય તો મને બધુંજ જણાવી દે નહીંતર આ જ ઘડીથી આપણે છુટા થઇ જઇએ.” સુરસિંહની વાર સાંભળી વિરમને સમજાઇ ગયું હતુ કે હવે તેને બધુજ કહ્યા વગર ચાલશે નહીં. તેણે વાત શરુ કરતા કહ્યું “ જો તને તો ખબર છે કે તે દિવસે આપણને બંનેને કૃપાલસિંહે આચાર્ય પર ધ્યાન રાખવાં કહ્યું હતુ. અને તે દિવસે આચાર્ય જયારે તેનું ઘર છોડીને તેના પુત્રને લઇને ભાગ્યા ત્યારે આપણે શું કરવુ તે ન સમજાતા આપણે કૃપાલસિંહને પુછવા ગયાં અને કૃપાલસિંહે આપણને આચાર્યને મારી નાખવાનું કહ્યું હતુ.” આ સાંભળી સુરસિંહે કહ્યું “એ બધુ મને ખબર છે એ સિવાય તું નવું શું જાણે છે? એ કહે.”

વિરમે કહ્યું “હું જેલમાંથી છુટીને નીકળ્યો ત્યારે મને જાણવાં મળ્યું કે શક્તિસિંહનાં ખૂંન થયા પછી કૃપાલસિંહ એકદમ સુધરી ગયો હતો. તેણે લોકોને મદદ કરવાનું ચાલું કરી દીધું હતું. મે થોડી વધારે તપાસ કરી અને તેના એક નજીકના માણસને ફોડ્યો તો તેણે મને કહ્યું કે કૃપાલસિંહે એક નકશો અને એક ચિત્રના આધારે પાલીતાણાનાં શંત્રુજય ડુંગરમાં ખુબજ તપાસ કરાવેલી. તેના માણસ આખો ડુંગર ખુંદી વળ્યા હતા પણ, તેને જે જોઇતી હતી તે વસ્તુ મળી નહી. વધુ તપાસ કરતા ખબર પડી કે કૃપાલસિંહ કોઇ ખજાનાની શોધમાં હતો. તે જે નકશો અને ચિત્ર લઇને શોધતા હતા તે મે મેળવેલો અને આ બંને કાગળ તેની ઝેરોક્ષજ છે. ત્યારબાદ મે ઘણી મહેનત કરી છતા મને તેનાથી આગળ કંઇ પણ જાણવા મળ્યું નથી.” આખી વાત સાંભળી સુરસિંહ કાગળ જોવા લાગ્યો અને બોલ્યો “ આ ચિત્ર તો જૈન ધર્મનું છે. અને આ નકશો તો પાલીતાણાનોજ છે.” પણ આ નકશો આવ્યો કયાંથી? અને આ ખજાનો કોનો છે? સુરસિંહે ઘણી મગજની કસરત કરી પણ વિરમે જે કીધુ તેનાથી તે આગળ વધી શક્યો નહીં. આખરે તેણે વિરમને કહ્યું “મારે પેલા માણસને મળવું છે જેણે તને આ માહિતી આપી હતી.” આ સાંભળી વિરમે કહ્યું “ઓકે હું તેને મળીને વાત કરું છું, જો તૈયાર થશે તો હું તમને જાણ કરીશ.” ત્યારબાદ વિરમ ત્યાંથી નીકળી ગયો. સુરસિંહ પણ વિરમના ગયા પછી ઊંઘી ગયો.

------------**********---------------********---------------******-----------------

વિલી બીજા દિવસે ઊઠીને નિકળવાની તૈયારી કરતો હતો ત્યાં તેના મોબાઇલમાં સાહેબનો ફોન આવ્યો વિલીએ ફોન ઊંચક્યો એટલે સાહેબે કહ્યું “ લોકેશન બોલ?” એ સાથેજ વીલી એ કહ્યું “ પાર્ટી સાઇટ”. ફોન ઉપર સાહેબ હંમેશા વિલી સાથે કોડવર્ડમાંજ વાત કરતા. સાહેબના ફાર્મહાઉસ માટેનો કોડવર્ડ પાર્ટી સાઇટ હતો. આ સાંભળી સાહેબે કહ્યું “ રિપોર્ટ હેડક્વાર્ટર. ઇમર્જન્સી” આ હમણાજ સાહેબને તેના બંગલા પર મળવા જવાનો કોડવર્ડ હતો. વિલીએ કારને ફરીથી ગાંધીનગર તરફ જવા દીધી. ગાંધીનગર પહોંચ્યો ત્યારે સાહેબ તેની રાહ જોઇને બેઠા હતા. વિલી આવતાજ તેણે કહ્યું “કેટલુ કલેક્શન થયુ છે?”

“ લગભગ બધુંજ થઇ ગયું છે. હવે બે ત્રણ સુરતના અને બે ભાવનગરના બીઝનેસમેન બાકી રહ્યા છે. ” વિલીએ ખુરશીમાં બેસતા કહ્યું.

“ હવે સાંભળ તેમાંથી જે પણ આપણું કમીશન છે હમણા તારા એકાઉન્ટમાંજ રાખજે અને બીજી વાત આ બધુ કલેકશન તું તારી પાસે રાખજે હું કહું ત્યાં પહોંચાડી દે જે. તને અત્યારે એટલા માટે બોલાવ્યો છે કે તું ભાવનગર જાય ત્યારે આપણે જે અનાથાશ્રમની જમીન લીધી છે, તે જોતો આવજે. તેનો દસ્તાવેજ ગંભીરસિંહના નામે કરવાનો છે.” અને પછી થોડુ હસીને બોલ્યા “એ બહાને તારી કર્મભુમી પણ પાછી જોવા મળશે.” આ સાંભળી વિલી પણ હસી પડ્યો અને બોલ્યો “ હા, મારી કર્મભુમી અને આપણા બંનેના ગઠબંધનની જ્યાંથી શરૂઆત થઇ હતી તે જગ્યા.” ત્યારબાદ વિલી થોડીવાતો કરી ત્યાંથી નિકળી ગયો. વિલીએ કારને ફરીથી તેના ઘર તરફ લીધી. તેને હવે ઘરનું આકર્ષણ ધીમે-ધીમે વધી રહ્યું હતુ અને તેનું કારણ હતું તેનો દીકરો. તેને આવેલો જોઇને તેના દીકરાના મોં પર જે ખુશી આવી જતી તે દૃશ્ય જોવાની તલબજ વિલીને ઘર તરફ ખેંચી જતી. તેના દીકરાના નિર્દોશ સવાલ અને એકદમ માસુમ હાસ્ય જોઇ તેને દિલમાં હવે પોતાના ભુતકાળના કાર્યો માટે નફરત થવા લાગી હતી. તેને હવે એક પ્રકારનો પસ્તાવો થતો હતો. તેને ક્યારેક તો આ બધાજ કામ છોડીને પરિવાર સાથે ક્યાંક જતું રહેવાનું મન થતું હતું પણ તે જાણતો હતો કે આ કયારેય શક્ય બનવાનું નથી. તે જે ધંધામાં હતો તે વનવે રસ્તા જેવો હતો જેમાં દાખલ તમે તમારી મરજીથી થાવ છો પણ તેમાંથી પાછું વળવાનો કોઇ અવકાશ નથી હોતો. દરેક ગુનેગાર માટે જીવનમાં એક એવી ક્ષણ જરૂર આવે છે, જ્યારે તેને પોતાના ગુના માટે પસ્તાવો થાય છે પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. વિલી માટે પણ આજ સમય હતો જ્યારે તેના દીકરાના ચહેરા પરની ખુશી તેને તેના ગુનાઓની યાદ અપાવતો હતો અને તે ધીમે ધીમે અંદરથી બદલાઇ રહ્યો હતો. આજે પણ તેને આજ લાગણી તેના ઘર તરફ દોરી જઇ રહી હતી. વીલીએ હવે નક્કી કર્યુ હતુ કે ભાવનગર બે ત્રણ દિવસ રોકાવુ પડશે એટલે આજે ઘરે જઇને કાલે ભાવનગર જવા નીકળશે. ત્યારે વિલીને ક્યાં ખબર હતી કે હવે ભાવનગર તેની સાથે શું થવાનું છે? વિલીને એ પણ ક્યાં ખબર હતી કે જે છોકરીને કાલે રાત્રે તેણે હવસનો શિકાર બનાવી હતી તેણે તેનું આખુ રેકોર્ડીંગ કરી લીધું હતું અને વિલી જેવો સાહેબને મળવા જવા માટે ફાર્મ હાઉસમાંથી બહાર નીકળ્યો એ સાથેજ પેલી છોકરી પણ બહાર નીકળી અને રેકોર્ડિંગ કરેલી પેનડ્રાઇવ તેણે એક માણસને આપી દીધી. આ જ માણસ આગળ જતા વિલીની જિંદગીમાં તોફાન લાવવાનો હતો. અને આજ માણસ નિશીથને પણ મળવાનો હતો.

-----------**********-------------------************--------************----------

નિશીથ અને સમીર જ્યારે અનાથાશ્રમ પહોંચ્યા ત્યારે દૂરથીજ તેણે જોયું કે અનાથાશ્રમના મેદાનમાં લાઇટ ચાલું છે. આ જોઇ બંને મુંજાયા કે હવે શું કરવું? તે લોકો તો એજ આશાએ આવ્યા હતા કે અનાથાશ્રમ બંધ છે અને ત્યાં કોઇ આવતું નથી, પણ અહીંતો પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી. આ જોઇ નિશીથને પહેલા તો એવો વિચાર આવ્યો કે શું કોઇને અમારા આવવાની જાણ થઇ ગઇ હશે? પણ તરતજ તેને પોતાના વિચાર પર હસવું આવ્યું કે અમે અહીં આવવાના છીએ તે અમને પણ આજેજ ખબર પડી તો પછી બીજા કોઇને કયાંથી ખબર હોય?

“હવે શું કરીશું? કોઇક અંદર હોય એવુ લાગે છે.” સમીરે પુછ્યું.

“હા, હું પણ એજ વિચારુ છું કે હવે શું કરવું? કારની લાઇટ બંધ કરી દે આપણે રાહ જોઇએ. જો આવેલો વ્યક્તિ જતો રહે તો પછી અંદર જઇશું.” ત્યારબાદ સમીરે કારની લાઇટ બંધ કરી દીધી અને તે લોકો રાહ જોતા બેઠા. બે ત્રણ કલાક બેસવા છતા કોઇ બહાર ન નીકળ્યું એટલે નિશીથે સમીરને કહ્યું “ હું ત્યાં નજીક જઇને જોઇ આવું છું કે અંદર કોણ છે? અને કેટલા વ્યક્તિ છે? તું કાર ચાલુ કરીને રાખ. જો કંઇ એવું બને તો તરતજ ભાગી શકાય.” એમ કહી નિશીથ કારની બહાર નીકળ્યો અને અનાથાશ્રમના ગેટ તરફ ગયો. લપાતા છુપાતા ગેટ પાસે પહોંચી તેણે ગેટમાં જોયું તો અનાથાશ્રમના મેદાનમાં ખાટલા પર એક વ્યક્તિ બેઠો હતો. તેની બાજુમાં શરાબની બોટલ અને ગ્લાસ હતા. તેના પરથી નિશીથને ખ્યાલ આવી ગયો કે તે અહીંજ રોકાવાનો છે. નિશીથ થોડીવાર ત્યાંજ ઊભો રહ્યો અને આખા મેદાનમાં નજર ફેરવી લીધી અને થોડીવારમાં તેને સમજાઇ ગયું કે અહીં તે એકજ વ્યક્તિ છે અને કદાચ તે અહીંનો ચોકીદાર હોઇ શકે. હવે શું કરવું જોઇએ તે વિચારતો કાર તરફ આગળ વધ્યો. કારમાં બેસતા તેણે સમીરને કહ્યું “ત્યાંતો એક માણસ આરામથી બેસી દારુ પી રહ્યો છે. મારા ખ્યાલથી તે અહીંનો ચોકીદાર હોવો જોઇએ.”

આ સાંભળી સમીર થોડો વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “તો હવે અત્યારે અંદર જવુ તો સેફ નથી. એક કામ કરીએ કદાચ આ ચોકીદાર રાત્રેજ અહીં રહેતો હશે. કેમકે આપણે અગાઉ આવ્યા ત્યારે અહીં કોઇ નહોતુ. આપણે એક કામ કરીએ કાલે દિવસે અહીં ફરીથી આવીશું. કદાચ તે રાતેજ અહીં રહેતો હશે કેમકે આપણે પહેલા અહીં આવ્યા હતા ત્યારે તો અહીં કોઇ નહોતું. નિશીથને પણ સમીરની વાત બરાબર લાગતા તેણે સમીરને કહ્યું “તું કહે છે તે બરાબર છે જો કાલે દિવસે પણ તે અહીંજ હશે તો બીજુ કંઇક વિચારીશું. ચાલ કારને વાળી લે અત્યારે ‘રંગોલીપાર્ક હોટેલ’ પર જઇને ઊંઘી જઇએ.” ત્યારબાદ બંને હોટેલ પર જઇને ઊંઘી ગયા. બીજા દિવસે બપોરે તે બંને ફરીથી અનાથાશ્રમ ગયાં અને જોયું તો સુરસિંહ ત્યાંજ હતો. થોડીવાર કારમાં બેસી તે બંનેએ નક્કી કરી લીધું કે આ ચોકીદારને મળીનેજ કામ પતાવવું પડશે. બંને કારમાંથી ઉતરી અનાથાશ્રમમાં દાખલ થયા. સુરસિંહે તે બંનેને જોયા છતા તે બેઠો હતો ત્યાંજ બેસી રહ્યો. નિશીથ અને સમીર બંને સુરસિંહ પાસે ગયા. “અમારે આ અનાથાશ્રમના સંચાલકને મળવું છે.” નિશીથે સિધીજ વાતની શરૂઆત કરી.

“આ આશ્રમતો ઘણા સમયથી બંધ થઇ ગયો છે. હવે અહીં કોઇ સંચાલક નથી.” સુરસિંહે કહ્યું.

“અમારે અહીંથી થોડી માહિતી જોઇતી હોય તો અમારે કોને મળવું પડશે?” સમીરે વાત આગળ વધારતા કહ્યું.

“હવે અહીં કોઇજ આવતું નથી. મને તેના વિશે કંઇ ખબર નથી.” સુરસિંહે વાત પુરી કરવા માટે એકદમ તોછડાઇથી જવાબ આપ્યો. નિશીથને લાગ્યુ કે હવે તેને ચોખ્ખીજ વાત કરી દેવી પડશે એટલે તેણે કહ્યું “જો અમારે અહીંથી થોડી માહિતી જોઇએ છે. તમે અમને અંદર જવા દો તો તમને પણ ફાયદો થશે.” આ સાંભળી પહેલા તો સુરસિંહનો પીતો ગયો પણ તે કંઇ બોલ્યો નહી એટલે નિશીથે આગળ કહ્યું “જો અમારે અહીં અનાથાશ્રમના રેકર્ડમાંથી થોડી માહીતી જોઇએ છે. અમે અહીંથી કંઇ લઇ જવા માંગતા નથી પણ માત્ર રેકર્ડનો ફોટો પાડી લઇશું. અને તેના બદલામાં તમને દસ હજાર રૂપીયા આપીશું.” આ સાંભળતાજ સુરસિંહ થોડો ચોંકી ગયો અને તેણે નિશીથ સામે જોયું. આમપણ તેને પૈસાની જરૂર હતી એટલે તેણે પુછ્યું “તમારે શેનો રેકર્ડ જોવો છે?”

“ અમારે અહીંથી જે લોકો છોકરા દત્તક લઇ જાય છે તેનો રેકર્ડ જોવો છે.” નિશીથે બોલ્યો.

“ પણ તે રેકર્ડ અહીંજ છે તે તમને કેમ ખબર પડી? આ તો દસ વર્ષથી બંધ છે. તે રેકર્ડ હજુ સુધી અહીં હોય તે શક્ય નથી.” સુરસિંહે પુછ્યું.

“તમે અમને માત્ર અંદર તપાસ કરવા દો પછી જો તે રેકર્ડ નહીં મળે તો પણ તમને તમારા પૈસા મળી જશે.” નિશીથ સુરસિંહની નસ જાણી ગયો હતો એટલે તેણે સીધીજ વાત કરી દીધી.

સુરસિંહે વિચાર્યુ કે આમ પણ હવે થોડા દિવસમાં આ અનાથાશ્રમનું બિલ્ડીંગ પાડીને બીજુ કંઇ બનવાનું છે એટલે આ બધા રેકર્ડ હવે કોઇ કામના નથી. દસ હજાર રૂપીયાના બદલામાં આ સોદો કંઇ ખોટો નથી, આ લોકો ભલેને ચેક કરતા. થોડીવાર બાદ તેણે કહ્યું “ઓકે ચાલો મારી સાથે.” એમ કહી તે ઊભો થયો અને ઓરડીમાંથી અનાથાશ્રમની ચાવી લાવ્યો. ચાવીના જુડામાંથી બેચાર ચાવી લગાવી ત્યારે અનાથાશ્રમનો મેઇન ડોર ખુલ્યો. દરવાજો ખુલતાજ અંદરથી બંધ મકાનની વાસ નાકમાં પ્રવેસી અને નિશીથે નાક આડો રૂમાલ રાખી દીધો. નિશીથે અંદર દાખલ થઇ આખા રૂમમાં નજર ફેરવી. મકાન દસ વર્ષથી બંધ હોવાથી તેની હાલત એકદમ ખરાબ હતી. ચારે બાજુ કચરો અને કરોળીયાના જાળા બાજેલા હતા. નીચે ફર્સ પર કબુતરની ચરકનુ એક આવરણ છવાઇ ગયુ હતુ. નિશીથ અને સમીર અંદર દાખલ થયા એટલે સુરસિંહે કહ્યું “તમે લોકો ચેક કરો હું બહાર છું.” એમ કહી તેણે ચાવીનો જુડો નિશીથને આપી દીધો અને તે બહાર નીકળી ગયો. સુરસિંહને ડર હતો કે કોઇ આવી જશે તો તેનું આવી બનશે. એક તો તેને કોઇ કામ આપતું નથી, તેમા જો કોઇને આ ખબર પડી જશે તો આ નોકરી પણ જતી રહેશે, એટલે તે બહાર રહી કોઇ આવતુ નથીને તે ધ્યાન રાખવા માગતો હતો. સુરસિંહના ગયા પછી સમીર અને નિશીથ સીડી ચડી પહેલા માળ પર ગયાં અને સીડીની ડાબી બાજુનો જે બીજો રૂમ હતો તે ખોલી રૂમમાં દાખલ થયા. આ રૂમ પણ બધાજ સ્ટોરરૂમની જેમ કબાટ અને ફાઇલના ઘોડાઓથી ભરેલો હતો. બધાજ કબાટ પર ધુળ અને કચરો છવાયેલો હતો. નિશીથે એક લાકડી લઇ રૂમમાં બાજેલા કરોળીયાના જાળા દુર કર્યા અને પછી બંને મિત્રો બધાજ કબાટ તપાસવા લાગ્યા. એકાદ કલાકની થકવી નાખે તેવી કવાયત પછી નિશીથના હાથમાં એક ફાઇલ આવી જેમાં નીશીથનો જન્મ જે સાલમાં થયો હતો તે વર્ષમાં દત્તક લેવાયેલા બાળકોનો રેકર્ડ હતો. નિશીથ તે ફાઇલના પતા ફેરવતો ગયો અને અચાનક એક પેઝ પર આવીને રોકાઇ ગયો. આ પેઝ પર સુનંદાબેન અને સુમિતભાઇનું નામ લખ્યું હતું. નિશીથે તે પેઝ પર બધીજ વિગત વાંચવા માંડી. તેમાં એક કોષ્ટક બનાવેલુ હતુ જેમા બધી વિગતો લખેલી હતી. આ કોષ્ટકમાં છેલ્લુ કોલમ “બાળક અનાથાઆશ્રમમાં ક્યાંથી આવ્યુ?” તેની વિગતનું હતું. નિશીથે આ કોલમમાં લખેલી માહિતી જોઇ તો તેમા "હરીઓમ" લખ્યુ હતું. આ વાંચી નિશીથ કંફ્યુઝ થઇ ગયો કે આ ‘હરીઓમ’ શું છે? તેણે બીજા બાળકોની માહિતીના પેજ પર આ કોલમ જોયુ તો તેમાં ઘણી જગ્યાએ જેના દ્વારા બાળકો અનાથાઆશ્રમમાં આવ્યા હોય તેના નામ લખેલા હતા અને અમુક જગ્યાએ ખાલી ખાના હતા. નિશીથે ફરીથી તેનુ પેજ કાઢી અને જોયું. તેણે ઘણીવાર સુધી વિચાર કર્યો પણ આ ‘હરીઓમ’ શું છે તે કંઇ સમજાયું નહીં. નિશીથે આ પેજના ફોટા પાડ્યા અને પછી બીજી ફાઇલ શોધવા લાગ્યો. આમને આમ તે લોકો એ બે ત્રણ કલાક શોધખોળ કરી પણ એ ફાઇલ સિવાય ક્યાંય પણ કશુજ મળ્યું નહીં. અંતે તે લોકોએ કંટાળ્યા. નિશીથે ફરીથી પેલી ફાઇલ ચેક કરી અને સમીરને બતાવી. સમીરે પણ ઘણુ વિચાર્યુ પણ આ ‘હરીઓમ’ એટલે શું તે કંઇ સમજાયુ નહીં. અંતે બંને બહાર નીકળ્યા. નિશીથે બહાર નીકળી જોયું તો તેનો સર્ટ એકદમ ખરાબ થઇ ગયો હતો એટલે તેણે શર્ટ કાઢી નાખ્યો અને ખંખેરવા લાગ્યો. તે બંનેને બહાર આવેલા જોઇને સુરસિંહ તેની પાસે આવ્યો એટલે નિશીથે સર્ટ સમીરને આપ્યો અને ખીસ્સમાંથી પાકીટ કાઢી અને સુરસિંહ સામે પૈસા ધર્યા. પણ સુરસિંહતો તેને ફાટી આંખે જોઇ રહ્યો હતો. નિશીથની નજર જેવી સુરસિંહને ના ચહેરા પર ગઇ એ સાથેજ તે ચોકી ગયો સુરસિંહનો ચહેરો તો જાણે ભુત જોઇ ગયો હોય તેવો થઇ ગયો હતો. આ જોઇ નિશીથે પુછ્યું "અરે કાકા તમને શું થઇ ગયું? તમારી તબિયત તો સારી છે ને?" આ સાંભળી સુરસિંહ "જાણે છળી પડ્યો હોય તેમ બોલ્યો “હા, હા સારી છે." ત્યારબાદ નિશીથે તેને રુપીયા આપ્યા અને તે લોકો ત્યાંથી નિકળી ગયા. સુરસિંહ તો જાણે સામેજ મોત દેખાઇ ગયું હોય તેમ તે નિશીથ અને સમીરને જતા જોઇ રહ્યો અને પુતળાની જેમ સ્થીર થઇ ગયો હતો.

---------********---------------------**********------------******-------------

સુરસિંહ એવું શું જોઇ ગયો હતો? નિશીથને મળેલી વિગત પરથી શું જાણવા મળશે? વિલીની દરેક હિલચાલ કોણ રેકર્ડ કરી રહ્યું છે? વિલીની જિદગી કંઇ રીતે બદલાશે? વિલીની જિંદગીમાં આગળ શું થશે? વિલીનું બધુ રેકોર્ડિંગ કોણ કરી રહ્યુ છે? નિશીથનો પીછો કોણ કરી રહ્યું છે?વિલી આ બધાજ સાથે કઇ રીતે જોડાશે? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે?અને શુ કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-------------------------********************--------------------------*****************-------------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

Share

NEW REALESED