Gadano haar books and stories free download online pdf in Gujarati

ગળાનો હાર

       શહેરની પેલી અજાણી યુવતીએ એની સામે હાથ લંબાવ્યો. કંઈ જ ન સૂઝતા એણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. માત્ર પાંપણ જ ફરકાવ્યે રાખી.
      
      "મિસ્ટર! તમારું નામ?"
     
      એ કંઈ બોલી શક્યો નહીં.
      ખરું કહો તો કંઈ ઉત્તર વાળવાની એની ત્રેવડ જ નહોતી રહીં.
      ફરી પૂછવાથી એણે હિંમત કરી, કહ્યું:
      "ચોર"
     
      યુવતીએ એના પ્રત્યુત્તરને હળવાશમાં લીધો.
      ને ફરી સાચો જવાબ આપવા કહ્યું.
      "મેડમ! નામમાં દાટ્યું છે શું? મારુ તો કામ બોલે છે કામ!"
      વળી આગળ કહ્યું:"બાપાએ પાડેલું નામ તો સ્મરણમાં રહ્યું નથી કિન્તું ગામલોકો મને ચોર કહીને જ સંબોધે છે!"
     
      એ શહેરમાં નવો - નવો આવ્યો હતો. ટીવી સિવાય સગી નજરોથી એ પહેલીવાર શહેરને નિહાળી રહ્યો હતો.
    * 
        ઘરેથી પ્રસ્થાન કરતી વખતે આખરીવાર એણે પત્નીને કહ્યું હતું:"આ વખતે એટલો અને એવો માલ ચોરીને લાવીશ કે તું જિંદગીભર વિચારતી રહીશ કે મારો વાલમો શું લઈ આવ્યો છે!"
      અને એની પત્નીએ મૌન વદને ઝળઝળિયા ભરી આંખે વિદાય આપી હતી.
      પત્નીનું નામ પ્રેમા. 
      એ પરણીને આવી એ પહેલાથી રાઘવનું આ જ કામ:ચોરી કરવાનું!  એને એ ગમતું નહોતું પણ એણે રાઘવને અને એના કામને પનારે પાડ્યા સિવાય છૂટકો જ નહોતો. રાઘવ એને એના ગળાનો મખમૂલા હાર સમો ભાસતો હતો. એની એક જ આદત- ચોરી બાકી એના સિવાયની દરેક બાબતે એ પ્રેમાને પ્રગાઢ પ્રેમ કરતો હતો.
    
       પ્રેમા ઘણીવાર એના પિતાજી પર ગુસ્સે થઈ આવતી. પણ પિતાના માન મર્યાદા એને સંયમમાં રહેવા મજબૂર કરતા. ઘણીવાર એ મનમાં બબડતી:" બાળલગ્ન- બાળ સગાઈ નો અંત ક્યારે આવશે? ક્યાં સુધી આવા કુરિવાજોની હોળીમાં અનેકોના અરમાનો બળતા રહેશે!"
*
          ટ્રેનના દરવાજાની બારી પાસે યુવાનીથી ધગધગતી યુવતી બેઠી હતી. એનો ઠાઠ એની અદા અનું અસ્તિત્વ એ શ્રીમંત હોવાની ચાડી ખાઈ રહી હતી. અને હતીયે ગર્ભશ્રીમંત! એના ચહેરાનો મલકાટ જાણે ગુલાબનું ફૂલ! એની લટ વારેઘડીએ હવામાં લહેરાતી રહેતી હતી. આકર્ષક મોહકતા એના અસ્તિત્વમાંથી છલકી રહી હતી. ટ્રેનમાં મુસાફરી કરવી એ એનો અલાયદો શોખ હતો. દરવાજા પાસે ઊભો -ઊભો રાઘવ એ યુવતીને અમિનેષ નજરે તાકી રહ્યો હતો. જોનારને એમ જ લાગી રહ્યું કે કાં તો રાઘવ ભવોભવના બંધને બંધાશે કે આજ પછી કોઈ ભવે ભેળા થઈ શકશે નહીં. એવામાં અચાનક એ યુવતીની નજર રાઘવ ઉપર પડી. બન્નેની નજરો મળી. રાઘવના ગાત્રો સહેજ ઢીલા પડ્યા. અને તરત જ એેણે પોતાની નજરોને એ યુવતીના ગળામાં નાખી દીધી, જ્યા એનું લક્ષ્ય હતું. અને અચાનક એના હૃદયમાં જાણે કંઈક સળવળાટ થયો હોય એવું એને મહેસુસ થયું! એ વિચારે ચડ્યો. સમજી ન શકાય એવા ગડમથલના અશ્વારૂઢે થયો. જેમ જેમ ટ્રેન રફતાર પકડી રહી હતી એમ ઘડીએ ઘડીએ રાઘવ અને એની સામે બેઠેલી યુવતીની નજરો ટકરાતી જતી હતી. એ ટકરાવ એકમેક તરફ અજાણ્યો છતાં મીઠું ખેંચાણ કરતો હતો. અને એમાંથી જાણે કંઈક અજાણ્યું તત્વ પેદા થઇ રહ્યું  હતું.
            રાઘવનું એક જ લક્ષ્ય હતું:'યુવતીના ગળામાં રહેલો સોનાનો હાર ચોરવાનું!'  ક્યારે મોકો મળે અને ક્યારેય યુવતીના ગળામાંથી સોનાનો હાર આંચકીને ભાગી જાય! એવી ફિરાકમાં ઊભેલો રાઘવ એકટસ બની રહ્યો હતો અને પેલી યુવતી રાઘવને માણી રહી હતી.  અંતરના સિંહાસન પર જાણે રાજ્યાભિષેક કરી રહી હતી.
       પેલી યુવતી પોતાને તાકી રહી હોવાથી રાઘવને કંઈક વહેમ પડ્યો. એ રેલવેના બાથરૂમમાં જઈ આવ્યો. પોતાનો ચહેરો અરીસામાં જોઈ આવ્યો. અને એ મનમાંને-મનમાં જ ખુશીથી બેવડ વળી ગયો.મનમાં જ બોલ્યો:'સાલુ કંઈક તો છે બદલાવેલા આ ચહેરામાં! નહીતર એ યુવતી મને અજાણ્યાને આમ  જુએ નહીં! એને ખબર તો નથી કે હું ચોર  છું અને એની ચોરી કરવાના ફિરાકમાં છું!
      
       રાઘવ ના હૈયામાં ન સમજાય એવી ફડક પેઠી.

       એ બહાર આવીને પહેલાની સ્થિતિમાં  ઊભો રહી ગયો. થોડી શહેરી સ્ટાઈલ મારી. અને પેલી યુવતીના સોનાના હારને ચોરવાના પાસા ગોઠવવામાં લાગી ગયો.
       આગળ નું સ્ટેશન આવવાની તૈયારીમાં હતુ. અને એકવાર ફરીથી જેવી એની નજર ગળામાંથી ઝૂકીને પેલી યુવતીની નજરને ટકરાઈ કે એ જ નાજુક  ક્ષણે પેલી યુવતીએ મધુર હાસ્ય રેલાવ્યું. રાઘવ સહેજ શરમાઈ ને આડું જોઈ ગયો. એના ચહેરા પર ચડતી જવાનીની ઉભરાતી લાગણીની કુમાશભરી રતાશની લાલી ઉપસી આવી. ફરીથી એના હૃદયમાં કંઈક સળવળાટ થયો. ઘડીક રહીને પુન: પેલી યુવતીની નજરથી આંખ મિલાવી. એનામાં થોડી હિંમત આવી. રાઘવને હતું કે યુવતી એને ગમે તે કારણે પસંદ કરી રહી છે. એનો ગેરલાભ ઉઠાવીને એ ચેન લઈને ભાગી જવાના વિચારોમાં રત હતો. એવામાં જ પેલી યુવતીએ સીધો સવાલ કર્યો:'         મિસ્ટર! મારા ગળાનો હાર બનવાનો વિચાર છે કે પછી એ હારને લૂંટવાનો ઇરાદો છે?'

       અને  એ માસૂમ ઘડીએ અચાનક રાઘવથી બોલાઈ ગયું હતું:
       "બન્ને!"
       અને એ જ ક્ષણે એ અતીતમાં સરી પડ્યો.
       એ શહેર આવવા નીકળ્યો હતો ત્યારે એના એક દૂરના મિત્રે કહ્યું હતું:'રાઘવ! શહેરમાં ગામડિયાની રીતે ચોરી કરવી મુશ્કેલ છે! શહેરની અંદર ચોરી કરવી હોય તો સ્માર્ટ ચોર બનવું પડે. અને એના માટે તારે સ્માર્ટ બનવું પડશે.તારા કપડાં, સ્ટાઇલ, ચહેરાના હાવભાવ -દેખાવ પ્રોફેશનલ કરવો પડશે. તો જ તું સારામાં સારી અને મોટામાં મોટી ચોરી કરવામાં સફળ થઈશ. બાકી બધી જગ્યાએ આવા દેદાર લઈને જઈશ તો લોકો તને ફકીર કે પાગલ સમજીને દૂરથી જ ધિક્કારશે. અને તને મોટી ચોરી કરવાનો અવકાશ મળશે નહીં.'
        એ દોસ્તની વાત માનીને રાઘવે પોતાના દેશી દેખાવને શહેરી સ્માર્ટતામાં પરિવર્તન કરી નાખ્યો. એને જોઈને કોઈ એમ ના કહી શકે કે એ અભણ ગામડીયો અને ચોર છે. જોનારને પહેલી જ નજરે એમ લાગે કે રાઘવ પ્રોફેશનલ વ્યક્તિ છે. એવો એ સ્માર્ટ બની ગયો હતો. બધી જ બાબતોમાં એ જ સ્માર્ટનેસ અત્યારે એને કામ આપી રહ્યું હતું: એક
યુવતીનુ ગળું અને બીજો ગળાનો હાર!

*
         રાઘવનો ધંધો ચોરીનો. રોજ કંઈક ને કંઈક નાની મોટી ચોરીઓ કરીને ગુજરાન ચલાવી લેતો. ગામડા ગામમાંથી મોટી ચોરીની અપેક્ષા નહોતી જ. પરિવારમાં બે બાળકો હતાં. શરીરે ખડતલ રાઘવને કામ કરવું ગમતું નહીં. બચપણની કેટલીક બૂરી ટેવોએ એને ચોરીના ખરાબ ખપ્પરમાં હડસેલી આપ્યો હતો. પોતાના સગા ગામમાં કદી ચોરી નહીં કરવાની એની પાક્કી નેમ. રોજ આસપાસના ગામમાંથી ગમે તે લૂંટી લાવતો.  જે દિવસે કંઈક ચોરવા ન મળે એ દિવસે ટંક ટાળવા એ કોઈ મંદિરની દાન પેટીમાંથી ખપ પૂરતું ઉપાડી લાવતો હતો.
         આમ કરતા એક દિવસ એને શહેરમાં જઈ મોટી ચોરી કરવાનો ચસ્કો ઉપડ્યો અને એણે શહેર ભણી ચરણ ઉપાડ્યા.
         *
         "શેની ચોરી કરો છો યાર?"
         "જે હાથ લાગે એ!"
          "આ લત છૂટે એમ નથી?"
          "હા, એકવાર જીવનભર ચાલે એટલું હાથ લાગી જાય પછી!"
          "તો તમારી એ આદત છૂટી ગઈ સમજો!"
          *

          એક સવારે આલીશાન ગાડી અને લાડી  રાઘવના આંગણે આવી ઊભી રહી. રાઘવની પત્ની એ જોઈ અચરજથી નાહી રહી. પળવારે એ ધબકારો ચૂકી ગઈ. કિંતું સંયમમાં રહેવાની એને આદત પડી ગઈ હતી.
          સઅશ્રુએ એ મનમાં બબડી:" મારો વા'લો કહેતો હતો કે આ ફેરે એવી મોટી ચોરી કરી લાવીશ કે તું જિંદગીભર વિચારતી રહીશ કે શું માલ લાવ્યો છે!"