Pratiksha - 30 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૩૦

રાતના છેલ્લા પ્રહરમાં જેમ આખું શહેર અંધકારની ચાદર ઓઢીને સુઈ જાય તેમ ઉર્વા પણ છેલ્લા પ્રહરમાં મીઠી ઊંઘ માણી રહી હતી. ખુબ રડવાને લીધે તેના ગાલ પર સુકાયેલા આંસુના ડાઘ થઇ ગયા હતા. તે ગાઢ ઊંઘમાં હતી તો પણ તેના ચેહરા પર ઉચાટ અકબંધ હતો. મનસ્વી ત્યાંજ તેની સેટી સામે પડેલી ચેર પર બેસીને ઉર્વાને મન ભરીને નીરખી રહી હતી. જો તેના બાળકો હોત તો કદાચ આ જ ઉંમરના હોત. આવા જ દેખાતા હોત. આ રૂમમાં જ આમ સુઈ રહ્યા હોત. મનસ્વીની અંદર આ વિચારો વારાફરતી આવીને શમી જતા હતા.
તે જાણવા ઈચ્છતી હતી કે ઉર્વા એમજ આટલું બધું કેમ રડી? પણ કેમ પૂછવું તે તેને સમજાતું જ નહોતું. તે કનેક્શન શોધવાની કોશિશ કરી રહી હતી. રચિતનું અને ઉર્વાનું અચાનક આવવું. પછી રચિતનું ચાલ્યું જવું. રચિતનો ચિંતિત અવાજે ફોન અને પછી ઉર્વાનું ધ્રુસકે ધ્રુસકે રડવું... બહુ સામાન્ય લાગતું હતું કે ઉર્વા રચિતના ઝઘડાને લીધે સ્ત્રી સહજ લાગણીવશ ઉર્વા રડતી હોય પણ આ વાત એટલી સામાન્ય હોય એવું મનસ્વીનું મન માની નહોતું શકતું. તે હજુ આ બધું વિચારી જ રહી હતી કે ફરી રચિતનો ફોન તેના ફોન પર આવ્યો,
“હા રચિત...” ઉર્વા જાગી ના જાય એટલે સાવ ધીમેથી મનસ્વી બોલી
“અરે ભાઈ, બે માંથી એક ફોન તો ઉપાડતા જાવ. અહિયાં હું હેરાન થઇ ગયો છું...” રચિતના અવાજમાં ગુસ્સો અને ચિંતા બન્ને હતા.
“ઉર્વા સુઈ ગઈ છે. ચિંતા ના કર. બહુ રડતી હતી એટલે હું એની પાસે હતી. હવે એ ઠીક છે એટલે ફોન ઉપાડ્યો. બોલ...” મનસ્વીને લાગ્યું કે અત્યારે રચિતને ઉર્વાના રડવા વાળી કહેવાથી કંઇક ખબર પડશે. પણ રચિત થોડીવાર કંઈ બોલ્યો જ નહી.
રચિત હકીકતે તો મૂંઝાઈ રહ્યો હતો કે મનસ્વીને કહેવું પણ શું... બધું જ સાચું જાણતા હોવું પણ અભિશાપથી ઓછુ નથી હોતું તે તેને ત્યારે સમજાતું હતું. પોતાને લીધે ઉર્વા રડી એટલે પણ તેને ખરાબ લાગતું હતું. પણ તે કરી શકે એમેય નહોતો એ બાબતે કંઈ.
“રચિત...” મનસ્વીએ રચિતનો જવાબ ના આવતા ફોન પર કહ્યું.
“હા, હા માસી, બહુ રડી નથી ને વધારે એ? હવે ઠીક છે ને?” રચિત પણ જાણતો હતો કે તે ઠીક ના હોય પણ તો ય તેણે પૂછવા ખાતર પૂછ્યું.
“હા, એ ઠીક છે. સુઈ ગઈ છે. ઉઠે ત્યારે વાત કરી લે જે હો.” મનસ્વી કહી રહી ને ત્યાંજ ઉર્વાએ પડખું ફેરવ્યું.
“ચલ મારા અવાજથી એ ઉઠી જશે. બાય...” મનસ્વી ઉર્વાને આમ જોવાનો મોકો જતો કરવા નહોતી માંગતી અને તેની ઊંઘમાં ખલેલ પણ નહોતી પહોંચાડવા માંગતી એટલે તેણે જ ફોન કાપી નાંખ્યો.

“તમે હજુ જાગો છો?” ફોન કાપી મનસ્વી ફોનમાં રહેલા નોટીફીકેશન જોઈ જ રહી હતી કે ઉર્વાનો અવાજ તેના કાને પડ્યો. તેને એવું જ લાગ્યું કે પોતાને લીધે ઉર્વા જાગી ગઈ.
“મારા અવાજના લીધે ઉઠી ગઈ ને તું... કેવી સરસ સુતી હતી!” મનસ્વીને આમ તેનું ઉઠી જવું સહેજ ના ગમ્યું.
“ના ના આંટી એવું કંઈ નથી. આ તો બસ એમજ જાગી ગઈ.” ઉર્વા સેટી પર બેઠી થતા બોલી.
“કંઈ પીશ? કોફી બનાવું?” મનસ્વીની નજર સામે હજુ હીબકા ભરતી ઉર્વા તરવરી રહી હતી.
“નહિ. બસ બેસોને મારી પાસે... બહુ ટાઇમેં સારું લાગેછે.” ઉર્વાથી બોલી જવાયું. તે બસ લાગણી નીતરતી આંખે અનંતમાં જોઈ રહી.
“ઘર યાદ આવે છે? પહેલીવાર એકલી નીકળી છે?” મનસ્વીનું મસ્તિષ્ક હજુ અટકળો લગાવી રહ્યું હતું.
“ઘર... ઘર હોય શું?” ઉર્વાનો અવાજ તેની તરડાઇ ગયેલી લાગણીઓની અંદર આવતો સાફ સંભળાતો હતો. મનસ્વી પણ ક્ષણભર તે ટોન સાંભળી હચમચી ગઈ પણ વળતી જ ક્ષણે તેણે ઉર્વાના ચેહરા પર સ્મિત ફરી વળતા જોયું
“ના આંટી... ઘર યાદ નથી આવતું. એમ તો આદત છે બહાર રહેવાની પણ આ મુંબઈથી અમદાવાદનું ટ્રાવેલિંગ અને ફ્રેન્ડ સાથે ચાલતા કોન્સ્ટન્ટ ઝઘડા... ઉપરથી રેવા પણ નથી અત્યારે મારા ઝઘડા હેન્ડલ કરવા. તો એની યાદ આવી ગઈ ને રડાઈ ગયું.” ઉર્વાના ચેહરા પર કંઇજ ના થયું હોય એવા ભાવ હતા. તેણે બહુ સિફતથી પોતાની બધી જ લાગણીઓ હાસ્યમાં છુપાવી દીધી. તે હસી રહી હતી.
“અચ્છા રેવા કોણ?” મનસ્વીને પણ તેને હસતી જોઇને ઘણી રાહત થઇ રહી હતી.
“રેવા... મારું બધુય. મારી ફ્રેન્ડ, મારા ઘરની ઓનર, મારી ડોક્ટર, મારી ટ્રેઈનર એન્ડ યા મારા ફ્રેન્ડ્સની ફુલ ટાઇમ લોયર“ ઉર્વા બહુ મસ્તીથી વાત કરી રહી હતી.
“એટલે? સમજાયું નહિ...” મનસ્વીને પણ રસ પડી રહ્યો હતો.
“એટલે મારી મોમ. રેવા. આજે બહુ યાદ આવતી હતી. આઈ વીશ...” ઉર્વાથી મસ્તીમાં પણ એક નિસાસો નંખાઈ ગયો.
“તો કોલ કરી લે ને. વાત કરી લે એમની સાથે...” મનસ્વી સાહજિક ભાવે બોલી.
“અરે કોલ તો હમણાં કરી લઉં પણ આ ધીરુભાઈના દીકરાએ નેટવર્કની સર્વિસ હજુ ત્યાં સુધી ચાલુ કરી નથી.”
“એટલે?”
“રેવા ઈઝ નો મોર. એ એ દુનિયામાં છે જ્યાં નેટવર્ક નથી આવતું...” ઉર્વાના ચેહરા પર સ્મિત એમ જ હતું પણ આંખના ખૂણે ભીનાશ આવી ગઈ હતી.
“ઓહ!” મનસ્વી થોડીવાર હલી ગઈ. આટલી મસ્તીથી વાત કરતા કરતા પણ આ છોકરી કેટલી ખતરનાક વાત કહી ગઈ. તે થોડીવાર કંઇજ બોલવા જેવી ના રહી. બાળક વિના જીવવું જેટલું અઘરું હોય એટલું જ માં વિના જીવવું પણ હોય એવું મનસ્વી બહુ સારી રીતે સમજતી.
“એકઝેટલી ઓહ!” ઉર્વા ચાળા પાડતી હોય તેમ બોલી અને ઉમેર્યું, “જે સાંભળે છે રેવાની વાત એ બધા આમજ કોન્ડોલન્સ આપે છે. રીલેક્સ આંટી. જે થઇ ગયું છે એ બદલી નથી શકાતું અને જે ચાલ્યું ગયું હોય તેની રાહમાં બેસી પણ નથી રહેવાતું... પછી એ જીવીત હોય તો પણ અને મૃત હોય તો પણ...” ઉર્વાની લાઈફને જોવાની રીત મનસ્વીને સ્પર્શી ગઈ. આવડી ઉંમરે આટલી કલીયારીટી ખરેખર દાદ માંગી લે એવી હતી.
“તો શું હતું તારી મોમને?” મનસ્વી જનરલી બધે જ મૃત્યુની વાત આવતા કરાતો પ્રશ્ન કરી રહી.
“ઓહ પ્લીઝ, સ્પેર ધ વર્ડ મોમ, હું એને રેવા જ કહું છું. અને એને આ દુનિયાનો સૌથી ભયાનક રોગ થયો હતો, પ્રેમ...” ઉર્વાના શબ્દમાં રમુજ પણ હતી અને ધાર પણ.
“ઉર્વા તું કોઈ વસ્તુ સીધેસીધી બોલી શકે??” મનસ્વી પણ તેની વાત કરવાની સ્ટાઈલથી વિચારમાં પડી ગઈ હતી.
“અરે સાચું જ તો કીધું. એક વખત પ્રેમમાં શું પડી એ. પોતાની દુનિયા જ ભૂલી ગઈ. ૨૦ વરસ એ આગમાં એ સળગતી જ રહી ગઈ. એની પાસે બધુય હતું. પણ એ એક વ્યક્તિની ગેરહાજરી એ એની ઝીંદગી જ વ્યર્થ કરી નાખી. અને એ પ્રેમ એ જ એને મારી નાંખી.” ઉર્વાના અવાજમાં હવે ગંભીરતા અને નફરત ભળી રહી હતી.
“તારા ડેડ...” મનસ્વીને સમજાતું જ નહોતું કે બોલે શું આમાં?
“એમને તો ખબર પણ નહોતી કે હું છું કે રેવા એમના વગર કેવી છે એ...” ઉર્વાના ગળે ડૂમો બાઝ્યો પણ એને તરત જ ખંખેરી નાંખ્યો, “પ્રેમ બલા જ આવી હોય બધુય કરાવે. જાન બની પણ જાય અને જાન લઇ પણ લે... બહુ વિચારવાનું નહિ.” ઉર્વાના ચેહરા પર ફરીથી હાસ્ય ફરી વળ્યું.
પણ મનસ્વી તેની સામે ને સામે જ જોઈ રહી હતી. બધુય ખોઈને પણ તેની આ સ્વસ્થતા તેને સમજાતી નહોતી. આ છોકરી જેને તે માંડ ૬ કલાકથી ઓળખતી હશે તેના માટે તેને ખુબ માન થઇ રહ્યું હતું.

“રડવાની, વાતચીતની અને અસમંજસની રાતો ખતમ થઇ. કંઇક કરવાની સવાર શરુ થઇ ગઈ છે...” ઉર્વા મનસ્વીને બારીની બહાર ઉગતું પરોઢ બતાવી રહી.
“તું કઈ બલા છે હેં?” મનસ્વીથી મજાકમાં જ પોતાના મનની વાત આવી ગઈ.
“ઉર્વા રેવા દીક્ષિત.” ઉર્વા હસી પડીને ઉમેર્યું, “મારા હાથની કોફી પીશો?” મનસ્વીએ ફક્ત હકારમાં માથું હલાવ્યું ને ઉર્વાની પાછળ જ કિચનમાં દોરવાતી ગઈ.

***

કહાન અડધા કલાકથી હોલમાં આંટા મારી રહ્યો હતો. વારંવાર તેની નજર સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળ પર જતી હતી. ના ખાવાનો હોશ હતો ના સુવાનો બસ હતી તો પ્રતિક્ષા માત્ર કે રચિત આવે ને કોઈપણ રસ્તે ઉર્વાને પાછી લાવી શકાય.
“ઘડિયાળ જોયે રાખવાથી ઉર્વા નહિ આવે પાછી....” દેવે પાછળ બેઠા બેઠા જ કીધું.
“તમે ટોન ના મારો ને. વિચારવા દો.” કહાન હવે વધુ સાંભળવાના મૂડમાં નહોતો.
“શું વિચાર્યું? ઓલાને મોટા ઉપાડે બોલાવી તો લીધો મુંબઈ, હવે ઉર્વાને પાછી કેમ લાવશું? ઉર્વાને શું કહીશું? કંઈ મગજ હાલ્યું?”
“ના, ને એનું ઘર છે અહિયાં. મુંબઈ આજે નહી તો કાલે આવી જ જશે. બીજે જવાની ય ક્યાં છે એ? ને હવે આપણા સિવાય છે પણ કોણ એનું?” કહાન મન પડે તેમ તાળા મેળવી રહ્યો હતો.
“મને ખરેખર નથી સમજાતું હો તને ઉર્વા જેવી છોકરીએ હા કેમ પાડી?” દેવ તીખાશથી બોલ્યો ને કહાન તેની સામે જોઈ રહ્યો, “જોવે છે શું? બુદ્ધિનો છાંટો નથી ને ઉર્વા જેવી છોકરી ભેગો ફરશ!! તું કાનુડો કહેછે ને પોતાને?આટલી છોકરીઓને તારી આગળ પાછળ ફરતા જોઈ છે બધાએ. એમાંથી ઘણી તારી રાધા બનવા મરે છે તો ઘણી રુકમણી બનવા પણ આ, આ તો કૃષ્ણના હોઠ પર સજેલી બંસી છે. પોતાનામાં જ એનું આખું અસ્તિત્વ છે. કૃષ્ણના અસ્તિત્વ માટે બંસીની જરૂર પડે. બંસીને નહિ. એ એકલી જ પોતાનામાં સંપૂર્ણ છે. એ કેમ ભૂલી જાય છે તું? એ તારી આત્માનો ભાગ છે. એ કોઈ સામાન્ય છોકરી નથી જે પાછી ફરીને આવે. એ તને મળવાની પણ ના કહી દેશે” દેવ સમજાવી રહ્યો
“તો શું કરશું?” કહાન ત્યાંજ બેસી ગયો જમીન પર
“કોઈ એવું કારણ જોઇશે. એવું મોટું કારણ જોઇશે કે ઉર્વા એના કારણે મળવાનો ઇનકાર જ ના કરી શકે.” દેવનો મગજ પણ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો
“આઈ થીંક આઈ હેવ વન...”

***

(ક્રમશઃ)