Niyati - 17 books and stories free download online pdf in Gujarati

નિયતિ - ૧૭

“ આઇ લવ યુ !” 

મુરલીએ થોડી પળો ખામોશ રહીને ક્રિષ્નાને માથે હાથ મૂકીને એની આંખોમાં આંખો પરોવી કહ્યું.

ક્રિષ્ના માટે એની આંખોમાં જોઈ રહેવું આશાન ન હતું. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. એની પીઠ દીવાલને અઢેલીને એ ઉભી હતી, પાછળ જવાની જગ્યા ન હતી. એણે માથું બીજી બાજુવાળી લીધું. એના ચમકતા ગાલ અને ગરદન પર મુરલીની નજર ફરી રહી હતી એ નજરના બાણ  સીધા ક્રિષ્નાના દિલ પર વાગતાં હતા. એના હોઠ ધ્રુજી રહ્યા હતા. મુરલી જાણે હોશ ખોઈ બેઠો હોય એમ ધીરે ધીરે નજીક આવી રહ્યો હતો. ક્રિષ્નાને થયું કે એને હવે અહીંથી ચાલ્યા જવું જોઈએ પણ, એના પગ ઉઠવાનું નામ જ નહતા લેતા. એનું આખું શરીર કોઈ અદૃશ્ય શક્તિએ બાંધી રાખ્યું હોય એમ એ જડવત ઊભી હતી.

 મુરલી થોડો વધારે આગળ વધ્યો અને ક્રિષ્નાના ધ્રુજતા હોઠ પર એક પ્રગાઢ ચુંબન કરી રહ્યો. ક્રિષ્નાનો શ્વાસ ગુંગળાતો હતો એનું મોં થોડું ખુલ્યું અને એની નસે નસમા લોહી પૂરપાટ ઝડપે દોડવા લાગયું. મુરલીની જીભ સાથે ક્રિષ્નાની જીભ અડી ગઈ હતી, મળી ગઈ હતી  અને એ સ્પર્શે કંઇક જાદુ કર્યું ! ક્રિષ્નાના સંયમને તોડી નાખ્યો. એ બધું જ ભૂલીને બસ એ ચુંબનને, એ અલૌકિક સ્પર્શને માણી રહી. એના હાથ મુરલીને ફરતે વીંટળાઈ રહ્યા. મુરલી પણ  અનન્ય આવેગને વશ થઇ ક્રિષ્નાને પોતાની બાહુઓમા ભીંસી રહ્યો. બંને નિર્બળ મનુષ્ય કામદેવના શિકાર બની એકબીજાના અધરોનું પાન કરી રહ્યા.

ક્રિષ્નાને લાગ્યું  એનું શરીર હલકું થઈ રહ્યું છે, વધારે ને વધારે હલકું ! એ જાણે ઉડી રહી છે અને અચાનક આવી ચડેલી કોઈ વાદળી પર એ પટકાઈને દુનિયાનું સર્વોત્તમ સુખ પામી રહી છે. નાજુક, રુના ઢગલા જેવી વાદળી પર એ પડી છે કોઈ એના માથામાં હળવે હળવે આંગળીઓ ફેરવી રહ્યું છે. એ અપાર શાંતિનો અનુભવ કરી રહી હતી. મુરલી હવે એની પાસે નહતો. અચાનક આવેલા ઠંડા પવનથી એને સહેજ ઠંડી લાગી રહી હતી ત્યારેજ એક બીજી નરમ મુલાયમ વાદળી આવીને ચાદરની જેમ એના પર પથરાઈ ગઈ. મુરલી ક્યાં ગયો ? મુરલી....મુરલી...?

ક્રિષ્ના સૂઈ ગઈ હતી. એક પ્રગાઢ ચુંબન આપ્યા પછી દસ કે પંદર મિનિટ રહીને મુરલી હોશમાં આવી ગયેલો. એને એની સીમા ખબર હતી. ક્રિષ્ના તંદ્રાવસ્થામાં હતી. મુરલીએ એને ધીરેથી ઉંચકીને પલંગ પર સુવડાવી હતી. હળવા હાથે એના માથામાં આંગળીઓ ફેરવી એને સુવા દીધી.  એ.સી. ચાલુ કર્યું અને પાતળો બ્લેંકેટ ઓઢાડી એ બહાર નીકળી ગયો હતો... ક્રિષ્ના હજી ઊંઘમાં મુરલીના નામના જાપ કરી રહી હતી....


સવારે ક્રિષ્નાની આંખ ખુલી ત્યારે અજાણી જગાએ પોતાને જોતા એ સફાળી બેઠી થઇ ગઇ. એના શરીર પરનો બ્લેંકેટ દૂર કરી એને પોતાના પર નજર નાખી. એની સાડી હજી એમની એમ હતી. ખભા પર સાડીનો પલ્લું સાચવવા ભરાવેલી સેફ્ટીપીન પણ જેમની તેમ હતી. રાતની વાત એને થોડી થોડી યાદ હતી. એ બારી પાસે ઊભી હતી મુરલી એની પાસે આવેલો, ઓહ એ અદભુત ચુંબન પછી, એ ક્યારે અહી પલંગ પર આવી એ એને યાદ ન હતું. આખીરાત એને સપના જોયા હતા. દરેક સપનામાં એની સાથે મુરલી હતો. બરોબર કંઈ યાદ ન હતું. એ વિચારે પહેલાં જ કોઈએ એને બોલાવી,

“ ગુડ મોરનિંગ મેમ !” 

રોઝીએ સ્મિત સાથે એને એક ગુલાબ આપતા અંગ્રેજીમાં કહ્યું, “ આ તમારા માટે મુરલીસર આપી ગયા છે. તમારો સવારનો નાસ્તો હું તૈયાર કરું ત્યાં સુધીમાં આપ નાહીને તૈયાર થઈ જાવ.”

ક્રિષ્નાએ ગુલાબ હાથમાં લઈને એને નાકે અડાડ્યું. એને આ બધું એક સપના જેવું લાગી રહ્યું. એની સામે ઉભેલી રોઝીએ આજે ગુલાબી ફ્રોક પહેરેલું. નખશીખ અંગ્રેજ એ છોકરી કોઈ પરી જેટલી રૂપાળી હતી !

“ તમારી પાસે બીજા કપડાં છે ? નહિતર સર નવા મંગાવી આપશે !”

“ મારી પાસે બીજી જોડી કપડાં છે, તમારા સર ક્યાં છે ?” ક્રિષ્નાએ હસીને ઊભા થતા પૂછ્યું.

“ સર તો સવારે છ વાગે બાજુના ગામમાં જઈને એમનું કામ કરે છે, આઠ વાગ્યે આવી જશે. ” રોઝી રોબોટની જેમ જવાબ આપતી હતી ક્રિષ્નાને મજા પડી.

તૈયાર થઈને એ નીચે ગઈ ત્યારે એક બીજું આશ્ચર્ય એની રાહ જોઈ રહ્યું હતું. કિચનની એક બાજુની દીવાલને છેડે લાઇન બંધ ખુરસી આવે એટલી જગા છોડીને મોટું દસ માણસો આરામથી બેસી શકે એવું ટેબલ ગોઠવાયેલું હતું. એ ટેબલ પર સાત જણા બેઠા બેઠા ક્રિષ્નાની રાહ જોઈ રહ્યા હતા. જેવી ક્રિષ્ના ત્યાં આવી કે તરત જ બધાએ એક સાથે એને ગુડ મોરનિંગ કહ્યું. એણે હસીને બધા તરફ એક નજર ફેંકી જવાબ આપ્યો. રોઝીએ ફટોફટ એમની સામે  દૂધ અને કોર્નફ્લેક્સ ભરેલા વાડકા મુક્યા એ લોકો ચમચી લઈ એ ખાવા લાગ્યા. ક્રિષ્ના માટે ચા અને બે આલું પરોઠા મુકાયા. કંઈ વિચાર્યા વગર ક્રિષ્નાએ પહેલાં પેટ પૂજા કરી.

“ મેમ ! બીજા પરોઠા આપુ. ” 

“ ના, બસ. પેટ ભરાઈ ગયું. ખૂબ સ્વાદિષ્ટ હતા. તે બનાવેલા?”

“ હા હું અહીં શેફ છું. રોજ સર માટે અને આ બધાને માટે ખાવાનું બનાવું છું. સાફ સફાઈ હું નથી કરતી એ લક્ષ્મી કરે છે.” રોઝીએ વગર પૂછે ઘણું કહી દીધું.

પેલા સાતે જણ ઉભા થયા અને સીડી ચડીને ઉપર જતા હતા ત્યારે જ ક્રિષ્નાનું ધ્યાન ગયું એ બધા અપંગ હતા. એ લોકો લંગડાતા હતા છતાં ધીરે ધીરે સીડી ચઢી રહ્યા.

“ બધા લંગડા છે. અને એવાને જ સર નોકરીમાં રાખે છે. એ લોકો ઉપર ત્રીજામાલે ઓફિસમાં જઈને કોમ્યુટર પર કામ કરશે.બે વાગે જમવા આવશે તે સાંજે સાત વાગે ફરી નીચે આવીને ઘરે જસે. એ લોકો સરના પાર્ટનર છે. અડધી કમાણી એ લોકો લઈ જાય મને તો બસ પચીસ હજાર પગાર મળે છે.”

થોડી ઉદાસ થઈને રોઝી બોલી. એના અગ્રેજી ઉચ્ચાર હવે ક્રિષ્ના સમજવા લાગી.

ક્રિષ્નાને થયું પચીસ હજાર ખાલી રસોઈ કરવા માટે. મુરલી શું ગાંડો છે ?

ક્રિષ્ના બહાર આવી અને દરવાજા ઉપર એક નજર નાખી. મુરલી કે એનું બાઈક ત્યાં ન હતા. એને પાછળ બગીચામાં ચક્કર મારવાનું મન થયું. એ એણે હંમેશા રાત્રે જ જોયો હતો. તે દિવસે રાત્રે એ જે રસ્તે ત્યાં પહોંચેલી એ જ રસ્તે એ ફરીથી ગઈ. દિવસના અજવાળામાં એને ખ્યાલ આવ્યો કે જ્યાં બગીચો પૂરો થતો હતો ત્યાં કંપાઉન્ડ વૉલને અડીને નાની નાની ઓરડી જેવા ત્રણ ચાર મકાન આવેલા હતા. લક્ષ્મી ત્યાં બેઠેલા કોઈ પાસે વાત કરી રહી હતી. ક્રિષ્ના ને યાદ આવ્યું એ કોઈ તો એની ઓફિસનો પટાવાળો શિવું હતો. એણે જ તો મુરલી સાથે પહેલીવાર એની ઓળખાણ કરાવેલી.

“ અરે તમે અહીં !”  ક્રિષ્ના ત્યાં જઈને આશ્ચર્યથી બોલી.

“ મેતો રોજ ઇધર આતા મેડમ, તુમ યહાં ?

હવે શું બોલવું ? ક્રિષ્ના થોડી ગૂંચવાઈ ગઈ. કેવો મૂરખ જેવો પોતે સવાલ પૂછેલો...

“ મેરા લડકા યહાં કામ કરતા. મુરલીને ઉસે કામ શિખાયા ઔર કામ પે રખા. ઉસકા એક પાવ નહિ હે,  એક એક્સીડન્ટમે પેર કાતના પડા. વો બહોત ઉદાસ હો ગયા થા. મુરલીને ઉસે સંભાલ લીયા. વો બહોત અચ્છા લડકા ! મેરે લડકે જેસે ઔર છે લોગોકોભી ઉસને કામ દિયા. ”

“ એમની વાતો ના સાંભળતી એ ખાલી મારા વખાણ કરે છે.” પાછળથી આવીને મુરલીએ કહ્યું.

કાળું પેન્ટ અને આછા બ્લૂ રંગના શર્ટમા એ સારો લાગતો હતો. એના શર્ટની બાય એને કંઈ બેફિકરાઈથી કોણી સુંધી વાળી હતી. એના હોઠો પર એ જ ચિરપરિચિત સ્મિત હતું. એના એક ગાલ પરના ખાડામાં ક્રિષ્નાની નજર ચોંટી હતી. મુરલીએ સહેજ ઝટકા સાથે એને પોતાની તરફ ખેંચી. ક્રિષ્નાનું ધ્યાન ન હતું એ મુરલીની છાતી સાથે અથડાઈ, બરોબર એ જ વખતે જ્યાં ક્રિષ્ના ઊભી હતી ત્યાં એક નારિયેળ ઉપરથી આવીને પડ્યું. મુરલીએ ઉપર જોઈને નારિયેળ પાડવા ઉપર ચડેલા મજૂરને ખખડાવ્યો.

“ ચા નાસ્તો કર્યો કે નહીં ?” મુરલીએ હજી એની છાતી સાથે દબાઈ ને ઊભેલી ક્રિષ્નાની આંખોમાં જોઈ પૂછ્યું.

“હા.” ક્રિષ્ના થોડી અળગી થતાં બોલી.

થોડીવાર બધા ચર્ચા કરતા રહ્યા અને પછી મુરલી ક્રિષ્ના ને એની રૂમ પર છોડી આવ્યો હતો. એક નવો જ અનુભવ લઈને ક્રિષ્ના પાછી ફરી હતી. મુરલી વિશે એને જાણવા મળ્યું કે અે એક સોફ્ટવેર એન્જિનિયર હતો. સારામાં સારી નોકરી છોડી  પોતાનો ધંધો જમાવી રહ્યો હતો. એના ઘરના ત્રીજે માળે એની ઑફિસ ચાલતી હતી જેમાં એ વિકલાંગોને કામ પર રાખતો. આસપાસના લોકો અને કેટલાક ગામવાળા એમના હસ્તકલાના નમૂના મુરલીને આપી જતા એને મુરલી વિદેશમાં સારી એવી કિંમતે વેચી આપતો. ઇન્ટરનેટ નો અદભુત ઉપયોગ કરી એણે આ કામ ઘણું વિસ્તાર્યું હતું. વાંસ અને માટીની બનેલી વિવિધ વસ્તુઓ અને હાથથી ભરત ભરેલા કપડાની વિદેશમાં સારી માંગ હતી મુરલી એ પૂરી કરતો.  એના માટે એને જાતે એક સોફ્ટવેર બનાવેલું જેની મદદથી એ કામ સરળતાથી એની ઑફિસનો સ્ટાફ કરી લેતો. એની વેબસાઇટ પર કેટલીયે જાહેરાત હતી. હજારોની સંખ્યામાં એને ફોલો કરનાર હતા. છાપામાં એના કોમ્પ્યુટરને લગતા આર્ટિકલની ખાસી માંગ હતી. એના બ્લોગ પર એ લોકોને કમ્પ્યુટરને લગતી બાબતોની જાણકારી આપતો. ફેસબુક જેવું એનું પોતાનું એક એપ બનાવવાનું એનું સપનું હતું એ માટે એ અત્યારે કામ કરી રહ્યો હતો.

ફરીથી સાંજે મુરલી ક્રિષ્નાની ઓફીસે આવેલો. બંને સાથે જ બહાર નીકળ્યા હતા. બંને સાથે દેવદર્શને ગયેલા. ફરીથી મંદિર બહાર આવેલી એજ બેન્ચ પર બંને બેઠાં જ્યાં પહેલી વખત બેઠેલા. વાતોમાં ને વાતોમાં ક્રિષ્નાને રોઝી અને લક્ષ્મી વિશે જાણ થઈ.

રોઝી અંગ્રેજ માતા અને ઇન્ડિયન પિતાનું સંતાન હતી. બેંગલોરમાં એવા કેટલાય પરિવાર હતા જેમનો એક છેડો અંગ્રેજ સાથે જોડાયેલો હોય. એ લોકો એમના નાનકડા સમાજમાં જ બંધાઈ રહેવાનું પસંદ કરતા. રોઝી ખૂબ ચંચળ છોકરી, એને એક લોકલ છોકરા સાથે પ્રેમ થઈ ગયો. ઘરમાંથી એ સંબંધને મંજૂરી ના મળતા એ લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા. રોઝીના ઘરવાળા ખૂબ ગુસ્સે થયા અને એની સાથેનો સંબંધ તોડી નાખ્યો. રાહુલ, એ છોકરો હજી પગભર થયો ન હતો. હાલમાંજ એણે કોલેજ પાસ કરેલી એના ઘરમાયે રોઝી માટે જગા ન હતી. રાહુલ મુરલીનો દોસ્ત હતો,  ફેસબુક પર એણે રાહુલની મદદ કરી. રોઝીને ઘરમાં રસોઈનું કામ આપ્યું અને એને હજી આગળ ભણવા બહાર મોકલ્યો. રોઝીને મળતો પગાર રાહુલના ભણતર પાછળ ખર્ચાતો હતો. રોઝી પાછળ આવેલા નોકરો માટેના ઘરોમાંથી એક ઘરમાં રહેતી એની બાજુમાં લક્ષ્મી રહેતી હતી.

લક્ષ્મીની વાત પણ કંઇ આવી જ હતી. એનો ઘરવાળો ગુજરી ગયા પછી સાસરીવાળાએ એને એના વિધુર જેઠ સાથે પરણી જવા જબરજસ્તી કરી. બધા લોકોને એ વાત યોગ્ય લાગી, લક્ષ્મીના પિયરીયા પણ માની ગયા. પણ લક્ષ્મીને હવે લગ્ન કરવા જ ન હતા. એની એક છોકરી સાથે એ એકલી જ જીવવા માંગતી હતી. એના ગામમાં મુરલી ઘણાંને ઘરે માટીના બનેલા કલાત્મક વાસણો લેવા આવતો. બસ, એ રીતે એ મુરલીને એક સારા માણસ તરીકે ઓળખતી. આખું ગામ એની વિરોધમાં જતા એ બાઈ મુરલીના પગે પડી ગયેલી. મુરલીએ એને  ઘરની સાફ સફાઈનું કામ આપી રહેવા એક રૂમ આપી અને એની છોકરીને સારી શાળામાં દાખલ કરી આપી હતી.

પાછા ફરતી વખતે ક્રિષ્નાને બાઈક પર એની આગળ બેઠેલા મુરલીમાથી આવતી અજબ સુવાસનું રહસ્ય થોડું થોડું  સમજાયું હતું, એણે કરેલા સત્કરમોની એ મહેંક હતી !