Tane khabar che... books and stories free download online pdf in Gujarati

તને ખબર છે...

વાર્તા

તને ખબર છે..

તે ઝબક્યો.તેનાં ચહેરાં પર વરસાદનાં છાંટાઓ પડી રહ્યાં છે એવો અહેસાસ તેને થયો.તેનાં પાંપણો ખૂલે એ પહેલાં કાનમાં ટહુકા ગુંજવા લાગ્યાં.આંખ સામે ઊભી હતી રમતિયાળ નયનો લઈને શ્રધ્ધા.તેનાં ચહેરાં પર ખીલેલાં ગુલાબનું સ્મિત લહેરાતું હતું.તે શ્રધ્ધાને જોયાં કરતો હતો.આ જોઈ તે બોલી, “ હવે ઊઠો,ઊઠો.ઓફિસે જવાનું મોડું થશે.ઓલરેડી તમે લેટ છો..” કહી તે શયનખંડમાંથી બહાર નીકળી ગઈ.નરેશે ઘડિયાળમાં જોયું.ખરેખર તે અડધો કલાક મોડો હતો રોજિંદા કાર્યક્રમ મુજબ.

તૈયાર થઈ તે બહાર આવ્યો.ઘરનું વાતાવરણ આજે વિશેષ હતું.તેની પત્નીએ ડ્રેસને બદલે ગુજરાતી સ્ટાઈલમાં સાડલો પહેર્યો હતો,જે નરેશને ગમતો હતો.અંબોડે વેણી શોભી રહી હતી.નખ નેઈલ પોલીશથી ચમકી રહ્યાં હતાં.ડાઈનીંગ ટેબલ પર નરેશ નાસ્તો કરવા બેઠો.શ્રધ્ધા તેની બાજુમાં સામે બેઠી હતી, એ આશામાં કે નરેશ તેને જોઈને કશું ક બોલશે.પણ નરેશની નજર ઘડિયાળનાં કાંટા પર હતી. એ ઊભો થયો. ફટાફટ મોજાં પહેરી ,બૂટ પર પોલિશનો બ્રશ ફેરવી બૂટ પહેરી ટિફિન બેગમાં મૂકી બાય બાય કરી ઘરની બહાર નીકળ્યો અને શ્રધ્ધા દરવાજા પાસે ઊભો રહી એક આશાએ કે નરેશ કશું ક બોલશે પણ એ ધોળે દિવસે તારા જોતી રહી ઉદાસ નજરે.

શ્રધ્ધા વિચારોમાં અટવાઈ ગઈ.જે દર વરસે થતું હતું તે આજે કેમ ના થયું? શું તે ભૂલી ગયો હશે? ના.એ ન ભૂલે.તો કદાચ કંઈક ગડબડ તો નથી ને? પોતાનો મોબાઈલ ઓન કર્યો. તારીખ જોઈ. બે માર્ચ હતી.તારીખ તો બરાબર છે.કદાચ કોઇ સરપ્રાઇઝ આપવાનો હશે.એ વિચાર આવતાં તે મનોમન હસી પડી.હજી આખો દિવસ ને આખી રાત બાકી છે એ વિચારે મીઠાં મધુરા શમણાં જોવા લાગી. ત્યાં જ મોબાઈલની રીંગ રણકી.એની ફ્રેંડ હતી.હેપી બર્થ ડે વીશ કર્યો. આનંદથી એ ઝૂમી ઊઠી.ઘરે આવવાનું આમંત્રણ આપી હિંચકે ઝૂલવા લાગી મોબાઈલ હાથમાં રાખી.હેપી બર્થ ડેનાં મેસેજ આવતાં ગયાં અને પ્રત્યુતરમાં આભાર,થેંક્સ કહેતી ગઈ એક આશા સાથે કદાચ નરેશનો ફોન આવી જાય. અંતે તે થાકી.નરેશને કોલ કર્યો. નરેશે સવાલ પૂછ્યો કે કેમ ફોન કર્યો.શ્રધ્ધા મૂંઝવણમાં મૂકાઈ ગઈ. સામો સવાલ કરવાની ઈચ્છા અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ.કેમ તને ફોન ન કરાય કે? પણ તે ચૂપ રહી.પરાણે સંયમ રાખી પૂછ્યું કે તે સમયસર ઓફિસે પહોંચી ગયો હતો કે નહીં. સામેથી ટૂંકોટચ જવાબ મળ્યો કે તે સમયસર હતો.શ્રધ્ધા સમજી શકી કે તે પરાણે બોલે છે.છતાં પૂછી લીધું કે તને ખબર છે આજે શું છે? કેમ એવો પ્રશ્ન નરેશે કર્યો ત્યારે મોબાઈલ તેનાં ચહેરા તરફ નાખવાની ઈચ્છા થઈ ગઈ. પણ અશક્ય પરિસ્થિતિથી બંધાયેલી હતી.ગુસ્સાથી શ્રધ્ધાએ મોબાઈલ ઓફ કર્યો.ત્યાં જ ડોરબેલ વાગી.દરવાજો ખોલ્યો.આશ્ચર્ય પામી. સામે એનાં ભાઈભાભી ઊભાં હતાં. નરેશ પરનો સધળો ગુસ્સો હવામાં ઓગળી ગયો અને ભાઈભાભીને હેતથી વળગી પડી...

એવું નથી કે નરેશને શ્રધ્ધાનાં જન્મદિવસની ખબર નથી. પણ આ વખતે નક્કી કર્યું હતું કે શ્રધ્ધાનાં જન્મદિવસે કોઈ પણ જાતની ખુશી ન બતાવવી.એની આંખો સામે શ્રધ્ધાનાં જન્મદિવસોની ઝલક ફરી વળી.

તે પરેશાન હતો. શ્રધ્ધાને સરપ્રાઇઝ આપવી હતી.ઘડિયાળનાં કાંટા તરફ તેની નજર હતી.શું લઈ જવું તે નક્કી કરી શક્યો ન હતો. અચાનક તેની નજર તેની બાજુનાં ટેબલ પર બેઠેલી મીસીસ. શારદા તરફ ગઈ. તે તેનાં ટેબલ તરફ ગયો અને ધીમેથી કહ્યું કે તેને તેનાં તરફથી હેલ્પ જોઈએ છે.મીસીસ શારદા તો ખુશ થઈ ગઈ અને કહ્યું કે જરૂર,જરૂર.આમેય ઓછું બોલતો નરેશ સામે ચાલીને બોલવા આવ્યો તે તેનાં માટે નવાઈ ભર્યું હતું. મોબાઈલ દ્રારા કોફીશોપ માં મળવાનું નક્કી કર્યું.નરેશ ઓફિસમાં જાતજાતની વાત તેમની થાય એવું ઈચ્છતો નહીં.મીસીસ શારદા કોફીશોપમાં ઉચાટ નજરે બેઠી હતી. નરેશને જોતાં તેનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું . નરેશે કોઈ પણ વાતનો અંદાજ આપ્યાં વગર શારદાને થેંક્સ કહ્યું.શારદાએ હસીને પૂછ્યું, “ શેનાં માટે થેંક્સ મીસ્ટર નરેશ ? તમે આજે કોઈ ઉલઝનમાં લાગો છો? શું વાત છે?”

“ ઓહ! મુદ્દાની વાત તો તમને કહેવાની ભૂલી ગયો.આજે મારી વાઈફનો જન્મદિવસ છે.મારે સરપ્રાઇઝમાં એક સાડી આપવી છે.તમારી હેલ્પ જોઈતી હતી.ઈફ યુ ડોન્ટમાઈન્ડ.”

“ ઓહ! સૌ પ્રથમ તમારી વાઈફનાં જન્મદિવસ બદલ અભિનંદન.અને મારામાં વિશ્વાસ મૂકવા બદલ પણ.સૌ પ્રથમ આપણે કોફી પી લઈએ.”

કોફી પીતાં પીતાં શારદાએ નરેશની પત્નીની પસંદગી, નાપસંદગી જાણી લીધી. અને સાડીના શો રૂમમાંથી એક સાડી લીધી.એક ખુશી સાથે બંને છૂટાં પડ્યાં.

ઘરે પહોંચીને નરેશે શ્રધ્ધાને સરપ્રાઇઝ આપી.શ્રધ્ધાએ હોંશે હોંશે પેકેટ ખોલ્યું અને મોઢું બગાડીને બોલી કે આવો કલર તો તેની પાસે છે.કોઈ નવતર ચીજ લાવવાની વાત કરી.નરેશનો સારો ઉત્સાહ બરફની જેમ પીગળી ગયો.શ્રધ્ધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે ત્યાંથી ચૂપચાપ ચાલી ગઈ શયનખંડમાં અને હસતી હસતી તૈયાર થઈ ને બહાર આવી ને ઊભી રહી નરેશની સામે મારકણી અદાથી.નરેશ તેને જોતો રહ્યો.શ્રધ્ધાએ લાડથી કહ્યું કે ખરેખર તેની પસંદગી યોગ્ય છે અને ટહુકો કરી પૂછ્યું, “ હું કેવી લાગું છું વાલમ?”

ખરેખર તમારી જાત ન સમજાય તેવી છે એમ મનોમન બબડી કહ્યું કે તે લાજવાબ છે. પળભરમાં ઘરમાં આનંદ ફરી વળ્યો ને તેઓ નીકળી ગયાં જન્મદિવસ ઉજવવા હોટલમાં.

બીજે દિવસે નરેશ શારદાને અભિનંદન આપ્યાં અને કોફી હાઉસમાં સાંજ વીતાવી .આમ ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા કેળવાઈ. બીજે વરસે શારદા નરેશની પત્નીનાં જન્મદિવસે સજી કરીને આવી હતી.એ જોઈ નરેશ આશ્ચર્ય પામ્યો. પણ કશું બોલ્યો નહીં.મોબાઈલથી શારદાએ નરેશને પત્નીનાં જન્મદિવસની ખુશાલીનાં અભિનંદન આપ્યાં અને સાંજનો શો પોગ્રામ છે તે પૂછી લીધું.

શારદાની ચોઈસ પ્રમાણે નરેશે ડાયમંડ વીંટી લીધી.નરેશ ખુશ હતો.જરૂર આજે શ્રધ્ધા વીંટી જોઈને આનંદથી ઉછળી પડશે. ઘરે પહોંચી જોયું તો શ્રધ્ધા ઊભી હતી સરપ્રાઇઝની આશાએ. તે સજીકરીને તૈયાર થઈ ઊભી હતી.નરેશે કહ્યું, “ ચલો આજે હોટલમાં... તને સરપ્રાઇઝ ત્યાં જ જોવા મળશે.”

હોટલ જોઈ શ્રધ્ધા ખુશ થઈ ગઈ.લાઈવ ઓરકેસ્ટ્રા હતું.ડીમ રંગબે રંગી રોશની.શ્રધ્ધા ખુશીથી પારેવાની જેમ ખ્વાબોનાં આસમાનમાં ઊડી રહી હતી.નરેશ શ્રધ્ધાની આંખોમાં સરપ્રાઇઝની અધીરાઈ જોઈ રહ્યો હતો. વેઈટરને શ્રધ્ધાની પસંદગીનો ઓર્ડર આપી રહ્યો હતો.નરેશે વેઈટરને કશું ક કહ્યું.થોડીવારમાં શ્રધ્ધાનાં જન્મદિવસનું એનાઉન્સમેન્ટ થયું.તાળીઓનાં ગડગડાટ વચ્ચે બંને જણ ફ્લોર પર સુરીલા ગીત વચ્ચે ડાન્સ કર્યો.ટેબલ પર બેસી નરેશે શ્રધ્ધાની આંગળીમાં ડાયમંડ વીંટી પહેરાવી અને શ્રધ્ધા નરેશને વળગી પડી.અચાનક નરેશની નજર શારદા પર પડી.નરેશે શારદાની ઓળખ કરાવી ઓફિસમાં સાથે કામ કરે છે.નરેશે શારદાને પોતાની સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું.પણ શારદાએ સસ્મિત અસ્વીકાર કરતાં કહ્યું કે તેઓ એન્જોય કરે.આખરે શ્રધ્ધાની લાગણી સામે શારદા હેપી બર્થડે કહી ને તેમનાં આમંત્રણનો સ્વીકાર કર્યો. નરેશ શારદાને ઓળખતો ન હોય તેવી રીતે વર્ત્યો.વાતવાતમાં શ્રધ્ધાએ પૂછી લીધું કે તે એકલાં કેમ આવ્યાં છે.શારદાએ કહ્યું કે તેનાં પતિ ઓફિસ કામકાજ અર્થે બહાર ગામ છે.અને આ તેઓની ફેવરિટ હોટલ છે.સુરીલા ગીતો વચ્ચે વાતો કરતાં કરતાં ડીનર કરતાં ગયાં.અચાનક શારદાએ શ્રધ્ધાને પૂછયું, “ બર્થડે ગીફ્ટ મળી કે નહીં?”

શ્રધ્ધાએ ઉમળકાભેર આંગળીમાં પહેરેલી ડાયમંડ રીંગ બતાવી.આ જોઈ શારદાએ કહ્યું કે ખરેખર લવલી ગીફ્ટ છે.શારદાએ હસતાં હસતાં પૂછ્યું , “ તમને આ ગીફ્ટ ગમી કે નહીં?”

શ્રધ્ધાએ બંનેની સામે જોઈને કહ્યું , “ નરેશની પસંદગી લાજવાબ હોય છે શારદાબેન! મને મારા હસબન્ડ પર પ્રાઉડ છે.તમને અમારી કંપની ગમી કે નહીં?”

“ સાચું કહું આ તો તમારો આગ્રહ મને તમારી કંપનીમાં ખેંચી લાવ્યો.બાકી મીંયાબીબી વચ્ચે મારી હાજરીથી તમને ખલેલ તો નથી પડીને?”

“ બીલકુલ નહીં.” કહી તેઓ છૂટાં પડ્યાં. ઘરે આવી ક્યાંય સુધી શ્રધ્ધા ડાયમંડ રીંગને જોઈ રહી.નરેશે તેની પાસે જઈ પૂછ્યું, “ ડાર્લિંગ, ખરેખર ખુશ છે?”

“ કેમ તને યકીન નથી?”

“ યકીન તો છે જ.”

થેન્કસ્ ગોડ કહી શ્રધ્ધાની આંગળી ચૂમી લીધી. “ નરેશ , તે એક વાત નોટીસ કરી?”

“કઈ?”

“ શારદાબેનની આંગળીમાં આવી જ રીંગ હતી..”

“તો તેનું શું?”

“ હું એમ કહેતી હતી કે તે ,તે રીંગ જોઈ’તી?”

“ ના,મને ખબર જ નથી તેને શું પહેર્યું હતું.મારી નજર તો તારાં પર હતી ડાર્લિંગ.” કહી તેને બાહુપાશમાં લીધી.

“ તેની આંગળીમાંની ડાયમંડરીંગ મારી આંગળીમાં હોત તો ..?”

“ તો શું?”

“ તો હું બેહદ ખુશ થાત.”

આ શબ્દો સાંભળી નરેશને લાગ્યું કે પોતે આકાશમાંથી ખીણ માં ફેંકાયો છે.અને ત્યારથી નક્કી કરી લીધું કે હવે પછી સરપ્રાઇઝ તો ક્યારે ય નહીં.

અસંતોષી સાગરમાં ગમે તેટલી સાકર નાખો પણ સાગર ખારો જ રહેવાનો છે.નરેશનો ઊતરી ગયેલો ચહેરો જોઈ શ્રધ્ધાએ પૂછયું “ શું થયું અચાનક તારો ચહેરો તરડાઈ ગયો. હું બોલી એ નાં ગમ્યું? આ તો તે પૂછયું એટલે જવાબ આપ્યો.બાકી મારે મન તું જે પ્રેમથી આપે છે તે મારાં માટે અમૂલ્ય છે સમજ્યો.”

“ મને ખબર છે.તે ક્યારે પણ મને દુભાવ્યો નથી.” કહી શ્રધ્ધાને જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો કે તેની પત્ની નાદાન છે કે અસંતોષી? પોતાના જખમ બતાવીને આવેલી ખુશી છીનવાઈ ન જાય તે માટે નીલકંઠ બનીને હસતો રહ્યો. અને જિંદગી ને કેમ જીવવી તે આપણા હાથમાં છે તે શીખ્યો.

નરેશને શ્રધ્ધાની આજની હરકત વિશે જાણ હતી.શ્રધ્ધા જરૂર આજે પરેશાન હશે.શ્રધ્ધાને બર્થડેનું વિશ પણ નથી કર્યું તે માટે પોતે ગુનેગાર છે તેમ સમજતો હતો.પણ છેલ્લાં બેત્રણ વરસોથી તેની લાવેલી ગીફ્ટ તરફ જે અણગમો રાખ્યો હતો તેનો ગુસ્સો પણ હતો.અને એક જાતનો ડંખ પણ ખરો.તેની નજર શારદાનાં ટેબલ તરફ ગઈ.શારદા હજુ આવી ન હતી.તે વોશરૂમમાં ગયો.ફ્રેશ થઈને આવ્યો ત્યારે તેની નજર શારદાનાં ટેબલ પર ગઈ.શારદા આજે કોઈ પ્રસંગ હોય તેમ, તૈયાર થઈને આવી હતી.નરેશે તેનાં તરફ ઉપરછલ્લી રીતે જોયું. તે કામમાં હતી.હાયહલ્લો કરી તે પણ કામે લાગી ગયો. શારદાને પણનવાઈ લાગી નરેશનાં આજનાં વર્તનથી.નરેશ ખુદ પોતાનાં વર્તનથી પરેશાન હતો.હાફલીવ લઈ ચૂપચાપ ઘરે જતો રહ્યો.

નરેશને ઘરે વહેલો આવેલો જોઈ શ્રધ્ધા ખુશ થઈ.પણ આ ખુશી અલ્પજીવી નીકળી.તે શયનખંડનું બારણું અર્ધ ખૂલ્લું રાખીને સૂઈ ગયો.

રાકેશ હોલમાં આવ્યો.શ્રધ્ધાને જોઈ આભો બની ગયો.અને શ્રધ્ધાએ બનાવટી ગુસ્સો કરતાં કહ્યું, “ વાહ રે તને નાટક કરતાં સરસ આવડે છે.સવાર હું પરેશાન છું.મારાં બર્થડે ની તને ખબર ન હોય એવું નાટક કરી રહ્યો છે કેમ ખરું ને? હમણાં જ તે મોકલેલી સરપ્રાઇઝ મળી.અને તે મોકલાવેલ ડ્રેસ પહેરીને હું તૈયાર થઈને તને સરપ્રાઇઝ આપું છું.ખરેખર જિંદગીમાં પહેલીવાર તારી સરપ્રાઇઝ મારી મનગમતી છે.અભિનંદન માય ડિયર નરેશ.”

નરેશ વિચારમાં પડી ગયો.કદાચ આ કામ શારદાનું હશે.કદાચ શારદાએ માન્યું હશે કે નરેશ એની વાઈફનો બર્થડે ભૂલી ગયો હશે.નરેશ સરપ્રાઇઝની હારમાળાને જોતાં હસી પડ્યો.નરેશને હસતો જોઈ શ્રધ્ધા ખુશીથી ઝૂમી ઊઠી અને કહ્યું , “ આજે મારાં બર્થડેની પાર્ટી હું તને આપીશ.ચલ તૈયાર થા.”

નરેશે શારદાને ફોન કર્યો.મોબાઈલ સ્વિચઓફ આવતો હતો.ત્યાં જ શ્રધ્ધાનો ટહુકો સંભળાયો , “ કેટલી વાર છે?”

બીજે દિવસે નરેશ ઓફિસ ગયો. શારદાને ન જોતાં બેચેન થઈ ગયો.આખો દિવસ બેચેનીમાં પસાર કર્યો.સાંજે તેનાં પગ કોફી હાઉસ તરફ વળ્યાં.હમણાં આવશે એ આશાએ ક્યાંય સુધી બેસી રહ્યો.વેઈટરને બીલ લાવવા કહ્યું.વેઈટરે હસતાં હસતાં એક કવર આપ્યું.નરેશે કવરમાંથી કાગળ કાઢ્યો.ધબકતાં હ્રદયે કાગળની ઘડી ખોલી અને અક્ષરો શારદામય થઈ ગયાં, “ હાય હેન્ડસમ, કાલની સરપ્રાઇઝ તને ગમી હશે.કાલનો તારો મૂડ મને ના સમજાયો!મને ખાતરી છે કે તું કોફી હાઉસ આવશે.. બીલ મેં ઓલરેડી પે કર્યું છે.. કાલે બે માર્ચ હતી.તને ખબર છે મારો બર્થ ડે પણ બે માર્ચે આવે છે..એની વે બાય બાય.. આઈ લવ યુ.. મીસ શારદા..”

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ

16-5-2019