Chis - 19 books and stories free download online pdf in Gujarati

ચીસ - 19

કાજળકાળી રાત..
હાઈવે પર એકલ-દોકલ લાંબા ગાળાના ગેપથી પસાર થઈ રહેલા વાહનોની ધડીભર ઉજાસ પાથરી જતી હેડલાઈટ્સ..
આખા શહેરના ખૂણેખૂણેથી યુદ્ધ ચડ્યાં હોય એમ આ તરફ ધસી આવી રહેલાં શ્વાન.... 
જીવ લઈને જઈ રહેલા યમદૂતને ભાળી ગયાં હોય એમ એક ધારૂ એમનુ કાળજુ કંપાવી દેનારા રૂદને રાત ગજવી મૂકેલી.
મધરાતની રોશનીથી ઝગમગતી હોટલને છોડી બહાર નીકળેલો ઓળો રસ્તો ઓળંગી અંધકારમાં પ્રવેશ્યો.
અચાનક જો એ કોઈની સામે આવી જાય તો ગમે તેવા કઠણ કાળજાના વ્યક્તિનું પણ હૃદય બેસી જાય એવો કદરૂપો એનો ડોળ હતો.
એના હાથમાં ધબકતું લોહિયાળ દિલનુ દ્રશ્ય ગમે તેવા કઠોર વ્યક્તિના હાડ આંગાળી નાખવા સક્ષમ હતું
એની મોટી મોટી શ્વેત આંખોનાં પોપટાં બહાર ઉપસી આવેલાં. 
આવા  બિહામણા ચહેરે કોઈને સામો મળે એ પહેલાં એક શ્વેત અશ્વ હણહણતો એની નજીક પ્રગટ થયો.
અંધકારને આથડી ગયેલા પીટરનુ શરીર ધ્રુજી ઉઠ્યુ. આખેઆખો બાવડેથી જાલી કોઈએ એને જાણે હલબલાવી નાખ્યો.
અચાનક શરીર હળવુ ફૂલ બની ગયુ.
એક સ્ત્રીની આકૃતિ પીટરને હળવો ધક્કો મારી અળગી થઈ ગઈ. એના માથા પર એવો જ મુગટ હતો , જેવો હવેલીમાંથી બહાર નિકળી રહેલી કાચની કરચોથી ભરેલા લોળીયાળ ચહેરા વાળી સ્ત્રીનો હતો.
એ સ્ત્રીના પડછાયાએ વેધક નજર પીટર તરફ નાખી. હવેજ પોતાના હાથમાં ધબકી રહેલા લોહીયાળ દિલ પર પીટરની નજર પડી.
હેબતાઈ ગયેલા પીટરને સૂગ ચડી હોય એમ એણે  દિલનો જમીન પર ધા કર્યો.
ડરામણુ અટહાસ્ય હવામાં ગુંજી ઉઠ્યુ..
પીટર સ્તબ્ધ બનીને જોતો રહ્યો. પેલુ લોહીયાળ દિલ અત્યારે એ યુવતીના હાથમાં હતુ. અને એની આંખોમાં આગ પ્રજ્વળી રહી હતી. 
કમરથી બેવડ વળી ગયો હોય એમ પીટર પોતાની જગ્યા પર ફસડાઈ ગયો. 
શ્વેત કલરના શાહી કુર્તા અને સલવારમાં એનું ગોરુ રૂપ ખીલી ઉઠતુ હતુ. ચંદ્રમા નમી જવાની તૈયારી કરતો હતો.
પણ રાતની ભયાનકતાને હંફાવી રહેલી એ સ્ત્રીના રૂપનો આસપાસ જગમગાટ હતો.
લોહી નીતરતા દિલને મોઢામાં નાખી એ કેરીને ચૂસતી હોય એમ એને ચૂસી લીધુ.
ઘોડે સવારીના અઠંગ ખેલૈયાની જેમ તે સિફતથી અશ્વ પર અસ્વાર થઈ ગઈ. 
વાદળનો ગોટો ઉડી જતો હોય એમ અશ્વ રાજકુમારી જેવી લાગતી સ્ત્રી ને લઇ ઉડી ગયો.
પીટર એવી રીતે આજુ બાજુ જોવા લાગ્યો જાણે કે સમજવા માગતો હતો, પોતે કઈ જગ્યાએ એક્ઝેટ ઉભો હતો.
પોતે નદીના રેતાળ પટમાં માર્ટીન અને લ્યુસીને જોયા પછી ઉભો રહી ગયો.
ત્યાર પછી એની સાથે શું થયું એને કશું જ યાદ નહોતું.
શ્વેત અશ્વ પર ચડી બેઠેલા માર્ટીને છેલ્લી વાર એની સામે નજર નાખી ત્યારે પીટર અંદર સુધી ધ્રુજી ઉઠયો હતો.
પોતે આ જગ્યા ઉપર શું ફરી રહ્યો હતો. કશી જ ગતાગમ એને ના પડી. 
પોતાની આંગળીઓ અને ગળામાં ઠંડા પવનની લહેરો સાથે દર્દ વધી રહ્યુ હતુ.
શરીરના હાડકાંનો ખુરદો બોલી ગયો હોય એમ પીટર બેવડ વળી ગયેલો.
બધી જ પળોજણ બાજુ પર મૂકી ફરી એણે બેઠા થવાની કોશિશ કરી. અસહ્ય દર્દથી એ કણસી ઉઠ્યો. હાઈવે પર બે-ત્રણ ફાઈવ સ્ટાર હોટલો એણે જોઈ. હવે એને સમજાયું પોતે વિરુદ્ધ દિશામાં ચાલ્યો આવ્યો હતો. 
હવે શહેર તરફ ભાગવું હતું. 
પણ ભાગવાની એનામાં હિંમત નહોતી. 
એક અદમ્ય  ઝંખના હતી. જીવ ખોળિયું છોડે એ પહેલાં માર્થાના આલિંગનમાં જકડાઈ જવું હતું. છેલ્લી ઘડીએ માર્થાના સ્નેહાળ ચહેરાને આંખોમાં ભરી લેવો હતો.
જો એમ થઇ જાય તો પોતાનો ભવ સુધરી જાય એમ હતો. હવે નવી કોઈ આફત પોતાના શિરે ના આવે એવી જીસસ ક્રાઈસ્ટ ને મનોમન પ્રાર્થના કરતો પીટર લથડતા પગલે ઘર તરફ ચાલવા લાગ્યો.
આજની રાત એના માટે ગોજારી સાબીત  થઇ હતી.
એની નજર સમક્ષ ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ તમામ દ્રશ્યો વારાફરતી પસાર થયાં. 
યાદવ.. કામલે સુખો અને રઘુનુ માથા પર ઉચકેલી બોરી લઈ પ્રવેશવુ. પોતાને અંગ્રેજી દારૂની બોટલ થમાવી હવેલીમાં પ્રવેશ કરી જવું.
ઉજ્જડ રણમાં વીરડી મળી હોય એમ પીટરનું મોજથી મદિરા પાન કરી ઝૂમવુ..
વિદેશી શરાબની રગેરગમાં પથરાઈ જવુ. મદહોશ થઇ પીટરનુ ઝૂમવું..
નશાની હાલતમાં સુઈ જવું. આંખ ખુલી ત્યારે કમરાના દ્વાર પર ખોડાઈ જવું
હવેલીમાંથી હંફાઈને આવેલાં બંને મિત્રોનાં ભારેખમ શરીરોનુ એની નજર સામે પટકાવુ..
 પોતાના મિત્રોને નજર સામે છેલ્લો દમ ભરતા જોવું. હવેલીમાંથી કાચની લોહિયાળ કરચોથી વિકૃત થયેલા ચહેરાની ચામડીવાળી એ યુવતી અને એની પાછળ દોરાઈ રહેલા સુખાનુ બિહામણુ રૂપ જોવુ...
હવેલીમાંથી પોતાનુ ભાગી છૂટવુ. રસ્તો ભટકવું માયાવી સાધુનું મળવું, એના આદેશ ને વશ થઈ પોતાનો જીવ બચાવવા શિયારસિંગી હડપવાની લાલચમાં ફરી  હવેલી પ્રવેશ કરવો. મમીના સકંજામાં સપડાવવુ... ભાગવું.. તમામ દ્રશ્યો એની આંખ સામેથી પસાર થઈ ગયા.
રસ્તો જોયા વિના પીટર ઘર તરફ ભાગી રહ્યો હતો. 
કુતરાઓ રાડારોળ કરી એની પાછળ થયાં. ત્યારે પથ્થર ઉઠાવી કુતરાઓના ટોળા સામે એણે હાથ ઉગામ્યો.
પોતાની સામે ઘુરકિયાં કરતુ આખુ ટોળું વિખરાઈ ગયું હતું. 
ત્યાર પછી પીટરે ઘણો રસ્તો કાપ્યો.
અચાનક પગમાં ઠેસ લાગતાં એ ચત્તોપાટ પડી ગયો.
પગમાં કંઈક અથડાયું હતું. 
જેની ઉપર પોતાના હાથ લાગ્યા તેને પીટરે ઓળખવાની કોશિશ આદરી. 
કોઇ માનવ શરીર લાગતું હતું. વાળમાં અને ચહેરા પર હાથ ફેરવ્યા પછી કોઈ પરિચિત હોવાનો અહેસાસ થયો. 
એની છાતી અને હાથો પર પીટરે પોતાના હાથનો સ્પર્શ કર્યો.
એક હાથની છ આંગળીઓ જોઇ પીટર ચમક્યો. ખાતરી કરવા ફરી એને ગળામાં  હાથ નાખ્યો. ચાંદીના માદળિયામાં વાઘનો નખ જોઈ  પીટર એને ઓળખી ગયો.
સુખાના શરીર પર હાથ ફેરવતો એ આગળ વધ્યો કે એક ઝટકા સાથે એણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
પેટથી નીચેનો ભાગ કપાયેલો હતો. અચાનક આંતરડા હાથમાં આવી જવાથી પીટરના હાથમાં ચરચરાટા ઉપડી. સૂગ ચડી.
સુખાની અડધી લાશ જોયા પછી પીટરે  પાછું વળીને ના જોયું.
અધ્ધર જીવે ભાગતો પીટર ઘરે પહોંચ્યો ત્યારે એનું શરીર સંપૂર્ણ રીતે લથડી ગયુ હતુ. 
અચાનક દરવાજો થપથપાવાનો અવાજ સાંભળી માર્થા જાગી ગઈ.
આમ પણ એની ઊંઘ એવી જ હતી. જરાક કશોક સળવળાટ થતો એ ઊઠી જતી.
ઘણીવાર આજે પણ કોઈ પેશન્ટને સારવારની જરૂર હોય તો થોડી ઘણી એ કરી લેતી. જેમકે ડ્રેસિંગ ફીવર માથાનો દુખાવો, વાગ્યું કર્યું હોય તો, કોઈ દાઝી ગયું હોય તો.. એવી નાની-નાની સારવાર કરતી.
પાછલી રાતે દરવાજાનો થપથપાટ એને ઝબકાવી ગયેલો.
સફાળી બેઠી થઈ એણે સાદ દીધો.
"ઇતની રાતકો કોન હે રે બાબા..?"
"મા..ર્થા...!!" 
એક તૂટી જતી ચીસ માર્થાએ સાંભળી.
એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
"પીટર...!!"
દરવાજો ખોલતા એટલું એ માંડ બોલી શકી.
દ્વાર ઉઘડતાની સાથે જ પીટર ઢગલો થઈ એની ઉપર ઢળી પડ્યો.
લાઈટના ઉજાસમાં પીટરનો કાળો પડી રહેલો ચહેરો જોઈ માર્થા હલબલી ઉઠી.
"પીટર તુમ કો ક્યા હુઆ હૈ બાબા..?
બોલો.. બોલો..ના..? બતાતા ક્યું નહી હૈ..?  ક્યા હો ગયા તુમકો..?"
માર્થા નો ઉચાટ..! ચહેરા પર ઊમટી આવેલી વેદના..! પરેશાનીનો છલકતો દરિયો..! પોતાના માટે દેખાઇ રહેલો તલસાટ..! આંખો ના ઘોડાપૂર...! અને પોતાની તરફ ધસમસતી પૂરપાટ ધસી આવી રહેલી એકલતાની નદીનો ધુધવાટ..!
ખૂટતી જતી ધીરજ..! બધું જ એકસામટું જોઇ પીટર ને એ વાતની શાંતિ હતી કે પોતાને છેલ્લી ઘડી સુધી પ્રેમ કરનારી માર્થાના આગોશમાં આવી પોતે છેલ્લો શ્વાસ લઈ રહ્યો હતો.
માર્થા પીટરની બંધ થતી આંખો જોઈ વારંવાર એના ગાલને થપથપાવી રહી હતી પીટરની કપાયેલી આંગળી અને ગળામાં જગ્યાએ જગ્યાએ નહોરના નિશાન જોઈ માર્થા ડરી ગઈ હતી.
"મુજે બતાવો પ્લીઝ બાબા..! યે સબ તૂમ્હે ક્યા હુઆ હૈ..?"
પીટર ઘણી હિંમત ભેગી કરી કંઈક બોલવા મથી રહ્યો હતો.
"મ માર્થા..!!"
"હા.. હા બોલો બાબુ.!" માર્થાનો અવાજ ગળગળો હતો. પીટરનુ માથું ખોળામાં લઈ વારંવાર માર્થા આજીજી કરી રહી હતી.
"ક્યા હુઆ હૈ ..બતાઓ મુજે..?" 
"વો હવેલી ...!!"
"ક્યા હૈ હવેલી મે..?"
પીટરે સહેમી જઈ મોઢા પર આંગળી મૂકી ધીમે બોલવાનો ઈશારો કર્યો.
"વો લૌ...ટ આ...યેં હૈ..!! બ..હોત કુછ હોને વા..લા..હૈ..!"
એટલુ ટૂટક- ટૂટક બોલતાં પીટરે માથુ ઢાળી દીધુ...
પરિસ્થિતિ પામી ગયેલી માર્થાએ પીટરને ગળે લગાવી કલ્પાંત કર્યું.
પાછલી રાતનો સન્નાટો કારમી ચીસમાં પલટાઈ ગયો.
*****  ******
(ક્રમશ:)
ચીસ તમને કેવી લાગી રહી છે પોતાના અભિપ્રાયો જરૂર આપવા..!!