હેશટેગ લવ ભાગ - ૨૨

"હેશટેગ લવ" ભાગ-૨૨

ડરતાં ડરતાં મારા પગને મેં બાથરૂમ તરફ ઉપાડ્યા. મને પણ હવે સુસ્મિતાની જેમ જ પોતાનો જીવ આપી દેવાની ઈચ્છા થઈ ગઈ હતી. બાથરૂમ સુધી પહોંચતા પહોંચતા તો મારા મનમાં અસંખ્ય વિચારો દોડવા લાગ્યા. એક પારકા પુરુષના કારણે હું મારો જીવ આપવા માટે તૈયાર થઈ હતી. મારા મમ્મી પપ્પાનો વિચાર પણ મેં ના કર્યો. અને ચાલી નીકળી આત્મહત્યા કરવા માટે. બાથરૂમ પાસે પહોંચી. દરવાજો ખોલવા જતાં મારા હાથ કંપી રહ્યાં હતાં. મગજમાં સુસ્મિતાના વિચારો દોડી રહ્યાં હતાં. આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. મનોમન હું સુસ્મિતાને કહી રહી હતી. "હું પણ આવું છું તારી પાસે." 
ધીમેથી મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો. અને મારા આશ્ર્ચર્ય વચ્ચે સુસ્મિતા મને ત્યાં ઉભેલી દેખાઈ. હું એકદમ ડરી ગઈ. પણ હિંમત કરી તેની સામે જોઈ રહી. એ મારી સામે જોઇને હસી રહી હતી. મેં મારી આંખોને નીચી કરી લીધી. અને એ બોલી :
"કાવ્યા, તું પણ મારી જેમ આત્મહત્યા કરવા માટે આવી જ ગઈ ને ? તું એમ માને છે કે જીવ આપી દઈશ તો બધું જ સારું થઈ જશે ? જીવ જ્યારે જાય ત્યારે કેટલી તકલીફ થાય છે તને ખબર છે ? તારા મમ્મી પપ્પાનો સહેજ તો વિચાર કર. તારા વગર શું એ રહી શકશે ?  મેં જે ભૂલ કરી છે એ તું શું કામ કરી રહી છે ? અને તારી ભૂલ તો મારી ભૂલ જેટલી મોટી નહિ જ હોય ને ? જેના માટે તું પોતાનો જીવ આપી રહી છે. શું એને તારા જીવ આપવાથી કોઈ ફરક પડશે ? મેં પણ વિવેકના કારણે પોતાનો જીવ આપ્યો. એને કોઈ ફરક પડ્યો ? એ પુરુષની જાત છે. તું જઈશ તો એને કોઈ બીજી મળી જશે. એ લોકોનું કામ જ છે આપણા જેવાને શિકાર બનાવવાનું. પોતાની હવશ સંતોષવા માટે એ કંઈપણ કરી શકે. હું જીવ આપીને આજે પણ પછતાવું છું. મારા સપના, મારી ઈચ્છાઓ બધું જ અધૂરું રહી ગયું. પણ તારી પાસે તો હજુ સમય છે. જે થયું એને ભૂલી જા. અને તારા જીવનમાં આગળ વધ. આમ ઉતાવળું પગલું ના ભર."
સુસ્મિતાની વાતોથી મારી આંખોના આંસુ તીવ્ર બન્યા, હું ત્યાં જ ઊભી ઊભી રડવા લાગી. શું કરું કઈ સમજાઈ રહ્યું નહોતું. "અજયને મેં મારી દુનિયા માની લીધો હતો. પણ એને મને છેતરી મારી દુનિયા જ ઉજાડી નાખી હતી. પણ સુસ્મિતાની વાત વિચારવા જેવી હતી. સુસ્મિતા તો ફરી ક્યારેય મા બની શકે એમ નહોતી એટલે તેને આત્મહત્યા કરવી પડી. પણ મારી સાથે તો એવું કંઈ બન્યું નહોતું. હા, મારા મમ્મી પપ્પાને મારી પાસે ઘણી જ આશાઓ છે, એ મને મારા જીવનમાં આગળ વધતી જોવા માંગે છે. એક અજયના કારણે હું શું કામ મારો જીવ આપું ? હજુ મોડું નથી થયું, જો હું આ સમયને સાચવી લઈશ તો કદાચ મારી કાલ આનાથી પણ સારી હોય શકે છે."
મારી નજરને ઊંચી કરી મેં બાથરૂમમાં મને દેખાતી સુસ્મિતા તરફ જોયું. ત્યાં કોઈ નહોતું. મેં આજુબાજુ નજર કરી. પણ ત્યાં ના સુસ્મિતા હતી કે ના બીજું કોઈ. મારો ભ્રમ હતો કે આ હકીકત હતી. એ મને સમજાતું નહોતું. પણ જે બન્યું તે મને હિંમત આપનારું હતું. બાથરૂમનો નળ ચાલુ કરી મેં મોઢું ધોયું. અને પાછી મારા રૂમ તરફ ચાલવા લાગી.
 મોલમાં આજે આખો દિવસ ફરીને થાક્યા હતાં. જેના કારણે શોભના અને મેઘના ઘસઘસાટ સુઈ રહ્યાં હતાં. હું બહાર નીકળી અને પાછી રૂમમાં આવી એમને જાણ પણ ના થઈ. મારા બેડમાં આવી ને હું બેઠી. કલ્પના કરવા લાગી કે "જે પગલું હું ભરવા માટે ગઈ હતી એ મેં ભર્યું હોત તો શું થતું ? સુસ્મિતાની ખોટ તો હજુ અમે પુરી શક્યાં નહોતા, ત્યાં જ મારી ખોટ કેમ કરી પુરતાં ? મારા મમ્મી પપ્પાને આ લોકો શું જવાબ આપતાં ? પણ મેં એ પગલું ના ભર્યું તે સારું જ કર્યું. પણ હવે આગળ હું શું કરીશ ? અજયને તો હજુ જાણ પણ નથી થઈ કે મને તેની બધી જ હકીકત ખબર પડી ગઈ છે. એના મનમાં તો એમ જ છે કે એ મને છેતરી રહ્યો છે. આ શહેરની બહાર જવાનો છે એવુ જુઠ્ઠું બોલીને એ ગયો હતો. એનું જુઠ્ઠું તો એને અત્યારે સાચું જ લાગતું હશે. અને એમ માની એ મને મળવા પણ આવશે. પણ આ વખતે મારે થોડી હોશીયારીથી કામ લેવાનું છે, એ મને હજુ પોતાની વાતો દ્વારા વધુ છેતરવાનો પ્રયાસ કરશે. હું લાગણીશીલ અને ભોળી છું એટલે એ મારા ભોળપણનો ફાયદો જરૂર ઉઠાવવા માંગશે. પણ આ વખતે હું એની કોઈ વાતમાં નહિ આવું. આ વખતે એ મને મળવા આવશે ત્યારે એને જણાવી જ દઈશ કે હવે હું બધું જ જાણી ગઈ છું. તારું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે."
આ બધા વિચારોમાં સવાર ક્યારે થઈ એજ ના સમજાયું. શોભના અને મેઘના જગ્યા ત્યારે હું જાગતી જ મારા બેડમાં પડી રહી હતી. વિચારોમાં ઊંઘ જ ના આવી. તૈયાર થઈ નાસ્તો કરી કૉલેજ જવા માટે નીકળી. ક્લાસમાં પણ બરાબર ધ્યાન ના આપી શકી. પણ હાજરી પુરી કરવા માટે કલાસ તો ભરવો પડે એમ હતો. કૉલેજ છૂટી હું બહાર ગેટ પાસે આવી. અજય આવ્યો છે કે નહીં એ જોવા માટે મારી નજરને આમ તેમ ફેરવી કોઈ દેખાયું નહિ. થોડી જ વારમાં મેઘના ત્યાં આવી પહોંચી. એની સાથે જ હોસ્ટેલ આવી. જમી ને શોભના અને મેઘનાના ગયાં બાદ મેં ડાયરી લખવાની શરૂ કરી.  એક ડાયરી જ હતી જ્યાં હું મારા મનની વાત ઠાલવી શકતી. પોતાનું દુઃખ લખી શકતી. સુસ્મિતા હતી ત્યારે મેં એને કેટલીક વાતો જણાવી. પણ એ મને વધુ સાથ આપે એ પહેલાં જ મને છોડીને ચાલી ગઈ. અજય વિશેની બધી જ વાતો મેં ડાયરીમાં નોંધી. ગઈકાલે રાત્રે આત્મહત્યા કરવા જવાના પ્રયાસ વિશે પણ નોંધ્યું. અને સુસ્મિતાનો થયેલો આભાસ પણ લખ્યો. જો કોઈ આ બનાવ આ ડાયરીમાં વાંચે તો માને એમ જ નહોતું. પણ મારે કોઈને ક્યાં બતાવવાની હતી? હું જાણતી હતી કે હકીકત શું છે, મેં સુસ્મિતાને જોઈ હતી અને એને જ મને બચાવી લીધી. સુસ્મિતાને તો કોઈ બચાવી શક્યું નહિ 
ડાયરી લખી થોડીવાર સુવાનો પ્રયત્ન કર્યો. આખી રાતનો ઉજાગરો હોવાના કારણે ઊંઘ પણ આવી ગઈ. સાંજે ઉઠી થોડીવાર બહાર ગેલેરીમાં ઊભી રહી. પછી અગાશી ઉપર બેસવા માટે ગઈ. પણ ત્યાં મને સુસ્મિતાની વધુ યાદ આવવા લાગી. ત્યાં બેસી અમે બંનેએ ઘણી વાતો કરી હતી. અને સપનામાં જ્યારે સુસ્મિતા આવી ત્યારે પણ અગાશી ઉપર જ અમે બેઠા હતાં. એટલે તરત નીચે ઉતરી ગઈ. શોભના અને મેઘના આવ્યા બાદ જમ્યા. અને સુઈ ગયા.
બે ત્રણ દિવસ આમ જ પસાર થયા, કૉલેજની બહાર અજય હજુ આવ્યો જ નહોતો. મેં તેની રાહ પણ જોઈ નહિ. હવે મારા દિલમાં એના માટે સહેજપણ પ્રેમ હતો નહિ. એના નામથી જ મને હવે નફરત થઈ ગઈ હતી. તે છતાં મારે એને એકવાર મળી બધું જણાવવું હતું. 
પાંચ દિવસ બાદ એ મારા કૉલેજ છૂટતા પહેલાં જ ગેટ પાસે આવીને ઊભો થઈ ગયો હતો. મેં એને દૂરથી જ જોયો. મારી અંદર એના માટેનો ગુસ્સો એને જોઈને જ ઉભરાઈ રહ્યો હતો. પણ આ જગ્યાએ મારે થોડો સંયમ રાખવાનો હતો. કૉલેજમાં ઘણાં લોકો મને ઓળખતાં હતાં. જો હું અહીંયા કઈક બોલીશ અને વાત વધશે તો બદનામી મારી જ થશે. એટલે પહેલાં અજય સાથે કોઈ એવા સ્થળે જવાનું વિચાર્યું જ્યાં શાંતિથી વાત થઈ શકે. 
મને એના તરફ આવતી જોઈ એને મને હળવું સ્મિત આપ્યું. મેં પણ બનાવટી હાસ્ય એની તરફ ફેંક્યું. કઈ બોલ્યા વગર હું એના સ્કૂટર ઉપર બેસી ગઈ. ચાલુ સ્કુટરમાં જ એને પોતાની જુઠ્ઠી વાતો શરૂ કરી દીધી.
"હજુ ગઈકાલે જ આવ્યો, તને આટલા દિવસ ખૂબ જ મિસ કરી. મનમાં એમ થતું હતું કે ક્યારે કામ પતે ?અને ક્યારે તને મળું ?"
અજયનું આ જૂઠ હવે મને છેતરી શકે એમ નહોતું. મનમાં તો એમ થયું કે આજ સમયે સ્કૂટર ઉપર બેઠા બેઠા જ એનો પર્દાફાશ કરી નાખું. પણ અત્યારે હું મૌન રહી. કોઈ સ્થળ પર પહોંચવાની રાહ જોવા લાગી. ઘણાં દિવસે મળ્યા હોવાના કારણે એ મને કોઈ હોટેલમાં જ લઈ જવાનો હતો એ હું જાણતી હતી. પણ મેં એને સ્કુટરને બગીચા તરફ લઈ જવા માટે કહ્યું. સુસ્મિતાએ આત્મહત્યા કર્યા બાદ હું અજયને મળી હતી. એ બગીચામાં જ અમે ગયા.
બગીચામાં જવાનું નામ સાંભળી અજયની ઈચ્છાઓ ઉપર પાણી તો ફરી જ ગયું હતું. પણ હજુ એને જાણ નહોતી કે હું હવે બધું જ જાણી ગઈ છું. તેને તો એમ જ હતું કે તે દિવસની જેમ મને સમજાવી અને બીજી મુલાકાતમાં મને હોટેલમાં લઈ જશે.
બગીચાની અંદર જઈને બેઠા. અજયે મને પૂછ્યું :
"શું વાત છે ? કેમ તું મને અહીંયા લઈ આવી ?"
મનમાં ભરાયેલા ગુસ્સાને ઠાલવવાનો હવે યોગ્ય સમય આવી ગયો હતો. પણ પહેલા મારે સાચી હકીકત એના મોઢે જ સાંભળવી હતી. એટલે મેં કહ્યું :
"તું કામથી ક્યાં ગયો હતો ?"
"પુણેમાં અમારી કંપનીની એક સાઇટ ચાલે છે , તો મારે થોડા થોડા દિવસે ત્યાં વિઝીટ માટે જવું પડે છે. પણ તું કેમ આમ પૂછે છે ?" અજયે જવાબ આપ્યો. 
"તું સાચે જ પુણે ગયો હતો ?" મેં શંકાથી પ્રશ્ન પૂછ્યો.
"હા, તને મારી વાત ઉપર વિશ્વાસ નથી ?" થોડી નારાજગી સાથે એને જવાબ આપ્યો.
"તારા સ્કૂટરને મેં બગીચાની બહાર જોયું હતું." મારા આ સવાલથી એ એકદમ હેબતાઈ ગયો. બહાનું બનાવતો હોય એમ કહેવા લાગ્યો..
"અરે, સ્કૂટર લઈને થોડો પુણે ગયો હોઉં, મારુ સ્કૂટર હું એક મિત્રને આપીને ગયો હતો. એ લઈને આવ્યો હશે."
"અને બીજા દિવસે મોલમાં ? એ તારો કોઈ હમશકલ હતો, કે પછી તારો કોઈ જોડિયા ભાઈ ?" 
મારા આ સવાલનો જવાબ હવે તે આપી શકે એમ નહોતો. તેને ખબર પડી જ ગઈ હતી કે હું એને મોલમાં જોઈ ગઈ છું. પણ પોતાને સાચો સાબિત કરવા અને મને ખોટી ઠેરવવા માટે એને જવાબ તો આપ્યો :
"તારી કોઈ ભૂલ થઈ હશે, હું તો બહાર હતો, મારા જેવું કોઈ તે જોઈ લીધું હશે અને એ તારો ભ્રમ હશે. હું અહીંયા હતો જ નહીં."
મારો ગુસ્સો હવે હદ વટાવી રહ્યો હતો. હજુ પણ એ મને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અને હવે મેં એની સામે એની સાચી હકીકત બહાર લાવી જ દેવાનું વિચાર્યું.
"બસ કર હવે, કેટલું જુઠ્ઠું બોલીશ ? બે વર્ષથી તું મને છેતરી રહ્યો છે, અને હું તારી પ્રેમજાળમાં ફસાતી આવી. તારા ઉપર મેં વિશ્વાસ મુક્યો હતો. અને તું મારા આ વિશ્વાસનો ફાયદો ઉઠાવતો રહ્યો ?"
બોલતાં બોલતાં મારી આંખમાં આંસુ આવી ગયા. હજુ પણ અજયને એમ હતું કે એ મને મનાવી લેશે અને એટલે જ એને મારો હાથ પકડી મને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. પણ મેં એના હાથને ઝાટકો મારી દૂર કર્યા. આંખમાં આવેલા આંસુઓને લૂછી અંદરથી હિંમત એકઠી કરી બોલી :
"બસ હવે આ નાટક બંધ કર. મને બધી જ હકીકત ખબર પડી ગઈ છે."
"શું હકીકત ખબર પડી છે તને ?" એ મારી સામે જોઇને બોલ્યો.
મેં પણ તેની આંખમાં આંખ નાખી ને કહ્યું : 
"તારું અજય હોવાનું નાટક હવે પૂરું થયું અરુણ. તારી બધી અસલિયત મારી સામે આવી ગઈ છે. હવે મને છેતરવાની કોશિશ ના કર. મારી બહેન જેવી મિત્ર સુસ્મિતાને તો તમે મારી નાખી. હવે મને પણ એની જેમ મારી નાખવા માંગો છો. તું અને તારો મિત્ર વિવેક આમ જ મારા જેવી ભોળી છોકરીઓને ફસાવી, એમનો ઉપયોગ કરી મરવા માટે છોડી દો છો. ક્યારેય વિચાર કર્યો છે કે તમારી આવી હરકતોથી અમારા ઉપર શું વિતતી હશે ? અમે તો તમને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ, અને તમે ? તમે પોતાની વાસના સંતોષવા માટે જ અમારો ઉપયોગ કરો છો ? સ્ત્રી કોઈ રમકડું નથી, કે રમ્યા અને મન ભરાઈ ગયું એટલે ફેંકી દીધું. તારા જેવા લોકો અમારો ઉપયોગ કરે છે, પોતે તો જાણે કઈ થયું નથી એમ સમજીને છૂટા થઈ જશે પણ  અમારા જેવી છોકરીઓ બદનામીના કારણે મોતને પણ વહાલું કરે છે. આજ પછી હવે મને મળવાની ક્યારેય કોશિશ ના કરતો. અને મહેરબાની કરીને જેમ મને ફસાવી છે એમ બીજી કોઈ છોકરીનું જીવન બરબાદ ના કરતો. કારણ કે જ્યારે એક સ્ત્રીની હાય લાગશે ને ત્યારે તું ક્યાયનો નહિ રહે. યાદ રાખજે મારી વાત."
ગુસ્સામાં હું બોલી રહી હતી પણ અજયને મારી વાતનો કોઈ ફરક પડતો નહોતો. અને એને શું કામ ફરક પડે ? એતો કાવતરા બાઝ હતો. મને હકીકતની જાણ થઈ ગઈ એટલે હવે એ બીજા કોઈને શિકાર બનાવશે. મેં એના ચહેરા તરફ જોયું એ મંદ મંદ હસી રહ્યો હતો. મને વધુ ગુસ્સો આવ્યો. હું ત્યાંથી ઉભી થઇ ગઇ અને કહ્યું :
"તને મારી વાત ઉપર હસવું આવે છે ને ? પણ જોજે એક દિવસ મારી આ વાત ઉપર જ તું રડતો હોઈશ. અને તારી પાસે કોઈ નહિ હોય."
"તો મારી હકીકત તને ખબર પડી ગઈ એમ જ ને ? આ તો એક દિવસ થવાનું જ હતું. પણ આશા નહોતી કે આટલું જલ્દી આ બની જશે. હા, મોલમાં હું જ હતો અને બગીચામાં પણ. હું મેરિડ છું અને મારે એક છોકરો પણ છે. ત્યાં હું મારા ફેમેલી સાથે જ આવ્યો હતો. મારી પત્ની મને ખુશ નથી રાખી શકતી. એટલે હું આ રીતે મારી ખુશી શોધી લઉં છું."
અજયની વાત સાંભળી મને એના ઉપર વધુ ગુસ્સો આવતો હતો. એને એક થપ્પડ મારી દેવાનું મન થઇ ગયું હતું. પણ મારી થપ્પડના જવાબમાં એ મારી સાથે કઈ ખોટું કરે એનો પણ ડર હતો. એને જે જણાવવાનું હતું એ મેં જણાવી દીધું હતું. હવે આ જગ્યાએથી નીકળી જવાનું જ મારા માટે યોગ્ય હતું. 
હું બગીચાની બહારની તરફ ચાલવા લાગી. એની હકીકત સામે લાવ્યા બાદ એ મને રોકવાનો તો હતો જ નહીં . અને એને રોકી હોત તો પણ હું રોકાવવાની નહોતી. ચાલતા ચાલતા મારી આંખોમાં આંસુઓ ફરી વળ્યાં, મારી ભૂલ ઉપર મને રડવું આવી રહ્યું હતું. મેં અજયને દિલથી પ્રેમ કર્યો, એના ઉપર વિશ્વાસ કર્યો. પણ આ રીતે એ વિશ્વાસઘાત કરશે તે સપનામાં પણ ખબર નહોતી. મગજ ચકરાવે ચઢ્યું. પહેલીવાર અજયને જાત સોંપી હતી એ ઘટના આંખો સામે દોડવા લાગી. મારા ઉપર જ મને ગુસ્સો આવતો હતો. બગીચાની બહાર નીકળી રોડ ક્રોસ કરી સામે જવાનું હતું. મારી અંદર ફરી વળેલા ગુસ્સાના કારણે હું જોવા પણ ના રહી કે રોડ ઉપર કોઈ વાહન આવે છે કે નહીં. આજુબાજુ જોયા વગર જ રડતાં રડતાં ચાલી રહી હતી. હોર્ન વગાડતી એક ગાડી ઝડપભેર મારી તરફ આવી. મનમાં ગુસ્સો એટલો ભરાઈ ગયો હતો કે એ ગાડીના હોર્નનો અવાજ પણ મને ના સંભળાયો અને એ ગાડીએ પોતાની અડફેટમાં મને લઈ લીધી....

(શું અજય ઉર્ફે અરુણને કાવ્યાના જવાથી કોઈ ફરક પડશે ખરો ? કાવ્યાને થયેલા અકસ્માતમાં શું એ બચી જશે ? કેવું રહેશે આગળ કાવ્યાનું જીવન ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો...)

લે. નીરવ પટેલ "શ્યામ"

***

Rate & Review

Verified icon

Aarti Dharsandia 2 weeks ago

Verified icon

Kinjal Barfiwala 7 months ago

Verified icon

Nikita Patel 7 months ago

Verified icon

Keval 7 months ago

Verified icon

Bhakti Patel 7 months ago