ભૂલ - 3

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 3

ચીલઝડપ...!

વિનોદ સાંજે ઘરે આવ્યો ત્યારે એના ચહેરા પર ચમક પથરાયેલી હતી.

એ વ્યાજે આઠ હજાર રૂપિયાની વ્યવસ્થા કરીને આવ્યો હતો.

એ ધારત તો લેણીયાતોને બારોબાર જ રકમ ચૂકવીને આવી શકે તેમ હતો, પરંતુ કંચનના હાથેથી ચૂકવણું કરવાનું તેને વધુ યોગ્ય લાગ્યું હતું.

આઠ હજાર રૂપિયા ચૂકવતી વખતે તે બચાવ્યા હોત તો કેટલું સારૂ થાત, એવો આભાસ કદાચ કંચનને કરાવવા માગતો હતો.

‘કાલે હું ચૂકવી આવીશ!’ કંચને પૈસાને સાચવીને કબાટમાં મૂકતાં કહ્યું.

‘ધ્યાન રાખજે...! હમણાં હમણાં શહેરમાં ચીલઝડપ અને લૂંટના બનાવો વધી ગયા છે!’ વિનોદ બોલ્યો.

વિનોદની વાત સાંભળીને કંચનના મનમાં છૂપાયેલો ચોર કંપી ઊઠ્યો.

‘અરે...માત્ર આઠ હજાર રૂપિયા છે! તું તો જાણે લાખો રૂપિયા હોય એવી વાત કરે છે!’ એણે સ્વસ્થ અવાજે કહ્યું.

‘આપણે માટે તો આ આઠ હજાર, કરોડો રૂપિયા કરતાં પણ વધુ કિંમતી છે કંચન! આ રકમ વડે આપણે આપણી આબરૂ સાચવી લેશું એ પૂરતું નથી?’

કંચન ધીમેથી માથું હલાવીને રસોડામાં ચાલી ગઈ.

જમીને બંને સૂઈ ગયા.

આજે કેટલાય દિવસો પછી તેમને શાંતિથી ઊંઘ આવી ગઈ.

બીજે દિવેસ નામુ કરીને આવ્યા પછી વિનોદ બેંકે ચાલ્યો ગયો.

એ નામુ કરવા ગયો, તે દરમિયાન કંચને નજીકના એક પબ્લિક બૂથમાં જઈ, ચાંદની હોટલે ફોન કરીને મધુકર ઊર્ફે ભગતને રકમની વ્યવસ્થા થઈ ગયાની સૂચના આપી દીધી હતી. જવાબમાં સામે છેડેથી મધુકરે પણ તેને પોતાની યોજના સમજાવી હતી.

વિનોદ બેંકે ગયા પછી કંચન એક રીક્ષામાં બેસીને ભૈરવ ચોક તરફ રવાના થઈ.

પહેલાં તે મહેતા બ્રધર્સ ક્લોથ મરચન્ટને ત્યાં જવા માગતી હતી.

એ ભૈરવ ચોકમાં ઊતરી ગઈ.

ત્યારબાગ હેન્ડબેગને બેદરકારીથી પકડીને તે આકાશ કોમ્પલોક્ષ તરફ આગળ વધી.

એ થોડે દૂર ગઈ હતી, ત્યાં જ અચાનક પાછળથી એક યુવાને આવીને હેન્ડબેગ આંચકી લીધી.

આ બધું એવી રીતે બન્યું કે કેટલાય લોકોએ ધોળે દિવસે એ યુવાનને કંચનની હેન્ડબેગ આંચકીને નાસતો જોયો.

કંચને થોડી પળો સુધી ડઘાઈ જવાનું નાટક કર્યું.

પછી અચાનક જાણે ભાનમાં આવી હોય એમ એણે મદદ માટે પકડો...પકડો...ની બૂમ પાડી.

કેટલાય લોકો પેલા યુવાનની પાછળ પડ્યા.

પરંતુ આ દરમિયાન એ યુવાન સડકના કિનારે ઊભેલા એક મોટરસાયકલ સુધી પહોંચી ગયો હતો.

વળતી જ પળે એ મોટરસાયકલ પર બેસી, સ્ટાર્ટ કરીને નાસી છૂટ્યો.

કંચને મનોમન રાહત અનુભવી.

યુનાવને લોકો પકડી પાડશે એવો ભય તેને લાગતો હતો.

સહસા વાતાવરણમાં એક અન્ય મોટરસાયકલ સ્ટાર્ટ થવાનો અવાજ ગુંજી ઊઠ્યો.

કંચને જોયું તો તે આશરે ત્રીસેક વર્ષનો યુવાન હતો.

વળતી જ પળે એ યુવાને, હેન્ડબેગ આંચકી જનાર જે દિશામાં ગયો હતો, એ તરફ પોતાનું મોટરસાયકલ દોડાવી મૂક્યું.

એ યુવાનને અણધાર્યો ટપકી પડેલો જોઈને કંચનનુ કાળજું કંપી ઊઠ્યું. એ યુવાન, હેન્ડબેગ આંચકી જનાર શખ્સને પકડી પાડશે એવો ભય તેને સતાવવા લાગ્યો.

‘બહેન...તારી હેન્ડબેગમાં કોઈ કીમતી ચીજવસ્તુ હતી?’ એક આધેડ વયની સ્ત્રીએ કંચનની નજીક પહોંચીને પૂછ્યું.

‘જ...જી...એમાં આઠ હજાર રૂપિયા રોકડા હતા. હે ઈશ્વર ...હું તો બરબાદ થઈ ગઈ...!’ કંચન રડમસ અવાજે બોલી.

‘તારે હેન્ડબેગ મજબૂતીથી પકડી રાખવી જોઈતી હતી દિકરી...!’ એક વૃદ્ધ સ્ત્રીએ તેને સલાહ આપતાં કહ્યું, ‘અત્યારે વખત બહુ ખરાબ છે...! આવા લૂંટારાઓ સડક પર શિકારની શોધમાં આંટા મારતા જ હોય છે!’

‘હવે હું શું કરીશ...? માંડમાંડ મેં એ રકમ ભેગી કરી હતી.’ કહીને કંચન ધ્રુસકા ભરવા લાગી.

આ દરમિયાન લોકોની મોટી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.

‘બહેન...તમે ગભરાશો નહીં...! તમારી હેન્ડબેગ તમને સહીસલામત રીતે પાછી મળી જશે!’ તેના જેવા વસ્ત્રો પહેરેલા એક યુવાને કંચનને આશ્વાસન આપતાં ક્હ્યું, ‘તમારી બેગ આંચકી જનાર બદમાશની પાછળ જે યુવાન ગયો છે, એને હું સારી રીતે ઓળખું છું. એ.સી.આઈ.ડી. વિભાગના ચીફ ઈન્સ્પેક્ટર નાગપાલ સાહેબનો સહકારી કેપ્ટન દિલીપ છે. તે એ બદમાશને પાતાળમાંથી પણ શોધી કાઢશે!’

‘તો તો પછી જરૂર તમને તમારી બેગ પાછી મળી જશે. તમને કશીયે ફિકર ન કરો!’ ભીડમાં કોઈક બોલ્યું.

‘મારા પૈસા મળે કે ન મળે...! હે ઈશ્વર, હવે હું મારા પતિને શું જવાબ આપીશ?’ કંચને રડવાનું નાટક ચાલુ રાખતાં કહ્યું.

સૌ કોઈને કંચન પ્રત્યે સહાનુભૂતિ હતી.

બધું યોજના મુજબ જ થતું હતું.

પરંતુ દિલીપ, પેલા બદમાશને પકડી લેશે એવો ભય કંચનને સતાવવા લાગ્યો.

કેટલી વિચિત્ર વાત હતી?

ચોર પકડાય અને પૈસા પાછા મળે એમ માલિક પોતે જ નહોતો ઈચ્છતો!

ચોર ન પકડાય એવી પ્રાર્થના રકમનો માલિક કરતો હતો!

કોઈકે સાચું જ કહ્યું છે કે પાપની દરેક રીત ઊલ્ટી જ હોય છે!

આમ ને આમ પંદર મિનિટ વીતી ગઈ.

‘લો બહેન...!’ સહસા નેતા જવાં વસ્ત્રો પહેરેલો યુવાન ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘ મિસ્ટર દિલીપ આવી જ ગયા છે...!’

ત્યારબાદ કંચનના કાને મોટરસાયકલના એન્જિનનો અવાજ અથડાયો.

મનોમન એ હચમચી ઊઠી.

એણે ગભરાઈને અવાજની દિશામાં જોયું.

દિલીપને એકલો આવતો જોઈને એણે ઊંડો શ્વાસ લીધો.

મનોમન રાહત અનુભવી. બદમાન નથી પકડાયો, એ વાતની તેને ખાતરી થઈ ગઈ.

આ દરમિયાન દિલીપ નજીક આવીને મોટરસાયકલ ઊભું રાખી ચૂક્યો હતો.

‘એ બદમાશ, કોની હેન્ડબેગ આંચકીને નીસી છૂટ્યો હતો?’ દિલીપે સખત અવાજે પૂછ્યું.

‘આ બહેનની...!’ ખાદીધારી યુવાને કંચન તરફ સંકેત કરતાં કહ્યું.

કંચન આગળ વધીને દિલીપ પાસે પહોંચી.

દિલીપને જોઈને કોણ જાણે કેમ એને મનોમન ગભરાટ છૂટ્યો. ખાદીધારી યુવાનના મોંએથી તે એનો પરિચય જાણી જ ચૂકી હતી.

દિલીપે પગથી માથા સુધી કંચનનું નિરીક્ષણ કર્યું.

‘મેડમ...એ હેન્ડબેગ તમારી જ હતી?’ દિલીપે વેધક નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘હા...’ કંચને હકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘શું નામ છે તમારું?’

‘જી, કંચન...!’

‘હૂં...’ દિલીપના ગળામાંથી હૂંકાર નીકળ્યો, પછી તે ભીડને ઉદ્દેશીને ઊંચા અવાજે બોલ્યો, ‘તમે લોકો શા માટે એકઠાં થયાં છો...? અહીં કંઈ મદારીનો ખેલ નથી થતો સમજ્યા? ચાલો... જાઓ અહીંથી...!’

એનો રૂઆબભર્યો અવાજ સાંભળીને ભીડ વીખરાઈ ગઈ.

અલબત્ત, અમુક ઉત્સુક લોકો થોડે દૂર જઈને જરૂર ઊભા રહી ગયા હતા.

‘સાહેબ...એ બદમાશનો પત્તો લાગ્યો...?’ કંચને આશાભર્યા અવાજે પૂછ્યું.

‘મેડમ...તમારે મારી સાથે આ વિસ્તારના પોલીસસ્ટેનશે આવવું પડશે! એના સવાલનો જવાબ ઉડાવી મૂકતાં દિલીપ કઠોર અવાજે બોલ્યો.’

‘ક...કેમ...?’

‘મેડમ, ધોળે દિવસે તમારી હેન્ડબેગ લૂંટાઈ ગઈ છે તેની ફરિયાદ તમારે નથી નોંધાવવી?’

‘પણ હું મારા પતિ વગર...’

‘તમારા પતિને પણ બોલાવી લેશું!’ દિલીપ વચ્ચેથી જ તેની વાતને કાપી નાંખતા કહ્યું.

‘જી...’ નર્વસ અવાજે બોલી.

દિલીપ પોતાના મોટરસાયકલને ધકેલતો આગળ વધ્યો.

કંચનને મોટરસાયકલ પર બેસવા માટે કહેવાનું તેને યોગ્ય નહોતું લાગ્યું.

ભૈરવ ચોક પોલીસસ્ટેશન નજીકમાં જ હતું.

પાંચ મિનિટમાં જ તેઓ ત્યાં પહોંચી ગયા.

બંને અંદર પ્રવેશ્યાં. દિલીપે રસ્તામાં જ તેને પોતાનો પરિચય આપી દીધો હતો.

આશાથી વિપરીત પોલીસસ્ટેશનમાં ઈન્સ્પેક્ટર વામનરાવને જોઈને દિલીપ ચમક્યો.

‘અરે વામનરાવ, તું અહીં ક્યાંથી?’ એણે અચરજભર્યાં અવાજે પૂછ્યું.

‘આ પોલીસસ્ટેશનો ઈન્સ્પેકટર બે મહિનાની રજા પર ગયો હોવાથી અહીંનો ચાર્જ મને સોંપવામાં આવ્યો છે.’ આટલું કહીને વામનરાવ પ્રશ્નાર્થ દૃષ્ટિએ કંચન સામે તાકી રહ્યો.

‘મેડમ, તમે અહીં બેસો.’ દિલીપે આદરભર્યા અવાજે કહ્યું, ‘હું બે મિનિટમાં જ આવું છું.’

ત્યારબાદ એણે વામનરાવને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો.

બંને બીજા ખંડમાં પહોંચ્યા.

દિલીપે કંચન સાથે બનેલા બનાવની વિગતો વામનરાવને જણાવી દીધી, પછી ઉમેર્યું...

‘વામનરાવ, કંચન નામની આ સ્ત્રીએ કોઈક બખેડાવાળું કામ કર્યું હોય એવું મને લાગે છે.’

‘કેમ...! એ બિચારીની હેન્ડબેગ લૂંટાઈ ગી ને તું આવું કહે છે?’

‘હા...’

‘શા માટે?’

‘હજુ તું સાચી હકીકત નથી જાણતો એટલે જ તેનાં પ્રત્યે આટલી સહાનીભૂતિ દાખવે છે. સાંભળ, જે બદમાશે કંચનની હેન્ડબેગ આંચકી હતી. એનો મેં પીછો કર્યો હતો. એ મારી પકડમાં પણ આવી ગયો હતો. પરંતુ પકડતા પહેલાં એણે એ હેન્ડબેગને એક કારની ઉઘાડી બારીમાં ફેંકી દીધી હતી.’

‘તારા કહેવા મુજબ તે એને પકડી પાડ્યો હતો, તો અત્યારે એ નમૂનો ક્યાં છે?’ વામનરાવે પૂછ્યું.

‘હા...પણ...’

‘પણ, શું...?’

‘અત્યારે એનો મૃતદેહ માઉન્ટ વિશાળગઢના વળાંક પર પડ્યો છે!’ દિલીપે ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘મેં એને પકડીને મારા મોટરસાયકલ પર બેસાડી દીધો હતો. એના હાથ દોરડા વડે જકડીને એ દોરડાને કેરીયર સાથે બાંધી દીધું હતું. હું અહીં આવવા માટે મોટરસાયકલ સ્ટાર્ટ કરતો હતો, ત્યાં જ અચાનક બાજુમાંથી એક કાર પસાર થઈ. કારની પાછળની સીટ પર બેઠેલા એક માનવીએ એ બદમાશને પોતાની રિવોલ્વરનું નિશાન બનાવી દીધો. એણે છોડેલી એક ગોળીએ જ એ બદમાશની ખોપરીના ભૂક્કા બોલાવી દીધા.’

‘શું...?’ વામનરાવના અવાજમાં અચરજનો સૂર હતો.

‘હા...’ દિલીપ બોલ્યો, ‘કંચનના કહેવા મુજબ તેની હેન્ડબેગમાં આઠ હજાર રૂપિયા રોકડા હતા. માત્ર આઠ હજાર રૂપિયા ખાતર ફિલ્મી ઢબે કોઈ માણસનું ખૂન થાય એ વાત મારે ગળે નથી ઉતરતી. કંચન નામની આ સ્ત્રી જરૂર કોઈ બખેડામાં ફસાયેલી છે!’

‘આ કોઈક બે ગેંગનો ઝઘડો હોય એવું બની શકે છે...! તારી શંકા ખોટી હોય એ બનવાજોગ છે...!’

‘બનવાજોગ છે...પરંતુ જે બદમાશ માર્યો ગયો, એ કોણ હતો એની તને ખબર છે?’

‘કોણ હતો?’

‘બ્લેક કોબ્રા ગેંગનો સભ્ય!’ દિલીપ રહસ્યમય અવાજે કહ્યું.

‘આ તું શું કહે છે?’ વામનરાવની આંખો હેરતથી પહોળી થઈ ગઈ.

જાણે દિલીપ પૃથ્વી ત્રિકોણ હોવાની જાણકારી આપી હોય એવું અચરજ તેના ચહેરા પર છવાયું.

‘હા...’

‘ઓહ...’

‘વામનરાવ, બ્લેક કોબ્રા જેવી શક્તિશાળી ગેંગનો કોઈ સભ્ય આ રીતે માત્ર આઠ હજાર જેવી મામૂલી રકમ ખાતર માર્યો જાય, એ વાત તારે ગળે ઊતરે છે ખરી?’

‘ના...પરંતુ એ બદમાશ બ્લેક કોબ્રા ગેંગનો સભ્ય છે, એની તને કેવી રીતે ખબર પડી?’

‘એના હાથ પર કોબ્રા સર્પની આકૃતિ ચીતરેલી હતી... અર્થાત્ ત્રોપાવેલી હતી.’ દિલીપ ધીમેથી બોલ્યો.

‘ઓહ...બ્લેક કોબ્રાની ગેંગ વિશે મને આટલી તો ખબર જ છે કે એના દરેક સભ્યોના હાથમાં કોબ્રા સર્પની આકૃતિ હોય છે!’ વામનરાવે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

‘હું કંચનને ચેક કરું છું. ત્યાં સુધી તું માઉન્ટ વિશાળગઢનાં વળાંક પાસે પહોંચીને હેન્ડબેગ આંચકનાર બદમાશના મૃતદેહની વ્યવસ્થા કર!’

‘ભલે...’

‘તો તું ઊપડ...’ કહીને દિલીપ બહાર નીકળ્યો.

એ વામનરાવની ખુરશી પર આવીને બેઠો.

‘સાહેબ મારી જુબાની જલ્દી લઈ લો...!’ કંચને શરીફ સ્ત્રીની જેમ ગભરાટભર્યા અવાજે કહ્યું.

‘હું તમારો વધુ સમય નહીં લઉ!’ દિલીપ એક ફૂલસ્કેપ કોરો કાગળ અને બોલપેન ઉંચકતાં બોલ્યો, ‘તમારી હેન્ડબેગમાં આઠ હજાર રૂપિયા હતા, એમ તમે કહ્યું હતું ખરું ને?’

‘હા...’

‘આ પૈસા તમે ક્યાંથી લાવ્યાં હતા?’

‘ઘરેથી...’

‘જુઓ સાહેબ... આ મારો અંગત મામલો છે! આ સવાલ પૂછવાનો શું અર્થ છે? પૈસા લઈને ક્યાંય આવવુ-જવું ગુનો હોય એમ આપ પૂછો છો...!’ કંચન કડવા અવાજે બોલી.

‘મેડમ, તમે મને મારો બિઝનેસ શીખવાડવાનો પ્રયાસ કરો છો?’ દિલીપ કઠોર અવાજે કહ્યું, ‘તમને હું એક સમજદાર અને શરીફ નાગરિક સમજું છું. પોલીસને સહકાર આપવાની તમારી ફરજ છે. ખાસ કરીને પોલીસને તમારા સહકારની જરૂર છે, ત્યારે તો તમારે સહકાર આપવામાં પીછેહઠ ન કરવી જોઈએ.’

‘એ...એ પૈસા મારે ચૂકવવાના હતા.’ કંચન નર્વસ અવાજે બોલી.

‘કોને ચૂકવવાના હતા?’

‘જી..’

‘જુઓ મેડમ...!’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘હું જે કંઈ પૂછું છું તે તમારા ખાતર જ પૂછું છું.’

‘આ રકમ મારે આકાશ કોમ્પલેક્ષમાં મહેતા બ્રધર્સ ક્લોથ મરચન્ટે...વિઝન ઈલેકટ્રોનીક્સને અને બીજા બે-ત્રણ વેપારીઓને ચૂકવવાની હતી.’

‘જરૂર પડ્યે આ બધા વેપારીઓ, તેઓ તમારી પાસે રકમ માંગતા હતા, એ વાતની સાક્ષી આપશે?’

‘હા...’

‘તમારા પતિ શું કામ કરે છે?’

‘જી, તેઓ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે!’ કંચને ગર્વભેર કહ્યું. પછી એ બેચેનીભર્યા અવાજે બોલી, ‘આપ અત્યારે જ તેમને ફોન કરીને અહીં બોલાવી લો તો વધુ યોગ્ય રહેશે.’

‘જરૂર...’ દિલીપે ટેલિફોનને નજીક સરકાવતાં પૂછ્યું. ‘શું નામ છે તમારા પતિનું?’

‘જી, વિનોદ...! વિનોદ જોશી...!’ જાણે પતિનું નામ ઉચ્ચારતી વખતે જીભ કપાતી હોય એવા અવાજે કંચન બોલી.

‘થેક્યૂં...’

દિલીપે ડિરેક્ટરીમાંથી સ્ટેટ બેંક ઓફ વિશાળગઢનો નંબરપ શોધી કાઢ્યો.

ત્યારબાદ એણે એ નંબર પર ફોન કરી, વિનોદને તાબડતોબ ભૈરવ ચોક પોલીસસ્ટેશને મોકલવાની સૂચના આપીને રિસીવર મૂકી દીધું.

‘થોડી વારમાં જ તમારા પતિ આવી જશે.’ એ બોલ્યો.

‘જી...’

‘તમે આજે પૈસા ચૂકવવા માટે જવાના છો, એ વાતની તમારા પતિને પણ ખબર છે ને?’

આ દરમિયાન વામનરાવ ચાલ્યો ગયો હતો.

‘હા...’ કંચને હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘તેમને ખબર છે!’

‘મેડમ...તમને જાણીને નવાઈ લાગશે કે મેં તમારી હેન્ડબેગ આંચકીને નાસી છૂટેલા બદમાશને પકડી પાડ્યો હતો!’

‘એમ...?’ કંચન ઝડપથી બોલી. પરંતુ અંદરખાનેથી એ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એના ધબકારા એકદમ વધી ગયા હતા, ‘તો આપને મારી રકમ સહીસલામત રીતે મળી ગઈ છે ખરું ને?’ છેવટે એણે પૂછ્યું.

‘ના...’

‘કેમ...?’

‘તમારી હેન્ડબેગ એણે પોતાના કોઈક સાથીદારની કારમાં ફેંકી દીધી હતી.’ કહીને દિલીપ વેધક નજરે કંચનના ચ્હેરા સામે તાકી રહ્યો.

કંચન તેની આ વર્તણૂંકથી મનોમન ડઘાઈ ગઈ.

ક્યાંક કોઈક ગરબડ થઈ ગઈ છે, એવું કોણ જાણે કેમ તેને લાગતું હતું.

પરંતુ શું ગરબડ ઊભી થઈ છે, એ તેને નહોતું સમજાતું.

‘મેડમ, જે બદમાશે તમારી હેન્ડબેગ આંચકી હતી, એનું કોઈકે તે પકડાયો એ વખતે જ ખૂન કરી નાખ્યું છે!’

જાણે કોઈકે પોતાના દિમાગ પર બોંબ ફેંક્યો હોય એવા કંચનને ભાસ થયો.

‘શું કહ્યું...?’ કોઈકે એનું ખૂન કરી નાખ્યું?’ જાણે સ્વગત બબડતી હોય એવા અવાજે એણે પૂછ્યું.

‘જી, હા...’ દિલીપ એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘અને આઠ હજાર રૂપિયા જેવી મામૂલી રકમ માટે કોઈ, કોઈનું ખૂન કરી નાખે એ વાત તો કોઈક મૂરખને ગળે જ ઉતરે!’

સામે બેઠેલો માણસ તીવ્ર બુદ્ધિશાળી છે એ વાત તરત જ કંચન સમજી ગઈ.

મધુકરનો કોઈ સાથીદાર માર્યો ગયો છે, એવા વિચારથી એનું હૈયું ધબકતું હતું અને ઉપરથી દિલીપને આ મામલો શંકાસ્પદ લાગતો હતો.

‘સાહેબ...’ એ પોતાની જાતને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરતાં બોલી, ‘આઠ હજારની રકમ કંઈ મામૂલી ન જ કહેવાય! મેં તો બસો-પાંચસો રૂપિયા માટે પણ ખૂન થયાના સમાચારો અખબારમાં વાંચ્યા છે!’

‘બરાબર છે...પરંતુ એ બદમાશનું ખૂન કમ સે કમ પૈસા ખાતર તો નથી જ થયું!’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘પૈસા તો તેની પાસે હતા જ નહીં. કદાચ હોત, તો પણ એ ખૂનીને નહોતા જ મળવાના! તો પછી તેને એ બદમાશનું ખૂન કરવાની શું જરૂર હતી?’

દિલીપનાં તર્કમાં વજન હતું.

‘આપની વાત સાચી છે...!’ કંચન પોતાના સૂકાયેલા હેઠ પર જીભ ફેરવતાં બોલી, ખૂન કરવાની કંઈ તેને હેન્ડબેગ નહોતી મળી જવાની!’

‘મેડમ, એ બદમાશ કાયદાની ચુંગાલમાં જકડાય એટલા માટે જ તેનું ખૂન કરવામાં આવ્યું છે. એ બદમાશના પકડાઈ જવાથી આખી બાજી ઊંધી વળી જશે એવો ભય ખૂનીને લાગ્યો હતો.’

‘સાહેબ, એ બદમાશને કોઈકની સાથે દુશ્મનાવટ હોય, અને એના દુશ્મને આપે જ્યારે તેને પકડ્યો ત્યારે જ જોગાનુજોગ એને મારી નાખ્યો હોય એવું ન બને...?’

‘ઘડીભર માટે માની લઈ એ કે અંગત વેરઝેરને કારણે તેનું ખૂન થયું છે, તો પણ એમાંથી કેટલાય સવાલો ઊભા થાય છે.’

‘શું?’

‘પહેલો સવાલ તો એ છે કે તે માઉન્ટ વિશાળગઢ તરફ જ જશ એની તેના દુશ્મનને કેવી રીતે ખબર ખબર પડી? એ તેનાથી વિપરિત દિશામાં પમ જઈ શકે તેમ હતો. ઉપરાંત વેરઝેર કે દુશ્મનાવટના મામલામાં આ રીતે એક સી.આઈ.ડી. ઑફિસરની હાજરીમાં ખૂન નથી થતાં! ના મેડમ...તમારી વાત તર્કસંગત નથી લાગતી! જરૂર કંઈક બીજી જ વાત છે.’

‘બીજી...બીજી કઈ વાત હોઈ શકે છે સાહેબ?’ કંચને થોથવાતા અવાજે પૂછ્યું.

‘ખૂનનું કારણ એ હેન્ડબેગ જ હોય એમ હું માનું છું...!’ દિલીપ નાટકીય ઢબે બોલ્યો.

‘એ તો હું પહેલાંથી જ કહું છું,’ કંચને, દિલીપને સીધી લાઈન પર આવતો જોઈને રાહતનો શ્વાસ લેતા કહ્યું, ‘ખૂન એ રકમ ખાતર જ થયું છે.’

‘ઊંહુ...ખોટું....’ દિલીપ નકારમાં માથું ધુણાવ્યું.

‘જી....?’ દિલીપની બેવડી વાતોથી કંચન પરેશાન થઈ ગઈ હતી. ‘તો શું ખૂન હેન્ડબેગને કારણે નથી થયું.’ આપ છેવટે કહેવા શું માંગો છો સાહેબ?’

‘મેડમ, ખૂન એ જ હેન્ડબેગને કારણે થયું છે, તે હું કબૂલ કરું છું.’

‘તો પછી...?’

‘તે હેન્ડબેગમાં આઠ હજાર રૂપિયા હતા, એ વાત માનવા માટે હું તૈયાર નથી.’

‘તો શું હું ખોટું બોલું છું? તમે મને ખોટી પુરવાર કરવાનો પ્રયાસ કરો છો!’ કંચનનાં અવાજમાં નારાજગીનો સૂર હતો.

‘ના...તમે મને લાગતાર મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરો છો, મેડમ!’

‘એટલે..?’

‘એટલે એમ કે એ હેન્ડબેગમાં એવું તે શું હતું કે જેના કારણે એક માણસને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા તે હું જાણવા માગું છું!’ દિલીપે કઠોર અવાજે કહ્યું.

‘હેન્ડબેગમાં આઠ હજાર રૂપિયા હતા, એ તો હું આપને જણાવી જ ચૂકી છું.’

‘ના...તમે ખોટું બોલો છો મેડમ! મરનાર માણસ એક ખતરનાક ટોળીનો સભ્ય હતો એની મને ખબર છે! એ ટોળીના કોઈ સભ્યનું ખૂન માત્ર આઠ હજાર જેવી મામૂલી રકમ માટે થાય, તે વાત કેમે ય કરીને મારે ગળે નથી ઊતરતી!’

‘આપને ગળે ઊતરે કે ન ઊતરે! એનાથી મને કશોયે ફર્ક નથી પડતો! હું તો માત્ર એટલું જાણુ છું કે, મેં જે કંઈ કહ્યું છે તે સાચું જ કહ્યું છે.’ કંચને ભાવહીન અવાજે કહ્યું.

પોતે કઈ રીતે દિલીપ સામે હિંમત રાખી શકી છે, એની તેને પોતાને પણ ખૂબ જ નવાઈ લાગતી હતી.

સહસા કોઈકના પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો.

કંચનની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ.

દિલીપની નજર પણ પ્રવેશદ્વાર તરફ સ્થિર થઈ.

આગંતુક વિનોદ જ હતો.

વિનોદને જોઈને કંચન ધ્રુસકાં ભરવા લાગી.

‘શું થયું કંચન...?’ વિનોદ તેને રડતી જોઈને એકદમ ડઘાઈ ગયો. પછી એણે દિલીપને ઉદ્દેશીને પૂછ્યું, ‘સાહેબ, મારી પત્નીને અહીં શા માટે લાવવામાં આવી છે?’

કંચને કંઈક કહેવા માટે હોઠ ફફડાવ્યા કે તરત જ દિલીપ તેને અટકાવીને બોલી ઊઠ્યો, ‘મેડમ... હમણાં થોડી વાર સુધી તમે તમારા પતિ સાથે કંઈ વાત ન કરો. હું તેમને થોડી પૂછપરછ કરી લઉં પછી તમારે જે કહેવું હોય તે ખુશીથી કહેજો!’

કંચન હોઠ ફફડાવીને રહી ગઈ.

‘શું વાત છે સાહેબ?’ વિનોદે મુંઝવણભરી નજરે દિલીપ સામે તાકી રહેતા પૂછ્યું.

‘મિસ્ટર વિનોદ...! પહેલાં તો તમે શાંતિથી બેસો...!’

વિનોદ કંચનની બાજુમાં એક અન્ય ખુરશી પર બેસી ગયો.

‘આ મેડમ તમારી પત્ની છે?’ દિલીપે પૂછ્યું.

‘હા...’

‘આજે તેમને બજારમાં આવવાનું હતું, એ વાતની તમને ખબર હતી?’ દિલીપે કંચન પર નજર રાખતાં પૂછ્યું.

‘હા...કંચન અહીં અર્થાત્ ભૈરવચોકમાં આવવાની હતી એ વાત હું જાણતો હતો.’ વિનોદ ખમચાતા અવાજે બોલ્યો.

‘તેઓ શા માટે આવવાના હતા?’

‘અહીં એક કાપડના વેપારીને તથા દિવાન ચોકમાં વિઝન ઈલેક્ટ્રોનીક્સમાં તથા બીજા બે-ત્રણ વેપારીઓને પૈસા ચૂકવવા માટે!’

‘હં...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘તમે તમારી પત્નીને કેટલી રકમ આપી હતી?’ સવાલ પૂછતી વખતે એના અવાજમાં નિરાશાનો સૂર હતો.

‘આઠ હજાર રૂપિયા...’ પછી વિનોદે ઉતાવળા અવાજે પૂછ્યું,

‘છેવટે વાત શું છે સાહેબ?’ આપ આ બધી પૂછપરછ શા માટે કરો છો?’

‘એ આઠ હજાર રૂપિયા ભરેલી હેન્ડબેગ એક બદમાશ મારફત તમારી પત્ની પાસેથી આંચકી લેવામાં આવી છે. મિસ્ટર વિનોદ! એ બદમાશ તમારી પત્નીના હાથમાંથી હેન્ડબેગ આંચકીને નાસી છૂટ્યો હતો. મેં તેનો પીછો કર્યો હતો, પણ...’ કહીને દિલીપે તેનો પીછો કરવાથી માંડીને બદમાશનું ખૂન થયું ત્યાં સુધીની બધી વિગતો વિનોદને જણાવી દીધી.

દિલીપની વાત સાંભળીને વિનોદના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ થોડી પળો માટે જડવત્ બની ગયો.

‘વિનોદ...એ હેન્ડબેગમાં આઠ હજાર રૂપિયા નહીં, પણ કંઈક બીજું જ હતું, તથા મારી હેન્ડબેગને કારણે જ એ બદમાશનું ખૂન થયું છે. એવી આ સાહેબને શંકા છે...!’ કંચને દિલીપ તરફ સંકેત કરતાં હિંમતભેર કહ્યું. વિનોદને જોઈને તેની હિંમત વધી ગઈ હતી.

‘જુઓ મેડમ, મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે, પોલીસ જરૂર પડ્યે પોતાના સગા બાપ પર પણ શંકા કરી શકે છે! તેમને દરેક વસ્તુને શંકાની નજરે જોવાની ટેવ પડી ગઈ છે!’ દિલીપ કોમળ અવાજે બોલ્યો, ‘જો તમે નિર્દોષ હો તો પછી તમારે જરા પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.’

‘સાહેબ...એ આઠ હજાર રૂપિયાની આપને મને ભલે કોઈ હિંમત ન હોય, પરંતુ અમારે માટે તો એ રકમ ખૂબ જ કીમતી અને પહાડ જેટલી મોટી હતી. આ કારણસર કંચન પરેશાન થઈ જાય એ સ્વાભાવિક જ છે! અને આપ પણ આ વાત સમજતા હશો.’

‘હવે...હવે શું થશે...? આપણે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશું?’ કહીને કંચન ફરીથી રડી પડી.

‘તમે ફરિયાદ નોંધાવી દો! તમારી રકમ મળી જાય એ માટે હું મારાથી બનતા તમામ પ્રયાસો કરી છૂટીશ!’ દિલીપે ભાવહીન અવાજે કહ્યું.

ત્યારબાદ ફરિયાદ નોંધવામાં વીસેક મિનિટ પસાર થઈ ગઈ. આ દરમિયાન દિલીપે ત્રણેય માટે કોફી મંગાવી લીધી હતી. ક્યાંક કોઈક ગરબડ જરૂર છે, એવું તેને લાગતું હતું. પરંતુ કંચનની જુબાની એટલી સચોટ હતી, કે તે ઈચ્છા હોવા છતાં પણ કંઈ ન કહી શક્યો.

છેવટે એ બંને ઊભાં થયાં.

‘મેડમ...!’ દિલીપથી બોલ્યા વગર ન જ રહી શકાયું, ‘જો તમે કોઈ વાત છૂપાવતા હો તો હજુ પણ સમય છે. જો તમારાથી કોઈ મામૂલી ગુનો થયો હશે તો હું આંખ આડા કાન કરી જઈશ. તમે જે વાત છૂપાવવા માંગતા હો, એનાથી કદાચ એ બદમાશના ખૂનનો ભેદ ઉકલી જાય અને અમને ખૂની સુધી પહોંચવામાં સરળતા રહે તે બનવાજોગ છે!’

‘સાહેબ...!’ વિનોદ ભડકીને કઠોર અવાજે બોલ્યો, ‘આપ એક સ્ત્રીને તેના પતિની સામે જ ગુનેગાર કહીને તેનું અપમાન કરતા હો એવું આપને નથી લાગતું?’

‘જો તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો,’ દિલીપ દિલગીરીભર્યા અવાજે કહ્યું, ‘મારો હેતુ માત્ર મારી ફરજ જ બજાવવાનો છે. મારે તમારી કે, તમારી પત્ની સાથે કંઈ અંગત દુશ્માનવટ તો છે નહીં!’

દિલીપને ઠપકો આપવા બદલ વિનોદ મનોમન ભોંઠપ અનુભવવા લાગ્યો.

દિલીપ તેમને વળાવવા માટે પોલીસ સ્ટેનનના પ્રવેશદ્વાર સુધી આવ્યો.

‘વિનોદ...!’ પગપાળા જ થોડે દૂર ગયા પછી કંચન નંખાઈ ગયેલા અવાજે બોલી, ‘મારી બેદરકારીને કારણે રકમ સરકી ગઈ એનું મને ખૂબ જ દુઃખ છે!’

વિનોદ મનોમન ખૂબ જ દુઃખી હતો. પરંતુ કંચનને ઠપકો આપવાની રકમ પાછી નથી મળી જવાની એ વાત તે જાણતો હતો. અલબત્ત, બંનેનો મૂડ જરૂર આઉટ થઈ જવાનો હતો.

‘કંચન...’ એ ધીમેથી બોલ્યો, ‘માણસ, માણસ સાથે લડી શકે છે...પણ પોતાના નસીબ સાથે નથી લડી શકતો! આમાં હું તારો વાંક પણ શું કાઢું? આપણા નસીબમાં કદાચ આમ બનવાનું જ લખ્યું હશે!’

‘છતાંય આ બધું મારે કારણે થયું!’

‘બનવાકાળે બન્યે જ રાખે છે. હવે તું ફિકર ન કર! જે થયું તે થયું! આઠ હજાર રૂપિયા જ ગુમાવ્યા છે...કંઈ આપણું નસીબ નથી ગયું!’ પછી અચાનક યાદ આવ્યું હોય એમ એણે પૂછ્યું, રાજુ ક્યાં છે કંચન?’

‘એને હું કામિનીને ત્યાં મૂકી આવી છું!’ કંચન નંખાઈ ગયેલા અવાજે બોલી.

‘તું તો ઘરે ચાલી જઈશ ને?’

‘તું મારી સાથે નથી આવતો?’

‘ના...હું જરૂરી કામ પડતું મૂકીને આવ્યો છું. માંડ માંડ નીકળી શકાયું છે.’

‘ભલે...હું ચાલી જઈશ’

‘તું હિંમત રાખ! હું કંઈક વ્યવસ્થા કરી લઈશ!’ વિનોદ એના ખભા પર હાથ મૂકીને આશ્વાસન આપતાં બોલ્યો.

કંચને ધીમેથી માથું હલાવ્યું.

ત્યારબાદ બંને પોત-પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી ગયા.

***

***

Rate & Review

Verified icon

Patel Sandip 1 month ago

Verified icon

Jyotika Thakkar 2 months ago

Verified icon

ATULCHADANIYA 2 months ago

Verified icon

Jaydip Chhaya 2 months ago

Verified icon

Hardik Patel 3 months ago