Bhool - 8 books and stories free download online pdf in Gujarati

ભૂલ - 8

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 8

અણધાર્યું આગમન...!

દિલીપની જીપ વિનોદના મકાન સામે પહોંચીને ઊભી રહી.

એ જીપમાંથી નીચે ઊતરી ઝડપભેર મકાન પાસે પહોંચ્યો.

એની છઠ્ઠી ઈન્દ્રિય વારંવાર કંઈક અજુગતું બન્યાની શંકા વ્યક્ત કરતી હતી.

એણે બંધ દ્વાર પર ટકોરા માર્યા.

પરંતુ અંદરથી કોઈ જ જવાબ ન મળ્યો.

મળે પણ ક્યાંથી?

અંદર કોઈ જીવીત માણસ તો હતો નહીં.

હા, વિનોદનો મૃતદેહ જરૂર પડ્યો હતો.

પરંતુ મૃતદેહ બોલી કે હલનચલન નથી કરી શકતો.

‘શું થયું સર?’ કુલકર્ણીએ તેની નજીક આવતાં પૂછ્યું.

‘કોઈ સાંભળતું જ નથી.’ ‘બારણું તોડવું પડશે...!’ કહીને દિલીપે જોરથી બારણાને ધક્કો માર્યો.

બારણુ ધડામ અવાજ સાથે ઊઘડી ગયું.

કુલકર્ણી એકદમ હેબતાઈ ગયો.

દિલીપ અંદર પ્રવેશ્યો.

ડ્રોઈંગરૂમની લાઈટ ચાલુ હતી.

પરંતુ ત્યાં કોઈ જ નહોતું.

એણે શંયનખંડનો પડદો ખસેડ્યો.

અંદરનું દશ્ય જોઈ ને એના પગ દ્વાર પાસે જ જડાઈ ગયા.

એ સ્થિર નજરે વિનોદના મૃતદેહ સામે જોઈ ને તેની નજીક પહોંચ્યો.

વિનોદની છાતીમાં સ્ટીલની, ચમકારા મારતી છૂરી મૂઠ સુધી ઊતરી ગયેલી હતી.

પુષ્કળ લોહી વહી ચૂક્યું હતું.

પલંગની ચાદર પર ઠેકઠેકાણે લોહી ખરડાયેલું હતું.

‘આપની શંકા સાચી પડી સર...!’ કુલકર્ણીએ એક ઊંડો શ્વાસ લેતાં કહ્યં.

‘કુલકર્ણી...! તું આજુબાજુમાં ક્યાંકથી હેડકવાર્ટરે ફોન કરી દે...! ફીંગરપ્રિન્ટ એકસ્પર્ટ, ડૉક્ટર, ફોટોગ્રાફર અને પોલીસ ડૉગને બોલાવી લે...! આ સમગ્ર બનાવો કોઈક ખતરનાક હેતુસર બની રહ્યા હોય એવું મને લાગે છે. હું મારા તરફથી કોઈ કસર બાકી રાખવા નથી માગતો. જોગાનુજોગ આ ખૂન પણ ભૈરવચોક પોલીસસ્ટેશનની અંડરમાં જ થયું છે!’ દિલીપ રૂક્ષ અવાજે બોલ્યો.

‘યસ સર...’ કુલકર્ણીએ કહ્યું.

પછી તે ઝપાટાબંધ બહાર નીકળી ગયો.

દિલીપે આગળ વધીને વિનોદના ગજવાની તલાસી લીધી. પરંતુ એમાંથી તેને ખાસ કોઈ વસ્તુ ન મળી.

ત્યારબાદ એણે શયનખંડની લેવી શરૂ કરી.

તલાશી દરમિયાન તેને બીજુ તો કંઈ ન મળ્યું.

હા, કંચનની સૂટકેસના તળીયામાં રહેલા એક આલ્બમમાંથી તેનો તથા મધુકરનો સાથે પડાયેલો ફોટો જરૂર મળ્યો.

કંચન અને મધુકરને કેટલા ગાઢ સંબંધો હશે તે આ ફોટા પરથી સ્પષ્ટ રીત જણાઈ આવતું હતું.

‘મેં ફોન કરી દીધો છે સર...!’ સહસા કુલકર્ણીએ અંદર આવીને કહ્યું.

‘આપણે બહુ મોડું કરી નાખ્યું કુલકર્ણી! મારે વિનોદ પર સતત નજર રાખવાની જરૂર હતી!’ દિલીપના અવાજમાં આંતરિકભોઠંપનો સૂર હતો, ‘જો આ વાત પહેલાંથી જ મને સૂઝી હોત તો વિનોદને પોતાનો જીવ ન ગુમાવવો પડત!’

‘સર... વિનોદ બ્લેક કોબ્રાની ગેંગ સાથે જરૂર કોઈક રીતે સંકળાયેલો હતો, એવું આપને નથી લાગતું?’ કુલકર્ણીએ પૂછ્યું.

બંને ડ્રોઈંગરૂમમાં આવ્યા.

‘ના...’

‘કેમ...?’

‘મારા અનુમાન મુજબ વિનોદને હોળીનું નાળીયેર બનાવવામાં આવ્યો છે. એ નાહક જ માર્યો ગયો છે.’

‘ઓહ...તો વિનોદ બ્લેક કોબ્રાની ગેંગ સાથે કોઈ સંબંધ નહોતો ખરું ને?’

‘ના...અલબત્ત, એની પત્ની જરૂર આ ગેંગ સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલી છે.’

‘શું...?’ કુલકર્ણીએ અચરજથી તેની સામે જોતાં પૂછ્યું.

‘હા...’

‘પરંતુ આવું આપ ક્યાં આધારે કહો છો...?’

‘કંચનની સાથે રહેલા આ માણસને જો...!’ દિલીપે કંચનની સૂટકેસમાંથી મળેલો ફોટો કુલકર્ણીને બતાવતાં કહ્યું, ‘આ એ જ માણસ છે કે જે દિલાવરને ઘેર આવ-જા કરતો હતો. આ માણસ જ વિનોદ અને કંચનને અલગ અલગ મળતો હતો. આ માણસનું નામ ફોટાની પાછળ લખ્યા મુજબ મધુકર હોવું જોઈએ. મધુકર બ્લેક કોબ્રાની ગેંગનો સભ્ય છે અને કંચન સાથે તને ગાઢ સંબંધ પણ છે.’

ખરેખપ આ વાત આશ્વર્યજનક છે!’ કુલકર્ણી ફોટા પર નજર દોડાવતાં બોલ્યો, ‘આ ફોટો જોતાં કંચનનું ચારિત્ર્ય ખૂબ જ શંકાસ્પદ છે!’

‘છૂરી લાગ્યા પછી પણ વિનોદ ઘણા સમય સુધી જીવતો રહ્યો હતો એમ હું માનું છે. આપણે આવ્યા તેની દસેક મિનિટ અગાઉ જ તેનું મોત નીપજ્યું છે!’ દિલીપે રહસ્યોદઘાટન કર્યું.

દિલીપની વાત સાંભળીને કુલકર્ણીના ચહેરા પર નર્યા-નિતર્યા આશ્વર્યના હાવભાવ છવાઈ ગયા.

‘આવું આપ કેવી રીતે કહી શકો છે સર?’ એણે પૂછ્યું.

‘વિનોદનો મૃતદેહ જોઈ ને...!’

‘મૃતદેહ જોઈને જ, એ છૂરી વાગ્યા પછી કેટલીયે વાર સુધી જીવતો રહ્યો હતો, એવું આપે કેવી રીતે નક્કી કર્યું?’

‘વિનોદનો મૃતદેહ જેટલો ઠંડો હોવો જોઈએ તેટલો નહોતો. બીજું, જે ઝડપથી લોહી વહી શકે છે, એ ઝડપથી લોહીનું પ્રમાણ વધુ છે. જીવતા માણસના શરીરમાં વહેલા લોહીનું પાણી થઈ જાય છે. વિનોદ સશક્ત બાંધો ધરાવતો માનવી હતો. જીવલેણ હુમલો થયા પછી પણ તે એક-દોઢ કલાક જીવતો રહ્યો હતો. એનું ખૂન થયું, એ વખતે અજવાળું હશે. પરંતુ આપણે આવ્યા, ત્યારે લાઈટ ચાલુ હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે, વિનોદ પર હુમલો થયો ત્યાર પછી કોઈક અહીં આવ્યું હતું. અને આ ‘કંઈક’ કંચન સિવાય બીજું કોઈ જ નથી.’

‘આવનાર કંચન જ હતી, એવું આપ આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહો છો સર?’ કુલકર્ણીએ ઉત્સુક અવાજે પૂછ્યું.

‘મેં કંચનના હાંથમાં એક નાનો પુત્ર પણ જોયો હતો. એની ઉમંર આશરે દોઢ-બે વર્ષની હશે! કંચને અહીં આવીને પોતાના પુત્રને પલંગ પર સૂવડાવ્યો અને તેના એ સુપુત્રે ત્યાં બાથરૂમ કર્યું. ભીની હોવાને કારણે ચાદર પર જે આકૃતિ બની તે કોઈક બાળકની નાજુક કમ્મરની હતી. બાળકે થોડી વાર પહેલાં જ ચાદર ભીની કરી, એ જાણવું કંઈ મુશ્કેલ કામ નથી. ચાદર અને ગાદલું ખૂબ જ ભીનું હતું.’

‘ઓહ...આપે તો ખૂબ જ બારીકાઈથી પૃથ્થકરણ કર્યું છે. સર!’ કુલકર્ણી પ્રશંસાભર્યા અવાજે બોલ્યો.

‘તું આજુબાજુમાં રહેકા કોઈક એવા માણસને શોધી કાઢ કે જેણે વિનોદના મકાનમાં કોઈને આવતાં-જતાં જોયા હોય! ખાસ કરીને સામે પાનવાળાની દુકાન છે ત્યાં પૂછી જો! અને જો એ કંઈ જાણતો હોય, તો તેને અહીં તેડી લાવ!’

‘યસ સર...! પહેલાં હું પાનવાળા પાસે જ જઉં છું.’ કહીને કુલકર્ણી ઝડપથી બહાર નીકળી ગયો.

બે-ત્રણ મિનિટમાં જ એ પાછો ફર્યો.

એની સાથે આધેડ વયનો એક માણક પણ હતો.

દિલીપ તરત જ એ માણસને પાનવાળા તરીકે ઓળખી ગયો.

‘નમસ્તે સાહેબ...!’ પાનવાળો, કે જેનું નામ પ્રેમચંદ હતુ. એણે દિલીપ સામે બંને હાથ જોડતાં કહ્યું.

‘આપણે અગાઉ પણ મળી ચૂક્યા છીએ પ્રેમચંદ...! યાદ છે તને...?’

‘હા, સાહેબ...! હું એક વખત કોઈ ને પણ જાઉં, તો ઓછામાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી નથી ભૂલતો! અને આપણી મુલાકાતને તો માંડ માંડ આઠ-દસ દિવસ થયા છે, એટલે ભૂલવાનો સવાલ જ ઊભો નથી થતો.’

‘વેરી ગુડ...છેલ્લા ત્રણ કલાકથી તું તારી દુકાનમાં જ હાજર હતો?’ દિલીપે પૂછ્યું.

‘હા, સાહેબ...!’ પ્રેમચંદે હકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘પહેલાં નિરાંતે બેસી જા...’

પ્રેમચંદ એક ખુરશી પર બેસી ગયો.

‘હેવ હું તને જે કંઈ પૂછું, એના તારે સાચા જવાબો આપવાના છે.’

‘જી, સાહેબ...!’

‘છેલ્લા બે-ત્રણ કલાકમાં તે અહીં કોઈને આવતાં-જતાં જોયા છે?’ દિલીપે પૂછ્યું.

‘હા, સાહેબ...મેં બે માણસોને જોયા છે! પરંતુ આપ આ બધું શા માટે પૂછો છો.?’

‘આ મકાનમાં રહેતાં માણસનું ખૂન થઈ ગયું છે!’

‘વિનોદનું...?’ પ્રેમચંદના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

‘હા...એનો મૃતદેહ બાજુના રૂમમાં પડ્યો છે. એનું ખૂન થયાને વધુ સમય નથી વીત્યો. ખૂની આ મકાનમાં પ્રવેશ્યો. એ સામેના ભાગમાંથી જ પ્રવેશ્યો હશે એ તો સ્પષ્ટ જ છે. કારણ કે મકાનમાં પ્રવેશવા માટે બીજો કોઈ માર્ગ નથી. ખેર, તે બંને જણને સાથે જ મકાનમાં પ્રવેશતા જોયા હતા?’

‘ના, સાહેબ...પહેલાં એક યુવાન વિનોદના મકાનમાં પ્રવેશ્યો હતો. ત્રીસ-ચાલીસ મિનિટ રોકાઈને તે ચાલ્યો ગયો. ત્યારબાદ લગભગ અડધા કલાસ પહેલાં વિનોદ સાહેબની પત્ની ટેક્સીમાં આવી હતી. એ પણ થોડી વાર રોકાઈને ચાલી ગઈ.’

‘એ ગઈ, ત્યારે એનો દેખાવ કેવો હતો?’

‘દેખાવ...?’

‘હા...’

‘દેખાવ તો બહુ સારો હતો...’

‘એના ચ્હેરા પર કેવા હાવભાવ છવાયેલા હતા, એમ હું પૂછું છું...!’ દિલીપે ધૂંધવાતા અવાજે કહ્યું.

‘ગભરાટના...! એ ખૂબ જ ગભરાયેલી લાગતી હતી.’

‘સારૂ...એક વાતનો બરાબર વિચારીને જવાબ આપ.’

‘બોલો સાહેબ...!’

‘કંચન જ્યારે બહાર નીકળી, ત્યારે એના હાથમાં કોઈ બ્રીફકેસ હતી?’

દિલીપનો આ સવાલ સાંભળીને કુલકર્ણી ફરીથી એકવાર આશ્વર્યચક્તિ થઈ ગયો હતો.

પ્રેમચંદ પણ ચમકી ગયો હતો.

‘મને બરાબર યાદ છે સાહેબ...! એના એક હાથમાં બ્રીફકેસ અને બીજા હાથમાં તેનો પુત્ર હતો. પરંતુ આ વાતની આપને કેવી રીતે ખબર પડી સાહેબ?’

‘મેં તને કહ્યું હતું ને કે તારે તો માત્ર મારા સવાલોના જવાબો જ આપવાના છે!’ દિલીપ કઠોર અવાજે બોલ્યો.

‘ભૂલ થઈ ગઈ સાહેબ!’ પ્રેમચંદ ગભરાતા અવાજે કહ્યું.

‘વારૂ, તેં ક્યારેય કંચન અને વિનોદને વચ્ચે ક્યારેય બોલાચાલી કે ઝઘડો થતો જોયો કે સાંભળ્યો છે?’

‘ના, સાહેબ...! વિનોદ સાહેબ તો કંચનને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. પરંતુ તેઓ જેટલો પ્રેમ કંચનને કરતાં હતાં, એટલો પ્રેમ કંચન તેમને નહોતી કરતી!’

‘આવું તું ક્યાં આધારે કહે છે?’

‘સાહેબ...વિનોદને આ વિસ્તારમાં રહેતા લોકો ‘વહુઘેલો કહેતા! ે ક્યારેય પોતાની પત્ની સામે ઊંચા અવાજે નથી બોલ્યો. હંમેશા કંચન જ તેની સામે ઊંચા સાદે બોલતી હતી સર!’

‘વારૂ, બીજું કંઈ...?’ દિલીપે શોધપૂર્ણ નજરે પ્રેમચંદના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

‘ના, સાહેબ...! અત્યારે તો મને કંઈ યાદ નથી આવતું. યાદ આવશે તો જરૂરથી આપને જણાવી દઈશ.’

‘ઠીક છે...તું કંઈ શકે છે...’

પ્રેમચંદ ચાલ્યો ગયો.

‘સર...’ એના ગયા પછી કુલકર્ણી બોલ્યો.

દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘સર, કંચન પોતાની સાથે કોઈક બ્રીફકેસ લઈ ગઈ હતી, એ વાતની આપને કેવી રીતે ખબર પડી?’ કુલકર્ણીએ આંખો પટપટાવતાં પૂછયું.

‘મેં કબાટ ઉઘાડો જોયો હતો. કબાટનાં દરેક ખાના પર મલમલનું કપડું પાથરેલું છે. એ કપડાં પર જે નિશાન બનેલું છે, તેના પરથી તે કપડાં પર બ્રીફકેસ જેવી કોઈક વસ્તુ રાખવામાં આવી હતી, અને થોડી વાર પહેલાં જ એને ત્યાંથી ખસેડવામાં આવી છે, એવું અનુમાન મેં કર્યું હતું.’ દિલીપ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘જો તેં એ નિશાન જોયું હોત તો તું પણ ત્યાં બ્રીફકેસ પડી હોવાનું જ અનુમાન કરત!’

‘હા...’

‘હવે સૌથી અગત્યનો સવાલ તો એ છે કે કંચને પોતાના પતિ વિનોદના મૃતદેહ પ્રત્યે આંખ આડા કાન શા માટે કર્યાં? એ ક્યાંક નાસી છૂટી છે...પણ શા માટે...?’

‘સર, ખૂન એણએ જ કર્યું હોય, એ બનવાજોગ છે!’ કુલકર્ણીએ પોતાની શંકા વ્યક્ત કરી.

‘ના, કુલકર્ણી...! આ કામ કોઈ સ્ત્રીનું નથી.’

‘કેમ...?’

‘વિનોદની છાતી પર છૂરીનો જે શક્તિશાળી પ્રહાર કરવામાં આવ્યો છે, એવો પ્રહાર કરવાનું કોઈ સ્ત્રીનું ગજુ નથી.’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘ઓહ...તો એનો અર્થ એ થયો કે વિનોદનું ખૂન, તેને કંચનની પહેલાં મળવા આવેલા યુવાને એટલે કે મધુકરે જ કર્યું છે!’ કુલકર્ણી વિચારવશ અવાજે બોલ્યો, ‘આ તો પ્રણય ત્રિકોણનો મામલો લાગે છે. પત્નીનાં પ્રેમીએ, પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે તેના પતિને મારી નાખ્યો.’

‘તારી અક્કલ ઘાસ ચારવા ગઈ છે કે શું?’ દિલીપે ધૂંધવાતા અવાજે પૂછ્યું.

‘કેમ...?’ કુલકર્ણી એકદમ હેતબાઈ ગયો.

‘ત્યારે શું...?’ તું દિલાવરવાળો બનાવ શા માટે ભૂલી જાય છે? એ તારી આ માન્યતામાં ક્યાં ફીટ થાય છે? મારો અનુભવ બોલો છે કે જે ખૂન એકદમ સ્પષ્ટ હોય છે, તેમાં ખૂન પાછળનો હેતુ ખૂબ જ ભયંકર હોય છે!’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો.

‘ગમે તે હોય, પરંતુ અત્યારે તો મને આ મામલો પ્રણય ત્રિકોણનો જ લાગે છે. ઉપરાંત આપે મને જે ફોટો બતાવ્યો હતો, એ પણ મારી વાતને સમર્થન આપે છે.’

‘મારી પાસે એક એવી દલીલ છે કે જેનાથી તારી માન્યતા ખોટી પડી જશે.’

‘શું?’

‘મધુકરે કંચન સાથે લગ્ન કરવાં, અથવા તો નાસી છૂટવા ખાતર જ વિનોદનું ખૂન કર્યું છે, એમ તું માને છે ને?’

‘હા...’

‘હવે જો મધુકરને કંચન સાથે નાસી જ છૂટવાનું હતું, તો પછી આટલું જોખમ વહોરીને અહીં આવી જ શા માટે? ઉપરાંત, જ્યારે તેને નાસી જ છૂટવાનું હતું તો પછી વિનોદનું ખૂન કરવાની શું જરૂર પડી? એ ખૂન કર્યાં વગર પણ નાસી શકે તેમ હતી.’ દિલીપ ભાવહીન અવાજે બોલ્યો, ‘વિનોદનું ખૂન કરીને તો તેમણે ઊલટું મૂર્ખાઈભર્યું કામ કર્યું છે!’

‘સર...તેમનો ઈરાદો ખૂન કરવાનો ન હોય, પણ ક્ષણિક આવેશમાં આવીને તેમનાથી વિનોદનું ખૂન થઈ ગયું હોય એવું ન બને...?’

‘ના...’

‘કેમ...?’

‘જો તું કહે છે એમ જ બન્યું હોય તો ખૂની છૂરી લઈને શા માટે આવ્યો? શું એ કાયમ ગજવામાં છૂરી રાખીને ફરતો હતો?’

દિલીપના આ સવાલનો કુલકર્ણીને કોઈ જવાબ ન સૂઝ્યો.

એણે ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને તેમાંથી એક પોતે લીધી અને બીજી દિલીપને આપી.

પછી બંને સિગારેટ સળગાવીને ધીમે ધીમે કસ ખેંચવા લાગ્યા.

સહસા વાતાવરણમાં પોલીસજીપ ઊભી રહેવાનો અવાજ ગુંજી ઊઠ્યો.

બંને ડ્રોંઈગરૂમમાંથી બહાર નીકળ્યા.

મકાનની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

કદાચ પાનવાળો પ્રેમચંદ, વિનોદની ખૂનની વાત નહોતો પચાવી શક્યો.

ફીંગર પ્રિન્ટ એક્સ્પર્ટ, ફોટોગ્રાફર, ડૉક્ટર વિગેરેની સાથે સાથે પોલીસ ડોગ પણ હતો.

આવતાવેંત સૌ પોત-પોતાના કામે વળગી ગયા.

ફોટોગ્રાફરે મૃતદેહના જુદા જુદા એંગલોથી ફોટા પાડી લીધા.

ફીંગરપ્રિન્ટ એક્સ્પર્ટ ઠેકઠેકાણે આંગળાની છાપો મેળવવા કામ પૂરું કર્યું.

પોલીસ ડૉક્ટરે મૃતદેહને તપાસ્યો.

જે સ્થળે ચાદર ભીની હતી, ત્યાંથી એટલો ટૂકડો કાપી લેવામાં આવ્યો.

ત્યારબાદ પોલીસ ડોગને છૂરીની મૂંઠ સૂંઘાડીને છૂટ્ટો મૂકી દેવાયો.

એ તરત જ બહાર દોડ્યો અને પછી મકાનના દ્વારથી થોડે દૂર પહોચીંને ઊભો રહી ગયો.

ખૂની કોઈક વાહનમાં બેસીને નાસી છૂટ્યો હતો, આ કારણસર પોલીસ ડોગ તેની ગંધ નહોતો મેળવી શક્યો.

ત્યારબાદ કંચનનાં વસ્ત્રો સૂંઘાડીને તેને છૂટો કરવામાં આવ્યો તો તે નજીકના એક ટેક્સી સ્ટેન્ડ સુધી પહોંચીને અટકી ગયો.

પરંતુ તેમ છતાં ય ટેક્સીમાં ગઈ હતી એટલું તો જરૂર જાણવા મળ્યું.

એ ક્યાં ગઈ હતી? ટેક્સી ડ્રાયવરે તેને ક્યાં ઊતારી હતી, એ જાણવાનું કામ મુશ્કેલ જરૂર હતું. પરંતુ અશક્ય નહીં!

***

બીજી તરફ કંચન ટેક્સીમાં બેસીને અંબિકાનગર સ્થિત મધુકરના રહેઠાણે પહોંચી.

એ પગથિયા ચડીને જ્યારે દ્વાર સામે પહોંચી ત્યારે એના પગ થંભી ગયાં.

બારણું ઉઘાડું હતું પરંતુ અંદર કોઈ જાતનો સામાન નહોતો.

આખો રૂમ ખાલી પડ્યો હતો.

એ અંદર પ્રવેશી.

કીચન અને શયનખંડ પણ ખાલીખમ હતાં.

કંચનનું દિમાગ ચકરાવે ચડી ગયું.

એના પગ કંપતા હતા.

હિંમત ઓસરી ગઈ હતી.

પરંતુ તરત જ એણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો.

જે માણસે તેની સાથે દગો કરીને તેનો સંસાર સળગાવી નાખ્યો છે, એ માણસની શરણે જ પોતે આવી છે, એવો તેને ભાસ થતો હતો, શું આવો માણસ ભરોસો કરવા જેટલો યોગ્ય હોઈ શકે છે?’

એના ચ્હેરા પર નફરતના હાવભાવ છવાઈ ગયા.

એની રગેરગમાં ક્રોધ ફરી વળ્યો.

પોતે એ દગાબાજને જરૂર પાઠ ભણાવશે એવું એણે મનોમન નક્કી કર્યું.

પોતે એને કાયદાને હવાલે કરીને જ જંપશે...પછી ભલે પોતાને પણ લોકોની ટીકા અને અપમાનો સહન કરવાં પડે.

જે માણસ સાથે વિશ્વાસઘાત કરવામાં આવે છે, એ નિરાશ થઈ જાય છે અને નિરાશ થયેલો માવની ગુસ્સે પણ જલ્દી થઈ જાય છે.

એ ઝડપભેર પગથિયાં ઊતરીને સડક પર આવી.

‘કંચન મેડમ...!’ સહસા તેના કાને કોઈકની બૂમ અથડાઈ.

કંચને જોયું.--

--એક સજ્જન દેખાતો યુવાન તેની સામે જ તાકી રહ્યો હતો.

એક અજાણ્યા યુવાનના મોંએથી પોતાનું નામ સાંભળીને તેને ખૂબ જ આશ્વર્ય થતું હતું.

યુવાન તેની નજીક આવ્યો.

‘મેડમ...!’ એ શિષ્ટાચારભર્યા અવાજે બોલ્યો, ‘મને મધુકરે મોકલ્યો છે. તમે અહીં આવશો એની તેને ખબર જ હતી. મેં તમને એણે ખાલી કરેલા મકાનમાં જતાં જોઈ લીધાં હતાં.’

‘તો પછી તમે એ જ વખતે શા માટે મને ન કહ્યું?’ કંચને શંકાભરી નજરે તેની સામે તાકી રહેતાં પૂછ્યું.

‘હું કહેત તો તમે માનત ખરા?’ યુવાનનો અવાજ એકદમ ગંભીર હતો. ‘જ્યાં સુધી તમે પોતે મકાન ખાલી ન જોત, ત્યાં સુધી તમને મારી વાત પર ભરોસો ન બેસત! આ કારણસર જ મેં તમને પહેલાં નહોતું કહ્યું.’

યુવાનની વાત તેને સમજાઈ ગઈ.

એણે એક વાર સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી.

કોઈનું ય ધ્યાન તેમની તરફ નહોતું.

‘મધુકર સલામત તો છે ને?’ એણે ધીમા અવાજે પૂછ્યું.

‘હા...’

‘કામ પતી ગયું...?’

હા...બધું કામ પતી ગયું છે. એ તમારી રાહ જુએ છે!’ યુવાને અર્થસૂચક અવાજે કહ્યું.

‘ભલે, ચાલો...હું આવું છું...!’ કંચન સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલી.

યુવાને થોડે દૂર ઊભેલી એક સફેદ એમ્બેસેડર તરફ હાથ હલાવ્યો.

વળતી જ પળે એમ્બેસેડર સ્ટાર્ટ થઈ, તેમની નજીક આવીને ઊભી રહી.

પછી તેનું પાછળની સીટનું બારણું ઉઘડ્યું.

અંદર અગાઉથી જ એક માણસ બેઠો હતો.

‘ગભરાશો નહીં...!’ યુવાને સ્મિત ફરકાવતાં કહ્યું, ‘હું પણ તમારી સાથે જ આવું છું.’

કંચન ભયભીત બનીને પાછળની સીટ પર બેસી ગઈ.

યુવાન આગળની સીટ પર બેઠો.

વળતી જ પળે કાર એક આંચકો ખાઈને આગળ વધી ગઈ.

અડધા કલાક પછી કાર એક શાનદાર બંગલાના પોર્ચમાં પહોંચીને ઊભી રહી ગઈ.

આ બંગલો બીજો કોઈ નહીં, પણ સુંદર નગર સ્થિત રાધેશ્યામ ભગતનો જ બંગલો હતો.

ત્યારબાદ ચારેય કારમાંથી નીચે ઊતરી આવ્યા.

કંચન સિવાય બાકીના ત્રણે ય મનમોહન, સુરેશ તથા દિવાન હતા!

ચારે ય જે હોલમાં પ્રવેશ્યા, ત્યાં પ્રતાપની સાથે મધુકર મોઝુંદ હતો.

પરંતુ અત્યારે એના ચ્હેરા પર ફેસમાસ્ક નહોતો.

એ પોતાના અસલી રૂપમાં એટલે કે ભગતના રૂપમાં હતો.

કંચને હોલમાં મોઝુદ માણસો સામે જોયું.

‘અહીં તો મધુકર નથી....!’ એણે સુરેશળ સામે જોતાં કહ્યું, ‘તમે મારી પાસે ખોટું શા માટે બોલ્યા?’

આ દરમિયાન મનમોહને દરવાજો બંધ કરી દીધો અને દિવાને સ્ટીરીઓ મ્યુઝીક શરૂ કરી દીધું.

રૂમમાં હળવું પાશ્વાત્ય સંગીત ગુંજી ઊઠ્યું.

‘હું અહીં છું કંચન...!’ સહસા ભગત બોલ્યો.

કંચનની આંખો નર્યા અચરજથી પહોળી થઈ ગઈ.

ભયંકર ચ્હેરો ધરાવતા માનવીને મધુકરના અવાજમાં બોલતો જોઈને તે ચમકી જાય, એ સ્વાભાવિક જ હતું.

‘તો...તમે કોણ છો...?’ એણે કંપતા અવાજે પૂછ્યું.

‘હું મધુકર છું...! મધુકર...! તારો પ્રેમી...!’

‘શું...?’

‘હા...આ મારો અસલી ચ્હેરો છે કંચન!’ આટલું કહીને ભગતે ગજવામાંથી ફેસમાસ્ક કાઢીને પહેરી લીધો, ‘અને આ છે એ નકલી ચ્હેરો કે જેને તું ચાહતી હતી.’

કંચનની જીભ તાળવે ચોંટી ગઈ.

એના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો.

જ્યારે ત્યાં મોઝુદ ભગતના સાથીદારો ખડખડાટ હસી પડ્યાં.

‘ના...તું...તું મધુકર કેવી રીતે હો...?’ કંચન સીચ જેવા અવાજે બોલી,‘તારી આંખો તો કાળી છે, જ્યારે મધુકરની આંખો ભૂરી હતી.’

‘એ કોન્ટેક્ટ લેન્સની કમાલ હતી. લે, આ જોઈ લે...!’ કહીને ભગતે આંખો પર કોન્ટેક્ટ લેન્સ ફીટ કરીને બતાવ્યા.

હવે એની આંખો ભૂરી થઈ ગઈ હતી.

આંખોની બનાવટ જોઈને તે ખોટું નથી બોલતો એની કંચનને ખાતરી થઈ ગઈ.

‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તું...’

‘આટલા ભયંકર ચહેરાવાળો માણસ હશે...!’ ભગતે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું, ‘કંચન શું તું હજી પણ મારી સાથે...’

‘મધુકર...!’ કંચન ચીસ જેવા અવાજે બોલી.

‘મધુકર નહીં, એ મારુ નકલી નામ હતું. મારુ સાચું નામ તો રાધેશ્યામ ભગત છે! પણ મારા ઓળખીતા-પાળખીતા લોકો મને પ્રેમથી ભગત કહીને જ બોલાવે છે! મારું મધુકર નામ પણ મારા ચહેરાની જેમ જ નકલી હતું. મેં તને મારા વિશે તને જે કંઈ જણાવ્યું હતું, એ પણ ખોટું હતું.’

‘તે...તે મારી સાથે આવું કપટ શા માટે કર્યું મધુકર...? તું મને સાચી હકીકત જણાવી શકે તેમ હતો.’

‘જો મેં તને મારી સાચી હકીકત જણાવી હોત તો મારો આ બેડોળ ચહેરો તને ગમત ખરો?’

‘ભગત...!’ દિવાન હસીને બોલ્યો, ‘આ તો ઘણું ખોટું કહેવાય!’

‘શું...?’

‘તું આમ આરામથી બેઠો છો અને તારી આ ખૂબસૂરત પ્રેયસી હાથમાં બાળક લઈને ઊભી છે!’

‘ભગત...આ દિરો તારો ન હોઈ શકે...?’ એને જેમ મારી સાથે સંબંધ હતો, તેમ બીજા પણ કેટલાંય લોકો સાથે હોઈ શકે છે!’ આ કોનું સંતાન છે, એની તો કંચનને પોતાને પણ ખબર નહીં હોય!’

ભગતની વાત સાંભળીને કંચનની આંખો સામે અંધકાર ફરી વળ્યો.

એ ધમ્ કરતી સોફા પર ફસડાઈ પડી.

‘બહુ વાગ્યું તો નથી ને?’ દિવાને તેના ગાલ પર હાથ ફેરવતાં પૂછ્યું.

‘મધુકર...!’ કંચન પીડાભર્યા અવાજે બોલી, ‘તેં તારા સ્વાર્થ ખાતર મારી સાથે દગો કર્યો...! મને પતિતા બનાવી દીધી! મારા પતિનું ખૂન કરી નાખ્યું અને નાલાયક નીકળીશ એવી કલ્પના મેં નહોતી કરી!’

‘કંચન...!’ ભગતના અવાજમાંથી લુચ્ચાઈ ટપકતી હતી, ‘તારે તો પૈસા જોઈતા હતા ને...? ફ્રીઝ...કલર ટી.વી. ...ઘરઘંટી...! બાપાજીનો માલ હોય, એમ આ બધું ખરીદવા દોડી ગઈ હતી! તારે ક્યો બાપ હપ્તાઓ ચૂકવશે, એની કલ્પના તે નહોતી કરી...? પૈસા ખાતર જ તેં આવું કર્યું...તો પછી મારો ચહેરો મધુકર જેવો હોય કે ડ્રા્કુલા જેવો...એનાથી તને શું ફર્ક પડવાનો છે?’

‘તું એક નંબરનો નીચ અને નાલાયક છો કમજાત...!’ કંચન ક્રોધથી તમતમતા અવાજે બોલી.

‘ચૂપ...’ ભગતના મોંમાંથી ઝેરી સર્પના ફૂંફાડા જેવો અવાજ નીકળ્યો, ‘તારા જેવી બે કોડીની સ્ત્રી માટે મારા મનમાં કોઈ જ માન નથી. જે સ્ત્રી પૈસા ખાતર પોતાના પતિના જિંદગીના પ્યાલામાં ઝેર ભેળવી શકે છે, એ સ્ત્રી કોઈ ચૂડેલથી કમ નથી હોતી. તારા પતિ વિનોદના મોતનું કારણ તું પોતે જ છો કંચન...!’

‘પણ તેં મને ભોળવી હતી...ફોસલાવી હતી...! તેં મને તારી પ્રેમજાળમાં ફસાવીને વિનોદ સાથે લગ્ને કરવા માટે લાચાર બનાવી હતી...તે જ મને...’

‘મેં તને નથી ભોળવી, નથી ફોસલાવી કે નથી પ્રેમજાળમાં ફસાવી...! તારી વાત સદંતર ખોટી છે...! તને પોતાને પણ પૈસાદાર બનવાની લાલચ હતી. ફૂટપાથ પર ઊભી રહીને તેં મહેલમાં રહેવાનું સપનું જોયું હતું. આ સપનું સાકાર કરવા માટે જ તેં મારી જાત પર ભરોસો કર્યો હતો..., મેં તને દરિયામાં કૂદી પડવાનું કહ્યું હોત તો તો તું મારી વાતનો અમલ કરત...? તું મારા પ્રેમમાં નહીં, પણ પૈસાની લાલચમાં આંધળી બની હતી...! તારા કલ્પનાચક્ષુઓ સમક્ષ બંગલો, કાર અને નોકર-ચાકર જ તરવરતા હતા...ગરીબીનો રોટલો તને ભાવતો નહોતો...તારે તો બત્રીસ જાતનાં ભોજનો આરોગવાં હતા. હું તો એક શિકારી છું...શિકારને ફસાવવા માટે જાળ પાથરીને ચારો ફેંકતો જ રહું છું...! હવે જો શિકાર પોતે જ એ ચારાની લાલચમાં, જાળમાં આવી ભરાય તો એમાં શિકારીનો શું વાંક...? ચારાની ઉપર જાળ પાથરેલી છે એ વાત તો શિકારે પોતે જ સમજવા જોઈએ...! નીચ સ્ત્રી...તું તારા પતિ સાથે ગરીબીમાં પણ સુખી છો એવું મને જણાવી શકે તેમ હતી કે નહીં...?’

ભગતના એક એક શબ્દોમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો.

‘હું...હું તને પ્રેમ કરતી હતી.’ કંચન રૂંધાતા અવાજે બોલી.

‘અને હવે...?’ ભગતે કટાક્ષભર્યા અવાજે પૂછ્યું.

‘હજુ પણ કરું છું...!’

‘એમ....?’

‘હા...’ કંચન પીડાભર્યા અવાજે બોલી, ‘તારી વાતો સાંભળીને હું ઉશ્કેરાી જઉં એ સ્વાભાવિક જ છે! મેં તેને પ્રેમ કર્યો હતો મધુકર ઊર્ફે ભગત, તારા દેખાવને નહીં!’

‘પરંતુ જે સ્ત્રીએ પૈસા ખાતર પોતાના પતિ સાથે દગાબાજી કરી, એવી સ્ત્રીને હું મારી પત્ની બનાવવા નથી માંગતો. ઉપરાંત મને આકર્ષણ રહે, એવું તારા પાસે બીજું છે પણ શું?’

‘ન...ના...તું...તું...મજાક કરે છે...!’

‘આ મજાક નહીં, પણ કહીકત છે કંચન...! તારા જેવી સ્ત્રી સાથે બે-ચાર કલાક મનોરંજન કરી શકાય છે, પણ લગ્ન નથી કરી શકાતા!’

‘શું...?’ કંચન પર જાણે કે વિજળી ત્રાકટી.

‘હા...તું ઘર બરબાદ કરનાર સ્ત્રી છો...આબાદ કરનારી નહી...!’ ભગતના અવાજમાં પૂર્વવત્ રીતે કટાક્ષ હતો.

‘ભગત...!’ કંચને પહેલી જ વાર તેને સાચા નામથી સંબોધન કર્યું.

ભગત પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું,

‘હું પૈસાની લાલચું છું ને...?’ સહસા કંચનના ગળામાંથી ઘૂરકાટભર્યો અવાજ નીકળ્યો.

‘એ તો એક ને એક બે જવી વાત છે!’

‘તો મારી આ લાલચ પૂરી કરવા માટે તુ મને શું આપીશ? મેં તો તારી તરસ છીપાવવા માટે મારી પાસે જે કંઈ હતું, એ બધું જ તને આપી દીધું છે. હવે આપવાનો વારો તારો છે...! બોલ, તુ મને શું આપી શકીશ?’ કંચનના અવાજમાં કારમી ઠંકડ હતી.

‘તારે શું જોઈએ છે?’

‘તું જ કહે ને...!’

‘હું તને ત્રીસ હજાર રૂપિયા આપીશ...! એ પણ એક શરતે...! તારે આજે જ વિશાળગઢમાંથી તારું મોં કાળું કરી જવાનું છે,’ ભગતે ગજવામાંથી સો રૂપિયાવાળી નોટોના બંડલ કાઢીને, જાણે કૂતરાની સામે રોટલી ફેંકતો હોય એ રીતે કંચનના પગ પાસે ફેંક્યા, ‘અને આ પૈસા હું એક કોલગર્લને તેની સેવાઓ બદલ આપું છું.’

‘માત્ર ત્રીસ જ હજાર...?’

ત્યાં મોઝુદ સૌ કોઈ ઉત્સુક્તાપૂર્વક તેમની વાતચીત સાંભળતાં હતાં.

‘હા...તારે વધુ પૈસા જોઈતા હોય તો ફરીથી તારા શરીરનું ભાડું વસુલ કરવાનું કામ શરૂ કરી દે! મને કંઈ વાંધો નથી.’ કહીને ભગતે પોતાના ગજવામાંથી સિગારેટનું પેકેટ તથા લાઈટર બહાર કાઢ્યાં.

‘મધુકર ઉર્ફે ભગત...!’ કંચન એક એક શબ્દ પર ભાર મૂક્તાં ક્રોધથી તમતમતા અવાજે કહ્યું, ‘તું એક સ્ત્રીના સૂતેલા આત્માને પડકાર્યો છે.’

‘એમ...?’

‘હા...હું તને બરબાદ કરી નાખીશ...! પૈસાની ભૂખ તારા જેવા હરામી કૂતરાને છે, મને નહીં!’ આટલું કહીને, કંચને બંડલો ઊંચકીને ભગતના મોં પર માર્યો, ‘દે લૂંટની દોલત મેળવ્યા પછી તેં મારા સુખી સંસારમાં આગ લગાડી છે, એ જ દોલત હવે તારી બરબાદીની કબર ખોદી નાખશે!’

‘શું વાત કરે છે...?’ ભગતના અવાજમાં ભારોભાર કટાક્ષ હતો.

‘હા...અત્યાર સુધી તેં માત્ર મારો પ્રેમ અને સમર્પણ જ જોયા છે. હવે મારું ભયંકર વેર પણ જોઈ લેજે!’

આટલું કહીને કંચન એક આંચકા સાથે ઊભી થઈ ગઈ.

પરંતુ ત્યાં ઊભેલા સુરેશે જોરથી તેને ધક્કો માર્યો.

એ ફરીથી સોફા પર જઈ પડી.

‘શું કરીશ તુ...?’ સુરેશ ક્રોધથી નસકોરાં ફૂલાવતાં બોલ્યો, પોલીસ પાસે જઈશ?’

‘હા...હું પોલીસ પાસે જઈશ...!’ કંચને વીફરેલા અવાજે કહ્યું, ‘હવે પોલીસ પાસે જતાં મને કોઈ અટકાવી શકે તેમ નથી.’

‘સૌથી પહેલાં તો આ જ તને અટકાવશે...!’ વાત પૂરી કરીને મનમોહને બાજની ઝડપે એના હાથમાંથી રાજુને આંચકી લીધો.

રાજુ જોરજોરથી રડવા લાગ્યો.

વળતી જ પળે મનમોહનના ગળામાંથી પૈશાચિક અટ્ટહાસ્ય નીકળ્યું.

‘તારો આ સુપુત્ર ભૂલ્યો, કુપુત્ર અમારા કબજામાં રહેશે, ત્યાં સુધી તું અમારું કંઈ જ નહીં બગાડી શકે!’ અટ્ટહાસ્ય બંધ કરીને એ બોલ્યો, ‘જે દિવસે તું મોં ઉઘાડીશ, એ દિવસે તારા આ કુપુત્રને ઈશ્વરના દરબારમાં પહોંચાડી દેશું. તને મમતા વ્હાલી છે કે વેર, એ તારે પોતે જ નક્કી કરવાનું છે. આમે ય અમને ધમકી આપ્યા પછી કોઈ માણસ વધુ વખત સુધી જીવતો નથી રહી શકતો.’

‘રાજુ...નીચ, કમજાત...મારો રાજુ મને પાછો સોપી દે...!’ કંચન વેદનાભર્યા અવાજે બોલી.

વળતી જ પળે પ્રતાપનો સણસણતો તમાચો કંચનના ગાલ પર ઝીંક્યો.

એનાં મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ.

‘નીચ સ્ત્રી....!’ પ્રતાપ જોરથી બરાડ્યો. હવે તારા નસીબમાં મમતા કે લાગણી નહીં, પણ માત્ર આસું સારવાનું જ લખ્યું છે...! તુ જિંદગીભર અમારી ગુલામી કરતી રહીશ! આ બંગલાનાં ભોંયરામાં સડતી રહીશ!’

વાત પૂરી કર્યા પછી એણે ન કરવા જેવું કામ કરી નાખ્યું.

એણે સુરેશના હાથમાંથી રાજુને આંચકીને જોરથી જમીન પર પટક્યો.

રાજુનું માથું ધડામ અવાજ સાથે જમીન પર ટકરાયું.

વળતી જ પળે એની ખોપરી ફાટી ગઈ.

કંચન ઝડપથી રાજુ પાસે પહોંચી.

પરંતુ હવે કંઈ જ વળે તેમ નહોતું.

રાજુ મૃત્યુ પામ્યો હતો.

એણે તરત જ રાજુના મૃતદેહને પોકાના ખોળામાં ઊંચકી લીધો.

એની સાડી લોહીથી ખરડાઈ ગઈ હતી.

ત્યારબાદ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

પ્રતાપ સિવાય બાકી સૌ કોઈ અણધાર્યા બનાવથી એકદમ હેતબાઈ ગયા હતા.

‘આ તે શું કર્યું બેવકુફ...!’ ભગત કાળઝાળ રોષથી પ્રતાપને ઉદ્દેશીને બરાડ્યો, ‘હવે જેમ બને તેમ જલ્દીથી જમીન સાફ કરો અને કમજાતના મૃતદેહને એસિડની ટાંકીમાં પધરાવી દો...! આ નીચનાં મોંમાં ડૂચો મારી, હાથ-પગ બાંધીને ભોંયરામાં મૂકી આવો...! એ ત્યાં જ ગુંગળાઈને...રીબાઈને મરી જશે...!’

‘મારા દિકરાને...રાજુ...મેં તને મારી નાખ્યો...હા, મેં જ તને માર્યો છે...! હા...!’ સહસા કંચન જાણે ગાંડી થઈ ગઈ હોય એમ બોલી, ‘મારી લાલચ સંતોષવા માટે મેં મારા સગા દિકરાને જ મારી નાખ્યો...હા, ન્યાયાધીશ સાહેબ...રાજુની ખૂની હું છું...મને ફાંસીએ લટકાવી દો...મારા જેવી નીચ સ્ત્રીને જીવતાં રહેવાનો કોઈ હક નથી...મેં મારા પતિ સાથે વિશ્વાસઘાત કર્યો છે....વકીલ સાહેબ...મને ફાંસીની સજા કરાવો...હા...હા...હા...’ અચનાક કંચનના ગળામાંથી અટહસ્યો નીકળવા લાગ્યાં.

એનું અટહાસ્ય સાંભળીને સૌનાં કાળજા કંપી ઊઠ્યાં.

‘આ...આ પાગલ થઈ ગઈ લાગે છે...!’ દિવાન બબડ્યો.

મનમોહન અને પ્રતાપ માંડમાંડ કંચનને મૃતદેહથી અલગ કરી શક્યા.

ત્યારબાદ એઓ તેને ઘસડીને બીજા ખંડમાં લઈ ગયા.

ત્યારબાદ ખૂબ જ સાવચેતીથી ભોંયરાનું દ્વાર ઉઘાડવામાં આવ્યું.

આ દ્વાર એક કબાટમાં હતું.

અડધા કલાક પછી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમના શરીર પરસેવે રેબઝેબ બની ગયા હતા.

પ્રતાપની આંગળીઓમાંથી લોહી વહેતું હતું. એ પીડાથી હાથને આંચકા મારતો હતો.

‘શું થયું પ્રતાપ...?’ ભગતે ચમકીને પૂછ્યું.

‘કમજાતે મારી આંગળીઓ કરડી ખાધી...! હું એના મોંમા ડૂચો મારતો હતો ત્યારે...!’

‘હેવ ત્યાં ગાલીચો પાથરી દો...!’ ભગતે જ સ્થળે રાજુને પટકવામાં આવ્યો હતો, એ તરફ સંકેત કરતાં કહ્યું.

બીજા રૂમમાં પાથરેલો ગાલીચો એ રૂમમાં પાથરી દેવાયો. ત્યારબાદ બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવી. આટલું કર્યા પછી જાણે દોડવાની હરીફાઈમાં ભાગ લઈને આવ્યા હોય એમ સૌ હાંફવા લાગ્યા.

‘પ્રતાપ...તારે રાજુને આટલી ક્રુરતાપૂર્વક નહોતો મારી નાખવો જોઈતો!’ ભગત ક્રોધથી સળગતી નજરે પ્રતાપ સામે તાકી રહેતાં બોલ્યો.

‘કેમ...? તું એનો બાપ હતો...?’ પ્રતાપ ઉપેક્ષાથી હસીને બોલ્યો, ‘જાણે

એની નસોમાં તારું લોહી વહેતું હોય, એમ તું તો તરફડીયા મારે છે!’

‘પ્રતાપ...!’ ભગત કાળઝાળ અવાજે બરાડ્યો. પ્રતાપનું કાળજું કંપી ઊઠ્યું.

‘ભૂ...ભૂલ થઈ ગઈ ભગત...!’

‘તું આને ભૂલ કહે છે કમજાત...?’

‘ના...’

‘તો...?’

‘હું...હુ...’

‘શું, હું... હું... કરે છે!’

‘હું મજાક કરતો હતો ભગત!’

‘આવી મજાક...?’

‘હા...મજાક તો મજાક જ હોય છે...!’

‘આવી મજાક મને પસંદ નથી એની તને ખબર છે ને?’

‘હા...!’

‘તો પછી આવી મજાક તે શા માટે કરી...?’

પ્રતાપ ચૂર રહ્યો.

બાકીનાઓ પણ એકદમ હેબતાઈ ગયા.

ભગતનું આવું રૌદ્રસ્વરૂપ તેમણે આજે પહેલી જ વાર જોયું હતું.

‘તે મારા સવાલનો જવાબ ન આપ્યો પ્રતાપ...!’ ભગત ફરીથી રોષભેર બરાડ્યો.

‘સ...સોરી ભગત...’

‘સોરીના દિકરા...!’

‘મને માફ કરી દે...! મારે આવી ખરાબ મજાર નહોતી કરવી જોઈતી.’ પ્રતાપ કરગરતા અવાજે બોલ્યો.

‘ભવિષ્યમાં ક્યારેય આવી મજાર કરીશ તો હું તારી છાતીમાં આખી રીવોલ્વર ખાલી કરી નાખીશ એટલું યાદ રાખજે.’

‘જી...’

‘અને સાંભળ...જો રાજુ મારો દિકરો હોત...!’ એની નસોમાં મારું લોહી વહેતું હોત તો જ્યારે મેં તને સુરેશના હાથમાંથી તેને આંચક્તો જોયો, ત્યારે જ શૂટ કરી નાખ્યો હોત સમજ્યો...?’

‘જી...’

‘અરે...આ, શું...?’ સહસા દિવાન ચમકીને બોલ્યો.

સોની નજર એણએ સંકેત કરેલી દિશા પર સ્થિર થઈ ગઈ.

સોફાના પાયા પાસે એક બ્રીફકેસ પડી હતી.

‘આ બ્રીફકેસ મેં કંચનના હાથમાં જોઈ હતી.’ ભગત બોલ્યો, ‘બ્રીફકેસમાં શું છે, એ જુઓ...’

મનમોહન બ્રીફકેસ ઉઘાડી.

એમાં બે લાખ રૂપિયા રોકડા પડ્યા હતા.

‘આ એ જ રકમ છે કે જે મેં વિનોદને, લૉકરના નંબરોની યાદી મેળવવા બદલ આપ્યા હતા.’ ભગત ધીમેથી બોલ્યો.

‘નોટોના બંડલોની નીચે કંઈ છે કે નહીં, એ તો જુઓ...!’ સુરેશે કહ્યું.

મનમોહને બ્રીફકેસમાંથી નોટોનાં બંડલો કાઢીને એક તરફ મૂકી દીધાં

બ્રીફકેસના તળીયામાં ખાખી રંગનું એક કવર પડ્યું હતું.

મનમોહને કવરમાં રહેલા કાગળો બહાર કાઢીને તેનું નિરીક્ષણ કર્યું.

‘આ ફરફરીયાં શેનાં છે મનમોહન...?’ પ્રતાપે પૂછ્યું.

‘આ કાગળો વિનોદના વીમાની પોલીસીના છે...! પોલીસીમાં એણે નોમીના તરીકે કંચનનું નામ લખ્યું છે...!’ આ વીમો એણે હજુ પાંચ દિવસ પહેલાં જ ઊતરાવ્યો છે.’

‘કેટલી રકમનો વીમો છે?’

‘બે લાખ રૂપિયાનો...! બિચારો વિનોદ...!’ મનમોહનના અવાજમાં અફસોસ ઓછો, મજાક વધુ હતી.

‘આ બ્રીફકેસને પણ ભોંયરામાં મૂકી આવ પ્રતાપ...!’ ભગતે આદેશાત્મક અવાજે કહ્યું.

‘ના...બ્રીફકેસમાં માત્ર વીમાના કાગળો જ રહેવા દેવાના છે!’

‘અને રકમનું શું કરવાનું છે ?’

‘એને સરખે ભાગે વહેંચી લો...’

પ્રતાપ બ્રીફકેસમાં વીમાના કાગળો રાખીને તેને ભોંયરામાં મૂકી આવ્યો.

બે લાખની રકમ સરખે ભાગે વહેંચી લેવામાં આવી.

અડધા કલાક પછી તેઓ પોતાની જીત અને લૂંટની સફળતા માટે ઊજાણી કરતા હતા.

લૂંટનો બધો માલ ભોંયરામાં જ પડ્યો હતો.

‘હવે આપણે પૈસાદાર થઈ ગયા છીએ...! એટલા પૈસાદાર કે આપણે હવે બે નંબરનો બિઝનેસ કરવાની કંઈ જ જરૂર નથી.’ પ્રતાપે પોતાના પેગમાંથી વ્હીસ્કીનો મોટો ઘૂંટડો ભરતાં કહ્યું.

‘હા...હવે બોસે બધાને સરખો ભાગ આપીને વિદાય કરી દેવા જોઈએ...’ ગેંગ તોડી નાખવી જોઈએ.’ મનમોહન બોલ્યો.

‘ના...’ ભગત ઘૂરકાટભર્યાં અવાજે કહ્યું, ‘છ મહિના સુધી આપણે સાથે જ રહેવાનું છે, એટલું જ નહીં, લૂંટના માલનો પણ છ મહિના સુધી ભાગ નથી પાડવાનો. આ બૉસનો આદેશ છે! જો આપણામાંથી કોઈ પણ જણ પોલીસની ચુંગાલમાં જકડાઈ જશે તો તેની પાછળ બાકીનાઓ પણ સંડોવાઈ જશે. લૂંટના માલનો હમણાં ભાગ પાડી શકાય તેમ નથી.

સોના ચ્હેરા ઊતરી ગયા.

‘આ તો બૉસનો અન્યાય છે...!’ દિવાનના અવાજમાં નિરાશાનો સૂર હતો.

‘ના...આ બૉસનું ડાહપણ છે....! એમા ય છ મહિના સુધી આપણે શરીફ માણસની જેમ જ રહેવાનું છે, જેથી કરીને સ્ટેટ બેંક ઓફ વિશાળગઢના સાચા ગુનેગારો આપણે જ છીએ, એવી કોઈને શંકા ન આવે!’

સહસા કોઈકે બારણું ખટખટાવ્યું

સૌના ચ્હેરાનો રંગ ઊડી ગયો.

કોણ હશે? એ સવાલ હથોડાની માફક તેમના દિમાગમા ઝીંકાતો હતો.

શુ બૉસ હશે?

ના, બૉસ ક્યાંથી હોય...? એ તો ક્યારેય સામે આવતાં જ નથી.

ભગતે પ્રતાપને સંકેત કર્યો.

પ્રતાપે ઊભા થઈને બારણું ઉઘાડ્યું.

પછી બહાર ઊભેલા માણસને જોઈને તેના છક્કા છૂટી ગયા.

અંદર બેઠેલાઓ પણ એ માણસને જોઈ ચૂક્યા હતા.

એને ઓળખીને તેમના ચ્હેરા પર નર્યા-નિતર્યા ભય, ગભરાટ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા.

સહસા દિવાલ પર લટકતી ઘડિયાળમાં દસ વાગ્યાના ડંકા વાગ્યા.

પોતાનો ખેલ ખતમ થઈ ગયો છે, એવું તેમને લાગ્યું.

આગંતુક બીજી કોઈ નહીં પણ સબ.ઈન્સ્પેક્ટર કુલકર્ણી હતો.

***