Budhvarni Bapore - 4 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 4

બુધવારની બપોરે

(4)

કૉફી, ટી, ઓર મી....સર?

નર્સરીમાંથી સુંદર મજ્જાના બાળકો છુટતા હોય ને ડૅડી લેવા આવ્યા હોય, ત્યારે સ્કૂલના ગૅટમાંથી એક પછી એક નીકળતા બધા બાળકો ઉપર એની ચાંપતી નજર હોય ને જેવું પોતાનાવાળું આવે એવું જ, બહુ મોટું કામ કરી બતાવ્યું હોય એમ, ચેહરા ઉપર વિજયી સ્માઇલ સાથે બાળકને ઉપાડી લેવાનું....

જરા ય ફેરફાર વગર આ જ પધ્ધતિ ઍરપૉર્ટ ઉપર ઉતર્યા પછી ‘કન્વેયર-બૅલ્ટ’ પર આવતો આપણો સામાન ઉચકી લેવા માટે વપરાય છે. સ્કૂલના ગૅટમાંથી બહાર આવતા છોકરાઓ તો સો-બસ્સોની સંખ્યામાં હોય. બધા સરખા લાગતા હોય ને આપણે ધ્યાન રાખીને આપણાવાળું આવે એટલે એને ઉચકી લેવાનું. ક્યારેક બે-ત્રણ બૅગો પણ હોય અને આગળ-પાછળ ન પણ આવતી હોય, ત્યારે એકને ઉઠાવી લીધા પછી તાબડતોબ ઍલર્ટ થઇ જવું પડે કે, આપણાવાળી બીજી જતી ન રહે. કાશી-મથુરા જઇએ ત્યારે લાઇનસર ઊભેલા પંડાઓ આપણા કપાળે તિલક કરવા બેતાબ હોય એમ અહીં આપણી આજુબાજુ, વાંકા વળીને ઊભેલા ફ્લાઇટના બીજા મુસાફરો આપણને કોણી મારી આઘા ખસેડી પોતાના બૅગેજ માટે રાહ જોવા અધીરા હોય. ફ્લૅટની ટૅરેસ પર બેઠેલી સમડી ચાંપતી નજરે નીચે પસાર થતી ઉંદરડી ઉપર બાજ નજર રાખે, એમ એક એક બૅગ ઉપર આ લોકો કાતિલ નજર રાખે છે. કૉલેજના દિવસોમાં, કૉલેજની બહાર ઊભા રહી એક પછી એક, ભવિષ્યની ફૂલફટાક માતાઓ-બહેનોને નીકળતી જોવામાં જે પધ્ધતિ અપનાવાતી, એ બદનસીબે અહીં વાપરી નાંખવી પડે છે. એક પછી એક જતી તાત્કાલિક જોતા રહેવાની. આ બૅલ્ટ ઉપર વિવેકથી કામ નથી ચાલતું. અહીં તો બૅગ આવે એટલે ઝાપટ મારીને લઇ લેવી પડે છે. ‘પહેલે આપ’ વાળી સભ્યતા અહીં નક્કામી. આપણી બૅગો આપણી સાથે પણ રીક્ષા જેવો વ્યવહાર કરે છે. એક વાર ગઇ, પછી બીજી વાર આવતા બહુ રાહો જોવડાવે! એક વાર ચૂકી ગયા, તો પટ્‌ટો બીજું રાઉન્ડ લઇને આવે ત્યાં સુધીની રાહો જોવી પડે છે.

બૅગેજ-બૅલ્ટ ઉપર આવતી ઘણી બૅગો આપણી બૅગો જેવી એકસરખી લાગે છે. મૅરેજના રીસેપ્શનની જેમ અહીં ધ્યાન બહુ રાખવું પડે કે, આપણાવાળીનો જ ખભો પાછળથી હલાવવો પડે, ‘ક્યાં હતી તું?’ એમ જોયાજાણ્યા વગર અડાય/પૂછાય નહિ. બા ખીજાય!

પણ સરકતી બૅગ પકડી લેવામાં નજર ચાંપતી રાખવી પડે. અત્યાર સુધી તો દુનિયાભરની બૅગોના કલર કાળા આવતા, પણ હવે રૅડ, પર્પલ, ગ્રીન કે યલો કલરની બૅગો પણ બૅલ્ટ ઉપર ફરવા નીકળી હોય છે. એમાંથી આપણી કઇ, એ શોધવું અઘરૂં જ નહિ, ભયજનક પણ છે. નહિ તો રીસેપ્શનની માફક અહીં પણ સાંભળવું પડે, ‘ભ’ઇ....જરા જોઇને તો હાથ અડાડો..’

હાથ અડાડવાના આક્ષેપ કરતા એ આપણને ‘ભ’ઇ’ કહે, એ બહુ આકરૂં લાગે છે, એમ અહીં ભૂલથી કોઇ બીજાની બૅગ ઉઠાવી લીધી ને એનો અસલી માલિક જોઇ ગયો તો આપણને સ્ટુપિડને બદલે ચોર સમજી બેસે, એનો વાંધો છે. સ્ટુપિડ તો આપણને ઘણા કહેતા હોય (રોજનું થયું...!), પણ કોઇ ચોર કહી જાય, એ સહન ન થાય. સુઉં કિયો છો?

મજ્જા પડે એવી વાત એ છે કે, વિમાન ઍરપૉર્ટ પર આવે અને ઊભું રહે, ત્યારે કઇ કમાણી ઉપર લોકો લાઈનબધ્ધ ઊભા રહી જાય છે, એની સમજ પડતી નથી. ‘તમે લઇ ગયા ને અમે રહી ગયા’ જેવો મામલો અહીં નજર સામે દેખાય છે. સાંકડા વિમાનોમાં તો એટલી જગ્યા ય હોતી નથી કે ‘ઍક્સક્યૂઝ મી’ કહીને આગળવાળાને ખસેડીને ગૅટ પર પહેલા પહોંચી જવાય. એકબીજાના ખભા સુંઘતા આજુબાજુ લેવાદેવા વગર જોયે રાખતા ઊભા રહે છે. આવે વખતે રાષ્ટ્રગીત વગાડવું જોઇએ. આ એક જ તબક્કો એવો છે કે, કોઇ પોતાનો સૅલફોન વાપરતું નથી. પહેલી ઉતાવળ વિમાનમાંથી બહાર નીકળવાની છે. ખભે બૅગ લટકતી હોય ને બીજા હાથે સીટનો ટેકો

(૨)

પકડ્યો હોય. આવી વ્યસ્તતામાં મોબાઈલ ક્યાંથી વપરાય? અર્થાત, અહીં ‘છુટ્‌ટા હાથના’ મોબાઇલો નથી વપરાતા! ભણેલા તો બધા હોય, પણ બહાર નીકળવાની ઉતાવળ કરવાનું કારણ શું, એ ન સમજાય. અહીંથી વહેલા ઉતર્યા તો બૅગેજ-બૅલ્ટ ઉપર લટકવાના છો. ત્યાં ગમે એટલા વાંકા વળી વળીને જુઓ, તો ય બૅગ તો આવવાની હોય ત્યારે જ આવે. અહીંથી નસીબદાર નીકળ્યા તો કસ્ટમ્સ-ચૅકિંગમાં ધબેડાઇ જવાના. ત્યાં ‘પપ્પા’ કહીને કલાક સુધી ય હખણા ઊભા રહેવું પડે. એ તો ઘેર પહોંચીને બધી બૅગો ખોલીએ, ત્યારે ખબર પડે કે, કેટલો સામાન આખો આવ્યો છે. ઍરપૉર્ટના મજૂરો વિમાનમાં સામાન ચઢાવતી વખતે આ સરકતા ‘કન્વેયર-બૅલ્ટ’ ઉપર જે મસ્તીથી આપણી બૅગો ફેંકે છે, એટલી ઝડપથી આપણને વિમાનમાં ફેંકીને બેસાડતા નથી. એ પધ્ધતિ એમની ‘ડ્યુટી’માં હજી સુધી તો નથી આવી....નહિ તો આપણી બા ને ય એવી રીતે ફેંકીને વિમાનમાં ચઢાવે. આમાં જો કે, બા ને બદલે વાઈફને આ પધ્ધતિથી વિમાનમાં ચઢાવી શકાશે કે નહિ, એ તો આવનારો સમય જ બતાવશે. અલબત્ત, બૅલ્ટ ઉપર મુસાફરોનો સામાન આ ફેંકુ-પધ્ધતિથી દુબાઇના ઍરપૉર્ટ ઉપર મેં પણ જોયો છે, એટલે ફક્ત ગુજરાતના ઍરપૉટ્‌ર્સના મજૂરોએ જ આ કલા વિકસાવી છે, એવા અભિમાનો કરવાની જરૂર નથી. ખુદ આપણે પણ બગીચામાંથી ફૂલ ચૂંટીએ, એવી નાજુકાઇથી બૅગેજ-બૅલ્ટ ઉપરથી બૅગ લેતા નથી. આપણે પણ બૅગ ખેંચી લેવામાં ઝટકા-પધ્ધતિ અપનાવીએ છીએ ને એ ઉતાવળમાં કોઇ બીજાની બૅગ ઉપાડી લઇએ છીએ.

અફ કૉર્સ, ફિલ્મોમાં તો એવા અનેક દ્રષ્યો જોયા છે કે, ઍરપૉર્ટ પર હીરો-હીરોઇન એકબીજાની બૅગો ગલતીથી ઉપાડીને ઘેર પહોંચી જાય. હીરોની બહેન ખુશીથી ઝૂમતી, ‘‘ભૈઈઈઈઈ.....યા, મેરે લિયે ક્યા લાયે હોઓઓઓઓ?’’ના ફૂદાકા મારતી હોય ને એનો ભૈયો ય બહુ મોટો પ્રોજૅક્ટ પતાવીને આવ્યો હોય, એમ બેનનો કાન ખેંચીને કહેશે, ‘તુમ ખુદ હી દેખ લો, ના....!’ બહેન બૅગ ખોલે તો છોકરીઓની બ્રા-પૅન્ટી જેવો....હાય હૈ, આપણાથી તો અડાય બી નહિ, એવો સામાન બહાર નીકળવા માંડે.....અને પેલીના ઘેર બૅગમાંથી સ્વામી વિવેકાનંદ કે રોમા રોલાંના પુસ્તકો નીકળે...! તારી ભલી થાય ચમના, તું કોને ઉલ્લુ બનાવે છે....? અમને તો બધી ખબર છે, તું ક્યા ખેલ ખેલી આવ્યો છુ! હીરોઇન પણ વિવેકાનંદના પુસ્તકો જોઇને હીરો ઉપર કુરબાન થઇ જાય, વગેરે વગેરે...!

મસ્તમજાની વાત એ છે કે, બૅલ્ટ ઉપર આપણી બૅગ આવે, એ પહેલા ઍરપૉર્ટ પર પડેલી ટ્રૉલી જાતે લઇ આવવાની હોય છે, જેની ઉપર સામાન મૂકીને ગૅટની બહાર નીકળાય. બુધ્ધિમાન અમદાવાદીઓ કદી આવો પરિશ્રમ જાતે કરતા નથી. ટ્રોલી લઇ આવનારનું ધ્યાન તો દૂર દૂરથી સરકતી આવતી બૅગો ઉપર હોય, એટલે ટ્રોલી ઉપર એનું ફૉકસ ન હોય. સ્માર્ટ અમદાવાદી કદી જાતે ટ્રોલી લેવા જતો નથી. બીજાઓ આપણા માટે તો લઇ આવે છે. એ આપણા ફાધરનો માલ હોય એમ લઇને ઊભા રહી જવાનું. ટ્રોલી ઉપર આરસની તખ્તી તો જડાવેલી હોતી નથી કે, ‘અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી સાંકળચંદ બુલાખીદાસના સ્મરણાર્થે’...(આંચકો લાગે છે કે, આવી ટ્રોલીઓ ઉપર ‘ધારાસભ્યશ્રીના બજેટમાંથી’ એવી તખ્તીઓ ચોઢવાનો વિચાર આપણા માનનીય નેતાઑને હજી કેમ નથી આવ્યો?

પણ કિસ્સો અમારા મધુભ’ઇનો જગમશહૂર થાય એવો છે.

મધુભ’ઇએ કન્વેયર-બૅલ્ટ પર એમનો સામાન આવવાની રાહ જોઇ. એક જ બૅગ હતી, એ આવી એટલે મને કહે, ‘ચલો, આવી ગઇ.’ પણ એ ઉપાડીને પાછળ ઊભી રાખેલી બૅગેજ-ટ્રોલી ઉપર મૂક્યા પછી ખ્યાલ આવ્યો કે, ‘આ ટ્રૉલી તો મારી છે, પણ બૅગ મારી નથી. મારી ય આવી ગ્રીન બૅગ જ હતી, પણ આમાં તાળું માર્યું નથી...મારાવાળીમાં તાળું મારેલું છે.’

એમણે બૅલ્ટ ઉપર બૅગ પાછી મૂકી અને પોતાની આવવાની રાહ જોઇ. એ ય આવી, એટલે આ વખતે તાળું મારેલી બૅગ ચોકસાઇ કરીને લઇ લીધી. સિકંદર પહેલું યુધ્ધ જીત્યો અને મોંઢા પર જે આનંદ છલકતો હતો, એ મધુભ’ઇના મોંઢા ઉપર છલક્યો. અમે બન્ને ટ્રોલી લઇને ઍરપૉર્ટની બહાર નીકળ્યા. ઘેર જવા એમની ગાડીમાં નીકળ્યા અને ઠેઠ નવા વાડજ પહોંચ્યા, ત્યારે ઍરપૉર્ટની મહિલા-ઑફિસરનો એમની ઉપર ફોન આવ્યો.‘સૉરી સર.....ઉમ્મીદ હૈ, આપકી યાત્રા સફલ રહી હોંગી....લેકીન, ક્ષમા કીજિયેગા....ગલતી સે આપ અપની બૅગ યહાં છોડ આયે હો....ઔર દૂસરે પૅસેન્જર કી બૅગ આપ કે પાસ આ ગઇ હૈ...!’

***