Sprem Bhet - 3 books and stories free download online pdf in Gujarati

સપ્રેમ ભેટ ! - 3

વિનય બાઇક લઇને દુકાને જઈ રહ્યો હતો. દરરોજ તો તે સવારે 9:30 વાગે જવા નીકળતો પણ આજે કામ વધારે હોવાથી 8:30 વાગે નીકળી ગયો હતો. હાઇવે ક્રોસ કરીને સીધા રોડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર સામેના રોડ પર ચાલતી મિરાલી પર પડી. વિનયે તરત જ બાઈક સાઈડ પર લઇ બ્રેક મારી. વિનયને ઝબકારો થયો, 'છ મહિના પછી આજે ફરી મિરાલી જોવા મળી હતી. કોલેજના રિજલ્ટ વખતે પણ મિરાલી દેખાઈ ન હતી. કદાચ આમા ભગવાનની પણ મરજી હોઈ શકે, મને ફરી મોકો આપવા મિરાલી સાથે ભેટો કરાવ્યો હોય શકે. જે હોય તે પણ બાકી રહેલું કાર્ય મારે પૂરું કરવું જોઈએ. જેથી ભવિષ્યમાં ખેદ ના રહે કે બીજી વાર મોકો મળ્યો હોવા છતાં હું મિરાલીને મારા દિલની વાત કહી ના શક્યો.' વિનય પોતાના મનને મક્કમ કર્યું. વિનયે સામે નજર કરી. મિરાલી આગળ નીકળી ગઈ હતી. 'પણ આમ રોડ ઉપર કેટલા માણસો અહીં અવર-જવર કરી રહ્યા છે.' વિનયનું મન ફરી ડગ્યું. 'કશો વાંધો નહિ, અહીં કોને કોઈની પડી છે. મારે ક્યાં બરાડા પાડીને પ્રેમ જાહેર કરવો છે. મિરાલી ને જ તો કહેવું છે.' પ્રપોઝ કરવાનો વિચાર આવતા જ વિનયની ધડકનો વધી ગઈ, ધબકારાનો અવાજ તેને કાનથી સંભળાતો હોય તેવું લાાગ્યું. દિલ પર હાથ મૂકી વિનય મનમાં બોલ્યો. "ભઈલા ! સાથ દેેેજે"

વિનયે બાઈકને કિક મારી સ્ટાર્ટ કરી, યુ-ટર્ન લીધી. મિરાલી આગળ ચાલી રહી હતી. થોડેક દૂર સાઇડમાં ફોર-વ્હીલ પાર્ક કરેલી હતી, ત્યાં આજુબાજુ કોઈ જ ન હતું. મિરાલી જેવી ત્યાં પહોંચી, વિનયે તેની સાઈડમાંથી આગળ જઈ બાઈક ઉભી રાખી દીધી.
"અરે ! વિનય તું, શું વાત છે !" ઘણા દિવસ પછી." મિરાલી વિનયને આમ અચાનક જોઈને આશ્ચર્યમાં પડી ગઈ.
"હા, તને જોઈ ગયો એટલે આ તરફ વળી ગયો. કઈ બાજુ સવારમાં?" વિનય પૂછવા ખાતર કહ્યું. તેનું દિમાગ દિલની વાત કેવી રીતે કરવી તેનો જ વિચાર કરી રહ્યું હતું.
"અહીંયા એક જગ્યાએ એકાઉન્ટ લખવા જઈ રહી છું, મેં m.com. ચાલુ કરી દીધું છે. તું શું કરે છે?."
"મિરાલી, આઇ લવ યુ ! હું તને પ્રેમ કરું છું. અને તારી સાથે મેરેજ કરવા માગું છું. મેં તને પહેલીવાર જોઈ ત્યારથી લઇ અત્યાર સુધી બસ તને જ ચાહી છે. હું તને ઘણીવાર મારા દિલ ની વાત કહેવા માંગતો હતો, પણ પરિસ્થતિ એ સાથ નહોતો આપ્યો. તે દિવસે બસ માં પણ હું તને કહેવા માંગતો પણ ના કહી શક્યો. આજે કિસ્મત થી મને ફરી મોકો મળ્યો... શું તું મારી હમસફર બનીશ?" વિનય આખરે તેના દિલની વાત જાહેર કરી દીધી. તેને દિલનો ભાર હળવો થયો હોય તેવું લાગ્યું. વિનય મિરાલીની આખોમાં જોઈ રહ્યો હતો. મિરાલી સ્તબ્ધ થઈ ગઈ હતી.
"વિનય, મારી સગાઈ થઈ ગઈ છે. તારા પ્રત્યે મને માન છે પણ....સોરી, વિનય !" મિરાલી આગળ બોલી ન શકી. મિરાલીની વાત સાંભળી વિનયને ઝટકો લાગ્યો. પણ તરત જ પોતાની કમનસીબી પર હસવું આવ્યું.
" ઓકે !, બાય ધ વે, કોન્ગ્રેશયુલેશન !" વિનયે હસતા-હસતા મિરાલી તરફ હાથ લંબાવ્યો.
" થેન્ક્સ !" મિરાલીએ હાથ મિલાવ્યો. વિનય ભલે હસી રહ્યો તેની આંખોમાં દર્દ દેખાઈ રહ્યું હતું.
"બાય ! મિરાલી, બેસ્ટ ઓફ લક ફોર ફ્યુચર " વિનયે બાઈકને કીક મારી, ટર્ન લઈ જતો રહ્યો.
"બાય ! વિનય " મિરાલી પાછળથી બોલી. મિરાલીને વિનયના દુઃખનો અહેસાસ થયો. તેનો ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. આખરે આગળ ફરી તે ઓફીસે જવા ઊપડી.
*****
એ દિવસ આખો વિનય માટે ઉદાસ ગયો. ક્યાંય કામમાં મન ચોંટતું ન હતું. 'કોલેજના ત્રણ-ત્રણ વર્ષ તેણે વ્યર્થ જવા દીધા. આ સમયમાં તેણે મિરાલી ને પોતાના દિલ ની વાત કરી હોત અને જો પોતાના વિચારોને લીધે તેને 'ના' કહી હોત તો તેને સમજાવી શકત. પણ હવે એ વાત પણ શક્ય નથી. તારે કેરીયર બનાવવું હતું. તે જે વસ્તુ ને વધારે ચાહી છે. જે પ્રત્યે વધુ મહેનત કરી છે. તે તને મળ્યું છે. તું નસીબ કે ભગવાનને દોષ ન આપી શકે. કદાચ ! તારા જ પ્રેમ માં કોઈ કમી હશે.' વિનય પોતાની ભૂલો શોધી રહ્યો હતો. તે અગાસીમાં પલંગ પર સૂતો હતો. મિરાલી સાથેની આજની મુલાકાતે તેને આખું ભૂતકાળ યાદ અપાવી દીધું હતું. તે ખુલ્લા આકાશને તાકી રહ્યો હતો. ચાંદનીના અજવાળામાં વિનયની આંખમાં આવેલ દર્દ મોતીની જેમ જળહળી રહ્યું હતું. તેની બાજુમાં પડેલ મોબાઇલમાં ઝબકારો થયો અને મેસેજ એલર્ટની રિંગ ઝણકી. વિનય નું ધ્યાન ગયું. તેણે મોબાઈલ હાથમાં લીધો અને મેસેજ વાંચવા લાગ્યો.
"એક ખુશી કી તલાશ મેં હમ દૂર તક ગયે, વહાં પે ભી ગમ થા,
બેવફા દિલરુબા કી ફરિયાદ કૈસે કરતે, અપને નસીબમેં હી પ્યાર કમ થા..!"
*****
" જગ્ગુ ! 25-36, 210 મેટમાં 12x18નો કટ મારી ઓમ મિત્રામાં પાંચ પેકેટ પહેલા મોકલી આપ, એમને અર્જન્ટ છે." વિનયે તેના ઓફિસના સ્ટાફને કહ્યું.
" હા, વિનયભાઈ " જગ્ગુ કહીને અંદર જતો રહ્યો. વિનય કોમ્પ્યુટરમાં એન્ટ્રી ચેક કરી રહ્યો હતો. એક વ્યક્તિ તેની શોપમાં આવ્યો.
" બ્રિજેશભાઈ એ મને મોકલ્યો છે" કસ્ટમરે આવીને કહ્યું.
" અચ્છા, ચેક લાવ્યા છો ?" વિનયે પૂછ્યું. પેલા કસ્ટમરએ ચેક કાઢીને એના હાથમાં આપ્યો.
" જગ્ગુ ! આમને 25-36, 250 ગ્લોસમાં ચાર પેકેટ કાઢી આપજે " એ મોટેથી બોલ્યો જેથી જગ્ગુને સંભળાય.
" જાવ, અંદરથી લઈલો " વિનયે પેલા કસ્ટમરને કહ્યું. કસ્ટમર અંદર ગયો. વિનયના મોબાઈલ ની રીંગ વાગી. વિનય ફોન ઉઠાવ્યો, અજાણ્યો નંબર હતો.
" હેલ્લો !" વિનય બોલ્યો. સામેથી કોઈ અવાજ ન આવ્યો. વિનય બે-ત્રણ વાર બોલ્યો. મોબાઈલ પણ ચેક કર્યો, ફોન ચાલુ હતો. આવી સ્થિતિમાં વિનય હંમેશા ફોન કાપી નાખતો. પણ આજે એવી ઈચ્છા જ ન થઈ.
" હેલ્લો, કોણ છે?" વિનય સાવ શાંતિથી બોલ્યો.
" હેલ્લો વિનય, મિરાલી!" મિરાલીનો અવાજ ધીમો હતો.
" અરે ! મિરાલી, કેમ છે?" વિનય મિરાલીના આવાજ પરથી જાણી ગયો હતો. તેથી તેણે તબિયત વિશે પૂછ્યું
" ફાઈન " મિરાલી આટલું જ બોલી.
" મારો નંબર તને ક્યાંથી મળ્યો ?" વિનયે આશ્ચર્યથી પૂછ્યું. તેણે ક્યારેય મિરાલીને નંબર આપેલો ન હતો.
" જસ્ટડાયલમાંથી " તે હજી પણ ધીરેથી જવાબ આપી રહી હતી.
" અચ્છા બોલ, કઈ કામ હતું?" વિનયને મિરાલી મૂંઝવણમાં હતી, તેવું તેની વાત પરથી લાગતું હતું.
" વિનય, તું આજે સાંજે મને મળી શકે?" મિરાલીએ ધીરેથી પૂછ્યું.
" શું વાત છે, મિરાલી? " વિનય સ્થિતિ વિશે જાણવા માંગતો હતો.
" એ ફોન પર વાત નહીં થઈ શકે. શું તું મને મળી શકે, પ્લીઝ !"
" ઓકે, ક્યાં મળવાનું છે ? " મિરાલીને પ્રશ્નો પૂછી વધારે હેરાન કરવા નહોતો માંગતો.
" મારા ઘરે, ઓફિસ પરથી સીધો અહીં આવી જજે. તારે અહીં જ જમવાનું છે. એડ્રેસ છે વિક્રમ પાર્ક બંગલા નંબર-૧૧"
" ઓકે, હું આવી જઈશ " વિનયે કહ્યું. એડ્રેસ વિશે ચોખવટ કરવાની જરૂર ન હતી. ધનિકોના વિક્રમ પાર્ક બંગ્લોઝ વિશે બાપુનગરમાં ભાગ્યે જ કોઈને નહીં જાણતું હોય.
" આવજે જરૂર, હું તારી રાહ જોઈશ, બાય !"
" ઓકે બાય, જરૂર આવીશ " વિનયે ફોન કટ કર્યો અને વિચારોનો પ્રવાહ શરૂ થયો. 'મિરાલીને વળી શું કામ પડ્યું હશે ? મિરાલી સાથે મુલાકાતના ચાર દિવસ જ થયા હતા. ત્યારે તો મિરાલીએ કશી વાત કરી ન હતી. ઘરમાં તો કોઈ પ્રોબ્લેમ તો ઉભો નહીં થયો હોય ને ? જે હોય તે આવી રીતે તો ખ્યાલ કેવી રીતે આવશે ? સાંજે મળ્યા પછી ખબર પડે.' વિનયે દિમાગ પરથી ભાર હળવો કરી, કોમ્પ્યુટર ની અંદર એન્ટ્રી ચેક કરવામાં મન પરોવ્યું.
*****
વિનય બાઈક પાર્ક કરી બંગલૉમાં પ્રવેશ્યો. ગાડીનો અવાજ સાંભળી મિરાલી દરવાજા પાસે પહોંચી.
" હાય ! મિરાલી "
" હાય, વેલકમ " મિરાલીએ આવકાર આપ્યો. વિનય બંગલૉનું નિરીક્ષણ કરી રહ્યો હતો. કલાસિક ઇન્ટેરિયરથી સજ્જ બંગલો ભવ્ય લાગતો હતો.
" વાહ ! સરસ રીતે સજાવ્યું છે " વિનયના મોંમાંથી શબ્દો સરી પડ્યા. મિરાલી એમને એમ જ ઊભી હતી. તે કઈ જ ના બોલી. વિનયને ખ્યાલ આવ્યો કે આ શબ્દોથી મિરાલીને ખાસ ખુશી થઇ નથી. એક દિવાલ પર મિરાલી સાથે તેના હસબન્ડની મોટી ફોટોફ્રેમ હતી. તેની બાજુમાં ફેમિલી ફોટો ફ્રેમ લગાવેલી હતી. મિરાલીના હસબન્ડને તેણે ધ્યાનથી જોયો. હેન્ડસમ તો ખાસ નહોતો પણ એક બિઝનેસમેનની પર્સનાલિટી ઉપસી આવતી હતી.
" આટલું મોટું ફેમિલી છે પણ કેમ કોઈ દેખાતું નથી ?" વિનયે સહજતાથી પૂછ્યું.
" માનવના મમ્મી-પપ્પા તેના મોટાભાઈ સાથે બોમ્બે રહે છે." મિરાલીએ કહ્યું.
" માનવ !, તમારા એનું નામ માનવ છે ? પણ શું અમે માનવ નથી ?" વિનયે મજાક કરી.
" નથી જ તો ! તારી મજાક કરવાની આદત હજી ગઈ નથી." બંને હસી પડ્યા.
" એ તો કદાચ ! મારી સાથે જશે " વિનયે હસતા-હસતા કહ્યું. નોકરાણી પાણીનો ગ્લાસ લાવી. મિરાલીએ ગ્લાસ ઉઠાવ્યો અને વિનયના હાથમાં આપ્યો.
" તમારા એ માનવ દેખાતા નથી. શું ઓફિસેથી હજી આવ્યા નથી ? " વિનયે પાણીનો ગ્લાસ પાછો આપતા પૂછ્યું.
" એ કામ થી બે દિવસ માટે દિલ્હી ગયા છે " મિરાલી બોલી અને સોફા પર જઈને બેઠી. વિનય પણ સામેના સોફામાં ગોઠવાયો.
" અચ્છા, બોલ શું કામ હતું ? " વિનય સોફાનો ટેકો લેતા બોલ્યો.
" પહેલા જમી લઈએ પછી વાત કરીએ. તારી ફેવરિટ આઇટમ ખીર બનાવી છે. " મિરાલી સોફામાથી ઊભી થઈ.
" શું વાત છે ! મજા પડશે. " વિનયને થયું કે મિરાલીને હજી તેની ફેવરિટ વાનગી યાદ છે.
" તું ફ્રેશ થઈ જા, પેલી સાઈડ બાથરૂમ છે. હું બધું તૈયાર કરું છું." મિરાલી કહીને કિચન તરફ ગઈ. વિનય મિરાલીને જતી જોઈ રહ્યો. 'મિરાલીએ જાતે તેની ફેવરિટ ખીર બનાવી છે. આટલી આગતા-સ્વાગતા કરી. શું વાત હશે ?' વિનય વિચારી રહ્યો હતો. કદાચ એ જાણતો હતો પણ સમજવા નહોતો માંગતો. વિનય ઊભો થયો બાથરૂમ તરફ ફ્રેશ થવા ગયો.
વિનયે રૂમાલથી હાથ-મોં લુછ્યા અને ડાઇનિંગ ટેબલ પરથી ઉભો થયો. વિનયને લાગ્યું કે થોડું વધારે ખવાઈ ગયું. એક તો તેનો ફેવરિટ ખીર હતી અને વળી મિરાલી પ્રેમથી આગ્રહ કરતી હતી. મિરાલી સાથે બેસી જમવાનો વિનયને આજે અનેરો આનંદ આવ્યો.
" ચાલ, તને ટેરેસ ગાર્ડન બતાવું ત્યાં બેસવાની મજા આવશે. " મિરાલીએ વિનયને કહ્યું.
" ઉપર પણ ગાર્ડન છે ? શું વાત છે, ચાલો જઈએ " બંને બંગલામાં ચારે તરફ ફરતા-ફરતા ઉપર આવ્યા. વિનય વિચારી રહ્યો હતો, 'બે વ્યક્તિને આવડો મોટો બંગલો. ઘરના સભ્યો વગર બંગલો ખાલી લાગતો હતો.'
"આવા મોટા બંગલૉમાં તું રહે છે. તને એકલું નથી લાગતુ?" વિનયે મિરાલીને પૂછી નાખ્યું.
"ક્યારેક લાગે છે. તેથી જ માનવના બિઝનેસમાં સંકળાયેલી રહું છું. જેથી ઘરે એકલી બોર ના થઈ જાઉ. વળી દર વેકેશનમાં માનવ બોમ્બે જઈ મમ્મી-પપ્પાને અને મોટાભાઈના બંને દીકરાને અહીં તેડી લાવે છે. જેથી પરિવાર સાથે રહેવાનો આનંદ પણ મળી જાય છે." મિરાલી ફિક્કું હસી. વિનયને ખ્યાલ આવી ગયો કે આ આનંદ તેના ખાલીપાના પ્રમાણમાં કેટલો ઓંછો હતો. મિરાલીએ ટેરેસનો દરવાજો ખોલ્યો. મિરાલીના બેડરૂમની આગળ જ ગાર્ડન બનાવેલું હતું. વિનયે ટેરેસ ગાર્ડનમાં પગ મૂક્યો. મિરાલીના બેડરૂમમાંથી ગાર્ડનનો નજારો દેખાય તે માટે ગાર્ડન બાજુ મોટો કાચ લગાવેલો હતો. કાચના પડદા ખુલ્લા હતા, તેથી વિનયને ગાર્ડનમાંથી પણ બેડરૂમ દેખાઈ રહ્યો હતો. વિનયની નજર ચારે તરફ ફરી રહી હતી. વિનય થોડો આગળ વધ્યો, ચારેય તરફ કુંડામાં ફૂલના છોડ ઉગાવેલા હતા. કોમળ-વેલો બંને તરફથી છાજલીને વીંટળાઈને ઉપર પહોંચી ચુકી હતી. પવનની ઠંડી લહેરખીઓ ફૂલોની સુગંધ પ્રસરાવી રહી હતી. કલાકૃતિઓથી સજ્જ થાંભલિયો ઉપરના રંગીન લેમ્પનું ઝાંખું અંજવાળું ગાર્ડનને નયન-રમ્ય બનાવી રહ્યું હતું. છાજલીની નીચે રજવાડી હિંચકો લગાવેલો હતો. ગાર્ડનના બરાબર મધ્યમાં નાનો ફુવારો બનાવ્યો હતો, જે ગાર્ડનની શોભા વધારી રહ્યો હતો. વિનયે પાછળ ફરીને જોયું તો મિરાલી શાંત ઉભી હતી. તે બીજી તરફ નજર ફેરવી રહી હતી અને સાડીનો પાલવ લઈ તેની આંગળી પર ગોળ-ગોળ ફેરવી રહી હતી. વિનય લાગ્યુ કે, 'મિરાલી મનમાં કોઈ વાત ગૂંથી રહી છે.' મિરાલીએ પિંક કલરની પ્રિન્ટેડ સાડી પહેરી હતી. પિંક સાડીમાં મિરાલી ગુલાબ જેવી લાગી રહી હતી. વિનયને થયુ કે, 'મિરાલી કેવી સુંદર તૈયાર થઈ છે, બંગલાને જોવામાં તે મિરાલીને બરોબર જોવાનું તો ભૂલી જ ગયો હતો.' વિનય થોડો આગળ વધી ફુવારામાં હાથ નાખતા બોલ્યો.
"આ ગાર્ડન પણ તારી જેમ ખુબ સુંદર લાગી રહ્યો છે." વિનયે આડકતરી રીતે મિરાલીની પ્રશંસા કરી.
"વિનય, શું તું મને હજી પ્રેમ કરે છે?" મિરાલીના શબ્દો કાને પડતા વિનય ચોકી ગયો. તેને આ પ્રશ્નની અપેક્ષા જ ન હતી. વિનય મિરાલી તરફ ફર્યો. થોડીવાર પછી બોલ્યો.
"આ કેવો પ્રશ્ન છે, મિરાલી?" વિનયે મિરાલીની આંખ તરફ જોયું.
"હા, મારે જાણવું છે. વિનય પ્લીઝ" મિરાલીએ ઝુકેલી આંખો ધીરેથી ઉંચી કરી. વિનય તેની આંખોમાં વિનંતી જોઈ રહ્યો હતો.
"હા, હું તને હજી પ્રેમ કરું છું. કેમ કરું છું, એ ખબર નથી. હું તને ભુલવા ખાતર ચાહ્યા છતાં નફરત નથી કરી શક્યો. બસ, આ પ્રેમ કોઈ સહારા વગર એમને એમ જ ટકી રહ્યો છે, નિર્દોષ અને નિ:સ્વાર્થ." વિનય મિરાલીની આંખમાં જોઈ બોલ્યો, તેને ફરી ધડકનો કાનમાં સંભળાઈ રહી હતી.
"પણ કદાચ ! હું સ્વાર્થી છું. તને અહીં બોલાવવા પાછળ પણ મારો સ્વાર્થ રહેલો છે." મિરાલી આટલું બોલી અટકી. તેણે વિનયથી નજર ફેરવી.
"મારે તારું બાળક જોઈએ છે, વિનય" મિરાલીએ આખરે વિનયને બોલાવવા પાછળનો હેતુ જણાવી દીધો. થોડીવાર માટે ક્ષણ થંભી ગઈ. વિનયને મિરાલીના શબ્દો સાંભળી, શું કહેવું ? શું ના કહેવું ? ની અસમંજસમાં પડી ગયો. તેને ખ્યાલ આવ્યો કે 'સાત વરસથી મિરાલીના લગ્ન થયા છે, પણ સંતાન નથી. આવી પરિસ્થિતિમાં મિરાલીને કેટલું દુઃખ થતું હશે. તો તે માત્ર કલ્પના જ કરી શકે. પણ મિરાલી જે પગલું ભરવાની વાત કરી છે તે શું યોગ્ય છે?.'
" મિરાલી, તું કેવી વાત કરે છે?" વિનયે મૂંઝવણમાં મિરાલીને પ્રશ્ન કર્યો.
" હા, વિનય ! હું જાણું છું. હું શું કહું છું ! સાત વરસ થયા મારા લગ્નને, પણ મારે બાળક નથી. અમે ઘણી તપાસ કરાવી, ખામી માનવમાં હતી. ડૉક્ટર કહે છે કે, ઈલાજ શક્ય નથી. માનવ મને બાળક નહીં આપી શકે. મને પણ બીજી સ્ત્રીઓની જેમ માં બનવાની ઈચ્છા છે. મારે પોતાનું બાળક જોઈએ છે. વિનય, મારી અંદરના માતૃત્વને દબાવી દેવા નથી માંગતી." મિરાલીની આંખમાં આંસુ આવ્યા.તેના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો પણ ખુલીને રોઈ ના શકી. હવે, વિનયને શું કહેવું, તે સમજાતું ન હતું. એક તરફ મિરાલીની કરુણા-દાયક વાસ્તવિક સ્થિતિ અને બીજી તરફ નૈતિકતાના નિયમોનું ધર્મસંકટ. યોગ્ય અને અયોગ્ય વચ્ચેની મૂંઝવણ.
"પણ માનવનો તો વિચાર કર મિરાલી. જ્યારે તેને ખબર પડશે ત્યારે તેના દિલ પર શું વીતશે ?" વિનય એવું કોઈ પણ પગલું ભરવા ન માંગતો હતો કે જેથી પાછળથી મિરાલીનું ઘર બરબાદ થાય કે તેને દુઃખ ભોગવવાનું આવે. મિરાલીએ આંગળી વડે આંખો લૂછી.
"એમણે જ તો મને મનાવી છે. મેં માનવથી કઈ નથી છુપાવ્યુ. તે મારા દિલની દરેક વાત જાણે છે. કોલેજમાં મારે તારી સાથે મિત્રતા હતી. તેની દરેક બાબતો તે જાણે છે. એ દિવસે આપણે પાછા મળ્યા. ત્યારે પણ ઘરે આવીને તેમને વાત કરી હતી. માનવ તારા વિશે ઘણું જાણી ચૂક્યા છે. તે દિવસે તેમને આ બાબતે વિચાર આવ્યો અને મને સમજાવી કે, આમાં કંઈ ખોટું નથી. મેડિકલ સાયન્સમાં ઘણી ટેક્નોલોજી વિકસી છે. કોઈ સ્પર્મ ડોનર દ્વારા સ્પર્મ મેળવી લેબમાં પુરુષ અને સ્ત્રી બીજને વિકસિત કરી, સ્ત્રીના ગર્ભાશયમાં આ બીજ પ્રત્યારોપણ કરી સંતાન પ્રાપ્ત કરી શકાય છે. અને આ ટેક્નોલોજી ઘણી સકસેસફુલ છે. તને માં બનવાની ઈચ્છા છે, તો મને પણ પિતા બનવાની ઇચ્છા છે. તેમના આગ્રહને કારણે મારામાં માતૃત્વની લાગણી ફરી ઉભરાઈ છે. વિનય મારા પર આ એક ઉપકાર કરી દે, પ્લીઝ !" મિરાલીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. વિનયની આંખો પણ મિરાલીની સ્થિતિ જોઈ નમ થઇ ગઈ. માનવના વિચારો સાંભળીને વિનયને માનવ પ્રત્યે માનની લાગણી થઈ. હવે તેના મનમાં કોઈ પ્રશ્ન કે સંકોચ રહ્યો ન હતો. તે ધીરેથી મિરાલી પાસે ગયો. અને તેની આંગળી વડે ગાલ પરનાં આંસુ લૂછ્યાં.
"મિરાલી ! તે હજી વિનયને ઓળખ્યો નથી. તારી ખુશી માટે તે જાન પણ માંગી હોત તો, ખુશી ખુશી આપી દેત. પ્યારમાં ઉપકાર હોતો નથી, પગલી !" મિરાલી એકદમ જ વિનયને ભેટીને રડવા લાગી. વિનયને અજબનું કંપન થયું. તેણે રડતી મિરાલીના પીઠ પર ધીરેથી હાથ ફેરવ્યો. વિનયે નજર ઉપર કરી, આકાશમાં તારા ટમ-ટમી રહ્યા હતા. તે વિચારી રહ્યો હતો, 'ભગવાનની કરવી પણ અજીબ છે. જેનો પતિ ના બની શક્યો તેના બાળકનો પિતા બનવાનું નસીબમાં લખાયું હશે. ખેર ! જે હોય તે મિરાલી પ્રત્યે તેના હૃદયમાં રહેલ પ્યારની તેને બાળક તરીકે "સપ્રેમ ભેટ" આપવાની હશે.' વિનય ધીરેથી મિરાલીથી અલગ થયો. મિરાલીએ પણ પોતાની જાતને સંભાળી. દિલને અપાર શુકુન મળ્યું હોય તેવો મિરાલીને અહેસાસ થયો.
"તું જયારે પણ કહીશ, હું લેબ પર હાજર થઇ જઈશ. હવે હું રજા લઉં?" વિનયને જવાની ઈચ્છા ના હોવા છતાં પૂછ્યું. વિનયના રજા લઉંનો શબ્દ સાંભળતા જ મિરાલીની ચહેરાનું નૂર જતું રહ્યું. મિરાલીને ખ્યાલ આવ્યો કે વિનય પ્રત્યે પણ તેના દિલમાં પ્રેમની લાગણી ઉભરાઈ છે. પણ વાસ્તવિકતા તેની મજબૂરી છે. તે વિનયને તેના પ્રેમ વિશે કશું કહી શકે તેમ નથી. મિરાલીએ વિનયનો હાથ બંને હાથો વડે ઉચક્યો.
"થેન્ક યુ સો મચ વિનય ! તારા પ્રેમનો આભાર વ્યક્ત કરવાના મારી પાસે કોઈ શબ્દ નથી." મિરાલી લાગણીવશ થઇ ગઈ.
"તારે કશું કહેવાની જરૂર નથી. હું તારા દિલની વાત જાણું છું. !" વિનયે મિરાલીના હાથ ઉપર બીજો હાથ મુક્યો. વિનયને પણ અહેસાસ થયો કે મિરાલીના દિલમાં પણ તેના પ્રત્યે પ્રેમ છે.
"બાય, મિરાલી !" વિનય હળવેકથી છૂટો પાડ્યો અને પાછળ ફરીને ચાલતો થયો. મિરાલી કશું બોલી ના શકી. તેને થયું કે કાશ ! વિનય પાછો ફરીને આવે. પણ તેમ ના થયું. વિનય સીધો જ પગથિયાં ઉતરી ગયો. આકાશનું વાતાવરણ પણ પલટાયું, વાદળા બંધાઈ ચુક્યા હતા. અચાનક જ ઠંડો પવન સૂસવાટા કરવા લાગ્યો. ધીરે-ધીરે આકાશમાંથી ટીપા પાડવાનું ચાલુ થયું. ઝપાટાભેર પવન આવેગથી વરસાદના ટીપા બેડરૂમના કાચ સાથે અથડાઈ રહ્યા હતા. મિરાલી ત્યાંને ત્યાંજ ઉભી પલળી ગઈ અને વિનય ચાલુ વરસાદમાં બાઈક પર ભીંજાયો. પવનના તોફાનનું જોર ઓછું થયું અને મેઘરાજા મુશળધાર વરસી પડ્યા. આ સાથે જ ઉનાળાની કાળઝાળ ગરમી બાદ પહેલા વરસાદથી શહેરમાં ચોમાસુ બેસી ગયું.
સમાપ્ત !

વાચક મિત્રો, આ કહાની પ્રેમ-પૂર્વક વાંચવા બદલ આપનો આભાર.

જો કહાની માં કોઈ ભૂલ-ચૂક રહી ગઈ હોય અથવા આપનો કોઈ અભિપ્રાય હોય તો કોમેન્ટ આપવા વિનંતી છે, આભાર !

bharatpansuriya17@gmail.com

whatsapp-9714710517