Lohini jaat books and stories free download online pdf in Gujarati

લોહીની જાત

                 પાનખર ઋતુની શરૂઆત થઇ ચૂકી હતી.વૃક્ષો પણ જાણે સાપ પોતાની કાંચળી ઉતારે છે તે રીતે સૂકાયેલા પાંદડાંઓને ખંખેરી રહ્યા હતા અને નવા પાંદડાઓ આવવાની રાહ જોઈ રહ્યા હતા.અમદાવાદનાં આંબાવાડી વિસ્તારની નવદીપ સોસાયટીમાં પરેશ અને સવિતા રાબેતા મુજબ પૂરી સોસાયટીમાં ઝાડુ લગાવી રહ્યા હતા.લગભગ છેલ્લા પાંચેક વરસથી પરેશ અને તેની પત્ની સોસાયટીમાં સાફ-સફાઈ અને ગટર સફાઈનું કામ કરતા હતા.ગટરો ભરાઈ જવાના કિસ્સામાં પરેશ છેક ગટરોની ચેમ્બરોમાં ઉતરીને સાફ-સફાઈ કરતો હતો.પરેશ આખી સોસાયટીમાં બધાંનો વિશ્વાસુ બની ચૂક્યો હતો.જોકે સવિતાને પરેશનું ગટરો સાફ કરવાનું કામ બિલકુલ ગમતું નહોતું.તે વારંવાર ફરિયાદ કરતી કે સાફ-સફાઈનું  તો ઠીક છે પણ આ ગટર સાફ કરવાનું કામ છોડી દો... ત્યારે પરેશ બોલી ઉઠતો....હું ભણેલો તો છું નહિ અને આના સિવાય આવકનો બીજો કોઈ રસ્તો નથી...સવિતા ! હું તને ખાતરી આપું છું , હું આ કામ કરું છું પણ આપણું બાળક આ કામ નહીં કરે એને આપણે ખૂબ ભણાવીશું અને એ મોટા દરજ્જાનું કામ કરશે.એ મારી જેમ બાપ-દાદાની વિરાસત સંભાળવાનું ગટર સાફ કરવાનું કામ નહિ કરે.                                                                                                                                           બીજા દિવસે પરેશ અને સવિતા સવારનાં આઠેક વાગ્યે સાફ-સફાઈ કરવા આવી ગયા આજે એમનો સાત વરસનો પુત્ર ચિરાગ પણ સાથે હતો. ખૂબ વધારે પવન હોવાના કારણે વાળવા છતાં કચરો આમથી તેમ ફંગોળાતો હતો. સવિતા બબડવા લાગી કે ગમે એટલું વાળો પાછું એવુંને એવું જ થઇ જાય છે. ત્યાં સોસાયટીનાં ઘર નંબર 4 માં રહેતા નિલેશભાઈ આવી પહોંચ્યા અને બોલ્યા.....પરેશ ભાઈ ! અમારા ઘરની ગટર ભરાઈ ગઈ છે જરાક આવીને સાફ કરી દો ને.પરેશે હકારમાં જવાબ આપીને કહ્યું....હા સાહેબ ! હમણાં થોડી વારમાં જ આવું છું.આ બધું ઘર નંબર 5 માં રહેતાં સરલા બેન સાંભળી રહ્યા હતા.સરલા પોતાનાં પરિવારને ખૂબ ઊંચી જાતિનો માનતી હતી.તે પોતાની પાંચ વરસની દીકરીને લઈને દૂધ લેવા જઈ રહી હતી.પરેશ અને સવિતાને જોઈને તેની નાકનું ટીચકું ચડી ગયું.તે પોતાની સાડી સંકોરવા લાગી અને બંને જણાંથી અંતર બનાવીને ચાલવા લાગી જાણે કે એમને અડી જશે તો અભડાઈ જવાની હોય.પરેશનો પુત્ર ચિરાગ બિસ્કિટ ખાઈ રહ્યો તો , તેણે બિસ્કિટ સરલાની નાની પુત્રીને આપવા હાથ લંબાવ્યો તો સરલાની પુત્રી જોરથી પોતાની માતાનો હાથ છોડીને બિસ્કિટ લેવા દોડી ગઈ અને ફટાકથી બિસ્કિટ પોતાના મોંઢામાં નાખી દીધું અને ખાઈ ગઈ.આ જોઈને સરલા જાણેકે આભ તૂટી પડ્યું હોય એમ જોર-જોરથી બોલવા લાગી.... હાય... હાય.... મારી છોકરીને અભડાવી દીધી અને પોતાની દીકરીને વાંસામાં એક જોરદાર ધબ્બો મારીને મોંઢામાંથી બિસ્કિટ બહાર કઢાવી નાખ્યું અને પોતાની દીકરીને જોર-જોરથી મારવા લાગી.આ જોઈને સવિતાએ સરલાનો મારતો હાથ પકડી રાખ્યો અને બોલી.....શેઠાણી ! એમ છોકરીને ના મારો એ ક્યાં સમજે છે? સરલા ઝટકા સાથે હાથ છોડાવીને બોલી..."મારી દીકરીને તો અભડાવી અને હવે મને અડીને અભડાવે છે, તમે નીચી જાતિનાં લોકો અમને ઊંચી જાતિવાળાઓને હાથે કરીને અભડાવો છો". હજી હમણાં જ નાહીને આવી તી હવે ફરીથી મારે અને મારી દીકરીને નહાવું પડશે એમ બબડતાં એ ત્યાંથી ઘરે પાછી જાવા ચાલી નીકળી.સરલાની આવી વાતો સાંભળીને સવિતાની આંખોમાં આંસુ આવી ગયા...પરેશ સવિતાનો હાથ પકડીને બોલ્યો....એમાં રડેશ શું...આવું બધું તો ચાલ્યા કરે આવા લોકોની વાતોમાં વધારે ધ્યાન ના અપાય....ચાલ હવે કામ કરવા માંડ.                                                                                                                   પરેશ નિલેશભાઈની ગટરની ચેમ્બરમાંથી કચરો કાઢી રહ્યો હતો.સવિતા અને ચિરાગ ત્યાં બાજુમાં ઊભાં હતા.સવિતાએ સરલાની ગેલેરી સામે જોયું તો તે ત્યાંજ ઊભી હતી.તેણે નોંધ્યું કે સરલા અને તેની પુત્રીએ તેમને અડયા પછી તરત જ નાહી લીધું હતું જાણે કે તેમને અડીને કોઈ મહાપાપ કર્યું હોય. સવિતા ચેમ્બરમાંથી કચરો કાઢતા પરેશને જોઈને ગુસ્સાથી બોલવા લાગી....લાવોને આ કચરો સાલીનાં મોંઢામાં પધરાવી આવું અને એ ચોખલીને વધારે અભડાવી આવું...ભલે પછી આખો દિવસ નાહ્યા કરતી.પરેશ બોલ્યો...શું તુંય એના જેવી થઈ ગઈ છો અને એ શેઠાણીની પાછળ પડી ગઈ છો, મૂક ને હવે એ લપ...સવિતા તાડૂકીને બોલી... હું એની પાછળ પડી ગઈ છું કે એ આપણી પાછળ પડી ગઈ છે? હાલો હવે જલ્દી કામ પતાવો તો પછી ઘરે જઈએ.                                                                                                                                         બીજા દિવસે સોસાયટીનાં ગેટની બહાર રહેલી કચરાપેટીમાં પરેશ અને સવિતા કચરો નાખી રહ્યા હતા ત્યારે એક્ટિવા લઈને સરલા પોતાની પુત્રીને લઈને જઈ રહી હતી.જેવી તે ગેટની બહાર રહેલા મેઈન રોડ ઉપર ચડી કે પાછળથી પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલે જોરદાર ટક્કર મારી, ટક્કર વાગતાં જ સરલા અને તેની પુત્રી એક્ટિવા સાથે હવામાં ફંગોળાઈને જમીન પર જોરદાર પટકાયા.આ જોઈને પરેશ અને સવિતા તે તરફ દોડ્યા અને બોલ્યા આ તો શેઠાણી છે...સદનસીબે તેની પુત્રી હેમખેમ હતી પણ સરલા લોહીનાં ખાબોચિયામાં પડી હતી,તેને ખૂબ ઈજા થઇ હતી અને ખૂબ લોહી વહી રહ્યું હતું. સવિતાએ સરલાની દીકરીને કાંખે નાંખી અને આસપાસ રહેલા લોકોની મદદથી સરલાને રિક્ષામાં નાંખીને પરેશ અને સવિતા ફટાફટ હોસ્પિટલ લઇ ગયા.                                                                                                                                                  હોસ્પિટલ પહોંચતાની સાથે સરલાને સીધી આઈ.સી.યુ. માં લઈ જવામાં આવી તેની હાલત ખૂબ જ ક્રિટીકલ હતી.પરેશે તેનાં પતિને ફોન કરીને સરલા વિશે જાણ કરી દીધી તી, તે પણ હોસ્પિટલ આવવા નીકળી ગયા હતા.ડોક્ટર પરેશની પાસે આવીને બોલ્યા કે ...પેશન્ટનું લોહી ખૂબ વહી ગયું છે અને તાત્કાલિક લોહીની જરૂર છે પરંતુ અમારી બ્લડ બેંકમાં તેમનું 'ઓ નેગેટિવ' ગ્રુપનું બ્લડ હાલમાં ઉપલબ્ધ નથી અને અમે બીજી બ્લડ બેંકમાંથી તે મંગાવ્યું છે પણ તે આવતા થોડી વાર લાગી શકે છે અને પેશન્ટની હાલત ખૂબ જ નાજૂક છે.ડૉક્ટરની વાત સાંભળીને તરત જ પરેશ બોલી ઉઠયો.... ડોક્ટર મારું બ્લડ ગ્રુપ 'ઓ નેગેટિવ' જ છે,મારું લોહી શેઠાણીને ચડાવી દો.ડોક્ટર બોલ્યા ..આ તો ખૂબ સારી વાત છે,જલ્દી ચાલો...પેશન્ટને તમારી ખૂબ જ જરૂરત છે.પરેશનું લોહી સરલાને ચડાવવા માંડ્યું ત્યાં સુધીમાં તેનો પતિ પણ આવી પહોંચ્યો. લોહી ચડવાનાં કારણે સરલાની સ્થિતિમાં સુધાર આવી ગયો હતો અને હવે તે ખતરામાંથી બહાર હતી.                                                                                                         લોહી આપ્યા પછી જેવો પરેશ બહાર આવ્યો કે સરલાનો પતિ તેનાં પગે પડી ગયો અને તેનો આભાર માનવા લાગ્યો.ડોક્ટરે સરલાનાં પતિને કહ્યું ફક્ત પરેશનાં કારણે જ તમારી પત્નીનો જીવ બચ્યો છે.પરેશ ડોક્ટર પાસે હાથ જોડીને બોલ્યો કે...સાહેબ ! શેઠાણીને ના કહેતાં કે મેં તેમને લોહી આપ્યું છે,તે અમને નીચી જાતિનાં માને છે જો તેમને ખબર પડશે કે મેં તેમને લોહી આપ્યું છે તો તે સહન નહિ કરી શકે.પરેશની વાત સાંભળીને ડૉક્ટર હેરાન થઈને બોલી ઊઠ્યા કે આજનાં જમાનામાં પણ કોઈ આવી ઊંચી-નીચી જાતિનો ભેદભાવ કઈ રીતે કરી શકે? તેણે પરેશની કહેલી આ વાત મનમાં રાખી.                                                                                                                                        ધીરે ધીરે સરલાની સ્થિતિમાં સુધાર આવી રહ્યો હતો અને આખરે તેને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો.ડૉક્ટર સરલા પાસે આવીને બોલ્યા....તમને ખબર છે... તમને લોહી આપીને કઈ વ્યક્તિએ બચાવ્યા છે? સરલાએ કહ્યું...મને કહો હું તેના પગ પકડીને આભાર માનીશ અને આજીવન તેની આભારી રહીશ? ડોક્ટરે કહ્યું તમારે બહુ દૂર જવાની જરૂર નથી એ તમારી સોસાયટીમાં સાફ-સફાઈ રાખતા પરેશભાઈ જ છે, ઘરે જઈને એમના પગ પકડી લેજો કારણકે એમનાં કારણે જ તમે આ દુનિયામાં પાછા આવ્યા છો.ડૉક્ટર કટાક્ષ સાથે બોલ્યા....સરલા બેન ! તમારી નસોમાં પરેશ ભાઈની નીચી જાતિનું લોહી વહી રહ્યું છે. આ વળી તમે કહો છો તે નીચી જાતિ શું હોય છે? અમારી બ્લડ બેંકમાં અસંખ્ય ધર્મનાં અને અસંખ્ય જાતિનાં લોકોનું લોહી હોય છે.તો શું લોહી લેવામાં પણ તમે જાતની ચકાસણી કરશો? અને લોહીની વળી ક્યાં કોઈ જાત હોય છે...એ તો ફક્ત દરેક જાતિનાં લોકોને એમની જાતિ પૂછ્યા વગર ફક્ત દરેકને બચાવવાનું કામ કરે છે.અરે.... તમને તો પરેશભાઈ હોસ્પિટલ લાવ્યા ત્યારે ભાન પણ નહોતી અને તમે જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા.જો સમયસર તેમણે લોહી ના આપ્યું હોત તો તમારી દીકરી માતા વગરની થઇ ગઈ હોત અને તમારો પરિવાર વિખેરાઈ ગયો હોત. તો મહેરબાની કરીને બેન આ છૂત-અછૂત અને ઊંચી-નીચી જાતિનો ભેદભાવ કરવાનું છોડી દો અને સમાજમાં ભાગલા પડાવવાનું બંધ કરી દો. કુદરતે પણ કોઈ ભેદભાવ નથી રાખ્યો તો આપણે તુચ્છ માનવજાત કોણ છીએ ભેદભાવ રાખવાવાળી. ડૉક્ટરની વાત સાંભળીને સરલાને પોતાના કર્યાં પર અફ્સોસનો પાર નહોતો.તે ચોધાર આંસુએ રડી પડી અને પોતાની ભૂલ સમજાવવા બદલ ડૉક્ટરનો આભાર માનવા લાગી.ડૉક્ટર સરલાનાં માથે હાથ રાખીને બોલ્યા...તમને તમારી ભૂલ સમજાઈ ગઈને એ જ ઘણું છે.                                                                                                                             ઘરે આવ્યા પછી સરલા ત્રણ-ચાર દિવસમાં હરતી-ફરતી થઇ ગઈ.બાલ્કનીમાંથી ઝાડુ વાળતા પરેશને જોઈને જોરથી બૂમ પાડી ઉઠી...એ પરેશ ભાઈ ! સવિતા ભાભી ! જલ્દી આવો.પહેલીવાર પોતાનાં વિશે આવું સંબોધન સાંભળતા બંનેને થોડું અજીબ લાગ્યું.બંને ફટાફટ સરલાનાં ઘરે પહોંચી ગયા અને પરેશ બોલ્યો..શેઠાણી ! હવે તબિયત કેમ છે ? સરલા તરત જ બંનેના પગે પડી ગઈ અને બોલવા લાગી...હું તમારી ગુનેહગાર છું મને માફ કરી દો. મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું છતાં તમે મારો જીવ બચાવ્યો.મને નાની બહેન સમજીને માફ કરશોને પરેશ ભાઈ? હવે તો આપણો લોહીનો સંબંધ થઈ ગયો છે અને આ લોહીનો સંબંધ તો બધા સંબંધોમાં સૌથી ઊંચો હોય છે.પરેશે સરલાને ઊભી કરી અને બોલ્યો...વચન આપું છું....આપણો આ લોહીનો સંબંધ મરતા દમ સુધી નિભાવીશ અને દુનિયામાં છું ત્યાં સુધી તારી રક્ષા કરીશ.  અને ત્રણેય જણાં એકબીજાનાં ગળે લાગી ગયા અને કોઈપણ જાતનાં જાત-પાતનાં ભેદભાવ વગર  તેમના આ લોહીના સંબંધમાં હંમેશાં માટે ઓતપ્રોત થઈ ગયા.