Angarpath Part-8 books and stories free download online pdf in Gujarati

અંગારપથ ભાગ-૮

અંગારપથ

ભાગ-૮

સડસડાટ કરતી કાળી વેન હોસ્પિટલનાં કંમ્પાઉન્ડમાં દાખલ થઇને એન્ટ્રી ગેટ તરફ આગળ વધી. વાનમાં કાળા કપડામાં સજ્જ, મોઢે બુકાની બાંધેલાં ત્રણ ખતરનાક આદમીઓ અને એક ઔરત સવાર હતાં. એક ડ્રાઇવીંગ સીટ ઉપર હતો અને ત્રણ પાછળની સીટમાં બેઠા હતાં. એ લોકો પાસે અત્યાધૂનીક રાઇફલો હતી અને તેમનું ટાર્ગેટ હતી રક્ષા સૂર્યવંશી. હવે તેઓ ખૂલ્લેઆમ હુમલો કરવાં માંગતાં હતાં કારણકે બોસે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી હતી કે જો રક્ષા જીવીત રહી તો તેમની ખૈર નથી. પેલી યુવતીએ એટલે જ ગોલ્ડન બારમાં જઇને પોતાનાં માણસો એકઠા કર્યા હતાં. તેને ખબર હતી કે હવે રક્ષાની સુરક્ષામાં પોલીસ ગોઠવાઇ ચૂકી હશે. જો રક્ષાને મારવી હશે તો પોલીસવાળાઓનો પણ સામનો કરવો પડે એમ હતો એટલે તેઓ પૂર્ણ તૈયારી સાથે આવ્યાં હતાં.

વાન ધસમસતી આવીને હોસ્પિટલનાં કાચનાં એન્ટ્રસ ગેટ પાસે ઉભી રહી. ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી હતી. આર.સી.સી. રોડ ઉપર વાનનાં ટાયર ઘસાયા અને વાતાવરણમાં એ ઘર્ષણનો અવાજ ગુંજી ઉઠયો. ધડાધડ કરતાં વાનનાં પાછલાં દરવાજેથી ત્રણ નકાબધારી લોકો ઉતરી પડયાં અને દોડતાં જ કાચનાં પાર્ટીશન તરફ આગળ વધ્યાં. તેઓનાં ઇરાદા ખતરનાક જણાતાં હતાં. સામે જ રીસેપ્શન કાઉન્ટર હતું. ત્યાં અત્યારે એક યુવક ઉભો હતો અને ફોનમાં કોઇની સાથે વાત કરી રહ્યો હતો. એ યુવકે હમણાં જ બહાર કોઇ વાહન આવીને ઉભું રહ્યાંનો અને પછી લોબીમાં દોડતાં આવતાં પગલાંનો અવાજ સાંભળ્યો હતો. કુતુહલવશ જ તેણે પાછળ ફરીને જોયું. “ યા અલ્લાહ... “ તેનાં મુખમાંથી શબ્દો સર્યા અને તે સ્તબ્ધ બની ગયો. તેનાં હાથમાંથી ફોનનું રીસીવર પડતાં પડતાં રહી ગયું પરંતુ ક્ષણનાં ચોથા ભાગમાં તે સમજી ગયો કે જરૂર કોઇ ભયાનક વારદાત ઘટશે. અંદર પ્રવેશેલાં લોકોનાં હાથમાં રાઇફલો જોઇને જ તે સમજી ગયો હતો કે તેઓ અહી શું કામ આવ્યાં હશે...!

તે યુવાન આલમ કાદરી હતો. ફોન ઉપર તેણે હજું અભીમન્યું સાથે વાત કરવાની શરૂઆત જ કરી હતી કે આ ઘટનાં બની. તે બરાબર સમજ્યો હતો કે આ લોકો રક્ષા મેડમને ખતમ કરવાં જ આવ્યાં છે. તે ટટ્ટાર થયો. તેનાં હાથમાં ફોન હતો અને એકાએક ધ્યાનમાં આવ્યું કે સામા છેડે અભીમન્યું તેની વાત સાંભળી રહ્યો છે. “ હેલ્લો સર... પ્લીઝ બી કેરફૂલ. અહી હથીયારો સાથે કેટલાક માણસો લોબીમાં પ્રવેશ્યાં છે. મને લાગે છે કે એ રક્ષા મેડમ માટે જ આવ્યાં છે. “ લગભગ ફૂસફૂસાહટ ભર્યા સ્વરે આટલું બોલીને તેણે ઘડાક કરતો ફોન મુકી દીધો.

ત્યારે... એક સાથે ત્રણ ઘટનાં બની. આલમ કાદરી તો ચોંક્યો જ હતો એ સાથે જ રક્ષાનાં દરવાજે ઉભેલો પોલીસમેન પણ અવાજ સાંભળીને સતર્ક બન્યો હતો. તેણે ગરદન ઘુમાવીને રીસેપ્શન તરફ જોયું હતું. તે અંદર પેસેજમાં હતો એટલે ત્યાં કોણ આવ્યું એ દેખાયું નહી. તે ત્યાંથી ખસીને થોડો આગળ વધ્યો. ત્રીજી તરફ રૂમમાં અભીમન્યુંએ હમણાં જ ફોન ઉપર કહેવાયેલાં વાક્યો સાંભળ્યાં હતાં અને તે દરવાજા તરફ ધસ્યો હતો. આ ત્રણેય ઘટનાઓ એક સાથે ઘટી હતી. એક અજીબ પ્રકારનો ટેબ્લો રચાયો હતો. વાનમાંથી ઉતરેલાં લોકો દોડતાં અંદર રીશેપ્શન એરીયામાં પ્રવેશ્યાં હતાં... આલમ કાદરીએ તેમને જોયાં એટલે તેણે અભીને સતર્ક કર્યો હતો... અને અભી દરવાજે આવે એ પહેલાં ત્યાં ઉભેલો પોલીસમેન હાથમાં ગન સંભાળતો સતર્કતાથી રીસેપ્શન તરફ આગળ વધ્યો હતો. એ બધું એકદમ પરફેક્ટ રીતે અને એટલી ઝડપથી ઘટયું કે કોઇને સહેજે વિચારવાનો સમય મળ્યો નહોતો.

વાનમાંથી ઉતરેલાં ત્રણમાંથી એક વ્યક્તિ, જે પેલી ઔરત હતી તે રીસેપ્શન તરફ આગળ વધી, અને બીજા બે રક્ષાનાં કમરા તરફ જતી ગલીયારીમાં ઘૂસ્યાં. બહું જ ભયાનક ઝડપે ઘટનાઓ બનતી હતી.

રીસેપ્શન નજીક પહોંચેલી ઔરતે આલમ કાદરીને જોયો. પછી કાઉન્ટર પાછળ ઉભેલી બુઢ્ઢી નર્સને તાકી. તેની રાઇફલનું નાળચું એ બન્ને તરફ ઘુમ્યું. અને આલમ કાદરી ઉછળી પડયો. એક બુલેટ આવીને સીધી તેનાં ડાબા પડખામાં ઘૂસી ગઇ. ત્યાં ભગદળું પડયું અને કાદરીનાં પડખામાંથી લોહીનો ફૂવારો ઉડયો. સેકન્ડનાં સો માં ભાગમાં એ બની ગયું. એ નકાબધારી ઔરતનાં ઇરાદાઓ ખતરનાક હતાં, તેની આંગળી રાઇફલનાં ટ્રીગર ઉપર દબાઇ હતી અને નાળચામાંથી નિકળેલી ગોળીઓનો ધોધ સીધો જ આલમ કાદરી તરફ વહ્યો હતો. આલમ કાદરી કંઇક વિચારે, પોતાનાં બચાવમાં કોઇ પ્રતિક્રિયા કરે, એ પહેલાં એક ગોળી તેનાં પડખામાં વાગી હતી. પછી ઉપરા છાપરી પાંચ સાત ગોળીઓ તેનાં પેટમાં સમાઇ ગઇ હતી. કાદરીને ગોળીઓનાં ફોર્સનો ધક્કો લાગ્યો અને તેનાં પગ આપોઆપ પાછળ તરફ ધકેલાયા હતાં. તે રીસેપ્શન કાઉન્ટર સાથે અથડાયો અને તેનું શરીર કાઉન્ટર ઉપર જ ઢળી પડયું. કાઉન્ટર પાછળ ઉભેલી બુઢ્ઢી નર્સનાં ગળામાંથી એ જોઇને ચીખો નિકળવા લાગી. બેતહાશા બૂમો પાડતી તે કાઉન્ટર છોડીને પાછળની તરફ ભાગી પણ તેની દોટ ટૂંકી પડી. પેલી ઔરતે રાઇફલમાં હતી એટલી તમામ ગોળીઓ તેનાં શરીરમાં ધરબી દીધી. નર્સનું શરીર ચારણી બની ગયું અને ધડામ કરતાં તે ફર્શ ઉપર પડી. થોડું તરફડીને તેનું ભારેખમ શરીર શાંત પડયું. તે મરી ચૂકી હતી અને તેનાં ચહેરા પર ભયંકર આઘાત અને આશ્વર્યનાં ભાવો છવાયેલાં હતાં. એ દરમ્યાન પેલી ઔરતે ફરીથી ગોળીઓનું મેગેઝીન ભર્યું અને રક્ષાનાં કમરા તરફ જતાં કોરીડોર ભણી ચાલી.

એ કોરીડોરમાં પણ ભારે ધમાચકડી મચી હતી. જેવાં પેલા બન્ને કોરીડોરમાં દાખલ થયાં એ સાથે જ પોલીસવાળો ચોંકયો હતો. તેણે પહેલાં નકાબપોશ આદમીઓને જોયાં અને પછી એ લોકોનાં હાથમાં હતી એ રાઇફલો જોઇ. ક્ષણનાં ચોથાં ભાગમાં તેનું માથું ઠનકયું. કંઇક બરાબર નથીનો અણસાર આવ્યો અને તેણે પિસ્તોલ કાઢીને સીધું જ ફાયરીંગ ઓપન કર્યું. પણ હડબડાહટમાં તે નિશાન ચૂકી ગયો. પેલાં બન્નેને આવું કંઇક થશે તેનો અંદાજ પહેલેથી હતો જ એટલે તેમણે સામું ફાયરીંગ આદર્યું. એક તરફ સાદી કલ્ટ પિસ્તોલ અને બીજી તરફ સેકન્ડમાં હજ્જારો ગોળીઓ વરસાવતી અત્યાધૂનીક રાઇફલો. આ બન્ને વચ્ચે તો કોઇ જ મુકાબલો થઇ શકે તેમ નહોતો. રાઇફલમાંથી વછૂટતી ગોળીઓ ક્ષણભરમાં એ પોલીસમેનનાં શરીરમાં ધરબાઇ ગઇ અને તેનું નિષ્પ્રાણ શરીર પાછળ તરફ ઉછળીને કોરીડોરની ફર્શ પર પથરાયું. તેનાં હાથમાંથી પિસ્તોલ વછૂટીને બરાબર રક્ષાનાં કમરાનાં દરવાજાની નજીક પડી.

અભીમન્યુએ એ સમયે જ દરવજો ખોલ્યો. “ ખડીંગ.... “ કરતી પિસ્તોલ તેનાં પગ નજીક આવીને પડી. તેની પોતાની ગન તે રક્ષાનાં કમરામાં આવ્યો ત્યારે ટિપોઇ ઉપર મુકી હતી. પાછા ફરીને એ લેવા જવાનો તેની પાસે સમય નહોતો એટલે પલક ઝપકતાં જ ફર્શ ઉપર પડેલી પિસ્તોલ તેણે ઉઠાવી લીધી અને... આંખની સીધમાં લઇને, બીજા હાથની હથેળીથી સહારો આપી, એક સેકન્ડથી પણ ઓછા સમયમાં બે વાર ટ્રીગર દબાવી દીધું. પેલા બન્ને હક્કા બક્કા રહી ગયાં. તેમણે કમરાની અંદરથી કોઇ વ્યક્તિને બહાર નિકળતો જોયો હતો. હજું તેઓ “સ્ટેન્ડ બાય” પોઝીશનમાં જ ઉભા હતાં અને તેમની રાઇફલોનાં નાળચા સામેની દિશામાં જ તકાયેલાં હતાં. જો કોઇ સામે આવે તો તેનો ખાત્મો થતાં સહેજે વાર ન લાગે. પરંતુ... તેમનો સામનો કોઇ સામાન્ય વ્યક્તિ સાથે નહોતો થયો. ઇન્ડિયન ફોર્સનાં એક અતિ ઝાંબાઝ અને ખતરનાક આર્મી ઓફીસરનો મુકાબલો કરવાની તેમની ક્ષમતા નહોતી અને એ કક્ષા પણ નહોતી. અભીમન્યુએ છોડેલી ગોળીઓ સીધી જ તે બન્નેનાં કપાળની બરાબર મધ્યે ઘૂસી ગઇ હતી. જાણે લાલ કંકુથી તેમને મોટો ચાંદલો કરવામાં આવ્યો હોય એટલું મોટું ગોળ કાણું તેમનાં કપાળની બરાબર વચ્ચે સર્જાયું હતું અને તેમાથી લોહીનો પાતળો રગેડો નિકળીને છેક નાક સુધી રેલાયો હતો. એક સેકન્ડથી પણ ઓછો સમય લાગ્યો હતો અને તે બન્ને ઢળી પડયાં હતાં.

પેલી ઔરત દોડતી ગલીયારામાં દાખલ થઇ હતી અને તેણે એ અવિસ્વસનીય દ્રશ્ય જોયું હતું. હૈરતથી તેનું મોં પહોળું થયું. તાન્યાં નામ હતું તેનું. તે રીસેપ્શન કાઉન્ટર છોડીને રક્ષાનાં કમરા તરફ આગળ વધી જ હતી કે તેની નજરો સામે ભજવાયેલાં આ દ્રશ્યને જોઇને તે અચંભીત બની ગઇ. જે ત્વરાથી અને જે સફાઇથી તેનાં માણસો મરાયા હતાં એ કોઇ સ્વપ્નથી કમ નહોતું. તેણે પોતાની રાઇફલ સીધી કરી અને અભીમન્યુ તરફ ઘૂમાવી. ટ્રીગર ઉપર આંગળી દબાવી અને એક ખટાકો થયો. ઓહ માય ગોડ... રાઇફલમાં ગોળીઓનું મેગેઝીન બરાબર ફીટ જ નહોતું થયું. તેનાં મોતીયા મરી ગયાં. તેને સમજમાં આવ્યું કે સામે ઉભેલાં વ્યક્તિનો સામનો કરવામાં ભલીવાર નથી. વધું વિચાર્યા વગર તે ત્યાંથી બહારની તરફ, જ્યાં તેની વાન ઉભી હતી એ દિશામાં ભાગી. અભીમન્યુ તેની પાછળ દોડયો પરંતુ તાન્યાં સ્ફૂર્તીથી વાનમાં ચડી ગઇ અને ડ્રાઇવરને ગાડી ભગાવવાનો આદેશ આપ્યો.

ડ્રાઇવર વાનને ચાલું જ રાખીને ગિયરમાં નાંખી “સ્ટેન્ડ ટુ” ઉભો હતો. તેણે જરાપણ સમય ગુમાવ્યાં વગર વાન હોસ્પિટલની બહાર તરફ ભગાવી મુકી.

આખો માજરો ગણતરીની ચંદ મિનિટોમાં ભજવાઇ ગયો. હોસ્પિટલમાં કોઇને ખબર પડે અને દેકારો મચે એ પહેલાં તો તાન્યાં ત્યાંથી ભાગી છૂટી હતી. અભીમન્યુએ ઘણી કોશિશ કરી... તે વાન પાછળ ભાગ્યો અને ગોળીઓ પણ વરસાવી, પરંતુ એ બધું નાકામીયાબ નિવડયું. વાન સડસડાટ કરતી કંમ્પાઉન્ડની બહોર નિકળી ગઇ હતી.

( ક્રમશઃ )

વધું આવતાં સોમવારે..

રેટિંગ અને કોમેન્ટ ચોક્કસ કરજો. આપનાં મિત્રો અને પરીવાર જનોને આ કહાની જરૂરથી વંચાવજો.

મારી સાથે જોડાવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસઅપ કરી શકો છો.

ફેસબુક અને ઇન્ટા. પર મને ફોલો પણ કરી શકો છો.

ઉપરાંત મારી અન્ય નોવેલ્સ જેવી કે

નો રીટર્ન-૧ અને ૨,

નસીબ,

નગર,

અંજામ,

આંધી. પણ વાંચજો. આ બધી બુક્સ તરીકે પણ બજારમાં અવેલેબલ છે.