Angarpath - 10 books and stories free download online pdf in Gujarati

અંગારપથ - ૧૦

અંગારપથ

ભાગ-૧૦

“ ગોલ્ડન બાર “ આ નામ ક્યાંય સુધી અભીમન્યુનાં જહેનમાં પડઘાતું રહ્યું. ગોવાની સડક પર તેની બાઇક રમરમાટી કરતી ભાગતી હતી. બાઇકની રફતાર સાથે તેનાં વિચારો પણ વેગથી વહેતાં હતાં. હમણાં જ, હજું થોડાં કલાકો પહેલાં તે એક ખૂની હોળી ખેલીને આવ્યો હતો. હોસ્પિટલમાં બે ગુંડાઓને તેણે ઢેર કરી દીધાં હતાં. ખરેખર તો એ મામલામાં તેની ઇન્કવાયરી થવી જોઇતી હતી પરંતુ લોબોનાં કારણે સવાર સુધી તેને એ તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. સવારે તેને લોકલ પોલીસ ચોકીમાં હાજર થઇને પોતાની જૂબાની લખાવવાની હતી. એક રીતે ગણો તો તેણે હોસ્પિટલમાં થયેલાં હુમલામાં ગોવા પોલીસની લાજ બચાવી હતી. જો એ હાજર ન હોત તો આતંકીઓ તેમનાં મનસૂબામાં ચોક્કસ કામયાબ નિવડયા હોત, અને તો ગોવા પોલીસની ફજેતી થયા વગર ન રહેત. એટલે અભીમન્યુની બાબતમાં પોલીસે તેને શાબાશી જ આપવાની હતી. એ સિવાય તેઓ બીજું કંઇ કરી શકે તેમ પણ નહોતાં. આમ પણ આર્મી પ્રોટોકોલ મુજબ એક આર્મી અફસરની વધું પુંછપરછ લોકલ પોલીસ એક હદથી આગળ કરી શકે નહી.

અડધું ગોવા જંપી ગયું હતું. બાકીનાં અડધા ગોવાને પોલીસ ખાતું જબરજસ્તીથી ઘરભેગું કરી રહ્યું હતું. હુમલાં પછી તાત્કાલીક ધોરણે જડબેસલાક વ્યવસ્થાઓ ગોઠવાઇ ચૂકી હતી અને શંકાસ્પદ લાગતાં એક એક માણસની, એક એક વાહનની જડતી લેવાઇ રહી હતી. તેમાં અભીમન્યુ પણ બાકાત રહ્યો નહોતો. ગોલ્ડન બાર પહોચતાં બે વખત તેને અટકાવામાં આવ્યો હતો પરંતુ પછી તેની આઇડેન્ટીટી જાણીને જવા દેવામાં આવ્યો હતો.

“ ગોલ્ડન બાર “ એક એવું સ્થળ હતું જે ક્યારેય જંપતુ નહી. આ નાઇટ ક્લબ કમ ચીલઆઉટ પ્લેસ વધું હતું. અહીનાં ડિસ્કો થેકમાં જુવાનીયાઓ સવાર સુધી થીરકતાં રહેતાં. વિદેશીઓ દારૂનાં નશામાં બેફામ બનતાં. ગોવા બહારથી આવતાં પર્યટકો અહી એક નવાં જ વિશ્વનાં દર્શન કરી આભા બની જતાં. વિશાળ જગ્યામાં પથરાયેલું ગોલ્ડન બાર અહી આવનારની તમામ જરૂરીયાતો સંતોષતું, અને એટલે જ તે આટલું ફેમસ હતું. પરંતુ... આ ફક્ત તેની એક સાઇડ હતી, જે દુનીયાને દેખાતી. તેની બીજી બાજું ઘણી કાળી અને ડરામણી હતી. એ વિશે બહું ઓછા લોકો જાણતાં હતાં જેમાં ડેરેન લોબો પણ એક હતો... અને એટલે જ તેણે અભીને અહી મોકલ્યો હતો. આ બાર ગોવાનાં સૌથી મોટા ડ્રગ્સ ડીલર રોબર્ટ ડગ્લાસની માલીકીનો હતો. અહીથી જ તેનાં મોટા ભાગનાં વ્યવહારો થતાં અને તેનાં માણસો પણ અહી જ પડયા પાથર્યા રહેતાં.

અભીએ ગોલ્ડન બારનાં પાર્કીંગ એરીયામાં તેની બાઇક પાર્ક કરી અને બારનાં મુખ્ય એન્ટ્ર્ન્સે આવ્યો. બહારથી બારનો દેખાવ કોઇ સામાન્ય મકાન જેવો જ હતો. રોડ કાંઠાથી લગભગ સો- એક મીટર અંદર એક સીધી દિવાલ... જેમાં પ્લાસ્ટર ઉખડી જવાથી ચણતરની ઇંટો દેખાઇ આવી હતી... તેમાં દિવાલની બરાબર વચ્ચે રોશનીથી ઝગમગતો દરવાજો હતો. દરવાજે પહેલવાન જેવાં ચાર- પાંચ બાઉન્સરો ઉભા હતાં. તેઓ આવનાર દરેકની તલાશી લઇને અંદર જવા દેતાં હતાં. દેખાવે જ તેઓ WWF માં આવતાં ગઠ્ઠાદાર ઘણખૂંટો જેવા તાકતવર જણાતાં હતાં. સામાન્ય માણસને તો ચપટીમાં મસળી નાંખે. અભીએ તેમની તરફ એક નજર નાંખી અને પછી સાવ બેફીકરાઇથી આગળ વધ્યો. બાઉન્સરોમાંથી એકે તેની તલાશી લીધી અને પછી અંદર જવાનો ઇશારો કર્યો. દરવાજો વટતાં જ અંદરનું દ્રશ્ય તદ્દન બદલાઇ ગયું. અંદર લાલ પીળી ચમકદાર રોશનીથી ઝગમઝતો લાઉન્જ એરીયા હતો. લાઉન્જનાં એક ખૂણે બહારથી અંદર પ્રવેશેલાં લોકો લાઇનબધ્ધ ઉભા રહી પોતાની નોંધણી કરાવી રહ્યાં હતાં. ત્યાંથી એક ગેટ પાસ લઇને બારમાં પ્રવેશી શકાતું હતું. અભીએ પોતાનું નામ નોંધાવ્યું અને પછી બીજા એક દરવાજામાં થઇને બારનાં મુખ્ય હોલમાં આવ્યો. અંદર પહોંચતાં જ કાન ફાડી નાંખે એવું એકદમ લાઉડ મ્યૂઝીક તેનાં કાને અફળાયું. કોઇપણ ટિપિકલ બારમાં હોય એવું દ્રશ્ય અને ભારેખમ ઘોંઘાટ વર્તાતો હતો. હાં, અહી એક વાત બધા કરતાં જૂદી હતી, અહીની હવામાં મદહોશ કરનારી સુગંધ તરતી હતી. અભીને આશ્વર્ય થયું. તે આ મદહોશી ભરી સુગંધને તુરંત પારખી ગયો. તેનું પોસ્ટિંગ કાશ્મીરની સીમા પર થયું હતું ત્યારથી આ ગંધ તેનાં પનારે પડતી આવી હતી. સીમા પારથી આવતો અફીણ અને ગાંજાનો ઝઝીરો ઘણી વખત તેણે પકડયો હતો. એ માલનાં પોટલાઓ છોડતી વખતે વછૂટતી ગંધ અને અહી ગોલ્ડન બારમાં ફેલાયેલી સુગંધ વચ્ચે જાજો ફેર નહોતો. મતલબ કે અહી ખૂલ્લેઆમ નશાનું સેવન થઇ રહ્યું હતું અને એ નશાની ગિરફ્તમાં લપેટાયેલું યૌવન બેફામ બનીને હિલોળી રહ્યું હતું. હવે અભીને સમજ પડી કે કેમ અહી આટલી બધી સિક્યોરીટીની વ્યવસ્થા હતી.

બાર અને ડિસ્કોથેકનો એરીયા ઘણો મોટો હતો. લગભગ હકડેઠઠ કહી શકાય એટલાં લોકોથી આખી જગ્યાં ઉભરાતી હતી. અભી એ મેદનીમાંથી જગ્યા કરતો આગળ વધ્યો. સામે થોડી ઉંચાઇ પર ડી.જે. વાગતું હતું. તેની બાજુમાં એક કાચની કેબીન હતી. કેબીનનાં પારદર્શક કાચની પાછળ કાળા સૂટમાં સજ્જ ત્રણેક વ્યક્તિઓ ઉભા હતાં અને આપસમાં કશીક વાતચીત કરતાં હતાં. અભી ત્યાં પહોચ્યોં એ દરમ્યાન એ લોકો કેબીનમાંથી બહાર નિકળીને પાછળ કોઇક જગ્યામાં અંતર્ધાન થઇ ગયાં. હવે કેબીનમાં કોઇ નહોતું. અભીને બરાબર સમજાયું હતું કે ચોક્કસ કેબીનમાંથી જ કશુંક તેનાં કામનું જડી આવશે. તે ખાલી અનુમાનનાં આધારે જ અહી સુધી પહોચ્યોં હતો. ગોલ્ડન બારમાં જઇને શું કરવાનું છે એ તેણે વિચાર્યુ જ નહોતું, પરંતુ એક તો પેલા મરતાં યુવકે અને બીજા લોબોએ આ સ્થળનું નામ આપ્યું હતું એટલે રક્ષાનો કોઇને કોઇ સંબંધ આ ગોલ્ડન બાર સાથે જરૂર હશે જ, એ વિચારે તે અહી સુધી આવ્યો હતો. તેમાં પણ કાળા સૂટ વાળા લોકોને જોઇને તેને પાક્કી ખાતરી થઇ ગઇ હતી કે તે યોગ્ય રસ્તે જઇ રહ્યો છે. સાવચેતીથી તે કેબીનની નજીક આવ્યો અને દરવાજાનો નોબ ઘૂમાવ્યો. તેનાં અપાર આશ્વર્ય વચ્ચે દરવાજો ખૂલ્લો હતો. ઝડપ કરીને તે અંદર ધૂસી ગયો અને અંદર પડેલાં એક મોટા ટેબલ પાછળ અધૂકડો થઇને ભરાયો જેથી કેબીનની દિવાલમાં જડેલાં પારદર્શક કાચમાંથી તે બહાર દેખાઇ ન જાય. એ સાવધાની રાખવી જરૂરી હતી કારણકે અહી કોઇ હો- હલ્લો ન મચે એની તકેદારી પણ રાખવાની હતી.

કાચનાં પાર્ટીશન ઉપર બન્ને સાઇડ પરદા લટકતાં હતાં. જો એ પરદા બંધ હોત તો ચોક્કસ અભીને કેબીનની તલાશી લેવી સરળ બન્યું હોત પરંતુ ખૂલ્લા પરદે તેનું કામ આસાન નહોતું નિવડવાનું. બહારથી જો કોઇ તેને કેબીનમાં ખાંખાખોળા કરતાં જોઇ જાય તો મુસીબત સર્જાયા વગર રહે નહી એટલે તેણે સખત સાવધાની વર્તવાની હતી. શરૂઆત તે જે ટેબલ પાછળ લપાયો હતો એ ટેબલથી જ કરી. ટેબલ પાછળ બેસી રહીને જ તેણે તેનાં એક પછી એક ખાનાં ઉખેળવા શરૂ કર્યાં. ટેબલની જમણી અને ડાબી તરફ એક સરખાં ત્રણ- ત્રણ ડ્રોવર હતાં અને વચ્ચે એક મોટું ડ્રોવર હતું. અભી ઝડપથી એ બધાં ખાનાં જોવા લાગ્યો. ખાનાં તરેફ તરેફનાં કાગળીયાઓ અને સ્ટેશનરીથી ઉભરાતાં હતાં. તેણે એ બધું ઉથલાવવા માંડયું પરંતુ તેમાં કોઇ ચીજ પોતાનાં મતલબની મળી નહી. બધાં જ ડોક્યુમેન્ટ્સ આ ક્લબને રીલેટેડ હતાં. તેમાં કશું જ સંદીગ્ધ જણાતું નહોતું. નિરાશ થઇને તેણે માથું ધૂણાવ્યું. ખરેખર તો તેને પોતાને પણ ખબર નહોતી કે તે શું શોધી રહ્યો છે...? સામેની બાજું દિવાલને અડીને બીજું એક ટેબલ પડયું હતું. હળવે રહીને સરકીને તે એ ટેબલ પાસે પહોંચ્યો. અને હજું ટેબલનું ખાનું ખોલવાં જ જતો હતો કે એકાએક કશોક અવાજ તેનાં કાને અફળાયો અને કેબીનનો દરવાજો ખૂલ્યો. અભી ચોંકી ગયો કારણકે કેબીનમાં કોઇ પ્રવેશ્યું હતું. આપોઆપ તેનાં દીલની ધડકનો તેજ થઇ ઉઠી. દરવાજો તેની સામે તરફ હતો એટલે આવનારને તે તરત દેખાઇ જાય તેમ નહોતો પરંતુ જોખમ ભારોભાર હતું. ખૂલ્લેઆમ તે કોઇપણ સ્થિતિનો સામનો કરવાં સક્ષમ હતો પરંતુ અત્યારે એવો સમય નહોતો. જો તે જાહેર થઇ જાય તો જે મકસદે અહી આવ્યો હતો એ રોળાય જાય અને એવું થાય એ હરગીઝ તેને મંજુર નહોતું. શ્વાસ થંભાવીને તેણે ટેબલ પાછળથી સહેજ ડોકું ઉંચુ કર્યું અને અંદર કોણ પ્રવેશ્યું છે એ જોવાની ચેષ્ઠા કરી.

તે એક બેહદ ખૂબસૂરત યુવતી હતી. તેણે ટૂંકુ સ્કર્ટ અને ઓપન ગળાનું સ્લીવ લેસ ટી પહેર્યું હતું. કેબીનમાં તે લથડાતાં પગે પ્રવેશી હતી અને દરવાજા નજીક જ મુલાયમ સોફો હતો તેની ઉપર બેસી પડી હતી. એવું લાગતું હતું કે તે બેહદ નશામાં છે અને આ કેબીનને તે બહું સારી રીતે જાણે છે. ચંદ સેકન્ડો એ અવસ્થામાં જ વીતી અને એકાએક અભી ચોંકયો. માથું ઢાળીને પડેલી એ યુવતીની આંખો અચાનક ઉંચી થઇ અને તેણે કેબીનનાં કાચ તરફ તાંકયું.

“ માય ગોડ... “ અભીનાં ગળમાંથી હૈરત ભર્યા શબ્દો નિકળ્યાં.

(ક્રમશઃ )

મિત્રો... રેટિંગ ચોક્કસ આપજો.

આ કહાની તમને કેવી લાગે છે... ?