Red kashmir books and stories free download online pdf in Gujarati

લોહીથી ખરડાયેલું કાશ્મીર

આ મારા જીવન ની આખરી ક્ષણ છે ...વિચારતા મારા અખમાંથી ખુશીનું આંસુ આવ્યું ને એક ક્ષણ ના દસમા ભાગમાં આખું ભૂતકાળ નજર સામે ફરી ગયું...

ફક્ત આઠ વર્ષ નો હતો હું ત્યારે એ દિવસે મારી દુનિયા માં જાણે ભુચાલ લાવી દીધું હતું....
                             
                                ***
તા. : ૦૧/૧૦/૨૦૦૧
વાર : સોમવાર
સમય : ૨:૦૦ (બપોર)

              હું મારા મિત્રો સાથે રમતો હતો ને અચાનક મને ગભરાટ થવા લાગી...જેમ મોજા સાથે તણાઈ ને માછલી કિનારે આવી જાય ને પાછી દરિયા માં જાવે તરફડિયા મારે એમ મારો જીવ આ મૂંઝવણ માંથી છટકવા તરફડિયા મારતો હતો...
આવી ઠંડી માં પણ મને અંદરથી ગરમી થતી હતી...શ્વાસ લેવા માટે ખુલ્લી જગ્યા તો હતી પરંતુ કોઈ ડૂમો હતો જે મને શ્વાસ લેતા રોકતું હતું...

બસ હવે!... મને કાઈ થઈ જશે એ ડરથી હું મિત્રો સાથેની રમત અધુરી મૂકીને બમણાં વેગે નદીને સમાંતર દોડવા લાગ્યો...પવન ના આવરણ ને ચીરતા મારા ગાલ, નાક અને કાન થીજી રહ્યા હતા એ હું સ્પષ્ટ મહેસુસ કરી રહ્યો હતો...
પણ મારા ખુલ્લા પગ થોભવાનું નામ નહોતા લેતા.આ પીડા ક્યાંક મારા હૃદયને ચીરી નાખશે એના ડરથી જ આંખો ભીંજાવા લાગી ..... 

દોડીને ઘરનો દરવાજો ખોલીને હું સીધો અમ્મી ને વળગી પડ્યો અને મારા મોં માંથી એક મૂંગુ ડૂસકું નીકળી ગયું...
કંઈ કારણ વગર આંખો રડવા લાગી....મારા હૃદયના ધબકારા મારી અમ્મી સાંભળી શકતી હતી.
મને તેડીને તેણે વ્હાલથી જકડી લીધો...ને મને શાંત પાડ્યો...
" ક્યાં હુઆ અસીમ?"

મારી આંખોએ વહેવાનું બંધ કર્યું પણ મન હજી શાંત ન હતું...મેં મારી મૂંઝવણ અમ્મીને કહી.
મારી આ ઓચિંતી મુંજવણ ને મારી અમ્મી પણ ન સમજી શકી.
પણ એ તો અમ્મી હતી... ગજબની તાકાત હોઈ છે એનામાં ...
એણે મને શાંત પડ્યો ને મને મારા દાદા પાસે લઈ ગઈ.


એ ફક્ત મારા જ નહી મારા અબ્બુના પણ દાદા હતા.
લાકડાના ચાર પાયા નેઆધારે જોડેલા ત્રાંસા વાંકા ચાર લાકડાના આધાર પર જૂની પાટીથી વણાયેલા ખાટલા પર પડછાયાની જેમ આંખ બંધ કરીને લપટાઈ ને સુતા હતા.

તેનો કરચલીઓ વાળો અને ધ્રૂજતો દેહ 89 વર્ષ વટાવી ચુક્યો હતો. તેના અંગો સંકોચાઈ ને માત્ર આ દેહ છોડવાની જ રાહ જોઈ રહ્યા હતા...
તેની દ્રષ્ટિએ હવે સાથ છોડ્યો હતો પણ તેની આંખોએ જુવાનીમાં જોયેલા ઇતિહાસ ને દંગા એ હજી તેનો પીછો છોડ્યો ન હતો. 

તેઓ વધારે વાતો ન કરતા  પણ જ્યારે બોલે ત્યારે તેના મુખ માંથી દેશનો ઇતિહાસ જ નીકળતો અને એ નીકળતા એની ઝીણી ,ઝરઝરીત આંખો ઝળઝળિયાંથી વહેવા મડતી.

અમ્મી એ દાદા ને મારી સ્થિતિકહી.
દાદા એ બેઠા થઈ ને એના કિંમતી ખાટલા માં મને એની બાજુમાં બેસાડ્યો...
માથે હાથ ફેરવતા બોલ્યા..."મને ખબર છે તને ક્યાં શાંતિ મળશે...ચાલ આપણે સ્વર્ગ ની સહેર કરી આવીએ...."
આ સ્વર્ગ ની વાત બોલતા હંમેશા તેની આંખોમા ગર્વ છલકાઈ જતો.

હા.. આ સ્વર્ગ એટલે બીજું કાંઈ નહિ. પરંતુ ભારતનું કાશ્મીર !!!!  
હું અને મારા દાદા અમે અવારનવાર અમારા જીવતા જાગતા ધરતી પરના સ્વર્ગ કાશ્મીર ના પહલગામની સહેર કરતા...
તે ધીમે ધીમે ચાલતા ને મારા નાના પગ દોડી દોડીને અંતર કાપતા.

કાશ્મીર ને આમ જ થોડું ધરતી પરનું સ્વર્ગ કહેવાયું છે...સૌન્દર્યતા ની જન્નત છે કાશ્મીરમાં...

કાશ્મીર ની રાજધાની શ્રીનગરથી ૯૫ કિમી દૂર, 
ગાઢ હરિયાળા જંગલો ને પહાડો, સુંદર તળાવો અને એ તળાવો ને ઘેરતા નજર ન હટે તેવા મનમોહક ફૂલોના બગીચા અને ઘાસનાં મેદાનોથી ઘેરાયેલું મારું ગામ એટલે કાશ્મીર નું પહલગામ.

લીલાછમ પહાડો ને જંગલો પોતાની તાજગીથી ને પક્ષીઓના કલરવ થી પહલગામ ને જીવંત રાખતા હતા. 
નદીઓ અને ઝરણાંઓના ખળખળ વહેતા પાણી ચોવીસે કલાક કાશ્મીરીઓના કાનમાં મધુર સુર છેડતાં... નાની મોટી ને વાંકીચૂકી પથરાળ ગલીઓમાં અમારા કાશ્મીરીઓ ના દેશી નળિયાંવાળા મકાન ને પ્રવાસીઓ માટે બનાવેલી શાનદાર હોટલો ને તેની સજાવટો, અને ખાસ તો જ્યારે જાન્યુઆરીમાં આખું કાશ્મીર બરફથી થિજેલું હોય ને ત્યારે તેમાં ઘરો ના આંગણામાં થતા તાપણા પહલગામ ની ચમક હતી..
પર્યટકોના ટોળાં, કેદારનાથની યાત્રા, ને ભારત નો સ્નો ફેસ્ટિવલ આ બધું અમારા ગામ ને હરયુભર્યું રાખતું.

એમાંય સોનામાં સુગંધ એટલે કે કૉલહોઈ ગ્લેસીએર થી ઉદભવતી લીડર નદી કે જે સોનમાર્ગ થી બે પર્વતોને ચીરીને ખીણ માં અવતરે છે, જેના વાદળી ક્રિસ્ટલ જેવા પાણી એ પહલગામ ને પૂર્વથી પશ્ચિમ ઘેરેલું હતું. પહલગામ ની ફરતે આવેલી આ નદી સૌ કોઈના આકર્ષણ નું કેન્દ્ર બની જતું..

જેટલી સુંદરતા કુદરતે પહલગામ ને દિવસ ને આપેલી છે તેનાથી બમણી સુંદરતા અને શાંતિ રાતને આપેલી છે....

એ નદી ના ખળખળ પ્રવાહ થી ઘેરાઈ ને ફૂલોની મહેક ને ચંદ્ર ની ચાંદની ઓઢીને જે એકવાર આકાશ માં તારાઓને નિહાળે એ પહલગામ કે કાશ્મીર છોડવાનું નામ ન લે...

એક સુકુન હતું આ જન્નત માં.

અમારા ઘરેથી થોડી જ દૂર નાનું તળાવ હતું. 
જેનીફરતે અત્યંત સુંદર ફૂલોના મેદાનમાં પક્ષીઓ કલરવ કરતા.
મારી અને મારા દાદા ની આ સૌથી પ્રિય જગ્યા હતી જ્યાં અમે મૌન રહીને પણ વાતો કરતા. ફક્ત પાણીની સ્થિરતા ને હવાની લહેરમાં પક્ષીનો કલરવ સિવાય અહીંયા બીજો કોઈ કચકચાટ ન હતો...
ગમે તેવી મુશ્કેલી શોષી લેવાની શક્તિ એ હતી વાતાવરણમાં.
ગજબ છે આ જગ્યા ને ગજબ છે આ કાશ્મીર..... "અમારી જન્નત!!!!!"

બેઠા બેઠા સાંજ ના છ વાગી ગયા...અમને સમય નું ભાન જ ન રહ્યું...
મારુ મન આ તળાવની જેમ શાંત ને સ્થિર થઈ ગયું હતું જાણે મારા અંદરની બધી મૂંઝવણ નું કોઈ પરિણામ આવી ગયુ હતું. બસ હવે મારે તેનો સામનો કરવાનો બાકી હતો.

શાંત વાતાવરણ ને બંધ આંખોમાં કોઈની દૂરથી આવવાની આહટ સંભળાણી , જાણીતા ડગલાં મહેસુસ થયા ....ધીમે ધીમે તે વ્યક્તિ મારી પાસે પહોંચી અનહદ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો...
આહ!!! જાણે અબ્બુનો જ હાથ.....હું ઝબકીને ઊભો થયો....ત્યાં કોઈ નહોતું...
પણ દૂરથી અબીરકાકા દોડતા આવતા હતા...એ અમને ગાડી માં ઝડપ થી ઘરે લઇ ગયા....

અમે ઘરે પહોંચ્યા.... ગલીના નાકાથી અમારા ઘર સુધી માણસો કતાર માં ઉભા હતા...અને ઘરની અંદર થી સ્ત્રીઓનો રડવાનો અવાજ આવતો હતો...
મારા દાદા જાણે કાંઈ સમજી ગયા હોય તેમ  ત્યાં જ પડી ભાંગ્યા ને બેસી ગયા... તે એક ડગલું આગળ ના ચાલ્યા.  
જાણે આ વાતાવરણ એણે પહેલા પણ કેટલીવાર જોયું હોઈ ને તે કળી ગયા કે અહીં શું બન્યું છે એમ તે પોતાનો હોંશ ત્યાં જ ખોઈ બેઠા. 
પણ મને કાંઈ સમજાતુ  નહોતું. મારા નાના ડગલાં ભરતો હું  ઓરડા તરફ ગયો....
સ્ત્રીઓના રડવાના અવાજે આખું વાતાવરણ ધ્રુજાવી દીધું હતું. આ કલ્પાંતે ફરી ઇતિહાસને કોસ્યું હતું..

મારી અમ્મી જાણે બંધ હોઠે ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. તે રડવું રોકતી હતી પણ તેની આંખો આજે અહીં બહાડ લાવવાની ક્ષમતા ધરાવતી હતી....આવું મેં પ્રથમવાર જોયેલું.
શું થયું??? હું જઇ ને અમ્મીના ખોળામાં બેસી ગયો. ઘરનું આવું કરૂણમય વાતાવરણ જોઈને મારી આંખોએ પણ વહેવાનું શરૂ કરી દીધું....
અને હું ફક્ત "અમ્મી અમ્મી" કહેતો રહી ગયો....

સ્ત્રીઓના કરૂણ રૂદનથી વાતાવરણ પણ અહીંનો માહોલ જોવા બે ઘડી થંભી ગયું.
સૂરજ પણ જાણે આ દુઃખ સમજી ગયો હોય તેમ પોતાનો પ્રકાશ ઢાળી દે છે ને ચાંદની આ દુઃખ ની સાક્ષી બનવા પહોંચી જાય છે.

અમ્મી ના મોઢામાંથી એક શબ્દ પણ નહોતો નીકળતો...મોટા ગોળ ચહેરા પર ઓઢેલી ચૂંદરીથી એ ફક્ત રડી રડી ને સોજી ગયેલી પોતાની આંખો લૂછતી હતી એની આંખો જોઈને એવું લાગતું હતું કે એમાંથી હમણાં લોહી ટપકશે...જેના હોઠો પર હમેશા સ્મિત હોય એ સ્મિત આજે બને હોઠો વચ્ચે ક્યાંક ઊંડુંજ દબાઈ ગયું હતું...એને તો કદાચ ઈ પણ ભાન ન હતી કે હું એના ખોળામાં બેઠો છું...મારા કાને સંભળાતા એના ધબકારા એના શરીર માં ચાર ગણા વેગ થી વહેતા પ્રવાહ ની સાક્ષી પુરાવતા હતા...

એવામાં મને કોઈ તેડીને દાદા પાસે લઈ ગયું...હું ડરી ને દાદાને વળગી ગયો...અત્યારે એ જ એક હતા જે મને સમજાવી શકે કે અહીં ખરેખર થયું શુ?

મારા માથા પર સ્નેહ થી હાથ ફેરવતા તે બોલ્યા,
"બેટા, અસીમ! તારા અ... અબ્બુ..બુ..."
દાદા પૂરું વાક્ય ન બોલી શક્યા...
પરંતુ અબ્બુ નું નામ સાંભળતાજ મારા પેટ માં ફાળ પડી ....પાછી સવાર જેવી જ અકળામણ થવા લાગી...
મેં દાદા ને કહ્યું કે મને તળાવ પાસે અબ્બુ નો અહેસાસ થયો પરંતુ અબ્બુ તો અહીં પણ નથી....અબ્બુ ક્યાં છે??
મારા નિર્દોષ પ્રશ્ન નો જવાબ આપતા દાદાનું હૈયું ચિરાતું હતું...તે ફક્ત એટલું જ બોલ્યા, 
"તારા અબ્બુ એ પણ કાશ્મીર ની હરિયાળી ને પોતાનું રક્ત આપ્યું.."
દાદા મનોમન સમજી ગયા હતા કે મને બપોરે આવીકેમ થતી હતી...એ કદાચ એટલે જ કે...ત્યારેરે....
                                   *
હા...આ એ જ દિવસ હતો. ૧લી ઓકટોબર ૨૦૦૧
જ્યારે કાશ્મીર ની રાજધાની શ્રીનગર ની વિધાનસભામાં પાકિસ્તાન ના જૈશ એ મોહમદ દ્વારા બપોરે બે વાગ્યે ચાર સુસાઇડ બૉમ્બ ફોડવામાં આવ્યા હતા...અસીમ ના અબ્બુ ત્યાં એક નાના કાર્યકર્તા હતા જેનું આ હાત્સા માં દેહાંત થયું.
                                *
એનો મતલબ મને અબ્બુ છેલ્લી વાર તાળવે મળવા આવ્યા હતા....કહેતા મારી આંખોએ બધા અવરોધો દૂરકર્યા ને હું દાદા ને વળગીને રડવા લાગ્યો....

એના હાથમાં એટલી શક્તિ ન હતી કે મને ઉચકી શકે પણ એનામાં એટલું સાહસ હતું કે મને સંભાળી શકે..

મારા મોઢેથી સવાલ નીકળ્યો કે," તેઓએ મારા અબ્બુ ને....કે..મ..???" મારો અવાજ ત્યાં જ અટકી ગયો...
દાદા એ જાણે તેના હૃદય માં દબાવેલી જૂની રાજ ની પેટી ખોલી હોય તેમ ઇતિહાસ ખોલ્યો ને બોલ્યા...
" બેટા , આ લડત હમણાં ની નથી...આ તો ૧૯૪૦થી ચાલતી આવતી લડત છે..."

પછી દાદા એ મને ભારતનો આખો ઇતિહાસ કહ્યો..

                               ****

૩૦૦વર્ષ થી ભારત પર રાજ કરતા અંગ્રેજો એ આખરે હવે હિન્દુસ્તાનીઓ સામે ઘૂંટણ ટેકાવ્યા અને ૧૯૪૭ માં તેને આઝાદ કરવાનું એલાન કર્યું.
કેટલા વર્ષો ના મહાત્મા ગાંધી ના સત્યાગ્રહો...આંદોલનો, ક્રાંતિકારીઓના બલિદાનો અને કેટલાય નિર્દોષ ના જીવ ગુમાવ્યા પછી ૧૯૪૭માં આપનો ભારત દેશ આઝાદ થવાનો હતો..
આ માટે બ્રિટિશ સરકારે તેનો છેલ્લો વાઇસ રોય તરીકે માઉન્ટ બેટન ને ભારત મોકલ્યો...

બધા ભારતીયોના દિલ માં આઝાદીની ખુશી હતી પણ તે આઝાદી સાથે જ ભારત ને અંગ્રેજોએ એક હમેશ માટેનું દુઃખ આપ્યું હતું..

અંગ્રેજોએ ભારતમાં મુસ્લિમો ની ઓછી સંખ્યા જોઈને તેઓને હિંદુ અને સિખ પ્રત્યે ઉશ્કેરયા...
ત્યારે ભારત માં મુસ્લિમો ની વસ્તી હિંદુ અને સિખ કરતા ત્રીજા ભાગ ની હતી...એટલે અંગ્રેજોએ મુસ્લિમોને ડરાવ્યાં કે આઝાદી પછી ભારતમાં હિંદુ ઓનું વર્ચસ્વ વધશે ને એ પછી મુસ્લિમો પર રાજ કરશે.
અંગ્રેજોએ ફેલાવેલી આગ ના ઝપટમાં લોયર મોહમ્મદ અલી જિન્ના ફસાઈ ગયો...અને તેણે ૧૯૨૦માં મુસ્લિમ કોમ જોઈન્ટ કરી.

અને ૧૯૪૦માં લાહોર માં તેણે એક લક્ષ્ય બનાવ્યું કે મુસ્લિમો ને સ્વતંત્ર મુલ્ક આપવામાં આવે..અને મોકો મળતા બ્રિટિશ સરકાર સામે ૧૯૪૬માં અલગ દેશ પાકિસ્તાન ની માંગણી કરી.
પણ દેશના 30કરોડ હિન્દૂ ને સિખ ઉપરાંત ગાંધીજી, નહેરુ , સરદાર પટેલ સહિત બધા નેતાઓ અખંડ ભારત ઇચ્છતા હતા..
આઝાદી પછી ભારતના પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ ઉભા રહેવાના હતા...પણ ગાંધીજી ના સમજાવ્યા પછી જિન્ના એક શરત પાર રાજી થાય છે જો તેને ભારત ના પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો એ અલગ પાકિસ્તાન ની માંગણી નહિ કરે. 
ગાંધીજી કોઈ પણ કાળે ભાગલા ઇચ્છતા ન હતા..
એણે જિન્ના ની આ વાત બધાને કહી તો જવાહરલાલ
નહેરુ એ કહ્યું કે,
"જિન્ના ને હું મારા મંત્રીમંડળમાં ચપરાસી  તરીકે પણ ન રાખું"
આ વાતે જિન્ના ને ખૂબ ઉશ્કેર્યો અને તેણે અલગ પાકિસ્તાન ની માંગણી બુલંદ કરી.

જિન્ના ને સમર્થન ન મળતા તેણે ૧૬/૧૦/૧૯૪૬ માં કોલકત્તા માં ડાયરેકટ એક્શન ડે લાગુ પડ્યો ને હુગલી નદીના હાવડા બ્રિજ પર આઝાદી પહેલા ના સૌથી ખરાબ ખૂનખરબાઓ થયા...હિંદુ ઓ અને શીખોની લાશો આખા બ્રિજ પર ક્રૂર રીતે પડેલી હતી...આ દિવસ કોલકાતા માટે કળોદિવસ હતો...

મુસ્લિમોના મન માં હિંદુઓ પ્રત્યે નફરત વધતી ગઈ નાની નાની વાતો માં હિંદુ મુસ્લિમ થઈ જતું...અને ખૂન ખરબાઓ અત્યંત હિંસક રીતે વધવા લાગ્યા..

અહીં ગાંધીબાપુ ને સરદાર પટેલ એકતા બનાવવાની કોશિશ કરતા હતા ત્યાં હિંદુ ને મુસ્લિમ એકબીજાની હિંસક રિતે જીવ લેતા હતા..
કોલકાતા નો બદલો વાળવા તેના બે અઠવાડિયા પછી બિહાર માં હિંદુ ઓએ મુસ્લિમો ને ખૂબ જ ક્રૂર રીતે મારી નાખ્યા...

આઝાદી તરફ જતો દેશ ખૂનથી લથપથ થવા લાગ્યો...આ વાતે ગાંધીજીને ખૂબ તકલીફ આપી

આઝાદી ના ૭૩દિવસ પહેલાથી જ આ હિંસાએ દેશ ને લોહીથી ખરડી નાખ્યો....જેમાં ૧૦લાખ લોકો મર્યા ને ૧લાખ મહિલાઓની ઈજ્જત લૂંટાઈ...દેશની આ દયનિય સ્થિતિ એ બધા નેતાઓનું મનોબળ તોડી નાખ્યું...

વાઇસ રોય માઉન્ટ બેટને પણ હવે ભાગલા માટે ની સલાહ આપવા મંડી....તે ૨/૩/૧૯૪૭ ના રોજ ઇંગ્લેન્ડ ગયા ને ત્યાં ભારત ના ભાગલનો પ્રસ્તાવ મંજુર કરાવ્યો.
ત્યાંથી આવીને ૨/૬/૧૯૪૭ ના રોજ વાઇસ રોય ના નૈતૃત્વ હેઠળ ગોઠવાયેલી મિટિંગમાં કોંગ્રેસ , શીખ ના નેતા ને મુસ્લિમ લિંગ ના નેતા જિન્ના શામિલ થયા...જેમાં ભારત ના ભાગલાનું એલાન કરવામાં આવ્યું...
ગાંધીજી હજી નહોતા માનતા...
તેમનું માનવું હતું કે,
"ભાગલા આગ બુઉજાવશે નહિ પરંતુ વધારશે, ભાગલા એ બે ભાઈઓને એક જ માં ના કોખમાં મારી નાખશે...."

અને ખરેખર એ સાચું પણ બન્યું...
પંજાબમાં હિંદુ ને શીખ ના ૨૦૦૦ કુટુંબો રહેતા હતાં તે બધાને રાતે પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવ્યા, આઝાદીના ૯ દિવસ પહેલા અમૃતસર માં ૬૦મુસ્લિમો ને ખુબજ હિંસક રીતે મારી નાખવામાં આવ્યા....આ વાત જાણતાં આઝાદીના ૬ દિવસ પહેલા બિહારમાં ૭૪શીખો નો બેરહેમીથી જીવ લેવાયો...

અમૃતસર અને બિહાર ની જમીન લોહીથી રંગાઈ ગઈ....કોઈ પાયા વિનાના જાત પાત ના નામે લાખો માણસો નું ખુન થતું હતું...

ઘણી મહિલાઓની ઈજ્જત લુંટાઈ હતી...મહિલાઓ પોતાની ઈજ્જત બચાવવા કુવામાં પડીને આત્મહત્યા કરતી હતી....બાળકો માતા પિતા વિનાના રખડતા હતા...

૧૩ ઓગસ્ટ એ લાહોર ના મણિપુર થી અમૃતસર જતી ટ્રેન માં એક પણ માણસ જીવતું અમૃતસર નહોતું પહોંચ્યું....આખી ટ્રેન લાશોની ભરેલી અમૃતસર પહોંચી...બેરહેમીથી મારેલા એ લોકોમાં કોઈનું માથું ધડ થી અલગ તો કોઈ બાળક હાથ પગ વગરનું...અને મહિલાઓએ તો સૌથી વધારે ભોગવ્યું હતું...

આમતેમ બધેજ ખૂન ના ધબ્બા ને લાશો થી લપટાઈ ને ભારત દેશ આઝાદી મેળવવાનો હતો ૧૫મી ઓગસ્ટ એ...

અને અંતે ૧૫મી ઓગસ્ટ એ ભારતે લોહીથી લથપથ પોતાની ભૂમિ પર ઝંડો લહેરાવ્યો ને પાકિસ્તાને એની ભૂમિ પર....છેવટે આટલી મહેનત ના પરિણામે અંતે બે ભાગમાં વહેચાયેલું ભારત એક નિરાશા ની છાંટ છોડતું ગયું...

પાકિસ્તાન અલગ તો થયું પણ કાશ્મીર ની લાલચા તેના મનમાં આજ સુધી છે જેનું પરિણામ આજે હજી પણ આપણું કાશ્મીર ભોગવે છે...
કહેતા દાદાની આંખ મીંચાવા લાગી...
   
                              ****
મારા મનમાં બસ એક જ સવાલ હતો...બધા હતા તો મનુષ્ય જ તો હિંદુ મુસ્લિમ અલગ કેમ??

જો ત્યારે બધા સમજી ગયા હોત તો...જો ભારત ના ભાગલા પડ્યા જ ન હોત તો??.

વિચારતા મને ઊંઘ આવી ગઈ...મારા મગજ માં હજી તે વાત અને બધા ચિત્રો જ ઘૂમતા હતા...

ભારત ની આઝાદીની જ વાતો ચાલતી હતી....આ શું હું ગાંધીજી ને જોઈ શકતો હતો....કોઈ મિટિંગ ચાલી રહી હતી...બધા ભગલાની જ વાતો કરી રહ્યા હતા...પણ ગાંધીજીએ સખ્તાઈ થી ના પાડી દીધી....
બધા સભામાં શાંત પડી ગયા...

ગાંધીજીએ કહ્યું હું સમજાવીશ બધાને....અને મારી નજર સામે ગાંધીજીએ ૪૦કરોડ ની જનતા વચ્ચે પ્રવચન આપ્યું....તેને બધાને ભાગલાથી થનારા ખૂનખરાબા વિશે સમજાવ્યું...બધી જનતા શાંતિ થી સાંભળતી હતી... ગાંધીજીએ બધાને અંગ્રેજોની ચાલ વિશે કહ્યું...જિન્નાજી ને ખાતરી આપી કે ભવિષ્ય માં મુસ્લિમો ને ભારત માં કાઈ વાંધો નહિ આવે...

અને છેવટે જેવું બાપુએ સપનું જોયું એવું અખંડ ભારત આઝાદ થયું....ચારે બાજુ ખુશહાલી હતી...દીવાઓ પ્રગટયા....૧૫મી ઓગસ્ટ ની એ રાત ને આખા વિશ્વ એ ઝગમગતું ભારત જોયું...બધી બાજુ ઢોલ નગારાં વાગતા હતા...

ત્યાં કઈક અવાજ કાને સંભળાયો....બહાર રડવાનો અવાજ વધ્યો હતો...હું ઊંઘ માંથી ઉઠ્યો...આહહહ...આ અખંડ ભારત મારુ સપનું હતું??
બહાર અબ્બુ ને લઈને એમ્બ્યુલન્સ આવી હતી...અમ્મી નો ચહેરો સોજેલો હતો...દાદા એકબાજુ બેઠા હતા...અબીરકાકા ને બીજા પાડોશીઓ મારા અબ્બુ ના દેહ ને દફનાવવાની ત્યારીઓ કરતા હતા...
મને ત્યાં બોલાવવામાં આવ્યો....બધાની સાથે હું કબરસ્થાન ગયો ને મારા અબ્બુ ને ત્યાં દફનાવી દીધા...

આ આઠ વર્ષ ની ઉંમરે મારા અબ્બુને મેં કબર માં જોયા...તે દ્રશ્ય એ મારું જીવન બદલી નાખ્યું...મારા મન માં બધા એ બાળકો આવ્યા જે અવાર નવાર આવા હાત્સા માં પોતાના અબ્બુ ને ખોઈ દે છે....કારણ વગર ની આવા બાળકોને શેની સજા?  જેણે ભાગલા વખતે જીવ ગુમાવ્યા એમનો શુ વાંક?

આજે હું એકલો તળાવ પાસે બેઠો હતો...અને વિચારતો હતો જો ભાગલા ન પડ્યા હોત તો...
આજે મારા અબ્બુ મારી સાથે ....મારી આંખો ભીંજાય ગઈ...જો ભાગલા ન પડ્યા હોત તો આજે મારુ કાશ્મીર કૈક અલગ જ હોતે ....આ કાશ્મીર ની હરિયાળી માં લોહીના ડાઘા ન હોત.

હિન્દુસ્તાન પણ આ સ્વર્ગ નું સૂકુન માણેત અને પાકિસ્તાન પણ...અહીં લોહીના રંગની બદલે ખુશીઓની રંગછાંટ હોત... ન પાકિસ્તાને સીમા પર ડરીને રહેવું  પડે ન હિન્દુસ્તાને....

ઘરે વાટ જોતી માતા તેના પુત્ર ની વાટ માં જ રહી જાય છે...ઘણા બાળકોએ તોપોતાના પિતા નો ચહેરો પણ જોયો ન હોય અને તે પોતાના પિતાનો અમૂલ્ય પ્રેમ ગુમાવે છે... જો ભારત ના ભાગલા ન પડ્યા હોત... જો ગાંધીજી ની વાત બધા સમજ્યા હોત તો આજ થતા દંગા ઓ અટકી જાત...કદાચ બધાના મનમાં રહેલા ધર્મ ના વિવાદો અટકી જાત....

ખરેખર મનુષ્ય માત્ર મનુષ્ય છે....અને ધર્મ એ માત્ર ભક્તિ કરવાનો અલગ અલગ માર્ગ છે...અને જો એ જ અલ્લાહ , ભગવાન ને ભજવાની રીત પરથી એટલા નિરહૃદય , ક્રૂર ખૂન ખરબાઓ થતા હોય તો એનાથી લજ્જા જેવું કશું નથી....

                            ****

તારીખ : ૧૪/૨/૨૦૧૯

   આજે ફરી એ દિવસ આવ્યો...અબ્બુ..દાદા ...
મેં પણ કાશ્મીર ની હરિયાળી ને મારુ રક્ત આપ્યું...આજે ફરી પાકિસ્તાને પોતાની લાલચ પુરી કરવા આપણાં કાશ્મીર પર એટેક કર્યો
ડરપોક પાકિસ્તાનીઓ પુલવામાં હાઇવે પર  સુસાઇડ કાર બૉમ્બ કર્યા ને ૪૦ જેટલા ઓફિસરે પોતાનો જીવ બેરહમી થી ગુમાવ્યો....આજે પણ લાહોર થી અમૃતસર આવેલી લાશોની ટ્રેન જેવી આ હાઇવે ની હાલત હતી.....ઓફિસેરોના શરીરો ના અંગો વિખેરાઈ ગયા હતા....કોઈનું ધડ ત્યાં ....તો કોઈનું માથું અહીં......મમતા નો ત્યાગ કરીને ક્રૂર રીતે અમારી હત્યા કરી નાખવામાં આવી....

મારા પગ કઈ દિશામાં પડ્યા એ હું પણ નથી જાણતો પણ મારું ધીમે ધીમે ધડકતું હૃદય મને હજી પૂછે છે,
"ભારત ના ભાગલા શુકામ પડ્યા, આજે પણ મારુ કાશ્મીર લોહીથી ખરડાયેલું છે...તેના પરથી લોહીના ડાઘા ક્યારે જાશે?? "

અત્યારે હું મારી કાશ્મીર ની ધરતી, મારી ભારતમાં ને સાંભળી શકું છું....તે કલ્પાંત કરીને કહેતી હતી કે એક માં નુ વિભાજન તમે કેમ કર્યું?? મારા પર પડેલા આ લોહીના ડાઘ ક્યારે જાશે??

ભારત મા ના આ છેલ્લા શબ્દો સાંભળી મેં પુલવામાં હાઇવે પર એક શહીદ ઓફિસર તરીકે છેલ્લો શ્વાસ છોડ્યો અને હમેશા માટે મારા કફન માં એ સવાલ લેતો ગયો કે આ લડાઈ ક્યારે રૂકશે?

     જેટલો દર્દ માતા ને કોખમાંથી 
                 સંતાનને જન્મ આપતા થાય છે 
       તેનાથી પણ ૧૦૦ ગણો દર્દ 
                       એ સંતાનના કફનને 
      પોતાની કોખમાં દફનાવતી વખતે થાય છે....
દરેક શહીદો ના દફન વખતે  આ ભારત માતા આક્રંદ વિલાપ કરતી હશે....

(ખૂન ખરબાઓનું કારણ ધર્મ ને જાતિ નથી, દિલમાં રહેલી નફરત ને ઘૃણા છે જે વિભાજનથી ખતમ નહિ થાય ,વધશે...તે માત્ર પ્રેમથી જ ખતમ થશે...જો માણસો વચ્ચે પ્રેમ હશે તો તેને કોઈ જાતિ, કોઈ ધર્મ આડો નહિ આવે....અને જ્યારે એ પ્રેમ , લાગણી ઉદ્દભવશે ત્યારે જ આ ખૂન ખરબાઓ બંધ થશે...)
                           
                              સંપૂર્ણ