રેશમ

“ ચોટ લાગી ત્યારે સમજાયું, દુનીયા ઘણી કઠોર છે,

કરવું શું હવે, સમય જ તેનો વિકલ્પ છે..”

રેશમ.

 

“ હાય...કેટલો હેન્ડસમ છોકરો છે..! “ એક આહ ફંગોળાઇ હવામાં.

“ કોણ..? “

“ અરે પેલો, ત્યાં બુલેટ પાસે ઉભો છે એ..”

રેશમે એ દિશામાં નજર નાંખી. કોલેજ પ્રાંગણનાં પાર્કિંગ એરીયામાં ઉભેલા એક યુવાન સુધી તેની નજર જઇને અટકી, અને તરત તેણે પોતાનો ફેંસલો સંભળાવી દીધો..

                       “ મને મુંછો વાળા છોકરાઓ બીલકુલ પસંદ નથી..” મલમલનાં તાકામાંથી સંભાળ પૂર્વક ફાડેલા ટૂકડા જેવી રેશમ બોલી ઉઠી..અને પછી કંઇક ગર્વથી, કંઇક તિરસ્કારથી મોઢુ મચકોડ્યું. રેશમનાં એ વાક્યે ગ્રૃપમાં ખળભળાટ મચાવી મુકયો. વિક્રમ બુલેટ પાસે ઉભો હતો તેણે પણ આ શબ્દો સાંભળ્યા હતા અને તે સમજી ચૂકયો હતો કે ઇશારો કોની તરફ છે. તેની પાસે હવે કોઇ વિકલ્પ બચતો નહોતો. તે ત્યાંથી ઉભો થયો અને કોલેજનાં ક્લાસરુમ તરફ ચાલ્યો ગયો. તેને રેશમનો એ કટાક્ષ હાડોહાડ લાગી આવ્યો હતો પરંતુ તે ચૂપ રહ્યો.

                                કોલેજનાં પ્રથમ વર્ષમાં એડમીશન પામેલાં એ પ્રથમ બેચનું નવું જ બનેલું તરોતાજા ગ્રૃપ હતું. માં નાં ગર્ભમાં જેમ પીંડ બંધાય એમ હજુ તો એ ગ્રૃપનું પીંડ બંધાવાની શરૂઆત જ થઇ હતી કે તેમાં રેશમનાં વર્તનનાં કારણે તીરાડો પડી ગઇ. વાંક જો કે કોઇનો નહોતો, હજુ તો તાજી-તાજી ઓળખાણો થઇ હતી. કોનો સ્વભાવ કેવો છે એ તાગ મેળવતા અને એકબીજાને સમજવામાં સમય લાગવો સ્વાભાવીક હતું. છતાં, જુવાન હૈયાઓને એકબીજાથી નજીક આવવાની મોસમ મહેકે એ પહેલાં અચાનક એ રંગમાં ભંગ પડયો હતો. ત્રણ છોકરીઓ અને બે છોકરાઓનું બનવા લાયક ગ્રૃપ એક ઝટકે ટૂટી પડયુ.

                                એ છોકરીઓમાં રેશમ તેનાં નામ પ્રમાણે ખરેખર રેશમની બનેલી હતી. ગોરી ત્વચામાં જાણે ગુલાલ ઘોળેલો હતો. શરીરમાં ફૂટેલા જવાનીનાં કુંપળોએ ચો-તરફ તેનો જાદૂ વિખેરવો શરૂ કર્યો હતો. ટૂંકા સમયમાં તો રેશમ કોલેજનાં તમામ જૂવાનીયાઓનાં હદયમાંથી નિકળતી આહ બની ગઇ હતી. રેશમની આંખોથી ઘાયલ થયેલા યુવાનોમાં વિક્રમ પણ શામેલ હતો..અને જ્યારે રેશમ તેનાં નવાં ઉભરતા ગ્રૃપમાં આવી ચડી ત્યારે તેને તો જાણે કોઇ લોટરી લાગી હોય એવું લાગ્યુ હતું. ટૂંકી ઓળખાણમાં બીજુ તો શું થઇ શકે...બસ, આંખો દ્વારા દુરથી જ રેશમનાં રૂપને તે પોતાની અંદર ઉતારતો રહયો. પરંતુ, રૂપમાં જ્યારે એ રૂપનો અહંકાર ભળ્યો ત્યારે વિક્રમે એ ગ્રૃપ છોડી દીધુ.

                                   તે દિવસે વાત ત્યાંજ પતી ગઇ કારણકે એ બનાવ બાદ રેશમે ક્યારેય વિક્રમ સામું જોયુ નહોતું, અને વીક્રમ પણ પછી ક્યારેય એ ગર્વિલા રૂપ આડે ઉતર્યો નહોતો. એક બનવા લાયક ગ્રૃપ બનતા પહેલા જ વિખેરાઇ ગયુ અને ફરી પાછા નવા મિત્રો સાથે બધા પોત-પોતાની રીતે ગોઠવાતા ગયા. તે દિવસે તો વિક્રમને પોતાનું અપમાન હાડોહાડ લાગી આવ્યુ હતુ પણ તે ક્ષત્રીયનો દિકરો હતો. તેને ખબર હતી કે સુંદરતા સાથે ક્યારેય વેર બંધાય નહી, તેને તો પોતાના ઢોલીયાની શાન બનાવાય. તેણે પોતાની અણીયાલી મુછો પર રૂઆબથી હાથ ફેરવ્યો હતો અને એવા કોઇ સમયની રાહ જોવા લાગ્યો હતો.

                               એ સમય બહુ ટૂંકમાં જ આવ્યો. એક દિવસ કોલેજ છૂટયા બાદ રેશમ પોતાની એકટીવા પર ઘર તરફ જઇ રહી હતી. તેની પાછળ તેની જ કોલેજનાં અલેલટપ્પુ જેવા ચાર ભરાડી યુવાનો બે બાઇક પર રેશમનો પીછો કરી રહયા હતા. મોટે-મોટેથી ગીતો ગાતા અને સીટીઓ વગાડતા એ યુવાનો રેશમને પોતાની હાજરીની નોંધ લેવા મજબુર કરતા હતાં. રૂપ હોય ત્યાં ભમરાઓ ગુંજરાવ કરવાનાં જ, એ ન્યાયે રેશમે પણ ઘણા દિવસોથી પોતાનો પીછો કરી રહેલા એ યુવાનો પ્રત્યે દુર્લક્ષ સેવ્યુ હતું, પરંતુ આજે તે એવુ ન કરી શકી. ભયાનક ગુસ્સાથી ચાલુ એકટીવાએ જ તેણે પાછળ ફરીને જોયુ. તેને એમ હતું કે કદાચ એ યુવાનો તેનાં ગુસ્સાની આગ જીરવી નહી શકે અને ત્યાંથી પલાયન થઇ જશે. પરંતુ...પાછળ ફરીને જોવામાં તેનું ખુદનું જ સંતુલન ખોરવાયુ અને હજુ કંઇ સમજે, ગાડીનું હેંડલ સંભાળે એ પહેલા તો ગાડી સ્લીપ થઇ ગઇ અને તે રસ્તા પર ગાડી સમેત ખાબકી. ગનીમત હતું કે ગાડીની સ્પીડ ધીમી હતી અને તેણે હેલ્મેટ પહેર્યુ હતું.

                                  રેશમ પડી એટલે તેનો પીછો કરતા યુવાનો ફટાફટ પોતાની બાઇકોને સાઇડમાં લઇ ઘડાઘડ કરતા નીચે ઉતરી રેશમની નજીક પહોચ્યા. તેઓનાં માટે હીરો બનવાનો આ સુવર્ણ મોકો હતો. રેશમની હેલ્પ કરવાના બહાને એકે રેશમનો કોમળ હાથ પકડયો. તેને ઉભી કરવા નહી પરંતુ એ હાથ કેટલો કોમળ છે એ ચકાસવા...બીજાએ વળી રેશમની કમરમાં હાથ નાંખવાની પેરવી કરી. ત્રીજો તો આંખો ફાડીને રેશમનાં ગળા ઉપરથી સરકીને નીચે પડેલા દુપટ્ટાનાં કારણે સાવ અનાવૃત થયેલી તેની ગળા નીચેની સુંવાળી ત્વચાને લોલુપ નજરે જોવા લાગ્યો.  અને ચોથાએ જેવો તેનો હાથ રેશમનાં ઘાટીલા શરીરને પોતાની બાંહો સમાવવા લંબાવ્યો જ હતો કે અચાનક એ સુમસાન રસ્તા ઉપર બુલેટની ઘરઘરાટી ગુંજી ઉઠી. ચારેય યુવાનોએ ચોંકીને અવાજની દિશામાં જોયુ.

                            તે વિક્રમ હતો. પોતાની બુલેટ મોટર-સાઇક ઉપર પોતાના ઘર તરફ જઇ રહયો હતો. તેણે દુરથી જ સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી લીધો હતો કે ચાર લફંગા યુવકો કોઇ યુવતીની છેડતી કરી રહયા છે. તેને એ ખ્યાલ નહોતો કે એ યુવતી બીજી કોઇ નહી પરંતુ રેશમ છે. તેનું ક્ષત્રીય લોહી એ તમાશો જોઇને ઉકળી ઉઠયું. તેણે બુલેટની ગતી તેજ કરી અને એ યુવકોનાં પગ પાસે, એકદમ નજીક જઇને જોરદાર બ્રેક મારી, જાણે તેમની ઉપર બુલેટ ચઢાવી દેવાનો હોય એવી રીતે. ગભરાઇને એ ચારેય યુવાનો રેશમને છોડીને પાછળ હટી ગયા. વિક્રમ રૂઆબથી બુલેટનું સાઇડ સ્ટન્ડ ચડાવી નીચે ઉતર્યો..અને જાણે એ યુવાનોને ખૂલ્લી ચેલેંન્જ ફેંકતો હોય એમ તેણે પોતાની ભરાવદાર મુછો પર હાથ ફેરવ્યો. હજુ સુધી તેનું ધ્યાન એ યુવતી તરફ નહોતું ગયુ.

                             પેલા ચારેય યુવાનો હક્કાબક્કા થઇને વિક્રમને જોઇ રહ્યા. તેમની બધી મર્દાનગી તો વિક્રમનાં વિકરાળ તેવર જોઇને જ ઉડન-છૂ થઇ ગઇ હતી. બુલેટ મોટર-સાઇકલ, તાકતથી ભરપુર શરીર, ગજબનાં આત્મવિશ્વાસથી તરબતર સખ્ત ચહેરો અને..એ ચહેરાને વધુ ખતરનાક બનાવતી ભરાવદાર મુછો. વિક્રમ કોઇ પોલીસ અફસર જેવો દેખાતો હતો. એ ચારેય યુવાનો ડરીને ફટાફટ પોતાની મોટર-સાઇકલો સ્ટાર્ટ કરી ઉભી પુંછડીએ ત્યાંથી ભાગ્યા. વિક્રમે હાથ ખંખેરતા એ યુવતી તરફ જોયું.  રેશમને અહીં જોઇને હવે ચોંકવાનો વારો તેનો હતો. તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે રેશમ તેને આ પરિસ્થિતીમાં મળશે.

                   અને રેશમ...! જીવનમાં આજે પહેલીવાર તેને મુછો વાળો એક યુવાન ગમવા લાગ્યો હતો.

( સમાપ્ત )

પ્રવિણ પીઠડીયા.

૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ.

Praveen Pithadiya  ફેસબુક.

***

Rate & Review

Verified icon

Tiku 2 weeks ago

Verified icon

Mp Mpnanda 4 weeks ago

Verified icon

purshotam patel 2 months ago

Verified icon

Lata Suthar 3 months ago

Verified icon

Sumitra parmar 3 months ago