હેશટેગ લવ - ભાગ - ૨૪

"હેશટેગ લવ" ભાગ-૨૪
મુંબઈ છોડીને હવે પાછા પોતાના વતન નડીઆદમાં જીવનની શરૂઆત કરવા લાગી. થોડા દિવસ ઘરમાં બધાની ચહલ પહલ વધુ રહી. મારી ખબર કાઢવા માટે. જેને જેને મારા અકસ્માત વિશે જાણ્યું તે સૌ કોઈ મને જોવા માટે આવતું. દરેકનો એક જ પ્રશ્ન "કેમ કરી આમ થયું ?" જવાબમાં હૃદયની અંદર એક ટેપ કરી રાખેલી કેસેટની જેમ જ હું, મમ્મી કે પપ્પા બધાને એક જ સરખા જવાબ આપી દેતા. અને છેલ્લે જતી વેળાએ એમના નિસાસા ભર્યા શબ્દો સાંભળી મમ્મી અને હું રડતાં પણ ખરા. 
બે મહિના જેવો સમય વીત્યો. હવે કોઈ ખાસ આવતું નહોતું. પપ્પા પણ રોજ સવારે બેંક ચાલ્યા જતાં. હું અને મમ્મી જ આખો દિવસ ઘરમાં એકલા. મમ્મી પોતાનું કામ પડતું મૂકીને પણ મારી પાસે બેસી રહેતી. નડીઆદમાં કોઈ ખાસ મિત્રો હતી નહિ એટલે મમ્મી જ મારી એક સારી દોસ્ત બની ગઈ. પરંતુ અજય માટેનો ગુસ્સો, દિલમાં દબાવી રાખેલી એ વાતો ના મમ્મી આગળ ઠાલવી શકી. ના બીજા કોઈ આગળ. એ બધી વાતો મેં મારા દિલના જ કોઈ ખૂણામાં દફન કરી લીધી. હા, હજુ એ વાતો ડાયરીના પાનામાં કંડારેલી હતી. પણ એને મેં સુરક્ષિત મારા કબાટમાં રાખી લીધી. એક સમય તો એમ પણ થઈ ગયું કે એ ડાયરીને ફેંકી દઉં કે સળગાવી દઉં. પણ કોણ જાણે કેમ એ હું કરી જ ના શકી. ક્યારેક સમય ના મળ્યો. તો ક્યારેક ફેંકતા પણ કોઈના હાથમાં લાગી જવાનો ડર લાગ્યો. એટલે એ ડાયરી હજુ પણ મારા કબાટમાં સાચવીને મૂકી જ રાખી. 
અકસ્માત પછીની ઘટનાને પણ મારે ડાયરીમાં લખવી હતી. પણ મમ્મી પાસે હોવાના કારણે હું લખી નહોતી શકતી. ધીમે ધીમે વ્હીલચેરમાં બેસી મમ્મીને કામમાં મદદ પણ કરવા લાગતી. મમ્મી મને ના કહેતી. પણ પરિસ્થિતિને મેં સ્વીકારી લીધી હતી. રડીને, હારીને બેસી રહેવાનો હવે કોઈ મતલબ નહોતો. એટલે નાના મોટા કામ જે મારાથી થઈ શકતા તે હવે હું જાતે જ કરવા લાગી હતી. રૂમમાં એકલા બેસી ડાયરી પણ લખતી.
દિવસો પસાર થતાં ગયા. મમ્મી સાથે પણ હવે કેટલી વાતો થઈ શકે ? પપ્પા રવિવારના દિવસે ઘરે હોય, ત્યારે એમની સાથે બહાર નીકળવાનું મળતું. શોભના અને મેઘના પણ ક્યારેક ફોન કરતાં. બહુ લાંબી વાતો તો એમની સાથે ના થતી પણ હોસ્ટેલના હાલચાલ પૂછી લેતી. 
પપ્પાએ એક દિવસ મને આગળ ભણવા માટે પૂછ્યું. મેં એ બાબતે નક્કી કરી જ રાખ્યું હતું. આગળ ભણવાની હવે મારી કોઈ ઈચ્છા નહોતી. મારા પગ ઉપર ઊભા રહેવા માટે હું મુંબઈ ગઈ હતી. પરંતુ હવે મારા પગ જ રહ્યા નહોતા. આગળ ભણીને પણ હવે કોઈ મતલબ નહોતો. માટે પપ્પાને મારો આગળ ના ભણવાનો નિર્ણય મેં જણાવી દીધો. આખો દિવસ ઘરમાં એકલા બેસીને હું કંટાળતી હતી. એ પપ્પા સારી રીતે સમજતાં. અને એટલે જ તે આગળ ભણવા વિશે મને પૂછતાં. પણ મારો નિર્ણય જાણી આગળ શું કરવું તેના વિશે પપ્પા ચિંતિત હતા. એક દિવસ પપ્પાના એક મિત્ર મારા ઘરે આવ્યા. એમને મને પુસ્તકો વાંચવાની સલાહ આપી. મને એમની વાત ગમી. પપ્પા પાસે વાંચન માટે પુસ્તકો મંગાવ્યા. પપ્પા કેટલીક વાર્તાઓ અને નવલકથાના પુસ્તકો લઈ આવ્યા. એક પછી એક પુસ્તક મેં વાંચવાની શરૂઆત કરી. મને એમાં રસ પણ પડવા લાગ્યો. સમય પણ હવે વાંચવામાં બહુ સારી રીતે પસાર થઈ જતો. 
વાંચનના કારણે મારા વિચારો ઘડાવવા લાગ્યા. કેટલીક સારી બાબતો ડાયરીમાં નોંધ પણ કરી લેતી. ક્યારેક મારી જૂની ડાયરીને વાંચી મારી ભૂલો ઉપર રડી પણ લેતી. પણ પુસ્તકોએ મને વાચા આપી. ધીમે ધીમે મેં નાની વાર્તાઓ લખવાની શરૂઆત કરી. મારા વાંચવાના રસના કારણે પપ્પાએ કેટલાક મેગેઝીનના લવાજમ પણ ભરતાં. રોજના અલગ અલગ ન્યુઝ પેપર પણ ઘરે આવતા. મારી લખેલી વાર્તા હું મેગેઝીનમાં મોકલતી. ઉત્સાહભેર જોતી પણ ખરી "મારી વાર્તા મેગેઝીનમાં આવી છે કે નહીં ?" પણ મેગેઝીનમાં વાર્તા ના જોઈને દુઃખ પણ થતું. પરંતુ હજુ વધુ સારું લખીશ એમ નક્કી કરી અને લખ્યા કરતી. એક દિવસ મારી એક વાર્તા મેગેઝીનમાં પ્રકાશિત થઈ. એ દિવસે મારી ખુશીનો પાર ના રહ્યો. વ્હીલચેર પોતાની જાતે જ ધકેલી મમ્મીને રસોડામાં બતાવવા માટે ગઈ. પપ્પા પણ સાંજે આવ્યા ત્યારે એમને બતાવી. એ બંને ખૂબ જ ખુશ થયા. એ વાર્તા પ્રકાશિત થયા બાદ કેટલાયના શુભેચ્છા પત્રો ઘરે આવ્યા. કેટલાય સૂચનો પણ એ પત્રોમાં આપતાં. મેગેઝીનમાં લખતાં કેટલાક જૂના અને ખ્યાતનામ લેખકોના પત્રો પણ આવ્યા. વાંચીને ઘણી જ ખુશી મળતી. ધીમે ધીમે એક પછી એક વાર્તાઓ મેગેઝીનમાં પ્રકાશિત થવા લાગી. જેના કારણે કેટલાક સંમેલનો હાજરી આપવા માટેના પત્રો પણ ઘરે આવતાં. પરંતુ મારી આવી હાલતના કારણે હું ક્યાંય જઈ શકવા માટે સક્ષમ નહોતી.
કૉલેજના વેકેશન વખતે મેઘના અમદાવાદ જતાં પહેલાં મારા ઘરે મને મળવા માટે આવી. શોભનાને પણ તેને કહ્યું હતું. પરંતુ શોભનાના ઘરે એક નાનો પ્રસંગ હોવાના કારણે તેનું ત્યાં રહેવું જરૂરી હતું. મેઘના મને મળીને નીકળવાનું કહેતી હતી. પણ એ દિવસે મેં એને મારા ઘરે જ રોકી લીધી. રાત્રે મોડા સુધી અમે બંને મારી રૂમમાં બેઠા. મારી વાર્તાઓ, વાચકોના આવેલા પત્રો મેં એને બતાવ્યા. મારી વાર્તાઓ મેગેઝીનમાં આવતી જોઈ મેઘના ખૂબ જ ખુશ થઈ. એક બે વાર્તાઓ એને વાંચી પણ ખરી. મારી વાર્તામાં મેં એક વાર્તા અજય જેવા લંપટ પુરુષ ઉપર લખી હતી. એ વાર્તા મેગેઝીનમાં પણ પ્રકાશિત થઈ હતી. મેઘનાએ જ્યારે એ વાર્તા વાંચી તેને તરત અરુણ ઉર્ફે અજય યાદ આવી ગયો. તેના દ્વારા જાણવા મળ્યું કે અજયને પેરાલીસીસ થઈ ગયો છે. શોભના અને મેઘના એક દિવસ કોઈ કામ માટે હોસ્પિટલ ગયા હતાં. ત્યાં એ બંનેએ અજયને વ્હીલચેરમાં પેરાલીસીસ થયેલી હાલતમાં જોયો હતો. મેઘનાએ જ્યારે આ વાત કરી ત્યારે ક્ષણવાર માટે દિલમાં દુઃખ પણ થયું. પણ પછી પોતાની જાતે જ વિચારવા લાગી કે "એને એના કર્મોની સજા મળી છે. મારી જેમ કેટલીય છોકરીઓના જીવન એને બરબાદ કર્યા હશે. ભલે હું કે બીજી કોઈ છોકરી કઈ નહિ કરી શકી હોય. પણ ઈશ્વરે એને એના કર્મોની સજા જ આપી છે. આ જન્મમાં કરેલું આ જન્મમાં જ ભોગવવાનું હોય છે." 
મોડા સુધી હું અને મેઘના કૉલેજના દિવસોને યાદ કરી વાતો કરતાં રહ્યાં. સવારે મેઘનાને પપ્પા સ્ટેશન છોડી આવ્યા. મેઘના સાથે સમય ખૂબ જલ્દી પસાર થઈ ગયો. એ હજુ વધુ રોકાઈ હોત તો મને વધુ ગમતું. પરંતુ એને ફરી કોઈવાર આવશે એમ જણાવ્યું. મેઘનાના ગયા બાદ અજય ઉપર મને દયા આવવા લાગી. મેં તો માત્ર મારા પગ જ ખોયા હતાં. પણ એનું તો શરીર જ હવે નબળું પડી ગયું. પેરાલિસિસના કારણે તેના હાથ અને પગ બન્ને કામ નહીં કરતાં હોય. મનમાં તો એમ પણ થઈ ગયું કે કદાચ હું એને સામે જઈ અને કહી શકતી : 'જો તારા આ કુકર્મોની સજા જ તને ભગવાને આપી છે.' પરંતુ એમ ક્યારેય થઈ શકવાનું નહોતું 
મને લખતા જોઈને પપ્પાએ ઘરે કમ્પ્યુટર પણ લાવી આપ્યું. મારી વાર્તાઓ હવે હું ટાઈપ પણ કરતી. ધીમે ધીમે સોશિયલ મીડિયા સાથે જોડાવવાનું થયું. મારી વાર્તાઓ હું પોસ્ટ કરતી થઈ. ઓનલાઈન ઘણાં લોકોના પ્રતિભાવ મળતાં. કેટલીય વ્યક્તિઓ મને મળવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરતી. પણ ના હું કોઈને મળતી. ના કોઈને મારા વિશે કઈ જણાવતી. ઓનલાઇન પણ મને ઘણું સારું વાંચવા મળી રહેતું. ઓનલાઈન આવ્યા બાદ હું કવિતા પણ લખવા લાગી. છંદ વિશે જાણીને ગઝલો પણ લખતી થઈ. ઓનલાઈન જ મારા હજારો વાચકો થવા લાગ્યા. મારી વાર્તા, કવિતાની પ્રસંશા અને પ્રતીક્ષા બન્ને કરતાં. કેટલાક પ્રકાશકોએ મારી વાર્તાઓ અને કવિતાઓ વાંચી મને પુસ્તક બનાવવા વિશે પત્રો લખ્યાં. મારો પહેલો વાર્તા સંગ્રહ જ્યારે બહાર આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ. પપ્પા મમ્મી પણ મારી પ્રસિદ્ધિથી ખૂબ જ ખુશ હતાં.  મને પણ મારા પગ ના હોવાનો અફસોસ હવે ઓછો થતો હતો. હા, હું બહાર ક્યાંય હવે જઈ નહોતી શકતી. ઘરની ચાર દીવાલો જ મારું સર્વસ્વ બની ગયું હતું. પણ વાંચન દ્વારા હું ઘરની બહારની દુનિયાને અનુભવી શકતી હતી. મારી વાર્તાઓમાં, મારી કવિતાઓમાં મારા અનુભવો, મેં ના જોયેલી દુનિયાનું, મારા દુઃખોનું વર્ણન હું બહુ સારી પેઠે કરી શકતી હતી. વાર્તાઓની સાથે મેં સાપ્તાહિક નવલકથા પણ લખવાની શરૂ કરી. મારી નવલકથાને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. મારા વાર્તા સંગ્રહો, કાવ્ય સંગ્રહો પુસ્તક સ્વરૂપે બજારમાં ફરવા લાગ્યા. લોકો વાંચીને તેના પ્રતિભાવ પત્રરૂપે કે ઇ-મેઈલ દ્વારા મોકલતાં. સોશિયલ મીડિયામાં પણ કોમેન્ટ દ્વારા પોતાના પ્રતિભાવ આપવા લાગ્યા. 
મારી પહેલી નવલકથા "તારી જ રાહમાં" ખૂબ જ પ્રચલિત થઈ. ઘણાં પુરસ્કારો એ નવલકથાને મળ્યા. પણ કોઈ પુરસ્કાર સમારંભમાં હું હાજર ના રહી શકી. મારુ નામ ધીમે ધીમે મોટું થવા લાગ્યું. કાવ્યા દેસાઈ એક લેખિકા તરીકે વાચકોના દિલમાં પોતાનું આગવું સ્થાન કરવા લાગી. પણ મારા વાચકોને મારા નામ સિવાય બીજી કંઈજ ખબર નહોતી.
 મારી પ્રસિદ્ધિથી મારી સાથે જોડાયેલા લોકો ખૂબ જ ખુશ હતાં. પણ મારા ભવિષ્યની ચિંતા કરતાં મારા મા બાપ દુઃખી થતા હતાં. દરેક મા-બાપની ઈચ્છા પોતાની દીકરીને સાસરે વળવવાની હોય છે. પણ એ સુખ એ મને નહોતા આપી શકવાના. મેં તો ક્યારેય એ વિષય ઉપર વિચાર્યું જ નહોતું. પણ મમ્મી પપ્પા જ્યારે નહીં હોય ત્યારે મારુ શું થશે ? એમ વિચારીને એ દુઃખી થતા.
મારા અસંખ્ય વાચકો હતાં. ઘણાં વાચકોની કોમેન્ટ, ઇ મેઈલ, પત્રો આવતાં. પણ હજુ કોઈ સાથે અંગત મિત્રતા નહોતી થઈ. કારણ કે હું જ કોઈ સાથે મિત્રતા આગળ વધારવા નહોતી માંગતી. ના હું કોઈને મળી શકવાની છું, ના કોઈ મારી હાલતને સમજી શકવાનું છે. જે પણ મારા વિશે જાણશે એ મને આશ્વાસન સિવાય બીજું કંઈજ નહોતું આપવાનું.  આ આશ્વાસન અને દયાથી હું હવે થાકી ગઈ હતી. મારા મનોબળને ઘણીવાર કેટલાયની દયા તોડી નાખતી હતી. માટે મેં કોઈની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ આગળ વધારવો જ નહીં એમ નક્કી કરી લીધું હતું. કેટલાય ને તો એમ લાગતું કે હું ઘમંડી છું. અને એટલે જ એમની સાથે વાત નથી કરતી. પણ એ એમની રીતે સાચા હતાં. મારુ કોઈ સાથે વાત ના કરવું એ મારું ઘમંડ નહિ પણ મારી મજબૂરી હતી. એ હું કોઈને ક્યારેય સમજાવી જ નહોતી શકવાની માટે એમને એમની જગ્યા ઉપર સાચા છે એમ માની હું મારા લખવામાં જ ધ્યાન વધુ આપતી. રાત્રે પણ મોડા સુધી લખી શકાય એ માટે મેં લેપટોપ પણ ખરીદી લીધું હતું.
મારી નવલકથા, વાર્તાઓ, કવિતાઓનો એક વાચક હતો. એનું નામ નીરજ હતું. એ શરૂઆતથી જ મને અનુસરતો. જ્યાં મારી પોસ્ટ હોય ત્યાં એની કોમેન્ટ હોય. કેટલીયવાર ઇ મેઈલ દ્વારા પણ એને મને સંપર્ક કર્યો. પણ ક્યારેય મેં એની વાતનો જવાબ ના આપ્યો. હું એને મારા એકમાત્ર વાચકના રૂપમાં જ જોતી આવતી હતી. પણ સતત ચાર વર્ષ સુધી એની કોમેન્ટ આવતી. ઇ મેઈલ આવતા રહ્યાં. એક દિવસ મેં એને એના ઇ મેઇલનો જવાબ માત્ર આભાર વ્યક્ત કરવા માટે આપ્યો. એને પણ મારા શબ્દોના વખાણ કર્યા. મારા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી પણ હું એને કઈ જણાવી ના શકી. 
થોડા દિવસ બાદ એનો એક ઇ-મેઈલ હતો...
"તમે ખૂબ જ સરસ લખો છો. જાણે પોતાની જ વાત કરતાં હોય એમ લાગે છે. હું છેલ્લા ચાર વર્ષથી તમને વાંચી રહ્યો છું. પણ તમારા નામ સિવાય મને બીજી કંઈજ ખબર નથી. સાચું કહું તો તમારા નામ સાથે જ મને એક તરફી પ્રેમ થઈ ગયો છે. તમે કોણ છો ? કેવા દેખાવ છો ? શું કરો છો ? એનાથી મને કોઈ મતલબ જ નથી. પણ તમારી વાર્તાઓમાં, તમારી કવિતાઓમાં ઉભરતાં દર્દને હું મારું સમજી બેઠો છું. મારા જીવનમાં આજ સુધી કોઈ વ્યક્તિને મેં પ્રેમ કર્યો નથી. પણ જયારેથી તમને વાંચતો થયો છું ત્યારથી તમારી અને તમારા શબ્દો સાથે હું લાગણીથી જોડાઈ ગયો છું. મારી આ વાત તમને કદાચ ના પણ ગમે. કદાચ તમે પરણિત પણ હોઈ શકો. કે પછી તમારા જીવનમાં કોઈ હોઈ પણ શકે. એ કંઈજ જાણ્યા વગર હું મારી વાત તમારી સામે લઈને આવી ગયો. જો એમ કઈ હોય તો મારી ભૂલ સમજી તમે મને માફ કરજો. જો તમે તમારા જીવનમાં આગળ વધી ગયા હોય તો હું ક્યારેય તમને સંપર્ક નહિ કરું. બસ મારે તમારા વિશે જાણવું છે. પ્લીઝ મને તમારા વિશે જણાવો. તમને એક તરફી ઘણાં વર્ષોથી પ્રેમ કરતો આવ્યો છું. પણ આજે હું મારી જાતને રોકી ના શક્યો મારા પ્રેમનો ઇજહાર કરતાં. મારી આ ભૂલ માટે હું આપની માફી માંગુ છું. પરંતુ મને તમારા વિશે જણાવશો એજ ઈચ્છા રાખું છું. હું તમારા જવાબની રાહ જોઈશ.
લી. નીરજ. શાહ

નીરજનો એ ઇ મેઈલ જોઈ ને એને કોઈ જવાબ આપવાનું મન ન થયું. મેઈલ વાંચી તરત લેપટોપ બંધ કરી દીધું. પણ રાત્રે તેના વિચારો મનમાં દોડ્યા કર્યા. "એ વ્યક્તિ જેને મેં આજ સુધી જોઈ પણ નથી, ના એને મને ક્યારેય જોઈ છે. છતાં મને પ્રેમ કરે છે. અજય સાથે જે બન્યું તેનું પરિણામ આજે પણ હું ભોગવી રહી છું. પણ નિરજને મેં જવાબ નથી આપ્યો, એ મને એક તરફી પ્રેમ કરે છે. એ કદાચ મારી આશાએ જ બેસી રહેશે તો ?" આ વિચારે હું બેઠી થઈ ગઈ. બાજુમાં પડેલું લેપટોપ લઈ નીરજને જવાબ આપવાનું વિચાર્યું. પણ જવાબમાં શું કહીશ એજ વિચારે મન પાછું બેસી ગયું. "મારી હકીકત એને જણાવી દેવી કે ખોટું બોલી દેવું ?" શું કરવું મને કંઈ સમજાઈ રહ્યું નહોતું. ઘણાં મનોમંથન બાદ નક્કી કર્યું કે નીરજને મારી સાચી હકીકત જ જણાવી દેવી. કોઈને અંધારામાં રાખવાનું મારુ દિલ મને ના કહી રહ્યું હતું. રાત્રીના બે વાગવા આવ્યા હતા. મેં એને ઇ મેઇલમાં મારા વિશેની હકીકત ટૂંકમાં જણાવી દીધી. એના જવાબની રાહ જોયા વગર જ લેપટોપ બંધ કરી સુઈ ગઈ. 

(કોણ હશે આ નીરજ ? કાવ્યાની હકીકતની જાણ થતાં નીરજ શું જવાબ આપશે ? શું નીરજ કાવ્યાને અપનાવશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" નો આગળનો ભાગ.)

લે. નીરવ પટેલ "શ્યામ"

***

Rate & Review

Verified icon

Aarti Dharsandia 3 weeks ago

Verified icon

Pandav Reeta 6 months ago

Verified icon

Pooja Shah 7 months ago

Verified icon

Krupa Dave 7 months ago

Verified icon

Dimple Gor Solia 7 months ago