Ravivaar books and stories free download online pdf in Gujarati

રવિવાર

સવારે ઉઠતાની સાથે જ આજે આરતી ના ચહેરા પર સ્મિત હતું...રોજ કરતા આજે જરા વહેલી જ ઉઠી ગયી હતી...અને ઉઠે પણ કેમ નહિ...પુરા 6 દિવસ ના ઇંતજાર પછી જ તો એ રવિવાર આવતો હતો...આરતી નો પતિ ચિરાગ એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતો...એટલે જવાબદારીઓ પણ વધારે હતી..એટલે એ આરતી ને રવિવાર સિવાય સમય આપી નહોતા શકતો..અને આ વાત નો રંજ હંમેશા ચિરાગ ને રહેતો...પણ આરતી ચિરાગ ની પરિસ્થિતિ સમજતી એટલે એ આખું અઠવાડિયું બસ રવિવાર ની રાહ જોવામાં કાઢી નાખતી..

આરતી અને ચિરાગ ના લગ્ન રૂઢિગત રીતે જ થયા હતા...ચિરાગ જ્યારે આરતી ને જોવા ગયેલો ત્યારે એને આરતી પહેલી જ નજર માં ગમી ગયેલી..ચિરાગ નું ઘર આર્થિક રીતે સુખી સંપન હતું એટલે બીજી કોઈ ચિંતા કરવા જેવી ન હતી....આરતી અને ચિરાગ ને વાતચીત કરવા અલગ રૂમમાં મોકલ્યા ત્યારે ચિરાગ ની વર્તણુક થી આરતી પ્રભાવિત થઈ ગયેલી..ચિરાગ ખૂબ જ સમજુ અને વિવેકી છે એવું એના વર્તન પરથી જણાઈ આવતું..એટલે આરતીએ  ચિરાગ ને લગ્ન માટે હા પાડી દીધેલી..ધામધૂમથી ચિરાગ અને આરતી ના લગ્ન લેવાયા.અને આરતી નું સાસરી માં આગમન થયું..

ચિરાગ એના માતા પિતાનું એક માત્ર સંતાન હતો..એટલે ચિરાગને માથે જવાબદારીઓ ઘણી હતી.સમાજ ના વ્યવહાર પણ એને જ સાચવવા પડતા..અને એકનો એક દીકરો એટલે  એના માતાપિતા ની પણ એની પાસે ઘણી અપેક્ષાઓ હતી.એમાં હવે ચિરાગ ના લગ્ન બાદ આરતી ને ક્યાંય અન્યાય ન થાય એની પુરી કાળજી રાખવાનો ચિરાગ પ્રયત્ન કરતો.આમ ને આમ દિવસો પસાર થતા ગયા...આરતી એ વહુ તરીકે સમગ્ર ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી..અને એ કારણે જ આરતીના સાસુ સસરા એનાથી ખૂબ જ ખુશ હતા..પણ આરતી હમેશા ગુમસુમ જ રહેતી, કારણ ચિરાગ અને આરતી ને એકબીજા સાથે વ્યતીત કરી શકાય એવો સમય જ નહોતો મળતો..એક રવિવાર હોય ત્યારે ચિરાગ આરતી ને લઈને ક્યારેક 4 5 કલાક બહાર જઇ આવતો...અને આરતી એ 4 5 કલાક માં જાણે પોતાની આખી જિંદગી જીવી લેતી..અને બસ એ 4 5 કલાક ના સહારે જ આખું અઠવાડિયું પસાર કરી લેતી..

આજે પણ દર રવિવાર ની જેમ એને વહેલા ઉઠી ઘરનું બધું જ કામ પતાવી લીધું હતું...હવે આરતી નાહવા માટે રૂમ માં ગઈ એને જોયું કે ચિરાગ ઉઠી ચુક્યો હતો..એને આરતી ને રૂમ માં આવતા જોઈ અને રોમેન્ટિક અંદાજ માં પોતાના બન્ને હાથ આરતી ના ગળા પર વીંટાળી દીધા...આરતી શરમાઈ ગઈ અને બોલી

"છોડો મને ...મારે નહાવા જઉ છે અને પછી રસોઈ ની તૈયારી કરવાની છે" ને એટલું બોલી એ છટકી ગઈ.

બાથરૂમ તરફ જતા જતા બોલી

"હું નાહી લઉ પછી તમે પણ નાહી લેજો..ખબર છે ને આજે રવિવાર છે.."

"હા મારી આરુ મને ખબર છે આજે રવિવાર છે...તું જલ્દી જલ્દી કામ પતાવી લે પછી આપણે મુવી જોવા જઈશું.અને સાંજે બહાર ડિનર કરીને જ આવીશું.."

આરતી ચિરાગની વાત સાંભળી ખૂબ જ ખુશ થતી નહાવા જતી રહી..નાહીને એને રસોડામાં જઇ બપોરના જમવાની તૈયારી કરવાની શરૂ કરી દીધી...આજે ચિરાગ સાથે એ સમય પસાર કરી શકશે એ વિચારે એને ગાંડી કરી મૂકી હતી...એ બપોરે બરાબર જમી પણ ન શકી..ફટાફટ જમી ને ઘર નું કામકાજ પતાવી આરતી સીધી જ પોતાની રૂમ માં ચાલી ગઈ.
પોતાનો વોર્ડરોબ ખોલી ક્યાંય સુધી એના કપડાંની થપ્પીઓને નિહાળી રહી...આરતી હતી જ એટલી સુંદર કે એ કઈ પણ પહેરે એને શોભતું જ..પણ રવિવારે આરતી પોતાના કપડાના કલેક્શન હમેશાં એવું કંઈક શોધતી જે ચિરાગને એક જ નજર માં ગમી જાય..એને ખૂબ જ વિચાર્યા બાદ બ્લુ કલર ની કુરતી પર પસંદગી ઉતારી.બ્લુ ચિરાગનો ગમતો કલર હતો એ વાત ને ધ્યાન માં રાખીને જ એને કુર્તી પસંદ કરી હતી..ફટાફટ કપડાં બદલી એ ડ્રેસિંગ ટેબલ પાસે ગોઠવાઈ ગઈ...રોજ અરીસામાં જોયા વગર જ પોતાના વાળને મરોડી એક કસાયેલો અંબોડો બાંધતી આરતી આજે પોતાના ખુલ્લા વાળ સાથે અલગ અલગ હેર સ્ટાઇલ કરી રમી રહી હતી..કેટલી વાર સુધી મથ્યા બાદ ચિરાગને ગમે એવી આશા એ એને પોતાના વાળ એક સાઈડથી પિન અપ કરી બીજી સાઈડ ખુલ્લા છોડી દીધા...ત્યારબાદ તો કાજલ...આય લાઈનર....અને લિપસ્ટિક પર આરતી ની આંગળીઓ ફરતી રહી અને આરતી પોતાની ખૂબસૂરતી ને નિખારવાના બધા જ પ્રયત્ન કરી રહી હતી..સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ એને એક નજર અરીસા તરફ કરી...રૂપ રૂપ નો અંબાર સમી આરતી આજે જાણે અપ્સરા જેવી લાગી રહી હતી...આરતી ને શણગાર નો જાજો શોખ ન હતો એટલે એ રોજ ઘરમાં કોઈ જ શાજ શણગાર કરતી નહિ..પણ રવિવારે ચિરાગ્ માટે ચોક્કસ શાજ શણગાર કરતી..અને એમાં ક્યાંય કોઈ જ ચૂક ન રહી જાય એની ખાસ કાળજી લેતી..એક આખરી નજર અરીસા સામે કરી આગળ આવી ગયેલા વાળને કાનની પાછળ કરી આરતી મનોમન હસી ને વિચારી રહી હતી

"આજે ચોક્કસ ચિરાગ મને જોઈને ખુશ થઈ જશે"

આરતી તૈયાર થઈને રૂમની બહાર નીકળી જ રહી હતી કે સામે જ એને ચિરાગને ઉભેલો જોયો..આરતી થી અનાયાસે જ પુછાય ગયું

"કેવી લાગુ છું?"

ચિરાગનું સંપૂર્ણ ધ્યાન ફોનમાં હતું.કદાચ એને આરતી એ પુછેલો પ્રશ્ન સાંભળ્યો પણ નહીં હોય..ચિરાગ રૂમ માં પ્રવેશતા જ બોલી ઉઠયો

"આરતી મામા નો ફોન આવ્યો હતો..એમને એમના બિઝનેસ માટે એક જમીન જોવા જવાનું છે..મારી સલાહ માટે ફોન કર્યો હતો"

"હમ્મ" કહી આરતી ઉભી રહી

"સોરી આરતી પણ આજે આપને બહાર નહિ જઇ શકીએ..મારે મામા ની સાથે પ્લોટ જોવા જવું પડશે"આટલું બોલતા તો ચિરાગ સડસડાટ ઘરની બહાર નીકળી ગયો.

આરતી ત્યાં જ ઉભી ઉભી ચિરાગ ને જોતી રહી..એની આંખો ભરાઈ આવી..એને જોયેલા રવિવારના સપના જાણે વિખેરાઈ ગયા..એના આંખ નું કાજલ એના આંસુ સાથે વહી રહ્યું...એના હાસ્ય વગરનો એનો મેક અપ કરેલો ચહેરો ફિક્કો લાગવા લાગ્યો...એ પોતાના રૂમ તરફ જઈ ફરી એ જ અરીસા સામે પોતાની જાત ને નીરખી રહી...જો એ અરીસો ચહેરાની સાથે સાથે અંતરમન નું પણ પ્રતિબિંબ આપતો હોત તો ખબર પડેત કે આજે આરતી ના કોણ જાણે કેટલાય સપના તૂટ્યા હતા..એને ફરી એક નજર અરીસા તરફ કરી પોતાના કેટલીય મહેનત બાદ ગોઠવેલા વાળ ને કસીને એક અંબોડો વાળી દીધો..કપડાં બદલી એને પોતાના મેક અપ ની સાથે સાથે પોતાના દિવસ ભરના રવિવારને યાદગાર બનાવવાના વિચારો ને પણ ધોઈ નાખ્યા..પોતાના રડમસ ચહેરે એ બેડ પર પછડાઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી..રડતા રડતા ક્યારે એની આંખ લાગી ગઈ એને ખ્યાલ જ ન રહ્યો...ઉઠી ત્યારે સાંજ પડી ચુકી હતી..સફાળી બેઠી થઈ અને ફ્રેશ થઈ ને રૂમ ની બહાર નીકળી.એના સાસુ સસરા મંદિરે જઇ રહ્યા હતા..જતા જતા એના સાસુ બોલ્યા 

"આરતી બેટા ..અમે મંદિરે જઈએ છે..ત્યાં જ જમી ને આવીશું..ચિરાગ નો તમે સુતા હતા ત્યારે ફોન હતો કે એ પણ જમી ને જ આવશે..એટલે તમને જ ભાવે એ તમે તમારા માટે બનાવી લેજો.જય શ્રી કૃષ્ણ"

આરતી એ હકાર માં માથું ધુણાવ્યું..એમના ગયા પછી આરતી એ પોતાના માટે કોફી બનાવી ને હીંચકે જઇ બેસી ગઈ..ક્યાંય સુધી હીંચકે બેઠેલી આરતી સાવ સુન્ન થઈ ગઈ હતી..હજારો લાગણીઓનો પુરપાટ પ્રવાહ રોકીને એ સાવ શૂન્યમનસ્ક થઈ બેસી રહી હતી...એનો મનગમતો રવિવાર પૂર્ણાહૂતિ તરફ જઈ રહ્યો હતો...અને સાથે સાથે એને ચિરાગ સાથે સમય પસાર કરવાના અઢળક સપના પણ પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો..કોફીના ખાલી કપ ને પકડી ને બેસી રહેલી આરતી આજે જમી પણ નહીં..11 વાગી ગયા હતા પણ હજી ચિરાગ આવ્યો ન હતો..હવે આરતી ની રડેલી આંખો ચિરાગ્ ની રાહ જોઈ થાકી હતી..એટલે આરતી પોતાના રૂમ માં જઇ સુઈ ગઈ....

બીજા દિવસે સવારે ફરી એ નિત્યક્રમ...ફરી એ જ અઠવાડિયા ના 6 દિવસ પસાર કરવા...ફરી એક સુંદર રવિવારનો ઇંતજાર કરવા આરતી ઉઠી...અને પોતાના કામે લાગી ગઈ