Niyati - 20 books and stories free download online pdf in Gujarati

નિયતિ - ૨૦

દરવાજા ઉપર ડૉ. ક્ષિતિજા શાહના નામની તકતી જોઈ ક્રિષ્નાએ ટકોરા માર્યા,
 “ હું અંદર આવી શકું ?” સહેજ બારણું ખોલીને ક્રિષ્ના બોલી.

ક્ષિતિજા એના મોબાઈલમાં મેસેજ જોઈ રહી હતી કેબિનના બારણે ક્રિષ્નાને જોતા એને અંદર બોલાવી. 

“ થેક્સ ડૉક્ટર ! મારે પપ્પા વિશે પૂછવું હતું. આઈ મીન એમની જે હાલત છે અત્યારે, એ ઠીક તો થઈ જશેને ?”

“તું તારા પપ્પાની બહુ જ વહાલી દીકરી છે, હેને ?” ડોક્ટરે હસીને પૂછ્યું.  ક્રિષ્નાએ ડોકું ઘુણાવી હા કહી. “ હું પણ !”

“ તારા પપ્પાનું હાર્ટ હાલ તો સ્ટેબલ છે, રાત્રે એટેક આવી ગયો એ પછી ફરીથી નથી આવ્યો જે સારી બાબત છે. એમને લકવાની અસર છે જેમાં ધીરે ધીરે સુધારો આવશે. ઘણા પેશન્ટસને આવું થાય છે પછીથી દવા અને પ્રોપર ટ્રીટમેન્ટથી નેવું ટકા સુધી સુધારો આવી શકે છે. આ બધું દર્દીના મનોબળ પર આધાર રાખે છે. ફિજીઓથેરાપિસ્તની હેલ્પ જલદી પરિણામ આપે !"

“  મારી ફ્રેન્ડ છે જશમિતા એનું કામ હમણાં ખૂબ સારું ચાલી રહ્યું છે, હું તો કહીશ કે તારા પપ્પાને એની પાસે જ લઇજા. ”

“ ઓકે. જેમ તમે કહો એમ ! મને એમનો ફોન નંબર આપશો? "

“ સ્યોર ! લે એનું કાર્ડ છે મારી પાસે. ” ક્ષિતિજાએ ટેબલના ખાનામાંથી એક વીજીટિંગ કાર્ડ  નીકાળીને આપ્યું.

“ થેંક યું ! ” ક્રિષ્ના બહાર આવી.

પાર્થના ઘરવાળા પણ વાસુદેવભાઇની તબિયત પૂછવા આવી ગયા હતા. પાર્થે દર્દીના સગાઓને રોકાવા માટેનો એક વીઆઇપી રૂમ બુક કરાવી દીધો હતો.  ત્યાં અત્યારે પાર્થની મમ્મી, ભાભી અને બીજી કોઈ બે સ્ત્રીઓ જશોદાબેનને ચારે બાજુથી ઘેરીને ઊભી હતી. જશોદાબેન રડીને પોતાની ઉપર શું શું વિત્યું હતું એ જણાવે જતા હતાં. કોઈને સાંત્વના આપવાને બદલે એના જખ્મોને ખુરેદવાની આ રીત ક્રિષ્નાને જરાય ના ગમી. 

“ આલો ક્રિષ્ના પણ આવી ગઈ. ” પાર્થની ભાભી બોલી.

“ મારો તો જીવ કપાઈ જાય છે આ છોકરીનું મોઢું જોઈને, જોને કેવું ઉતરી ગયું છે ! રડી રડીને બિચારીની આંખો સૂજી ગઈ. ચૂપ થઇજા બેટા અમે બધા છીએને, ” પાર્થની મમ્મીએ ક્રિષ્નાના કોરા ગાલ એમના હાથથી એવી રીતે લૂછ્યા જાણે, એ આંસુથી ખરડાયેલા હોય. “ મારો પાર્થતો રાતનો અહી ને અહી જ છે, પૂરી રાતનો ઉજાગરો કર્યો. ખૂબ લાગણીશીલ છે મારો દીકરો, અદ્દલ મારા ઉપર ગયો છે.”

એ લોકોની ચર્ચા ચાલુ જ હતી. પાર્થ એના પપ્પા અને મોટાભાઈ સાથે વાસુદેવભાઇને જોઈને આવ્યા. પાર્થે એના ઘરેથી ચા નાસ્તો મંગાવેલ જે હજી એમાનોએમ પડેલો.

“ અરે તમે લોકોએ ચા ના લીધી.ક્રિષ્ના તે સવારનું કંઈ લીધું નથી. લે એક કપ ચા પી લે અને આંટી તમે પણ.” પાર્થે નાનકડા ટેબલ પર પડેલ થર્મોસ ઉઠાવી એમાંથી ચા કપમાં રેડી.

“અરે પાર્થભાઈ તમે શું કરવા કરો છો ? હું છું ને ! " એની ભાભીએ બંને કપ લઈને ક્રિષ્ના અને એની મમ્મીને આપ્યા.

“ આવા વખતે ખાવાપીવાનું ગળા નીચે ના ઉતરે પણ ખાધા વગર ચાલે કંઈ ! ” પાર્થની મમ્મીએ મોઢું બગાડીને પછી હસતા કહ્યું.

જશોદાબેન ચાનો કપ મોંઢે માંડવા  જ જતા હતા, એ રોકી લીધો. એમની આંખો ફરીથી ઉભરાઈ આવી. ક્રિષ્નાને આ બધા સામાજિક નાટકો પ્રત્યે ચીઢ ચડી. ચા પીવાની જરિકે ઈચ્છા ન હોવા છતાં એ આખો કપ એક જ ઘૂંટડે પી ગઈ. બધી સ્ત્રીઓ એને વિચિત્ર નજરથી જોઈ રહી. એ બધી બહાર નીકળી ત્યારે કોઈ બબડ્યું પણ ખરું, છોકરી બવ હિંમતવાળી છે, એની જગાએ હું હોવ તો તો મનેય બીજા રૂમમાં દાખલ કરવી પડી હોત !

“ પાર્થ તું પણ ઘરે જા અને મમ્મીને ઘરે મૂકતો જા પ્લીજ ! તમે બંને રાતના જાગો છો ઘરે જઈને ફ્રેશ થઈ આવો. હું છું અહીં. ” ક્રિષ્ના બોલી હતી.

થોડી આનાકાની બાદ બંને ઘરે ગયા હતા. ક્રિષ્નાએ ઘડિયાળ જોઈ, બાર વાગતા હતા. પપ્પાના રૂમની બહાર આંટો માર્યો. એ દવાની અસરથી સૂતા હતા. એણે પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો. મુરલીનો મિસ કોલ હતો. એણે સામે ફોન કર્યો.

“ તું સાથે આવી હોત તો એટલી મજા આવત ને કે વાત ન પૂછ ! વહેલી સવારે ઊંટીના જંગલોમાં બે પ્રેમી પંખીડા ફરતા હોય, આહાહા...! મોજ પડી જાય મોજ ! આજે થોડો વરસાદ છે અહીં અને વરસાદમાં મને તારા સિવાય બીજું કંઈ યાદ નથી આવતું ! મારી આસપાસ એટલા મોર એમના પંખ ફેલાવીને નાચી રહ્યાછે, એની ઢેલને રીઝવવા ! મને થાય કે જો તું મારી સાથે હોત તો હુએ આમ નાચવા માંડત, તને રીઝવવા ! ” મુરલી એની ધૂનમાંજ બોલે ગયો.

“ હલો મેડમ ! ક્યારનોય હું એકલો જ બક બક કરું છું તમે તો કંઈ કહો. ”

“ મુરલી હું અમદાવાદ આવી છું. ” ક્રિષ્ના ધીરેથી બોલી.

“ શું ? અમદાવાદ ? કાલે સાંજે તો હું તને તારા રૂમ પર મૂકી ગયેલો અને અત્યારે અમદાવાદ કેવી રીતે પહોંચી ગઈ ?”

“ પપ્પાની તબિયત બગડેલી એ હોસ્પિટલમાં છે અત્યારે, હું પણ,”

“ તબિયત બગડેલી એટલે ? તું મને બધી વાત કર. ”
ક્રિષ્નાએ એને બધી વાત કરી.

“ વેરી બેડ યાર ! પપ્પાને આવું ના થવું જોઈએ. હું આવી જાઉં ત્યાં ? જો કોઈ પણ જરૂર હોય જરાય મુંઝાતી નહીં, ઓકે ? ”

ક્યારનોય દિલ પર રાખેલો કાબૂ મુરલીની લાગણીસભર વાતો સાંભળી જવા લાગ્યો. ક્રિષ્નાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં.   

“ તું અહી ના આવતો. જરૂર હશે તો હું ફોન કરીશ.”

“ ઠીક છે. તું ઑફિસની ચિંતા ના કરતી. હું ત્યાં મળીને વાત કરી લઈશ. અને જો બેવકૂફ છોકરીઓની જેમ રડવાનું બંધ કર. તું એવી બિલકુલ નથી, સમજી? આ વખત રડવાનો નહિ પણ, સંજોગો સામે લડવાનો છે. પેટ ભરીને પહેલા નાસ્તો કરીલે તો મગજ કઈ કામ આપશે. મમ્મીને ડિસ્ટર્બ કર્યા વગર હોસ્પિટલમાં પૂછીલે આશરે કેટલાનું બિલ બનશે, ઘરમાં કદાચ કેસ બહુ નહીં હોય હું તારા એકાઉન્ટમાં હાલ પાંચ લાખ ટ્રાન્સફર કરાવું છું, અને એ તને લોન પેટે આપુ છું પછી પાછા લઈશ વ્યાજ સાથે !”  

ક્રિષ્નાને નવાઈ લાગી એ કહેવા જ જતીતી કે હું તારા રૂપિયા શા માટે લવ અને એ પહેલાંજ મુરલીએ એનો જવાબ આપી દિધો. ક્યારનીયે એ મનમાં જે જે વિચારતી હતી એવું જ એ પણ કહી રહ્યો હતો. થોડાક જ દિવસોમાં એ પોતાને કેટલી સારી રીતે સમજી ગયો હતો !

“ ક્યાં ખોવાઈ ગયા મેડમ ? હલો ? ”

“ ક્યાંય નથી ખોવાઈ ગઈ. અહી જ છું !"

“ ઉહું...તું મારા વિચારોમાં ખોવાઈ ગઈ હતી, બોલ સાચું કહ્યું ને ?”

“ ના. જરાય નહીં. ” 

“ જુઠ્ઠી...ખબર નથી પડતી તું આટલું જુઠ્ઠું શું કામ બોલે છે. સાચું બોલતા શું પેટમાં દુઃખે છે ?”

ક્રિષ્ના આટલી તકલીફમાં પણ હસી પડી.

“ ચાલ,  તું હસી તો ખરી ! હવે આમ જ હસતી રહેજે તો પપ્પા પણ જલદી સાજા થઈ જશે. લવ યુ !”

“ બાય ! ” 

ધીરેથી કહીને ક્રિષ્નાએ ફોન કટ કર્યો. એના છેલ્લાં શબ્દો એના કાનમાં થઈને છેક દિલમાં ઉતરી ગયા. એના લોહીના એક એક કતરામાં ભળી ગયા. એણે ભલે હોઠેથી ના કહ્યું પણ એનું રોમ રોમ પોકારી રહ્યું,આઇ લવ યુ......આઇ લવ યુ.....! 

ક્રિષ્નાએ નજર ઉપર ઉઠાવી એની સામે પાર્થ ઊભો હતો. ચહેરા પરનું સ્મિત એક પળમાં ગાયબ થઈ ગયું.

“શું થયું ? મને જોઇને આટલી સીરીયસ કેમ થઈ ગઈ ?” પાર્થે એની સાથે રૂમમાં પ્રવેશતા પુછ્યું.

“ તને અચાનક જોયો, એટલે ! તું તો ઘરે ગયેલોને ?”

“હમમ...ઘરે જવા જ નીકળેલો પણ આંટીને ઘરે મૂકીને પાછો આવી ગયો. મને થયું કે અચાનક કંઇક જરૂર પડે તો તું એકલી છોકરી હેરાન ન થાય. "

“ પાર્થ તે જે કંઈ કર્યું કાલે રાતે એ હું ક્યારેય નહી ભૂલું ! થેંકસ ફોર એવરીથીંગ ! ”

“ ઇટ્સ ઓકે ! મારે બીજી થોડી વાત કરવી છે, જો તું વાત કરવાના મૂડમા હોય તો ?”

“ હા, હા બોલ ને. ”

“ ગયા રવિવારે આપણે છૂટા પડ્યા ત્યારે તું તારા પપ્પા સાથે નીકળી ગયેલી અને આન્ટી મમ્મી સાથે વાતો કરવા રોકાયેલા ત્યારે બંને લેડીજે આવનારી આષાઢી બીજના દિવસે આપણી સગાઈ કરવાનું નક્કી કરેલું. મારા ઘરમાં તો આ જાણીને બધા ખુશ જ થયેલા. જો તું બેંગલોર ના ગઈ હોત તો અત્યારે આપણી સગાઇની તારીખ એ જ હોત. અઠવાડિયા પછી અષાઢી બીજ છે, તો ? ”

“ તું શું વાત કરે છે ? મને તો આ બધા વિષે ખબર જ નથી.”

“ વેલ ! એમાં નવાઈ જેવું શું છે,  સગાઈ  અને લગ્ન પછી પણ તારે જોબ કરવી હોય તો મારી ક્યાં ના છે. આપણા પરેન્ટ્સની ઈચ્છા છે, આપણા સંબંધને એક નામ આપવાની તો, ભલેને એમ કરતા ! ”

ક્રિષ્નાને આ વાત જરાય ન ગમી. પણ, એ પાર્થને કેવી રીતે કહે કે એને સગાઈ કરવી જ નથી ? હાલ જે સંજોગ હતા એમાં પાર્થનું દિલ તોડવાનું કામ એ ના કરી શકે..... એણે એની મમ્મી સાથે વાત કરવાનું વિચાર્યું. પાર્થને પણ પપ્પાની આવી હાલતમાં સગાઈ કેમ કરી શકાય કહીને ટાળી દીધો. માંડ આવેલા સ્મિતની જગા પાછી ઊંડી, કદી જવાની જ ન હોય એવી ઉદાસીએ લઈ લીધી....