Budhvarni Bapore - 20 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 20

બુધવારની બપોરે

(20)

મકાન ખરીદવા નીકળ્યા છે...!

‘‘ઓ ભ’ઇ....આવું નહિ....મકાન તો ઘર જેવું લાગવું જોઇએ....ભાજપના કાર્યાલય જેવું નહિ! કોઇ બીજું બતાવો.’’ મકાનને બદલે ઢાલગરવાડમાં તાકો લેવા આવ્યો હોય, એવી સાહજીકતાથી એ બોલ્યો.

‘‘તમારે કેટલા બૅડરૂમનું મકાન જોઇએ?’’

‘‘ચાર’’.

‘‘ચાર? યૂ મીન ફૉર...? રાત્રે સુવા કેટલી વાર જાઓ છો?’’

‘‘એવું નથી, ભ’ઇ. ઘણીવાર એકના એક બૅડરૂમમાં ઊંઘ ન આવે તો બીજામાં જવાય ને?’’

‘‘તે....તમારે વાઇફો કેટલી છે....? આઇ મીન, ઘરમાં સુવાવાળા માણસો કેટલા?’’

‘‘એ બધું તો ગણીને કહીશ. પહેલા કિંમત બોલો.’’

‘‘લઇ જાઓ ને, સાહેબ. તમારી પાસેથી ક્યાં વધારે લેવાના છે? સમજો ને, બધું થઇને અઢીમાં પડશે.’’

‘‘ઓ ભ’ઇ....મારે ખાલી મકાન જોઇએ છે....ફૅમિલી સાથે નહિ! અઢી કરોડ તે હોતા હશે? હું મકાન લેવા આવ્યો છું, રેલ્વેનું ફાટક લેવા નહિ!’’

ફૂટપાથ પર ઊભા એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં ગરમ ચાની રકાબી બૅલેન્સ જાળવીને પકડી હોય, એ જ વખતે તદ્દન નાનકડું જીવડું નાકમાં ગરૂ-ગરૂ કરતું હોય ત્યારે કેવી લાચારી હોય, એવી લાચારી આ દલાલ આપી રહ્યો હતો. અઢી કરોડ વધારે પડતા હતા. એ ય શહેરમાં મકાન માટે ઘણું ફર્યો હતો. આવા મકાનના મૅક્સિમમ દોઢેક કરોડ અલાય....બહુ બહુ તો સો-બસ્સો વધારે આલીએ....પણ સીધા અઢી કરોડ?

એને યાદ આવ્યું, ફાધરે ૧૯૪૫-માં ગુજરાત કૉલેજ પાસે આખો બંગલો પાંચ હજારમાં લીધો હતો...આ તો હાળા લૂંટવા જ બેઠા છે. એ વાત જુદી છે કે, ઇ.સ.૨૦૦૦-ની સાલમાં એ જ બંગલો ‘ફાધર સાથે’ ૮૨-લાખમાં વેચી દીધો હતો. ફાધર વગરના તો ૯૪-લાખ આલવા તૈયાર થયો હતો!

સોદો ના પત્યો. એ નિરાશ ન થયો. જાણતો હતો કે, મકાન ખરીદવામાં રખડપટ્‌ટી તો થવાની. એ એ પણ જાણતો હતો કે, મકાન મારે પૉશ ઍરિયામાં જોઇએ છે અને એ ય મિનિમમ ચાર બેડરૂમનું, એટલે દોઢ-બે કરોડથી ઓછામાં તો નહિ પતે. એની ડીમાન્ડ નક્કી હતી. મકાન આજુબાજુમાં કૂતરાવાળું ના જોઇએ. સૉસાયટીના કમ્પાઉન્ડમાં ગાયોના પોદળાં પડેલા ના હોવા જોઇએ. સોસાયટીમાં આવતા-જનારાઓ દરવાજામાંથી ડોકાં કાઢે, એ ના જોઇએ. ઘરની આજુબાજુના ચાર-પાંચ કી.મી. સુધી કોઇ મંદિર કે દેરાસર ના જોઇએ. રાત્રે ટૅરેસ ઉપર એકલા જઇએ, તો ટૅરેસ બીક લાગે એવી ના જોઇએ. ઘરની સામે શાકવાળા કે પાણીપુરીની લારીવાળા ઊભેલા હોવા ન જોઇએ....અને સૌથી મોટી વાત! આ નવરા પડ્યા કે, ‘ચલો પટેલ સાહેબના ઘેર...’ એવા મેહમાનો દસે દિશાઓમાંથી ન આવવા જોઇએ.

આવી આકરી શરતોને કારણે દલાલો ય ઢીલા પડી જતા.

રવિવારોએ છાપાઓમાં છેલ્લે પાને બધી જાહેરખબરો એ જોઇ લેતો. અલબત્ત, ફ્લૅટને બદલે એને બંગલામાં વધુ ઈન્ટરેસ્ટ હતો. સાથે સાથે એ ડરતો પણ હતો કે, બે-અઢી કરોડની ફાલતુ રકમમાં તો એને બંગલાનું કોઇનો તૂટેલો-ફૂટેલો સામાન ભરેલું કમ્પાઉન્ડે ય ના મળે! ફ્લૅટે ય માંડ આવે. આટલા ખર્ચ્યા પછી બીજા દોઢેક કરોડ તો રૅનોવેશન અને ફર્નિચરના થશે, એ જુદા. જો કે, જાહેરખબરોએ એને દોડતો કરી દીધો, એ પછી એને ભાન થયું કે, આટલામાં તો તૈયાર બંગલો નહિ, કોઇને ખાલી કરવાનો હોય એવો જ મળે.

લંડન ગયો ત્યારે એણે બકિંગહામ પૅલેસ જોયેલો. એના ખ્યાલો ઊંચા. પણ અમદાવાદ આવીને કાંકરીયાવાળી બાલવાટીકા ય જોયેલી. બેમાંથી એકે ય ડીઝાઇન પોસાય એવી નહોતી. એનું મૂળ સપનું તો પહાડોની તળેટીમાં ખળખળ વહેતી કોઇ નદીના કિનારે ઠંડા પવનો સાથે ‘વીલા’ જેવો નનેકડો બંગલો હોય એવું હતું. કમ્પાઉન્ડમાં સફેદ દૂધ જેવા બે-ચાર પૉમરેનિયન ડૉગી રમતા હોય. નદીમાંથી પસાર થતી લક્ઝુરિયસ બૉટનો માલિક ત્યાં ઊભો ઊભો આપણને હાથ ઉંચો કરતો હોય, ભારે નહિ પણ બારેમાસ હળવો હળવો-વાછટ જેવો કાયમી વરસાદ આવતો રહે અને સોનું ઊગાડ્યું હોય, એમ નદીની રેત સૂર્યપ્રકાશમાં ઝળહળતી હોય! ચારેબાજુ લીલોતરી તો બાપાનો માલ હોય, એવી જોઇતી હતી.

અહીં મામલો ઊલટો હતો. રેત પર ચમકતું તો ઘણું હતું, પણ બિયરના ખાલી અને ચીમળાઇ ગયેલા ડબ્બા ચમકતા હતા. નજીકની ઝૂંપડપટ્‌ટીવાળાઓ વહેલી સવારની વિધિઓ અહીં આટલામાં પતાવવા આવતા. રખડતી ગાયોને ભગાડવા ભટકતા કૂતરાં આપણને પહેલા ભગાડતા. નદીમાં પસાર થતી લક્ઝુરિયસ-ક્રૂઝ તો દૂરની વાત છે....સ્મશાન નજીક હતું એટલે એક-બે વાર તો તણાતી લાશો જોઇ હતી. પોલિસવાળા ક્યારેક ‘હટ જાઓ....હટ જાઓ’ કરતા હાથ ઊંચા કરતા હતા.

નસીબનો બળીયો હશે કે, નદી કિનારાનો એક બંગલો જોવા મળ્યો. નદીકિનારો એટલે એ સ્થળથી નદી, જરા ઊંચા થઇને જુઓ તો દૂરદૂર દેખાતી હતી. કમ્પાઉન્ડ એને પસંદ પડી ગયું. કોઇ જગ્યાએ એક ઈંટ ખરેલી નહિ. બંગલા વગરનું એકલું કમ્પાઉન્ડ ખરીદો તો ય ગમે એવું હતું. બંગલો એટલો રૂપાળો નહતો. ઝાંપો ખોલીને અંદર જઇએ, એના ત્રીજા જ પગલે બંગલાનો ડ્રૉઇંગ-રૂમ આવી જતો. વધુ બે કદમ ચાલો તો બંગલાની બહાર નીકળી જવાતું. રેલ્વે સ્ટેશનની સામે દુકાનો અડોઅડ ઊભી હોય, એવા ૩-૪ રૂમો હતા, જેને તમે ડ્રૉઇંગ-રૂમ, કિચન કે બૅડરૂમ....જે ગણવું હોય તે ગણી શકો. એણે આંગળી પંપાળી જોઇ. મકાનમાં લાકડું ઉત્તમ વપરાયું હશે કારણ કે, લાકડાને સહારે બધી ભીંતો ટકી રહી હતી. અહીં રહેવા આવીએ તો દર મહિને મકાનમાલિક આપણને કેટલા આપશે, એની ગણત્રી એ વગર કૅલ્ક્યૂલેટરે કરવા માંડ્યો. આવા બંગલાઓમાં વૉચમૅનની તો કોઇ જરૂરત પડે નહિ, તેમ છતાં વૉચમૅન લાગે એવો એક માણસ એની પાસે આવ્યો અને બન્ને હાથ પાટલૂનના ખિસ્સામાં રાખીને એ બોલ્યો, ‘‘કેટલા દિવસ રહેવાનો વિચાર છે, સાહેબ?’’

‘‘આપ...આપ કૌન...આપ કૌન હૈ...?’’

‘‘હિંદીમાં જરૂરત નથી. ગુજરાતીમાં જ બોલો....હું જ આ બંગલાનો વૉચમૅન છું....’’

‘‘તો, માલિક કોણ છે?’’

‘‘એ ય હું જ છું, સાહેબ. અમારા સેઠ જતા પહેલા આ બંગલો મને આલતા ગયા છે...’’

‘‘તમને...? કેમ??’’

‘‘ખાસ કાંઇ નહિ....કોક કહેતું’તું....અહીં ભૂત બહુ થાય છે....કોઇ રહેવા જ આવતું નથી....!’’

એણે હાથ પાછળ લઇ જઇને બંગલાના દરવાજા સામે પાછળ જોયું, કે આજુબાજુમાં કોઇ બંગલા-ફંગલા છે કે નહિ! નહોતા. પણ પેલો ‘ભૂત’ જેવો કોઇ શબ્દ બોલ્યો હતો, એ અચાનક યાદ આવતા પલભરમાં ફરીને વૉચમૅનને જોવા ગયો, પણ ત્યાં તો કોઇ ઊભું જ નહોતું. હજી હમણાં તો વૉચમૅન ઊભો હતો....ક્યાં ગયો? ‘‘ઓ મ્માય ગૉડ...આ તો પોતે જ---!!!’’ ૩-૪ મિનિટ સુધી કોઇ કશું દેખાયું નહિ.

ત્યાં જ વૉચમૅન ફરી પ્રગટ થયો. ‘‘કેમ ચોંકી ગયા, સાહેબ? હું તો------’’ એણે સહેજ શરમાઇને ટચલી આંગળી ઊંચી કરી, પણ એ ઊંચી કર્યા પછી એનું ઘટનાસ્થળ બતાવ્યું, એમાં એ વધારે ભડક્યો. એ તો પગથીયાની પાછળની જગ્યાએ જઇ આવ્યો હતો. બંગલામાં વૉશરૂમ જેવું કંઇ હતું નહિ.....‘સબ ભૂમિ ગોપાલ કી’વાળો મામલો હતો.

એણે તાબડતોબ સોદો કરી નાંખ્યો. આટલો ‘મોટો’ બંગલો કેવળ અઢી લાખમાં મળી ગયો. બાનાની રકમ ત્યાં જ આપી દીધી.

એ બંગલો એણે પોતાને માટે નહિ, સાસુ-સસરા ભચાઉ-કચ્છથી કાયમ માટે અમદાવાદ શિફ્ટ થવાના હતા, એમને માટે લઇ લીધો. એ જાણતો હતો કે, ભૂતનું નામ પડતા જ એની સાસુ વગર હિચકી ખાધે ઊકલી જવાની!

અઢી લાખમાં આવો છુટકારો ક્યાંથી? નહિ તો, ડોહા-ડોહી બન્ને આપણે ત્યાં જ કાયમ માટે રહેવાના હતા...!

સિક્સર

દુનિયાનો પૂર્ણ વિનાશ કરાવશે, તો ‘સોશિયલ-મીડિયા’ કરાવશે. કોઇ સૅન્સર જ નહિ!

---------