Challenge - 3 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 3

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 3

ઇન્સ્પેક્ટર ગુલાબરાય...!

ફક્ત વાતચીત કરવા માટે કોઈ માણસ મોંઘીદાટ વ્હીસ્કી ન જ પીવડાવે એવી વાત જયારે આરતીએ દિલીપને કહી, ત્યારે તે ધીમેથી હસી પડ્યો.

‘મારી દાનત વાતચીત કરવાથી કંઈક વધુ નહીં હોય એમ માનવાને તારી પાસે કોઈ કારણ છે ખરું?’ કહીને આરતી સામે દિલીપ તાકી રહ્યો.

‘વધુ હોય પણ ખરી! પરંતુ ઓછામાં ઓછું મારા પર તારી દાનત બગાડવાની નથી એ હું જાણું છું.’

‘હા, આ વિસ્તારમાં હું એકાદ મહિનાથી રહુ છું, એટલે માણસને ઓળખવાની સૂઝ મારામાં આવી ગઈ છે.’ આરતીનો સ્વર કડવો હતો, ‘ખેર, દિલીપ! વાસ્તવમાં તું કોણ છે? શું કરે છે? બિઝનેસ છે કે નોકરી? આમાંનું કશુંયે તે હજુ સુધી નથી કહ્યું.

‘હું એક ખાનગી ગુપ્તચર છું.’ આરતી ખોટું માને એવા દ્વિઅર્થી અવાજે દિલીપે જવાબ આપ્યો.

‘એમ…?’ કહેતી તે હસી પડી, ‘કોઈ પણ ખાનગી જાસૂસ કદાપિ એમ નથી કહેતો કે હું જાસૂસ છું.’

‘જો આરતી, આવી બધી વાતો જવા દે! જો તું ખરેખર મારા વિષે બધું જાણવા ઇચ્છતી હોય તો મને આ શહેરના એકેએક સ્થળે ફરવા લઇ જા! બધો જ ખર્ચ હું આપીશ પછી ફરતા ફરતા તું તારે ખુશીથી મારા વિષે જાણતી રહેજે. બોલ, છે કબુલ?’

‘હા…’ આરતીના સ્વરમાં ઉત્સાહ હતો.

‘તો પછી આજ રાતથી જ…’

‘ના, આજે નહીં! આવતી કાલથી આપણે દરરોજ જઈશું. આજે તો…’ એ સહેજ ખમચાઈને બોલી, ‘હું ખુબ જ કામમાં છું. મારે હજી ઘણી તૈયારીઓ કરવાની છે.’ કહીને એણે ખાલી ગ્લાસ મૂકી દીધો.

‘કેમ...કોઈ બોય ફ્રેન્ડ આવવાનો છે?’

‘ના, એવું કંઈ નથી.’

‘તો પછી આજનો તારો જે કંઈ પ્રોગ્રામ હોય એ કેન્સલ કરી નાંખ!’

‘ના, કેન્સલ થઇ શકે તેમ નથી. વાત એમ છે કે આજે મેં મારી બે બહેનપણીઓને જમવા માટે માટે બોલાવી છે. રાત પડી ગઈ છે અને મારે હજુ ઘણું કામ છે. પણ મારી બહેનપણીઓ રોકવાની નથી. આપણે જવું હોય તો લગભગ અગિયાર વાગ્યે જઈ શકીશું.’

‘ભલે...તો હું રાહ જોઇશ.’

‘સરસ…! હું એ બંનેને શક્ય તેટલી વહેલી વિદાય કરી દઈશ. હવે આપણે બંને તારી બોટલ ખાલી કરી નાંખીએ.’ આરતીએ પોતાનો ગ્લાસ તેની સામે લંબાવ્યો.

હવે બંને પોતપોતાની બાલ્કનીમાં ઉભાઉભા વાતો કરતા હતા.

બાલ્કનીની રેલિંગ એમના ખભા સુધીની ઊંચાઈ પર હતી એટલે બંને ફક્ત એકબીજાના ચહેરા જ જોઈ શકતા હતા.

નીચે ગલીમાં અને ગાલીને છેડે આવેલ સડક પર ટ્રાફિકનો ધમધમાટ ચાલુ હતો.

દિલીપે બંને ગ્લાસમાં વ્હીસ્કી ભરીને બોટલ ખાલી કરી નાંખી.

આરતીએ એક જ શ્વાસે ગ્લાસ ખાલી કરીને દિલીપને પાછો આપી દીધો અને દિલીપે તેની સામે લંબાવેલી ખાલી બોટલ એણે પોતાના હાથમાં લઇ લીધી.

એણે ખાલી બોટલ ભાવાવેશમાં છાતી સરસી ચાંપી.

દિલીપ રૂમમાં પાછો ફર્યો. લાઈટ ઓન કરીને એણે બંને ખાલી ગ્લાસ ટેબલ પર મુખ્ય અને ટેબલ પર જ પડેલા રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીના ફોટાને એકીટશે તાકી રહ્યો.

આ ફોટો એને રાજેશ્વરીના પિતા દીનાનાથે આપ્યો હતો.

હકીકતમાં તેને પ્રેમ-બ્રેમની વાતોમાં જરાયે રસ નહોતો. પરંતુ રાજેશ્વરીને સમજાવી, ફોસલાવીને, પોતાના વિશ્વાસમાં લઈને એણે તે ઘર ભેગી કરવા માંગતો હતો, એને વિષે દીનાનાથે જે વાતો કહી હતી, એ જોતા-એનો હઠાગ્રહી સ્વભાવ જોતા બળજબરીથી તે સમજે તેમ નહોતી. એટલે જ તેને વિશ્વાસમાં લેવાની જરૂર હતી ઉપરાંત એ જાણતો હતો કે દેશના સેંકડો યુવાન-યુવતીઓ નશાની લતમાં ફસાયેલા છે, અને ફસાય છે. એક વાર માદક દ્રવ્યો આજે હેરોઇન, મેરીજુઆના, હશીષ, ચરસ અને નશાખોર લોકો જેને ડ્રિંક્સ કહે છે, એનું જોર દેશમાં ખુબ જ વધી ગયું હતું. સેંકડો માણસ નશાની ગુલામીમાં જક્ડીને પોતાની જિંદગીને બરબાદીના પેઠે ધકેલતા હતા. રાજેશ્વરીને નશાની આ કારમી ગુલામીમાંથી છોડાવવા માટે જ એણે તેની સાથે રોમાન્સની વાતો કરી હતી. લલિતપુર એક સમૃદ્ધ બંદર હોવાને કારણે ચોરી-છુપીથી આવા માદક દ્રવ્યો પુષ્કળ પ્રમાણમાં આવતા હતા.

પછી ફોટાને ટેબલ પર જ રહેવા દઈ, તૈયાર થઇ, પોતાની રૂમને લોક્ડ કરીને એ નીચે રિસેપ્શન પર આવ્યો.

ટેલિફોન ઓપરેટરને એણે બલરામપુર ખાતેની મીનાક્ષી હોટલનો નંબર જણાવ્યો.

આ નંબર એને વડોદરાથી પોતાની ફિલ્મના લોકેશનો જોવા અંતે આવેલા રાજેશ્વરીના પિતા દીનાનાથે આપ્યો હતો.

ઓપરેટરે દીનાનાથના નામનો અર્જન્ટ કોલ બુક કરી દીધો.

પછી ચાર-પાંચ વખત એણે ડાયરેક્ટ લાઈન જોડી (એસ.ટી.ડી) આપવાનો આગ્રહ કર્યો. લલિતપુર અને બલરામપુર વચ્ચે ડાયરેક્ટ ટ્રંક ડાયલની સુવિધા હતી જ.

છેવટે કંટાળીને ઓપરેટરે ડાઇરેક્ટ લાઈન પર ટ્રાઈ શરુ કરી દીધી.

સંપર્ક સધાતા જ એણે રીસીવર દિલીપના હાથમાં પકડાવી દીધું.

‘કોણ...મિસ્ટર દીનાનાથ...!’ દિલીપે ઊંચા અવાજે બોલ્યો, ‘હું લલિતપુરથી કેપ્ટન દિલીપ બોલું છું.’

‘ઓહ...મિસ્ટર દિલીપ!’ સામે છેડેથી દીનાનાથનો અવાજ આવ્યો, ‘મારુ અનુમાન સાચું પડ્યું. તમારો ફોન આવશે એની મને સોએ સો ટાકા ખાતરી હતી જ એટલે ક્યાંય બહાર જવાને બદલે હું અહીં રાહ જોતો બેસી રહ્યો હતો.’

‘ઠીક છે…’ દિલીપ બોલ્યો, ‘હવે ધ્યાનથી સાંભળો...હું ઉસ્માનપુરાની ગલી નંબર એકમાં આવેલી માયા હોટલમાં ઉતર્યો છું...હા, તમારી દીકરીનો પત્તો મળ્યો છે. એ તમે આપેલા સરનામે જ રહે છે...હા...હા...હા મેં તેની સાથે વાતો પણ કરી છે. તે એકદમ સાજી, સારી અને સલામત છે.’

‘તમે...તમે…’ સામેથી લાગણીસભર અવાજે દીનાનાથે કહ્યું, ‘ભાવાવેશથી એનો અવાજ સહેજ ધ્રૂજતો હતો, ‘તમે સાચું કહો છો…? એ સલામત છે...ઈશ્વરનો ખુબ જ મોટો ઉપકાર...મિસ્ટર દિલીપ, હવે તમે એણે ગમે તેમ કરી, સમજાવી, ફોસલાવી, પટાવીને ઘરભેગી કરો...તમારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું...’

‘પહેલાં મને સાંભળી લો. મેં એની સાથે એકાદ કલાક સુધી વાતો કરી છે. અને આ દરમિયાન તે મને ચરસ કે તેને મળતાં બીજા કોઈ પદાર્થના નશામાં નથી લાગી. વ્હીસ્કીની વાતને બાદ કરીએ તો…! માટે એવી ફિકર છોડી દેજો!’

‘એ હેરોઇનના નશામાં કે એના તરંગમાં તમને નથી લાગી?’ સામેથી દીનાનાથનો અચરજભર્યો અવાજ આવ્યો.

‘ના, બિલકુલ નહીં.’

‘મિસ્ટર દિલીપ, તમારી વાત મારે ગળે ઉતરતી નથી. પોતે નશાના તરંગમાં છે એવું તે કોઈને ય નથી કળાવા દેતી. આ બાબતમાં તે પુરેપુરી કાળજી રાખે છે, માટે તમે બરાબર તપાસ કરજો. ખાસ તો એ આવો નશો કરવા માટે હેરોઇન વિગેરે ક્યાંથી મેળવે છે તે શોધી કાઢજો. એક વાર એને માદક પદાર્થો મળતાં બંધ થઇ જશે પછી ધીમે ધીમે એની આ કુટેવ હું છોડાવી દઈશ.’

‘તમે ફિકર છોડો! અહીં ઉસ્માનપુરામાં આવા નશાકારક દ્રવ્યો ક્યાં મળે છે ને કોણ વેચે છે એની તાપસ માટે હું થોડી વાર પછી જવાનો છું.’

‘ભલે...પણ મહેરબાની કરીને એને એકલી છોડશો નહીં.’

‘ચિંતા કરવાની જરૂર નથી. તમારી દીકરી સહીસલામત છે. એના ફ્લેટની બરાબર સામે જ મારી રૂમ છે. ત્યાંથી હું એના પર નજર રાખી શકું તેમ છું.’

‘મિસ્ટર દિલીપ, તમે ખરેખર ખુબ જ એક હોશિયાર અને કાબેલ જાસૂસ છો. તમારી વાતથી મારા મગજનો ભાર હળવો થઇ ગયો છે. વારું, તમે એનું સાચું નામ રાજેશ્વરી છે એ જાણો છો એવું તેને કહ્યું તો નથી ને? કારણ, જો તમે આવો ખુલાસો કર્યો હોય તો તે તરત જ સમજી જશે કે મેં જ તેને ઘર ભેગી કરવા માટે તમને ત્યાં મોકલ્યા છે અને આ વાતની જો તેને ખબર પડી જશે તો તે ફરીથી ત્યાંથી નાસી છૂટશે એટલે મહેરબાની કરીને તમે તેનું સાચું નામ જાણો છો એ વાતની એને ગંધ પણ આવવા દેતા નહીં. મારી વાત સમજો છો ને? હું મારી દીકરીને ફરીથી ગુમાવવા માટે તૈયાર નથી.’ સામે છેડેથી આવતો દીનાનાથનો અવાજ એકદમ ગળગળો થઇ ગયો હતો.

‘તમે નચિંત રહો મિસ્ટર દીનાનાથ! બધી જ મુશ્કેલીઓનો અંત આવી જશે. તમારી દીકરીએ અહીં પોતાની બે બહેનપણીઓને ડિનર માટે બોલાવી છે. એ બંને જમીને રાત્રે સાડાદસ-અગિયાર વાગ્યાની આસપાસ પછી ચાલી જશે. એ પછી પણ હું રાજેશ્વરીને મળવાનો છું. બીજું, હું એક જાસૂસ છે એના સાચા નામની મને ખબર છે એવું મારે તેને શા માટે કહેવું પડે? મેં નથી કહ્યું અને કહેવાનો પણ નથી.’ દિલીપે આશ્વાસન ભર્યા અવાજે જવાબ આપ્યો.

‘તમારો ખુબ ખુબ આભાર પણ મારે મારે...માટે...’ સહસા દિલીપને સામે છેડેથી દીનાનાથના ઉપરાઉપરી બે-ત્રણ ધ્રુસકે ભરવાનો અવાજ સંભળાયો.

એ કદાચ કોઈક કારણસર એકદમ નર્વસ થઇ ગયો હતો.

‘શું વાત છે મિસ્ટર દીનાનાથ?’

‘ત...તમને યાદ જ હશે કે...મેં...મારી બહેનની ગંભીર બીમારીની વાત કરી હતી?’ દીનાનાથનો ત્રુટક અવાજ આવ્યો.

‘હા, કેમ?’

‘વાત એમ છે કે..કે…’ દીનાનાથના ગળે ડૂમો બાઝ્યો હોય એમ તેનો અવાજ ખોખરો બની ગયો.

‘શું કોઈ માઠા સમાચાર છે?’

‘હા, મિસ્ટર દિલીપ, મારી...મારી બહેન મૃત્યુ પામી છે...અને હું થોડી જ વાર પછી સુપર ફાસ્ટ ટ્રેનમાં તેના અંતિમ સંસ્કાર માટે વડોદરા જઉં છું.’

‘સમજ્યો...મિસ્ટર દીનાનાથ...! તમે હિમ્મત રાખજો. બનવા કાળ બની જ જાય છે. પાંચમની છટ્ઠ ક્યારેય નથી થતી. જો મને રાજેશ્વરી વિષે વધુ કંઈ જાણવા જેવું મળશે તો હવે હું બલરામપુરને બદલે તમને તમારા સ્થાયી સરનામાં પર - વડોદરા ખાતે ફોન કરીશ. તમે તમારું ત્યાંનું થયી સરનામું અને ફોન નંબર તો મને આપ્યા જ છે.’ દિલીપે આટલું કહીને રીસીવર મૂકી દીધું. પછી ટેલિફોન ઓપરેટરને કોલ ચાર્જ ચૂકવીને તે હોટલની બહાર નીકળી ગયો.

***

‘સાહેબ...’ એક નોકર લલિતપુરના એસ.પી.ચૌહાણના ડ્રોઈંગરૂમમાં આવીને વિવેકથી બોલ્યો, ‘બલરામપુરથી કોઈક કેપ્ટન દિલીપ સાહેબ આવ્યા છે.’

કેપ્ટન દિલીપ...! જરૂર તે મેજર તે મેજર નાગપાલનો સહકારી હોવો જોઈએ. ચૌહાણે મનોમન વિચાર્યું. પછી બોલ્યો, ‘સારું, એને અંદર લઇ આવ.’

નોકર અદબભેર માથું નમાવીને બહાર નીકળી ગયો.

બે-ત્રણ મિનિટમાં જ તે દિલીપને ડ્રોઈંગરૂમમાં મૂકી ગયો.

‘આવ...આવ...દિલીપ...!’ એસ.પી ચૌહાણે તેને ઉત્સાહપૂર્વક આવકાર આપતા કહ્યું. પછી એણે દિલીપને સોફા પર બેસવાનો સંકેત કર્યો. અને દિલીપ જયારે તેની સામે બેસી ગયો ત્યારે ફરીથી બોલ્યો, ‘લલિતપુર ક્યારે આવ્યો? નાગપાલ સાહેબ મજામાં છે ને? અહીં તારી સાથે જ આવ્યા છે કે પછી તું એકલો જ આવ્યો છે?’

‘પ્લીઝ, ચૌહાણ સાહેબ!’ દિલીપ મરક મરક હસીને બોલ્યો, ‘ધીમે ધીમે એક પછી એક સવાલો પૂછો તો સારું! એકસામટા સવાલોના જવાબ મારે...’

‘સારું...સારું...’ એસ.પી.એ ઉતાવળા અવાજે કહ્યું, ‘લટકા કરવાની તારી કુટેવ હજુ ગઈ નથી.’ કહીને તે હસ્યો.

એસ.પી.ચૌહાણ અને નાગપાલ વર્ષોજૂનાં પરિચિત હતા. ચૌહાણ એક કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર પોલીસ ઓફિસર હતો.

દિલીપે તેના સવાલોના જવાબ આપી દીધા.

‘હું…’ એસ.પી.એ નોકરને બોલાવીને ચા મંગાવી.

બંને એ ચા પીધી.

‘ચૌહાણ સાહેબ, મારે થોડી માહિતી જોઈએ છે.’

‘બોલ…’

‘ઉસ્માનપુરા વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ નશાકારક પદાર્થો, જેવા કે કોકેન, હેરોઇન, અફીણ...વિગેરે મેળવી શકે ખરો? જો મેળવી શકે તેમ હોય તો કેવી રીતે?’

‘તારાં સવાલને જરાં વધારે સ્પષ્ટ કર. તું શું કહેવા માંગે છે?’

‘સારું...ઉસ્માનપુરામાં આવા માદક દ્રવ્યોનું વેચાણ કોણ કરે છે? મતલબ કે કોની પાસેથી મળી શકે તેમ છે?’

‘તું આ સવાલ મને શા માટે પૂછે છે?’

‘તો કોને પૂછું?’

‘અને ખાસ તો એ કે તારે આ વાત જાણવાની શી જરૂર પડી? તું કયા ચક્કરમાં છો દિલીપ?’

‘એક નાદાન યુવતી અગાઉ નશાખોર બની ગઈ હતી. વચ્ચે થોડા સમયના ગેપ પછી એને ફરીથી આ નશાની લત વળગી છે. અલબત્ત, કુટેવમાંથી છૂટવા માટે એ ખુબ ફાંફા પણ મારે છે, પરંતુ આવી કુટેવો છોડવી સહેલી નથી. આ યુવતી છેલ્લા એકાદ મહિનાથી ઉસ્માનપુરાના એક મકાનના ફ્લેટમાં રહે છે. તે અહીંની વતની નથી. હવે મૂળ વાત એ છે કે એક બદમાશ માણસ આ યુવતી નશાકારક પદાર્થોનું સેવન છોડી દે એમ હરગીઝ નથી ઈચ્છતો. તે એને નશાખોર બનેલી જ રહેવા દેવા ઈચ્છે છે. આ બદમાશ માદક પદાર્થો વેચનારાના સંપર્કમાં હશે જ એટલે આવા કૈફી દ્રવ્યો વેચનારના માધ્યમથી હું એ બદમાશ માણસનો પત્તો મેળવવા માંગુ છું.’

‘હું…’ એસ.પી. એ હુંકાર કર્યો. પછી કહ્યું, ‘જમશેદ નામનો એક માણસ નશાકારક દ્રવ્યો વેચવાનો ધંધો કરે છે. અંગે તે ચાર-પાંચ વખત પકડાયો પણ હતો. પરંતુ પુરાવાના અભાવે દરેક વખતે કોર્ટમાંથી છૂટી ગયો છે. પણ હું માનુ છું કે જમશેદ તારે માટે ઉપયોગી થઇ પડશે. પણ તું આ બાબત માટે ઇન્સ્પેક્ટર ગુલાબરાયને શા માટે નથી મળતો? તે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં જ છે.’

‘ઇન્સ્પેક્ટર ગુલાબરાય...? એ લાંચીયો ગુલાબરાય ઉસ્માનપુરામાં છે?’

‘હા…’ ચૌહાણે કહ્યું, ‘જો દિલીપ!’ એનો અવાજ ગંભીર હતો, ‘ગુલાબરાય રીશ્વતખોર છે, તે હું જાણું છું, પણ એની વિરુદ્ધ પુરાવાઓ નથી મળતા એટલે કંઈ જ થઇ શકે તેમ નથી. તારા પ્રત્યે એને ઘોર તિરસ્કાર છે એ હું જાણું છું. પણ હવે બીજું શું થાય?’

‘ચૌહાણ સાહેબ...’ દિલીપના અવાજમાં ઘૃણા હતી, ‘નાગપાલ સાહેબની શરમ મને આડી આવે છે. નહીં તો મને મળેલા વિશેષ અધિકારનો ઉપયોગ કરીને મેં ક્યારનો ય તેને જેલ ભેગા કરી દીધો હોત! ગુલાબરાય રૃશ્વતખોર છે એ વાત ખુદ નાગપાલ સાહેબ પોતે પણ જાણે છે. પરંતુ એમની માન્યતા અને સિદ્ધાંતો એવા છે કે બને ત્યાં સુધી સિવિલિયન પોલીસના કોઈ પણ કામકાજમાં માથું ન મારવું! અફસોસની વાત તો એ છે કે એમના આવા સિદ્ધાંતો વિષે ગુલાબરાય અને એના જેવા બીજા ઘણાબધા પોલીસ ઓફિસરો જાણે છે એટલે તેઓ નચિંત છે. નાગપાલ સાહેબના આદેશની અવગણના દિલીપ કરી શકે તેમ નથી એ વાત ગુલાબરાય જાણે છે એટલે એને મારો ભય તો જરાયે છે જ નહીં!’ અગાઉ એક કેસમાં અમે બંને પરસ્પર અથડાયા હતા ત્યારે પણ એણે પોતાનું ધાર્યું કર્યું હતું. નાગપાલ સાહેબને કારણે હું સમસમીને રહી ગયો હતો. પણ તમારી વાત સાંભળીને મેં નક્કી કર્યું છે કે જો આ વખતે તે સ્હેજ પણ આડો ચાલશે તો હું એની ખો ભુલાવી દઈશ.’

‘હું જાણું છું...પણ દિલીપ...’ચૌહાણે કહ્યું, ‘શામ, દામ, દંડ અને ભેદ...આ ચારેય નીતિથી કામ લેવાનું છે. અત્યારે તો ડ્રગ્સ વિષે તને કોઈ સચોટ માહિતી આપી શકે તેમ હોય તો તે આ એક જ માણસ છે! ઇન્સ્પેક્ટર ગુલાબરાય...! તું એને મળ, જાણે ભૂતકાળમાં કશુંયે નથી બન્યું એવી રીતે એની સાથે વર્તણુંક રાખીને તારે જોઈતી બાતમી કઢાવ. તે ઘૂસણખોર અને ગરજ હોય ત્યારે ગધેડાને ય બાપ કહેતા અચકાય તેમ નથી. ઘણીબધી સંસ્થાઓના પ્રમુખ અને રાજકીય આગેવાનો સાથે એનો ગાઢ પરિચય છે.’

‘ઠીક છે. તમે કહો છો તો હું એને મળી જોઇશ.’ દિલીપ વિચારવશ અવાજે બોલ્યો, ‘અને તમે કહો છો એ ડ્રગ પુશર જમશેદને શોધવાનો પ્રયાસ પણ કરીશ.’

‘પણ તું ગુલાબરાયને જેટલો જલ્દી મળીશ એટલું તારું કામ વહેલું પૂરું થશે. જરા નરમાશથી કામ લેજે.’

‘ભલે…’ દિલીપ ઉભો થઇને બોલ્યો, ‘એ લાંચિયા શંકરને આ વખતે હું જોઈ લઈશ.’ કહી, ચૌહાણની રજા લઈને એ ત્યાંથી બહાર નીકળી ગયો.

અડધા કલાક પછી તે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો.

એક જમાદારે તેને ગુલાબરાયની ઓફિસમાં પહોંચાડી દીધો. ગુલાબરાય ત્યારે ફોન પર કોઈકની સાથે વાતો કરતો હતો.

‘ના…’ તે માઉથપીસમાં મોટા અવાજે બરાડ્યો, ‘મેં કહ્યું તેમાં કશો યે ફેરફાર થાય તેમ નથી.’ પછી એણે ધડામ કરતુ રીસીવર કેડલ પર પછાડ્યું અને જમાદાર તરફ ફર્યો:

‘કેમ શું છે દલપતરામ?’

‘આ સાહેબ કહે છે કે હું નેક, નામદાર, રાજમાન રાજેશ્વરી ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો મિત્ર છું અને એમને મળવા આવ્યો છું માટે તું મને માન સહીત તારાં સાહેબ પાસે લઇ જા.’ દલપતરામે દિલીપ તરફ સંકેત કરીને પોતાની વાત આગળ ચલાવી, ‘સાહેબ, એમની વાત સાંભળીને પહેલી ઘડીયે હું ડઘાઈ ગયો. બીજી ઘડીએ મને આ સાહેબ ભેજાગેપ લાગ્યા ને મારા સાહેબ તરત જ પછી ત્રીજી ઘડી આવી પહોંચી. ત્રીજી ઘડીમાં મને થયું કે આવા સુંદર વસ્ત્રો પહેરેલો માણસ ભેજાંગેપ ન જ હોઈ શકે એટલે પછી ચોથી અને છેલ્લી ઘડીએ મને એવો વિચાર સ્ફૂર્યો કે જો ખરેખર આ સાહેબ તમારા મિત્ર હશે અને હું તેમને તેમની ઈચ્છા મુજબ મન સહીત તમારી પાસે નહીં લઇ આવું તો તમે નાહક જ મારા પર ગરમ થશો. કારણ કે તમારા સ્વભાવ કેવો ગરમ ભડકા જેવો છે એ તો હું જાણું જ છું ને?’

‘દલપતરામ...’ ગુલાબરાયે એટલા બધા જોરથી ત્રાડ પાડી કે બિચારો દલપતરામ ગેંગેફેંફે થઇ ગયો. અને પછી જાણે પોતાની થઇ ગયેલી ભૂલ વિષે કંઈ જ ન સમજાયું હોય એ રીતે મોં વકાસીને ગુલાબરાયના ક્રોધથી રાતાં થઇ ગયેલા ચહેરા સામે તાકી રહ્યો.

‘અને તું…’ ગુલાબરાય દિલીપ સામે જોઈને સહેજ કઠોર અવાજે બોલ્યો, ‘તું અહીં અચાનક, અણધાર્યો મારી ઓફિસમાં શા માટે પધાર્યો છે દિલીપ?’ પછી દિલીપના જવાબની રાહ જોયા વગર દલપતરામને એણે ચપટી વગાડીને બહાર જવાનો સંકેત કર્યો.

‘આ સાહેબ...’ દલપતરામે બારણાં તરફ જતા જતા પીઠ ફેરવીને દિલીપ સામે આંગળી ચીંધી, ‘માટે શું મોકલાવું? ચા, કોફી કે પછી કંઈક બીજું?’

‘ગેટ આઉટ...ગેટ આઉટ…’ ગુલાબરાય જોરથી તાડૂક્યો.

‘સાહેબ, તમારો મગજ મને નથી સમજતો.’ દલપતરામ ફરિયાદ કરતો હોય એમ રડમસ અવાજે બોલ્યો, ‘બે દિવસ પહેલાં તમારા કોઈક મિત્ર અહીં આવ્યા હતા ત્યારે એમના ગયા પછી તમે મને બોલાવીને ઠપકો આપ્યો હતો કે દલપતરામ, તારામાં કંઈ અક્કલ છે કે નહીં? મને કોઈ મળવા આવે ત્યારે તારે ચા-પાણી ન મોકલાય? અને આ સાહેબ, આવ્યા ત્યારે મેં આપને પૂછ્યું કે શું મોકલું તો તમે મંડ્યા ગેટ આઉટ...ગેટ આઉટ કરવા. તમારું તો કંઈ મગજ છે? હું ચા-પાણીનું પૂછું તો પણ દુ:ખ અને ન પૂછું તો એ દુ:ખ…’ આમ બબડતો બબડતો દલપતરામ ત્યાંથી બહાર નીકળી ગયો.

***