Challenge - 5 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 5

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 5

ખૂન…!

હોટલની ઘડિયાળમાં ત્યારે રાતનાં આઠ વાગીને ઉપર પાંચ મિનિટ થઇ હતી.

દિલીપે લોબીમાં નજર દોડાવી. લોબીના છેડે આવેલા એક નાનકડા સ્ટોર રૂમ પાસે ચોકીદાર ઉભો એક રાખોડી અને કસાયેલા દેહવાળા આશરે ચોવીસેક વર્ષના યુવાન સાથે વાતો કરતો હતો. ચહેરા પરથી જ એ યુવાન લોફર અને બદમાશ કામમાં સોળે ય કળાએ પાવરધો લાગતો હતો.

દિલીપ તેમની પાસે જઈને ઉભો રહ્યો.

‘સાહેબ...’ ચોકીદાર પેલા યુવાન સામે જોતાં બોલીઓ, ‘આનું નામ વિલિયમ છે! તે તમારી બધી જ જરૂરિયાત પુરી કરી દેશે.’

‘એમ…?’ દિલીપે કુત્રિમ પ્રશંશાભર્યા અવાજે કહ્યું.

‘હા, સાહેબ! તમે જે હુકમ કરો એ, મેળવી આપીશ. પણ…’

‘ગુડ…! ગમે તેટલો ખર્ચ કરવા હું તૈયાર છું માટે બેફિકર રહેજે.’ દિલીપે આસપાસ નજર દોડાવતા કહ્યું ‘તમારા પેલા અઠ્ઠાવીસ નંબરના રૂમના ગ્રાહક...’ દિલીપે ઇરાદાપૂર્વક જ અઠ્ઠાવીસ નંબર પર ભાર મુક્યો હતો.

‘ઓગણત્રીસ નંબરના સાહેબ...’ ચોકીદાર તેની ભૂલ સુધારતો હોય એવા અવાજે બોલ્યો, ‘જુઓ, ત્યાં ખૂણામાં ઉભા છે.’

દિલીપે જોયું-થોડે દૂર દીવાલ સરસો સૂટ-બૂટમાં સજ્જ થયેલો એક માણસ ઉભો હતો.

જોતાંની સાથે જ દિલીપ તેને ઓળખી ગયો.

શીતળાનાં ચાંઠાવાળો, ખતરનાક લાગતો ચહેરો, કાળા વાળની વચ્ચે ક્યાંક ક્યાંક સફેદ વાળની લટ, તલવાર કટ મૂછ...અને આંગળીઓમાં ચાંદીની સફેદ વીંટી...! એના હાથમાં એક વોકિંગ સ્ટિક હતી.

રાજેશ્વરીની પાછળ પડેલો બદમાશ આ જ માણસ હતો. પહેલા દીનાનાથે અને પછી ઇન્સ્પેક્ટર ગુલાબરાયે જણાવેલું વર્ણન આબેહૂબ આ જ માણસને લાગુ પડતું હતું. ગુલાબરાયના કહેવા પ્રમાણે એનું નામ અજીત હતું અને હોટલના રજીસ્ટરમાં પણ એનું આ જ નામ લખાયેલું હતું.

એની વ્યાકુળ નજર ચોકીદાર પર જડાયેલી હતી.

માનસિક બેચેનીના કારણે પોતાના દેહનો ભાર વારાફરથી ડાબા-જમણા પગ પર મુકતો હતો.

ચોકીદારે તેને સંકેતથી બોલાવી લીધો.

‘અજિત સાહેબ...!’ ચોકીદારે વિલિયમ તરફ આંગળી ચીંધી, તેનો પરિચય આપ્યા પછી કહ્યું, ‘વિલિયમ તમને બધે જ લઇ જશે અને આ સાહેબ...’ એણે દિલીપ તરફ સંકેત કર્યો, ‘એમને પણ સ્વર્ગની સહેલ કરવી છે એટલે તેઓ પણ તમારી સાથે આવે છે. આશા છે કે તમને એમાં કોઈ જ વાંધો નહીં હોય.’

અજીતે પહેલાં આનાકાની ભરેલી નજરે દિલીપ સામે જોયું. એણે કંઈક કહેવા માટે હોઠ ઉઘડ્યા પણ પછી તરત જ ચૂપ થઇ ગયો અને એક-બે પળના મૌન પછી બોલ્યો, ‘ભલે, પણ હવે હું વધુ રાહ જોઈ શકું તેમ નથી. ચાલો...’

‘મારી સાથે આવો…’ વિલિયમે કહ્યું, ‘મારી ટેક્સી બહાર ઉભી છે.’

ત્રણેય હોટલની બહાર, ફૂટપાથ સરસી ઉભેલી ટેક્સી પાસે આવ્યા.

દિલીપ અને અજીત પાછલી સીટમાં બેસી ગયા.

વિલિયમે ડ્રાઇવિંગ સીટ પર બેસી, ટેક્સી સ્ટાર્ટ કરીને આગળ ધપાવી.

થોડી વાર ટેક્સીમાં મૌન છવાયેલું રહ્યું.

‘મારુ નામ અજીત છે…’ છેવટે અજીતે દિલીપ સામે જોઈને કહ્યું, ‘તમારું નામ હું જાણી શકું?’

‘દિલીપ...’ કહીને એણે પૂછ્યું, ‘તમે લલિતપુર પહેલી જ વાર આવ્યા લાગો છો?’

‘ના રે ના…’ એના કઠોર અને નઠોર ચહેરા પર હળવું સ્મિત ઝબક્યું, ‘અગાઉ પણ હું ચારેક વખત આવી ગયો છું.’

‘આનંદપ્રમોદ માટે આ શહેર ઘણું સારું છે ખરું ને?’ દિલીપ બોલ્યો.

‘જુઓ…’ દિલીપની વાતનો જવાબ આપ્યા વગર અજીતે ટેક્સી ચલાવી રહેલા વિલિયમના ખભા પર પાછળથી હાથ મૂકીને કહ્યું, ‘મારે એક એક અડ્ડાઓની મુલાકાત લેવી છે. તમે સમજી ગયા ને?’

‘હા, ફિકર છોડો!’ વિલિયમ વિન્ડસ્ક્રીનમાંથી દેખાતી સડક સામે નજર સ્થિર રાખીને બોલ્યો, ‘હું તમને બધા જ અડ્ડાઓમાં લઇ જઈશ.’

‘તમે શું લો છો અજીત સાહેબ?’ દિલીપે પૂછ્યું.

‘એટલે...?’

‘એટલે એમ કે નશા માટે કઈ વસ્તુ પસંદ કરો છો? કોકેન, હેરોઇન, ચરસયુક્ત સિગરેટ, ડ્રિંક્સ...કે...પછી…’

‘અરે...અરે...અજીત સહેજ હેબતાઈને બોલ્યો, ‘આમાંથી એકેય નહીં...’ કહેતાં કહેતાં એની આંખોમાં ભયના કુંડાળાઓ ફેલાયાં. એનો ખોફનાક ચહેરો જોઈને, તે ડરપોક હશે એવું કોઈ જ પહેલી નજરે મને તેમ નહોતું.

‘મારો બેટો...’ દિલીપ મનોમન બબડ્યો, ‘ડરપોક હોવાનો કેવો અભિનય કરે છે?’ પછી પ્રત્યક્ષમાં તે બોલ્યો, ‘તો પછી ઉસ્માનપુરાના અડ્ડાઓમાં...’

‘વાત એમ છે કે મિસ્ટર...કે ત્યાં હું જુદા જ કારણસર જાઉં છું.’ બે-પાંચ પળો ખમચાઈને એણે આગળ ચલાવ્યું, ‘હકીકતમાં હું એક યુવતીને શોધું છું.’

‘સરસ...પાછળથી મારે પણ કોઈકને તો શોધવાની જ છે!’ દિલીપ જાણે પોતે નશાખોર હોય એવા અવાજે કહ્યું.

‘હું કોઈ ચારિત્રહીન યુવતીની વાત નથી કરતો...!’ અજીત બોલ્યો, ‘હું જેને શોધું છું તે એક ખાનદાન કુટુંબની છોકરી છે અને ઉસ્માનપુરામાં જ ક્યાંક નામ બદલીને રહે છે.’

‘નામનું શું કામ છે? એ છોકરી હોય એટલું જ બસ નથી?’ દિલીપે એક લોફરની જેમ કહ્યું.

અજીત ચૂપ રહ્યો.

આશરે દસેક મિનિટ પછી વિલિયમે ટેક્સીને એક ફૂટપાથ સરસી ઉભી રાખી દીધી.

દિલીપે ઘડિયાળમાં સમય જોયો. આઠ ને પચીસ મિનિટ થઇ હતી. વીજળીના પ્રકાશમાં સડક ઝળહળતી હતી. ટ્રાફિક ચિક્કાર હતો.

ત્રણેયે નીચે ઉતર્યા.

વિલિયમે બંનેએ પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો. અને પછી તે બે મોટી ઇમારતોની વચ્ચે આવેલી એક સાંકડી અંધારી ગલીમાં દાખલ થઇ ગયો. એ બંને પણ તેની પાછળ જવા લાગ્યા. બસો એક વાર ચાલ્યા પછી એ ગલી પાછલી ઉજ્જડ સડકને ક્રોસ કરતી સામે છેડે આવેલી અન્ય ગલી સાથે જોડાયેલી દેખાઈ. એ ગલી સહેજ વધારે પહોળી હતી. ગલીમાં દાખલ થતાં જ એક જુના-પુરાણા મકાનની ઉપલી બારીમાંથી એક સ્ત્રીનું નફ્ફટ હાસ્ય સંભળાયું. કોઈક કોઈક મકાનમાંથી વાજિંત્રોના સુર સંભળાતા હતા. ગલીમાં ગંદકી અને દેશી દારૂની દુર્ગંધ ફેલાયેલી હતી. ક્યાંક ક્યાંક કીચડ પણ હતો. બંને તરફના મકાનોમાં સળગતી લાઈટના અજવાળા સિવાય ગલીમાં પ્રકાશ માટે બીજી કોઈ વ્યવસ્થા નહોતી.

તેઓ ત્રણેય આગળ વધતા હતા.

અચાનક સામેથી બે પોલીસો આવતા દેખાયા.

‘વિલિયમ...’ નજીક આવ્યા પછી બેમાંથી એક પોલીસે પૂછ્યું, ‘આજે તું કંઈક વહેલો આવ્યો લાગે છે…’

‘મારે આજે રાત્રે બીજા ઘણા કામ છે.’ વિલિયમ ઉભા રહેવાનો ઉપક્રમ નકારતા ઓલિસોની બાજુમાંથી આગળ વધતો બોલ્યો.

‘ઉભો રહે વિલિયમ...!’ સહસા બેમાંથી એક પોલીસે કહ્યું.

એ એકીટશે દિલીપને તાકી રહ્યો હતો.

દિલીપ તો એને પહેલી નજરે જ ઓળખી ગયો હતો.

એ ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો જમાદાર દલપતરામ હતો. એણે જ શરૂઆતમાં દિલીપની સામે પોતે ભોટ હોવાનો દેખાવ કર્યો હતો.

‘કેમ, શું છે?’ વિલિયમે ઘૂંઘવાતા અવાજે પૂછ્યું, ‘મારે મોડું થાય છે. જે કહેવું હોય તે ફટાફટ કહી નાખો જમાદાર...!’

‘હવે તો મોડું થઇ જ ગયું છે વિલિયમ! આ બંનેને તું ક્યાં લઇ જાય છે?’

‘હું લોકોને ક્યાં લઇ જાવ છું એ તમે નથી જાણતા?’ વિલિયમ સહેજ ક્રોધિત અવાજે બોલ્યો.

આ દરમિયાન દિલીપ વિલિયમ અને અજીતથી દસ-બાર પગલાં આગળ વધી ગયો હતો. એણે પીઠ ફેરવીને જોયું. જમાદાર દલપતરામનો સાથીદાર ઉતાવળાં પગલે તેની સામે ઘસી આવતો હતો. કંઈક નવાજુની કરવા જ ઘસી આવે છે. એ તેના ચહેરા પરથી જ સ્પષ્ટ થઇ જતું હતું. દિલીપ એકદમ સ્થિર ઉભો રહ્યો.

એ પહેલવાની બાંધો ધરાવતો પોલીસ તેની પાસે આવીને ઉભો હતો.

એની લાલઘૂમ આંખો દિલીપના ચહેરા પર જાડાઈ ગઈ.

થોડી પળો પછી એણે પીઠ ફેરવીને વિલિયમ સામે જોયું.

‘બેવકૂફ માણસ...’ એણે વિલિયમ સામે જોઈને ક્રોધથી દાંત કચકચાવ્યા, ‘માણસને ઓળખવાની તારામાં જરાયે સૂઝ નથી. આ…’ એણે ગરદન સહેજ પાછળ ફેરવીને દિલીપ સામે આંગળી ચીંધી, ‘કોઈ નશાખોર નહીં પણ છુપી પોલીસનો માણસ છે સમજ્યો?’

‘શું…?’ આશ્ચર્યોદગાર સાથે વિલિયમ મોટી મોટી ડાફો ભરતો તેની એકદમ નજીક આવી ગયો.

‘તમારી ભૂલ થાય છે…’ દિલીપ સ્વસ્થ અવાજે બોલ્યો, ‘હું માત્ર આનંદપ્રમોદ માટે જ અહીં આવ્યો છું.’

‘મારી જરાયે ભૂલ નથી થતી કેમ, ખરું ને દલપતરામ...?’ એણે નજીક આવેલા દલપતરામ સામે જોઈને કહ્યું, ‘ઇન્સ્પેક્ટર સાહેબના હુકમથી આ માણસને તે બહાર કાઢ્યો હતો અને ત્યાં અમને બધાને તેનો ચહેરો દેખાડીને યાદ રાખવાની સૂચના આપી હતી…! બોલ, એ માણસ આ જ છે ને?’

‘અરે…’ દલપતરામના અવાજમાં મશ્કરીની છાંટ હતી, ‘આ સજ્જન ભૂલી જવાય એવા માણસ થોડા જ છે…?’

વિલિયમ આગ વરસાવતી નજરે દિલીપ સામે તાકી રહ્યો.

‘આ બંને પોલીસોની ગેરસમજ થાય છે…’ દિલીપના અવાજમાં ગજબનાક સ્વસ્થતા હતી, ‘અથવા તો પછી બંને કોઈક કારણસર ખોટું બોલે છે વિલિયમ...!’ દિલીપે વિલિયમની આંખોની ભાષા સમજીને વગર પૂછયે જ કહ્યું.

‘સ...હરામખોર...!’ વિલિયમે દાંત પીસીને ગજવામાંથી લાંબી, ચમકારા મારતી છૂરી ખેંચી કાઢી અને પછી દિલીપ સામે ઘસ્યો.

દિલીપ નીડરતાથી એની સામે તાકી રહ્યો અને એ જેવો નજીક આવ્યો કે ગજબનાક સ્ફૂર્તિથી બે ફૂટ જેટલો બાજુએ ખાંસી ગયો. આવેશમાં ને આવેશમાં ઉતાવળથી છૂરી સાથે ઘસી રહેલ વિલિયમ, દિલીપ પહેલાં જ્યાં ઉભો હતો, ત્યાંથી એકદમ આગળ નીકળ્યો. બીજી જ પળે દિલીપે એની પીઠ પાછળ વજનદાર બુટની લાટનો જડબેસલાક પ્રહાર કર્યો. વિલિયમ નીચે ગબડી પડ્યો. પણ ત્યારબાદ દિલીપને એકે ય તક ન મળી. દલપતરામનાં હાથમાં જકડાયેલી કાળી રૂલનો એક વજનદાર ફટકો એના માથાના પાછલા ભાગમાં ખુબ જોરથી ઝીંકાયો.

વળતી જ પળે એની આંખો સામે અંધકાર છવાયો.

ફાટકના પ્રહારથી એને તમ્મર આવ્યા અને પછી તરત જ તે નીચે પછડાયો અને થોડી પળો માટે બેભાન થઇ ગયો.

દલપતરામ અને એનો સાથી દિલીપને ઊંચકીને સડક પર ઉભેલી પોલીસની જીપ પાસે લઇ આવ્યા અને તેને પાછલી સીટ પર સુવવડાવી દીધો. પછી એ બંને પણ આજુબાજુમાં બેસી ગયા. દલપતરામે જીપના ડ્રાઈવર ને જીપ આગળ વધારવાનો સંકેત કર્યો. ડ્રાઈવરે તરત જ જીપ સ્ટાર્ટ કરીને સડક પર દોડાવી મૂકી.

ઠંડી હવાના સપાટાથી દિલીપ પર છવાયેલી બેહોશી તૂટી ગઈ. પણ એનું માથું ગહન પીડાથી સનસણતું હતું. તીખી વેદનાની લહેર રહી રહીને ઊડતી હતી. તે આંખો બંધ કરીને ચુપચાપ પડ્યો રહ્યો. પોતે કોઈક વાહનમાં છે એ વાત તે જીપને લાગતાં આંચકા પરથી સમજી ગયો હતો.

પછી એણે ઉસ્માનપુરાના પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો.

ત્યાં એના મોંમાં પરાણે શરાબ ઉતારવામાં આવ્યો.

પછી એના પર દારૂ પીને ધાંધલ મચાવવાનો ચાર્જ મુકવામાં આવ્યો.

દિલીપે ઘણો વિરોધ કર્યો પણ એની વાત કોઈએ સાંભળી નહીં અને તેને પોલીસ કસ્ટડીમાં પુરી દેવાયો. સદભાગ્યે ત્યારે ઇન્સ્પેક્ટર ગુલાબરાય હાજર નહોતો એટલું સારું હતું. નહીં તો પરિસ્થિતિ વધારે વણસી જાત. પોલીસ કસ્ટડીની બહાર જે પોલીસપહેરો ભરતો હતો, એ કોઈક નવો જ આવેલો લાગતો હતો કારણ કે કાં તો એનામાં પ્રામાણિકતા જેવી ચીજ દિલીપને દેખાતી હતી અને કાં તો ઇન્સ્પેક્ટર ગુલાબરાય અને તેના ચમચાઓની ઉપેક્ષા કરતો હતો.

અને છતાંયે પોતે સંપૂર્ણ નિર્દોષ છે અને નાહક જ પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, એ વાત એને ગળે ઉતરાવવામાં દિલીપને ખુબ જ લમણાઝીંક કરવી પડી એને જયારે ખાતરી થઇ ગઈ કે દિલીપની વાતમાં તથ્ય છે, ત્યારપછી પણ તે ચૌહાણ સાહેબને ફોન કરવા માટે માંડ માંડ તૈયાર થયો. છેવટે એણે ચૌહાણ સાહેબને ફોન કરીને દિલીપની અટક કરવામાં આવી છે એવા સમાચાર આપી દીધા.

પોલીસના ફોનના જવાબમાં ચૌહાણ મારતી જીપે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો.

વિધિવત રીતે તેને કસ્ટડીમાંથી છોડાવ્યા પછી ચૌહાણે પૂછ્યું : ‘ દિલીપ આ બધું શું છે? તે અહીં આવતાની સાથે જ બખેડા શરુ કરી દીધા ને?’

‘હું ઉસ્માનપુરામાં રસ લઉં એમ ગુલાબરાય નથી ઈચ્છતો અને એટલા માટે એના માણસોએ મને દારૂ પીને તોફાન કરવાના ખોટા આરોપસર કસ્ટડી ભેગો કર્યો હતો. પણ તમે ખાતરી રાખો ચૌહાણ સાહેબ, હું તદ્દન નિર્દોષ છું. હવે એક વાત તો ચોક્કસ છે…’ દિલીપના અવાજમાં સખ્તાઈ આવી, ‘એણે કસ્ટડીમાં પુરાવીને કાળા નાગને હાથે કરીને છંછેડ્યો છે.’

‘જો દિલીપ...’ ચૌહાણે તેને સમજાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘અત્યારે તારું મગજ ઠેકાણે નથી એટલે વધુ વાતો આપણે નિરાંતે કરીશું. હમણાં તો તું મારી સાથે ઘેર ચાલ…’

‘ના...હું તમારી સાથે આવી શકું તેમ નથી.’

‘કેમ…?’

‘મારે હજુ ઘણાં કામ છે. રાત થોડી ને વેશ વધારે છે. હું પછી નિરાંતે આવી જઈશ. અત્યારે હું ખરેખર તમારે ઘેર આવી શકું તેમ નથી. જે કામ માટે હું લલિતપુરમાં આવ્યો છું, એ બને તેટલું વહેલું પૂરું કરવાનું છે અને પૂરું થયાં પછી હું ગુલાબરાયને પણ જોઈ લેવાનો છું.’ એણે હળવું સ્મિત ફરકાવ્યું, ‘અને હા, અહીંથી છોડાવવા માટે તમારો આભાર...!’

ત્યારબાદ જવાબની રાહ જોયા વગર એ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યો.

થોડી જ વારમાં તેને એક ખાલી ટેક્સી મળી ગઈ.

‘ક્યાં લઉં સાહેબ...?’ એ પાછલી સીટ પર બેઠો કે ડ્રાઈવરે પૂછ્યું.

‘માયા હોટલ, ઉસ્માનપુરા...’

ડ્રાઈવરે ટેક્સી સ્ટાર્ટ કરીને ટ્રાફિકની વચ્ચે સરકાવી.

દિલીપ આંખો બંધ કરી, પાછલી સીટની બેક સાથે પીઠ ટેકવીને બેસી રહ્યો.

ટેક્સી આગળ વધતી રહી.

થોડી વાર પછી તે ઉસ્માનપુરામાં દાખલ થઇ, ગલી નંબર એકના ખૂણા પર ઉભી રહી ગઈ.

નીચે ઉતરીને દિલીપે ભાડું ચુકવ્યું.

ડ્રાઈવર તરત જ ત્યાંથી ટેક્સીને હંકારી ગયો.

દિલીપે સિગરેટ કાઢવા માટે ગાજવા ફંફોળ્યા તો એના હાથમાં હોટલના રૂમની ચાવી આવી ગઈ. દીનાનાથને ફોન કરવાની ધમાલમાં પોતે કાઉન્ટર પર ચાવી આપવાનું ભૂલી ગયો હતો એ પણ હવે તેને યાદ આવી ગયું.

એની હાલત એકદમ અસ્તવ્યસ્ત હતી.

વાળ જંજીર જેવા થઇ ગયા હતા.

કપડામાં પણ કરચલીઓ પડી હતી.

ચહેરા પર ઠેકઠેકાણે ઉઝરડા હતા.

એના મોંમાંથી દારૂની ગંધ આવતી હતી.

આવી હાલતમાં તેને હોટલના મુખ્ય બારણેથી અંદર દાખલ થવાનું યોગ્ય ન લાગ્યું.

એણે હોટલને ફરતું ચક્કર માર્યું.

હોટલની ઇમારતના પાછળ ભાગમાં તેને એક ઉઘાડું બારણું દેખાયું.

આ દ્વારનો ઉપયોગ સર્વિસ એન્ટ્રન્સ તરીકે કરવામાં આવતો હતો.

તે બેધડક અંદર દાખલ થઇ ગયો.

હવે તે એક સાંકડી લોબીમાં હતો.

લોબીમાં કોઈ જ નહોતું.

લોબી વટાવીને તે સીડી પાસે આવ્યો.

હોટલનો એક નોકર એનાથી દસેક પગલાં દૂર એક હાથમાં ટ્રે ઊંચકીને ચાલ્યો જતો હતો.

એની પીઠ દિલીપ તરફ હતી. એટલે તે દિલીપને જોઈ શકે તેમ નહોતો.

દિલીપ દબાતે પગલે આગળ વધીને સીડી પાસે પહોંચ્યો.

સીડી પર ઉભા રહીને એણે કાન સરવાં કર્યા.

ઉપરથી નીચે આવવાના કોઈના પગલાંનો અવાજ તેને સંભળાયો નહીં.

સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે સીડી પર કોઈ જ નહોતું.

એ સ્ફૂર્તિથી પગથિયાં ચડીને ત્રીજા માળ પર પહોંચ્યો.

ત્યારપછીની આગલી પળે તે પોતાની રૂમનાં બારણાં પાસે હતો.

રૂમનું તાળું ઉઘાડીને તે અંદર પ્રવેશ્યો. અને ઝડપથી બારણું બંધ કરી દીધું.

અંદર અંધારું હતું.

એણે સ્વીચ ઓન કરીને લાઈટ સળગાવી.

કમરામાં અજવાનું ફેલાઈ ગયું.

બાલ્કનીમાં ઉઘડતું બારણું બંધ હતું.

એની બરાબર સામેની બારી પણ બંધ હતી અને એ બારી તથા બાલ્કનીના દ્વાર પર પડદા ઢાળેલાં હતા.

પોતે બારી બંધ કરી હતી કે નહીં, એ તો તેને યાદ નહોતું આવતું પણ બાલ્કનીમાં જવાનું બારણું પોતે ઉઘાડું મૂકી ગયો હતો એની એને સોએ સો ટાકા ખાતરી હતી.

-તો પછી બંધ રૂમમાં કોને કેવી રીતે આવીને બાલ્કનીનું બારણું બંધ કરી દીધું.

આ પ્રશ્ન એના દિમાગમાં સળવળવા લાગ્યો.

એણે રૂમમાં ચારે તરફ નજર દોડાવી.

ફરતા ફરતા એની નજર ડ્રેસિંગ ટેબલ પર સ્થિર થઇ ગઈ.

એનું કાળજું ધરું ધરું થવાં લાગ્યું.

બલરામપુરની એની ઓફિસમાં દીનાનાથે આપેલ, એની દીકરી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનો ફોટો ડ્રેસિંગ ટેબલ પરથી ગુમ થઇ ગયો હતો. પોતે એ ફોટો ડ્રેસિંગ ટેબલ પર જ મુક્યો હતો એ વાત તેને બરાબર યાદ હતી.

આગળ વધી, બાલ્કનીનું બારણું ઉઘાડીને એણે બહાર નજર દોડાવી.

બાલ્કનીની બરાબર સામે આવેલા આરતી જોશીના, પંદર નંબરના બ્લોકમાં અંધકાર છવાયેલો હતો.

ત્યાં કોઈની હાજરી હોવાનો આભાસ તેને મળ્યો નહીં. પાછો ફરીને તે બાથરૂમમાં ગયો. એણે ટુવાલ ભીનો કરીને ચહેરા અને માથાના પાછળ ભાગ પર પડેલા લોહીના ડાઘા ધીમે ધીમે ઘસીને સાફ કરી નાખ્યા.

પછી સ્નાનાદિથી પરવારી, વસ્ત્રો બદલાવીને તે ફરીથી બાલ્કનીમાં આવીને ઉભો રહ્યો. ફોટો વિષે તેને રજ માત્ર પણ શંકા નહોતી. પોતે તે ડ્રેસિંગ ટેબલ પર જ મૂકીને ગયો હતો.

જરૂર આરતી જોશી પોતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી, બાલ્કનીમાં કૂદીને, રૂમમાં દાખલ થઇ અને પછી પોતાનો ફોટો ઉઠાવીને ચાલી ગઈ હશે.

વિચારતા વિચારતા તેને યાદ આવ્યું કે પોતાની બહેનપણીઓને વિદાય કર્યા પછી પોતે દિલીપની રાહ જોશે એમ તેને રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીએ કહ્યું હતું. અને જો એનાં કહેવા પ્રમાણે તે ખરેખર જ રાહ જોતી હોય તો પછી એના બ્લોકમાં અંધારું શા માટે છે? અચાનક એક અમંગળ આશંકાથી એનું હૃદય ધકધકવા લાગ્યું.

એણે આંખો ફાડી ફાડીને આરતીના બ્લોકમાં જોવાનો પ્રયાસ કર્યો. ગલીના છેડે સળગતી પોલ લાઇટનો આછો પ્રકાશ બંને ઇમારતો વચ્ચે એક પટ્ટાના રૂપમાં ફેલાવતો હતો.

આરતીને બાલ્કનીમાં જે ખુરશી પર દિલીપે બેઠેલી જોઈ હતી, એ ખુરશીનો માત્ર તેને આભાસ જ મળતો હોય એમ લાગતું હતું. ખુબ પ્રયાસો પછી તેને રૂમને જોડતાં બારણાં પર કોઈક સફેદ ધાબા જેવી ચીજ દેખાઈ.

એની નજર એ સફેદ વસ્તુ પર સ્થિર થઇ ગઈ. કંઈક વિચારી, ગલીમાં આમતેમ નજર દોડાવી. ગલીમાં રાતનો સન્નાટો ફેલાયેલો હતો. તે રેલિંગની ચપટી સપાટી પર ચડીને આરતી જોશીની બાલ્કનીમાં સહેલાઈથી ઉતરી ગયો.

એ સફેદ વસ્તુ એક સ્ત્રીનો પગ હતો.

ગજવામાંથી લાઇટર કાઢીને એણે કંપતા હાથે પેટાવ્યું.

લાઇટરના અજવાળામાં એક સ્ત્રીનો મૃતદેહ તેને દેખાયો. એણે ચહેરા પર પ્રકાશ ફેંક્યો.

એ કમનસીબ બીજું કોઈ નહીં પણ રાજેશ્વરી ઉર્ફે આરતી જોશી હતી.

એ મૃત્યુ પામી હતી.

***