પ્રેમ કે પ્રતિશોધ - 9

પ્રેમ કે પ્રતિશોધ-9

(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન બંને કોન્સ્ટેબલને શિવાનીના મર્ડર કેસની તપાસ આગળ ધપાવવા માટે કાર્ય સોંપે છે. શિવાનીનો ખૂની ભવિષ્યમાં અન્ય એક ખુન કરશે તેમ સ્વયં સાથે નિશ્ચય કરે છે.)

હવે આગળ......

શિવાનીના મૃત્યુને લગભગ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હશે. અર્જૂન અને તેની ટીમ પૂરી લગનથી શિવાનીના કાતિલ સુધી પહોંચવાનો પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ તેમને ધારી સફળતા મળી ન હતી. રમેશ શિવાની વિશે લગભગ બધી જાણકારી એકઠી કરી લાવ્યો હતો પણ તેમાં કંઈ અજુગતું કે આશ્ચર્યજનક જાણવા મળ્યું નહીં. દિનેશ એ પણ ઘડિયાળના ગ્રાહકોની લાંબી લિસ્ટ તૈયાર કરી હતી. અને તે આ લિસ્ટ માંથી શિવાનીના નજીકના કોઈ વ્યક્તિ નું નામ શોધવાના પ્રયત્નો કરી રહ્યો હતો.
   બીજી બાજુ વિનય અને તેના મિત્રો શિવાનીના મૃત્યુને એક ખરાબ સપનું સમજીને ભૂલી જવાના પ્રયાસો કરી રહ્યા હતા. ખાસ કરીને શિવાનીની સૌથી નજીક હોવાથી રાધી માટે શિવાની સાથે થયેલ બનાવ ભૂલવો એટલો સરળ હતો નહીં. વિનય પણ જ્યારે સમય મળે ત્યારે રાધીને મળીને તેને સાંત્વના આપવાના પ્રયાસો કરતો હતો પરંતુ રાધીના મનમાં હજી પણ તે વાત રમતી હતી કે નક્કી શિવાનીના મૃત્યુ પાછળ પેલી ઘટના જ જવાબદાર છે.

વિનય અને તેમનું ગ્રૂપ આખી કોલેજમાં પ્રખ્યાત હતું. અને હોય પણ કેમ નહીં!. તેમના ગ્રુપમાં લગભગ તમામ અલગ અલગ રીતે કોઈ ડાન્સમાં તો કોઈ સ્ટડીમાં તો વળી કોઈ સ્પોર્ટ્સમાં એમ અવ્વલ હતા.
કોલેજમાં જ્યારે બ્રેક પડે ત્યારે બધા કેન્ટીનમાં તેમના પૂર્વનિર્ધારિત ટેબલની આજુબાજુ વીંટલાયને ગોઠવાઈ જતાં.
“આજે સાત દિવસ થયા પણ હજી પોલીસ શિવાનીના ખૂની સુધી પહોંચી નથી શકી."રાધીએ ચિંતિત સ્વરે કહ્યું.
“અરે યાર, જ્યારે જોઈએ ત્યારે બસ તું એક જ વાતનું રટણ કર્યા કરતી હોય છે. હવે શિવાનીનો ખૂની જાતે તો કંઈ પોલીસને જઈને નહીં કહે કે પકડી લો ભાઈ પકડી લો મને, એમને એમ તો સમય લાગે આ કંઈ કોઈ ટીવી શો નથી કે જેમાં થોડીક વારમાં કેસ સોલ્વ થઈ જાય."રાધીને સમજાવતાં અજયે કહ્યું.
“શિવાનીના મૃત્યુનું અમને પણ તારા જેટલો જ દુઃખ છે. પણ હવે તો સાત દિવસ થયાં તો પણ તું દરરોજ બ્રેકમાં બસ એક વાત પકડીને જ બેસી રહે છે."આ વખતે દિવ્યાએ કહ્યું.
“હું જાણું છું. પણ......"રાધી આગળ બોલવા જતી હતી ત્યાં કોલેજનો બેલ વાગ્યો.
વિનયે ઉભા થતાં થતાં કહ્યું,“હવે પછી કહેજે તારે કહેવું હોય તે."
વિનય,રાધી અને અજય કેન્ટીનથી રૂમ તરફ ચાલ્યા.
“તમારે હવે અહીં જ બેસી રહેવું છે?"અજયે વિકાસ,દિવ્યા અને સુનીલને ઉદ્દેશીને કહ્યું.
“ના ના તમે ચાલો અમે આવીએ જ છીએ"-સુનિલે કહ્યું.
તેમના ગયા પછી નિખિલે કહ્યું,“યાર, આપણે કંઈક વિચારવું પડશે, શિવાનીની હત્યા પછી આપણા ગ્રુપમાં હસવાનું તો જાણે બધા ભૂલી જ ગયા છે."
તેની વાતમાં સુર પોરવતા વિકાસે કહ્યું,“તારી વાત સાચી છે. પણ આપણે શું કરી શકીએ?"

તેમની વાત સાંભળીને સુનીલને એકાએક કંઈક યુક્તિ સૂઝી હોય તેમ કહ્યું,“એક પ્લાન તો છે. પણ બધા હા પાડે તો થાય?"
નિખિલ અને વિકાસ એકસાથે બોલ્યા,“બોલ ને ભાઈ શું પ્લાન છે."
સુનિલે ચોખવટ કરતાં કહ્યું,“આ વિકેન્ડમાં ક્યાંય બહાર જઈએ તો ખાલી એકાદ દિવસ?"
નિખિલે કહ્યું,“હા યાર તારો આઈડિયા તો સરસ છે. પણ એકવાર બધા જોડે વાત કરી લઈએ."
“એક રાધીને મનાવવી કદાચ મુશ્કેલ થશે?"વિકાસે થોડીવાર વિચાર્યા પછી કહ્યું.
તેની વાત સાંભળીને સુનિલે કહ્યું“એ તો તમે નિશ્ચિંત રહો, વિનય તેને મનાવી લેશે."
“તો પછી નેકી ઓર પૂછપૂછ! ચાલો આજે જ બધા જોડે વાત કરીને જ નક્કી કરીશું ક્યાં જવું છે તેનું."નિખિલે સ્ટૂલ પરથી ઉભા થતાં કહ્યું.

બપોરે કોલેજમાંથી છૂટ્યા પછી બધા પાર્કિંગમાં ભેગા થયા ત્યાં નિખિલે આવતાં વિકેન્ડમાં બહાર જવાની વાતનું ઉચ્ચારણ કર્યું.
તેમાંથી અજય અને વિનય તો કંઈ બોલ્યા નહીં પણ રાધી અને દિવ્યાને કદાચ આ વાત ગળે ન ઉતરી.
“કેવી વાત કરો છો તમે લોકો હજી આપણી ફ્રેન્ડના મૃત્યુને સાત દિવસ થયા છે ને તમારે બહાર પિકનિક કરવા જવું છે?"દિવ્યાએ નિખિલની વાતને જળમૂળથી કાપતાં કહ્યું. એની આંખોમાં શિવાની પ્રત્યેની લાગણી અને આ વાત કરવા બદલ નિખિલ પ્રત્યે ગુસ્સો ઉતરી આવ્યો હોય તેમ લાગ્યું.
“પણ એમાં ખોટું શું છે? જો જોઈએ બધાના ચહેરા તને શું લાગે છે અમને આમ તમારા ઉતરેલા અને ઉદાસ ચહેરા જોઈને આનંદ આવતો હશે?"સુનિલે થોડા ઉંચા સ્વરમાં કહ્યું.
“અમે પણ તમારું બધાયનું વિચારીને જ આ પ્લાન બનાવ્યો હશેને?"નિખિલે દિવ્યા તરફ દ્રષ્ટિ કરતાં કહ્યું.
“અમને એમ કે એકાદ દિવસ બહાર જવાથી જો બધાને થોડી રાહત થતી હોય તો શું કામ ન જવું જોઈએ?"આ વખતે સુનિલે કહ્યું.


સુનિલ અને નિખિલ તો જાણે બધા ને મનાવવા જ છે એમ નિશ્ચય કરીને આવ્યા હોય તેમ અન્ય કોઈનો બોલવાનો વારો જ નહોતા આવવા દેતા.
અંતે દિવ્યા પણ માની ગઈ. અને તેણે હકારમાં માથું હલવ્યું.
હવે બધા રાહ જોતા હતા કે રાધી શું કહેશે?, પણ રાધીએ કંઈ પણ બોલ્યા વગર પોતાનું સ્કૂટર સ્ટાર્ટ કરીને ત્યાંથી નીકળી ગઈ.
પાછળથી બધા છેક રાધી મેઈન ગેટ ક્રોસ કરીને મેઈન રોડ પર દેખાઈ ત્યાં સુધી બસ એમ જ જોયે રાખ્યું.

“તમે આગળનું પ્લાન કરો. રાધી હારે હું વાત કરી લઈશ."તેના કહેવાથી રાધી અવશ્ય આવશે તેવા વિશ્વાસ સાથે વિનયે કહ્યું.

“ok, તો ક્યાં જવું છે તે કાલે નક્કી કરશું."વિનય સામે જોઇને અજયે કહ્યું.
બધા ત્યાંથી છુટા પડ્યા..........

**********
ફરી આજે એજ રૂમમાં તે વ્યક્તિ પોતાની મનપસંદ સિગારેટનો કસ ખેંચતા ખેંચતા મંદ મંદ હસી રહ્યો છે.
સામે ટેબલ પર પડેલી ગન લોડ કરતાં કરતાં પોતાની સાથે જ વાત કરતો હોય એમ કહ્યું.“શું વાત છે શિકાર ચાલીને ખુદ શિકારી પાસે આવશે? મારે તો કંઈ કરવાની જરૂર જ નથી. આમ પણ આ મૂર્ખ લોકો તૈયાર જ છે સામે ચાલીને મોતને ભેટવા માટે...........
ફરી તેણે અટ્ટહાસ્ય કર્યું જેનાથી આંખાય રૂમની દીવાલો જાણે ધ્રુજી ઉઠી........

વધુ આવતાં અંકે......શું વિનય રાધીને મનાવી લેશે?
કોણ છે આ વ્યક્તિ ? અને તેનો આગલો શિકાર કોણ છે?
અર્જુન શિવાનીના ખૂની સુધી પહોંચવામાં સફળ થશે કે નહીં?

જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.......


આપનો અભિપ્રાય અચૂક આપશો.
આભાર.
વિજય શિહોરા-6353553470

***