બુધવારની બપોરે - 30

બુધવારની બપોરે

(30)

સાપ નીકળે પછી શું કરવાનું?

‘એએએએએ....સાપ નીકળ્યો....સાપ નીકળ્યો....ઓ મ્મા રે...! મારો...કોઇ મારો...’ આખી સોસાયટીમાં બૂમરાણ મચી ગઇ.

‘‘સુઉં વાત કરો છો....ઈ તો હવારના ઘરમાં જ છે.....બા’ર નીકર્યા જ નથી’’ મારી પત્ની મારૂં સમજી ને ખુલાસો કરવા ગઇ. પહેલા તો કોઇએ એનું માન્યું નહિ કે, ‘ભાભી જુઠ્‌ઠું બોલે છે.....એમનો ગોરધન ચોક્કસ બહાર નીકળ્યો હશે... એ વિના આટલી હોહા---’’

ગામડાં તો ઠીક, હવે શહેરની બહાર ફાર્મ-હાઉસીસ લઇને રહેનારાઓ માટે સાપ નીકળવો મોટી વાત નથી. લગભગ રોજ નીકળતા હોય ને એમની મેળે જતા ય રહે. મારતું કોઇ નથી. પણ શહેરમાં ક્યાંક સાપ નીકળે, એ લોકોના ટોળા ભેગા કરવાની મોટી ઘટના છે. આમે ય, ફિલ્મો સિવાય રૂબરૂ તો સાપ ભાગ્યે જ જોયો હોય. જેણે જોયો હોય, એ ઑથોરિટીથી વાત કરે,

‘‘અરે....આઠ-નવ ફૂટ લાંબો હતો...મેં સગ્ગી આંખે જોયો...!’’ બીજો એનો રંગ પૂછે, ‘‘બ્લૅક હતો? બ્લૅક હોય તો એ સાપ ના હોય, કોબ્રા એટલે કે નાગ હોય!’’ ત્રીજો વળી ત્રીજી જ વાત લાવે, ‘‘એને મોંઢા કેટલા હતા? પૂંછડી ઉપર ખંજરી જેવું કાંઇ વાગતું હતું?’’

‘‘મને તો આમાં મોદીનો હાથ લાગે છે...ભાજપના રાજમાં સાપ ના નીકળે તો શું હજાર-હજારની નૉટો નીકળે?’’

‘‘ભ’ઇ, હવે જરા છાનું રહે....તારા ફ્લૅટમાંથી રાહુલ જેટલું બચોળીયું ય નીકળતું નથી...છાનું રહે...!’’

‘‘અલ્યા મારી રાયફલ લાય તો...!’’ બધામાં એક કાઠીયાવાડી બાપૂ ય હતા. એ વાઇફ સિવાય કોઇની ય ઉપર ગુસ્સે થાય, ત્યારે રાયફલ કાઢવાની લૂખ્ખી આપે. કારગિલ વખતે ય સોસાયટીની બહાર ઊભા ઊભા રાડું પાડતા હતા, ‘‘કોઇ મારી રાયફલ લાવો....પાકલાઓના (પાકિસ્તાનીઓના) ઢીંઢા ભાંગી નાંખુ..!’’ કોઇકે વળી એમને શાંત પાડ્યા કે, ઘરમાં રાયફલ તો ઠીક, દૂધી છોલવાની છરી ય નથી, ત્યારે એ શાંત પડ્યા ને એમાં આખું પાકિસ્તાન બચી ગયું.

અમારા દસ-બાર બંગલાની સોસાયટીમાં ૩-૪ તો ફ્લૅટ્‌સ છે. સાપ એક બંગલાના કમ્પાઉન્ડના ખૂણામાં દેખાયો હતો. દેખાવમાં એ બંગલાના બધા મૅમ્બરો બિલકુલ માણસ જેવા દેખાય છે, પણ સાપ નીકળ્યો, એમાં બધા મદારી જેવા બની ગયા. મદારી પણ માણસ હોય, પણ આ લોકોના તો લક્ષણો ય મદારી જેવા થવા માંડ્યા. ઘરમાં મદારીઓવાળી ડૂગડૂગી તો હોય નહિ, એટલે ઘરના વડીલ વેલણથી થાળી વગાડવા માંડ્યા. કાકીને પરણે ૫૦-પૂરા થવા આવ્યા હતા, એટલે લાઇફમાં આવા તો હજારો સાપો જોઇ લીધા હોય. એ ડર્યા નહિ અને ઉપરથી કાકા ઉપર ખીજાયા, ‘‘આમ શું ઊભા ઊભા થાળા વગાડો છો....? જાઓ ને કાળોતરાને પકડી લો...’’ ઘરનો યુવાન પુત્ર તદ્દન પતલો અને ઊભો હોય તો સાપના આકારનો લાગે, પણ હિંમતવાળો બહુ! એણે કમ્પાઉન્ડના ઝાંપે આવીને બૂમો પાડવા માંડી, ‘‘એ સાપ નીકળ્યો છે....બધા જલ્દી આવો...કોઇ પકડી લો...!’’

‘‘કોઇના ઘેર બિન છે? બિન વગાડો તો ભલભલો સાપ બહાર આવે ને ડોલે ય ખરો...’’

‘‘અરે ભ’ઇ, તારા માટે સાપનો ટોપલો મંગાઉં? ફૂટપાથો ઉપર ફરીફરીને ખેલ બતાવવા છે? અહીં કોઇને બારણું ખખડાવતા ય આવડતું નથી ને તારે બિન વગડાવવું છે? અરે ભ’ઇ...સીધો ‘સુંદરવન’ ફોન કરો. એ લોકો પકડી જશે.’’

ગભરાયેલા બધા હતા. કહેવા કોઇ માંગતું નહોતું. કોક ચપ્પુ લઇ આવ્યું તો કોઇ ધારીયું! આ જમાનામાં ચપ્પા ને ધારીયા તો ક્યાંથી કાઢવા, પણ બે-ત્રણ શસ્ત્રો મહત્વના હતા. અમારી સામેવાળા બા’મણ ભ’ઇ બૉક્સિંગ-ગ્લૉવ્ઝ પહેરીને, ‘‘ક્યાં છે...? ક્યાં છે?’’ કરતા આવ્યા, તો એમના ધર્મમાં હિંસાનો બાધ હોવાથી શાહ સાહેબ ફક્ત નવકાર મંત્ર બોલતા બોલતા આવ્યા. ત્રિવેદી-અન્કલ પાસે શસ્ત્રોનો એવો કોઇ જથ્થો નહિ, એટલે એ સાયકલની જૂની ટ્યુબ ઘુમાવતા ઘુમાવતા આવ્યા. પબ્લિક ભેગું થતું જતું હતું. ઠક્કર સાહેબ એમના ઘરના માળીયામાંથી તાબડતોબ શોધીને ‘સાપ પકડવાની સરળ પધ્ધતિઓ’ નામની કાચા પૂંઠાની ચોપડી લઇ આવ્યા. વાય.વાય.યાજ્ઞિકે સહેજ ચીડાઇને કહ્યું, ‘મેં તો સોસાયટીની કારોબારીમાં પ્રસ્તાવ મૂક્યો જ હતો કે, ‘સૉસાયટીમાં કૉમન-ખર્ચે ત્રણ-ચાર નોળીયા પાળો....સાપ-નોળીયાને બાપના માર્યા વેર હોય...નોળીયો ભલભલા સાપને પકડી પાડે, પણ મારૂં કોઇ સાંભળે તો ને?’

‘‘યૅક્ઝૅક્ટ કિદર છીપા હૈ?’’ નાયરે પૂછ્‌યું. આર.કે.પટેલે પોતાના ખિસ્સા ફંફોસતા કહ્યું, ‘‘જો ભ’ઇ, મારી ઉપર ડાઉટ નહિ લાવવાનો....જોઇ લો ખિસ્સા!’’ (આર.કે. એટલે ‘રાજ કપૂર’ જેવું કોઇ જાણિતું નામ નહિ....આર.કે. એટલે રૂઘનાથભ’ઇ ખોડાભ’ઇ!) દુનિયાભરના ‘રમેશ પટેલો’ આવા છસ્સો વર્ષ પુરાણા નામને બદલે ‘આર.પી.’, ‘આર.ઍલ’ કે ‘આર.જી’ નામોથી ઓળખાવવાનું પસંદ કરે છે.....આ તો એક વાત થાય છે!)

આખી સોસાયટીની ભેગી થયેલી સ્ત્રીઓ સાપ પકડવાને બદલે લવારા બહુ કરતી હતી.

‘‘આ સાપ લોકો રહેતા ક્યાં હશે?’’ એક મહિલા જેવી દેખાતી મહિલાએ પૂછ્‌યું. જવાબમાં ભીડમાંથી કોક બોલ્યું ય ખરૂં, ‘આપણી પાસે સાપનું બિઝનૅસ-કાર્ડ નથી...સૉરી!’ બીજીએ બધાને બીવડાવતા કહ્યું, ‘અલી, આમાં તો બહુ ધ્યાન રાખવું પડે....મોટા ભાગે તો આવા સાપો શાકસબ્જીની થેલીઓમાંથી નીકળતા હોય....થેલી દૂરથી જ ખાલી કરવી!’ એ બધીઓ પાછી પોતપોતાના ભાગે આવેલા ગોરધનોની કોણી ખેંચીને છપછપ અવાજે કહે ય ખરી, ‘‘જો, તમે બહુ ડાહ્યા થવા ના જતા....મૂવો પકડાવાનો હશે તો પકડાશે....તમને તો પાછો સાપ પકડવાની પ્રૅક્ટિસ બી નથી...!’’

એ બંગલાના જે ખૂણામાં સાપ છુપાયો હોવાની દહેશત હતી, ત્યાં બધા વાંકા વળી વળીને જોતા હતા. કેટલાક દૂર ઊભા ઊભા સાપ સાંભળે નહિ, એમ એને બીવડાવવા ‘છુછ....છુછ’ કરતા હતા. એવામાં પાણીની ટાંકી પાછળ સાપની પૂંછડી દેખાઇ. ‘એ રહ્યો....એ રહ્યો....મારો સાલાને...!’ કોણ બોલ્યું એ ખબર નથી, પણ કોક બોલ્યું ખરૂં. સ્ત્રીઓમાં ચીસાચીસ થઇ. બાળકો એમ કાંઇ ઘેર જાય? પણ એમના પપ્પાઓ (ભાગે પડતા આવેલા પપ્પાઓ) ધીમે રહીને એક પછી એક રવાના થવા માંડ્યા. બંગલાવાળા ડોહાએ ખીજાઇને બધાને ખખડાવવા માંડ્યા, ‘અરે ભાગો છો શું? જુઓ....પેલો બહાર નીકળ્યો છે....ઓહ...કોઇ પકડો એને...જલ્દી....જલ્દી!’

રસ્તા ઉપર કોઇ લારીવાળો જતો હતો, એને વહાલથી બોલાવીને ‘રીલાયન્સ’માં ઑર્ડર મૂકતા હોય એમ કહ્યું, ‘‘ઓ ભ’ઇ...આ જરા સાપ પકડીને બહાર ફેંકી દે ને....પાંચ રૂપીયા આલીશ..’’ આવી તોતિંગ ઑફર સાંભળવા પણ લારીવાળો ન રોકાયો. શાહે સૉસાયટીના સૅક્રેટરી ત્રિવેદીને પૂછી જોયું, ‘‘....ખર્ચો સોસાયટીમાં નાંખવાનો હોય તો પેલાને પચ્ચી રૂપિયામાં પટાવી દઉં...’’

‘‘બોલો....પચાસ મને આપશો, તો હું પકડી લઉં?’’ આટલામાં તો મારામારી થઇ જાત...ન થઇ!

સદરહૂ સાપ ગભરાઇને ટાંકી પાસે પડ્યો રહ્યો હતો. એમાં પહેલી વાર ગભરાયા વગર મારી વાઇફે ઝાંપા પાસે જઇને સાપ સાથેની દસ-પંદર સૅલ્ફીઓ ખેંચી નાંખી. બીજી બધીઓ ય જોડાઇ, ‘એ આપણે સાપ સાથે ગ્રૂપ ફોટો લઇએ....‘ફૅસબૂક’માં આજે જ મૂકી દઇશું...’ અલબત્ત, સૅલ્ફી લેવામાં સાપ પાછળ હોય ને બેનનું મોંઢું આગળ હોય, એટલે ગભરામણના માર્યા સ્માઈલ કોઇ આપી ન શક્યું.

સાપને તો ઝૂ વાળા લઇ ગયા...પણ શાહ સાહેબને નાનકડો આઘાત ચોક્કસ લાગ્યો કે, ‘આમ મફતમાં એ લોકો સાપ લઇ જાય, એને બદલે આપણને વ્યાજબી ભાવ ના આલવો જોઇએ?’

સિક્સર

આખી દુનિયામાં ઈંગ્લિશ બોલતો સૌથી મોટો દેશ અમેરિકા છે....ચોંકતા નહિ, બીજા નંબરે ભારત છે...પણ ભારતમાં ગુજરાતનો નંબર ક્યો આવે, એ તમારે હસ્યા વિના ધારી લેવાનું!

-------

***

Rate & Review

Mewada Hasmukh 2 months ago

Rakesh Thakkar 2 months ago

Kanji Solanki 2 months ago

Balkrishna patel 2 months ago

Kishor Rathod 2 months ago