super 30 movie review books and stories free download online pdf in Gujarati

મુવી રિવ્યુ - સુપર ૩૦

“શિક્ષણનું વ્યાપારીકરણ અને વિદ્યાર્થીકરણ”

બિહારના પટનાના પ્રસિદ્ધ શ્રી આનંદ કુમારના સુપર ૩૦ ક્લાસની જીવંત ઘટનાઓ પર આધારિત સુપર ૩૦ ના ટ્રેલરે કોઈ ખાસ આશા જગાવી ન હતી કારણકે તેમાં હ્રિતિક રોશન પરાણે પરાણે બિહારી લઢણમાં બોલતો હોય એવું લાગતું હતું. તો શું સમગ્ર ફિલ્મમાં પણ હ્રિતિક આવું જ બોલે છે?

સુપર ૩૦

કલાકારો: હ્રિતિક રોશન, મૃણાલ ઠાકુર, વિરેન્દ્ર સક્સેના, નંદીશ સિંગ, અમિત સાધ, માનવ ગોહિલ, આદિત્ય શ્રીવાસ્તવ અને પંકજ ત્રિપાઠી

નિર્માતાઓ: ફેન્ટમ ફિલ્મ્સ, નડીયાદવાલા ગ્રેન્ડસન્સ એન્ટરટેઈનમેન્ટ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને HRX ફિલ્મ્સ

નિર્દેશક: વિકાસ બહલ

રન ટાઈમ: ૧૫૪ મિનીટ્સ

ફિલ્મની વાર્તા બિહારની રાજધાની પટનામાં બનેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. પટના યુનિવર્સીટીમાંથી ગણિત માટે રામાનુજ એવોર્ડ મેળવનાર આનંદ કુમાર અત્યંત ગરીબીમાં ઉછર્યા છે. પિતા પોસ્ટમેન છે અને પટનામાં ટપાલ સાથે ખુશીઓ પણ વહેંચે છે. આનંદ કુમારને ગણિતના વિષયમાં જ આગળ વધવાની ઈચ્છા હતી અને તેમણે વધુ ભણતર માટે કેમ્બ્રિજ જવાની ઈચ્છા હતી, પરંતુ ગરીબી?

તેઓ પોતાનું ગણિતનું જ્ઞાન પાક્કું કરવા તેની ઇન્ટરનેશનલ જર્નલ વાંચવા તેમાંથી કશુંક શીખવા પટનાથી છેક વારાણસી બીએચયુની લાઈબ્રેરીમાં ચોરીછુપે જાય છે. અહીં એક દિવસ તેઓ લાઈબ્રેરીયન દ્વારા પકડાઈ જાય છે અને લાઈબ્રેરીયન તેમનું અપમાન કરીને તે આનંદ કુમારને અહીંથી કાઢી મુકે છે. પરંતુ અહીંથી જતા અગાઉ આનંદ કુમારને અહીંનો પટાવાળો એક સૂચન કરે છે કે જો તેમનો આર્ટીકલ આ જર્નલમાં છપાશે તો આખી જિંદગી તેમને આ જર્નલ મફતમાં મળશે.

પછી તો આનંદ કુમાર મહેનત કરીને દુનિયાભરના ગણિતશાસ્ત્રીઓ જે એક મુદ્દાનો ઉકેલ નહોતા લાવી શક્યા તે લાવી બતાવે છે અને પોતાનો આર્ટીકલ પેલી જર્નલમાં છપાવવા માટે મોકલે છે. જર્નલમાં આર્ટીકલ છપાય પણ છે અને તેના આધારે કેમ્બ્રિજ યુનિવર્સીટી સામેથી આનંદ કુમારને ત્યાં ભણવાનું આમંત્રણ પણ આપે છે, પરંતુ ગરીબી.... બસ આ ઘટના બાદ આનંદ કુમારનું જીવન કાયમ માટે બદલાઈ જાય છે. અહીંથી તેઓ ગરીબ અને અતિગરીબ બાળકોને IIT સુધી પહોંચાડવા માટે સુપર ૩૦ ના ક્લાસ કેવી રીતે શરુ કરે છે તેની સમગ્ર સફર તમે થિયેટરમાં માણી શકો છો.

રિવ્યુ

એવું નથી કે ફિલ્મ નદીની જેમ સતત ખળખળ વહેતી રહે છે. આનંદ કુમાર તેમના સુપર ૩૦ ક્લાસ માટે સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતા છે, આથી આ મુદ્દા પર આવવા માટે દર્શકની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે. પરંતુ ફિલ્મમાં આનંદ કુમાર આ મુદ્દે પહોંચે છે ત્યાં સુધીમાં ફિલ્મ લગભગ ૪૦% જેટલી સફર પૂર્ણ કરી ચૂકી હોય છે. આથી શરૂઆતમાં ફિલ્મ તમને ધીમી લાગે તે શક્ય છે.

તેમ છતાં આ સમય દરમ્યાન પણ ભાવનાત્મક દ્રશ્યોની કોઈજ ખોટ નથી જે તમારો ફિલ્મમાં રસ જાળવી રાખવામાં સફળ થાય છે. ઈન્ટરવલના પોઈન્ટ પર અને ઈન્ટરવલ બાદ એકપછી એક ઘટનાઓ એવી બને છે કે એક સેકન્ડ માટે પણ સ્ક્રિન પરથી તમને નજર ફેરવવાનું મન થતું નથી. હા, આનંદ કુમાર જેવા સાદા સીધા માણસના જીવનમાં પણ ક્યારેય આઈટમ સોંગ જેવી ઘટના બની હશે કે કેમ એ મોટો પ્રશ્ન છે પરંતુ ફિલ્મમાં મનોરંજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે આ પ્રકારની છૂટછાટ નિર્દેશકો લેતા હોય છે તે સ્વાભાવિક છે.

સુપર ૩૦ના ત્રણ દ્રશ્યો ખરેખર અત્યંત રસપ્રદ બન્યા છે. એક તો જ્યારે આનંદ કુમાર પોતાના ગરીબ વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનો ડર દૂર કરાવવા માટે ફરજ પાડે છે એ સમગ્ર દ્રશ્ય અને તેની સાથે જોડાયેલું બસંતીવાળું ગીત. બીજું દ્રશ્ય જ્યારે હોસ્પિટલ પર નક્સલી હુમલો થાય છે તે અને ત્રીજું અને છેલ્લું દ્રશ્ય જે ફિલ્મનું પણ છેલ્લું દ્રશ્ય છે તે. આનાથી વધુ કશું નહીં કહું કારણકે મને ખબર છે કે તમારે હજી ફિલ્મ જોવાની બાકી છે.

વિકાસ બહલ નીવડેલા દિગ્દર્શક છે અને એમની ફિલ્મ ક્વીન આપણામાંથી ઘણા બધાની ફેવરીટ ફિલ્મ રહી છે. અહીં પણ તેઓ ઘણા બધા ગંભીર દ્રશ્યોને ક્વીનની જ હળવાશથી સમજાવવામાં સફળ રહ્યા છે. જેમ આગળ કહ્યું તેમ હોળીના પ્રસંગનું બસંતીવાળું ગીત ઉભરીને સામે આવે છે તો બાકીના ગીતોમાં ખાસ કોઈ અપીલ નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝીક ઓકે કહી શકાય. સુપર ૩૦નું નિર્માણ ટોપક્લાસ છે એટલે સિનેમેટોગ્રાફી કે પછી દ્રશ્યોનો ઉભાર નિરાશ નથી કરતો. અમુક ગ્રાફિક્સ પણ દર્શકને આનંદ કુમાર શું સમજાવવા માંગે છે તે સમજાવવામાં સફળ રહે છે.

સુપર ૩૦માં અસંખ્ય સહકલાકારો છે જેમાં ૩૦-૩૨ તો બાળકો જ છે. તેમ છતાં અમિત સાધ અને માનવ ગોહિલ નાના-નાના રોલ્સમાં દર્શકોની લાગણી જીતવામાં સફળ રહે છે. નવી હિરોઈન મૃણાલ ઠાકુરને હજી પરિપક્વ થવામાં વાર લાગશે. તો આનંદ કુમારના ભાઈ પ્રણવ કુમાર તરીકે નવા કલાકાર નંદીશ સિંગ પ્રભાવ પાડે છે.

CID સિરિયલથી જાણીતા બનેલા અભિજિત એટલેકે આદિત્ય શ્રીવાસ્તવ મુખ્ય વિલન લલ્લન સિંગ તરીકે ઠીકઠાક કામ કરી જાય છે. એમનો અવાજ તો પ્રભાવશાળી છે પરંતુ ચહેરા પર CIDની જેમ જ અહીં પણ હાવભાવ દૂર રહ્યા છે. લલ્લન સિંગના બોસ એટલેકે શિક્ષામંત્રી તરીકે પંકજ ત્રિપાઠી એક રીતે કહીએ તો આ ફિલ્મમાં મનોરંજનના એકમાત્ર સ્તોત્ર છે. એમની ભૂમિકા ભલે નકારાત્મક છે પરંતુ તેઓ પોતાના સંવાદ, હાવભાવ અને અદાકારીથી વાતાવરણને હળવું રાખે છે.

હવે વાત કરીએ ફિલ્મનો અસલી જીવ એટલેકે આનંદ કુમારનું પાત્ર ભજવતા હ્રિતિક રોશન વિષે. જેમ અગાઉ કહ્યું તેમ હ્રિતિક ટ્રેલરમાં જે રીતે બિહારી લઢણમાં બોલતો હતો ત્યારે જરા એ અજુગતું લાગતું હતું. પરંતુ ફિલ્મમાં તેની સંવાદો બોલવાની રીત સાથે તેની સુંદર અદાકારી ભળતા તે જરાય અજુગતું નથી લાગતું બલકે તેને લીધે હ્રિતિક અન્યોથી સાવ અલગ તરી આવે છે. સુપર ૩૦માં ભાવનાત્મક દ્રશ્યોની ભરમાર છે અને હ્રિતિક રોશને તે તમામ દ્રશ્યોને બખૂબી નિભાવી જાણ્યા છે. આગળ જાણ્યું તેમ ફિલ્મનું અંતિમ દ્રશ્ય જે ફિલ્મની હાઈલાઈટ છે તેમાં હ્રિતિકની જેટલી પણ અભિનયક્ષમતા છે તેનો નીચોડ જોવા મળે છે.

ઓવરઓલ સુપર ૩૦ એ ખરેખર જોવા જેવી ફિલ્મ છે, બલકે સંપૂર્ણ પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ છે. ખાસકરીને જો માતા પિતા પોતાના ૧૨-૧૫ વર્ષના સંતાનો સાથે આ ફિલ્મ જુએ તો તેમના માટે આ ફિલ્મમાં સમજવા જેવું ઘણું છે. આ ઉપરાંત શાળાઓના શિક્ષકો તેમજ સંચાલકો અને ટ્રસ્ટીઓએ પણ આ ફિલ્મ સાથે જોવી જોઈએ બલકે તેના ખાસ શો આયોજિત કરવા જોઈએ.

શિક્ષા પર સહુનો અધિકાર છે પરંતુ શું તે આપણા દેશના દરેક બાળકને મળે છે? શું શિક્ષા આપવાની શિક્ષકોની હાલની પદ્ધતિ સાચી છે? શું શિક્ષણનું વ્યાપારીકરણ થવું જોઈએ? આવા તમામ દેશને માટે અત્યંત મહત્ત્વના પ્રશ્નો વિષે આ ફિલ્મમાં સરળ ચર્ચા કરવામાં આવી છે. જરૂરથી જોજો!

૧૩.૦૭.૨૦૧૯, શનિવાર

અમદાવાદ