Operation Pukaar - 2 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન પુકાર - 2

ઓપરેશન પુકાર

વ્રજલાલ હિરજી જોષી

2 - માનાંપાસ બોર્ડર

આગળની મુસાફરી બેહદ ખતરનાક વળાંકોવાળા રસ્તા પરથી હતી. સમ... સમ... સમ... કરતો રાત્રિનો સમય આગળ વધી રહ્યો હતો. ક્યારેક-ક્યારેક ધુમ્મસ એટલું બધું વધી જતું કે ગાડીને રસ્તા પર રોકી દેવી પડતી હતી. આગળ ચારે તરફ જાણે દરિયો લહેરાતો હોય તેમ ધુમ્મસના વાદળો છવાઇ જતા અને થોડીવાર પછી વરસાદ વરસતા ધુમ્મસનું આવરણ ઓછું થતું અને પછી તેઓ આગળ વધ્યા. થોડી-થોડી વારે વાતાવરણમાં એકાએક ચારે તરફ તારલીયોના હોય તેવો પ્રકાશ ક્ષણ માટે ઝબુકતો અને પછી ફરીથી અંધકારમાં ઓગળી જતો. જે ખરેખર આગીય નામના પતંગિયા જેવા દેખાતા નાના-નાના જંતુઓ વાતાવરણમાં આમાથી તેમ ઉટતા હતા તેનો પ્રકાશ હતો. સૌ વાતો કરતા-કરતા ગમ્મત કરી રહ્યાં હતા. રાત્રિના સમયે ગાડીઓના આવવા-જવા માટે રસ્તો બંધ કરી દેતાં હોઇ કોઇ જ વાહન તેઓને મળતું ન હતું. એકદમ સન્નાટાભર્યા વાતાવરણમાં ગાડીના એન્જિનનો અવાજ ગુંજતો હતો.

બદ્રીનાથ પહોંચ્યા ત્યારે રાત્રિના બે વાગ્યાનો સમય થવા આવ્યો હતો. સૌએ દૂરથી જ બદ્રીનાથ ભગવાનના દર્શન કર્યા. બદ્રીનાથ પછીનો રસ્તો એકદમ ખતરનાક વળાંકોવાળો હતો. ચારે તરફ બરફ છવાયેલા પર્વતો ગાડીની લાઇટના પ્રકાશમાં ઝળહળતા હતા.

વાતાવરણનું ટેમ્પરેચર માયન્સ શૂન્ય સુધી ગટી ગયું હતું. એકદમ ઠંડુગાર વાતાવરણ બની ગયું હતું.

વળાંક પર વળાંક, વળાંક પર વળાંક કાપતી ગાડી પર્વતની ઊંચાઇ તરફ જતી હતી. ચારે તરફ ગાઢ અંધકારની ચાદર ફેલાયેલી હતી અને ભેંકાર સન્નાટો છવાયેલો હતો. લશ્કરની અવરજવર અહીં થતી હોવાથી રસ્તો સરસ બનેલો હતો. જે રસ્તાને નેશનલ હાઇવે એન.એચ.7ના નામથી ઓળખાતો હતો.

આકાશને આંબવા માટે જતો હોય તેમ રસ્તો સતત ઉપર જતો હતો. ખડખડાટ કરતી સરસ્વતી નદીના પાણી ખૂબ જ ઊંચાઇ પરથી માનાં પાસ તરફ આગળ વધતા હતા.

માનાં...ભારતનું હિમાલય પ્રદેશ અને કિન્નોર ડિસ્ટ્રીક્ટનું છેલ્લું ગામ હતું.

અહીં મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી હતી તેવું કહેવામાં આવે છે. અહીં વેદવ્યાસ અને ગણેશજીની પ્રાચીન ગુફાઓ આવેલી છે. બીજું પણ એવું મહત્ત્વની ઘટના અહીં ઘટી હતી. પાંડવો જ્યારે હાડ ગાળવા હિમાલયમાં આવ્યા હતા. ત્યારે તેઓ માનાંપાસથી પસાર થયા હતા. અહીં સરસ્વતી પર્વત આવેલો છે, અને તેની પાસેથી સરસ્વતી નદી વહે છે. કહેવાય છે કે દ્રૌપદીઓ માં સરસ્વતી નદીમાંથી પસાર થઇને આગળ જવાની ના પાડતાં અહીં ભીમે નદી પસાર કરવા માટે એક મોટી ચટ્ટાન ઉઠાવીને સરસ્વતી નદીના વહેણ પર મૂકી પુલ બનાવ્યો હતો. અને ત્યારથી સરસ્વતી નદી લુપ્ત થઇ ગઇ ત્યાર પછી અલકનંદા નદી તે ભીમ પુલ નીચેથી પસાર થાય છે. માનાંપાસનું છેલ્લું ગામ ચીટ્ટકુલ છે. ત્યાં સુધી જ આગળ વધવાનો રસ્તો છે. માનાંપાસ 5608 મીટર અને 18399 ફૂટની ઊંચાઇ પર છે. અહીં થતા બટાકા વિશ્વમાં વખણાય છે.

માનાં ગામ વટાવી તેઓ ત્યાંથી ગસ્તોલી થઇને માનાંપાસ ચેકપોસ્ટ પર પહોંચ્યા.

ચેકપોસ્ટ પર તૈનાથી સંતરીઓ તરત સતર્ક બની ગયા. કદમે ચેકપોસ્ટ પાસે ગાડીને થોભાવી કે તરત બે બી.એસ.એફ.ના યુવાનો ત્યાં ધસી આવ્યા. તેઓના ખભા પર એસ.એલ.આર. લટકતી હતી.

“હલ્લો... યંગમેન.”

“યસ...આપનો કાર્ડ બતાવો.” સામેથી પૂછવામાં આવ્યું.

“યસ...જીરો...સેવન...” ગંભીરતી સાથે મેજર સોમદત્ત બોલ્યા. તરત બી.એસ.એફ.ના એક યુવાને હાથમાં પકડેલા વાયરલેસ ફોનનું બટન દબાવી બી.એસ.એફ.ના કેમ્પ પર રહેલા અધિકારી સાથે વાત કરી.

વાત પૂરી કરી, ફોન સ્વીચઓફ કરી તે એટેન્શનમાં આવી સર સોમદત્તને સેલ્યૂટ કરી.

“સર...આપ અંદર આવી શકો છો. અમારા કેપ્ટન વિજય તમારી આતુરપૂર્વક વાટ જોઇ રહ્યાં છે.”

“ઓ.કે.!” મેજર સોમદત્ત બોલ્યા. પછી તેઓ ગાડીમાં બેઠા તરત ફાટક ખોલવામાં આવ્યું. ગાડી અદંર લીધા પછી કદમે ગાડી ઊભી રાખી.

“સર...! આપ અમારી ગાડીની પાછળ તમારી ગાડીને આવવા દો...” બી.એસ.એફ.નો યુવાન બોલ્યો. પછી ત્યાં પડેલી જીપ્સીમાં બેસી ગયો.

કદમે જીપ્સીની પાછળ પોતાની ગાડી દોડાવી. લગભગ એક કિલોમીટરના અંતર પછી તેઓની ગાડીઓ ઊભી રહી. તરત આર્મીના બનેલા ક્વાર્ટરમાંથી કેપ્ટન વિજયસિંહા ત્યાં દોડી આવ્યાં.

“સર... ” સેલ્યુટ માર્યા પછી તેમણે મેજર સોમદત્તની સાથે પછી કદમ, પ્રલય અને આદિત્ય સાથે હાથ મીલાવ્યાં.

“આવો સર...હું ક્યારનોય આપની વાટ જોઇને બેઠો છું.” કહેતાં ત્યાં બનેલા ક્વાર્ટર તરફ આગળ વધ્યાં.

ઇંટોના બાંધકામ પર પતરાં ચડાવીને ટેમ્પરરી ક્વાર્ટરો અને ઓફિસો બનાવવામાં આવી હતી. એ બધા જ ક્વોર્ટરો પર ગેરુનો બનાવેલો લાલ કરલ લગાવવામાં આવ્યો હતો. રાત્રિના ત્રણ વાગ્યાનો સમય થવા આવ્યો હતો. છતા પણ બી.એસ.એફ.ના ક્વાર્ટર પર ચહલપહલ ચાલુ હતી.

ઓફિસમાં બેઠા પછી વિજયસિંહાએ પોતાની ઓળખાણ આપી. સૌના હાલચાલ પૂછ્યા, ત્યારબાદ આવેલ ચા ને ન્યાય આપ્યો.

“સર...! મિશન વિશે આપને બધી જ જાણકારી આપવામાં આવી હશે...” વિજયસિંહા આદર સાથે બોલ્યા.

“કેપ્ટન વિજય... જાણકારી ફક્ત એટલી જ મને આપવામાં આવી છે કે પ્રેસ રિપોર્ટરની ગાડીમાં તમે રિપોર્ટર તરીકે તરત માનાંપાસ પહોંચો. આપણા મેજર કતારસિંગ અત્યારે ચાઇનાના બોર્ડરમાં છે. અને ચાઇનાના લશ્કરે તેમને ઘેરી લીધાં છે. અમારે તેઓને લશ્કરના ઘેરામાંથી છોડાવી ભારત લઇ આવવાના છે.” બોલી મેજર સોમદત્ત ચુપ થઇ ગયા અને કેપ્ટન વિજયસિંહાની સામે જોઇ રહ્યાં.

“યસ સર...! આપણે મેજર કતારસિંગને ચાઇનાના લશ્કરના ઘેરામાંથી છોડાવી ભારત સુરક્ષિત લઇ આવવાના છે.”

“આપણે એટલે...? અમારી સાથે...?”

“હા... સર... તમારી સાથે હું પણ આવવાનો છું કેમ કે મેજર કતારસિંગને છોડાવવાની ફરજ મારા પર છે. અને બીજું કે અહીંના જંગલ, પહાડોની વચ્ચે રસ્તાઓની પણ મને જાણકારી છે.”

“ઠીક છે, પણ મને ઉપરથી એવો કાંઇ જ આદેશ નથી.”

“સર...! મને આદેશ મળ્યો છે. તેની કોપી હુ તમને બતાવું છું.” ખાનામાંથી એક લેટર બહાર કાઢતા કેપ્ટન વિજયસિંહા બોલ્યા.

“ઇટ ઇઝ ઓ.કે...!” લેટર વાંચ્યા બાદ મેજર સોમદત્તે કહ્યું. પછી તેઓ આગળ બોલ્યા: “કેપ્ટન, આપણે ક્યારે નીકળવાનું છે.”

“સર...! અત્યારે જ નીકળીશું. પણ હું તમને સૌને નકશા વાટે થોડી જાણકારી આપી દઉં. જેથી તમને થોડી સરળતા રહે.” ટેબલ નીચેથી એક મોટો નકશો કાઢી વિજયસિંહાએ ટેબલ પર પાથર્યો.

સૌ ઉત્સુકતા સાથે નકશાને જોઇ રહ્યાં. ટેબલની ઉપર એક મોટો લેમ્પ બળતો હતો. જેનો પ્રકાશ નકશાની એક-એક રેખાને ઉજાગર કરતો હતો.

“સર ! આ માનાંપાસ બોર્ડર છે, જ્યાં અત્યારે બેઠા છીએ. અહીંથી ભારતનું છેલ્લું ગામ અટ્ટકુલ આપણે ગાડી દ્વારા જવાનું છે. ત્યારબાદ રસ્તો પૂરો થાય છે. આપણને અટ્ટકુલ મૂકી દેશે અને ત્યાંથી પર્વત ઓળંગી આપણે ચીનની સીમામાં પ્રવેશ કરશું અને આપણે અહીં ચીનની દબાંગ સરહદમાં પહોંચીશું. ત્યારબાદ ગીચ જંગલની અંદર આપણે ચીનના લશ્કરની વચ્ચેથી ઘુસો મેજર કતારસિંગ અને અમારી બટાલિયનના યુવાનોને છોડાવવાના છે.”

“એટલે તમે પણ મેજર કતારસિંગની બટાલિયનના કેપ્ટન છો.?”

“યસ સર...! અને એટલે જ હું તમારી સાથે આવવા માગું છું. તેઓ મારા પિતા સમાન છે. અને ખરેખર પોતાની બટાલિયનના હરએકને પોતાના પુત્રની જેમ રાખે છે.”

“તો...તો ચોક્કસ તમારી ફરજ બને છે.” પ્રલય બોલી ઉઠ્યો.

“આપણે ક્યારે આગળ વધવાનું છે.” કદમે પૂછ્યું.

“અત્યારે જ...હું જોઇતી સામગ્રી અને ગોળા-બારુદ બધું જ પેક કરીને તૈયાર બેઠો છું. ફકત તમારા આવવાની રાહ જોવાતી હતી. અત્યારે રાત્રિના ત્રણ વાગ્યાને વીસ મિનિટનો સમય થયો છે. જેમ બને તેમ આપણે આજ રાત પૂરી થાય તે પહેલાં ચીનની બોર્ડરમાં ઘૂસી જઇએ તો વધુ સારું નહીંતર દિવસ દરમિયાન સરહદ ઓળંગવી મુશ્કેલ છે, અને પછી પૂરો દિવસ આપણે વાટ જોવી પડશે.”

“તો પછી ચાલો આપણે ઝડપ કરીએ.” ઊભા થતાં મેજર સોમદત્ત બોલ્યા.

થોડી જ વારમાં બધો જ સર સામાન લઇ તેઓ જીપ્સીમાં બેસી અટ્ટકુલ તરફ આગળ વધ્યાં

ખોફનાક ઘેરા સન્નાટાભર્યુ વાતાવરણ હતું. આકાશ વાદળોથી છવાયેલું હોવાથી ઘટ્ટારોપ અંધકાર ફેલાયેલો હતો.

લગભગ અડધા કલાકની મુસાફરી પછી તેઓ અટ્ટકુલ પહોંચ્યા, જે ભારતની બોર્ડરનું છેલ્લુ ગામ હતું. રસ્તો ત્યાં પૂરો થતો હતો. સૌ પોત-પોતાનો સામાન લઇ જીપ્સીની નીચે ઉતર્યા. કોઇ વસ્તુ રહી જતી નથી તે ચેક કરી કેપ્ટન વિજયસિંહાએ ડ્રાઇવરને ગાડી પાછી લઇ જવાનું જણાવ્યું. ગાડી ફરીથી માનાંપાસ તરફ આગળ વધી ગઇ.

ગાડ જતાં ખોફનાક અંધકાર તેઓને ઘેરી લીધાં. વિજયસિંહાની પાછળ પર્વતની નાની કેડી પરથી તેઓ આગળ વધ્યાં.

ચારે તરફ છવાયેલા બરફની ચાદર ઓઢી પર્વતો નિદ્રાધીન બનન્યા હોય તેવો ખોફભર્યો સન્નાટો પથરાયેલો હતો. વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું હતું.

“સર...! મને નથી લાગતું કે આપણે સવાર પહેલાં બોર્ડર પાર કરી શકીએ.” કદમ બોલ્યો.

“પ્રયત્ન તો કરી શકીએ ને જો પ્રકાશ ફેલાઇ જશે તો આપણને અહીં પર્વત પર રહેવાની પણ મુસીબત થશે. બર્ફિલા પહાડો વચ્ચે પૂરો દિવસ ગાળવો મુશ્કેલીભર્યો છે...” મેજર સોમદત્તે કહ્યું.

“આપણે ઝડપ કરવી પડશે અને કેડી પર ચાલશું તો ત્યાં પહોંચતા ચોક્કસ ઉજાસ ફેલાઇ જશે...” વિજયસિંહા બોલ્યો. તેના ચહેરા પર ચિંતાના ભાવ ફેલાયેલા હતા.

“એનો મતલબ કે આપણે કેડી છોડી સીધું ચઢાણ ચડી નાંખીએ તો અડધો સમય બચી જાય અને તે જ સારું રહેશે. જેટલું અંધકાર વધુ હશે એટલા આપણે જલ્દી બોર્ડર પાર કરી શકીશું...” પ્રલયે કહ્યું.

“તો પછી આપણે સીધું ચઢાણ ચડવાનું શરૂ કરી દઇએ...” કેડી છોડી સીધા આગળ વધતા વિજયસિંહા બોલી ઉઠ્યો.

તે એકદમ સીધું ચઢાણ હતું. અને બરફ પણ છવાયેલો હતો. તો પણ સૌ ઉત્સાહ અને વેગ સાથે ઉપર ચડી રહ્યાં હતા. વિજયસિંહા સૌથી આગળ હતો, ને સૌથી છેલ્લે પ્રલય ચાલતો હતો.

પહાડી ઇલાકામાં સૂર્યોદય ઝડપથી વહેલો થતો હોય છે. સવારના છ વાગ્યાના સમયે તો ઉજાસ ફેલાઇ જાય. મેજર સોમદત્તની ટીમ પાસે બોર્ડર પાર કરવા માટે એક જ કલાકનો સમય હતો. તેઓ અતિ વેગ સાથે પર્વતનો ચઢાણ ચડી, પર્વતની બીજી તરફ આવી ગયા હતા. હવે નીચે ઉતરવાનું હોવાથી એકદમ ઝડપ થતી હતી.

“ચંદ્રમાં આથમી ગયો છે. આપણે અંધકારમનો લાભ લઇ ચાઇના બોર્ડરમાં ઘુસી જઇએ...” મેજર સોમદત્ત બોલ્યા.

“સર...! આમે આકાશ વાદળ છવાયું છે. તેથી અંધકાર હાલ અત્યારે ટળવાનો નથી.” કદમ બોલ્યો.

“તો પણ કદમ જો વાદળોએ વચ્ચે ઘેરાયેલો ચંદ્ર બહાર નીકળે તો આ બરફની ચાદરમાં તરત તેના પ્રકાશનું પરાવર્તન થાય...”

“સાચી વાત છે... સર ! આપણે એકદમ ઝડપ કરીએ નહીંતર સૂર્યોદય થઇ જશે...” વિજયસિંહા બોલ્યા અને સૌ એકદમ વેગ સાથે મોટી-મોટી છલાંગો ભરતા ચાલવા લાગ્યા. પર્વત ઉતર્યા પછી તો રસ્તો સમથળ હતો. પણ આગળ ગીચ જંગલ હતું. સાપ, વીંછી જેવા જીવો, વાઘ જેવા પ્રાણીઓનો અહીં ઘણો જ આતંક ફેલાયેલો હતો.

તેઓ ગીચ જંગલમાં ઘુસી ગયા અને એકદમ સાવચેતી સાથે બોર્ડર ક્રોસ કરવા આગળ વધ્યા.

ભારતીય બોર્ડની બનેલી તારની ફેન્સિંગ કાપી તેઓ બોર્ડર ક્રોસ કરી તેઓ જંગલના ઊંડાણમાં ઉતરી ગયા.

દૂરથી જ આગળ એક પડાવ હોય તેવું દેખાયું. તરત પ્રલયે નાઇટ વિઝન દૂરબીન કાઢી જોયું.

એક ટેન્ટ બાંધેલો હતો અને ટેન્ટની બહાર બે ચીની સિપાઇઓ રાઇફલો લઇને ઊભા હતા.

“સર...! દબાંગ સિયાંગ બોર્ડર પર આપનું સ્વાગત કરવા ચીનીઓ રાઇફલો ભરીને તૈયાર ઊભા છે.” સ્મિત સાથે પ્રલયે સૌ સામે જોયું.

“જો...પ્રલય અહીં ઘુંટણ-ઘુંટણ સુધીનું ઘાસ ફેલાયેલું છે. તું અને હું બંને ઘાસની અંદર ઘુસી ત્યાં પહોંચી ચીની સિપાઇઓનું કામ તમામ કરી આવીએ. ત્યારબાદ આગળ વધીએ...” કદમ બોલ્યો.

“ઠીક છે... અમે સૌ અહીં જ છુપાઇ જઇએ છીએ. તમે બંને ત્યાં દેખાતા ટેન્ટના સિપાઇઓનું કામ તમામ કરી આવો. પછી આગળ વધીશુ.” દૂરબીન વડે ટેન્ટ તરફની હિલચાલ નિહાળતાં મેજર સોમદત્ત આગળ બોલ્યા, “પણ વધુ સમય બરબાદ કરશો નહીં.”

“ચાલ પ્રલય...” કદમે ખભા પરનો થેલો ઉતાર્યો. પ્રલયે પણ તેનું અનુકરણ કર્યું. કદમે ખિસ્સામાં નાની લખોટી જેવા દેખાતા સ્મોક બોમ્બને ખિસ્સામાં સેરવ્યા. પછી રિવોલ્વર પર હાથ ફેરવી પ્રલય સાથે આગળ વધ્યો.

મૂક મૌન ફેલાયેલી શાંતિમાં જરા પણ થતો અવાજ મોટો લાગતો હતો.

પ્રલય, કદમ ચાર પગે (બે હાથ, બે પગ) ઘાસની અંદર થઇ સરકતા આગળ વધી રહ્યાં હતાં.

ટેન્ટની નજદીક આવી જતાં ત્યાંનુ ચિત્ર સ્વષ્ટ બન્યું.

વૃક્ષના મોટા ગોળ થડના બનેલા સ્ટુલ પર બે ચીની સિપાઇઓ બેઠા હતા અને કોઇ વાતમાં મશગુલ હતા. બંનેની વચ્ચે એક પતરાની પેટી પડી હતી. પેટી માથે એક દારૂની બોટલ, પાણીની બોટલ અને શરાબ ભરેલા બે ગ્લાસ પડ્યાં હતાં.

“આ તો મારા વાલીડા મોજ ઉડાવે છે. ટેન્ટમાં જોઇ લઇએ. બીજા તેના સાથી કેટલા છે, નહીંતર આને કેબ્રે ડાન્સ કરાવીએ...” શરારત સાથે કદમ બોલ્યો.

“સ... સસસ... ચુપ... એકદમ ધીમે બોલી નહીંતર આપણી હાજરીનો ભાસ થઇ જશે ને તો તારા એ વાલીડા ક્યાંક આપણને કેબ્રે ડાન્સ કરાવશે...” પ્રલય એકદમ ધીમા સ્વરે કદમના કાનમાં બોલ્યો. તેના ચહેરા પર પણ શરારતભર્યું સ્મિત ફેલાયેલું હતું.

“હું એકાએક તેઓની સામે જઇને ઊભો રહી જાવ. તેઓ એકદમ હેબતમાં આવી જશે...’’ કદમે ક્હયું.

“થોભ... તે પહેલાં હું ટેન્ટની અંદર કેટલા સિપાઇઓ સૂતા છે.તેની તપાસ કરી આવું...” કહેતાં પ્રલય ઘાસની વચ્ચે સૂઇ ગયો અને મગરમચ્છની જેમ સરકતો આગળ વધ્યો. કદમ ત્યાં જ ઘુટણ પર બેસી ગયો. તેના હાથમાં રિર્વોલ્વર પકડેલી હતી જે કોઇપણ ક્ષણે આગ ઓકવા તૈયાર હતી.

સરકતો પ્રલય ટેન્ટના પાછળના ભાગમાં આવ્યો. અને ત્યાંથી જ આસ્તેથી ટેન્ટનું પ્લાસ્ટિક નીચેથી ઊંચુ કરી સૂતાં-સૂતાં જ અંદર નજર કરી. ટેન્ટમાં બે સિપાઇ પતરાંની ખુરશી પર બેઠા-બેઠા પત્તા રમતા હતા. અને કોઇ મજાકમાં હસતા હતા.

પ્રલયને તેની ભાષા વધુ સમજણમાં ન આવી પણ બંને બહાર બેસી દારૂ પીતા તે બે સિપાઇની વાત કરતા હતા એટલો ખ્યાલ આવી ગયો.

પ્રલય ધીમેકથી પાછો સરકી ગયો. ત્યાંથી તે સરકતા સરકતાં કદમ પાસે પહોંચ્યો.

“શું પોઝીશન છે...?” કદમે પૂછ્યું.

“અંદર બે સિપાઇ બેઠા-બેઠા તાસ ખેલી રહ્યાં છે, અને બહાર બેઠેલા સિપાઇની મજાક ઉડાડી રહ્યાં છે. તું બહારના બંને સિપાઇની ખબર લે હું ફરીથી ટેન્ટમાં ઘુસુ છું.”

“ઓ.કે. ચાલ.” કદમે પૂછ્યું. પછી તે પ્રલયની સાથે ઘાસમાં સરતો આગળ વધ્યો.

બંને ટેન્ટ પાસે આવી પહોંચ્યા. પ્રલયે કદમને આગળની તરફ વધવાનો ઇશારો કરી તે ટેન્ટનું પ્લાસ્ટિક ઊંચુ કરી એકદમ ધીમેકથી અંદર સરી ગયો.

ખુરશી પર બેસીને પત્તા રમતા તે બે સિપાઇઓને જાણ પણ ન થઇ કે તે બંનેની ખુરશીની નીચે પ્રલય આવીને સૂતો છે. તેઓ તો પોતાની ધૂનમાં પત્તા રમતા હતા.

કદમ ટેન્ટને અર્ધ રાઉન્ડ ફરી આગળની તરફ આવ્યો અને પ્રલય શું કરે છે તેની વાટ જોઇ હાથમાં રિર્વોલ્વર લઇ તે ઘુંટણિયે બેસી ગયો.

“આજે જો હું જીતી જઇશ તો તને પાર્ટી આપીશ.” પત્તા રમતા બે સિપાઇમાંનો એક બોલ્યો.

“પાર્ટી અને અહીં જંગલમાં તું પાર્ટી માટે શરાબની બોટલ ક્યાંથી લાવીશ ચીંગ...?” બીજો બોલ્યો.

“હું તમને બંનેને શરાબની બોટલ લાવી આપીશ.” અચાનક ખુરશીની નીચે બોમ્બ ફૂટ્યો હોય તેમ બંને ઉછળી પડ્યાં.

તે અવાજ પ્રલયનો હતો. પ્રલય બે ખુરશીની વચ્ચે ચુપચાપ આવીને સૂઇ ગયો હતો. તેના હાથમાં રિવોલ્વર હતી. જે તે બે પત્તા રમતાં ચીની સામે તકાયેલી હતી.

ક્ષણ માટે બંને સિપાઇ ધ્રુજી ઉઠ્યાં.

“ત... ત... તમે કોણ છો ?” એક સિપાઇ ભયભીત સ્વરે બોલ્યો.

“હુ... હુ...હુ... ત...ત...તમારો બાપ છું, અને સ્વર્ગમાંથી તમારા માટે ખાસ શરાબની બોટલ આપવા ધરતી પર આવ્યો છું.” કટાક્ષભર્યા સ્મિત સાથે પ્રલય તેની જ ભાષામાં તેના શબ્દોમાં બોલ્યો.

એક સિપાઇ ઝડપથી પોતાનો હાથ ત્યાં પડેલી રાઇફલ તરફ સરકાવવા લાગ્યો.

“ના... ના... ના... પુતર ના...તારી રાઇફલને અડીશ તો મારા હાથમાં રહેલ આ કાળો ભોરીંગ તને ડશી જશે, સમજ્યો...”

“તમે શું ઇચ્છો છો...?” બીજો સિપાઇ ગળામાં થુંક ગળતા બોલ્યો.

“ભાઇ... સોરી... ભાઇ નહીં પણ બેટા... હાતો બેટા હું ઠેઠ સ્વર્ગમાંથી અહીં આવ્યો છું. તો મને ધરતી પરના લોકોના ડાન્સ જોવો છે. તમે ડાન્સ કરો છો ને ? રંભા હો... રંભા હો... મૈ નાચું તું નચા... હા તો બેટા, હું તમને બંનેને નચાવવા માગું છું. એટલે ચુપચાપ ઊભા થઇ જવાની તસ્દી લેશો તો મને લગભગ અડધો કિલો જેટલો આનંદ થશે...”

“પણ... પણ...” પેલો સિપાઇ થોથવાયો. તેની સામે અચાનક પ્રગટ થયેલો આ માણસ ઘનચક્કર જેવો લાગ્યો.

“વાંધો નહીં... વાંધો નહીં... તે ગીત ન આવડતું હોય તો પછી મારા વીરા વિરલા તને ગાડી લઇ દઉં અને હારે લાડી લઇ દઉં....એ ગાવ. મારે અહીં ધરતી પર ફરવા માટે ગાડી તો ચોક્કસ જોઇએ. કારણ કે હું તો મોટા ગીધ પર બેસીને અહીં આવ્યો છું. હવે ગીધની ઉપર બેસી થોડો ધરતી પર ફરવાનો છું. અને હા... મારા લગ્ન પણ થયા નથી એટલે ઇચ્છા છે કે ધરતી પરથી જ લગ્ન કરીને હું સ્વર્ગમાં પાછો જાઉં... મારા બાપે મને સોગંધ ખવડાવ્યા છે કે બેટા, ધરતી પરની કન્યા સાથે જ તું લગ્ન કરજે. સમજ્યા... અને તેમાં મને લાગે છે કે તમને કોઇ જ વાંધો નહીં હોય ...” પ્રલયના ચહેરા પર સ્મિત ફરકતું હતું પણ તે બે સિપાઇઓ તેની વાતો સાંભળી ગભરાયા હતા. તેઓના ચહેરા પરથી પરસેવાના રેલા નીકળતા હતા. બંને અવાચક બની નીચે સૂતાં-સૂતાં રિર્વોલ્વર તાકી બકવાસ કરતાં પ્રલયની સામે જોઇ રહ્યાં.

“અરે... મારા વાડીલા તમે ના ન કહેશો... નહીંતર મને બીજી વખત ધરતી પર આવવાનો ચાન્સ નહીં મળે અને હું કુંવારો જ રહી જઇશ. મારા બેટા, હા, તો હવે તમે બંને ઊભા થવાની તસ્દી લો તો મને સારું લાગશે.”

“તને ખબર નથી અહીં આસપાસ કેટલાય સૈનિકો ફરે છે. તું અહીંથી જીવતો નહીં જાય...” એક સિપાઇ હિંમત સાથે બોલ્યો.

“એમ...! એટલે તમારા સિવાય બીજા કેટલાય વાડીલાઓ ડાન્સ કરશે... આ...હા... તો મજા પડી જશે... હું તો તમારો ડાન્સ પ્રોગ્રામ રેકોર્ડિંગ કરી ત્યાં સૌને બતાવીશ. એ પણ એક સોનાના બિસ્કિટની ટિકિટ લઇ તે મને લાગે છે, ત્યાં ધુમ ચાલશે...”

“તારી તો...” પ્રલયને બકવાસ સાંભળી એક સિપાઇ છંછેડાઇ ગયો અને પછી પોતાનો પગ નીચે સૂતેલા પ્રલયને મારવા ઊંચો કર્યો.

તેનો પગ ફટકાના સ્વરૂપમાં પ્રલયની છાતી તરફ એકદમ ઝડપથી આગળ વધ્યો. પણ પ્રલય એકદમ સાવચેત હતો. પ્રલયે તે સિપાઇનો પગ પોતાની છાતી પર પડે તે પહેલાં જ વચ્ચેથી બાઝ હવામાં શિકારને ઝડપે તેવી જ તત્પરતા સાથે હાથના પંજામાં તેનો પગ જકડી લીધો. અને પછી પૂરું બળ એકઠું કરી જોરદાર ધક્કો માર્યો.

તે સિપાઇ ખુરશી સાથે પાછળની તરફ ઊંધા માથે ઉથલી પડ્યોં. પ્રલય જમ્પ મારીને ઊભો થયો. પ્રલયના મોમાંથી ભૈરવ પક્ષી બોલે તેવી કિલકિલાટીનો અવાજ નીકળ્યો.

અવાજ સાંભળી બહાર બેઠેલા કદમ ઝડપથી ઊભો થઇ ગયો. અચાનક બાવળમાં આંબા ફૂટી નીકળ્યા હોય તેમ ઘાસ વચ્ચેથી કદમને બહાર આવતો જોઇ ત્યાં દારૂ પીતા બે સિપાઇ ચમકી ગયા.

“કોણ છે ?” એક સિપાઇના હાથમાંથી દારૂ ભરેલો ગ્લાસ છટકીને નીચે પડ્યો.

“ચિભડાભાઇ...ચિભડચંદ ગલાલચંદ કંદોઇ મારું નામ છે. મારે આજ મુરબ્બો બનાવવાનો છે એટલે હું બે મુરઘાની શોધમાં નીકળ્યો છું.”

“અહીં મુરઘા... એ ભાઇ આ બોર્ડર એરિયા છે. અહીં વાતવાતમાં ગોળીઓ છુટે છે, તને પણ જીવતા રહેવાનો શોખ નથી લાગતો.”

“દ...ચ...ચ...દચ... અરે મને તો મર્યા પછી પણ જીવતા રહેવાનો શોખ છે. અને બીજી વાત મને ભલે આંખમાં મોતિયો છે. પણ ત્યાં બે મુરઘા ચોક્કસ દેખાય છે. અને ચિભડાભાઇ મારે તો ખાસ મુરઘા મળે તે પણ તમારા જેવા એકદમ હટ્ટાકટ્ટા મુરઘા...”

“એય...મુરઘાની ઓલાદ... ” જેના હાથમાંથી ગ્લાસ છટકી ગયો હતો તે સિવાયનો બીજો સિપાઇ ફડાક કરતો ઊભો થઇ ગયો અને તેના હાથમાંનો ગ્લાસ તેણે કદમને માથા પર મારવા માટે જોરથી ઘા કર્યો.

કદમ ઝડપથી નીચે બેસી ગયો અને ગ્લાસ તેના માથા પરથી સ...મ...મમ કરતો આગળ નીકળી ગયો.

“અરે...અરે...! મારી નાખ્યા બાપલીયા. હમણાં મારું કારિંગા જેવું માથું ફાટી ગયું હોત... ચાલો ત્યારે રા... રામ... હું બીજા મુરઘા શોધવા જાઉં છું. તમારી પાસે આવી મેં તમારો સમય બગાડ્યો.”

બોલતા કદમ પાછળની તરફ ઘૂમ્યો અને પછી ચાલતો થયો.

“હેન્ડ્ઝ અપ...” બીજો સિપાઇએ બાજુમાં પડેલી રાઇફલ ઉપાડી કદમ સાથે તાકતા બૂમ પાડી.

“કાં...ભાઇ...કાં ચીભડાભાઇ...બાપલીયા...મેં તમારું શું બગાડ્યું છે. આ...આ...બંદૂકડીને નીચી કરો. મને તેની બહુ જ બીક લાગે છે. તમને ખબર નથી પણ મોટા મામા પાસે આનાથી લાંબી રાઇફલ હતી. મારા મામા તેનાથી આકાશના તારાઓને ડગાવતા.”

“ચુપ...જીવતા રહેવું હોય તો હાથ ઊંચા કરી ઊભો રહી જા. નહીંતર તારું હ્રદય હમણાં જ છાતી ફાડીને બહાર કાઢી નાખીશ.” ચીની સિપાઇ ગુસ્સે થઇ ગયો.

“ના...ભાઇ...ના...હવે અહીં ઊભા રહે તે બીજા, બાપલીયા, હું તો આ ચાલ્યો.” કદમ ચાલવા લાગ્યો.

ક્રોધે ભરાયેલા સિપાઇએ રાઇફલને કદમ તરફ તાકી અને પછી ભરપૂર વિશ્વાસ સાથે કદમને મારવા ગોળો દબાવ્યો.

“કટ...કટ... ” ફક્ત અવાજ આવ્યો પણ રાઇફલમાંથી ગોળી છુટી નહીં.

રાઇફલમાંથી ગોળી ન છુટતા તે એકદમ અચંબામાં પડી ગયો. પણ બીજા સિપાઇએ તરત રાઇફલ ઉપાડી કદમ સામે તાકી ગોળો દબાવ્યો.

“કટ...કટ...” તે રાઇફલમાંથી ગોળો દબાઇને ફરી પોતાની સ્થિતિમાં આવી ગયો પણ રાઇફલમાંથી ગોળી ન છુટી.

હવે બંને સિપાઇઓ હેબતાયા.

“ભાઇ, હુ જાદુગર ચેલાલાનો નાનો ભાઇ છેલાલાલ છું. તમારી રાઇફલમાંથી બધી જ ગોળીઓ મેં જાદુ વડે કાઢી લીધી છે. વિશ્વાસ ન હોય તો રાઇફલના મેગેઝીન ચેક કરી લો.” કદમ બોલ્યો.

બંને અવિશ્વાસ સાથે કદમને તાકી રહ્યા.

“વિશ્વાસ નથી આવતો ને ચિભડાભાઇ.” તે બંનેની ઠેકડી ઉડાવતા કદમ આગળ બોલ્યો, “તો પછી તમે તમારી રાઇફલના મેગેઝીનને ચેક કરો. હું ખોટો હોઉં તો પછી તમે મને ટાંય...ટાંય...ફીસ કરી નાખજો.”

વિશ્વાસ ન આવતો હોય તેમ બંનેએ તરત રાઇફલના મેગેઝીનને ખોલી ચેક કર્યાં. ખરેખર અંદર એક પણ ગોળી ન હતી.

તે બંને સિપાઇના મોં પર આશ્ચર્ય અને મૂંઝવણ સાથે ગભરાટના ભાવ છવાયા.

“આમ...આમ કેમ બને ?” એક સિપાઇ ગભરાતાં બોલી ઉઠ્યો.

“કેમ ચિભડાભાઇ હવે તો તમને ખ્યાલ આવ્યો ને કે હું જાદુગર ચેલાલાલનો નાનો ભાઇ છેલાલાલ છું.”

ખરેખર બંને એકદમ ગભરાઇ ગયા. તેઓન વિશ્વાસ નહોતો આવતો કે સામે ઊભેલ મુર્ખ જેવા દેખાતા માણસે જાદુથી તેની રાઇફલના મેગેઝીનમાંથી ગોળીઓ કાઢી લીધી છે.

કદમ તેના હાથને ખિસ્સામાં નાખી મેગેઝીનમાંથી કાઢેલી ગોળીઓ હાથમાં લઇ તે બંનેને બતાવી. ખરેખર તો કદમે તે લોકો દારૂ પીતા હતા, ત્યારે પ્રલયના સંકેતની વાટ જોતા જોતા વચ્ચેના સમયમાં ચુપચાપ રાઇફલોમાંથી મેગેઝીનને ખાલી કરી ગોળીઓ ખિસ્સામાં નાંખી દીધી હતી.

આ તરફ પ્રલય હજુ ટેન્ટની અંદર રહેલા સિપાઇઓને રમાડતો હતો.

“શાબાશ...” પ્રલય તાળી પાડી ઊઠ્યો. અત્યારે તેના હુકુમથી બંને ચીની સિપાઇઓએ પોતાની વરદી ઉતારી બાજુમાં મૂકી હતી. અત્યારે તેઓ ફક્ત ગંજી અને ચડ્ડી પહેરીને પ્રલયની સામે ઊભા હતા.

“હાય..ચિભડાભાઇ, આવા પહેવેશમાં તમે ખૂબ જ સુંદર દેખાવ છો. ચાલો ત્યારે હું તમારો ફોટો પાડી લઉં. કેમકે આ સીન મને જિંદગીભર યાદ રહે અને તમારી યાદ મને તડપાવતી રહે તેમ હું ઇચ્છું છું.” છાતી પર હાથ ફેરવતાં ઘવાયેલા, તૂટેલા, મચકોડાયેલા દિલવાળા પ્રેમની જેમ તેઓની તરફ તાકી રહ્યો.

અત્યારે તેના હાથમાં રિર્વોલ્વર હતી જે બંને ચીની સૈનિકોની સામે તકાયેલી હતી. અને બીજા હાથ વડે પ્રલય મોબાઇલ બહાર કાઢ્યો. પછી એક જ હાથના ઉપયોગથી તે બે સિપાઇના ફોટા પાડવા લાગ્યો.

“વા...વા...મજા આવી ગઇ ચિભડાભાઇ, હવે છેલ્લે સાપ જેમ પોતાના શરીર પરથી કાંચળી ઉતારે તેમ તમે તમારી ચડ્ડી અને ગંજીને પણ કાઢી નાખો.”

બંને હેબતાઇને દેહશતભરી નજરે પ્રલયને તાકી રહ્યાં. બંને પ્રલયના હાથમાં પકડેલી રિવોલ્વરથી લાચાર હતા.

“અરે ચિભડાભાઇ, બીઓ નહીં. હું તમારી કાંચળી ઉતારેલા સાપ જેવા ફોટા નહીં પાડું. રામ...રામ...લો તમે તો મને સાવ હલકો માની લીધો. ખરેખર, હું ક્યારેય આવી મસ્તી કરતો નથી. લો ત્યારે મને બંને રાજા લો. આ ચીની ફિલ્મનો છેલ્લો સીન છે.” કહેતા પ્રલયનો હાથ રિવોલ્વરના ટ્રિગર પર દબાયો અને પછી આગના લિસોટા વેરતી બે ગોળીઓ જરાય પણ અવાજ કર્યા વગર છુટી અને તે બે સિપાઇના સીનામાં ઘુસી ગઇ. બંને આશ્ચર્યના ગોથા ખાતા ખાતા પરમધામ ધણીને ઘેર જવા નીકળી પડ્યાં.

‘ધડામ’ કરતા બંનેના દેહ નીચે પડ્યા. બંનેની છાતીમાંથી ખૂનના ધોધ વહેતા હતા. ક્ષણભર તેઓનું શરીર છટપટાયું પછી શાંત થઇ ગયુ. પ્રલય ચુપચાપ ટેન્કમાંથી બહાર ચાલ્યા ગયો. ટેન્કથી થોડે દૂર દૂર ત્યાં બેઠેલા બંને સિપાઇઓને કદમ હજુ રમાડી રહ્યો હતો. પ્રલય હસતા ચહેરે ત્યાં જ ટેન્ક પાસે ઊભા રહી કદમના નાટકને જોવા લાગ્યો.

“કેમ ચિભડાભાઇ, મજા આવીને મારો જાદુ જોઇએ ? અરે...આવા તો કેટલાય જાદુ હું જાણું છું. ચાલો ખરેખર તમને બંનેને હું મુરઘા બનાવી દઉં એટલે મારું કામ પત્યું. કેમ કે ગયા જન્મમાં તમે બંને મુરઘા હતા અને હું મુરઘી. તમે બંનેએ મને બહુ જ ત્રાસ આપી આપીને મારી નાખી હતી. ચાલો મુરઘા બનવા તૈયાર થઇ જાવ.”

હાથના ખુલ્લાં પંજાને તે બંને સામે ગોળ ગોળ ફેરવતા કદમ કાંઇક બબડાટ કરવા લાગ્યો.

ટેન્ટ પાસે ઊભેલો પ્રલય કદમના કરતૂત જોઇને હસી પડ્યો હતો પણ અત્યારે સમય ન હતો. તેની હાથમાંથી રિર્વોલ્વર પ્રલયે તે બે ચીની સૈનિકોની સામે તાકી. ગોળો દબાવ્યો. ફિસ...ફિસ...ના અવાજ સાતે એકદમ ગોળ ગોળ ઘુમતી આગ ઓખતી ગોળીઓ છુટી અને તે બંનેના સીનામાં સમાઇ ગઇ.

બંનેની છાતીમાંથી લોહીના ફુવારા છુટ્યા. મરતા મરતા પણ તે બે સિપાઇઓના ચહેરા પર હજી આશ્ચર્યના ભાવ છવાયેલા હતા. બંનેએ છાતી પર હાથ ઘુમાવ્યો. બીજી ક્ષણે ધડામ કરતા પાછળ ઉથલી પડ્યા, અને ધરતી પર તે બંનેના દેહ તરફડીયા મારવા લાગ્યા.

“અરે... અરે...! મારા જાદુમાં કોણે ખલેલ પહોંચાડ્યો ?” આશ્ચર્ય સાથે કદમે ગોળી છૂટી હતી તે દિશામાં નજર કરી.

“ભાઇ છેલાલાલ હું તારો મોટો ભાઇ ચેલાલાલ છું, અને આ જોરદાર જાદું પણ મેં કર્યો છે.” હસતાં-હસતાં પ્રલય બોલી ઉઠ્યો.

“અરે...ચેલાલાલભાઇ તમે તો મારા બંને મુરઘાને હલાલ કરી નાંખ્યા... જ્યારે જોવું ત્યારે તમે મારા જાદુને નિષ્ફળ બનાવવાની કોશીસ કરો છો. આમ નહીં ચાલે, ચાલો ચેલાલાલ આ બંનેની છાતીમાંની ગોળીઓ ફરીથી તમારા રિર્વોલ્વરમાં લઇ લો. અત્યારે તો મારે આ બંનેને મુરઘા જ બનાવવા છે.”

“પરંતુ મારી પાસે સમય નથી એટલે હવે તમારા જાદુને બંધ કરો, મિ.ચેલાલાલ અને છેલાલાલ.” બંને એકદમ ચમકી જઇ પાછળ ફરીને જોયું.

સર સોમદત્ત ગંભીર મુદ્રામાં તેઓની સામે ઊભા હતા.

“યસ સર...!” આદર સાથે પ્રલય અને કદમ બોલી ઉઠ્યાં.

“પ્રલય... આ લાશોને આસપાસની ઝાડીમાં છૂપાવી દો. નહીંતર કોઇની નજરે આ મૃતદેહો પર પડશે તો વગર ફોગટની મુસીબતમાં...” કહેતાં મેજર સોમદત્ત ત્યાં બનેલા ટેન્ટમાં ઘુસી ગયા અને પછી ચેક કરવા લાગ્યા. મદદરૂપ થઇ શકે તેવી જ કોઇ જ બાતમી તેમને મળી નહીં. ત્યાં સુધી લાશોનો નિકાલ કદમ અને આદિત્ય કરી આવ્યાં.

“સૂર્યોદય થાય તે પહેલાં આપણે કોઇ એવી જગ્યા પર પહોંચી જઇએ કે પૂરો દિવસ કોઇની નજરે ચડ્યા વગર વીતાવી શકાય.” વિજયસિંહાએ કહ્યું.

“ચાલો, ઝડપ કરો... આપણે આ ગીચ જંગલમાં જ ક્યાંક દિવસ પસાર કરવો પડશે...” ઝડપથી આગળ વધતા સોમદત્ત બોલ્યા.

***