Operation Pukaar - 8 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન પુકાર - 8

ઓપરેશન પુકાર

વ્રજલાલ હિરજી જોષી

8 - સર્જિકલ સ્ટ્રાઇકનો અંત

“હોલ્ટ...”નો પહાડી અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. મેજર કતારસિંગ અને તેની સાથેના સિપાઇઓ કાંઇ પણ વિચારે કે સમજે તે પહેલાં ચીનના તે બે સિપાઇઓ પાછળથી રાઇફલો તાકીને ઊભા રહી ગયા.

મેજર કતારસિંગ અને તેના સાથીઓ એકદમ ચમકી ગયા પણ મોડું થઇ ગયું હતું. ચીનના બંને સિપાઇઓ તેઓની પાછળ રાઇફલો તાકીને ઊભા હતા.

મજેર કતારસિગ ક્રોધ સાથે દાંત કચકચાવ્યા અને પછી ધીમેથી પોતાની મશીનગન નીચે મૂકી હાથ ઊંચા કરીને ઊભા રહ્યાં, તેમના સાથે આવેલ બે સિપાઇઓએ પણ તેઓનું અનુકરણ કર્યું.

“શાબાશ...ચુહા હમારી જાલ મેં ફસ ગયા. જરાય હરકત કર્યા વગર હાથ ઊંચા કરીને ઊભા રહેજો નહીંતર અમારી રાઇફલની ગોળીઓ તમારી છાતીઓમાં હોલ કરીને પસાર થઇ જશે.” ધમકીભર્યા અવાજે તે એક સિપાઇ બોલ્યો.

મજેર કતારસિંગના ચહેરા પર થાક અને નિરાશા તરવરી રહી હતી. તે પોતાના સાથીઓ સાથે પૂરી રીતે ચીનના સિપાઇઓ સામે સંઘર્ષ કરતા રહ્યા હતા. પણ છેવટે તેઓ ચીનના સૈનિકોના હાથમાં સપડાઇ ગયા.

પૂરી રાત્રિના દોડમદોડ કરવાથી અત્યારે તેઓ થાકી ગયા હતા. આશાનું છેલ્લું કિરણ પણ ખતમ થઇ ગયું હતું. “ચીનાઓના હાથમાં પકડાવવા કરતા પોતે પોતાના સીનામાં ગોળી મારી દીધી હોત તો સારું થા.” મગજમાં દોડતા વિચારોને ખંખેરી તેઓ હાથ ઊંચા કરીને ઊભા રહ્યાં.

“ચાલો...તમને અમારે ઝંડા શહેરમાં લઇ જવાના છે. રસ્તામાં જરા પણ ચાલાકી કરશો તો બધા જ માર્યા જશો...” એક ચીની સિપાઇ રાઇફલની નાળને કતારસિંગની કમરમાં ઘુસાડતા બોલ્યો.

મેજર કતારસિંગનું મગજ અપમાન અને ક્રોધથી તમતમી ગયું, પણ તેઓ લાચાર હતા. ચીનના સૈનિકોના હાથમાં સપડાઇ ગયા હતા.

મન મક્કમ કરી તેઓ આગળ વધ્યાં. ચીની સૈનિકો તેઓને રાઇફલની નાળ વડે પાછળથી ધકેલતા હતા.

“ચાલો...જલદી, તમારું મોત તમને બોલાવે છે.ઝંડા પહોંચ્યા પછી તમે પોતે જ અમારી પાસે મોતની ભીષ માંગવાના છો.” એક સિપાઇ હસતાં હસતાં બોલ્યો.

“મોત... મોત તો તમારું આવી રહ્યું છે. હરામખોરો, હવે તમે બંને હાથ ઉપર કરો નહિંતર ભુંજી નાખીશ.” પાછળથી આવેલો અવાજ સાંભળીને બંને સૈનિકો એકદમ ચમકી ગયા અને પછી પાછળની તરફ નજર ફેરવી તેઓના હાથમાં પકડેલ ડીમ લાઇટવાળી ટોર્ચનો ગોળ પ્રકાશ વેરતો પાછળ ફર્યો અને બંને ચીની સૈનિકો એકદમ હેબતાઇ ગયા. હાથમાંથી રાઇફલો નીચે પડી ગઇ. આંખોમાં દહેશત ફેલાઇ ગઇ. જાણે કોઇ સ્વપ્ન જોયાં હોય તેમ તો તેઓની પાછળ મશીનગન લઇને ઊભેલા બીજા મેજર કતારસિંગને જોઇને સ્તબ્ધ બની ગયા.

“ત...તું...તું...કોણ છો ?” ધ્રુજતા અવાજે એક સિપાઇ બોલી ઉઠ્યો. હજુ તેઓને ભરોસો થતો ન હતો કે તેની આગળ અને પાછળ એમ બે કતારસિંગ ઊભા હતા.

“કેમ મજા આવીને ? તમને એક કે કતારસિંગ તમારા હાથમાં સપડાઇ ગયો છે. એટલે ખુશ થતા હતા પણ હવે આનંદ ક્યાં અલોપ થઇ ગયો ?” મેજર સોમદત્ત સખત અવાજે બોલ્યાં. મેજર સોમદત્ત અત્યારે બિલકુલ સામે ઊભેલા મેજર કતારસિંગ જેવા જ લાગી રહ્યા હતા. જાણે મેજર કતારસિંગની સામે આયનો મૂકી દેવામાં આવ્યો હોય. ખુદ મેજર કતારસિંગ પણ સ્તબ્ધ બનીને એકીટશે ટગર ટગર આંખો વડે પોતાની સામે ઊભેલા પોતાના પડછાયા જેવા કતારસિંગને જોઇ જ રહ્યાં હતાં.

“અસલ કતારસિંગ હું છું, ચાલો તમે બંને હાથ ઊચા કરી ઘૂમી જાવ.” સખત અવાજે મેજર સોમદત્ત ચીની સિપાઇઓની છાતી તરફ મશીનગન રાખતાં બોલ્યાં.

“પણ...પણ...કતારસિંગ તો આ છે...” ધ્રુજતો એક સિપાઇ બોલ્યો.

“ના, અસલી કતારસિંગ હું છું. તમે મારા ડુપ્લિકેટને લઇ જઇ રહ્યા હતા. માટે હવે તે ડુપ્લીકેટની સાથે તમે પણ તમારા હાથને ઉપર કરી દો. મને વારંવાર સૂચના આપવાની આદત નથી.”

મેજર સોમદત્તનો સખત ક્રોધભર્યો ચહેરો જોઇને તે ચીની સૈનિકોએ પોતાની રાઇફલો નીચે મૂકી દીધી અને પાછળ ફરી જઇ હાથ ઊંચા કરી દીધા.

“પાછળ જોયા વગર તમે અહીંથી ભાગી છુટો. નહિતર હું પાંચ બોલ્યા પછી તમને ગોળી મારી દઇશ.” મેજર સોમદત્ત ઊંચા સ્વરે બોલ્યા અન બીજી જ ક્ષણે ગાડી ચૂકી જવાના હોય તેમ પગ માથા પર મૂકીને તે સૈનિકો દોડ્યા.

“આપ...આપ...કોણ છો?” મેજર કતારસિંગ મેજર સોમદત્તની સામે આશ્ચર્યથી જોતા પૂછ્યું.

“મેજર કતારસિંગ...તમને છોડાવવા માટે હું ભારતથી આવ્યો છું એટલું જ બસ નથી ?”

“ઓ.કે. સર? હવે આપણે હવે શું કરવાનું છે ?”

“મારા સાથીઓ અહીંથી થોડે દૂર એક સ્થળ પર આપણી વાટ જુએ છે, આપણે જેમ બને તેમ જલદી ત્યાં પહોંચવાનું છે.”

“સર...આપ મેજર કતારસિંગને અહીંથી લઇ જઇ તમારા સાથીઓ પાસે પહોંચી જાવ. અમે બંને તમારી પાછળ ચીની સૈનિકોને રોકતાં-રોકતાં આવીએ છીએ અને અમારી વાટ તમે જોતા નહી. અહીં જગંલના એક-એક ખૂણા પર ચીની સૈનિકો છે. જો તમારી પાસે અમે ન પહોંચ્યા તો સમજી લેજો અમે માં ભારતની રક્ષા કાજે શહીદ થઇ ગયા છીએ.”

મેજર સોમદત્ત તે સૈનિકની સામે જોઇ જ રહ્યાં. આ હતી ભારતીય સૈનિકોની માતૃભૂમિ પરની સાચી લાગણી, દેશભકિત અને વીરતા.

“તમે સૌ આગળ વધો. અમે તમારા સૌની પાછળ રહીને ચીની સૈનિકોને રોકતો ત્યાં આવું છું.સર...! હવે ખોટો સમય બગાડવાનો નથી. આસપાસ ઘણા જ ચીની સૈનિકો ફેલાયેલા છે.” બીજો સિપાઇ બોલી ઉઠ્યો.

“ઓ.કે. તમે બંને માં ભારતના સપૂત છો, હું ગમે તેમ કરી મેજર કતારસિંગને ભારતની સીમાની અંદર લઇ જઇશ, તેમ કરતાં મને મોત આવશે તો પણ પરવા નથી. જય હિન્દ...” બોલતાં મેજર સોમદત્તે તે બે સૈનિકોને સલામી આપી. પછી ઝડપથી મેજર કતારસિંગને લઇને આગળ વધ્યા.

નાની-મોટી પહાડીઓ પસાર કરતા મેજર સોમદત્ત, મેજર કતારસિંગને લઇને પોતાના સાથીઓ જે તરફ હતા તે સ્થળો લઇ જવા આગળ વધતા હતા. વચ્ચે એક ચીની સૈનિકો તેઓની ઝપટમાં આવી ગયો હતો. પણ મેજર સોમદત્તે તેની પાસેની રાઇફલ ઝુંટવી લઇ પછી દોડાવી દોડાવીને ખૂબ જ દૂર મૂકી આવ્યા હતા.

થોડી થોડી વારે ગોળીઓના ધમાકા વાતાવરણમાં થતા હતા. પણ પછી મૌન સન્નાટો પ્રસરી જતો હતો.

અચાનક ભૈરવ પક્ષીની કિલકિલાટનો અવાજ ગુંજી ઉઠ્યો.

“અરે...મને લાગે છે કે સર આવી ગયા છે, આ તો સાંકેતિક અવાજ છે.” કદમ આનંદમાં આવી ગયો.

“ચાલો, સર આવી જાય, સાથે મેજર કતારસિંગ આવી જાય એટલે જલદી ભારતની બોરડરમાં ઘુસી જઇએ.” ઉત્સાહપૂર્વક વિજયસિંહાએ કહ્યું.

અચાનક તેઓની સામે બે મેજર સોમદત્ત પગટ થતા જોડી વાર માટે સૌ આશ્ચર્યમાં પડી ગયા.

મેજર કતારસિંગ આબેહુબ મેજર સોમદત્ત જેવા જ લાગી રહ્યાં હતા. આ પણ કુદરતનો કરિશમા હતો કે બંને એકબીજાના હમશકલ હતા.

“સર...”

“સર...!” આશ્ચર્યના ઉદ્દગાર સૌના મોંમાંથી નીકળી ગયાં.

“ આ છે મેજર કતારસિંગ...” મેજર સોમદત્ત સ્મિત સાથે બોલ્યા.

“પણ સર...!” વિજયસિંહા બોલવા ગયા. પણ મેજર સોમદત્તે હાથ લાંબો કરી બંનેને બોલતા અટકાવી પોતે બોલ્યા, મારા હમસકલ છે, તેથી જ આ મિશન આપને સોંપવામાં આવ્યું છે.

“ખરેખર, ફિલ્મના રામ ઔર શ્યામની જોડી લાગે છે.” કદમ બોલ્યો. સૌ હસી પડ્યાં.

અચાનક વૃક્ષોની ડાળીઓના ખડખડાટથી સૌ વાતો બંધ કરી અને એકદમ સતર્ક થઇ ગયા. બધાના હાથમાં અત્યારે એ.કે.56 પકડેલી હતી. જે ગમે તે ક્ષણે ગોળીઓનો વરસાદ કરવા તે તૈયાર હતી.

ખડખડાટના અવાજ પછીની થોડી પળો શાંતિની હતી. પણ ત્યારબાદ વૃક્ષોના ઝૂંડમાથી બે સિપાઇઓ રાઇફલો લઇ બહાર નીકળી આવ્યા અને જ્યાં મેજર સોમદત્ત વગેરે છુપાયા હતા તે ટેકરીની તરફ દોડવા લાગ્યા.

“કોઇ ગોળી ન ચલાવતા... આ તો મારા બે સાથીઓ છે.” કતારસિંગ ધીમા દબાતા અવાજે બોલ્યા અને પછી કોર્ડવર્ડ ભાષામાં ચીસ નાંખી. દોડતાં તે બંને સિપાઇઓના પગમાં બ્રેક લાગી હોય તેમ ઊભા રહ્યા અને ચારે તરફ જોવા લાગ્યા. અચાનક તેઓની નજર નાની ટેકરી પાસે છુપાયેલા કતારસિંગ પર પડી જે સફેદ રૂમાલ હાથમાં રાખીને હલાવી રહ્યાં હતા.

બંને સિપાઇઓ તરત તે સ્થળ પર કતારસિંગ પાસે આવી ગયા.

“સર...! અમે આવી ગયા છીએ...” મેજર કતારસિંગને સેલ્યુટ મારતાં બંને બોલ્યા, “હવે આપણા સિપાઇઓમાંતી કોઇ અહીં આવવાના બાકી છે....” મેજર કતારસિંગે પૂછ્યું.

“ના... સર... આપણા બાકીના બધા જ સિપાઇઓ ભારતની બોર્ડર તરફ પહોંચી ગયા છે...” એક સિપાઇએ કહ્યું.

“સરસ...! તો ચાલો સૌ જલદી...” મેજર કતારસિંગના ચહેરા પર આનંદના ભાવ છલકાતા હતા.

“પણ સર...” બીજો સિપાઇ બોલ્યો.

“શું પણ...? શું વાત છે.?”

“સર...! અમે એટલા ઝડપથી દોડતાં અહીં આવ્યા પહોંચ્યા છીએ કેમ કે આગળ એક ચોકી પરથી વાયરલેસ ફોન દ્વારા ત્યાંથી ઝંડા વાત થતી હતી અને આ તે વાત આપણા વિષયમાં જ હતી. તેઓ આપણે છટકી ગયા છીએ તેવી સૂચના આપતા હતા. ત્યારે સામેથી કહેવામાં આવ્યું હતું કે સામેથી લગભગ પચાસ સિપાઇઓની ટીમ લગભગ ત્યાં પહોંચવાની તૈયારી પર છે. અને તે સિપાઇઓ સાથે તમે સૌ જંગલ ફેંદી નાખજો અને કતારસિંગ અને ભારતીય સિપાઇઓને પકડી પાડો અથવાર ઠાર કરી નાંખજો.એ લોકોની વાત સાંભળી પુરવાટ વેગે સાથે દોડતાં અહીં આવી ગયા.”

“એનો મતલબ એ જ કે હજુ આપણી સામે ચીનનુ લશ્કર ટકરાવવાનું છે...” વિચારવશ અવસ્થામાં બોલતા મેજર કતારસિંગ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી તેઓ બોલ્યા, “ચાલો, જલદી આપણે ગમે તે થાય પમ આગળ દબાંગ સિયાંગ નદી પરનો પુલ પસાર કરી જવો પડશે, તો જ ચીનના લશ્કરના હાથમાં છટકી શકીશું.”

“પણ સર...! તેઓ આગળ પર આપણો પીછો તો પકડવાના જ છે ને.” પ્રલય બોલ્યો.

“તેવું નહીં થાય... ચાલો ઝડપથી પુલ પાર કરી આપણે પુલને જ ઉડાવી નાંખીશું પછી આટલા ઘોડાપુર નદીના પાણી વચ્ચેથી પસાર થઇને પેલી તરફ નહીં આવી શકે...” વિજયસિંહા બોલ્યો.

“પણ પુલ ઉડાડવા જેટલો સમય આપણી પાસે ક્યાં છે...?” કદમે પૂછ્યું.

“સમય... કદમ સમય હાથમાંથી છટકી જાય તે પહેલા આપણે પુલ ઉડાડીને ભારતની બોર્ડર પર પહોંચી જઇશું...” વિજયસિંહાના ચહેરા પર મક્કમતા હતી.

“જે કરવું હોય તો જલદી કરો, હમણાં જ ચીની સિપાઇઓ પહોંચી આવશે તો બોર્ડર પાર કરી શકીશું નહીં...” કતારસિંગ બોલ્યા.

“આપણી પાસે પુલ ઉડાડવા માટે જોઇતી સામગ્રી છે...?” કતારસિંગે મેજર સોમદત્ત સામે જોયું.

“હા... આપણી પાસે પૂરતાં પ્રમાણમાં બારુદનો જથ્થો છે... પણ...”

“સર...! આપ ચિંતા ન કરો. પુલ હું ઉડાડી દઇશ, તમે સૌ પુલ પસાર કરીને આગળ વધી જાવ...” મક્કમતાભર્યા અવાજે પ્રલયો બોલ્યો.

“પ્રલય... પુલ ઉડાડવો આસાન નથી અને તું એક શું કામ પુલ ઉડાડા... આપણે સાથે જ છીએ તો સૌ સાથે મળીને પુલ ઉડાડશું.” કદમે પૂછ્યું.

“આપણી પાસે સમય નથી જે કરવું હોય તે જલ્દી કરો...” હોઠ ચાવતા કતારસિંગ બોલી ઉઠ્યા.

“સર... અમે સૌ તૈયાર જ છીએ...” કહેતાં આદિત્ય પુલના બાજુમાં ચીન તરફ ચીની સૈનિકોએ બનાવેલી ઝૂંપડી તરફ દોડ્યો અને પછી એક કોથળો ઉઠાવી એટલી જ ઝડપથી ત્યાં આવી પહોંચ્યો.

સૌ ઝડપથી કોથળામાં મૂકેલો, છુપાવેલો સામાન બહાર કાઢવા લાગ્યા.

અને પછી ત્યાં રીતસરની દોડમદોડી શરૂ થઇ ગઇ. ચાવી લાગેલા પૂતળા જેમ બટન દબાવતા શરૂ થઇ જાય તેમ સૌ ફટાફટ પુલ પર બારુદની જાળ બિછાવવા લાગ્યા.

અચાનક ઘોર અંધકારને ચીરતો પ્રકાશપૂંજ જોઇને મેજર સોમદત્ત ચમકી ગયા.

તેઓના ચહેરા પર ચિંતાની લકીરો ફેલાઇ.

“સાથીઓ... ચીની સૈનિકો આવી રહ્યાં છે. મને નથી લાગતું કે તેઓ અહીં આવી પહોંચે આપણે પુલને ઉડાડી દઇ શકીએ. જુઓ, સામે દૂર-દૂર પ્રકાશપૂંજ દેખાઇ રહ્યો છે. ચોક્કસ ઝંડા શહેરમાંથી ફોજની બટાલીયન આપી પહોંચી છે.”

મેજર સોમદત્તની વાત સાંભળી સૌ ચમકી ઉઠ્યા. કામ કરતાં સૌના હાથ એકાએક બ્રેક લાગી ગયા. સૌએ દૂર –દૂર દેખાતાં પ્રકાજપૂંજની સામે જોયું.

“સર...! અવાજ નથી આવતો એટલે તેઓ આપણાથી હજુ ઘણા દૂર છે. આપણે જલ્દી કરીએ તો ચોક્કસ પુલ ઉડાડી દઇશું...” પ્રલય બોલ્યો.

“એક કામ કરો હું અને સર ચીની બટાલિયન જે તરફથી આવે છે, તે તરફ જઇને ગોળીબાર કરતાં-કરતાં તેઓને રોકવાની કોશિશ કરીએ ત્યાં સુધી તમે સૌ બારૂદની જાળને બીછાવી દો.” વિજયસિંહા ઝડપથી બોલ્યો.

“હા, એ વાત ઠીક છે.... ચાલો હું પણ તમારી સાથે આવું છું ચાલો સર...” ગંભીર મુદ્રામાં આદિત્ય બોલ્યો.

“ચાલ... આદિત્ય, વિજયસિંહાનું કહેવું બરાબર છે. આપણે તેઓની સામે જઇને તેઓને રોકી રાખીએ...” મેજર સોમદત્ત મનમાં કોઇ નિર્ણય લઇ બોલ્યા. અને પછી વિજયસિંહા અને આદિત્ય સાથે જંગલમાં દેખાતા પ્રકાશપૂંજની સામે થવા લાગ્યાં.

આદિત્યના હાથમાં થેલો હતો તેમાં બોમ્બ મૂકેલા હતા. સૌના હાથમાં એકે-47 પકડેલી હતી.

ધીમે-ધીમે ચીની સૈનિકોની બટાલીયન તરફથી રાડારાડનો અવાજ પણ સંભળવા લાગ્યો.

મેજર સોમદત્ત લગભગ દોડતા હતા અને તેની પાછળ વિજયસિંહા અને આદિત્ય દોડતા હતા. નાની મોટી ટેકરીઓને તો તેઓ જમ્પ મારી કૂદી જતા હતા.

આ તરફ પ્રલય, કદમ, મેજર કતારસિંગના સાથીઓ સાથે પુલ પર બારૂદની જાળ બીછાવવા લાગ્યા.

દરેક મિનિટની તેઓને કિંમત હતી. જો ચીની બટાલીયન ત્યાં પહોંચી આવે તો ત્યાંથી તેઓનો સામનો કરતા-કરતા જવાનું મુશ્કેલ હતું.સૌના દિલ જોરજોરથી ધડકતા હતા. ચિંતા છોડીને તેઓ ફટાફટ કામે લાગ્યા હતા. ઠંડો પવન વાતો હોવા છતાંય સૌના ચહેરા પરસેવાનું બુંદ ટપકી રહ્યાં હતાં.

ચંદ્ર આથમી ગયો હતો. વાદળાંઓથી ભરાયેલું આસમાન એકદમ શૂન્ય પ્રકાશ અને શૂન્ય અવકાશ જેવું ભાસી રહ્યું હતું. દૂર-દૂર જંગલી નિશાચર પ્રાણીઓની ચીસોનો અવાજ સંભળાઇ રહ્યાં હતાં. થોડી-થોડી વારે આકાશમાં થતી વીજળીના પ્રકાશનો લાભ લઇ સૌ કામ કરી રહ્યાં હતાં.

ટેકરીઓની આડ લેતાં તેઓ આગળ વધી રહ્યાં હતા. હવે સામેથી આવતી ચીની બટાલિયનના અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.

“જલદી પોઝિશન લઇ લો... દુશ્મનોની બટાલિયન એકદમ નજદીક આવી પહોંચી છે.” ધીમા સુસવાતા અવાજે મેજર સોમદત્ત બોલ્યા અને પછી તેઓ જમ્પ મારીને એક ટેકરીની આડમાં છૂપાઇ ગયા. ત્યાંથી સામે આવતી બટાલિયનના હાથમાં રહેલી ટોર્ચના પ્રકાશ દેખાતો હતો.

મેજર સોમદત્તે દાંત કચકચાવ્યા અને પછી તેઓના હાથની આંગળીઓ 47ની ટ્રીંગર ઉપર દબાઇ.

ધાંય...ધાંય...ધાંય...ગોળીઓનો અવાજ સાથે વાતાવરણ કંપી ગયું. કેટલીય ચીસોના અવાજ પણ સાથે ફેલાયા.

આદિત્ય અને વિજયસિહા પણ અલગ-અલગ ટેકરીઓની પાછળ પોઝીશન લઇને આવતી બટાલિયન પર ગોળીઓનો વરસાદ વરસાવવાનો શરૂ કરી દીધો.

“ચારેબાજુ છુટા થઇને ફેલાઇ જાવ...” કોઇની બૂમ સંભળાઇ. “દુશ્મનો આસપાસ છે. તેનો ઘેરો નાંખો અને ખત્મ કરી નાંખો.” ક્રોધભર્યા અવાજ ઝંડા સિટીથી બટાલિયન લઇ આવેલા મેજર લીનસુંનો હતો. તે કોઇ પણ સંજોગોમાં મજેર કતારસિંગને છટકલા દેવા માંગતો ન હતો.

હજુ વાતાવરણમાં અંધકારની સાથે ખોફભર્યો સન્નાટો ફેલાયેલો હતો. થોડી-થોડી વારે ગોળીઓના અવાજ ભેંકાર સન્નાટામાં ગુંજી ઉઠતાં અને પછીથી ખામોશી પોતાના સામ્રાજ્યને ફેલાવી દેતી હતી.

મેજર સોમદત્તનો ચહેરો અત્યારે તપાવેલા તાંબા જેવો લાગતો હતો. તેઓ હોઠ ભીંસીને ટેકરી પાછળથી ધીરેકથી સરકતા-સરકતા આગળ વધ્યા.

કદમ, પ્રલય અને કતારસિંગના સાથીઓ પુલ પર દોડા-દોડી કરતા બોમ્બ ગોઠવતા હતા. તેઓને પણ હવે દેકારાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. મજેર કતારસિંગ વારંવાર હોઠ ચાવતા હતા. હર એક ક્ષણ કિંમતી હતી. જો લશ્કર ત્યાં પહોંચી આવે તો તેઓની મનની વાત મનમાં જ રહી જાય અને પુલ ઉડાડવાને બદલે ત્યાંથી નાસી જવામાં પણ ખતરો પેદા થાય તેમ હતો.

કદમ પુલની બહારની તરફની રેલિંગ પર બંને હાથનાં પંજા વડે લટકતા-લટકતો ધીમે-ધીમે આગળ સરી રહ્યો હતો. તેના ખભા પર તારનો ફિંડલો લટકતો હતા. જેમાંના તારને તે પુલના બહાર તરફના ખાંચામાં એક હાથે અટકાવતો. જ્યારે તે એક હાથે તારને અટકાવતો હતો ત્યારે તેનું શરીર એક જ હાથના સહારે પણ પાણીની ઉપર પુલ લટકતું હતું. કદમના ચહેરા પર પરસેવાના બુંદો ટપકતા હતા છતાં પણ તેનું મન એકદમ મક્કમ હતું. પ્રલય પુલના ઠેક-ઠેકાણે બોમ્બને તાર સાથે ફિક્સ કરીને સિરીયલ બનાવતો હતો. કતારસિંગ તેને મદદ કરતા હતા, તો તેના સિપાઇઓ પલીતો બનાવી વાટને આગ ચાંપવા માટે બેટરીના પાવરથી કનેક્ટ કરવાની તૈયારીમાં હતા.

મેજર સોમદત્ત છાતી સરતા સૂઇને મગરમચ્છની જેમ સરકતા આગળ વધી રહ્યાં હતા. તેના હાથમાં પકડેલી એ.કે.47 ગમે ત્યારે ગોળીઓ ઓકવા માટે તૈયાર હતી. મજેર સોમદત્તના હાથની આંગળીઓ તેના ટ્રીગર પર સખત રીતે દબાયેલી હતી.

ઘેરો સન્નાટો ખાવા દોડતો હતો અને તે સાથે દેડકાં અને તમરાના ગુંજતા અવાજ દિલની ધડકન વધારવા માટે પુરતા હતા.

મેજર સોમદત્ત ટેકરી પાછળથી સરક્યા. આગળ કોઇ ધીમા અવાજે વાત કરી રહ્યું હતું અને તેનો અવાજ એકદમ ધીમો મેજર સોમદત્તના કાને પડ્યો.

હોઠ પીસીને મેજર સોમદત્ત ટેકરી પાછળથી આગળ વધ્યા, જે તરફથી અવાજ આવ્યો હતો.

તે જ પળે વીજળીના ઉજાગર થયેલા વાતાવરણમાં ચાર ચીની સિપાઇઓને તેમણે છૂપાઇને બેઠેલા જોયા.

દાંત ભીંસી મેજર સોમદત્તે ટ્રીગર પરની આંગળીઓ દબાવી તેઓનું નિશાન એકદમ સચોટ હતું.

ગોળીઓના ધમાકા સાથે સૈનિકોની ચીસો ત્યાં ગુજી ઉઠી.

ત્યાં છૂપાયેલા તે ચારે સિપાઇને ગોળી વાગી હતી. હવે મેજર સોમદત્ત ઊભા થઇને ઝડપથી મોટા વૃક્ષની ઓથ લઇ આગળ આવ્યા. નદી જેવામાં કોઇ હિલચાલ દેખાઇ નહીં. મેજર સોમદત્ત આત્મવિશ્વાસ સાથે તે મૃત્યુ પામેલા ચાર સિપાઇની લાશ પાસે આવ્યા.

ફરીથી એક વખત વીજળીનો ચમકારો થયો અને ક્ષણ માટે ઉજાગર થયેલા પ્રકાશમાં તેમણે એક સિપાઇને પોતાની તરફ મશીનગન લંબાવીને પોતાને ટાર્ગેટ બનાવવાની સંપૂર્ણ તૈયારીમાં જોયો.

મેજર સોમદત્ત એકદમ સ્તબ્ધ બની ગયા. તેઓ જરાપણ હિલચાલ કરે કે મશીનગનથી નિશાન તાકે તે પહેલાં જ ધમાકાઓની સાથે કેટલીય આગ ઝરતી ગોળીઓ તેના સીના તરફ ધસી ગઇ.

બચવાનો કે બચાવ કરવાનો કોઇ જ ચાન્સ ન હતો. દરેક ક્ષણે મોત તેઓની નજીક ધસી આવતું જોયું.

અને પછી વાતાવરણમાં જોરદાર ચીસનો અવાજ ગુંજી ઉઠ્યો. કારમી ચીસના અવાજે સૌને હલબલાવી દીધા.

ખોફ અંધકારમાં ત્યાં શું બની ગયું તેની કોઇને ખબર પડી નહીં. પણ ચીસોના અવાજથી જંગલ ખળભળી ઉઠ્યું.

મેજર સોમદત્તે પૂરા વેગ સાથે તેના પર થયેલા ગોળીબારમાં મોતરૂપી ગોળીઓ તેના સીના તરફ ધસી આવતી જોઇ, પણ એ જ ક્ષણમાં મેજર સોમદત્ત ન તો ગોળી ચલાવી શકવાની અવસ્થામાં હતા, ન પોતાનો બચાવ કરી શકે તેમ હતા.

ચીસના જોરદાર અવાજથી પુલ પર બારૂદ ગોઠવતા પ્રલય, કદમ સાથે સૌ સિપાઇઓ પણ ચમકી ગયા. તે નીકળેલી મોતની એક ક્ષણ પહેલાની ચીસ હતી. ચીસનો અવાજ ખતમ અને બીજી ક્ષણે ચીસ નાંખનારનું શરીર લથડ્યું, અને સીધા મોંએ ધરતી પર પછડાયું.

સૌ એકદમ દિગ્મુઢ બની ગયા.

“શું દુશ્મનની મશીનગનમાંથી નીકળેલી બધી જ ગોળીઓ મેજર સોમદત્તના સીનામાં સમાઇ ગઇ હતી...?”

“શું દેશનો જાંબાજ સિપાઇ મોતથી ડરી જઇને ચીસો પાડતો હતો ?”

ખરેખર શું થયું તેની કોઇને ખબર પડતી ન હતી. ઘોર અંધકારની આડમાં ધરતીની દરેક જગ્યા અંધકારની આગોશમાં ડૂબી ગઇ હતી. પાછળ છુપાયેલા દુશ્મને એકાએક સામે આવી મેજર સોમદત્ત પર ગોળીબાર કર્યો હતો.

ચીસ સાંભળી સૌ કોઇ હેબતાઇ ગયા હતા.

તે જ વખતે ઘોર અંધકારને ચીરતી વીજળીનો જોરદાર કડાકો થયો અને પછી ફરી એક વખત અંધકારની આગોશમાં ડુબી ગયેલા વાતાવરણમાં પ્રકાશ ઉજાગર થયો.

મેજર સોમદત્ત પોતાના બંને હાથ છાતી પર ભીંસી દીધા હતા. તેઓનો ચહેરો તરડાઇ ગયો હતો. જિંદગી અને મોતની બાજીમાં મેજર સોમદત્તને લાગ્યું કે તેઓ હારી ગયા છે, તેનો ખેલ ખતમ થઇ ગયો. ક્ષણ બે ક્ષણમાં જ તે મોતની આગોશમાં સમાઇ જશે.

પણ, આશ્ચર્ય તેઓની છાતી પર ફરતો હાથ કોરો હતો. તેની છાતીમાં ગોળી લાગી હોય તો લોહીના ફૂવારા ઉડ્યા હોય અને તેઓ નીચે પડી જઇ તરફડીયા મારતાં છેલ્લા શ્વાસ ખેંચાતા હોય, પણ ગોળી પોતાની સીનામાં લાગી જ હતી. દુનિયાની આઠમી અજાયબીની જેમ મેજર સોમદત્તે પોતાની છાતી પર હાથ પ્રસરી ગોળી વાગી નથી તેની ખાતરી કરી લીધી. પણ ત્યારે થયેલ જોરદાર ગર્જના અવાજમાં મોતની છેલ્લી ચીસ કોણ પાડી તે તેઓની સમજમાં આવ્યું નહીં. પણ પછી થયેલા વીજળીના ક્ષણિક પ્રકાશમાં પોતાની આગળ છાતી પર હાથ દબાવી ધરતી પર પછડાતા શખ્સ પર નજર પડી.

“કોણ...?” તે શખ્સ મેજર સોમદત્તની તૂટતી જીવનની દોર બચાવવા માટે મેજર સોમદત્ત પર છોડેલી ગોળીઓને પોતાના સીનામાં સમાવી લીધો હતી. ધબ કરતા તે પડ્યો અને તે જ વખતે વીજળીનો ચમકારો થયો. દિગ્મૂઢ બની ગયેલા મેજર સોમદત્ત જાણે સંમોહનમાંથી ભાનમાં આવ્યા હોય તેમ ચમક્યા, તેના દિમાગમાં જોરદાર ઝાટકો લાગ્યો.

પોતાના પર છોડવામાં આવેલી ગોળીઓ પોતાના સીનામાં ધરબી દઇ મેજર સોમદત્તનો જાન બચાવનાર બીજો કોઇ નહીં પણ વિજયસિંહા હતો. જેવી દુશ્મનોએ મેજર સોમદત્તને મારવા ગોળીબાર કર્યો તે જ ક્ષણે જમ્પ મારીને તેમ મેજર સોમદત્તની આગળ પડ્યો અને ગોળીઓ મેજર સોમદત્તને બદલે તેના સીનામાં ઘુસી ગઇ.

લાલચોળ અંગારા જેવી તગતગતી આંખોએ મેજર સોમદત્તે સામેની તરફ નજર કરી. જોરથી ચીસ પાડી તેની ચીસનો અવાજ વાતાવરણમાં પડઘાની જેમ ઘુમતો રહ્યો.

ચાર સિપાઇ જેઓ મેજર સોમદત્ત તરફ ધસી આવ્યા હતા. તેઓએ મેજર સોમદત્તનું સ્વરૂપ જોઇને હેબતાઇ ગયા. તેઓને લાગ્યું કે તેઓની સામે જંગલનો કોઇ ક્રોધે ભરાયેલો શેર ઊભો છે. તેઓ ગભરાયા અને બે કદમ પાછળ હટી ગયા. તે જ વખતે ટેકરી પરથી જમ્પ મારીને આદિત્ય કૂદ્યો. તેનો દેહ હવામાં અધ્ધર લહેરાતો ધરતી પર આવે તે પહેલા તેના હાથમાં પકડેલા બોમ્બને તેણે દુશ્મનો પર ઝીંકી દીધો.

ભયાનક ધડાકા સાથે બોમ્બ ફાટ્યો અને મેજર સોમદત્તની સામે મશીનગન તાકી ઊભેલા સૈનિકોના દેહના ચીંથરા ઉડી ગયા.

બોમ્બના ધડાકાઓના અવાજ સાથે જ કર્નલ તીનસુંનો ચિત્કાર પણ વાતાવરણમાં ઘુમી રહ્યો.

તે પોતાની બટાલિયનને પાછળ હટી જવાનો હુકમ આપતો હતો. છતાં સૈનિકો ગોળીબાર કરતા-કરતા પાછળ ખસવા લાગ્યા, ત્યારે જ આદિત્યે તેની સામે બીજો બોમ્બ ઝીંકી દીધો. જોરદાર ધડાકાના અવાજથી જંગલ ખળીભળી ઉઠ્યું. દૂર-દૂર પ્રાણીઓના ચિત્કાર સંભળાતા હતા. સામેથી ગોળીબાર બધ થતાં જ મેજર સોમદત્ત નીચે બેસી ગયા અને નીચે તરફડતા વિજયસિંહાનું માથું પોતાના ભુજાઓમાં સમાવી લીધું.

“બેટા... બેટા... તે... તે... મારી જિંદગી બચાવવા માટે તારી જિંદગીને મોતની ભેટ ધરી દીધી. એવું કરવાની તારે શું જરૂર હતી ? બેટા... મારી જાન કરતાં તારી જિંદગી કિંમતી હતી. તે તેને લૂંટાવી દીધી...” મેજર સોમદત્તનો સ્વર ગળગળો થઇ ગયો.

વિજયસિંહાએ આંખો ખોલી પછી પોતાના માથાને પોતાના સીના સાથે દબાવી બેઠેલા મેજર સોમદત્ત સામે જોયું. તેના ચહેરા પર વિજયભર્યું સ્મિત ફેલાયું.

“સ... સર... આપની જાન દેશ માટે ઘણી કિંમતી છે. તમે ભારતના શૂરવીર યોદ્ધા છે.” કહેતાંની સાથે જ વિજયસિંહાનો અવાજ તરડાયો. “સર... સર...” એટલું બોલતાં જ તેની જિંદગીનો સમય પૂરો થઇ ગયો તે મોતની આગોશમાં હંમેશા માટે સૂઇ ગયો. તેની છાતીમાંથી ઉડતા લોહીના ફુવારાએ મેજર સોમદત્તને ભીંજવી નાંખ્યા. મેજર સોમદત્ત જેવા દેશના મહાન યોદ્ધાની આંખોમાં પાણી ભરાઇ આવ્યું. ટપકતાં આંસુઓના બુંદ ટપકીને મેજર વિજયસિંહાની છાતી પર જે શ્રદ્ધાંજલી રૂપે પડ્યા. ત્યારબાદ વિજયસિંહાનું માથું ધરતી પર રાખીને મેજર સોમદત્ત ઊભા થયા અને વિજયસિંહાને સેલ્યુટ મારી.

“ધન્ય છે તને ભારત માતાના સપૂત તારું બલિદાન હું એળે નહીં જવા દઉં...” કહેતાં મેજર સોમદત્ત ઊભા થયા...તેના હાથમાં પકડેલી મશીનગન હરકતમાં આવી ગઇ. ધાંય... ધાંય... ધાંયના અવાજો ગુંજી ઉઠ્યા અને ત્યારબાદ ચીની સૈનિકોની કેટલીય ચીસો ગુંજી ઉઠી. મેજર સોમદત્ત એસ.એલ.આર.થી સતત ગોળીબાર કરતા પાગલોની જેમ ગોળીઓ છોડતા દુશ્મનો સામે દોડી ગયા. વીજળીના ક્ષણિક ચમકારામાં તેનું સ્વરૂપ જોઇ સિપાઇઓ હેબતાયા અને પછી પોતાના હથિયારોને ત્યાં જ મૂકી ગીચ જંગલની અંદર દોડી જઇ અર્દશ્ય થઇ ગયા.

“સર... સર...” મેજર સોમદત્ત હજુ ગોળીબાર કરતા હતા. “સર...!” કહેતાં આદિત્ય મેજર સોમદત્તની સામે દોડી ગયો અને તેમને બાથમાં લઇ લીધા. ભારતના વીર સપૂતની અંગારા જેવી લાલ આંખોમાં આંસુ વહી રહ્યાં હતા.

પ્રલય, કદમ અને મેજર કતારસિંગ પણ ત્યાં દોડી આવ્યાં.

“સર...!” પહેલાં કદમ બોલ્યા પછી,

“સર...!” પ્રલય બોલ્યો અને પછી, બંને તેના ગળે વળગી પડ્યા. કતારસિંગ જાંબાજ સિપાઇ અને દેશના મહાન યોદ્ધાને જોઇ જ રહ્યા.

“ગમે તે થાય પણ આપણે વિજયસિંહાના મૃતદેહને ભારતની ધરતી પર લઇ જઇને આ તેના અગ્નિસંસ્કાર કરવાના છે.” ગમગીન ચહેરા સાથે મેજર સોમદત્તે કહ્યું.

“સર... અમે લઇ ચાલશું. વિજસિંહા જેવા સૂપતના મૃતદેહને પૂરા સન્માન સાથે અગ્નિ સંસ્કાર ભારતમાં કરીશું...” મેજર કતારસિંગ સાથે આવેલા સિપાઇઓ બોલ્યા.

વિજયસિંહાના પાર્થિવ શરીરને તરત જ પુલની બીજી બાજુ ખસેડવામાં આવ્યો. મેજર સોમદત્ત હજુ ગમગીન હતા.

પુલને ઉડાડી દેવા માટે બધા બોમ્બ ગોઠવી દેવામાં આવ્યા. હતા. દૂર-દૂર હજુ ચીની લશ્કરના સૈનિકોના અવાજ ગુંજતા હતા.

બધા જ પુલને પેલે પર આવી ગયા એટલે પ્રલયે બેટરીના કનેક્શન જોડ્યા. તરત સ્પાર્ક થયો અને પછી બનેલી વાટ સળગવા લાગી. થોડી ક્ષણે થઇ હતી ત્યાં જ જોરદાર ધમાકાઓના અવાજો સાથે પુલ તૂટી પડ્યો.

એક જ રાતમાં પૂરું કરેલ મિશન કામયાબ રહ્યું હતું. કતારસિંગ અને તેના સાથીઓ ભારતની ધરતી પર પરત આવી પહોંચ્યા હતા.

વિજયસિંહાના અવસાને સૌને ગમગીન કરી દીધા હતા.

સવારનો પહોર ફાટ્યો અને પછી રક્તરંજિત સૂર્યના પ્રકાશથી ધરતીના હિમાદ્રી ભારતના જાંબાજ સપૂતો મિશન પૂરું કરી ભારતની બોર્ડરમાં આવી પહોંચ્યા હતા. ગૃહસચિવે મેજર સોમદત્ત અને તેમના સાથીઓને જાનના જોખમે ખેલેલા મિશન માટે ધન્યાવાદ આપ્યાં.

મધ્યરાત્રિના કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર પૂરા ભારતમાં ફેલાઇ ગયા હતા.ટી.વી. ચેનલોમાં સતત મેજર સોમદત્ત અને તેના સાથીઓએ કરેલ સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર આવતા હતા.

તે દિવસનો ઉગેલો સૂર્ય ભારતવર્ષ માટે અનેરો બની ગયો.

વંદે માતરમ (મા તુઝે સલામ, હે મા તુઝે સલામ)

સમાપ્ત